Sunday, August 21, 2016

તમને મળવાનું થાય નહીં તો હવે અફસોસ નથી, થોડામાં જીવી છુ અનેક ભવોનું.....

વેદાંત પોતાની ડાંગમાં હમણાં  શરૂ થયેલી નવી સાઈટની ઓફિસમાં બેઠો હતો, ઓફિસની બારીના  પારદર્શક કાચમાંથી તે બહાર જોઈ રહ્યો હતો, ધીમો  વરસાદ વરસી રહ્યો હતો, છતાં સાઈટ ઉપર મજુરો કામ કરી રહ્યા હતા, તે શુ વિચારમાં હતો તેની  પોતાને  પણ ખબર ન્હોતી, છતાં તેનું મન એકદમ શાંત હતુ, તે વિચારશુન્ય હતો, ત્યારે જ તેના ધ્યાનમાં આવ્યુ કે બહાર કામ રહેલી એક યુવતીએ વેદાંતને જોતા જ પોતાના માથે ઓઢી લીધુ હતું, આ એક સંજોગ હતો, પણ કદાચ પેલી મજુર યુવતીને લાગ્યુ કે વેદાંત તેને જ નીરખી રહ્યો છે, પણ વેદાંતની પહેલી નજરમાં તેના મગજના તારમાં ઝબકારો થયો, તેને લાગ્યુ આને તો હું મળ્યો છુ.. તેણે ખુબ યાદ કરી જોયુ પણ કઈ જ યાદ આવ્યુ નહીં, તે જ વખતે વેદાંતની ઓફિસમાં કામ કરતા મુનીમ કાકા આવ્યા, તેમણે સાહેબ કહેતા વેદાંત એકદમ  ઝબકી ગયો, તેમણે કેટલીક સહી લેવા માટે વેદાંત સામે કાગળો ધર્યા, હજી વેદાંતની નજર પેલી યુવતી તરફ જ હતી, મુનીમકાકાએ પણ વેદાંતની નજર કયા છે તે જોઈ લીધુ હતું.વેદાંતે પેન હાથમાં લેતા પુછયા મુનીમકાકા.. પેલી છોકરી કોણ છે. તેમ કહી તેણે બારીની બહાર કામ કરતા મજુરો તરફ ઈશારો કર્યો, કાકાને આશ્ચર્ય થયુ કારણ તે વેદાંતને નાનો હતો ત્યારથી ઓળખતા હતા, કાકા પહેલા વેદાંતના પપ્પા સાથે કામ કરતા હતા અને તેમના ગુજરી ગયા પછી વેદાંત સાથે કામ શરૂ કર્યુ હતું, પણ આજ સુધી વેદાંતે કોઈ સ્ત્રી સામે ઉચી નજરે જોયુ ન્હોતુ તો આજે શુ થયુ..

મુનીમકાકાએ પોતાના ચશ્મા સરખા કરી બારી બહાર જોઈ કહ્યુ... કોણ પેલી માથે ઓઢયુ છે.. વેદાંતે હા પાડી. કાકાએ કહ્યુ તે તો  શ્યામલી છે.. વાંસદા પાસેના  ગામની  છે, વેદાંત કઈક વિચારતો રહ્યો.. મુનીમકાકાએ પુછયુ શુ થયુ સાહેબ..વેદાંતે તરત સીધા ફરી કાગળો ઉપર સહીઓ કરતા કહ્યુ કઈ નહીં મુનીમકાકા અમસ્તુ જ પુછતો હતો.પછી દિવસો પસાર થવા લાગ્યો, વેદાંતને કોણ જાણે શ્યામલીનો ચહેરો પોતાની આંખ સામેથી હટતો જ ન્હોતો તે  સતત તેના વિચારોમાં રહેવા લાગ્યો,શ્યામલી ગોરી પણ ન્હોતી અને કાળી પણ ન્હોતી, તેનો રંગ આછો તપકીરી રંગ હતો, જાણે હમણાં માટીનું તાજુ લીપળ કર્યુ હોય તેવુ લાગતુ હતું, એકવડી બાંધો હતો, રોજ મજુરીએ આવતી હતી, હવે તો શ્યામલીને પણ ખબર પડી કે વેદાંત તેને જોયા કરે છે, જો કે તેને આ પ્રકારે ધારીને અનેક પુરૂષો જોતા હતા, પણ કોણ જાણે શ્યામલીને વેદાંતની નજરની બીક લાગતી ન્હોતી આમ કરતા કરતા છ મહિના થયા,એક દિવસ વેદાંતે સુચના આપી શ્યામલીને પોતાની ઓફિસમાં બોલાવી, સાઈટ ઓફિસ હતી અને લગભગ ચારે તરફથી ખુલ્લી જ હતી એટલે બહાર ઉભી રહેલી વ્યકિતઓ પણ અંદર જોઈ શકે તેમ હતું, એટલે વેદાંત કઈ છુપાવી શકે તેમ ન્હોતો, શ્યામલી આવી.....

શ્યામલી આવતા જ વેદાંત તરત ઉભો થયો તેણે શ્યામલીને સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો , પહેલા તેણે ના પાડી પણ ફરી વખત ઈશારો કરતા તે ખુરશીમાં બેઠી, વેદાંત ઉભા  થઈ ટેબલની બહાર આવ્યો, ઓફિસના ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી, ગ્લાસમાં પાણી ભરી શ્યામલી સામે મુકયો, તે વખતે શ્યામલીએ નજર ઉપર કરી વેંદાત સામે જોયુ, શ્યામલી કામ કરતા કરતા આવી હતી તેના કારણે તેના કપાળ ઉપર પરસેવાની બુંદો હતી, એક ક્ષણ તો વેદાંતને લાગ્યુ કે હાથ રૂમાલ કાઢી તેનો પરસેવો લુછે, પણ તે તેવુ કરી શકયો નહીં, વેદાંત એકદમ બારી પાસે ગયો અને બહારની તરફ નજર કરી અદબવાળી ઉભો રહી ગયો, તેના શ્વાસ ઉંડા ચાલતા હતા, શ્યામલીએ પાણીનો ગ્લાસ મોંઢે માડયો અને એકી શ્વાસે પાણી પી ગઈ, તેણે ગ્લાસ મુકતા વેદાંત સામે જોયુ.. તેની શ્યામલી તરફ પીઠ હતી, શ્યામલીને હજી ખબર ન્હોતી કે તેને કેમ બોલાવી છે, એટલે તેણે કહ્યુ સાહેબ મને કેમ બોલવી છે.. તે શબ્દ સાંભળતા જ વેદાંતે પીઠ ફેરવી શ્યામલી સામે જોયુ.. તે જોતો જ રહ્યો અને બે ડગલાં આગળ આવી ઉભો રહ્યો તેની અને શ્યામલીની નજર એક થઈ હતી, તે એકીટશે શ્યામલીની આંખો વાંચી રહ્યો હોય તેવુ લાગતુ હતું., બન્ને વચ્ચે કોઈ સંવાદ ન્હોતો

તેણે ધીમા અવાજે વિનંતીના સુરમાં પુછયુ.. શ્યામલી.. પછી થોડુ રોકાયો અને પુછયુ મારી સાથે લગ્ન કરીશ, શ્યામલીના ચહેરા ઉપર કોઈ ડર અથવા સંકોચ કે પછી ગુસ્સો ન્હોતો, તેણે પણ એટલા જ ધીમા અવાજે પુછયુ સાહેબ તમારા લગન નથી થયા ..વેદાંતે પોતાના ફેફસામાં શ્વાસ ભરતા કહ્યુ થયા છે, અને એક દિકરો પણ છે.. તો પણ હું તારી સાથે લગ્ન કરવા માગુ છુ.શ્યામલી જોઈ રહી કઈ જવાબ આપ્યો નહીં..શ્યામલીને ચુપ જોઈ વેદાંતે કહ્યુ તારી સાથે જોઈ જબરજસ્તી નથી, તુ મારે ત્યા કામ કરે છે તેનો ફાયદો લેવા પણ માગતો નથી, મને તુ ગમે અને તને હું મારી પત્ની બનાવવા માગુ છે એટલુ મારે તને કહેવાનું હતું, નિર્ણય તારો જ રહેશે.. બન્ને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. સંવાદ વગર પણ વાત તો થઈ રહી હતી, શ્યામલી કઈ પણ બોલ્યા વગર ઉભી થઈ ચાલવા લાગી, શ્યામલીનો નિર્ણય કઈ પણ હોઈ શકે, પણ વેદાંતે પોતાની વાત કહી દીધી હોવાને કારણે તેના મનનો ભાર હળવો થયો હતો.. તે હવે ફરી બારીની બહાર વરસતા વરસાદને જોઈ રહ્યો હતો, વરસાદની બુંદો વૃક્ષના પાદડા ઉપર બાજેલી હોવાને કારણે પાદડા જાણે વેદાંત સાથે વાત કરી રહ્યા હોય તેવો તેને ભાસ થતો હતો.. બીજા છ મહિના પસાર થઈ ગયા પછી વેદાંતે કયારેય શ્યામલીને પોતાની ઓફિસમાં બોલાવી ન્હોતી, તે રોજ કામ ઉપર નિયમિત આવતી હતી...

સાઈટનું કામ પુરૂ થવા આવ્યુ હતું, હવે વેદાંત અમદાવાદ પાછો ફરવાનો હતો, કેટલાંક હિસાબો કરવાના બાકી હતા તે કરી રહ્યો હતો ત્યારે જ તેના કાને અવાજ સંભળાયો.. સાહેબ તેણે નજર ઉચી કરીને જોયુ તો સામે શ્યામલી હતી, તે તરત ફાઈલ બંધ કરતા અંદર આવવાનો ઈશારો કર્યો, તે અંદર આવી અને કીધા વગર ખુરશીમાં બેસી ગઈ.. પહેલા ખાસ્સો સમય નજર નીચી રાખી બેસી રહી, પછી તેણે નજર ઉચી કરતા પુછયુ સાહેબ સાચ્ચે જ લગન કરવા માગો છો. વેદાંત પોતાની કોણીઓ ટેબલ ઉપર ટેકવી આગળ આવતા કહ્યુ હા શ્યામલી તુ મને ગમે છે  અને હું તારી સાથે લગન કરવા માગુ છુ. તે જ દિવસે સાંજે વેદાંત ડાંગના જ એક મંદિરમાં શ્યામલીને લઈ ગયો અને ભગવાનની સાક્ષીએ તેના માથામાં સિંદુર ભરી તેને પત્નીનો દરજ્જો આપ્યો. આ વાતની જયારે બધાને ખબર પડી ત્યારે આધાત લાગ્યો હતો, આટલો મોટો શેઠ મજુર સાથે લગ્ન કરે, પણ સૌથી વધુ આધાત તો મુનીમકાકાને લાગ્યો, કારણ સૌથી પહેલા તેમની નજર સામે વૈદેહી આવી હતી, હવે વૈદેહી અને વિરાજનું શુ થશે તેની કલ્પનાએ તેમને ડરાવી મુકયા હતા......

બીજા દિવસે વેદાંત શ્યામલીને લઈ અમદાવાદ જવા નિકળ્યા, શ્યામલી પાસે પોતાનું એક નાકડુ પોટલુ હતું જેમાં તેના કપડા સિવાય કઈ ન્હોતો, હવે વેદાંતના મનમાં પણ ગડમથલ ચાલી રહી હતી, રસ્તામાં વેદાંતે પોતાના ઘરમાં કોણ કોણ છે તેની જાણકારી આપી હતી, અમદાવાદના નવરંગપુુરાા  વિસ્તારમાં વેદાંતનો આલીશાન બંગલો હતો, કાર બંગલાના કંપાઉન્ડમાં દાખલ થતાં શ્યામલી આટલુ મોટુ ઘર જોઈ દંગ રહી ગઈ હતી, ડોરબેલ વાગડતા જ નોકરે દરવાજો ખોલ્યો, ત્યાં જ અંદરથી એક અવાજ સંભળાયો શંકર કોણ આવ્યુ છે.. સ્ત્રીનો અવાજ સાંભળી શ્યામલીના પગ એક ક્ષણ માટે થંભી ગયા, વેદાંતે તેના ખભા ઉપર હાથ મુકી અંદર આવવા કહ્યુ. ત્યાં વૈહેદી બહાર આવી, પણ વેદાંત સાથે કોઈ સ્ત્રી જોતા તે પણ અટકી ગઈ, વેદાંતે શ્યામલી તરફ ઈશારો કરતા કહ્યુ આ શ્યામલી છે હવે આપણી સાથે રહેશે, વૈદેહી સ્તબ્ધ થઈ ગઈ, વેદાંત કહ્યુ હું તારી સાથે વાત કરીશ, પછી બધા સાથે જમ્યા પણ ત્રણે વચ્ચે કોઈ સંવાદ થયો નહીં..જમીને ઉભા થયા ત્યારે વિરાજના રડવાનો અવાજ આવ્યો. એટલે તરત વૈદેહી ઉભી થઈ બેડરૂમમાં ગઈ અને વિરાજને તેડીને બહાર આવી, શ્યામલી નાનકડા વિરાજને જોઈ રહી હતી, વિરાજ બે વર્ષનો હતો, પણ જેવી વિરાજની નજર એક નવા ચહેરા ઉપર પડી તેની સાથે તેણે રડવાનું બંધ કરી દીધુ અને તેના ચહેરા ઉપર એક હાસ્ય આવ્યુ જાણે તે પણ શ્યામલીને ઓળખતો હતો, વિરાજ મોંગલ ચાઈલ્ડ હતું, પણ વેદાંત અને વૈદેહી તેને ખુબ પ્રેમ કરતા હતા, સામાન્ય રીતે મોંગલ ચાઈલ્ડ સામાન્ય માણસો જેમ લાંબુ જીવતા નથી.

તે રાત્રે વેદાંતે બેડરૂમમાં વૈદેહી સામે બધી જ વાત કરી તે ખુબ રડી હતી, વેદાંત પણ રડયો તેણે કહ્યુ જો વૈદેહી હું તને પ્રેમ કરતો નથી તેવી વાત નથી, હું તને પહેલા દિવસે પ્રેમ કરતો હતો એટલો જ આજે કરૂ છુ, પણ ખબર નહીં કેમ મારી જીંદગીમાં શ્યામલી કયાંથી આવી તેની મને ખબર જ પડતી નથી, આવુ કેમ થયુ તેનો કોઈ તર્ક મારી પાસે નથી, હું તને પણ છોડવા માગતો નથી, આપણે સાથે રહેવુ છે. વૈદેહી કઈ બોલી નહીં, પછી વેદાંત અને વૈદેહી વચ્ચે ઘણા દિવસ સુધી કોઈ વાત થઈ નહીં, વેદાંત પણ અંદરથી ડીર્સ્ટબ હતો તેને એ પણ સમજાતુ હતું કે કદાચ આવતીકાલે વૈહેદી આવો નિર્ણય કરે તો તેના માટે કેટલો અસહ્ય બની જાય, પણ તે દરમિયાન બન્યુ એવુ કે વિરાજ બીમાર પડયો તેની તબીયત એકદમ બગડી , તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો, તેને ઘરે લાવ્યા પછી શ્યામલી તેની દરકાર લેતી હતી, પહેલા તો વૈદેહીને તે બાબત ગમતી ન્હોતી, પણ તેણે જોયુ તો વિરાજ પોતાની પાસે ખુશ રહેતો તેના કરતા વધુ શ્યામલીના હાથમાં હોય ત્યારે વધારે ખુશ લાગતો, આવુ કેવી રીતે થાય તે વૈદેહીને પણ સમજાતુ ન્હોતુ.

ધીરે ધીરે વૈદેહી શ્યામલી સાથે વાત કરવા લાગી હતી, જો કે તેની વાતમાં પોતાનાપણુ ન્હોતુ, છતાં અસ્વીકાર પણ ન્હોતો, કયારે ખરીદી કરવાની હોય તો તે શ્યામલીને સુચના આપતી કે વેદાંત સાથે શોપીંગ મોલમાં જઈ આવ.અને બન્ને સાથે બહાર જતા હતા, વેદાંત અસમંજસમાં હતો વૈદેહીના વ્યવહારથી, બીજી તરફ  વિરાજ મોટો થવા લાગ્યો હતો, વિરાજ અને શ્યામલીને સાથે જુવો તો લાગે કે શ્યામલી જ તેની સગી મા છે, તે વિરાજનું ખુબ ધ્યાન રાખતી હતી, તે પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. પછી ફેમેલી ફંકશનમાં વેદાંત-વૈદેહી અને શ્યામલી સાથે જતા હતા, ફંકશનમાં જતા પહેલા વૈદેહી કેવુ ડ્રેસીગ કરવુ તેની સુચના શ્યામલીને આપતી હતી,  વિરાજ સ્પેશીયલ સ્કુલમાં જતો હતો, પેરેન્ટ મિટીંગમાં વૈદેહી અને શ્યામલી સાથે જ જતા હતા, એક વખત એક શિક્ષકે શ્યામલીનો પરિચય પુછતાં વૈદેહી કહ્યુ હતું વિરાજને બે મમ્મી છે, તે વખતે શ્યામલીએ વૈદેહીએ સામે આદરભાવથી જોયુ અને તેની પાપળો બહાર આવી રહેલા પાણીને રોકી શકી ન્હોતી.

વિરાજ પંદર વર્ષનો થયો હશે ત્યારે તેને એકદમ ઉઘરસ આવવા લાગી, ઘરમાં વૈદેહી અને શ્યામલી એકલા જ હતા, તેમણે બધા જ પ્રયત્ન કર્યા પણ કોઈ ફેર પડયો નહીં, શ્યામલીએ તરત વેદાંતને ફોન કર્યો તેણે વિરાજને લઈ હોસ્પિટલ પહોંચવાની સુચના આપી અને તે પણ ત્યાં સીધો પહોંચ્યો, વિરાજ આઈસીસીયુ વોર્ડમાં હતો, તેને સિવિયર એટેક આવ્યો હતો, ડૉકટરે કોઈ એક જ સગાને વિરાજ પાસે રહેવાની પરવાનગી આપી હતી, વૈદેહીએ જ શ્યામલીને વિરાજ પાસે રહેવાનું કહ્યુ હતું, વિરાજની આંખો બંધ હતી પણ તેણે શ્યામલીનો હાથ પકડી રાખ્યો હતો, ડોકટર મોનીટર પર હાર્ટ બીટ અને પલ્સ રેટ મોનીટર કરી રહ્યા હતા, ત્યારે વિરાજે પકડેલો શ્યામલીનો હાથ ઢીલો પડયો, શ્યામલીએ તરત ડોકટર અને મોનીટર સામે નજર કરી તેની પલ્સ તુટી રહી હતી, ડોકટરે તરત ઈજેકશન આપવાની શરૂઆત કરી શ્યામલી વિરાજનો હાથ પકડી રાખવા માગતી હતી, પણ તે પંજો ઢીલો પડી રહ્યો હતો ત્યારે પલ્સ અને હાર્ટ બીટ શુન્ય તરફ ગતી કરવા લાગ્યા હતા , વિરાજ બધાને મુકી ચાલી નિકળ્યા ત્યારે વૈદેહી અને શ્યામલી એકબીજાને વળગી ખુબ રડયા.

વિરાજ ગયો તેને એક મહિનો થયો હશે, શ્યામલી સવારે તૈયાર થઈ વૈદેહીએ પુછયુ કયાં જાય છે.. તેનો જવાબ સાંભળી તેણે બુમ પાડી વેદાંતને બોલાવ્યો. તે પણ શ્યામલીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો, શ્યામલીએ કહ્યુ હું જેને પ્રેમ કરતી હતી તે હવે અહિયા રહ્યો નથી, મને સતત એક એક રૂમમાં તેના હોવાનો ભાસ થાય છે તેણે વૈદેહીનો હાથ પકડતા કહ્યુ મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આવતા જન્મે વિરાજ મારી કુખે આવે, હું મારા ગામ જઈ રહી છુ, કદાચ વિરાજ વગરની જીંદગી હું અહિયો કલ્પી જ શકતી નથી, તેની નાનકડી જીંદગીમાં તે મને ઘણુ જીવાડી ગયો, વેદાંત અને વૈદેહીને અનેક વિનંતી છતાં શ્યામલી પોતાને ગામ પાછી ફરી ગઈ, કયારેક વેદાંત અને વૈદેહી તેને મળવા ગામ જાય છે પણ તે અમદાવાદ પાછી કયારેય આવી નથી.

10 comments:

  1. After reading the article I come to conclusions that there is a combination of variety of love.The real love between husband and wife extra love affair wife and extra wife love for child buy real mother and extra mother etc.

    ReplyDelete
  2. Fantastic.....If Aashutosh Govariker or any other film producer read it, he make new film on this...try & send to him...really

    ReplyDelete
  3. Sarji sachhe j real story che...!!!!!!!!!!!!!!!

    ReplyDelete
  4. Dada Satya gatna sodhva mateno parisharam ane raju karvani adbhut kala ne Salam 🙏👍🌹

    ReplyDelete