Saturday, March 18, 2017

નરેન્દ્ર મોદીને હું પસંદ કરતો નથી, પણ EVMમાં ગરબડ થઈ તે વાત સાથે પણ સંમત્ત નથી.

ઉત્તર પ્રદેશનું પરિણામ મારા જેવા લાખો લોકો માટે આશ્ચર્યજનક હતું, પણ જે પરિણામ આવ્યુ છે તે ખેલદીલીપુર્વક સ્વીકારવુ જોઈએ, કારણ તમે અને હું રાજકારણમાં નથી, આપણા એક નાગરિક તરીકે ગમાઅને અણગમા હોય તે આપણી વ્યકિતગત બાબત છે, મારા જેવા મોટા ભાગના લોકોનો મત હતો કે ભાજપ જીતે તો વાંધો નથી, પણ નરેન્દ્ર મોદી હારવા જોઈએ, પણ આપણને અને અનેક  ભાજપીઓને પણ પસંદ ના  પડે તેવી બાબત એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપ કરતા પણ મોટા થઈ ગયા છે.

ભારતના સૌથી મોટા પ્રદેશ એવા ઉત્તર પ્રદેશમાં જયા નાત-જાત, દલિત અને મુસ્લીમના નામે મતદારો વહેચાયેલા હોય ત્યારે ભાજપ કેવી કેવી રીતે આટલી બધી બેઠકો જીતી ગયું તેવો પ્રશ્ન છે. પરિણામ બાદ તરત વિરોધીઓ દાવો કરવા લાગ્યા કે ભાજપે ઈવીએમ મશીન સાથે ચેડા કરી વિરોધીઓના મત પોતાની તરફ કરી લીધા હતા, વ્યકિતગત રીતે હું નરેન્દ્ર મોદીને પસંદ કરતો નથી, છતાં નરેન્દ્ર મોદી અથવા તેમના ભાજપ પક્ષે ઈવીએમ સાથે કોઈ ચેડાં કર્યા હોય તે વાત સાથે હું સંમત્ત નથી, ઉત્તર પ્રદેશના પરિણાનને હું માત્ર જનાધાર કહુ છુ જે આપણે સ્વીકારવો જ જોઈએ.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા, કેશુભાઈ પટેલની હટાવી, તેઓ મુખ્યમંત્રી થયા ત્યાર બાદ ગુજરાત ભાજપની એક પણ બેઠકમાં વધારો થયો નથી, ત્રણ ત્રણ વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવનાર નરેન્દ્ર મોદી ખરેખર ઈવીએમ સાથે ચેડાં કરતી શકતા તો તેમને બેઠકો વધારી શકયા હોત પણ તેવુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી કરી શકયા નથી, ઉત્તર પ્રદેશની સાથે પંજાબની ચુંટણી પણ હતી, કોઈ પણ માણસ જયારે ખોટુ કરવા નિકળે ત્યારે પ્રમાણ ભાન રહેતુ નથી, જો નરેન્દ્ર મોદી ચેડા કરી ચુંટણી જીતી શકતા તો પંજાબ ભાજપ હારતુ નહી, ગોવામાં ભલે ભાજપની સરકાર બની પણ જનાધાર ભાજપ સાથે ન્હોતો, ગોવામાં તો ભાજપની જ સરકાર હતી છતાં ચુંટણીમાં તેઓ બહુમત મેળવી શકયા ન્હોતા.

નરેન્દ્ર મોદીના ભાષણો હું છેલ્લાં પચ્ચીસ વર્ષથી સાંભળુ છું અને વ્યકિતગત રીતે પણ તેમને એટલા  જ વર્ષોથી ઓળખુ છુ, તેઓ જે બોલે છે તેવુ જ વર્તે છે તેવુ નથી, પણ એક મતદાર તરીકે જેઓ તેમની પહેલી વખત સાંભળ છે ત્યારે તેમની વાત સાથે તમારે તેમની સાથે સંમત્ત થયા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, તેમના વાત શબ્દોમાં ખોટી છે તેવુ કોઈ કહી શકતુ નથી.જયા સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે ત્યાં સુધી મુસ્લીમોએ ભાજપને મત આપ્યા તે વાત સંદ્દતર ખોટી છે,. મુસ્લીમો કયારે ભાજપને મત આપે નહીં, ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો હતા તે સમાજવાદી અને બહુજન સમાજવાદી વચ્ચે વહેચાઈ ગયા જયારે હિન્દુ મતો એક તરફ એટલે ભાજપ તરફ પડયા જેના કારણે આ પરિણામ આવ્યા છે, જેમા ઈવીએમ સાથે કોઈ ચેડાં થયા નથી તેવુ હું મોદી વિરોધી હોવા છતાં ખાતરીપુર્વક કહી શકુ છુ.

Thursday, March 16, 2017

મે મારી દિકરીને કહ્યુ તુ નાપાસ થાય તો પણ મને વાંધો નથી.

મારા માતા પિતા બંન્ને ભારત સરકારમાં નોકરી કરતા હતા, તેમની મારી સામે ફરિયાદ હતી કે તેઓ રાત દિવસ મારી માટે મહેનત કરે છે, અને હું ભણવામાં ધ્યાન આપતો નથી, મને બરાબર યાદ છે કે હું ધોરણ આઠમાં હતો, ત્યાં સુધી મને ખબર ન્હોતી કે પરિક્ષામાં કેટલા માર્ક આવે તો આપણે પાસ થઈ શકીએ, મારૂ વાર્ષિક પરિક્ષાનું પરિણામ આવ્યુ, તે દિવસે મને યાદ આવ્યુ કે ફરી આજે મારા માતા-પિતા કાયમની જેમ મારી સામે લેકચર આપશે, એટલે મેં મારા બાજુમાં બેઠેલા મિત્રને પુછયુ કે ભાઈ આપણે કેટલા માર્ક મળે તો પાસ કહેવાઈએ ? તેણે જવાબ આપ્યો તે પાસ થવા માટે 35 માર્ક જોઈએ. મે મારા પરિણામ સામે જોયુ અને ખુશ થયો, મે મને આશ્વાસન પણ આપ્યુ કે 35 માર્ક બહુ મોટી વાત નથી.

હું ઘરે પહોંચ્યો ત્યારે મારા પિતાના હાથમાં ગૌરવભેર મેં કહ્યુ કે લો તમે કાયમ ફરિયાદ કરો છો કે હું ભણતો નથી, તો જોઈ લો મારૂ પરિણામ..તેમણે મારૂ પરિણામ હાથ લીધુ.. જોયુ અને મારા ગાલ ઉપર તમાચો માર્યો( તેમણે મારી જીંદગીમાં મારેલો પહેલો અને છેલ્લે તમાચો હતો) હું અચંબામાં પડી ગયો, કોઈ દિકરો પોતાના પિતાના સારૂ પરિણામ આપે અને પિતા તમાચો મારે એવુ તો કઈ રીતે બને ? હું ગાલ ઉપર હાથ ફેરવતો વિચારમાં પડી ગયો.. તેમણે મારા ચહેરા ઉપરના પ્રશ્નાર્થને જોઈને કહ્યુ બેટા એક વિષયમાં 35 માર્ક જોઈએ ત્યારે તારા તો તમામ વિષયના કુળ ગુણ 35 થાય છે. મારે આઠમુ ધોરણ ફરી ભણવુ પડયુ.

સામાન્ય રીતે માતા-પિતા પોતાના સંતાનોને પોતાની નિષ્ફળતાની વાત કરતા નથી, પણ આ ઘટના હું મારી દિકરી પ્રાર્થના અને દિકરા આકાશને અનેક વખત કહી ચુકયો છુ, ધોરણ આઠમાં મળેલી નિષ્ફળતા પછી મેં કઈ બહુ મોટા તીર માર્યા ન્હોતા, પણ પાસ થવા એટલા માર્ક મેળવ્યા હતા, હું મારા બંન્ને સંતાનોને મારી નિષ્ફળતાની વાત એટલા માટે કહું છે કે મારા 30 વર્ષના પત્રકારત્વમાં મને કોઈએ ધોરણ 10-12 અને થર્ડ ઈયરની માર્કશીટ માગી નથી, તો જેના ગુણનો  તમારી આવનારી જીંદગીમાં કોઈ મહત્વ જ નથી તો તેના માટે જીવને તાળવે ચોટાડી દેવાનો શુ અર્થ છે. મારી દિકરી ધોરણ 10માં છે, હું તેને પહેલા દિવસથી કહેતો આવ્યો છુ કે તું પરિક્ષામાં નાપાસ થઈશ તો પણ મને વાંધો નથી, કારણ તુ મોટી થઈશ ત્યારે કોઈ તને નોકરી આપતા પહેલા તારા 10માં ધોરણની માર્કશીટ માંગવાનું નથી, માટે તુ નાપાસ પણ થઈશ તો પણ મને કે તારી મમ્મીને કોઈ વાંધો આવશે નહીં.

અમે તને પ્રેમ કરી છીએ નહીં કે તારી માર્કશીટ અથવા તારી સફળતાને તુ જેવી છે તેવી અમારી છે. તે મને કહે છે કે હું કયારે નાપાસ થઈશ નહીં, પણ મેં તને કહ્યુ કે માની લો કે તુ નાપાસ થાય તો આપણે તેની પણ પાર્ટી રાખીશુ, કારણ નિષ્ફળતાની કોઈ પાર્ટી કરતુ નથી આપણે એક નવી પ્રથા શરૂ કરીશુ., તે બીન્દાસ છે, તે પરિક્ષા છેલ્લાં કલાકમાં પણ ટીવી જુવે છે અને ફોન ઉપર વાતો કર્યા કરે છે. હું નિશ્ચીત છુ કારણ મને તેની બોર્ડની પરિક્ષા કરતા તે જીંદગીની પરિક્ષામાં પાસ થાય તેની સાથે નીસ્બત છે. મારા દિકરો આકાશ પહેલાથી શિક્ષણમાં હોશીયાર છે( ખબર નહીં મારા પુત્રને શિક્ષણ સાથે કેવી રીતે લગાવ થયો) તે છેલ્લાં પાંચ વર્ષથી યુપીએસસીની તૈયારી કરતો હતો, થોડા દિવસ પહેલા તેણે મને કહ્યુ મારે યુપીએસસી કરવુ નથી.

મેં કહ્યુ કઈ વાંધો નહીં, તને મઝા પડે તે કર, કદાચ તને એવુ લાગે કે કોલેજ પુરી કર્યા પછી મારે ઓટો રીક્ષા ચલાવી છે, મને તેમાં મઝા આવે છે તો હું તને ઓટો રીક્ષા લાવી આપીશ, પણ તુ જે કામ કરે તેમાં તને મઝા આવવી જોઈ, હું મારા સ્વપ્ના તેની ઉપર થોપવા માગતો નથી, હું જયા નિષ્ફળ થયો તેમાં મારા સંતાનો સફળ થાય તેવો મારો જરાય પણ આગ્રહ નથી, આખરે દરેક પાલક પોતાના સંતાન ખુશ રહે તેવુ જ ઈચ્છે છે તો તેની ખુશી કઈ બાબતમાં છે તેને તો પુછવુ  જ પડશે.બાળકની સફળતાનો યશ આપણે લઈએ છીએ ત્યારે તેની નિષ્ફળતામાં પણ આપણે સામેલ થવુ પડશે.