Saturday, August 6, 2016

તે જતા પહેલા તેના પ્રેમપત્રો મને આપતી ગઈ.

ત્યારે મારી ઉમંર માંડ સાત-આઠ વર્ષની હશે, તે દિવસ મને બરાબર યાદ છે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હતા, મારા મમ્મી-પપ્પા બન્ને નોકરી કરતા હતા, ઘરમાં હું તેમનું મોટુ સંતાન, મારા પછી મારો નાના ભાઈ જે મારાથી ત્રણ વર્ષ નાનો હતો. મમ્મી-પપ્પા મને નોકરી કરતા હોવાને કારણે મેઘાણીનગરમાં જ લોકોના ઘરે ઘરકામ કરતા એક મરાઠી બહેનને ત્યાં અમને ઓફિસે જતા મુકી જતા હતા, અમે તેમને આજી કહેતા હતા, આજીનો અર્થ ગુજરાતી માં દાદી થાય છે. આજી બહુ પ્રેમાળ હતા, ખુબ ધ્યાન રાખતા, છતાં મને તેના ઘરે કયારેય ગમ્યુ નહીં, મને સતત લાગતુ કે મારા બીજા મીત્રોની જેમ મારી મમ્મી પણ ઘરે રહે તો કેવુ સારૂ.

તે દિવસે મને ગુસ્સો આવ્યો કે કંટાળો આવ્યો તેની મને ખબર નથી, પણ આજીના ઘરેથી નિકળી સીધો મારા ઘરની નીચે આવી બેસી ગયો, મને ખબર હતી, મારા ઘરે કોઈ નથી, છતાં મમ્મી-પપ્પા આવે ત્યાં સુધી હું અહિયા જ ઘરની નીચે બેસીશ તેવુ નક્કી કર્યુ હતું. હું નજરે નહીં પડતા આજીએ મારી શોધખોળ તો કરીશ હશે, મારા ઘરની નીચે એક શેરડીના સંચાવાળો હતો, હું તેના સંચાની બાજુમાં બેસી ગયો, થોડી થોડી વારે ઘર તરફ જોતો હતો, એક કલાક-બે કલાક ત્રણ કલાક ત્યાં જ બેઠા બેઠા પસાર થયા હશે, શેરડીના સંચાવાળાને ત્યાં કોઈ ગ્રાહક આવે તો તે તેમને રસ પીવડાવતો હતો, હું ત્રાસી આંખે રસના ભરેલા ગ્લાસ તરફ જોઈ લેતો હતો, મને ભુખ પણ લાગી હતી, ખીસ્સામાં પૈસા તો હોય નહીં, અને મારે રસ પીવો છે તેવુ કહેવાની હિમંત પણ થાય નહીં. પણ મારી સતત ફરતી નજર જોઈ રસવાળાને ખ્યાલ આવી ગયો હશે તેણે મારી સામે શેરડીના રસનો ગ્લાસ ધર્યો અને કહ્યુ બેટા પી લો પહેલા,  તો મેં ના પાડી, પણ મારા પેટની ખાલી જગ્યાને કારણે હું વધારે વખત ના પાડી શકયો નહીં અને રસ પી લીધો.

સમય આગળ વધતો ગયો, હું મોટો થવા લાગ્યો છતાં મને મનમાં સતત એવુ થયા કરતુ, મારી મમ્મી નોકરી ના કરે તો ના ચાલે..મને મમ્મી નોકરી શુ કામ કરે છે તે જ  સમજાતુ ન્હોતુ, પચાસ વર્ષ પહેલા બહુ ઓછી સ્ત્રીઓ નોકરી કરતી હતી, મારા બાળ માનસમાં ઉભા થતાં સવાલનો  હું સંમત્ત થઉ તેવો જવાબ મને  મળતો ન્હોતો. મારા  પપ્પા સ્વભાવે અત્યંત પ્રેમાળ અને દયાળુ હતા, જટ કોઈની ઉપર ભરોસો મુકી દેતા હતા, જયારે મમ્મી સ્વાભાવે કડક અને શીસ્તની આગ્રહી હતી, એટલે તે મને કયારેય ગમતી ન્હોતી, છતાં કોણ જાણે મમ્મીની હાજરીમાં હું સલામતીનો અહેસાસ કરતો હતો.

પિતા પાસેથી મળેલી  સ્વંતત્રતા અનેક વખત સ્વછંદતામાં પણ ફેરવાઈ ગઈ, સવારે દસથીછ નોકરી કરનાર મારા પિતા એક સરકારી માણસ હતો, રોજ સવારે પીંતાબર પહેરી પુજા-પાઠ કરવા અને નોકરી અને ચાર માણસના પરિવાર સિવાય તેની કોઈ જીંદગી ન્હોતી.મારી ઉમંર ત્રીસ વર્ષની હશે, હું પત્રકારત્વમા પ્રવેશી ચુકયો હતો, રોજના ક્રમ પ્રમાણે રાતની નોકરી પુરી કરી વીએસ હોસ્પિટલ બહાર મીત્રો સાથે બેસતો અને સવારે પાંચ વાગે જ ઘરે આવતો, મારા પિતા કહેતા હવે તારા લગ્ન થઈ ગયા અમારો નહીં તો તારી પત્નીનો વિચાર કર.. પણ મનમાં યુવાન હોવાનું એક ઘમંડ હતું, મને ઠીક લાગશે તે જ કરીશ.

તે રાત્રે મને એકાદ વાગે લાગ્યુ કે મારે ઘરે જવુ જોઈએ કેમ તેની મને ખબર નથી, છતાં રાતના એક વાગે ઘરે જવુ એટલે મારે માટે ઘણુ વહેલુ હતું,મીત્રોની બેસવાની અનેક વિનંતી છતાં હું ઘરે પહોંચ્યો, મારા ઘરની લાઈટ ચાલુ હતી, સામાન્ય સંજોગોમાં રાતે દસ વાગે તો બધા સુઈ જતા હતા, હમણાં સુધી લાઈટ કેમ ચાલુ છે તેવા પ્રશ્ન સાથે હું ઘરમાં દાખલ થયો, પપ્પાને છાતીમાં અસ્હય દુખાવો થતો હતો, ત્યારે સમજ પણ ન્હોતી કે આ હાર્ટ એટેક હોઈ શકે,, એક મીત્ર પાસે કાર હતી તે મંગાવી તેમને લઈ હોસ્પિટલ જવા નિકળ્યો પણ ત્યાં સુધી તે પહોંચી શકયા નહીં. હું હોસ્પિટલની બહાર જ બેસી ગયો. મને લાગ્યુ મારે તેમની સાથે બેસવાનું હતું, ઘણી વાતો કરવાની બાકી હતી, અને તે  મારા જીવનનું એક ગમતુ પાત્ર હતુ, અને તે જતુ રહ્યુ અને તે પણ  આગોતરી કોઈ જાણ કર્યા વગર જતા રહ્યા.

મારા અને મમ્મીનો ટકરાવ યથાવત હતો, જયારે પણ મળીએ ત્યારે મોટા ભાગે ભારત-પાક જેવી સ્થિતિ હોય, છતાં એકબીજા વગર ચાલતુ પણ ન્હોતુ, પપ્પા ગયા અને બરાબર દસ  વર્ષ પછી મારી ઉમંર ચાલીસની હશે ત્યારે ખબર પડી કે મમ્મીને કેન્સર છે. હ્રદય ધબકારો ચુકી ગયુ.. આને કઈ થશે તો મારૂ શુ થશે.. હવે ઉમંર એવી હતી કે મમ્મીનો સહારો હું હતો છતાં, તેની હાજરીમાં મને એક ગજબ પ્રકારની શાંતિ અને સલામતી લાગતી હતી, હવે આ જતી રહેશો તે મારૂ કોણ આ પ્રશ્નએ મને ડરાવી મુકયો.. હું નાનો હતો ત્યારે ડર લાગે તો મમ્મીની સોડમાં જતો રહેતો, પણ હવે હું ડરી ગયો છુ તેવુ મમ્મીને બતાડવાનું ન્હોતુ કારણ હવે હું તેની હિમંત હતો.

પાંચ વર્ષ સુધી હું અને તે બન્ને કેન્સર સામે બરાબર લડયા, તેને મરવુ ન્હોતુ અને મારે તેને જવા દેવી ન્હોતી, પણ મારી પ્રાર્થનાઓ અને વિજ્ઞાન હારી રહ્યુ હતું, તેના કારણે તે થાકી રહી હતી, પછી તે નાના બાળક જેવી થઈ ગઈ હતી, પ્રશાંત આવે તો જ જમુ, તે જયુશ લાવે તો જ  લઈશ .. વગેરે વગેરે જાણે હું તેની માં થઈ ગયો હોઉ, તેણે એક દિવસ એક ફાઈલ કાઢી, ફાઈલની અંદરના કાગળો અત્યંત જર્જરીત અને પીળા પડી ગયા હતા, તેણે મને કહ્યુ ખબર છે આ ફાઈલ શેની છે..

હું તેની સામે પ્રશ્નાર્થ નજરે જોઈએ રહ્યો, તેણે કહ્યુ મેં અને તારા પપ્પાએ એકબીજાને લખેલા પ્રેમપત્રો છે. 1965માં મારા મમ્મી-પપ્પાએ એકબીજાને લખેલા પત્રો તેમણે સાચવી રાખ્યા હતા, તેમાં ઘણા પત્રો હતા જેમાં ક પત્ર મારા પિતાનો હતો   તેમણે ફિલ્મના ગીતની પંકિત લખી હતી, યહ મેરા પ્રેમપત્ર પઢકર તુમ નારાજ ના હોના તુમ મેરી જીંદગી હો.....સાથે એક ગુલાબનું ફુલ પણ મુકયુ હતું જે મુરઝાયેલુ હતું પણ હજી પણ સચવાયેલુ હતું, મમ્મી પણ આખરે પાંચ વર્ષ પહેલા જતી રહી પણ તેણે અને મારા પપ્પાએ લખેલા પ્રેમપત્રો મારી પાસે મુકતી ગઈ, કદાચ તેમણે એકબીજાને કરેલો પ્રેમ હું કયારેય મારી પત્નીની પણ  કરી શકીશ નહીં.

મારો સ્વભાવ પહેલાથી લડાયક રહ્યો, જેની કિમંત પણ મેં ચુકવી, પણ જે દિવસ મારી માનો અંતિમ દિવસ હતા તે પલંગમાં સુઈ રહી હતી, હું ખાસ તેને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસેથી આવ્યો હતો, ત્યારે તેણે માંડ માંડ બોલી શકતી હતી. ત્રુટક શબ્દોમાં કહ્યુ  તેણે  કહ્યુ તારા પગ કયાં છે.. મેં પુછયુ મારા પગનું તારે શુ કામ છે..તેણે કહ્યુ મારે તને પગે લાગવુ છે... મેં કહ્યુ મગજ ખસી ગયુ છે માં કોઈ દિવસ દિકરાને પગે લાગે, તેના ચહેરા ઉપર પરાણે હાસ્ય આવ્યુ તેણે મારી તરફ નજર કરતા કહ્યુ તે મારૂ ખુબ ધ્યાન રાખ્યુ એટલે પગે લાગવુ છે.. મેં તેની આંખો ઉપર હાથ મુકતા કહ્યુ ચાલ સુઈ જા પછી વાત કરીએ અને તે સુઈ ગઈ.

આજે તે મારી સાથે નથી, પણ તેના છેલ્લાં શબ્દો મારા માટે એક પદ્મશ્રી કરતા વધારે મુલ્યવાન છે, પિતા ગયા ત્યારે હું પુત્રની પરિક્ષામાં નાપાસ થયો હતો, પણ માતાના પુત્રની પરિક્ષામાં મેં 100-100 માર્ક મેળવ્યાનો આનંદ છે. સાથે એકાવન વર્ષ પહેલા લખાયેલા પ્રેમપત્રો એક મીલ્કત કરતા પણ વધારે મુલ્યવાન છે.

32 comments:

 1. Really વાચતા વાચતા કદાચ શ્વાસ લેવાનુ ભુલાઈ જવાણુ touchy life story. Really hats off for you.ગજબ રીતે રજુઆત! હકીકત ની સોડમ હજી પણ શ્વાસ મા ઘુટાય છે,એક એક શબ્દ સાચો હોવાની આ સોડમ પ્રતીતિ કરાવે છે

  ReplyDelete
 2. Touched this story to my heart

  ReplyDelete
 3. Touched this story to my heart

  ReplyDelete
 4. अच्छी किताबें,और अच्छे लोग...!
  तुरंत समझ में नहीं आते,
  उन्हें पढ़ना पड़ता है...!

  ReplyDelete
 5. આંખો ભીની થઈ ગઈ. પ્રશાંતભાઈ તમને હ્રદયથી સલામ.

  ReplyDelete
 6. Maa baap ne jetlo samay aapay tetlo ocho chhe...maa bhale nokri karti hoy pan eno jiv hamesha potana balako ma j hoy..

  ReplyDelete
 7. Boss....radavi didho...adbhut...salam che tamne

  ReplyDelete
 8. Dada ma ni jode kano lage tyare samundra pan nano lage : MAA TE MAA BIJA BADHA VAN VAGDA NA VAA

  ReplyDelete
 9. I appreciate the service you provide d to Your mother as a true son God give peace to her soul wherever the soul is.You and I know that soul is immoral

  ReplyDelete
 10. Gr8...પણ વચ્ચે 20 વર્ષનો હિસાબ નાં મળ્યો. શેરડીના સાંચાથી આગળનો ભાગ ?! અઘ્યહાર રહી ગયો

  ReplyDelete
 11. Gr8...પણ વચ્ચે 20 વર્ષનો હિસાબ નાં મળ્યો. શેરડીના સાંચાથી આગળનો ભાગ ?! અઘ્યહાર રહી ગયો

  ReplyDelete
 12. હૃદયસ્પર્શી...તારી પાસેથી સાંભળેલું હોવા છતાં, લખેલું વાંચવાની જુદી મઝા પડી.

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. Really heart touching!
  No words for to describe the love of "MAA"!

  ReplyDelete
 15. મા વિના સૂનો સંસાર...

  ReplyDelete
 16. દાદા, મા એ મા બીજા વગડાના વા

  ReplyDelete
 17. દાદા, મા એ મા બીજા વગડાના વા

  ReplyDelete
 18. 🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  ReplyDelete
 19. એન્કાઉન્ટર વાંચતાં મને પ્રતીતિ થાય છે કે તમારે આત્મકથા અવશ્ય લખવી જોઈએ.
  તમે રાજકારણ અને અંતઃકરણ બંનેની અભિવ્યક્તિમાં સવ્યસાચી સમા કુશળ છો.

  ReplyDelete
 20. thodider mere dil ki dhadkan band ho gai thi dada,
  aa vachva mate dil joiye

  ReplyDelete
 21. દાદા, નાના પાટેકર જેવા કડક પુરુષમાં આટલું કુણુ હ્રદય છે બાકી હ્રદય અને લાગણીઓ વગરનું જીવન શુષ્ક છે.દોસ્ત સલામ.

  ReplyDelete
 22. आंख मा नमी लावनार।

  ReplyDelete