Sunday, July 31, 2016

દિલ તો બચ્ચા હે જી...

અમદાવાદના સરદાર પટેલની સ્ટેડીયમની બહાર એક ચ્હાની લારી છે, રોજ સવારના આઠ વાગે એક અલગ અલગ સ્કુટર  ઉપર ચીચીયારીઓ પાડતુ એક  ટોળુ આવે,તમને  લાગતુ હશે કે ચીચીયારી પાડતુ ટોળુ એટલે યુવાનો આવતા હશે.. પણ જો તમે તેવુ માની લીધુ હોય તો ખોટા છો, આ બધા સાઈઠી વટાવી ગયેલા જુવાન ડોસાએ, હું પણ રોજ મોર્નીગવોક કરવા માટે સ્ટેડીયમ જઉ છુ, છેલ્લાં કેટલાય દિવસોથી હું તેમને જોઈ રહ્યો  હતો. આ બધા  ચ્હાની લારી ઉપર આવે ત્યારે તે પહેલા બાજુમાં આવેલા સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરીને આવે છે. બધા જ ફ્રેશ હોય.

દરેક જણ સ્કુટર ઉપર આવે ત્યારે મોટો મોટેથી ઓ રાકા ઓ રાકા નામની બુમો પાડે.. મને લાગ્યુ કે આ ટોળામાં કોઈનું નામ રાકેશ હશે એટલે તેનું શોર્ટફોર્મ રાકા કર્યુ હશે મેં એક દિવસ એક વડીલને પુછી નાખ્યુ સાહેબ તમારામાં રાકા નામ કોનુ છે,, તે ખડખડાટ હસી  પડયા, તેમણે કહ્યુ અમારામાં કોઈ રાકો નથી, પછી મારા કાન પાસે મોંઢુ લાવતા ધીમા અવાજે કહ્યુ અમે રાકા નથી બોલતા, પણ તમને સંભળાય છે રાકા અમે તો ઓ નાગા કહીને બુમો પાડીએ છીએ., આ તો આ ઉમંરે રસ્તા ઉપર તમને સમજયા તેવી રીતે નાગા કહી બુમો પાડીએ તો તમારી ઉમંરના કહે ડોસાનું ખસી ગયુ છે.

આ બધા જ નિવૃ્ૃત છે, જે ઉમંરે માણસો મંદિરોમાં માળા લઈ બેસે તે ઉમંરે તેઓ મઝા કરે છે. તેમની પાસે પણ તેમના બાળકો અને પરિવારની સમસ્યા હશે પણ તેમની સમસ્યા તેમની ઉપર હાવી થઈ નથી, રોજ સવારે સ્વીમીંગ કરે છે, બહાર નિકળી ચ્હા-નાસ્તા સાથે ઠઠ્ઠા મશ્કરી કરે છે અને પછી ઘરે જાય છે, કદાચ નિવૃત્તી પછી તેઓ મઝાથી સારૂ જીવી ગયા, તેનું કારણ તેમની સવાર સારી થાય છે તેવુ મને લાગ્યુ, આખી જીંદગી પૈસા કમાવવાની દોડ બાદ નિૃવૃત્તી બાદ હવે હું શુ કરીશ તેવી ચીંતા હોય છે, પણ મને અહિયા આવનાર કોઈના ચહેરા ઉપર તે દેખાઈ નહીં, કારણ તેઓ આજમાં જીવે છે.

આ ગ્રુપમાં એક ગુરુજી છે, બધા તેમને ગુરૂજીના નામે સંબોધન કરતા હતા, એટલે મને તેમને મળવાની ઈચ્છા થઈ, તેમનું સાચુ નામ ગીરીશ પટેલ છે, તેઓ મફતલાલ ગ્રુપમાં કામ કરતા હતા, વીસ વર્ષ પહેલા તેમની નિવૃત્તી પછી તેમને વિચાર આવ્યો, મારા મારે માટે  જીવવુ છે અને તેમણે તેમના સમવષ્યક મીત્રોની એક મંડળી બનાવી, રોજ સ્વીમીંગ પુલમાં એકત્ર થાય ત્યારે પાણીમાં પણ 16-17 વર્ષના છોકરડાઓ મસ્તી કરે, તેવુ જ આ બધા કરે છે. ગીરીશ પટેલે કહ્યુ જે માણસો આખી જીંદગી ઘરે ગીઝરના ગરમ પાણીથી ન્હાતા હતા, તે શીયાળીની 10 ડીગ્રી ઠંડીમાં પણ હવે ડર્યા વગર ધુબાકા મારે છે.


માથે સફેદવાળ હોય અને મોંઢામાં ભલે દાંત ના હોય છતાં તેમની અંદર રહેલા બાળકને તેમણે ફરી જીવવાની તક આપી છે, બે દિવસ પહેલા આ બધા વડિલો ત્રણ કાર લઈ આબુ ફરવા ગયા, તેઓ તેમની સાથે બે જુવાન મીત્રો જય વ્યાસ અને હેતલ રાવલને પણ લઈ ગયા. બે દિવસ આબુમાં ખુબ મઝા કરી, જય કહે છે જયારે અમે આબુ જવા નિકળ્યા ત્યારે લાગ્યુ કે અમે આસ્થા ચેનલના કોઈ પ્રવાસમાં જઈ રહ્યા છીએ પણ પાછા ફરતી વખતે લાગ્યુ કે આ તો એમ ટીવીવાળાની ટુર હતી. હેતલે કહ્યુ  અામને મઝા કરતા જોઈ લાગ્યુ કે  આપણે તો જીંદગીની માણી જ નથી,કદાચ એટલે તેઓ જીવી ગયા છે.

મેં આ વડિલ મીત્રો અંગે લખવાનું નક્કી કર્યુ ત્યારે મને વિચાર આવ્યો એક દિવસ હું પણ આમની ઉમંરનો થઈ જઈશ ત્યારે મારા પુત્રને કહીશ મને મંદિર ના લઈ જાય તો ચાલશે પણ બાળક થઈ ગયેલા કોઈ મીત્રને ત્યાં મુકી જજે.

આનંદીબહેન ગુજરાતનો યુવાના ગુસ્સામાં નહીં પણ નારાજ છે કયારેક તો તેની સામે જુવો

આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દલિતોનું એક મહાસંમેલન યોજાઈ ગયું, તમારી નજર તેની ઉપર જ હશે, પણ સાચુ  કહુ આનંદીબહેન તમારી આસપાસના લોકોમાં સાચુ બોલવાની હિમંત રહી નથી, કારણ તમને પસંદ ના પડે તેવી વાત સાંભળીને તમે નારાજ થઈ જાવ છો, તમારા સ્વભાવની મને ખબર છે, તમને પસંદ હોય તેવુ જ તમારે સાંભળવુ છે. એટલે તમારી ઓફિસમાં બેસતા તમારા સરકારી સલાહકારોએ તમને કહ્યુ હશે ચીંતા કરવા જેવુ કઈ નથી, પાંચ-સાત હજાર લોકો દલિતો  હતા.

તમને યાદ હશે આવુ જ આ સલાહકારો તમને પાટીદાર આંદોલન વખતે પણ કહેતા હતા, કાયમ ગુસ્સાનો ગુણાકાર થાય છે , વિસનગરમાં જયારે પહેલી વખત પાટીદારોની રેલી નિકળી ત્યારે પટેલો પાસે ભાજપ સિવાય કયા વિકલ્પ છે તેવુ તમને સમજાવવામાં તમારા લોકો સફળ રહ્યા હતા, પણ પછી શુ થયુ તેની ચર્ચા કરવા માગતો નથી, એક વાત સ્પષ્ટ કરી દેવામાં માગુ છુ કે તમારો વ્યકિતગત અને ભાજપના નેતાઓ લોકસંપર્ક તુટી ગયો છે, પ્રજા તમારા અંગે શુ માને છે તેની સાચી વાત તમારી સુધી પહોંચતી જ નથી, અને સતત સત્તામાં રહેવાને કારણે જે બદીઓ આવી તેમાંથી તમારી પાર્ટી બાકાત રહી શકી નથી. જયારે કેટલાંક તુંડમીજાજી નેતાઓને પ્રજાની નાડની ખબર છે પણ તેઓ પણ અમને કોઈ ફેર પડતો નથી તેવા તૌરમાં છે.

તમે તો જુના જમાનાના નેતા છો, તમે ઈન્દીરાગાંધીનો કરિશ્મા પણ જોયો હતો, એક માત્ર ઈન્દીરાના નામે કોંગ્રેસ તરી ગઈ, આજે ભાજપ નરેન્દ્ર મોદીના નામે ચાલી રહી છે, પણ સમયને બદલાતા વખત લાગતો નથી, નરેન્દ્ર મોદીને અહંકાર કરવો પરવડતો હતો, કારણ તેમનો સાચો કે ખોટો કરિશ્મા છે, તે પક્ષથી મોટા નેતા થઈ ગયા, જયારે હવે માત્ર ગુજરાતની વાત કરીએ તો આપણી પાસે કરિશ્માવાળો કોઈ નેતા પણ નથી તમે પણ નહીં.

પહેલા પટેલ આંદોલન થયુ પછી ઓબીસી આંદોલન અને હવે  દલિત આંદોલનના મંડાણ થયા છે, તમને શંકા હશે કે અમીત શાહ તમને ડીસ્ટર્બ કરવા માટે પાછલા બારણે કામ કરતા હશે, તમને  લાગતુ હશે કે કોંગ્રેસ પ્રેરીત આંદોલન છે, અને તમને લાગતુ હશે કે કેટલાંક અખબાર માલિકો પોતાનો હિસાબ સરભર કરવા આંદોલનને પવન ફુકતા હશે. આ બધી જ શંકાઓ સાચી પણ હોય તેમ છતાં જમીનની વાસ્વીકતા છે કે  ગુજરાતનો યુવાન નારાજ છે, પછી તે પટેલ હોય અથવા દલિત હોય.કદાચ તે રસ્તા ઉપર આવી તોડફોડ કરતો હશે, પણ તેના ગુસ્સા પાછળ રહેલી નારાજગી સમજવી પડશે.

તમારો જે મતદાર પચાસી વટાવી ગયો છે, તે તમામ પરિસ્થિતિને નસીબ માની બેસી રહે છે, પણ યુવાન મતદાર તૈયાર નથી, કારણ તેની વ્યથા એવી છે કે તેના પિતાએ હજારો અને લાખો રૂપિયા ખર્ચી સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ કોલેજમાં ભણાવ્યો છે, પણ જયારે તે હજારો રૂપિયા ખર્ચીને મળેલી ડીગ્રી લઈ બહાર નિકળે છે ત્યારે તેને મહિને કોઈ દસ હજારની પણ નોકરી આપતુ નથી, તમે તો શિક્ષક છો, તમે જે સ્કુલમાં ભણ્યા અને તમે પ્રિન્સીપાલ તરીકે મોહીની બા સ્કુલમાં ભણાવતા હતા ત્યાં કેટલી ફિ હતી, અને આજે તમારી પૌત્રીઓ જે સ્કુલમાં શિક્ષણ મેળવ્યુ ત્યાં કેટલી ફિ છે.

પહેલા માણસને મહિનાની આખરમાં વાંધા પડતા હતા પણ આજે તો રોજ સાંજે ઘરનું બજેટ ફેઈલ થઈ જાય છે, કારણ બધાનું જ ખાનગીકરણ થઈ ગયુ, સ્કુલ-કોલેજ-અને હોસ્પિટલ , આ સ્થિતિમાં આજનો યુવાન પોતાના માતા-પિતાને ઘરના હિસાબોમાં પિસાતા જુવે છે, પણ તે યુવાન પિસાવવા તૈયાર નથી, બીજી તરફ ખાનગીકરણને કારણે તેને નોકરી આપનાર તેનું પણ શોષણ કરે છે, તમે વિચાર કર્યો તમે સરકારી નોકરીઓ પણ પાંચ વર્ષ સુધી સાડા  ચાર હજાર રૂપિયા આપો છો, તો સાડા ચાર હજાર રૂપિયામાં અમદાવાદમાં રહેનાર માણસ ઘર ભાડુ ભરે, કરિયાણુ લાવે, પોતાના બાળકોને ભણાવે અને વૃધ્ધ માતા-પિતા બીમાર પડે તો તેની દવા પણ કરાવે, આ શકય છે.

આ તમામ આંદોલન ભલે કોઈ પણ નામે અથવા કોઈ પણ કારણે  ચાલતા હોય, મુળમાં તો આ આંદોલન એન્ટી એસ્ટાબલીશમેન્ટ છે. અને અત્યારે એસ્ટાબલીશમેન્ટમાં તમે બેઠા છો, એટલે તમારે એક મુખ્યમંત્રી તરીકે, એક શિક્ષક અને એક માતા તરીકે યુવાનો સાથે વાત કરવી પડશે. લોકોનો ગુસ્સો શાંત કરવા તમે ટોલટેકસ માફ કરો છો, તમને આવી સલાહ કોણ આપે છે તેની ખબર નથી, ટોલટેકસ માફીનો લાભ તો કાર હોય તેને જ મળે છે, અને કાર તો ઉચ્ચ મધ્યવર્ગ પાસે જ હોય છે. પણ હું તો સામાન્ય માણસ છુ, હું તો ગરીબ છુ, તમે મારા માટે શુ કર્યુ તેવો પ્રશ્ન દરેક આમ માણસને થઈ રહ્યો છે.. સામાન્ય યુવાન માણસ નારાજ છે તેની નારાજગી સમજો સારૂ છે નહીંતર તખ્ત બદલાઈ જતા સમય નહીં લાગે, કારણ સમયની ઝડપ માણસની ઝડપ કરતા વધારે છે.

Saturday, July 30, 2016

મારી પત્નીને મારી દયા પણ ના આવી મને મામા બનાવી દીધો

આપણે અગાઉ વાત કરી ચુકયા છીએ કે રવિવારે રોજના વિષયની બહાર જઈ લખવુ, એક પત્રકાર તરીકે તમારી સ્ટોરીનો વિષય તમે પોતે કયારેય હોતા નથી, પણ જાત ઉપર હસી લેવુ જોઈ, આમ  જુવો જાવ તો પતિ-પત્નીના સંબંધ કોમેડીથી ભરપુર  હોય છે. બસ પોતાના અને પત્ની સંબંધ ઉપર કઈ,  રીતે હસી શકાય તે જોવાની દ્ર્ષ્ટી કેળવવી પડે.

તો વાતની શરૂઆત મારી અને મારી પત્ની શિવાનીથી જ કરીએ, અનેક વખત અમારી વચ્ચે પણ ઝઘડા થાય છે, જો કે ઝઘડો ભલે વર્તમાન કાળ સાથે નીસ્બત રાખતો હોય , પણ એક ક્ષણમાં તે 1857માં તે  મને શુ કહ્યુ અને 1930માં મેં તને શુ જવાબ આપ્યો હતો એટલા  પાછળ સુધીની વાતોનો પણ હિસાબ કરી નાખતા હોઈએ છીએ, મારી પત્ની ભોળી છે કઈ બાકી રાખતી નથી, તેને ઉધાર રાખવાની કઈ ટેવ નથી એટલે બધુ મોઢા-મોઢ જ પતાવી નાખે છે, બધુ જ બોલી ગયા પછી મને કહે મને તમારી જેમ મનમાં રાખતા આવડતુ નથી, મને જે લાગ્યુ તે બોલી નાખ્યુ.. પણ મારૂ મને કહે તે બોલી નાખ્યુ પણ બધુ બોલવા જેવુ હોતુ નથી, હ્રદય ઉપર ઉજરડા પડે તો ચાલે પણ અહિયા તો હ્રદયના બે ટુકડા થઈ જાય તેવુ બોલે છે.

મારી પત્ની બોલ્યા વગર પણ ઘણુ કહી જાય છે. કદાચ આ સ્ટાઈલ  તે નરેન્દ્ર મોદી પાસેથી શીખી હશે, મોદીજી જાહેર સભામાં મીયા મુશરફ કહી મુશરફને ગાળો આપતા હતા, પ્રજા તાળી પાડતી હતી, પછી બીજા વાકયથી મુશરફ શબ્દ ગાયબ થઈ જતો અને માત્ર મીયા કહી વધુ ગાળો આપતા હતા. મોદી અને તેમના ભકતો બન્ને જાણતા હતા કે મોદીસાહેબ મુશરફને નહીં ભારતના મુસલમાનોને ભાંડી રહ્યા છે. આમ છતાં ચુંટણીપંચ અને મુસલીમો મોદીનો કાઠલો પકડી શકે નહીં તરત મોદી સાહેબ કહે લો ભારતમાં મુશરફને પણ ગાળો નહીં આપવાની, મુશરફને ગાળો આપી તો કોંગ્રેસીઓ અને કહેવાતા બીનસાપ્રદાઈકોના પેટમાં તેલ રેડાયુ.

મોદી સાહેબને રહેવા દો પાછા અહિયા મારી ઉપર પસ્તાળ પડશે પત્ની અને મોદીને એક સાથે દુશ્મન બનાવાનો કોઈ અર્થ નથી, હમણાં જયારે હું આ પોસ્ટ લખવા બેઠો છુ ત્યારે મારી પત્નીની સવાર થઈ નથી, તે સુઈ રહી છે, ત્યારે તેની વિરૂધ્ધના કેટલાંક કામ પતાવી દેવા, આમ પણ આજે રવિવાર છે મારી પાસે કઈ ખાસ કામ નથી એટલે મારી પોસ્ટ વાંચ્યા પછી રમખાણ થાય તો સમય ફાળવી શકાય તેમ છે. હા આપણે વાત કરતી હતા કે સ્ત્રીમાં એક આવડત હોય છે કે  તે બીટવીન્ધી લાઈન્સ તમને ઘણુ કહી શકે અને સમજાવી પણ શકે, અને તમે કઈ જ બોલી ના શકો..

અમારે ત્યાં એક પરિચીત બહેન આવે છે, હું અને મારી પત્ની તેમને અનેક વખત મળ્યા છે, બધુ બહુ સહજ અને સરળ રીતે ચાલી રહ્યુ હતું. એક દિવસ સવારે તે બહેન મારી ઘરે આવી પહોચ્યા , હું સોફા ઉપર બેસી મારા લેપટોપ ઉપર કઈક કામ કરી રહ્યો હતો, મારી નજર બહેન સાથે આવેલી તેમની નાનકડી પાંચ વર્ષની દિકરી ઉપર પડી, તે અત્યંત નાજુક અને પહેલી નજરે ગમી જાય તેવી વ્હાલી હતી. તેથી સાથે વાત કરી પાછો હું કામ લાગ્યો.

મારી પત્ની, પેલા બહેન અને તેમની દિકરી ત્રણે અંદરના રૂમમાં ગયા, થોડીવાર પછી પેલા બહેન પોતાના ઘરે જવા નિકળ્યા, એટલે મેં પેલા નાનકડી ઢીંગલીને કહ્યુ આવજે બેટા. આ બહુ સહજ બાબત હતી, પેલી બાળકી પાછળ ઉભી રહેલી મારી પત્નીએ પેલી બાળકીનો હાથ પકડી કહ્યુ મામાને આવજો કહી દે... પેલી બાળકીએ મને આવજો કહ્યુ.. મારી પત્નીએ મને મામા કેમ બનાવ્યો હું તો સમજી ગયો, તમે પણ સમજી ગયા હશો. મને પેલા બહેન ગયા પછી વિચાર આવ્યો, મોદી સ્માર્ટ  સિટી બનાવે કે નહીં પણ ભગવાને તો બધા બૈરા સ્માર્ટ બનાવ્યા છે.

પેલી નાનકડી બાળકી પાસે મને મામા કહેડાવી મારી પત્નીએ મને એક સાથે અનેક વાતો કહી દીધી હતી, પહેલુ તે કહેવા માગતી હશે, સખણા રહેજો રાજ.... બીજુ કઈ વિચારતા નહીં.... આવનાર બહેન સામે ખરેખર બહેનની જ નજરે જોવાનું છે..... મને તમારા મનમાં શુ ચાલી રહ્યુ છે તેની ખબર પડે છે. જો કે મારી પત્ની મારા અંગે જે કઈ વિચારે તે એકાદ બે ઘટનાને  બાદ કરતા સાચી  પડી છે. ઘણી વખત તે મને કહે છે તમને જન્મ જ નથી આપ્યો એટલુ જ , તમારી માં કરતા પણ તમને વધારે ઓળખુ છે.. કયારેક કયારેક એવુ લાગે છે કે વધારે પડતુ ઓળખી ગઈ છે પણ . હવે મારી પત્નીને  પેલી ઢીંગલી જેવી રૂપાળી નાનકડી છોકરી પાસે મામા કહેવડાવવાની કયાં જરૂર હતી.

પાછી કહે હું તો તમને કઈ કહેતી જ નથી, હવે જો હું આ મુદ્દો સવારની ગોળમેજી  પરિષદમાં ઉપસ્થિત કરૂ કે તે મને મામા કેમ બનાવ્યો તો મારે જ કેટલાંક ખુલાસા આપવા પડે, કે મારા મનમાં તુ વિચારે તેવુ કઈ નથી, મારી જીંદગીં તારૂ કેટલુ મહત્વ છે વગેરે વગેરે હવે પચાસી વટાવ્યા  પછી હવે  ખોટુ બોલવાનો પણ થાક લાગી જાય છે.. બે ત્રણ વાકય ખોટા બોલી જવાય પણ એકાદ કલાક સતત ખોટુ બોલી શકાતુ નથી, એક જમાનો હતો આખો દિવસ ખોટુ બોલતો છતાં ફ્રેશ  રહેતો હતો.

મેં વિચાર કર્યો, મારી ઘરે અથવા રસ્તામાં મારી પત્નીના અનેક પરિચીત(પુરૂષ) મળી જાય છે ત્યારે મેં તો મારા બાળકોને કયારેય કહ્યુ નથી બેટા મામાને નમસ્તે કરો.. મને બહુ ગુસ્સો આવ્યો પુરૂષ થયા એટલે અમારો વાંક કાયમ અમારે જ ચારીત્રના પુરાવા આપવા.. પાંચ-દસ વખત ભુલ થઈ એટલે બારે મહિના  થોડો ભાદરવો ચાલતો હોય.. મને ખબર હતી  ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી કારણ ઝઘડા બાદ શરણાર્થી તો કાયમ હુ જ હોઉ છુ.

Friday, July 29, 2016

ગૃહમંત્રી હરેન પંડયા સ્કુટર ઉપર નિકળતાઃ ગૃહમંત્રી રજની પટેલ સચિવાયલની બહાર નિકળતા જ નથીકેશુભાઈ પટેલની સરકારમાં ગૃહરાજયમંત્રી તરીકે હરેન પંડયા હતા, ત્યારે ભાગ્યે જ તેમની સાથે પોલીસ રહેતી હતી, હરેન જાણતા હતા કે જો તેમની આસપાસ પોલીસનો કાફલો રહ્યો હતો તો પ્રજા સાથે તેમને સંપર્ક તુટી જશે, તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા પણ સાંજે સચિવાયલથી આવે એટલે  પોતાની સરકારી કાર અને સાથે રહેલા કમાન્ડોને મુકી એકલા સ્કુટર ઉપર નિકળતા હતા.

ગૃહમંત્રી હતા ત્યારે કોઈક દિવસ તેમનો ફોન આવે, પ્રશાંતભાઈ મળીશુ, અમારૂ મળવાની નક્કી થાય એટલે તેઓ સાંજે અમદાવાદના ટાઉનહોલની સામે આવેલી પરોઠા ગલી તરીકે ઓળખાતી ગલીમાં રામભાઈ ઉર્ફે મામાની લારી ઉપર સ્કુટર લઈ એકલા આવી જાય, પછી રામભાઈ લારીના ચ્હા મંગાવે, અને હરેન પત્રકારો સાથે ગપ્પા મારે. હરેન પંડયાની રાજકારણમાં ઉમંર ભલે નાની હોય પણ પ્રજાની નાડ પારખતા આવડી ગઈ હતી, બહુ ભપકા કરતા પ્રજાનું કામ કરતા હિરોને પ્રજા પસંદ કરે છે.

હરેન માત્ર મને જ મળવા આવતા તેવુ ન્હોતુ, તે જુદા જુદા વિસ્તારના લોકોને મળતા હતા, હરેનનો મકસદ બહુ સ્પષ્ટ હતો કે લોકો કાયદો અને વ્યવસ્થા અંગે શુ માને છે, શહેરના કયાં ખુણે શુ ચાલી રહ્યુ છે પોલીસ તંત્રમાં કોણ શુ કરી રહ્યુ છે. હરેન પ્રજા સાથે જોડાયેલા હતા અને સામાન્ય માણસ  પણ તેમના સુધી  આસાનીથી પહોંચી શકતો હતો, કારણ તે લોકનેતા હતા, હા તે ચોક્કસ વાત છે કે હરેન પંડયાને ઓળખ આપવામાં ભાજપનું મોટુ યોગદાન હતું, પણ પછી હરેને એક ભાજપના નેતા કરતા ગુજરાતના  ગૃહમંત્રી તરીકે પોતાની એક અાગવી  ઓળખ ઉભી કરવા મહેનત કરી.


હરેન પંડયા ગૃહમંત્રી હતા ત્યારે પણ બનાવ બનતા હતા, પણ જેવી બનાવની જાણકારી મળે તેઓ તરત કેશુભાઈ પટેલની રાહ જોયા વગર રાજયના કોઈ પણ ખુણે પહોંચી જતા હતા ડાંગમાં ધર્માતરણના મુદ્દે તોફાન થયુ ત્યારે કેશુભાઈ પટેલે હરેન પંડયાને ડાંગ પહોંચી જવાની સુચના આપી ત્યારે હરેન પંડયાએ કહ્યુ હતું સાહેબ હું ડાંગમાં જ છુ અને અધિકારીઓ સાથે મિટીંગ કરી રહ્યુ છુ. હરેન પંડયાને લાગતુ હતું કે આ મારૂ ખાતુ છે તેનું નુકશાન એટલે રાજયનું નુકશાન છે. પણ આનંદીબહેન પટેલની સરકારના ગૃહરાજય મંત્રી રજની પટેલ તો પ્રજાને તો ઠીક પત્રકારોને પણ શોધ્યા મળતા નથી. રજની પટેલને તમે ફોન કરો તો તેમનો અંગત સચિવ રાકેશ જ ફોન ઉપાડે છે અને એક જ જવાબ આપે સાહેબ મિટીંગમાં છે, પછી ફોન કરાવુ પણ રજની પટેલનો કયારેય ફોન આવે જ નહીં.

ખરેખર તો પ્રશ્ન થાય છે રજની પટેલ ગૃહમંત્રી છે કે તેમનો અંગત સચિવ રાકેશ મંત્રી છે, કારણ પોલીસ અધિકારીઓ પણ કહે છે અમને મોટાભાગની સુચના રાકેશભાઈ જ આપે છે.પત્રકારોને તો ઠીક પણ કોઈ પોલીસ અધિકારીને પુછો કે રજની પટેલને છેલ્લે કયારે મળ્યા તો તેમને પણ માથુ ખંજવાળી યાદ કરવુ પડે, ઉના જેવી ઘટના ઘટે છતાં પણ ગૃહરાજય મંત્રી તરીકે રજની પટેલના પેટનું પાણી હલતુ નથી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પહેલા તેમણે સ્થળ ઉપર પહોંચી જવાની જરૂર હતી, પણ કદાચ તે કહ્યાગર મંત્રી હશે, તેમને હશે કે મેડમ સુચના આપે પછી જ જવાનું એટલે પહેલા પહોંચ્યા નહી. ઘણીવાર તો ટીવી ચેનલના પત્રકારો કહે છે કે રાજયની કોઈ ગંભીર બનાવ બાદ હમણાં આવી માહિતી આપુ તેવુ કહી મંત્રી પાછલા બારણે જતા રહે છે, રજની પટેલની બોડી લેગ્વેજ જુવો તો એવુ લાગે કે ગૃહરાજયમંત્રી હોવા છતાં તેમને જ પોલીસની બીક લાગે છે.

પહેલા પટેલ આંદોલન થયુ હવે દલિત આંદોલન ચાલે છે, પણ ગૃહમંત્રી તરીકે તેમણે કોઈ આંદોલનકારી સાથે વાટાઘાટો કરી હોય તેવુ બન્યુ નથી જાણે તેમનું કામ તો લાલ લાઈટવાળી કારમાં ફરવા સિવાય કઈ નથી તેવો તેમનો વ્યવહાર છે. ગૃહમંત્રી તો ઠીક પણ ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ પણ રજની પટેલના નાના ભાઈ હોય તેવુ લાગે છે, તે પણ પોતાની ચેમ્બરમાંથી જવલ્લેજ બહાર આવે છે.
ઈશરત એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ થયા પછી અને ચાર-ચાર ખુન કેસનો આરોપ હોવા છતાં અત્યંત ધાર્મિક   સ્વભાવના પૃથ્વીપાલ પાન્ડેય ઈન્ચાર્જ ડીજીપી બન્યા તે તેમની ભાજપ તરફની વફાદરીનું પરિણામ છે સાથે તેમનું નસીબ પણ બળવાન છે. ડીજીપી થયા પછી તેમને પહેલી પત્રકાર પરિષદ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં બોલાવી હતી, જેમાં તેમણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં થયેલા ગોળીબાર અંગે કહ્યુ હતું હમારે લખનઉ મેં તો ઈસ સે ભી જાદા  ગોલીયા ચલતી હતી. તેમને ઉત્તર પ્રદેશના હોવાનું ગૌરવ છે તેઓ ઘણીવાર કોઈને ડરાવવા માટે ધમકીનાસુરમાં કહે છે હમ ઉત્તર પ્રદેશ સે આતે હૈ.
 જો કે પહેલી પત્રકાર પરિષદ પછી તેઓ પત્રકારોને મળતા નથી, તેમના જનસંપર્ક અધિકારી મડીયા પ્રેસ કોન્ફરન્સ માટે બોલાવે ખરા પણ છેલ્લી ઘડીએ પાન્ડેયની જગ્યા એડીજીપી વિ એમ પારઘી આવી પહોંચે. પાન્ડેય પત્રકારોને ના મળે તો વાંધો નહીં કારણ ઈશરત કેસમાં તેમના અંગે પત્રકારોએ ખુબ લખ્યુ તેના કારણે નારાજ હોઈ શકે, પણ ઉનાની ઘટના બાદ મુખ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહ સચિવ મુખ્યમંત્રીના સલાહકાર સહિત છેલ્લે ગૃહરાજય મંત્રી પણ ઉના જઈ આવ્યા પણ ગુજરાતના પોલીસ વડા તરીકે હજી મીસ્ટર પાન્ડેયને ઉના જવાનો સમય મળ્યો નથી અને તેમને તેમના સાહેબ રજની પટેલ પુછતાં પણ નથી કે તમે ચેમ્બરની બહાર નિકળી સ્થળ ઉપર કયારેય ગયા હતા.

ભાજપ મુસલીમનો ખુલ્લો દુશ્મન છે જયારે કોંગ્રેસે પીઠમાં ખંજર મારે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ પણ દાઢી અને માથે ટોપીવાળા મુસ્લીમને જુવે ત્યારે અપેક્ષીત હોય છે કે ભાજપને ભાંડશે અને કોંગ્રેસની તરફદારી કરશે, પરંતુ દલિત આંદોલન અંગે  સેન્ટ ઝેવીયર્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં દલિતોના સમર્થનમાં ભરૂચથી આવેલા જમીયતે ઉલેમાએ હિન્દના ગુજરાતના મહામંત્રી અબ્દુલકયુમ હક્કે પત્રકારો સાથેની વાતચીતમાં આકરા શબ્દોમાં કહ્યુ હતું, ગુજરાતમાં દલિત અને મુસ્લીમની સ્થિતિમાં ખાસ કોઈ ફેર નથી, અમારી બન્નેની પીડાઓ સરખી છે, ભાજપ મુસ્લીમનો ખુલ્લો દુશ્મન છે જયારે કોંગ્રેસે અમારી સાથે બેસી અમારી પીઠમાં ખંજર માર્યુ છે.

અબ્દુલકયુમે જણાવ્યુ હતું અમે દલિતોની વેદના સમજી શકીએ છીએ, કારણ અમારી ઉપર પણ અમારા ધર્મને કારણે અત્યાચાર થાય છે.જયાં સુધી ગાયની કતલનો પ્રશ્ન છે, તે મુદ્દે કટ્ટરપંથીઓ ઈચ્છે ત્યારે રાજકારણ રમી શકે છે તેથી અમે પણ મુસ્લીમોને અનેક વખત ગાયની કતલથી દુર રહેવા સમજાવ્યા છે, કારણ આ મુદ્દે દેશ અને રાજયનું વાતાવરણ ડોહળાય છે. ગૌવંશના મુદ્દે એક વ્યવસ્થીત ઘંઘો ચાલી રહ્યો છે, જેમા કહેવાતા  ગૌરક્ષકો અને પોલીસ સાથે મળી કામ કરે છે, અને બદનામીનો ટોપલો મુસ્લીમો ઉપર ઢોળી દેવામાં આવે છે. આ એક સસ્તો  અને સહેલો રસ્તો છે, અમે દલિતો જેવી વેદના અને પીડામાંથી પસાર થયા છીએ, તેથી જ ઉનાની ઘટના બાદ અમે એક સામાજીક જવાબદારી સ્વીકારી દલિતો સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે.

પત્રકાર પરિષદમાં હાજર દલિત મહિલા નેતા રત્ના વોરાએ ઈશ્વર તરફ પોતાની નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતું આઝાદીના સાત દસક થવા આવ્યા છતાં પ્રત્યેક્ષ અને પરોક્ષ આભડછેટનો હું પોતે પણ સામનો કરી રહી છુ, હું કયારેય મંદિરમાં દિવો અથવા અગરબત્તી કરતી નથી કારણ હવે ઈશ્વર પણ કઈ કરી શકે તેમ નથી, અને દલિત સમાજની મહિલાઓએ દલિત  પુરૂષોના ભરોસે બેસી રહેવાની જરૂર નથી કારણ તેઓ પણ કઈ કરતા નથી હવે , પોતાના સ્વમાનની લડાઈ માટે મહિલાઓ બહાર આવવુ પડશે


ઉનાની ઘટના અંગે વ્યથા વ્યકત કરતા રત્નાએ જણાવ્યુ હતું ગાય અન્ય જાનવર જયારે જીવતા હોય ત્યારે તેનું દુધ દહી અને ઘી ખાનાર લોકો મૃત જાનવરને અમારા હવાલે કરે છે, અમે મરેલા જાનવરને ઉપડવાનું કામ કરી સમાજ ઉપર ઉપકાર કરીએ છીએ, પણ તેના બદલે અમને માર અને ધીક્કાર મળે છે. હવે દલિત સમાજનો દરેક વ્યકિત માને છે બસ બહુ થયુ હવે સહન થતુ નથી.

ઉના દલિત અત્યાચાર સમિતિના કન્વીનર જીજ્ઞેશ મેવાણીએ પણ નારાજગી વ્યકત કરતા કહ્યુ હતું ઉનાની ઘટના માત્ર નિમિત્ત છે, પણ વર્ષોથી મનમાં પડેલી અન્યાયની  વ્યથાનો આ ગુસ્સો છે, જે રાજય સરકાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સભા કરવાની મંજુરી આપે છે, તે જ સરકાર માત્ર અમને જીવવા દો તેવી માગણી કરનાર દલિતોને અમદાવાદમાં 31મી જુલાઈના રોજ સભા કરવાની પોલીસ મંજુરી આપતી નથી.મેવાણીએ કહ્યુ હતું કે પોલીસ મંજુરી નહીં આપે તો પણ અમદાવાદમાં દલિતો મોટી સંખ્યામાં એકત્રીત થશે અને પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો અમારી જેલ ભરવાની પણ તૈયારી છે, બીજી તરફ રાજય સરકારે તમામ કલેકટરો અને ડીએસપીઓને તેમના જિલ્લામાંથી આવનાર દલિતોને ત્યાં જ રોકી દેવા આદેશ આપ્યો છે.

Thursday, July 28, 2016

રમેશભાઈ અનીલ-મુકેશ અંબાણીનું સમાધાન કરાવો છો, તો ઉના પણ આવો

પુજ્ય
રમેશ ઓઝા

મે દિવસ પહેલા પુજય મોરારી બાપુને ખુલ્લો પત્ર પાઠવી, ઉનામાં જે કઈ બન્યુ તે મામલે બે શબ્દો કહેવા વિનંતી કરી હતી, કારણ સમાજ તેમનું સાંભળે છે, પણ તેમના ભકતો દ્વારા મને જાણ થઈ કે હાલમાં વિદેશમાં કથા કરી રહ્યા છે કદાચ તેના કારણે તેમના સુધી વાત પહોંચી નહીં  હું માની લઈ છુ, પણ તમે તો ભારતમાં જ હશો તેવુ માની તમને પત્ર લખી રહ્યો છુ.

ભાઈ તમે અને મોરારીબાપુ જેવા સંતો વ્યાસપીઠ ઉપર બેસો છો તેના કારણે તમારી જવાબદારીઓ વિશેષ  વધી જાય છે, બહુ સમય પહેલા તમે ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અને અનીલ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દુર કરવામાં ખાસ્સુ યોગદાન આપ્યુ હતું, સારી વાત છે, મુકેશ અને અનીલ ભારતના એક વિશાળ ઉદ્યોગગૃહોના વારસદાર છે, તેમના ઉઘ્યોગગૃહને કારણે દેશના લાખો લોકોના ચુલા સળગે છે, કદાચ તમે તેમની ચીંતા હશે,  કારણ  અંબાણી પરિવારનો  વિખવાદ આમ માણસના  ચુલાને બુજવી નાખે નહીં તેના માટે કોકીલાબહેનની વિનંતીને કારણે મુંબઈ દોડી ગયા હશો. અંબાણી પરિવારમાં આપનું ખુબ માન છે, તેઓ તમારૂ સાંભળે પણ છે અને તમે સમાધાનનો માર્ગ પણ આપ્યો અને બન્ને બંધુઓએ સ્વીકાર્યો પણ ખરો.

ભાઈ પણ બધા જ પરિવાર અંબાણી હોતા નથી, જેના કારણે ઘરે ઘરે જવુ તમારી માટે પણ શકય નથી, આજે  જયાં તમારો સાંદીપની આશ્રમ આવ્યો છે ત્યાંથી થોડાક જ કિલોમીટર દુર ઉના આવેલુ છે, તમે અખબાર તો વાંચતો જ હશો, જે કઈ બન્યુ તે એક ગુજરાતી તરીકે અને માણસ તરીકે બધા જ માટે શરમજનક છે. હું માનુ છે કે આ રાજય સરકારની સમસ્યા કરતા સમાજની સમસ્યા વધારે છે, જયારે સમાજ જ રસ્તો ભુલે ત્યારે તમારા જેવા સંતોએ વ્યાસપીઠ ઉપર બોલવુ પડશે, પણ તમે હજી સુધી કઈ બોલ્યા નથી. બની શકે તો તમે ઉના પણ જઈ શકયા  હોત, કારણ ઉના મુંબઈ કરતા તો નજીક જ છે.

છતાં સારા કામમાં કયારે મોડુ થતુ નથી, તમારી તરફના પુરા આદર સાથે કહુ છુ, હવે વ્યાસપીઠ ઉપરથી ઉતરી સમાજની વચ્ચે આવવાનો સમય થઈ ગયો છે, મોરારીબાપુ વર્ષોથી રામકથા કરે છે અને તમે ભાગવત કથા કરો છો, આમ છતાં માણસ-માણસને ધીક્કારી રહ્યો છે, તેનો અર્થ કથા માત્ર કથા મંડપો પુરતી સિમીત રહી છે. હું વાંક કોનો છે તેની ચર્ચા કરતો નથી કારણ કોઈ કહેશે દલિતો જવાબદાર છે , તો કોઈ કહેશે સવર્ણો આવુ કરે છે. હું માનું છુ ભાઈ આ માણસની વાત છે, રાજકિય નેતાઓ રાજકારણ રમતા રહેશે પણ તમે તો ધર્મના છડીદાર છો, કયો પક્ષ શુ માને છે અથવા તમારા આ દિશામાં ઉપડેલા એકાદ કૃત્યના લેખાજોખા કેવી રીતે લેવાશે તેમાં પડશો નહીં.

અત્યારે પ્રમુખ સ્વામીની તબીતય નાદુરસ્ત છે, એટલે તેમના માટે પ્રાર્થના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી, પણ સ્વામીજી પછી જેમના શીરે સમાજની જવાબદારી છે તેઓ પણ તમારી બધાની જેમ શાંત છે,  જયારે સમાજ માણસાઈના ત્રીભેટો ઉભો છે ત્યારે  દેશ અને વિદેશમાં અક્ષરધામો બનાવવા કરતા માણસાઈના ઘડતરની વધારે જરૂર છે, આજે તાજમહેલ એક સ્મારક બની ગયુ છે એક દિવસ અક્ષરધામ પણ તેની જ હરોળમાં ઉભુ હશે, પણ તેનો અર્થ શુ. જે ધર્મ- જે વ્યાસપીઠ જે અક્ષરધામ અને હજારોની સંખ્યામાં બંધાતા મંદિરો અને આશ્રમો માણસના જીવનમાં કઈ જ કરી શકે નહીં. તો માણસો શુ કામ તમારી પાસે આવશે.

ભાઈ તમારે ત્યાં આવનાર ગરીબ અથવા શ્રીમંત તમારી પાસે પોતાની સમસ્યાનું સમાધાન માટે જ આવે છે કારણ તમારી પાસે તેનો ઉત્તર છે તેવુ તે માને છે.અને તેવી જ અપેક્ષાએ એક પત્રકાર તરીકે નહીં, પણ એક માણસ તરીકે વિનંતી કરી રહ્યો છુ, સમાજ ધર્માધિકારીઓની તરફ મોંઢુ રાખી ઉભો છે કે તમે અમને આ જાતપાતના ઝેરીલા ચક્રમાંથી બહાર કાઢશો

ઉત્તરની અપેક્ષા નથી માત્ર આ દિશામાં કઈક થાય તેવી અભ્યર્થના છે.

આપનો

પ્રશાંત દયાળ


Wednesday, July 27, 2016

મારી માતા ખ્રીસ્તી છે, પણ તે હનુમાન ચાલીસાના પાઠ કરે છે.

એક દિવસ હું એક ગામમાં ગયો, મને મળવા માટે ગામના હરિજનો આવ્યા, તેમણે મને વિનંતી કરી કે ગામના મંદિરમાં તેમને પ્રવેશ મળતો નથી, અમને મંદિરમાં પ્રવેશ અપાવો..મેં તેમને કહ્યુ જે મંદિરમાં તમે જવા માંગો છો, તે મંદિરમાં રહેનાર ઈશ્વર જ તમારી સમસ્યાનું મુળ છે, તેવા મંદિરમાં તમારે શુ કામ જવુ છે..  જે  મંદિરનો પુજારી તમને ધુત્કારે છે, તેની પાસે તમારે કેમ જવુ છે......................... આવા મંદિરો.......... મારી વાત સાંભળી મને તેમણે સવાલ કર્યો. તમે નાસ્તીક છો.. મેં કહ્યુ હા હું નાસ્તીક છુ, અને પેલા લોકો આસ્તીક છે. શબ્દો ઓશો રજનીશના છે.

બે દિવસ પહેલા મને અમદાવાદના એક સિનિયર પોલીસ ઓફિસરે ઓશો રજનીશની ઓડીયો ક્લીપ મોકલાવી હતી, જો કે ઓડીયો ક્લીપ  ખાસ્સી  જુની છે, પણ રજનીશને સાંભળ્યા પછી મને લાગ્યુ કે રજનીશ ઉના પ્રકરણનો જ જવાબ આપી રહ્યા હોય તેવુ લાગે છે. રજનીશની  ઓડીયો ક્લીપ પ્રમાણે   ભાષણમાં કહે છે, મને કોઈએ કહ્યુ હરિજનો ઉપર અત્યાચાર થાય, તેઓ હિજરત કરી રહ્યા છે, તેમની  મકાનો સળગાવી દેવામાં આવે, તેમની બેન-દિકરીઓ સાથે ખરાબ કૃત્ય થાય છે અને તમે કઈ કરતા નથી, મેં જવાબ આપ્યો હું કઈ નહીં કરૂ, કારણ જેમની  સાથે તેમના જ  હિન્દુ ધર્મમાં જ આવો વ્યવહાર થઈ રહ્યો છે, તેમણે  શા માટે હિન્દુ ધર્મમાં રહેવુ જોઈએ. કેમ તેઓ હિન્દુ ધર્મમાંથી બહાર નિકળતા નથી.

રજનીશ આગળ જતા કહે છે વર્ષો પહેલા  તેઓ જયપુરની લીયોનોર્ડ થીયોલોજીકલ કોલેજના પ્રિન્સીપાલ મેકવાનના ઘરે ગયા હતા, મેકવાન ગુજરાતી હતા, મેકવાને પોતાના પિતાની એક જુની તસવીર બતાડી કહ્યુ આ મારા પિતા હરિજન હતા, ભીખ માંગતા હતા, ત્યાર બાદ મેકવાને પોતાની નેવુ વર્ષની માતા સાથે ઓળખાણ કરાવી, રજનીશ કહે છે તે વૃધ્ધ સ્ત્રીના ચહેરા ઉપરની ચામડીઓની કરચલીઓ તેણે વેઠેલી વેદનાઓ કહી રહી હતી, ત્યાર બાદ મેકવાને પોતાની દિકરી સરોજ સાથે ઓળખાણ કરાવી તે એક અમેરીકનને પરણી હતી, રજનીશ કહે છે દુનિયાની સુંદર યુવતીમાં સરોજનો સમાવેશ થાય એટલી તે સુંદર હતી.

મેકવાને પોતાની વાત રજનીશ સામે મુકતા કહ્યુ મારા પિતા ભીખ માંગતા માંગતા મૃત્યુ પામ્યા, અમારી પાસે ગરીબી સિવાય કઈ ન્હોતુ મારી માતાએ ખ્રીસ્તી ધર્મ અંગીકાર કર્યો , જેના કારણે હું સ્કુલમાં જઈ શકયો અને તેમણે  જ મને વિદેશ ભણવા પણ મોકલ્યો, મારી માં ખ્રીસ્તી થઈ ગઈ, પણ આજે પણ હનુમાન ચાલીસા કરે છે. મેકવાન કહે છે મારી પત્ની પણ પ્રોફેસર છે અને મારી દિકરી અમેરીકા ભણી અને ત્યાં જ લગ્ન કર્યા, રજનીશ આ વાતને ટાંકતા કહે છે મેકવાનની માતાએ ખ્રીસ્તી થવાનો નિર્ણય કર્યો તેના કારણે ત્રણ પેઢીઓ વચ્ચે આવેલો ફેર મને દેખાયો.

ત્યાર બાદના ભાષણમાં રજનીશ મનુવાદી પરંપરા, ભગવાન રામ અને તુલસીદાસ સહિતની અનેક ઘટનાઓ ટાંકી દલિતોને કહે છે દેવતાઓ અને શાસ્ત્રો તો માને છે કે દલિત ધુણાને જ પાત્ર છે તો પછી તમારે તેવા દેવતાઓની સ્તુતી શુ કામ કરવી જોઈએ અને તેવા શાસ્ત્રો અને તેવા ધર્મનો ત્યાગ કેમ કરતા નથી. રજનીશ કહે છે કોઈ દલિત ખ્રીસ્તી થઈ જાય તો હિન્દુ તેને પોતાની સામેની ખુરશીમાં બેસાડે છે, તે મુસલીમ થઈ જાય તો તેને મીર સાહેબ કહી ગાદી ઉપર બેસાડે છે પણ જો તે દલિત જ રહે તો તેનું સ્થાન ઘરની બહાર સીડીઓ પાસે જ રહે છે

( ઓડીયો ક્લીપ નાની છે, જેમને મારો બ્લોગ વોટસઅપ ઉપર મળે છે તેમને ક્લીપ મોકલી રહ્યો છુ, પણ અન્ય કોઈને તે સાંભળવી હોય તો મારા મોબાઈલ નંબર 09825047682 ઉપર વોટસએપ ઉપર નામ સાથે એક સંદેશો મુકવો, શકય એટલી જલદી ક્લીપ મોકલવા પ્રયત્ન કરીશ)

બાપુ હજી તમે શાંત કેમ છો, દલિતો ઉપર અત્યાચાર થાય અને તમે ચુપ છો...

પુજય
 મોરારીબાપુ
                     

                   મારી ઉમંર ત્યારે લગભગ દસ વર્ષની હશે, આ વાત લગભગ ચાલીસ વર્ષ પહેલાની કરી રહ્યો છુ, મેં તમને પહેલી વખત અમદાવાદના નવરંગપુરા હોમગાર્ડ ગ્રાઉન્ડમાં જોયા હતા, ત્યારે કથા સાંભળવા માટે બહુ ઓછા લોકો આવ્યા હતા, હું પણ મારા દાદા સાથે આવ્યો હતો, જો કે મારો સ્વાર્થ કથા કરતા દાદા કઈક ખાવાની વસ્તુ લઈ આપે તે વધુ હતો. ઓછા માણસોમાં પણ તમે સુંદર કથા કરતા હતા, ત્યાર પછી કદાચ મેં તમને રૂબરૂમાં જોયા નથી, હા ટીવીમાં જયારે પણ તમારો અવાજ સંભળાય અથવા તમને જોઉ તો થોડીવાર તો તમને સાંભળવા આજે પણ ચોક્કસ રોકાઈ જઉ છુ.

ખબર નહીં કેમ પણ તમે જે રીતે કથા કરો છો તે રીત મને ગમે છે,કથા કહેતી વખતે તમે ખુદ પણ રામાયણનું એક પાત્ર હોવ તેવો મને ભાસ થાય છે., સીતામૈયાની વાત કરતા તમારી આંખમાં આંસુ આવે , ત્યારે મારી પાંપણો ભીની થાય છે. તમે મને કોઈ પણ કારણ વગર ગમો છો, પણ હું જેને પસંદ કરૂ છુ તેવા મોરારીબાપુ કંઈ જ બોલે નહીં તેને લઈ છેલ્લાં કેટલાય દિવસોથી મારૂ મન ગુચવાયા કરતુ હતું, આખરે મેં તમને તટસ્થ અને નીખાલસ ભાવે પત્ર લખવાનો નિર્ણય કર્યો.

બાપુ મેં તમને સાંભળ્યા છે તમારી ઉપર ભગવાન રામનો જેટલો પ્રભાવ છે, એટલો જ મહાત્મા ગાંધીનો છે તેવુ કહીશ તો ખોટો  પડીશ નહીં તેવો વિશ્વાસ છે. તમે હમણાં સુધી કેટલી કથાઓ કરી મને ખબર નથી, પણ પહાડોમાં, દરિયામાં, મંદિરોમાં અને મઠોમાં કલબોમાં અને જંગલોમાં ભારતમાં અને વિદેશોમાં કદાચ વિશ્વનો કોઈ ખુણો બાકી હશે નહીં,  બાપુ તમે સંવેદનશીલ સંત  છો, હજારો વર્ષ પહેલા લખાયેલુ રામાયણ તમને રડાવી શકે છે, પણ તમારા ભાવનગરના તલગાજરડાથી માત્ર સવાસો કિલોમીટર દુર ઉનામાં દલિતોને ક્રુરતાપુર્વક મારવામાં આવે છે ત્યારે તમે શાંત કેવી રીતે બેસી શકો...સમાજ ઉપર તમારી પક્કડ છે, ઈશ્વરને લોકોએ જોયો નથી, પણ તમે જયારે કથા સંભળાવો છો ત્યારે લોકો તમને ઈશ્વરના દુત તરીકે સાંભળે છે. ત્યારે તમને કહેતા સારૂ લાગતુ નથી છતાં કહુ છુ બાપુ તમારી જવાબદારી અનેક ઘણી વધી જાય છે.

બાપુ પણ તમે અને મેં જે ઈશ્વરને કયારેય જોયા નથી તેની વાત કરી છીએ ત્યારે આપણી આંખ સામે દલિતો  ઉપર એક ચોક્કસ જાતીમાં જન્મ લેવાને કારણે મારવામાં અને રોજ મૃત્યુ સમાન ધીક્કાર મળે ત્યારે પણ તમે કઈ બોલતા નથી. તમે સાહિત્યના પણ માણસ છો, તમારે ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં વિધ્વાન સાહિત્યકારોનો મેળાવડો થાય છે. મને તેમનું પણ આશ્ચર્ય છે. તે બધા જ  તમારી જેમ શાંત છે. બાપુ તમારે બોલવુ પડશે તમે જે રામ રાજયની વાત કરો છો, તે આપણાથી અનેક ઘણુ દુર જઈ રહ્યુ છે. તમારે સમાજના તમામ પીડીતો માટે બોલવુ પડશે., તમારી આંખોએ તેમના માટે ભીની થવુ પડશે અને તમારે સમાજ અને સરકાર બન્નેને  વઢવુ પણ પડશે, નહીંતર રામ રાજય ઉપર રાવણ રાજ હાવી થઈ જશે જયાં તમારી કથાનો કોઈ અર્થ સરસે નહીં.

તમે તો શાંત છો, ગુજરાતમાં જેમના નામના મોટા મંદિરો અને આશ્રમો છે તેઓ પણ કઈ બોલતા નથી તેમને પણ પોતાના મંદિરોની સંખ્યામાં વધારો કરવામાં અને લાઈટ સાઉન્ડ શો કરવામાં જ રસ છે.  આ ઉપરાંત વારે તહેવારે ગુજરાત આવતા બાબા રામદેવ અને  શ્રીશ્રી રવિશંકર પણ ભુગર્ભમાં જતા રહ્યા છે, ખેર બાપુ તેમના અંગે હું કઈ ખાસ કહેતો નથી, પણ તમે તો અમારા ગુજરાતી સંત છો. સંતને કોનો ડર , કારણ તે તો બધાથી પર હોય છે.

બાપુ ફરી વિનંતી કરૂ છુ, તમે કંઈક કહો, માણસને માણસ થવાની સલાહ આપો નહીંતર પેઢીઓ સુધી કથા  કરવાનો કોઈ અર્થ નથી.કથાકાર થયા તે  પહેલા તમે એક શિક્ષક હતા, તોફાની છોકરાઓને સોટી પણ ફટકારતા હશો આજે ફરી તમારે વંઠી  ગયેલા સમાજ માટે ધર્મની  સોટી ઉપાડવી પડશે, નહીંતર ગુજરાતીઓ માણસાઈની પરિક્ષામાં નાપાસ થઈ થશે જેની જવાબદારી તમારી અને તમારા જેવા સંતોની  રહેશે.

આપનો
પ્રશાંત દયાળ

Tuesday, July 26, 2016

ગુજરાત સીઆઆડી ક્રાઈમ બ્રાન્ચઃ નામ બડે દર્શન ખોટે

જયારે ગુજરાત પોલીસે કરેલા એન્કાઉન્ટરોનો મામલો સામે આવ્યો ત્યારે, એક હોબાળો થયો, ગુજરાત પોલીસ તપાસ બરાબર કામ કરતી નથી, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને શૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી, બધા બહુ રાજી થયા. આ પ્રકરણનો હું કમનસીબે અથવા સદ્દનસીબે પ્રત્યક્ષ સાક્ષી બન્યો, રોજે રોજ સીબીઆઈની ઓફિસે જવાનું થતુ હતું, ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે અને વર્ષો સુધી એક જ કામ કર્યુ હોવાને કારણે કયા ગુનાની તપાસ કઈ રીતે થઈ શકે, કયાં પુરાવાઓ લેવા જોઈએ, કઈ રીતે તથ્ય સુધી પહોંચી શકાય તેવી પ્રાથમિક સમજ તો આવી ગઈ હતી, અને ખરેખર તો મોટા ભાગના કિસ્સામાં  તપાસમાં મહત્વની ભુમીકા તો કોન્સટેબલ અને હેડકોન્સટેબલોની જ છે.

મે સીબીઆઈના અધિકારીઓને એન્કાઉન્ટર જેવા ગંભીર ગુનાની તપાસ કરતા જોયા તે જોઈ આધાત લાગ્યો, મને લાગ્યુ કે આના કરતા આ તપાસ ગુજરાત પોલીસના કોઈ પણ હેડ કોન્સટેબલે કરી હોત તો પણ વધુ સારી રીતે થઈ શકી હોત. આ ઉપરાંત સીબીઆઈ અત્યંત ધીમી બ્રાન્ચ છે, દરેક કાગળની તપાસ કરતા પહેલા તેમણે દિલ્હી હેડકવાર્ટરને પુછવુ પડે., અને દિલ્હીમાં જ હેડકાવર્ટર હોવાને કારણે રાજકિય હસ્તક્ષેપનો સંપુર્ણ અવકાશ છે. સીબીઆઈની મર્યાદા પણ પહેલી તો સ્થાનિક ભાષાથી તેઓ માહિતગાર હોતા નથી, શૌરાબઉદ્દીન કેસની તપાસ કરી રહેલા ડીએસપી અમીતાભ ઠાકુર ઓરીસ્સાના હતા, અને ડીઆઈજી કંદાસ્વામી તામીલનાડુના હતા,બીજી પણ અનેક મર્યાદાઓ હોય છે, જેમાં પાંચ-સાત માણસો દિલ્હીથી જેમ્સ બોન્ડની જેમ ગુજરાત આવી જાય, જયા તેમને કોઈ ઓળખતુ નથી, સંપર્કો નથી ત્યારે તે શ્રેષ્ઠ પરિણામ આપે તેવી અપેક્ષા પણ વધુ પડતી છે.

સીબીઆઈની જેમ દરેક રાજયો પાસે પોતાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છે, આ તો ટીવી ઉપર આવતી સીઆઈડી સિરીયલના એસીપી પ્રદ્યુમનનો આભાર માનવો જોઈએ કે તેમણે સાચી સીઆઈડીની આબરૂ બચાવી છે, કારણ કે ખરેખર સિરીયલમાં જે રીતે સીઆઈડી ઓફિસરો કામ કરે છે તેના કરતા વિપરીત સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કામ કરે છે. જયારે પણ ગુજરાત સીઆઈડી ક્રાઈમની રચના કરવામાં આવી હશે ત્યારના શાસકો અને સંબંધીત અધિકારીઓના ઈરાદોએ નેક હશે પણ આજે તેની જમીની વાસ્વીકતા જુદી છે.

છેલ્લાં કેટલાય વર્ષોથી હું જોઈ રહ્યો છુ, રાજય સરકાર અથવા કોઈ ઉચ્ચ અધિકારીને કોઈ પોલીસ અધિકારી સામે વાંધો પડે એટલે તરત હુકમ છુટે તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં મુકી દો. પ્રજા માટે સીઆઈડી શબ્દ બહુ પ્રભાવશાળી છે, પણ જેમને મુકવામાં આવે છે તે તમામ અધિકારીઓ સીઆઈડીની નોકરીને સજા રૂપે મુકાયા હોવાનું માને છે.સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં બે પ્રકારના અધિકારીઓ મુકાય છે, જેમને અવારનવાર રાજકિય નેતાઓ અને સિનિયરો સાથે બાખડી પડવાની ટેવ છે અને બીજો પ્રકાર છે જેમની સામે ભ્રષ્ટાચાર સહિતના વિવિધ આરોપો થયા છે, તેમને સીઆઈડીમાં મુકી દેવામાં આવે છે. આ બન્ને પ્રકારના અધિકારીઓ મોટા ભાગે અહિયા આવે ત્યારે નિરાશામાં જ હોય છે, સવારે દસના ટકોરે આવે સાંજના છ વાગતા ઓફિસો બંધ કરી જતા રહે. બહુ ઓછા અધિકારીઓને મેં જોયા છે કે સીઆઈડી ક્રાઈમમાં તેમને સજા તરીકે મુકયા હોય તેમ છતાં તેઓ પોતાનું કામ પ્રમાણિકપણે કરે છે.

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને પોલીસનો મોટો વર્ગ સજા કેમ ગણે છે, તેની અહિયા પગાર ઉપરાંતના પૈસા કમાવવાની તક બહુ ઓછી મળે છે, પોલીસ સ્ટેશનની જેમ રોજે રોજ કેસ નોંધાતા નથી, રાજય સરકાર અથવા કોર્ટ આદેશ કરે ત્યારે કેસ સીઆઈડી પાસે આવે છે. ટીવી સિરીયલમાં બતાડે છે તેમ બધા જ ગુનાની જગ્યાએ સીઆઈડી ઓફિસરો જઈ શકે તેવી પરવાનગી પણ તેમને નથી. પણ જે પોલીસ અધિકારીઓને ઉપરના પૈસા કમાવવા નથી , તેઓ પણ અહિયા રાજી નથી તેની પાછળનું કારણ એવુ છે કે ખુદ રાજય સરકાર જ જયારે આ બ્રાન્ચને પનીશમેન્ટ બ્રાન્ચ તરીકે ઉપયોગ કરે છે, ત્યારે જરૂરી સુવીધાઓને પણ અભાવ છે.

હાલમાં ગાંધીનગર ડીજીપી ઓફિસમાં બેસતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં તમે જશો તો તમે સીઆઈડી અંગે કલ્પના કરેલો તમામ ભ્રમ તુટી જશે, સાબરમતી સેન્ટ્રલ જેલની સાંકડી બેરેકો કરતા પણ નાની પોલીસ ઈન્સપેકટરોની ચેમ્બર છે, લગભગ આઠ બાય આઠની , આ નાનકડી ખોલી જેવી ચેમ્બરમાં ઈન્સપેકટર  અને તેના બે કોન્સટેબલો પણ બેસે. એક સીઆઈડી ઈન્સપેકટરની આખી ઓફિસ અને બધો જ સ્ટાફ એક નાનકડી ખોલીમાં આવી જાય, તેમાં વર્ષો જુના ફાઈલોના ઢગલ્લા પણ પડયા હોય. કોઈ પરિચીત ઈન્સપેકટરને તમે મળવા  જાવ તો તમને પાણી પીવડાવવા માટે  તે જાતે વોટર કુલર ઉપર જઈ પાણી લઈ આવે તેવી સ્થિતિ છે.. સ્ટાફમાં દરેક ઈન્સપેકટર સાથે બે જ માણસો છે, તેની સામે નકલી એસીપી પ્રદ્યુમન પાસે એક ડઝન જેટલો સ્ટાફ રહે છે.

રાજય સરકાર સજા કરવા માગે તો બરાબર જ કરેને.. સીઆઈડી ઈન્સપેકટરો પાસે સરકારી વાહનો પણ પુરતા પ્રમાણમાં નથી, એક ઈન્સપેકટર સરકારી જીપ લઈ કોઈ કામે જાય, તો બીજો ઈન્સપેકટર જીપ પાછી આવે તેની રાહ જોતો બેસી રહે છે. આ વાતમાં અતિશયોકતિ જરા પણ નથી આ વાસ્વીકતા છે. હવે આ સ્થિતિમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કામ કરતી હોય ત્યારે સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઈ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે ત્યારે શ્રેષ્ઠ તપાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.

સ્ટાફ નથી, વાહન નથી, જરૂરી સુવીધા નથી અને સૌથી અગત્યની અહિયા કામ કરવાની ઈચ્છાશકિત નથી ત્યારે આ સીઆઈડી ઓફિસરોને તપાસ સોંપી કોને ન્યાય મળશે તે મોટો પ્રશ્ન હોય છે. સામાન્ય પ્રજા માટે અને હાઈકોર્ટને મુરખ બનાવવા માટે રાજય સરકાર કહી દેતી હોય છે કે અમે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દઈએ છીએ, પણ મારો અનુભવ અને સરકારી આંકડાઓ કહે છે કે જે તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે ગઈ તેમાં બહુ ઓછા   કેસમાં કઈક ભલીવાર આવ્યો છે, બાકી ફાઈલોના ઢગલ્લામાં વધુ એક કેસનો ઉમેરો થાય છે, સરવાળે કોઈને કઈ મળતુ નથી, બહેતર છે ન્યાય માંગવા નિકળેલા લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ કોઈ પ્રમાણિકની સાથે કાબેલ અધિકારીઓને મુકવાની માગણી કરી તપાસ તેમની પાસે જ કરવાનો આગ્રહ રાખે તો કદાચ પરિણામ મળશે.

તમામ પ્રમાણિક અધિકારીઓ કાબેલ પણ હોતા નથી, અનેક વખત મેં અપ્રમાણિક અધિકારીઓને પણ પ્રમાણિકપણે કામ કરતા જોય છે ત્યારે તેમના શરિર ઉપર રહેલા ખાખી કપડાની તેમણે લાજ જાળવી છે, વાત જરા વિચિત્ર લાગે તેવી છે. એટલે જ તો ઘણી વખત અપ્રમાણિકો કરતા પ્રમાણિકનો ડર વધારે લાગે છે. કારણ તેમની નિષ્ક્રીયતા અત્યંત ઘાતક હોય છે.

દલીત અને મુસ્લીમોને પહેલી વખત સમજાયુઃ સરકાર અને સમાજ બન્ને મુરખ બનાવે છે.

ગુજરાતમાં કોમી તોફાનો કઈ નવા નથી, દરેક દસકમાં તોફાનો થયા છે, અને તોફાનમાં માર્યા જનાર મોટા ભાગના દલીત અને મુસ્લીમો હતા, અમદાવાદની ભુગોળનો ધ્યાનમાં લઈ તો દલીતો અને મુસ્લીમો નજીક નજીક રહે છે, આમ બન્ને પડોશી રહ્યા છે, પણ તોફાન શરૂ થાય એટલે બન્ને કોમના લોકો એકબીજાને મારી નાખવા માટે તત્પર રહે છે. દલિત અને મુસ્લીમને બાદ કરતા અન્ય કોમના લોકો છે, જેમાં ઓબીસી અને સવર્ણો  કયારેય પસંદ કરતા નથી કે તેમની પડોશમાં દલિત અથવા મુસ્લીમ રહેવા આવે. 2002ના થયેલા તોફાનોમાં અમદાવાદમાં એક હજાર જેટલાં લોકો માર્યા ગયા હતા, જેમાં સરકારી આંકડા પ્રમાણે 937 વ્યકિતઓ દલીત અથવા મુસ્લીમ કોમની હતી, બાકીના 63 જ ઉચ્ચ વર્ણના અને ઓબીસી જ્ઞાતીના હતા.

બીજી તરફ 2002ના તોફાનમાં પકડાયેલા અને સજા પામેલા મોટા ભાગના આરોપીઓ ઉચ્ચ વર્ણ અને ઓબીસી જ્ઞાતિના હતા, અમદાવાદના સૌથી મોટા બે હત્યાકાંડ નરોડા અને ગુલબર્ગમાં બે-ચાર આરોપીને બાદ કરતા બધા ઓબીસી જ્ઞાતિના હતા, ચિત્ર બહુ સ્પષ્ટ હતું, પણ આ વાત સમજતા ગુજરાતના દલિતો અને મુસ્લીમોને સમજતા સાત દાયકા લાગી ગયા. ઉનાની ઘટના બાદ દલિતો પોતાના હક્ક અને થઈ રહેલા અન્યાય માટે બહાર આવ્યા ત્યારે તેમના સમર્થનમાં પહેલી વખત સુચક રીતે મુસ્લીમો પણ બહાર આવ્યા, અમદાવાદ, પાટણ અને કચ્છમાં મુસ્લીમોએ કલેકટરને આવેદનપત્ર આપી દલિતોને થઈ રહેલા અન્યાય સામે દલિતોનું સમર્થન કર્યુ.

કોઈ પણ સભ્ય સમાજ માટે એક રીતે સારી નિશાની છે, બીજાની પીડાને પોતાની પીડા સમજી મુસ્લીમો બહાર આવ્યા તે સારી બાબત છે, ખરેખર  બ્રાહ્મણ, પટેલ અને જૈનોની પણ વિશાળ રેલીઓ નિકળવાની જરૂર હતી, તેવુ થયુ નથી ખેર તેનો અફસોસ કે નિરાશ થવાની પણ જરૂર નથી, આજે દલિતોની પીડામાં ભાગીદાર થવાની મુસ્લીમોએ તૈયારી બતાડી, તે પ્રસંશાને પાત્ર છે, આવતીકાલે બીજા સમાજના લોકો પણ બહાર આવશે, હું આશાવાદી છુ.

પણ સવાલ એવો હતો કે કઈ રીતે કોમી તોફાનમાં એકબીજાના લોહી તરસ્યા દલીત - મુસ્લીમો એક મુદ્દે બહાર આવ્યા, બંધના એલાનના દિવસે અમદાવાદના જુહાપુરાની અનેક દુકાનો બંધ રહી હતી, ત્યાં કોઈ દલીત બંધ કરવા નિકળ્યો ન્હોતો. આવા જ એક બંધને અગાઉ પણ મુસ્લીમો ટેકો આપી ચુકયા છે. આશારામના આશ્રમમાં દિપેશ-અભિષેકના શંકાસ્પદ મોત બાદ આપેલા બંધના એલાનને આખા અમદાવાદના મુસ્લીમોએ ટેકો આપી સ્વંયભુ બંધ પાળ્યો હતો. ત્યારે પણ મુસ્લીમો માટે દિપેશ-અભિષેક હિન્દુ બાળકો ન્હોતા, માત્ર બાળકો હતા.દાઢી અને ટોપી પહેરતા મુસ્લીમોને જોઈ સામાન્ય હિન્દુના મનમાં કેવો ભાવ થાય છે તેનો એક હિન્દુ તરીકે હું એક સાક્ષી છુ, છતાં તેમણે દલિતોને ટેકો આપી એક સારી દિશામાં પગલુ ઉપાડયુ છે.

સાત સાત દાયકા બાદ મુસ્લીમોને લાગ્યુ કે તેમની અને દલીત વચ્ચે કોઈ ફેર નથી, એક ધર્મના કારણે દલીત છે બીજે જન્મના કારણે. બન્નેની સ્થિતિ સરખી છે., સમાજ અને સરકાર તેમને બન્નેએ એક જ  લાકડીઓ હાંકયા છે. દલિત આંદોલને ટેકો આપનાર એડવોકેટ ઈમ્તીયાઝ પઠાણ કહે છે, અમારી અને દલીતો વચ્ચે કોઈ ફેર નથી, અમે મુસ્લીમ હોવાને કારણે કિમંત ચુકવવી છીએ અને દલિત જન્મના કારણે સ્થિતિ તો બન્નેની સરખી છે. આ આંદોલનને જનસંઘર્ષ મંચના કાર્યકર્તા અને સ્વગર્સ્થ ડૉ મુકુલ સિન્હાના સાથી શમશાદ પઠાણે પણ ટેકો આપ્યો છે. તેમણે આ સંદર્ભમાં અમદાવાદ કલેટકરને આવેદનપત્ર પણ આપ્યુ છે. આ રીતે જ ચંડોળા તળાવ પાસેની એક  વસાહતમાં કામ કરતા સ્વૈચ્છીક સંસ્થાના કાર્યકર્તા રફી મલેકે પણ કલેટકરને મળી દલિતોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

પણ મારો અનુભવ એવુ કહે છે કે ન્યાય કોર્ટમાં મળતો નથી, આપણી આઝાદી કોઈ કોર્ટના હુકમથી આપણને મળી ન્હોતી, ન્યાય મેળવવા માટે સંખ્યાની જરૂર હોય છે, કારણ સંખ્યા વગરના સત્યનો કોઈ અર્થ નથી. દલીત અને મુસ્લીમ વધુ કઈ માંગતા નથી માત્ર તેમને માણસ સમજવામાં આવે તે જ તેમની માગણી છે, સંખ્યાની ગણતરી રસ્તાઓ ઉપર જ થાય છે, કારણ સરકારને તે ભાષા જ સમજાય છે

Monday, July 25, 2016

સાબરમતી જેલની બે ચોકી વટાવી દીધા પછી એક જવાન અમારી તરફ આગળ વઘ્યો.

સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈસીકયુરીટી વચ્ચે કોઈ કેદી ભાગી છુટે તે બહુ જ અશક્ય લાગે છે, પણ આજે તેને કોઈ નકારી શકે તેમ નથી, જેલની વીસ ફુટ ઉંચી દિવાલોમાં ઈલકટ્રીકના જીવતા વાયરો હોવા છતાં તે જેલ ફાંદવામાં સફળ રહ્યો, મને 2012ની ઘટના યાદ આવી ગઈ, ચાર વર્ષ પહેલા હું ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ફરજ બજાવતા હતો, ત્યારે ખબર મળ્યા કે સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈ ગઈ છે, 2008માં અમદાવાદમાં બોમ્બ ધડાકા કરનાર આતંકવાદીઓએ આ સુરંગ ખોદી હતી અને તેઓ સુરંગ વાટે જેલની બહાર નિકળી જવાના હતા, પણ તે પહેલા આ સુરંગ પકડાઈ ગઈ.

ગુજરાતની કોઈ જેલમાં સુરંગ ખોદાઈ જાય તે પહેલી ઘટના હતી, રાજય સરકાર, ગુજરાત પોલીસ અને જેલ સત્તાવાળા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા, જેના કારણે અમદાવાદના તમામ પત્રકારોની સમસ્યા હતી, કે  તંત્ર ઈચ્છી રહ્યુ હતું કે આ ઘટનાની ઓછામાં ઓછી વિગતો પત્રકારો સુધી પહોંચે, તેના કારણે વિગતો છુપાવવામાં અને રોકવામાં આવી રહી હતી, આ સમય અમદાવાદના તમામ પત્રકારો માટે મહેનત માંગી લે તેવા પ્રકારનો હતો, સામાન્ય રીતે પોલીસ પોતાની કામગીરી દેખાડવા માટે તેમણે કરેલા પરાક્રમોની તો પ્રેસ કોન્ફરન્સ કરે છે, પણ આવુ બને ત્યારે મૌન થઈ જવુ તેમના માટે ઉપરીનો આદેશ હોય છે.

હું કામે લાગી ગયો હતો, એક પત્રકાર તરીકે હું કઈક બીજા કરતા જુદુ અને વધુ સારુ રીપોર્ટીંગ કરૂ, તેવી મનસા હોવી બહુ સ્વભાવીક વાત હતી, પણ દરેક વખતે પત્રકારત્વમાં તમને મળતી માહિતી તમારી હિમંત અથવા મહેનતને કારણે મળે છે તેવુ પણ હોતુ નથી કયારેક તમને સમાચાર લોટરી તરીકે પણ મળી જતા હોય છે, હા તેના માટે તમે વર્ષો સુધી કરેલી મહેનત અને ઉભા કરેલા સંબંધોમાં પણ કારણભુત બનતા હોય છે. જેલમાં સુરંગ ખોદાઈ ગઈ તેના કારણે સુરંગ કેવી હશે, તેવો પ્રશ્ન વાંચકોને તો ઠીક પણ પત્રકારોને પણ થતો હતો, હું સુરંગ કેવી હશે તેની શોધ કરી રહ્યો હતો ત્યારે એક વિશ્વાસુ મીત્ર મળી ગયા, મેં તેમને વાત કરી તેઓ હસવા લાગ્યા, તેમણે કહ્યુ સુરંગનો ફોટો જોઈએ છે, મળી જશે, અને તેમણે મને સુરંગના ફોટોની વ્યવસ્થા કરી આપી, સુરંગની તસવીર લઈ આવવામાં મારી મહેનત નહીં પણ મારો સંબંધ કામ લાગ્યો અને એક માત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં સુરંગનો ફોટો છપાયો હતો.
( એક માત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં છપાયેલી સુરંગની તસવીર)
સુરંગની તસવીર માત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામં પ્રસિધ્ધ થઈ પછી મને અનેક લોકોએ ડરવવાનો પ્રયત્ન કર્યો કે નિયમ પ્રમાણે તમે આ તસવીર છાપી શકો નહીં, તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે, પણ હું તમામ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર હતો, માની લો કે કેસ થાય તો પણ મારા પત્રકારત્વનો પહેલો કેસ થવાનો ન્હોતો, અગાઉ પંદર-સત્તર કેસ થઈ ગયા હતા. તસવીર તો મળી ગઈ પણ સુરંગ કેટલી લાંબી છે તેનું સત્ય બહાર આવ્યુ ન્હોતુ જેલ સત્તાવાળા અને આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ સુરંગ 18 ફુટ સુધી ખોદી હોવાનું કહી રહ્યા હતા. માહિતી મેળવવાના તમામ સંપર્કો બંધ થઈ ગયા હતા, કોઈ જ માહિતી જેલની ઉંચી દિવાલોની બહાર આવતી ન્હોતી, ક્રાઈમ બ્રાન્ચના ચોક્કસ અધિકારીઓ જ જેલમાં જઈ તપાસ કરી રહ્યા હતા, તે જેલની બહાર આવતા ત્યારે તેમના મોંઢા બંધ થઈ જતા હતા.

એક પત્રકાર તરીકે તમે જયારે સાંજે ઓફિસ પહોંચો ત્યારે તમારા તંત્રીને તમે કહી શકતા નથી, કે તમને સમાચાર મળતા નથી, સાંજે સ્ટોરી તો જોઈએ જ, હું અને ત્યારે ગુજરાત સમાચારમાં ફરજ બજાવતો મીહીર ભટ્ટ રોજ બપોરે જેલના દરવાજે જઈ બેસતા, કદાચ મીહીરને ત્યારે મુર્ખામી પણ લાગતી હશે કે રોજ જેલના  દરવાજે બેસી કેવી રીતે સમાચાર મળે, જો કે ત્યારે મારી પાસે પણ તેનો કોઈ ઉત્તર ન્હોતો, આવા ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયા, તે દિવસ પણ અમે રોજ પ્રમાણે સાબરમતી જેલના દરવાજે જઈ બેસી ગયા.

મને જેલના લોંખડી દરવાજાની બહાર આવતો એક પરિચીત ચહેરો દેખાયો, એક આશા નજરે પડી, મેં મિહીરને સુચના આપી તે બેસી રહેજે, પેલી વ્યકિતએ મને જોયો પણ તેના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા નહીં, તે જેલની બહાર રસ્તા ઉપર આવ્યો ત્યાં પાનના ગલ્લા ઉપર આવી ઉભો રહ્યો, હું પણ ગલ્લા ઉપર પહોંચ્યે તેણે મારી સામે જોયુ સુધ્ધા નહીં, મેં તેને પુછયુ સુરંગ કેટલી લાંબી છે, તેણે મારી સામે જોયા વગર કહ્યુ જેલની મુખ્ય દિવાલની બહાર સુધી નિકળી ગઈ છે.

હું સ્તબ્ધ થઈ ગયો આટલી લાંબી સુરંગ કારણ જેલની બેરેકથી લઈ મુખ્ય દિવાલ સુધી ખાસ્સુ અંતર હતું, હું પાછો મિહીર પાસે આવ્યો, તેણે મને પુછયુ શુ થયુ, મેં કહ્યુ મોટા સમાચાર મળી શકે, પણ સાહસ કરવુ પડશે, પકડાઈ જઈશુ તો પોલીસ ખુબ મારશે કદાચ કેસ પણ કરી દેશે. તેના ચહેરા ઉપર ઉત્સાહ આવી ગયો તે તૈયાર થઈ ગયો, મેં કહ્યુ હું ઈન્સપેકટર અને તુ મારો કોન્સટેબલ મારી પાછળ તારે આવવાનું.. તેણે હા પાડી, શરીર ઉપર ભલે યુનિફોમ ન્હોતો, પણ સતત પોલીસ સાથે કામ કરી તેમની બોડી લેગ્વેજની ખબર હતી, અમારે જેલના પ્રતિબિંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાનો હતો.

અમારા બન્નેને અંદરની ભુગોળ અને સુરક્ષા વ્યવસ્થાની ખબર ન્હોતી, અને હિમંત કરી હું ઈન્સપેકટર જ છુ, તેવા આત્મ વિશ્વાસ સાથે ઝડપભેર ચાલવા લાગ્યો, મારા થોડા અંતરે મિહીર પણ પોલીસ જ હોય તે રીતે મારી પાછળ ચાલતો હતો, અમને પહેલી ચોકી નજરે પડી, પણ જાણે અમે તેની નોંધ જ લેતા નથી, તેવો ભાવ ચહેરા ઉપર રાખ્યો, પહેલી ચોકીના જવાને અમને જોયા, તે પહેલા બેઠો હતો, પણ અમને જોતા તે ઉભા થઈ ગયો, તેણે અમને સલામ કરી, તેની સાથે આત્મ વિશ્વાસમાં વધારો થયો, છતાં અંદર તો ફફડાટ હતો, બીજી ચોકી પણ આવી તે જવાન રાયફલ સાથે સાવધાન પોઝીશનમાં ઉભો રહ્યો. મનમાં થતુ કે અમારે જયા પહોચવુ છે તે સ્થળ જલદી આવે તો સારૂ.

હવે ત્રીજી ચોકી હતી, તે જવાન પણ પહેલા ઉભો થયો, પણ પછી તે ચોકીની બહાર આવી અમારી તરફ આગળ વધ્યો મનમાં જે ડર ઉભો થયો અને લાગ્યુ કે હવે પકડાઈ ગયા તો પાછળની ચોકીવાળા પણ આપણને મારશે. મારા અને સામે આવી રહેલા પોલીસ જવાન વચ્ચે માંડ દસ ફુટનું અંતર રહ્યુ હશે, મેં જોરથી બુમ પાડી આદેશાત્મક ભાષામાં પુછયુ જવાન ક્રાઈમ બ્રાન્ચ કે આદમી કહા હૈ. તીર નિશાન ઉપર વાગ્યુ, તેણે જમણી તરફ જતા રસ્તા તરફ ઈશારો કરી કહ્યુ સાબ સભી ઈસ તરફ ગયે હૈ.તેણે માની લીધુ હતું કે અમે પોલીસવાળા જ છીએ.

પણ જેવા અમે તેની નજીક પહોંચ્યા તેની સાથે તેણે મને કહ્યુ સાબ આપકા આઈ કાર્ડ દીખાઈયે. મારી સામે કોઈ વિકલ્પ ન્હોતો, મેં પોલીસ અધિકારી પોતાની ઓળખ આપવા જે રીતે કાર્ડ બતાડે તે રીતે મારૂ પર્સ કાઢી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનું કાર્ડ બતાડી તરત પર્સ ખીસ્સામાં મુકી દીધુ, કારણ કાર્ડ ઉપર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા લખેલુ હતું, અને હું તેને વાંચવા માટે સમય આપુ તો ભાંડો ફુટી જાય તેવુ હતું, કાર્ડ જોઈ તેણે અમને સુરંગ સુધી જવાનો રસ્તો બતાડયો અને અમે ત્યાં પહોંચી ગયા

સુરંગ 18 ફુટની નહીં પણ પુરી 213 ફુટની હતી તે સ્ટોરી માત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને ગુજરાત સમાચાર પાસે જ હતી, કયારેક તમારે ગણતરીના જોખમો ઉઠાવવા પડે અને ગણતરી ખોટી પડે તે તેના પરિણામો પણ ભોગવવા પડે,

ચ્હા પીવાની હરીફાઈ થાય તો બધા જ ઈનામ ભારતને મળે.

પહેલાના સમયમાં બ્રાહ્મણોમાં લાડુ ખાવાની હરિફાઈ થતી હતી,  હોસ્ટેલમાં કોઁણ વધુ ગુલાબજાંબુ ખાશે તેવી શરતો લાગતી હતી, પણ હવે સમય બદલાયો છે, હવે આપણા રાજનેતાઓમાં દલિતના ઘરે કોણે વધુ ચ્હા પીધી તેની હોડ લાગી હોય તેવુ લાગે છે.એક જમાનો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદાર નેતા દિનકર ભટ્ટ હતો, જન્મે બ્રાહ્ણણ હતા, પણ તેમના એક અવાજ ઉપર અમદાવાદના બધા જ સફાઈ કામદાર હડતાળ પાડી દેતા હતા, કોઈ પણ સફાઈ કામદારને કયારે શંકા પણ થઈ ન્હોતી કે આપણો નેતા  બ્રાહ્મણ કેવી રીતે હોઈ શકે. પણ હવે સમય  બદલાયો છે, આપણા નેતાઓ માટે તમામ વર્ગના લોકો એક સરખા છે હોવો જોઈએ, આ બાબત શ્વાસ લેવા જેટલી સહજ હોવી જઈએ, પણ તેવુ નથી, તેના કારણે તમે જે નથી તે બતાડવા ડોળ કરવો પડે છે. રાહુલ ગાંધી કોઈ બ્રાહ્મણના ઘરે ગયા અને ચ્હા પીધી તે સમાચાર કેમ બનતા નથી , પણ દલિતના ઘરે જાય અને ચ્હા પીવે તો સમાચાર મને તેવુ રાહુલ સહિતના તમામ નેતાઓ ઈચ્છે તેવુ કેમ...

રાહુલ ગાંધી ઉના ગયા અને પીડીતના ઘરે ગયા અને ચ્હા પીધી, બસ આ તસ્વીરો ટીવી અને અખબારમાં ચાલી, તમે આ તસ્વીર ધ્યાનથી જોઈ લેજો, રાહુલ ગાંધીની સાથે ચ્હા પીનાર માથે પાટો બાંઘેલો પીડીત વ્યકિત તમને તમામ નેતાઓ સાથે જોવા મળશે, રાહુલની સાથે તેણે પણ ચ્હા પીધી હતી, કારણ તો જ રાહુલના ફોટોની વેલ્યુ વધે છે
આ બીજી તસવીર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની છે, રાહુલ ઉનામાં ચ્હા પી ગયા એટલે તેમને પણ આવવુ પડે કારણ રાહુલ સાથે તેમનો વિશેષ પ્રેમ છે, કેજરીવાલ પણ પીડીતોને મળ્યા અને પાટો બાંઘેલા પીડીત સાથે તેમણે પણ ચ્હા પીધી, કેજરીવાલે ખાસતા ખાસતા જે કઈ કહ્યુ હશે , પેલા ભાઈ શુ સમજયા હશે તે જુદી વાત છે પણ કેજરીવાલે પણ ચ્હા પીધી અને ફોટો ટીવી અને અખબારમાં ચાલી ગયો તે જ બહુ છે, કારણ વાત તો અમે દલિતોને પ્રેમ કરીએ છીએ એટલી જ કહેવી હતી, આખરે હવે કેજરીવાલ પણ બીજા રાજકારણી કરતા ઓછા દાવ જાણતા હોય તો પણ બેઝીક દાવ તો તેમને પણ આવડી ગયા છે.
રાહુલ ગાંધી અને કેજરીવાલ આવી ગયા એટલે ભાજપને લાગ્યુ કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળી આવ્યા પણ ચ્હા પીવાની રહી ગઈ, એટલે ભાજપે ચ્હા પીવા માટે પુરૂષોત્તમ રૂપાલાને મોકલ્યા, રૂપાલા બોલવામાં ગુજરાતના લાલુપ્રસાદ છે, તેમને બોલવુ હોય તે જ બોલે છે, કોડાફાડ છે, પણ પોતાના લાભનું હોય તે જ બોલે છે, પણ તેમની ગુજરાતી લાલુની સ્ટાઈલ સામાન્ય માણસને સ્પર્શી જાય છે, અને રૂપાલા પણ ચ્હા પી પાછા આવ્યા , આ ત્રણ નેતા પછી અનેક નેતાઓ ચ્હા પી ગયા બધા જ દલિતોને પ્રેમ કરે છે, તો પછી જો આટલા બધા દલિત પ્રેમી નેતાઓ છે તો આ બનાવ કેમ બન્યો તે મને સમજાતુ નથી.

પણ આ ત્રણે તસવીરોમાં સુચક બાબત પેલી પાટો બાંધેલી વ્યકિત છે, કદાચ એટલા બધા નેતાઓ તેના ઘરે ચ્હા પી ગયા કે તેની સારવાર કરતા ચ્હાનું બીલ વધુ આવશે તેવુ મને લાગે છે.. વાત બહુ સામાન્ય છે જો  નેતાઓ છેવાડાના ઘરના માણસના ઘરે માત્ર ચુંટણીમાં જવાને બદલે વાર તહેવારે જતા થશે તો તેમના ઉપર થતાં અત્યાચાર તો દુરની વાત પણ અન્ય સમાજ તેમને માન આપતો થશે પછી કોઈને ચ્હા પીતા ફોટો સેશનની જરૂર પડશે નહીં.

Sunday, July 24, 2016

રવિવારે અમદાવાદની હોટલોમાં સદાવ્રત ચાલે છે

અમદાવાદના ત્રણ દરવાજા અને જમાલપુર વિસ્તારમાં કેટલીક હોટલો માત્ર ફકીરો માટે જ ચાલે છે, હોટલની બહાર કતારબંધ લોકો બેઠા હોય, કોઈ કારમાં આવે તો કોઈ સ્કુટર લઈ આવે અને આવીને સીધો હોટલના કાઉન્ટર ઉપર જઈ કહે દસ આદમીઓકો ખાના ખીલા દો, તે દસ માણસોના પૈસા આપી જતો રહે એટલે કાઉન્ટર ઉપર બેઠેલો મેનેજર પહેલા દસને અંદર બોલાવી જમાડી દે. આવુ આખો દિવસ ચાલતુ રહે, માત્ર ફકીરો ઉપર જ ચાલતી આ હોટલો અંગે બહુ ઓછા લોકોને ખબર હોવા છતાં આ હોટલની બહાર બેઠેલો ફકીર કોઈ દિવસ ભુખ્યો રહેતો હતો.

પણ અમદાવાદનો પશ્ચીમ વિસ્તાર જયા ઉચ્ચ મધ્યવર્ગ અને શ્રીમંતો જ રહે છે, ત્યાંની હોટલોમાં પણ ખાસ કરી રવિવારે તો આવી જ સ્થિતિ હોય છે. રવિવારે મોટા ભાગના પરિવારના રસોડા સાંજે તો બંધ જ હોય છે, ભુલથી કોઈ પતિ પોતાની પત્નીને પુછી બેસે કે સાંજે શુ બનાવવાની છે.. તો પત્નીના ચહેરા ઉપર કીધા વગર જે ભાવ આવે તે કઈક આ પ્રકારનો હોય છે.. શુ આખુ અઠવાડીયુ અમારે ઢસરડા કરવાના રવિવારે પણ બહાર જવાનું નહીં.. બીજી તરફ પતિ પણ મારે ખીસ્સાને દર રવિવારે બહાર જમવાનું પરવડતુ નથી તેવુ કીધા વગર કોણ કંકાસ કરે તેવા મુડમાં પરિવાર સાથે બહાર નિકળી પડે છે.

ખરી મઝા તો હવે શરૂ થાય છે, રોડ સાઈડ ઢાબુ હોય કે સારી કહેવાતી હોટલ હોય તેની બહાર તમને જમવા આવનારના ટોળા જોવા મળે.. તમે એક તબ્બકે તો ભુલી જ જાવ કે અમદાવાદમાં છો કે પછી સોમાલીયામાં. હોટલની બહાર હોટલનો એક મેનેજર હાથમાં કાગળ પેન લઈ બેઠો હોય. તેની પાસે જઈ તમારે નામ અને જમવા આવનારની સંખ્ય લખાવવાની . પછી તે તમને આદેશાત્મક ભાષામાં કહે બેઠો સાબ આધા ઘંટા લગેગા. પછી તમારો નંબર આવે ત્યારે કોર્ટના ગુમાસ્તાની જેમ તમારા નામનો પોકાર કરે , તમે પૈસા આપીને જમતા હોવ છતાં તમે કોઈ મંદિર કે આશ્રમના સદાવ્રતમાં જમવા આવ્યા હોય તેવુ લાગે, છતાં  દર રવિવારે ભીડમં વધારો જ જોવા મળે .

હોટલમાં જમ્યા તો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ, કારણ તમે કેટલીક મોટી હોટલમાં જમ્યા તેના આધારે તમારૂ સ્ટેટસ તૈયાર થતુ હોય છે. તમે કહો કે નવજીવન પ્રેસના કર્મ કાફેમાં જમ્યા તો સામેવાળો નક્કી કરી નાખે પાર્ટી તુટી ગઈ છે, કારણ ત્યાં માત્ર સવાસોમાં થાળી મળે છે. પણ જો તમે કહો હાઈવે ઉપર આવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં 1200ની થાળી જમ્યા તો તમે ફાઈવ સ્ટાર કલ્ચરમાં તમને સમાવીષ્ટ કરી દેવામાં આવે, પણ ભલે 1200ની થાળીમાં વાટકીઓમાં  એક સાથે બે આંગળીઓ પણ ના જઈ શકે એટલી નાની હોય તો પણ જમવાની ગુણવત્તા કરતા તેની કિમંતનો જ સવાલ હોય છે.

રવિવારે બહાર જમવા જવાનું એટલે પંજાબી, મેકસીકન અને ચાઈનીઝ વગેરે વગેરે જ જમવાનું, કારણ ગુજરાતી તો ઘરે પણ જમીએ છીએ, ઘણી બધી વાનગીઓ તો એવી હોય છે કે તેમના નામ સુધ્ધા આવડતા નથી, માત્ર મેનું કાર્ડ ઉપર આંગળી મુકીને જ વેઈટરને સમજાવી પડે છે. છતાં બીજા દિવસે મીત્રોને કહેવાનું કે ફલાણી હોટલમાં ફુડ બહુ સારૂ હતું. ખાસ કરી ધ્યાન આપજો મોટા ભાગના ગુજરાતીઓ હોટલમાં જમી આવ્યા પછી જમવાનું સારૂ હતુ તેવુ કહેવાને બદલે ફુડ સારૂ હતુ તેવુ જ કહેશે. વધુ પૈસા આપીને જમ્યા તો ફુડ શબ્દનો પ્રયોગ કરવો પડે તેવુ લાગતુ હશે.

તમે મોટી હોટલમાં જમવા જાવ ત્યારે ધ્યાનથી જોજો, વેઈટર બીલ આપી ભલે દુર જતો રહે પણ તેની નજર તમે કેટલી ટીપ મુકો છો તેની ઉપર જ હોય છે, તે તમે મુકેલી ટીપના આધારે પોતાના ચહેરા ઉપરના હાવભાવ બદલે છે. જો તેની અપેક્ષા પ્રમાણેની ટીપ ના હોય તો ચહેરા ઉપર ભાવ આવે સાલો કંજુસ છે. છતાં આ બધી બાબતો હોવા છતાં રવિવારે તો હોટલમાં જવુ જ પડશે.

આવી જ સ્થિતિ રોજે રોજ પાણી પુરીના લારી ઉપર હોય છે, અમદાવાદમાં કોઈ પણ પાણીપુરીની લારીવાળો લગભગ નવરો હોતો નથી, પણ તમે જયારે પાણીપુરી ખાવ જોવા ત્યારે તમને સતત એવુ લાગે છે તમારી આગળ પાણાપુરી ખાઈ રહેલી વ્યકિત કેટલી પાણીપુરી ખાય છે, કઈક તો મર્યાદા રાખવી જોઈએ, અને પછી આપણો નંબર આવે ત્યારે આપણી પાછળ પાણીપુરીના વેઈટીંગમાં ઉભો રહેલો માણસ પણ આપણા જેવુ વિચારતો હોય છે. હવે અમદાવાદમાં માથે ટોપી અને હાથમાં પ્લાસ્ટીકની થેલી પહેરેલા પાણીપુરીવાળા પણ ઉભા રહે છે, જો કે મઝા તો ભૈયાજીની પાણીપુરીમાં જ આવે છે... જો કે તે કારણોની ચર્ચા કરતો નથી, કારણ તેની તમને ખબર છે.આંદોલનમાં પોલીસ બીચારી લાચાર કેમ થઈ જાય છે....

 મારી પાસે આજે એક વિડીયો આવ્યો જેમાં રાજરોટ જેતપુરના ધારાસભ્ય અને મંત્રી જયેશ રાદડીયા ડીએસપી અત્રીપ્ત સુદને આદેશાત્મક ભાષામાં જાહેરમાં સુચના આપતા સંભળાય છે, તે ડીસીપી સુદને કહે છે લુખાઓને પાડી દો. સુદ પોતાના સ્ટાફ સાથે ઉભા છે અને મંત્રી રાદડીયા જે ભાષામાં ડીએસપી સાથે વાત કરે છે, તે દર્શ્ય જોઈ પોલીસની દયા આવે છે. અત્રીપ્ત સુદ આઈપીએસ થઈ ગુજરાત આવ્યા ત્યારે તેમના પ્રોબેશન પીરીયડમાં તેમણે બળાત્કાર ગુજારનાર આરોપીઓને જાહેરમાં માર્યા હતા, એક પોલીસ અધિકારી તરીકે ગુસ્સો આવવો સ્વભાવીક હતો, પણ આ ઘટનાને કારણે તેમનો પ્રોબેશન પીરીયડ એક વર્ષ લંબાવી દેવામાં આવ્યો હતો, એક કલ્પના કરો સુદના મન ઉપર આખી ઘટનાની કેવી પીડાકારક યાદો છોડી ગઈ હશે. રાજકોટ જિલ્લાના પોલીસ વડા તરીકે તોફાનીઓ  જેતપુરમાં તોડફોડ કરતા રહ્યા અને રસ્તા જામ કરતા  ગયા પણ સુદ મગજ ઉપર બરફ મુકી શાંત ઉભા હતા આવુ તેમણે કેમ કર્યુ તેના માટે તેમનો ભુતકાળનો અનુભવ કારણભુત હતો

એક આઈપીએસ અધિકારી યુપીએસસીની પરિક્ષા પાસ કરવા માટે કોલેજ પુરી કરી રાત-દિવસ પોતાને એક રૂમમાં બંધ કરી વાંચ્યા કરે, દેશના  લાખો યુવાનો દર વર્ષે તેના માટે મહેનત કરી પરિક્ષા આપે તેમાં દેશના શ્રેષ્ઠ યુવાનોને ભારતીય પોલીસ સેવામાં કામ કરવાની તક મળે અને ટ્રેનીંગ પુરી કરી તેના શરીર ઉપર ખાખી કપડા આવે અને ખભા ઉપર આઈપીએસના હોદ્દા સાથે અશોક સ્તંભનો ભાર મુકવામાં આવે ત્યારે ખબર પડે હવે તેની નોકરી અને જીંદગીનો ફેસલો તેણે પોતે નહીં, પણ દસ-બારમુ ભણેલો તેના વિસ્તારનો ધારાસભ્ય અથવા અનેક વખત જેલમાં જઈ આવેલો અને હવે મંત્રી થઈ બેઠેલો રાજકારણી કરવાનો છે.

2002ના તોફાનોમાં નેતાઓ અને ધારાસભ્યો રસ્તા ઉપર ઉભા હતા, તેના કારણે મોટા ભાગના શહેરોમાં પોલીસ તમાશબીન જોતી રહી, નજીકના જ ભુતકાળની  વાત કરીએ પટેલ આંદોલન વખતે રસ્તાઓ ઉપર ટોળા ઉપરી પડતા, ખાનગી-સરકારી મિલ્કતોને નુકશાન કરતા અને પોલીસ ઉભી રહેતી, અને છેલ્લે ઉનાની ઘટના બાદ પણ નારાજ દલિતોએ ભુતકાળ જેવુ કર્યુ, રાજકોટના એક પોલીસ અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે પોતાની નારાજગી વ્યકત કરતા કહ્યુ આપણે જયારે ખાખી કપડા પહેરી  ઉભા હોઈએ ત્યારે કોઈ પણ સમુદાયના લોકો કાયદો હાથમાં લઈ લે, રસ્તે જતા લોકોને ફટકારે, દુકાનો તોડે અને બસોને આગ ચાંપે ત્યારે પોલીસ તરીકે અંદરથી લોહી ઉકળી ઉઠે છે, આ જોઈ મેં મારા સિનિયર અધિકારીને આદેશ આપો તેવુ કહ્યુ તો તેમણે કહ્યુ મેં ઉપર વાત કરી છે ઓર્ડર આવે પછી નક્કી કરીએ શુ કરવાનું.

મસુરીની પોલીસ ટ્રેનીંગ એકેડમી હોય કે ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી હોય ત્યારે ટ્રેનીંગ દરમિયાન કયારેય કોઈ પોલીસ અધિકારીને શીખવાડવામાં આવતુ નથી કે આવી સ્થિતિમાં કોઈ પણ એકશન લેતા પહેલા તમારા વિસ્તારના ધારાસભ્ય-મંત્રી અથવા સિનિયર પોલીસ અધિકારીને શુ ગમશે તે પ્રમાણે તમારે એકશન લેવાના હોય છે. ટ્રેનીંગમાં તો બહાદુરી-કાયદો અને દેશનું બંધારણ શીખવાડવામાં આવે છે. પણ જમીની વાસ્વીકતા તેના કરતા સાવ વિપરીત હોય છે. કયા પોલીસ અધિકારીને કયાં પોસ્ટીંગ આપવુ તે આપણા નેતાઓ ગમા-અણગમાને આધારે નક્કી થતુ હોય છે નહીં કે પોલીસ અધિકારીની કામની કાબેલીયત અને પ્રમાણિકતાને ધ્યાનમાં લઈ, તેના કારણે પોલીસ અધિકારીઓ સતત સારા પોસ્ટીંગ માટે નેતાઓના તળીયા ચાટવાનું જ બાકી રાખે છે.

માની લો કે પોલીસ નેતાઓને નારાજ કરીને એકશનમાં પણ આવી જાય તો ત્યાંથી પોલીસ અધિકારીની એવા દુરના વિસ્તારમાં બદલી થઈ જાય છે કે આ પોલીસ અધિકારી પોતાના પરિવારને પણ મળી શકતો નથી, આવી સ્થિતિ લાંબો સમય ચાલે ત્યારે કડક પોલીસ અમલદારોને પણ મેં પરિવાર ખાતર સમાધાન કરતા જોયા છે. બીજી વાસ્વીકતા એવી પણ છે કે પોલીસ અધિકારી તરીકે તમે ગુંડાગીરી કરતા કોઈ નેતાને તમે કાયદાની મર્યાદામાં રહી પાઠ ભણાવ્યો હોય તો પાંચ વર્ષ પછી તે જ મંત્રી થઈ જાય તો તમારે તેને સલામ કરવી પડે, આ બધી બાબતો પોલીસને કઠતી હોય છે અને આંદોલનકારીઓને રાજય સરકાર સાથે સમાધાન થઈ જાય તો સરકાર તમામ કેસ પાછા ખેંચી લેતી હોય છે, આવુ તાજેતરમાં જ પટેલ આંદોલન દરમિયાન થયુ હતું.

હાલની સ્થિતિમાં ગુજરાત પોલીસ નાજુક તબ્બકામાં છે, દિશા વિહીન અને નેતા વિહોણી છે, કયારે શુ કરવુ તેની તેને ખબર જ નથી, એટલે મોટા ભાગે તે એકશનમાં આવવાના આદેશની રાહમાં થાકી જાય છે. અને જયારે એકશનમાં આવે ત્યારે આખી વાત પોલીસ એટ્રોસિટીનું રૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિ કોઈ પણ સમાજ અને રાજય સરકાર માટે ધાતક પુરવાર થઈ શકે તેમ છે.


Saturday, July 23, 2016

દલિત મંત્રીની ચેમ્બરના સરકારી સોફા ઉપર સુચના છેઃ મંત્રીની મંજુરી વગર સોફા ઉપર બેસવુ નહીં

પ્રશાંત દયાળ એટલે તમે કઈ જ્ઞાતિના તેવો પ્રશ્ન મને અનેક લોકોએ અનેક વખત પુછયો છે... આ પ્રશ્ન પુછાયો ત્યારે મને મનમાં સતત એવો પ્રશ્ન થાય છે કે મારી કઈ જ્ઞાતી કઈ  તેનાથી કોઈને શુ કામ ફર્ક પડવો જોઈએ. પરંતુ દયાળ અટક ગુજરાતમાં નહીં હોવાને કારણે હું કોણ છુ તેવો અનેકોને પ્રશ્ન થાય છે. ત્યારે હું માત્ર એટલુ જ કહુ છુ કે ઘરમાં મરાઠીભાષામાં વાત કરૂ છુ, અને મારા જન્મ પ્રમાણપત્રમાં  બ્રાહમણ લખ્યુ છે.પણ આ બધી બાબત ગૌણ છે, હું મારા બાળકોને કાયમ શીખ આપવાનો પ્રયત્ન કરૂ છુ કે લોકો તમને સારા કામથી ઓળખે તેવુ કામ કરજો, તમે કયાં જનમ્યા છો તે બાબતનું કોઈ મહત્વ નથી.

ઉનાની ઘટના ઘટી ત્યારે મારૂ મન વ્યથીત હતું, મેં મને જે લાગ્યુ કે આકરા શબ્દોમાં લખ્યુ, મારા કેટલાંક અંગત મીત્રોએ પોસ્ટની કોમેન્ટમાં તો કઈ લખ્યુ નહીં પણ મને જયારે મળ્યા ત્યારે મને કહ્યુ તમને નથી લાગતુ કે તમે દલિતોના મુદ્દે થવુ જોઈએ તેની કરતા વધુ સંવેદનશીલ થઈ જાવ છો. હું તેમને કોઈ જવાબ આપતો નથી, કારણ તે ચર્ચાનો કોઈ અર્થ નથી, સવાલ સંવેદનશીલતાનો છે ત્યાં સુધી તેનું કોઈ મીટર હોઈ શકે નહી. જન્મ અને કર્મના કુળને કારણે કોઈને અન્યાય થઈ શકે નહીં તેવુ હું સ્પષ્ટપણે માનું છુ. પણ ઉના કરતા વધુ માઠુ મને જયારે હું ગાંધીનગર સચિવાલયમાં ગયો ત્યારે લાગ્યુ.

બીન દલિત વ્યકિત પણ કોઈ દલિત સાથે ભેદભાવ કરે તો તેને ચલાવી લેવાય નહીં, પણ સચિવાયલમાં બેસતા એક દલિત મંત્રીની ચેમ્બરમાં ગયો ત્યારે પહેલા તબ્બકે મારી આંખો જે જોઈ રહી હતી તે મને ખુદને સાચુ લાગતુ ન્હોતુ. હું એક દલિત જ્ઞાતીના મંત્રીની ચેમ્બરમાં હતો, તેમની ચેમ્બરના સરકારી સોફા ઉપર એક સ્ટીકર મુકવામાં આવ્યુ હતું, જેની ઉપર નોંધ હતી કે મંત્રીની સુચના વગર સોફા ઉપર બેસવુ નહીં. આવી તો કેવી સુચના હોઈ શકે મને ખબર પડી નહીં, મેં મારી થોડા અંતરે ઉભા રહેલા મંત્રીના સ્ટાફને બોલીવી સ્ટીકર તરફ ઈશારો કરતા પુછયુ આવી સુચના કેમ લગાવી.. તેણે તરત આજુબાજુ કોઈ ઉભુ તો નથી તેની ખાતરી કરતા કહ્યુ સાહેબ મંત્રી સાહેબનું ખાતુ તો તમને ખબર છે, તેમને મળવા કોણ આવે. તે આખી વાત મોઘમમાં કહી રહ્યો હતો. તેણે ફરી એક વખત ચારેતરફ નજર ફેરવી લેતા કહ્યુ સાહેબને મળવા આવતા લોકો મેલા-ઘેલા હોય છે, અને તે આવતા જ સોફા ઉપર બેસી જાય છે તે વાત સાહેબને પસંદ નથી.

મને આધાત લાગ્યો, આ મંત્રી દલિત જ્ઞાતિના હોવાને કારણે ભાજપ સરકારે દલિત તરીકે મંત્રીમંડળમાં સ્થાન આપ્યુ હતું, પણ હવે તેમની ચેમ્બરમાં તેઓ જેમને મેલા ઘેલા કહી રહ્યા હતા તે બધા જ દલિતો તેમના સોફા ઉપર આવી બેસે તે તેમને પંસદ પડતુ ન્હોતુ. મને આ સાંભળી આધાત લાગ્યો, બીજા તો ઠીક દલિતોને દલિત ધીક્કારી રહ્યો હતો.કારણ કે ગરીબ અને મેલો ઘેલો હતો. દલિત જ્ઞાતિમાં કુલ 22 પેટા જ્ઞાતિનો સમાવેશ થાય છે. વણકર માને છે કે તે ચામડુ ઉતારતી જ્ઞાતિ કરતા ઉપર છે, અને ચામડુ ઉતારનાર માને છે કે વાલ્મીકી સમાજ કરતા ઉપર છે.અને દલિતોની ત્રણે મુખ્ય જ્ઞાતિઓ એકબીજા સાથે આભડછેટ રાખે છે. શહેરમાં વસતા લોકોને ખબર પણ નહીં હોય કે દલિતોના બ્રાહ્મણ પણ અલગ હોય છે, તેમને ગરોડા બ્રાહ્રણ તરીકે ઓળખવામાં આવે છે..

પણ મંત્રીની ચેમ્બરમાં જે કઈ જોયુ તેનાથી હુ્ં વ્યથીત થઈ ગયો, એક તરફ ભાજપીની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ખ્રીસ્તીઓ દ્વારા ધર્માતરણ થઈ રહ્યુ છે તેની બુમો પાડે છે. પણ મંત્રીના ચેમ્બરમાં જે કઈ જોયુ તે જોઈ મને લાગ્યુ કે કોઈ પણ દલિતે શા માટે હિન્દુ રહેવુ જોઈએ, રોજે રોજ અન્ય જ્ઞાતીઓમાં તો તેમનું અપમાન થાય છે પણ તેમના જ કુળના લોકો તેમને માન આપતા નથી.એક વખત કઈ દલિત હિન્દુ ધર્મનો ત્યાગ કી ખ્રીસ્તી થઈ જાય પછી તેની જ્ઞાતિ કોઈ પુછતુ નથી, કારણ ખ્રીસ્તી કોઈ પણ હોય બધા જ ખ્રીસ્તી સરખા હોય છે.હિન્દુત્વની દુહાઈ દેતા આપણા સંતો અને હિન્દુ નેતાઓ મંદિરો અને મઠો બાંધી રહ્યા છે, ત્યારે ખ્રીસ્તી મીશનરીઓ સ્કુલો અને હોસ્પિટલો બાંધી રહ્યા છે, અત્યારે આપણે જરૂર કઈ બાબતની છે મંદિરો-મઠોની  કે પછી સ્કુલ-હોસ્પિટલોની.

મારે મન માણસ હિન્દુ રહે અથવા ખ્રીસ્તી થઈ જાય તેનું કોઈ મહત્વ નથી, કારણ માણસ જીવે  અને સારી રીતે જીવે તે જ અગત્યનું છે.આજે કોઈ પણ પટેલ પોતાની ઓળખ આપે એટલે તરત તેને પુછવામાં આવે છે કે કડવા કો લેઉવા તો આવી સ્થિતિમાં દલિતની વાત તો બહુ દુરની છે, પણ મંત્રીમંડળમાં બેસનારી વ્યકિત જે બંધારણના સોંગદ લે છે તેવી જવાબદાર વ્યકિત આવો વ્યવહાર કરે તે જરા પણ ચલાવી શકાય નહીં. આ પોસ્ટ લખવા બેઠો ત્યારે એક તબ્બકે મારી ઈચ્છા આવો  બેજવાબદારી પુર્વક વ્યવહાર કરનાર મંત્રીના  નામ જોગ આવી વાત અહિયા મુકવાનો ઈરાદો હતો.

હું મંત્રીને વ્યકિગત રીતે છેલ્લાં ત્રીસ વર્ષથી ઓળખુ છુ આ તેમનો સ્વભાવ નથી, પણ સતત સચિવાલયમાં બેસવાને કારણે તેઓ પોતાનો ભુતકાળ ભુલી ગયા હોય તેવુ લાગે છે તેમણે દલિત જ્ઞાતિમાં જન્મ લીધો હોવાને કારણે તેમને આ ભાજપે મંત્રી બનાવ્યા છે. હવે તેમને દલિત જ ગમતા નથી, તેમનું નામ અહિયા લખી નાખવામાં મારી કોઈ બહાદુરી ન્હોતી, પણ તેઓ જરૂર આપત્તીમાં મુકાઈ જતા, તેમને અપમાનીત કરવાનો ઈરાદો પણ નથી, બસ તેમની ચેમ્બરના સોફા ઉપર રહેલી સુચના નિકળી જાય અને મેલા ધેલા કપડાવાળો માણસ પણ સરકારી સોફામાં બેસે તે મારે મન બસ છે, કારણ આ સચિવાલય, સરકારી ગાડીઓ, એસી ચેમ્બરો અને સરકારી તીજોરીમાં રહેલા અબજો રૂપિયાનો માલિક તો પેલો ગરીબ માણસ છે, પ્રજાએ મંત્રીઓને માત્ર ટ્રસ્ટી તરીકે રાજયની જવાબદારી સોંપી છે પણ ટ્રસ્ટી પોતાને માલિક માની બેઠો છે.

આનંદીબહેન પટેલ જેવા જન્મે શિક્ષક મુખ્યમંત્રી હોય ત્યારે તેમણે પોતાના મંત્રીમંડળના સભ્યોને માણસ થવાનો પાઠ પણ ભણાવવા પડશે, નહીતર પ્રજા પાઠ ભણાવશે ત્યારે મોડુ થઈ ગયુ હશે.

Friday, July 22, 2016

હાર્દિકભાઈ નેતાગીરી અને ગુંડાગીરીમાં અંતર છે...

એક પત્રકાર મીત્ર સાથે મારી વાત થઈ હાર્દિક પટેલ અવારનવાર તેમની સાથે ફોન ઉપર વાત કરે છે અને વોટસઅપ મેસેજ ઉપર ચર્ચા પણ  કરે છે. મારા પત્રકાર મીત્રનો જયા સુધી સવાલ છે ત્યાં સુધી મને ખબર છે કે તેનો હાર્દિક સાથેનો સંબંધ માત્ર સમાચાર પુરતો સિમીત છે, પણ મારા આ પત્રકાર મીત્ર સાથે થયેલી વાતચીતમાંથી મને સમજાયુ તે પ્રમાણે હાર્દિકનો આદર્શ બાળાસાહેબ ઠાકરે છે.પત્રકાર મીત્ર સાથે હાર્દિકે કરેલા સંવાદ પ્રમાણે તે ચુંટણી લડવા માગતો નથી, પણ જે રીતે ઠાકરે સત્તામાં આવ્યા વગર મુંબઈની સત્તાને હચમચાવતા તેવુ તેને ગુજરાતમાં કરવુ છે, આમ સ્પષ્ટ વાત છે કે હાર્દિક જવાબદારી વગરની સત્તા લેવા માગે છે.
હાર્દિક બેફામ અને તર્ક વગરનું બોલે છે, કયારેક તે પોતાના સાથી લાલજી પટેલને ગાળો આપે છે તો કયારેક સમાજના નેતાઓને ગાળો આપે છે. કોઈની લીટી ભુસી પોતાની લીટી મોટી કરવાનો સહેલો રસ્તો તેણે અપનાવ્યો છે. બીજી તરફ આર્થિક રીતે પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો નેતા  અલ્પેશ ઠાકોર છે, જેની વાતમાં તર્ક અને સમજદારી છે, જો કે તેનો પણ વ્યકિતગત સ્વાર્થ અને રાજકિય મનસા પણ હોઈ શકે છે, અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર મારા મીત્ર છે, જે પહેલા ભાજપમાં હતા અને હાલમાં કોંગ્રેસમાં છે. આમ છતાં અલ્પેશ જયારે વાત કરે ત્યારે તેમાંથી સમજદારી ડોકાય છે, રાજકિય ગણિત હોવા છતાં તે પોતાના ઠાકોર સમાજની બદીઓ ઉપર જાહેરમાં અને સમાજની મિટીંગમાં બોલવાની હિમંત કરે છે., તેનું લક્ષ રાજકારણ પણ હોઈ શકે પણ તે તેની ગંધ કોઈને આવે નહીં તેની તકેદારી રાખે છે.
હાર્દિકના વ્યવહારમાં છીછરાપણુ છે, હાલમાં તે રાજસ્થાનમાં રહે છે , શ્રીનાથજીના દર્શને ગયો ત્યારે ટોલટેકસ ભરવાના મુદ્દે માથાકુટ કરી.. સવાલ સો-દોઢ સો રૂપિયાનો હતો, છતાં વાત વટની બનાવી, ટોલટેકસ ઉપર નોકરી કરતા સામાન્ય માણસો સામે રોફ જાડયો તેનો કોઈ અર્થ ન્હોતો, ગરીબને ધમકાવાનો કોઈ અર્થ નથી, અંતે પોલીસ કેસ થયો. હાર્દિકની ઈચ્છા નેતા થવાની છે તેમાં કઈ ખોટુ પણ નથી, પણ નેતાગીરી અને ગુંડાગીરી વચ્ચે પાતળી ભેદ રેખા છે, તે સત્તાના  મદમાં કયારે પાર થઈ જાય તેની ખબર રહેતી નથી, આપણા સમાજમાં લોકો ગુંડાને પણ સલામ કરે છે અને નેતાઓને પણ કરે છે, પણ પ્રજા તરફથી મળી રહેલી સલામ જીલનારે નક્કી કરવાનું છે કે સલામ કરનાર કઈ સલામી આપી રહ્યો છે.
હાર્દિકનો એક ટીવી પ્રોગ્રામ મેં જોયો તેમાં ઈન્ટરવ્યુ લેનાર થોડી થોડી વારે હાર્દિકને  યુવા દિલો કી ધડકન કહી પાનો ચડાવતા હતા, હાર્દિકને ખબર નથી આ બધી ટીઆરપીની રમતો છે, આ તો હમણાં ટીવી ઉપર હાર્દિક વેચાય છે, માટે યુવા દિલો કી ધડકન કહે છે, સમય જતા હાર્દિક  ખુદ પ્રેસનોટો લઈ અખબારની ઓફિસમાં જશે તો પણ કઈ છાપશે નહીં. રાજકારણના ગ્રાઉન્ડમાં રમતા રહેવા માટે કઈક નક્કર કરવુ પડે, માત્ર નિવેદન આધારે કઈ થાય.  પટેલ આંદોલન બાદ અલ્પેશ ઠાકોરે ઓબીસી  આંદોલન શરૂ કરતા હાર્દિકે કહ્યુ ઓબીસી સમાજને અમારો ટેકો છે, પછી દલિતનો મુદ્દો આવતા હવે તે કહે છે અમે દલિતોની સાથે છીએ, અરે ભાઈ દલિતોની સાથે છો તો  સરકાર ગઈ તેલ પીવા પણ જે ગામોમાં પટેલ-દલીતો વચ્ચે રોજે રોજ કંકાસ થાય તે દિશામાં કઈક કરો તો પણ ઘણુ છુ.
હાર્દિકની સ્થિતિ અત્યારે દેશી રજવાડાઓ જેવી છે, તેના દરબારીઓ હાર્દિકને ટીવીમાં જોઈ કહે છે વ્હા હાર્દિકભાઈ વ્હા.. પણ આવુ કરાય અને આવુ ના કરાય તેવુ કહેનાર કોઈ નથી, હાર્દિકે પોતાની ટીમ સારૂ નહીં સાચુ બોલનાર એકાદ વ્યકિત પણ રાખવો જોઈએ ભલે પછી તે લાલજી પટેલ પણ કેમ ના હોય.

કેજરીવાલ વાજબી વાત કરે તો સારૂ છે નહીંતર નરેન્દ્ર મોદી જેવી હાલત થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદના બાપુનગરથી લઈ બ્રાજીલના પ્રશ્ન ઉપર નિવેદન આપી દેતા હતા, ખાસ કરી જયારે મનમોહનસિંહની વાત આવે ત્યારે તેમને મુંગાબાબા જેવા નામે પણ ભાજપી નેતાઓ મઝાક કરતા હતા.કોઈ પણ વ્યવસ્થાની બહાર ઉભા રહી તેની ટીકા કરવી અથવા તેનો હલ કહી દેવો સહેલો હોય છે, કારણ ત્યારે આપણે વ્યવસ્થાના ભાગ હોતા નથી અને આપણી જવાબદારી પણ હોતી નથી, પણ જયારે તે વ્યવસ્થાની ડ્રાઈવીંગ સીટ ઉપર જે બેઠો હોય તેની મજબુરીઓ માત્ર તે સીટ ઉપર બેસી રહેવા પુરતી જ દરેક વખતે હોતી નથી. દેશના કાયદા-બંધારણ અને કોઈ પણ નિર્ણયની પડનારી દુરોગામી અસરોનું પણ તે ધ્યાન રાખતો હોય છે અથવા તેને તેવુ કરવાની ફરજ પણ પડતી હોય છે.
કાશ્મીરની સમસ્યા અંગે નરેન્દ્ર મોદીએ અગાઉ કરેલા નિવેદનો ખાસ કરી 56ની છાતી હોવી જોઈએ  વાળુ નિવેદન સોશીયલ મીડીયા ઉપર ખાસ્સુ વાયરલ થઈ રહ્યુ છે. આ ઉપરાંત મોંઘવારી- પેટ્રોલ ડીઝલના ભાવને લઈ યુપીએ સરકારને આડે હાથે લેનાર નરેન્દ્ર મોદીને સમજાય છે કે કોઈને ગાળો આપવી ખુબ જ સહેલી છે પણ ત્યાં બેઠા પછી એકાદુ પણ નાનુ સારૂ કામ થઈ જાય પણ ઘણુ હોય છે. હવે નરેન્દ્ર મોદીની ભાષાના રસ્તે કેજરીવાલ પણ આગળ વધી રહ્યા છે.
મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં સત્તા ન્હોતી મેળવી ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને ભાજપને તેમની જ ફ્રી સ્ટાઈલમાં જવાબો આપ્યા ત્યાં સુધી બરાબર હતું, પણ સત્તામાં બેઠા પછી કેજરીવાલે સરકાર તરીકેનો વ્યવહાર કરવો જઈએ, આજે પોતાના લાભ માટે કોઈ પણ નિવેદન કરતા પહેલા એક વખત વિચાર કરી લેવો જોઈએ કે આવતીકાલે આ પ્રજા આપણને સત્તામાં સામેલ કરશે તો આજે  જે માગણી કરીએ છીએ તેનું શુ થશે.
ઉના પ્રકરણમાં રાજકોટ પહોંચેલા કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ તું કે પીડીતોને  વળતરની સાથે સરકારી નોકરી પણ આપવામાં આવે, વાત અહિયા અટકી નહીં, તેમણે ન્યાયની માગણી  માટે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકોને પણ વળતર અને નોકરી આપવાની માગણી કરી દીધી. કેજરીવાલ જન્મજાત રાજકારણી નથી, પણ પહેલા તે ભારતીય મહેસુલી સેવાના અધિકારી હતા. તેમની અને અન્ય રાજકારણી વચ્ચે ફર્ક હોવો જોઈએ, પીડીતો અંગે કોઈ માગણી કરે ત્યાં સુધી વાજબી છે, પણ જે યુવકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે તેમના માટે વળતર અને સરકારી નોકરીની માંગ કરે તે કયાં સુધી વાજબી અને ન્યાયી છે. એક વખત આખા ઘટનાક્રમમાં કેજરીવાલે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની જગ્યાએ પોતાને મુકી જોવાની જરૂર છે તો કદાચ આવી માગણી કરતા પહેલા તેમને શુ નહીં બોલવુ જોઈએ તેનો અંદાજ આવી જશે.
આજની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બહુ મોટો વર્ગ ભાજપથી નારાજ હોવા છતાં કોંગ્રેસને મત આપવો નથી માટે પરાણે ભાજપને મત આપી રહ્યો છે. ત્યારે કેજરીવાલ માટે પીરસેલી થાળી આવી જાય તેવી સંભાવના છે, પણ વિરોધપક્ષમાં હોઈએ ત્યારે બોલવામાં સંયમ રાખવો નહીંતર હમણાં જેમ નરેન્દ્ર મોદીના અગાઉના નિવેદન વાયરલ થઈ રહ્યા છે તે પ્રજા કેજરીવાલની હાલત પણ મોદી જેવી જ કરશે, કારણ મતદાન કરનાર મતદાર પોતાનો મત  પણ બીન્દાસ આપે છે.

Thursday, July 21, 2016

ભાઈ મારા દિકરાને કહેજો કે માં ઘરડી થઈ ગઈ છે, કામ થતુ નથી આવીને મને લઈ જા

બપોરના ત્રણ વાગ્યાનો સમય કચ્છના ગાંધીધામ પાસે આવેલુ નાનકડુ રાતડીયા ગામ ભાગ્યે જ કોઈ માણસ તમને બપોરના સમયે નજરે પડે, પણ એક વૃધ્ધ મહિલા બસ સ્ટેન્ડ પાસે શિયાળો-ઉનાળો પછી ચોમાસાનો ભારે વરસાદ હોય ત્યાં અચુક જોવા મળશે, આ મહિલાનો  છેલ્લાં 23 વર્ષથી એક પણ દિવસથી એવો નથી કે આ મહિલા ત્રણ વાગતા પહેલા રાતડીયાના બસ સ્ટેન્ડ ઉપર આવી ના હોય. એસટી બસ આવે એટલે તરત તેની ઉમંરને કારણે નબળી થઈ ગયેલી આંખો અને વૃધ્ધ થઈ ગયેલા હાથ પગમાં નવી તાકાત આવી જાય, લાકડીના ટેકે બસ જોતા  ઉભી થઈ જાય અને સીધી બસ સુધી પહોંચી જાય, બસમાંથી ઉતરતા મુસાફરોને ધ્યાનથી જુવે જેમ જેમ મુસાફરો ઉતરતા જાય તેમ તેમ તેની જીણી થઈ ગયેલી આંખોમાં નિરાશા આવે, બસનો કંડકટર તે મહિલાને રોજની જેમ જોતો હોય, બધા જ મુસાફરો ઉતરી જાય એટલે એટલે મહિલા બારીમાંથી દેખાતા કંડટકરના ચહેરા સામે જોઈ પુછે ભાઈ મારો વિરેન આજે પણ આવ્યો નથી, કંડકટર રોજની જેમ જવાબ આપે ના માડી.. આ વાકય સાંભળતા મહિલાના ચહેરા ઉપર નિરાશોને પડદો ફરી, કંડકટર ડબલ ઘંડટી વગાડે  એટલે ડ્રાઈવર બસના એકસીલેટર ઉપર પગ મુકે, બસના પૈડા ફરવા લાગે. જઈ રહેલી બસ તરફ જોઈ મહિલા બબડે મારા દિકરાને કહેજો મા હવે ઘરડી થઈ ગઈ છે, કામ થતુ નથી, હવે તો તેને આવી લઈ જા...

રાતડીયા ગામમાં રહેતા  વરસીભાઈ રબારી કહે છે 1992માં મારો નાનો ભાઈ વિરેન તેની પત્ની વરજુ અને મા જીવીબહેનને લઈ મુંબઈ ગયો હતો, નોકરી શોધી પણ કઈ મેળ પડયો નહીં, તેણે સાડીઓનો ધંધો શરૂ કર્યો, સુરત જઈ સાડીઓ લઈ આવતો અને મુંબઈમાં ઘરે ઘરે ફરી સાડીઓ વેચતો હતો, નાલાસોપારામાં એક ખોલી ભાડે લીધી હતી, તેમા ત્રણે માણસો રહેતા હતા. 1993 માર્ચ મહિનામાં રાતડીયા ગામમાં એક સંબંધીને ત્યાં લગ્ન હતા, વિરેન પણ આવવાનો હતો, પણ તેને કોઈક કામ આવી ગયુ એટલે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર આવી તે મા જીવીબહેન અને વરજુને કચ્છ આવતી ટ્રેનમાં બેસાડી ગયો. એક અઠવાડીયા પછી તે પોતે પણ રાતડીયા આવવાનો હતો.. તે જમાનામાં તો કોઈ ફોનની ખાસ વ્યવસ્થા ન્હોતી, વિરેન અઠવાડીયા પછી ગામ પહોંચ્યો નહીં તેના કારણે ચીંતા થવા લાગી, ચીંતાનું ખાસ કારણ એવુ હતું કે મુંબઈમાં સિરીયલ બોમ્બ ધડાકા થયા હતા, વિરેન સલામતો હશેને, તેવી ચીંતા અમને બધાને જ થવા લાગી, તેમાં પણ ખાસ કરી મા અને વરજુને વધારે.

માં મને કહેતી તપાસ તો કર વિરેન કેમ ના આવ્યો, તેનો કોઈ ફોન પણ નથી, મેં મુંબઈમાં રહેતા એક પરિચીતને નાલાસોપાર જઈ વિરેનને સંદેશો આપવા વિનંતી કરી, તે જ સાંજે મુંબઈથી પરિચીતનો ફોન આવતા ફાળ પડી, વિરેનના મકાન માલિકે કહ્યુ કે જે દિવસે બોમ્બ ધડાકા થયા, તે સવારે વિરેન રોજ પ્રમાણે સાડીઓનો થેલો લઈ નિકળ્યો હતો, પણ ત્યાર પછી તે ઘરે આવ્યો જ નથી તેના ઘરે તો તાળુ છે. વિરેનને શોધવા વરસીભાઈ મુંબઈ પહોચ્યા દિવસો સુધી શોધ્યો પણ તે ના મળ્યો, મુંબઈ પોલીસને પણ વિનંતી કરી તેમણે બોમ્બ ધડાકામાં મળેલી બીનવારસી લાશો બતાડી પણ તે તેમાં પણ ન્હોતો. દિવસો સુધી વિરેન મળ્યો નહીં, એટલે બધા રાતડીયા પાછા ફર્યા.

આ વાતને પુરા ત્રેવીસ વર્ષ થઈ ગયા, વિરેન આવ્યો જ નહીં તેનો પત્ર અને ફોન પણ નથી, પણ જીવીબહેન કહે છે કે મારો વિરેન જીવે છે, તે મને ખુબ પ્રેમ કરે છે. મારા વગર રહી જ ના શકે, તેની મારી ચીંતા છે, તે આવશે અને મને લઈ જશે. માણસ મૃત્યુ પામે તેના કરતા ગુમ થઈ જવાની પીડા વધારે હોય છે કારણ મૃત્યુ પામનારની કોઈ રાહ જોતુ નથી, પણ ગુમ થયેલી વ્યકિત પાછી ફરશે તેનો ઈંતજાર હોય છે, પણ ઈંતજારનો અંત કયારે આવશે તે કહી શકાતુ નથી, વિરેનના કિસ્સામાં જીવીબહેનની આવી જ પીડા છે.23-23 વર્ષથી મારો વિરેન આવશે તેવી રાહ જોતી જીવીબહેન રોજ બસ સ્ટેન્ડ ઉપર બેસે છે, અને વિરેન વગરની બસને જોતી જઈ નિરાશ થઈ ઘરે પાછી ફરે છે.

જીવીબહેન ભણેલા નથી, ઘડીયાળ જોતા આવડતી નથી, પણ પોતાના ઢોર ચરાવવા નિકળતી જીવીબહેનને કેવી રીતે ખબર પડે છે ત્રણ વાગી રહ્યા છે તેની કોઈને ખબર પડતી નથી, તે રોજ ત્રણ વાગે આવતી બસ પહેલા આવી જાય છે.જીવીબહેનની જેવી જ સ્થિતિ વરજુની છે તે કઈ બોલતી નથી, પણ તેની પીડા પણ જીવીબહેન કરતા ઓછી નથી, તે મુંબઈ પોતાના પતિ વિરેન સાથે ગઈ ત્યારે તેમના લગ્નને માંડ એક વર્ષ જ થયુ હતું. મુંબઈની સ્વપ્ન નગરીમાં તેણે પોતાના પતિ સાથેના અનેક સ્વપ્નાઓ આંખમાં સઘરી રાખ્યા હતા, તે સ્વપ્નાઓ આજે પણ તેની આંખમાં છે તેના કારણે વરજુએ બીજા લગ્ન કર્યા નથી, તે પણ પોતાના પતિની શ્રધ્ધાપુર્વક રાહ જોઈ રહી છે, વિરેન કયાં છે તેની કોઈ ખબર નથી પણ એક માં અને એક પત્ની , બે સ્ત્રીઓની ઈશ્વરમાં રહેલી શ્રધ્ધા જીતે છે કે ઈશ્વર તેમની શ્રધ્ધા સામે પાંગળો પુરવાર થાય છે, તે નક્કી કરવા માટે રાહ જોવી જ જઈએ, પણ રાહ પણ કેટલી જોવી પડશે  તેની ગુમ થયેલા ગોપાલક વિરેનના ભગવાન દ્વારાકાધીશને પણ ખબર નથી

Wednesday, July 20, 2016

મૃત્યુ પછી મારૂ સ્મશાન પણ અલગ હોય છે.

ઉનામાં જઈ કઈ થઈ રહ્યુ તે પોલીટીકલ લાગે છે, આવુ નિવેદન સહજ રીતે મને  રોજ મળતા દસમાંથી છ વ્યઆકિતઓ કહી દે છે.કારણ સામાન્ય લોકોના મનમાં એક સવાલ માત્ર ઉનામાં કોઈ દલીતને મારવામાં આવે અને આખુ ગુજરાત ભડકે બળવા લાગે.. આ ઘટના રાજકિયપક્ષના ઈશારે થઈ રહી હોય તેવુ લાગે છે. અત્યારે ભાજપ સત્તા સ્થાને છે અને 2017ની સામે ચુંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ અને આપ સહિત અનેક પક્ષો અને સ્થાનિક રાજનેતાઓ તેનો લાભ લેવા આ આંદોલનને પવન ફુકવાનું કામ કરે છે તેની ના પણ નથી, પણ આંદોલન રાજકિય છે તેવુ કહી ભાજપ અને ગુજરાતના બીનદલિતો હાથ ખંખેરી નાખે તે પણ ે વાજબી નથી.

એક મીત્ર સાથે આ મુદ્દે જ ચર્ચા નિકળી ત્યારે મેં મારો તર્ક આપતા કહ્યુ ઉનાની ઘટના એક નિમિત્ત બની છે. પણ વર્ષોથી મનમાં ભરાયેલો ગુસ્સો હતો તેની તરફ સરકાર અને સમાજે જોયુ જ નહીં. અનામત આપી દીધી તેમ કહી આપણે બધા જાણે દલીતો ઉપર ઉપકાર કરી નાખ્યો તેવો વ્યવહાર કરીએ છીએ, કયારેક કોઈ પણ દલીતને માઠુ લાગે તેવી ભાષામાં કહીએ છીએ કે અનામત આપી તો પણ આ સુધર્યા જ નહીં અને ત્યાંને ત્યાં રહ્યા. પણ અનામતને કારણે કોઈ દલીત સ્કુલ-કોલેજમાં જઈ શકયો અથવા અનામત હતી તો કોઈ દલીતને નોકરી આપવાની તંત્રને ફરજ પડી. પણ એક સવર્ણના મનમાં દલીત પ્રત્યે રહેલી ધૃણા ત્યાંની ત્યાં જ રહી.
તેના પરિણામે આજે પણ જે ગુજરાતને આપણે વિકાસશીલ કહીએ છીએ તે જ ગુજરાતમાં દલીતો માટે  પીવાના પાણીના કુવાઓ તો ઠીક પણ મૃત્યુ પછી અગ્ની સંસ્કાર માટેના સ્મશાન પણ અલગ છે.સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના 7 જિલ્લાઓના 13 મંદિરોમાં આજે પણ દલિતોને પ્રવેશ મળતો નથી, રાહુલ ગાંધી અને અમીત શાહ દલીતના ઘરે જમી આવે તેનાથી કોઈ દલીતને ફેર પડયો નથી, કેટલાય ગામો એવા છે જયા દલીત યુવકનું લગ્ન હોય તો તે વરઘોડો નિકળી શકતો નથી. દલિત માનવ અધિકાર કાર્યકર્તા કૌશીક પરમારે કરેલી આરટીઆઈના આંડકા તો વધુ ચૌકવનારા છે સરકારી જવાબ પ્રમાણે ગુજરાતના 26 જિલ્લાના 216 ગામોમાં દલીતો પોલીસ રક્ષણ હેઠળ જીવે છે.
રોજ રોજે થતાં અપમાનની યાદી લાંબી છે, હમણાં જે વૃધ્ધા અવસ્થાએ પહોંચ્યા છે તેવા દલીતોએ પોતાની સાથે અપમાનીત ઘટનાઓને નસીબ માની સ્વીકારી લીધી હતી, પણ દલીત યુવાન નસીબને દોષ દેવાને બદલે અન્ય સમાજ પણ પોતાને માન આપે તેના માટે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. ઉનાની ઘટના પછી જે હિંસક ઘટનાઓ થઈ તે વર્ષો સુધી મનમાં દબાવી રાખેલા ગુસ્સાનું પ્રતિબિંબ છે. હિંસાને ન્યાયી ઠરાવી શકાય નહીં પણ તે કોઈ પણ સમુદાય દ્વારા આચરવામાં આવી હોય, તેમ છતાં દલીતોના ગુસ્સાનું નિદાન કરી તેની દવા કરવાની ચોક્કસ જરૂર છે.
એનડીટીવીના એક પ્રોગ્રામમાં મેં ઉત્તરપ્રદેશના દિલીપ દિવાનનો ઈન્ટરવ્યુ જોયો તે જન્મે દલીત અને કર્મે મરેલા જાનવારોનું ચામડુ ઉતારવાનું કામ કરે છે, હમણાં સુધી તેમણે હજારો  મૃત ગાયોના ચામડા ઉતારવાનું કામ કર્યુ છે, તેમના જ શબ્દોમાં કહ્યુ લોકો અમને ધીક્કારે છે પણ જો અમે અમારૂ કામ બંધ કરી દઈશુ તો ગટરમાં તમે રોબર્ટને ઉતારશો.
આ એક કડવી વાસ્વીકતા છે જે સમાજ વગર આપણે એક દિવસ પણ ચાલી શકે તેમ નથી, છતાં આપણે તેમને રોજ ધીક્કારીએ છીએ. કોઈને માન આપવુ કે નહીં તે વ્યકિતગત બાબત છે. પણ કોઈ એક સમુદાયના લોકો ચોક્કસ કુળમાં જન્મયા તેના કારણે તેમને ધીક્કારમાં આવે તે કયારેય માન્ય થઈ શકે નહીં. કોણે કયાં કુળમાં અને કોના ઘરમાં જન્મ લેવો તે જન્મ લેનારના હાથમાં હોતુ નથી, નહીંતર હું પણ  એક સામાન્ય સરકારી નોકરી કરતા બ્રાહ્મણના ઘરમાં જન્મ લેવાને બદલે કોઈ મહેલ અથવા ટાટા-બીરલાના ઘરે જન્મ લેતો.

Tuesday, July 19, 2016

છોકરી વિનાનું ગામ

તમે કલ્પના કરો કે તમારા ગામ અથવા શહેરમાં એક પણ છોકરી જ ના હોય તો શુ થાય.. કદાચ આપણે આવી કયારેય કલ્પના જ કરી નહીં હોય.. પણ ગુજરાતમાં આવુ ગામ છે..જયાં એક પણ છોકરી નથી.. જો કે આ વાસ્વીકતા નથી પણ મહુડી પાસે આવેલી વિર રેસીડન્સીમાં ઉભા કરવામાં આવેલા ફિલ્મી સેટના ગામની વાત છે, હસે શુટીંગ અને પોસ્ટ પ્રોડકશનનું કામ પુરૂ થઈ ગયુ છે અને એક અંદાજ પ્રમાણે મહિનાના આખરમાં છોકરી વિનાનું ગામ આપણે જોઈ શકીશુ.
મંગળવારના રોજ હું અમદાવાદના નવજીવન પ્રેસ ઉપર પહોચ્યા ત્યાં જ મારી નજર અને પ્રોફેસર કાર્તીકેય ભટ્ટ ઉપર પડી. તેમણે મને જોતા કહ્યુ પાછળ હોલમાં આવો છોકરી વિનાનું ગામની પ્રેસ કોન્ફરસ ચાલે છે. પહેલા તો મને કઈ સમાજયુ જ નહીં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે હું પ્રોફેસર ભટ્ટને લાંબા સમયથી ઓળખુ છુ, પણ પ્રોફેસર કઈ બાબતની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તેની મને ખબર પડી નહીં, છતાં નવજીવનની પાછળના ભાગે આવેલા હોલ તરફ હું ગયો. ત્યાં મેં એક મોટુ હોડિંગ જોયુ.. ફિલ્મનું હોડીંગ જઈ ફરી પાછો મને સવાલ થયો, ગુજરાતી અને ફિલ્મ અને પ્રોફેસર ભટ્ટને શુ સંબંધ હશે...
હોલમાં દાખલ થતાં મને મારા સાથી પત્રકાર હિતેશ ચાવડા અને લક્ષ્મી પટેલ મળી ગયા, તેમણે મને જે માહિતી આપી તે સાંભળી આનંદ અને આશ્ચર્ય બન્ને થયુ, પ્રોફેસર કાર્તીકેય ભટ્ટ મુળ જીવ તો અર્થશાસ્ત્રનો પણ અંદરનો માહલ્યો નાટકનો, ઉત્તર ગુજરાતના મહુડી પાસે આવેસા પીલવઈ કોલેજમાં અર્થશાસ્ત્ર ભણાવે, પણ મનમાં સતત એક વાત ડંખ્યા કરે મારા વિસ્તારમાં દિકરીને જન્મ પહેલા જ ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે,.કંસ તો બાળકોને જન્મ પછી મારતો પણ આપણે તો જન્મ પહેલા હત્યા કરીએ છીએ, એક તરફ વિવિધ કારણસર જન્મેલી સ્ત્રીઓની સળગી મરે છે બીજી તરફ સ્ત્રી જન્મ જ ના લે તો શુ થશે તે પ્રશ્ન ડરાવી રહ્યો હતો
વિષય ગંભીર હતો, તેના કારણે આ ગંભીર વિષય ઉપર નાટક લખાય અને ભજવાય તો નાટકમાં કામ કરનાર અને પ્રોફેસર ભટ્ટ સિવાય ઓડીટોરીયમાં કોઈ જ ના આવે તેથી પ્રોફેસર ભટ્ટ ઉપદેશનો એક પણ શબ્દ કહ્યા વગર એક કોમેડી નાટક લખ્યુ છોકરી વિનાનું ગામ. પ્રોફેસર ભટ્ટે કહ્યુ કે ફિલ્મની સ્ટોરીમાં બે ડોસાઓ છે એક ડોસા માને છે કે ગામમાં છોકરીઓ  હોવી જોઈએ જ નહીં, જ જયારે બીજો પોતાના યુવાનીના દિવસોમાં છોકરીઓ સાથે  યાદોની વાત કરે છે. આ બન્ને ડોસાની વાતની આસપાસ વારતા ફરે છે. આ ગામના એક પણ યુવાને છોકરી જોઈ જ નથી તેના કારણે તેમની કલ્પનાઓમાંથી કોમેડીનો જન્મ થાય છે.
લેખક કાર્તિકેય ભટ્ટ
મારા મીત્ર અને પત્રકાર-લેખક લલીત લાડે કહ્યુ ફિલ્મ શરૂ થતાં પહેલા મે કાર્તીકેય પાસેથી ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે મને ઈર્ષા થઈ અને મને થયુ કે આ વિષય ઉપર મેં કેમ કઈ ના લખ્યુ. ફિલ્મના સંગીતકાર નિર્સગ ત્રીવેદ્દીએ કહ્યુ કે ફિલ્મમાં મોટા ભાગના કલાકારોએ પહેલી વખત કેમેરા જોયો હતો, મોટા ભાગની કોરી સ્લેટ હતી, એટલે તમે કહો તેવુ બધુ જ કરવા તેઓ તૈયાર હતા, તેમજ  જાણિતા સીનેમેટોગ્રાફર રાજીવ સોહરવાએ પોતાનો કરતબ પણ બતાડયો છે.
ફિલ્મનું દિગ્દશર્ન કરતા રાજેશ ભટ્ટ કહે છે છોકરી વિનાનું ગામની સ્ટોરી હોવાને કારણે શુટીંગના પહેલા પંદર દિવસ એવા હતા કે ત્યાં એક પણ છોકરી ન્હોતી, એટલે પંદર દિવસ  કલાકારો ખરા અર્થમાં એક પણ છોકરીને જોયા વગર રહ્યા. આ ફિલ્મની કથા . સંવાદઅને ગીતો પણ પ્રોફેસર ભટ્ટે જ લખ્યા છે, ભટ્ટ કહે છે વિષય સાથે ઉત્તર ગુજરાતમાં નાટકોના 25  કરતા વધુ શો કર્યા ત્યારપે નાટકમાં માત્ર કોમેડી હોવા છતાં બીટવીન્ધ લાઈન્સ જે મેસેજ હતો તેના કારણે લોકોની આંખોમાં આંસુ જોયા અને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. પણ આવા વિષય ઉપર ફિલ્મ બનાવવા કયા નિર્માતા તૈયાર થશે તેવો પણ પ્રશ્ન હતો, જયારે હું પર્પલ એન્ટરમેઈન્ટમાં ગયો ત્યારે તેમણે પહેલા ધડાકે કહ્યુ આપણે ફિલ્મ બનાવીશુ..
ફિલ્મ કયારે રીલીઝ થશે તેવા પ્રશ્નના ઉત્તરમાં કાર્તીકેય ભટ્ટ કહે છે મહિનાના આખરમાં થઈ જશે પણ બધો આધાર સેન્સર બોર્ડ ઉપર છે કદાચ તમે આટલી સાફ સુથરી ફિલ્મ કેમ બનાવી તેવુ ના કહે તો સારૂ છે તેમ કહી તે હસી પડયા.. આપણે છોકરી વિનાના ગામમાં જવા થોડાક  દિવસની રાહ જોવાની છે.
ફિલ્મના કલાકારો અને સંગીરકાર નિસર્ગ ભટ્ટ

ગાયોની વસ્તી કરતા તીલક કરી નિકળતા ગૌરક્ષકની સંખ્યા વઘી ગઈ છે

ઉનાની ઘટનાના પ્રત્યાધાત હજી કેટલાં દિવસ પડશે તે હમણાં કહેવુ મુશ્કેલ છે, હમણાં સુધી કુલ દસ દલીતોએ ઝેર ઘોળ્યુ અને એક પોલીસ કોન્સેબલનું  અમરેલીમાં  પથ્થરમારામાં મોત નિપજયુ હજી કેટલાં લોકોના જીવ જશે તે કહેવુ મુશ્કેલ છે.પરંતુ આપણે વાસ્વીકતાથી આંખ મીચામણા કરીશુ તો પરિસ્થિતિ હજી બગડશે, આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ગુજરાતમાં ગાયોની કુલ વસ્તી કરતા ગૌરક્ષકોની સંખ્યા વધી ગઈ છે, સાફ શબ્દોમાં કહુ તો મોટા ભાગના રક્ષકોએ હવે ગૌરક્ષાના એક વ્યવસાય બનાવી લીધો છે.પોલીસ કસાઈ અને ગૌરક્ષકોની સાંઠગાંઠને કારણે કહેવાતા ગૌરક્ષકો આ ધંધા તરફ આકર્ષયા છે.

એક જમાનો હતો જયારે ગુજરાતના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ત્રણ બાબતોના પૈસા લેતા ન્હોતા, જેમાં લોહીનો વેપાર અર્થાત વેશ્યાનો, હત્યાનો પૈસો અનેમુંગા જાનવરોનો પૈસા અર્થાત કસાઈના પૈસાને સ્પર્શ પણ કરતા ન્હોતા, પણ આજે પોલીસ પણ સમય સાથે બદલાઈ અને તેમને મન પૈસો એટલે પૈસો છે પછી તે કોઈ પણ રસ્તે આવે તેનો કોઈ ફર્ક પડતો નથી, તેવી જ રીતે કપાળ ઉપર તીલક પોતાને ગૌરક્ષકની ઓળખ આપી શહેરમા પ્રવેશવાના રસ્તાઓ ઉપર ઉભા રહી ટ્રકોમાં આવતા ગૌવંશને રોકી કસાઈઓ સાથે તોડપાણી કરવાનો પણ એક ધંધો થઈ ગયો છે.
હું કોઈના નામોઉલ્લેખ કરતો નથી પરંતુ ગૌરક્ષકના નામે કસાઈઓ સાથે તોડપાણીનો હિસાબ નહીં થતાં માર્યા ગયેલા રક્ષકોને આપણે શહિદનો દરજ્જો આપ્યો છે અને તેમના નામે ચોક પણ થયા છે.પણ આખો મામલો સંવેદનશીલ હોવાને કારણે સાથે પત્રકારાનો મોટો વર્ગ હિન્દુ હોવાને કારણે આ મામલે જાહેરમા ખાસ કઈ લખાયુ નથી. પણ ઉનાની ઘટના આવી જ બાબતોની નજીક હોવાની ગંધ આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાણવવાની જવાબદારી પોલીસની છે ત્યારે ગૌવંશનું રક્ષણ કરવાની જવાબદારી પણ પોલીસને જ છે આમ છતાં દરેક શહેર અને ગામમાં પોતાને ગૌરક્ષક કહેડાવતા લોકોની સંખ્યામાં કેમ વધારો થઈ રહ્યો છે તે અંગે કોઈ વિચારતુ નથી.
ગૌવંશનું માંસ ખાવુ નહી તેવુ કહેનાર કહેવાતા હિન્દુ નેતાઓને લાખો ગરીબ માણસો પાસે જમવાનું નથી તેનો કયારેય વિચાર આવતો નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના સુધારાવાદી નેતા ડૉ કૌશીક મહેતા ઉનાની ઘટનાને વખોડી નાખતા કહે છે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દલીતો અને પીડીતોની સાથે છે. ગૌવંશનું રક્ષણ થવુ જોઈએ તે મામલે અમારે કોઈ બેમત નથી, પણ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ગૌરક્ષકો કેવી રીતે ઉભા થયા તે તે એક પ્રશ્ન છે. ગૌવંશની હત્યા કરતા તત્વો સામે પગલાં ભરાય તેવી અમારી માગણી છે પણ કાયદો હાથમાં લેવાની કોઈને પણ છુટ હોવી જોઈએ નહી અને ઉનામાં જે બન્યુ છે તેમાં તમામ જવાબદાર લોકો સામે કડક અને દ્રષ્ટાતરૂપ કાર્યવાહી થવી જોઈએ તેવુ હું માનુ છુ..

ગૌવંશના રક્ષણની માગણી કરતા અને તે દિશામાં કાર્ય કરતા અનેક સારો લોકો પણ છે, પણ કસાઈને ગાય વેચીં દેનાર હિન્દુ કેમ પોતાની ગાય વેંચી નાખે છે તે અંગે પણ વિચાર કરવો પડશે. જે ગાય દુધ આપવાનું બંધ કરે તેને ત્યાર બાદ પણ સાચવવી જોઈએ તે આદર્શ વાત છે પણ માત્ર આદર્શને કારણે  ગરીબ ખેડુતનું પેટ ભરાતુ  નથી, તેને દુધ આપવાનું બંધ કરી દેતી ગાય વેંચી નવી ગાય ખરીદવી હોય છે. અથવા તો હવે તેને દુધ વગરની ગાયનો ખર્ચ પોસાય તેમ નથી ત્યારે ગાયને ખરીદવા કોઈ ગૌરક્ષક તૈયાર થતો નથી.

પોલીસે જ શીવ સૈનિકોને સ્થળ ઉપર મોકલ્યા હતા

પોલીસની એક નાનકડી ભુલ અથવા બેદરકારી આખા રાજયની શાંતિ ડોહળી નાખે છે તેનું ઉનાની ઘટના એક ઉત્તમ ઉદાહરણ છે, તા 11 જુલાઈના રોજ પોલીસ કંટ્રોલ રૂમને કોઈએ જાણકારી આપી કે કેટલાંક યુવકો ગાય કાપી રહ્યા છે. જો કે ફોન કરનાર પાસે માહિતી અધુરી હતી અથવા તેની કોઈ ગેરસમજ હતી, ખરેખર તો દલીત જ્ઞાતિના યુવકો તેમનું પરંપરાગત  કામ એટલે મરેલા જાનવરનું ચામડુ ઉતારી રહ્યા હતા, આ ઘટના અંગે કંટ્રોલ રૂમને મળેલી જાણકારી બાદ પોલીસે ખરેખર શુ ઘટના છે તે જાણવા સ્થળ ઉપર પહોંચી જવાની જરૂર હતી.

પરંતુ પોલીસે આ બનાવ અંગે પોતાના ઉચ્ચ અધિકારીને જાણકારી આપવાને બદલે અથવા નજીકના પોલીસ સ્ટેશનને સ્થળ ઉપર મોકલી આપવાને બદલે કહેવાત ગૌ રક્ષકો અથવા શીવ સૈનિકોને  સ્થળ ઉપર મોકલી આપ્યા અને બસ અહિયાથી વાત વણસી જવાની શરૂઆત થઈ, પોલીસને સુચનાથી સ્થળ ઉપર પહોંચી ગયેલા યુવકો પ્રમાણ ભાન ભુલ્યા અને ચામડુ ઉતારી રહેલા યુવકોના ચામડા ઉતારવાની શરૂઆત થઈ, હાથમાં લાકડીઓ અને પાઈપો લઈ આવેલા કહેવા ગૌ રક્ષકો યુવકો ઉપર બર્બતાપુર્વક તુટી પડયા.

વાત અહિયા અટકી નહીં, ચામડુ ઉતારી રહેલા યુવકોને કાર પાછળ બાંધી ઉના પોલીસ સ્ટેશનની બહાર સુધી લઈ આવ્યા, અને પોલીસ બહાર પણ ના આવી કારણ પોલીસ માનતી હતી કે ગૌ રક્ષકો જે કઈ રહી રહ્યા છે તે કાયદાના પરિપેક્ષમાં જ થઈ રહ્યુ છે. જો પોલીસે થોડી સંતર્કતા રાખી કંટ્રોલ રૂમને મળેલીૂ ફરિયાદ બાદ સ્થળ ઉપર પહોંચી હોત હમણાં ઉભી થયેલી પરિસ્થિતિનું નિર્માણ અટકાવી શકાય હોત, અને એક તબ્બકે માની લઈએ કે કાયદા વિરૂધ્ધની કોઈ પ્રવૃત્તિ થઈ રહી તો પણ કાયદો પ્રજાને ન્યાય કરવાની સત્તા આપતો નથી..

Monday, July 18, 2016

પાગલોને સારા કરવાના પાગલપણમાં આખી જીંદગી ખર્ચી નાખી

કાળીબંડી પહેરી વચ્ચે બેઠેલા પાગલમામા છે, તેમની આસપાસ જેમની તેઓ સેવા કરે છે તેવા માનસીક બીમાર દર્દીઓ છે

હું તો સાહેબ ટ્રક ડ્રાઈવર મને કઈ ખાસ ખબર પડે નહીં, પણ મારા ગુરૂએ મને આદેશ કર્યો કે જેનું કોઈ ના હોય તેની સેવા કરજે. હું રોજ સવારે ટ્રક લઈ નિકળુ ત્યારે હાઈવે ઉપર અનેક વખત મારી નજર રસ્તે રજળતા પાગલો તરફ જતી, મેલા-ઘેલા ફાટી ગયેલા કપડા, વધી ગયેલા વાળ અને નખ અને અત્યંત દયનિય સ્થિતિમાં હું તેમને જોતો. મને લાગ્યુ કે આમનુ કોણ ધ્યાન આપશે અને મેં મારૂ કામ શરૂ કર્યુ.

ટ્રક લઈ નિકળુ ત્યારે મારી ડ્રાઈવર કેબીનમાં પાણીના કેરબા, જુના કપડાં અને કાતર અને દાઢીનો સામાન લઈ નિકળતો.. રસ્તામાં કોઈ પાગલ મળે તો ટ્રક ઉભી રાખી તેને પહેલા સ્નાન કરાવી દઉ, તેના વાળ અને દાઢી સરખી કરી દઉ, મારી પાસેના જુના કપડાં પહેરાવી, નજીકની કોઈ હોટલમાંથી જમવાનું લાવી જમાડી આગળ વધી જઉ.. આવુ લગભગ સળંગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યુ
 આ વાત છે પોરબંદરના ટ્રક ડ્રાઈવર વળકાભાઈ પરમારની આજે તેમની ઉમંર પાંસઠ વર્ષની તેમી પાસે પૈસાનો  ત્યારે પણ ન્હોતા .અને આજે પણ નથી, છતાં તેમની દિલની શ્રીમંતાઈ દેશના કોઈ પણ ઉદ્યોગપતિને કરતા અનેક ગણી વધારે છે.

વળકાભાઈ કહે છે, સતત ત્રીસ વર્ષ ટ્રકનું ડ્રાઈવીંગ અને પાગલોની સેવા કરી, બાળકો મોટા થઈ ગયા , તેમણે મને કહ્યુ હવે કામ કરવાનું છોડી દો, અમે કમાવવા લાગ્યા છીએ, એટલે ટ્રક ચલાવવાનું છોડી દીધુ, પણ હવે હું કયા પાગલની સેવા કરીશ તેવો પ્રશ્ન ઉભો થયો, ટ્રક ચલાવતો તેના કારણે રસ્તા ઉપર પાગલો મળી જતા પણ હવે તો ઘરે બેઠો હતો. એક દિવસ પોરબંદરમાં જ મને એક પાગલ મળી ગયો, હું તેને લઈ ઘરે આવ્યો.. મારી પત્ની મારા કામથી પરિચીત હતા, પણ તેણે મને સવાલ કર્યો કે તમે પાગલોની સેવા કરો તેમાં મને કોઈ વાંધો નથી, પણ તમે પાગલને ઘરે રાખશો ગામવાળા વાંધો લેશે.

મને તેની વાત સાચી લાગી મને હવે પાગલો માટે  વધુ સારી રીતે કઈક કરવાનો નિર્ણય કર્યો, પોરબંદરથી ત્રીસ કિલોમીટર દુર ગોરસર ગામ આવેલુ છે, ત્યાં ખુલ્લી જગ્યા હતી, ત્યાર પતરાના શેડમાંથી પાગલોને શોધી લાવી તેમની સેવા શરૂ કરી, જો કે પૈસા હતા નહીં તેના કારણે સૌથી પહેલો પ્રશ્ન આવ્યો કે તેમને જમાડીશ કેવી રીતે એટલે રોજ ઘરે ઘરે જઈ ભીખ માંગતો, લોકો પાસેથી જમવાનું ઉઘરાવી તેમને જમાડવા લાગ્યો.

વળકાભાઈની પાગલો તરફની આ ઘુનને કારણે લોકો તેમને પાગલ મામાને નામે ઓળખવા લાગ્યા, એક દિવસ પાગલ મામાની વાત જુનાગઢના મનોચિકીત્સક ડૉ બકુલ બુચ સુધી  પહોંચી, તે સમય કાઢી મામાને મળવા આવ્યા ત્યારે 19 પાગલો હતા. ડૉ બકુલ બુચ કહે છે તેમનું કામ જોઈ હું પ્રભાવીત થયો, પણ માત્ર સેવા કરવાનો કોઈ અર્થ ન્હોતો. મેં તેમના સમજાવ્ય કે આ બધા માનસીક રોગના દર્દી છે, તેમની સાચી સેવા તો જ થાય જો તેમની સારવાર કરાવી તેમને ફરી સાજા કરી તેમના પરિવાર પાસે મોકલી શકાય. મામા તૈયાર થઈ ગયા.

ડૉ બકુલ બચુની મદદ મળી, જુનાગઢ લગભગ એક સો કિલોમીટર દુર છે છતાં મહિનામાં બે વખત ડૉ બુચે ગોરસર ગામના મામાની પાગલોના આશ્રમમાં  જવાની શરૂઆત કરી, મામા જેમને લઈ આવ્યા હોય તેવા પાગલોને ડૉ બુચ તપાસી નિદાન કરી દવાઓ પણ આપતા જાય, મામા તે તમામને યાદ રાખી દવાઓ પણ આપવા લાગ્યા, અને મામાની સેવા અને ડૉ બુચની દવા રંગ લાવી પાગલો સારા થવા લાગ્યા, તેમને પોતાનું નામ અને સરનામુ પણ ખબર હતી, હમણાં સુધી પાંચસો કરતા વધુ પાગલોને સાજા થયા બાદ તેમના ઘર સુધી પહોંચાડયા, ઘણા એવા પણ લોકો છે કે સાજા થયા બાદ તેમના પરિવારને જાણ કરવા છતાં તેઓ લેવા આવતા નથી. મામા કહે છે કઈ વાંધો નહીં, તેમનું અન્નપાણી આપણે ત્યાં લખ્યુ છે માટે ભલે રહે. મામાના કામથી પ્રભાવીત થઈ નેધરલેન્ડ સરકારે સેવા સંબંધીત ખાસ એવોર્ડ આપવાની જાહેરાંત કરી, ત્યારે મામાએ વિનંતી કરી હતી કે એવોર્ડની ચોકક્સ રકમને બદલે મને દર્દીઓ માટે દવાઓ  આપવામાં આવે તો સારૂ છે.

પાગલમામા કહે છે કે અહિયા પાગલોની સેવા થાય છે તે બધાને જ ખબર છે, એટલે રસ્તે કોઈ પાગલ મળે તો લોકો અહિયા મુકી જાય છે. આ ઉપરાંત પોરબંદર રેલવે સ્ટેશન છેલ્લુ જંકશન છે અહિયાથી ટ્રેન આગળ જતી નથી. આ ટ્રેનોમાં પણ ઘણા પાગલો આવી જાય છે, જેને રેલવે અને પોલીસ નીચે ઉતારી દે છે, આ પાગલો સ્ટેશન ઉપર ફરતા હોય છે, પણ હવ પોરબંદરના રીક્ષાવાળા પણ આવા પાગલને જુવે એટલે રીક્ષામાં બેસાડી આશ્રમમાં મુકી જાય છે.

પોરબંદર મહાત્મા ગાંધીની જન્મ ભુમી છે કોઈક દિવસ બાપુની જન્મભુમી જોવા જાવ તો પાગલમામાના આશ્રમમાં પણ જઈ આવજો, કારણ આપણા દેશમાં દરેક દસકામાં આપણને ગાંધી કોઈને કોઈ નવા સ્વરૂપે મળતા રહ્યા છે. અને જુનાગઢ ગીરનાર જોવા જાવ તો ડૉ બકુલ બુચને મળજો, ગીરનાર ઉપર ભગવાન દત્તાત્રય છે, તે તળેટીમાં ડૉ બકુલ બુચ છે આપણે . કોર્પોરેટ હોસ્પિટલોના રાફડો ફાટયો છે ત્યારે ડૉ બુચ જેવા ડૉકટરોને જોઈ લાગે છે હજી આપણે નિરાશ થવાની જરૂર નથીશબ્દ ખલાસ થઈ ગયા.. કઈ કહેવા જેવુ જ રહ્યુ નહી.....

આ વીડીયો જ ઉનામાં બનેલી ઘટનાનો  એક સચિત્ર પુરાવો છે. કોઈ શબ્દ જ નથી મારી પાસે તેની નિંદા કરવા માટે માટે મને પોતાને પણ માણસ હોવાની ધૃણા જન્માવે છે. જે ગુજરાત અને જે દેશમાં જન્મ લેવાનું હું આજે પણ ગૌરવ અનુભવુ છુ ત્યાં આવી બર્બતા જોઈ મારૂ માથુ  શરમથી જુકી જાય છે, કદાચ તમે પણ એવુ જ અનુભવશો.....

Sunday, July 17, 2016

જાહેરમાં લોટે ગયા તો હવે તલાટી અને શિક્ષક સિટી વગાડશે.....તસવીરમાં એક મહિલા ગામના તળાવમાં એઠવાડ નાખતી નજરે પડે છે, ખરેખર આ ટેલીવીઝનમાં આવી રહેલી  સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરખબર છે, આ મહિલા એઠવાડ નાખે એટલે તળાવના સામે છેડે કામ કરી રહેલી મહિલાઓ તરત તાળીઓ પાડે છે. એઠવાડ નાખનારી મહિલાને પોતાની ભુલ સમજાય છે અને તેને સંકોચ પણ થાય છે, તેવી જ રીતે જાહેરમાં બાથરૂમ કરતા પુરૂષ સાથે પણ આવુ જ થાય છે. આમ વિવિધ પ્રકારની જાહેરખબર ટીવી અને થીયેટરમાં બતાડવામાં આવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી  રાજય અને કેન્દ્રના અધિકારીઓની સર્જનાત્મક દ્રષ્ટી બદલાઈ હોય તેવુ લાગે છે, સવારે દસથીછના ટકોરે કામ કરતા અધિકારીઓ હવે ડરમાં અથવા ચાલો કઈક નવુ પણ કરીએ તેવ માનસીકતા સાથે નવી દિશામાં કામ કરવા લાગ્યા છે.ગામમાં તો  ઠીક પણ અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં આપણે હાથમાં લોટો લઈ શૌૈચ ક્રિયા કરવા જોતા લોકોને આપણે  જોયા છે. પણ  આપણને અથવા સરકારી બાબુઓને આ વાત કયારેય ખટકી નહીં, હા કયારેક તે રસ્તા જવાનું થાય તો નાક ઉપર હાથ મુકી રસ્તો પસાર કરી છીએ  પણ આ બાબત રાષ્ટ્રીય શરમ છે તેવો વિચાર ના આવ્યો.

અમદાવાદના એક ઉચ્ચકક્ષાના અધિકારીને  ભારત સરકારની  આ જાહેરખબર જોઈ વિચાર આવ્યો કે લોકોને વર્ષો સુધી સમજાવીશુ કે જાહેરમાં શૌચક્રિયા ના કરો તો પણ તે સમજશે નહીં, પણ જો આ બાબત શરમજનક છે તેવુ તેમના મનમાં પ્રસ્થાપિત થઈ જશે તો જાહેરમાં શૌચ જવાનું બંધ કરશે. આ અધિકારીએ પોતાને આવેલા વિચાર પ્રમાણે તમામ તલાટીઓ, ગામના શિક્ષકો. આંગણવાડી સ્ટાફ અને આરોગ્ય વર્કરની એક મિટીંગ બોલાવી, પહેલા તો આ અધિકારીએ તમામ તલાટી સહિતના અધિકારીઓને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંગે સમજ આપી, લાંબી લાંબી વાતો બાદ મિટીંગ બોલાવનાર અધિકારીએ પુછયુ બોલો કોઈ સવાલ છે તો તરત એક તલાટીએ હાથ ઉચો કરી કહ્યુ સાહેબ આવા અભિયાનનો કોઈ અર્થ થતો નથી,... લોકો કઈ સમજતા જ નથી. આવો પ્રશ્ન અથવા આવી દલીલ આવશે તેવુ મિટીંગ લેનાર અધિકારીને ખબર હતી, તેમણે તલાટીને જવાબ આપતા પહેલા ડ્રોવરમાંથી વ્હીસલ કાઢી અને વ્હીસલ વગાડી, મિટીંગમાં હાજર બધા ચમકી ગયા સાહેબ સીટી કેમ વગાડે છે. ઉચ્ચ અધિકારી બધાના ચહેરા ઉપર આવેલી રેખાઓ જોઈ હસી પડયા.. તેમણે પોતાની યોજના સમજાવતા કહ્યુ હવે રોજ સવારે પાંચ વાગે  ગામનો તલાટી, શિક્ષક આંગણવાડી અને આરોગ્ય સ્ટાફ બધા ગામના પાદરે જશે, પહેલા તમારે ગામના લોકો પાદરે કયા કયા સ્થળે શૌચક્રિયા કરે છે તે જગ્યાઓ જોઈ લેવાની પછી પાંચ વાગે તે સ્થળની આસપાસ ગોઠવાઈ જવાનું છે.

પછી હાથમાં લોટો લઈ શૌચક્રિયા કરવા આવેલી વ્યકિતને કઈ જ કહેવાનું નથી, કારણ તેને તમે અગાઉ અનેક વખત સમજાઈ ચુકયા છો, પણ તે કઈ સમજવા તૈયાર જ નથી, પણ જેવો તે શૌચક્રિયા કરવા માટે બેસે તેની સાથે તમારે આવી વ્હીસલ વગાડવાની શરૂઆત કરવાની છે.. ઉચ્ચ અધિકારી વાત સાંભળી તલાટીથી લઈ મિટીંગમાં હાજર તમામ હસી પડયા, કારણ બધાની નજર સામે હવે ગામના પાદરમાં કેવા  દર્શ્યો ઉભા થશે તે આંખ સામે આવી ગયા. ત્યાર બાદ સતત વાગી રહેલી વ્હીસલને કારણે જાહેરમાં શૌચ કર્યા વગર  પરત ફરી રહેલી   વ્યકિત ઘર તરફ પાછી ફરી રહી હોય ત્યારે તેને સરકારી યોજના હેઠળ શૌચાલય બાંધી આપવામાં આવે છે તે સમજાવવાનું છે.

નવા આઈડીયાનો અમલ પણ શરૂ થઈ ગયો અને ઘણા ગામના પાદરે કોમેડી દર્શ્ય  સર્જાવવા લાગ્યા છે, એક તલાટીના કહેવા પ્રમાણે રોજ સવારે પાંચ વાગે સીટી વગાડી વગાડી ફેફસા ફુલી જાય છે, જયારે કેટલાંક લોકો બહુ વિચિત્ર દલીલ કરે છે, જાહેરમાં શૌચક્રિયાના એક લાભાર્થીએ પોતાનો પક્ષ મુકતા કહ્યુ સાહેબ શરીરના ચોક્કસ અંગોને હવા ના લાગે ત્યાં સુધી મને મઝા આવતી નથી, તલાટી કહે છે જ કે મારી પાસે તેનો જવાબ ન્હોતો કારણ મારા અધિકારીએ મિટીંગમાં  હવા ઉજાસના પ્રશ્ન ઉપર કોઈ પ્રકાશ પાડયો ન્હોતો.

એક શિક્ષકે કહ્યુ મતદારોની નોંધણી, પોલીયાના ટીંપા હવે સિટી વગાડવાના કામ પણ અમને સોંપવામાં આવ્યુ છે, પણ અમારૂ મુળ કામ ભણાવવાનું કયારે કરવાનું તે જ નક્કી નથી, પછી તમે અમારી ઉપર આરોપ મુકો છે શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. જયારે એક તલાટીએ કહ્યુ સાહેબના આ નવા તુક્કાને કારણે અમારે ઝઘડો પણ થાય છે, કેટલાંક લોટે જતા લોકો એટલી ઉતાવળમાં પાદર તરફ આવ્યા હોય અને તે માંડ બેસે ત્યાં અમે વ્હીસલ વગાડીએ એટલે તે નારાજ થઈ જાય એક જાહેર શૌચ લાભાર્થીએ તો મને ધમકી આપી દીધી જો હવે સવારે સીટી વગાડી તો તમારી ખૈર નથી, એટલે મેં પુછયુ બોલ શુ કરી લઈશ, તેણે કહ્યુ સાહેબ હવે તમે પંચાયત ઓફિસમાં લાંચ લેશો તો હું પણ ઓફિસની બહાર ઉપર રહી સીટી વગાડીશ અને આખો દિવસ સીટી વાગતી રહેશે પછી શુ કરશો... તલાટીએ કહ્યુ આ નવી મુસીબત છે હવે અમારી શૌચ બંધ ના થાય તો સારૂ છે...