Thursday, December 29, 2016

હું રોજ તમારી રાહ જોતી હોઉ છુ

થોડા દિવસ પહેલા અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પ્રસંગે જવાનું થયુ, હું તો નવજીવન  ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે ગયો હતો. નવજીવન ટ્રસ્ટ તરફથી પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીની મોટી તસવીરો પોલીસ સ્ટેશનને ભેટમાં આપવામાં આવી હતી, ઉદ્દઘાટન સમારંભ પુરો થયા પછી ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર એ કે સિંઘ હજી સ્ટેજ ઉપર મુલાકાતીઓની મળી રહ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા ઉપર હું અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદ્દી ઉભા હતા, અમારી વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક તેમનું ધ્યાન મહાત્માની તસવીર તરફ ગયુ, તે એક ક્ષણ કઈક વિચારવા લાગ્યા, પછી મારી સામે જોતા ઓશો રજનીશના ભાષણને ટાંકતા તેમણે કહ્યુ રજશીનના મતે મહાત્માએ દેશ માટે ઘણુ કર્યુ, પણ પોતાના પરિવારને અન્યાય કર્યો હતો. હું તેમને સામે જોઈ રહ્યો.

મેં કહ્યુ સર પરિવારને અન્યાય થઈ રહ્યો છે તે વાત મારા અને તમારા પરિવારને પણ લાગુ પડે તેમ છે, હું સુભાષ ત્રિવેદ્દીને છેલ્લાં પચ્ચીસ વર્ષથી ઓળખુ છુ, તેઓ સીસ્ટમની અંદર હોવા છતાં તેમના ભાગે સીસ્ટમ સામે લડવાનું અનેક વખત આવ્યુ છે. તેમના માટે પોલીસની નોકરી નથી, નોકરી નથી, વર્ષો પહેલા ફરજમાં બેદરકારી દાખવનાર એક કોન્સટેબલને ઠપકો આપતા સાંભળ્યા હતા, તેમણે કોન્સટેબલને કહ્યુ હતું તારા અને મારા માથા ઉપર જે ટોપી છે, તેમાં અશોકસ્તંભ છે, બીજા બધા કરતા આપણા શીરે દેશે વધુ જવાબદારી મુકી છે.મારૂ વાકય સાંભળી સુભાષ ત્રિવેદ્દી હસવા લાગ્યા , તેમના એક આછા સ્મીતમાં  તેમનો હકાર હતો. આ દેશનો કોઈ પણ માણસ પોતાનું કામ થોડુ પ્રમાણિકપણે કરે  એટલે તે મહાત્મા ગાંધીની કતારમાં આવી ઉભો રહી જાય છે. અને જયારે માણસ પોતાના કામ પ્રત્યે પ્રમાણિક રહે ત્યારે તેની કિમંત તેના પરિવારે ચુકવવાની હોય છે.

થોડા દિવસ પહેલા હું ભાવનગર રોટરી કલબમાં એક લેકચર માટે ગયો હતો, મેં મારા ક્રાઈમ રીપોર્ટીંગના લેકચરમાં કહ્યુ હતું, હું જે કઈ કરી શકયો તેમાં મારા પરિવારની ભુમીકા મહત્વની છે.બીજા દિવસે ઘરે આવ્યા પછી મેં મારી પત્ની શીવાની સાથેની ચર્ચામાં લેકચરની વાત કરી ત્યારે તેણે મને કહ્યુ, તમે રોજ આખા દિવસ તમારા કામ માટે દોડયા કરો છો, સારૂ કામ કરો છો, મને તમારૂ કામ અને તમે બંન્ને ગમો છો, પણ કયારેક તો અમારો વિચાર કરો. રોજ સાંજ પડે અને અમે તમારી રાહ જોતા બેસી રહીએ છીએ, મને તેની વેદના સમજાતી હતી, મેં તેનો હાથ પકડતા કહ્યુ મને ખબર છે, પણ હવેથી હું ધ્યાન રાખીશ કે તમને સમય આપી શકુ, પણ હું જાણુ છુ આવી ફરિયાદ તેણે મને પહેલી વખત કરી નથી અને હું સમય આપીશ તેવુ પણ મેં પહેલી વખત કહ્યુ નથી, છેલ્લાં વીસ વર્ષથી અમારી વચ્ચે દરમહિને આ સંવાદ થાય અને હું કામમાં તે રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે.

કોઈ પણ સારી બાબતનું નિર્માણ કિમંત ચુકવ્યા વગર થતી નથી, પણ જે માણસ બીજા કરતા કઈક જુદુ કરવા નિકળે છે ત્યારે તે તેનું પોતાનું ઝનુન હોય છે, તે કામ સાથે તેના પરિવારને કોઈ નીસ્બત હોતી નથી, તેના કારણે એક માણસના ઝનુનની કિમંત અચુક તેના પરિવારને જ ચુકવવી પડતી હોય છે.તેથી ગાંધીએ પોતાના પરિવારને અન્યાય કર્યો તેવો આક્ષેપ સાચો હોય તો પણ તે આક્ષેપ માત્ર ગાંધી સુધી સિમીત નહી રહેતા પોતાનું કામ ઘડીયાળ સામે જોયા વગર પ્રમાણિકપણે કામ કરનાર અત્યંત સામાન્ય માણસને પણ એટલો લાગુ પડે છે.

Monday, December 26, 2016

આખરે ગાંધીજી પોલીસ સ્ટેશન પહોંચ્યા ખરા...

અગાઉ હું એક વખત લખી ચુકયો છુ, વિશ્વ આખામાં મહાત્મા ગાંધીની પુજતા  હોય પણ ગાંધીના પોતાના જ ઘર ગુજરાતમાં વેગળાપણુ અનુભવી રહ્યા છે. છેલ્લાં છ મહિનાથી હું ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છુ, વ્યવસાયે ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે મારા પહેલા વિચારમાં પણ પોલીસ સહજ રીતે આવી જાય છે.મનમાં એક વિચાર આવ્યો કે શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસની કચેરીમાં મહાત્મા ગાંધીની એક તસવીર કેમ ના હોઈ શકે ? મેં જયારે પહેલી વખત મારો વિચાર નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈ સામે મુકયો ત્યારે તેમણે તરત કહ્યુ હા પોલીસે કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં, નવજીવન ટ્રસ્ટ તમામ વ્યવસ્થા કરશે.

આ વિચાર સાથે હું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પહોંચ્યો, નખશીથ પોલીસ અધિકારી હોવા છતાં જન્મે વિચારશીલ આઈજીપી આર જે સવાણીને મેં પોલીસ કચેરીમાં ગાંધીની તસવીરની વાત કરી ત્યારે તેમણે કહ્યુ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ઈશ્વરના ફોટોગ્રાફ મુકે છે, જેને કોઈએ જોયો નથી, પણ ગાંધી તો આ યુગમાં થઈ ગયા. ગાંધી પોલીસમાં આવે તે તો સારી વાત છે.આર જે સવાણી સાથે થયા પછી નવજીવન ટ્રસ્ટ દ્વારા નિયમ પ્રમાણે એક અરજી અમદાવાદ પોલીસ કમિશનર શીવાનંદ ઝા  સામે અરજી કરવામાં આવી જેમાં સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યુ હતું ગાંધીના ફોટોગ્રાફથી લઈ તેની ફ્રેમ કરી પોલીસ સ્ટેશનમાં ફોટો લગાડવા સુધીની કામગીરી નવજીવન ટ્રસ્ટ કરશે, જેમાં રાજય સરકાર અથવા પોલીસ વિભાગે કોઈ ખર્ચ કરવાનો નથી.
અપેક્ષા હતી કે એકાદ અઠવાડીયા પછી તમામ પોલીસ સ્ટેશનનાં ફોટો લગાવવાની શરૂઆત થશે, પણ કોઈ પણ કારણ વગર એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ અને કમિશનરની બ્રાન્ચ વચ્ચે ફાઈલ ત્રણ મહિના કોઈ પણ કારણ વગર ફરતી રહી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓની બદલીનો દૌર આવ્યો, એટલે મેં પણ કમિશનર ઓફિસ આ મુદ્દે જવાનું લગભગ બંધ કરી દીધુ હતું, એક સપ્તાહ પહેલા આઈજીપી આર જે સવાણીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યુ પ્રશાંત રાજય સરકાર જયારે દારૂબંધીના કડક કાયદાને મહત્વ આપી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ અને નવજીવન ટ્રસ્ટ ગાંધી વિચાર આખી વાત પ્રજા સામે મુકે તેવુ કઈક થવુ જોઈએ,
 ત્યાર બાદ મારી અને આઈજીપી સવાણીની મેરેથોન મિટીંગો અને કામ શરૂ થયુ.

સમય ઓછો હતો, એક આયોજન પ્રમાણે દારૂબંધી અંગે હકારાત્મક પ્રચાર ગાંધી વિચાર સાથે લોકો સામે મુકવાનો પ્રયાસ હતો, છતાં સતત ત્રણ દિવસની મહેનત બાદ કયા પ્રકારનું સાહિત્ય હશે, હોડીંગ અને બેનરો કેવા હશે તેની ડીઝાઈન નક્કી થઈ, એક ચોક્કસ નાનકડા ફંડમાં કામ કરવાનું હતું, નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યુ વાત જયારે ગાંધી વિચારની હોય ત્યારે રાજય અથવા પોલીસ પોતાના ફંડની મર્યાદામાં જે કઈ ફાળવી શકે તે ફાળવે બાકી નવજીવન ટ્રસ્ટ ખર્ચ ઉપાડી લેશે.બીજી તરફ વિશાળ સંખ્યામાં લોકો સુધી પહોંચવા માટે મોટા હોર્ડીગની પણ જરૂર હતી, પણ જયારે આઈજીપી સવાણીએ હોર્ડીંગની કંપનીઓ અને મોટા ઝવેરીઓ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યુ ગાંધી અને દારૂબંધીની વાત હોય તો અમારી જાહેકખબરો હટાવીને પણ અમે તમને જગ્યા આપીશુ.

બધી જ રૂપરેખા તૈયાર કર્યા પછી આખરી મહોર માટે અમે અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ પાસે પહોંચ્યા, તેમણે ધ્યાનથી બધુ જ જોયુ , તેમની આંખોની ચમકમાં ગાંધી વસી ગયો હતો, કડક ચહેરા ઉપર એક સ્મીત આવ્યુ તેમણે કહ્યુ બ્રીલિયન્ટ, મારા અને આર જે સવાણીના ચહેરા ઉપર સ્મીત આવ્યુ. સવાણીએ પોતાની પાસે રહેલી બે ગાંધીની તસવીર હતી, તે બતાડી કહ્યુ સર નવજીવન ટ્રસ્ટ તમામ કચેરીમાં ગાંધીની તસવીર મુકવા માગે છે.  એ કે સિંગે મારી સામે જોયુ અને કહ્યુ રાષ્ટ્રપિતાની તસવીર મુકાય તેના કરતા ઉત્તમ કઈ બાબત હોય, જે ફાઈલ મહિનાઓ સુધી ફરી તેને એક ઝાટકે મંજુરી મળી ગઈ. તેમણે કહ્યુ શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી કરો. રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવા માટે સોમવારે આવવાના હતા.
હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં બરાબર સામે આખરે ગાંધીને સ્થાન મળ્યુ, આ ઉપરાંત પોલીસની બહાર ગાંધીની તસવીર સાથે ગાંધીના દારૂબંધીના વિચાર સાથે છફુટ મોટા કટ અાઉટ પણ લાગી ગયા હતા, પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પછી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે દારૂબંધી કોઈ પણ ભોગે ગાંધીજીની પુસ્તીકાનું વિમોચન થયુપ્રદીપસિંહે પોતાના ભાષણ દરમિયાન પણ ગાંધીએ દારૂ અંગે કરેલી વાતને દોહરાવી હતી., એક સપ્તાહ સુધી અમદાવાદ પોલીસ હવે વાહન ચેકીંગ પછી તમામ વાહન ચાલકોને આ નાનકડી પુસ્તીકા ભેટ આપી દારૂબંધીનું મહત્વ સમજાવશે. સમારંભ પુરો થયા પછી સ્ટેજની નીચે હું ઉભો હતો ત્યારે પોલીસ કમિશનર એ કે સિંગે એક હાસ્ય સાથે કહ્યુ અચ્છે કેમ્પેઈન કી શરૂઆત હુઈ

કાયદાનો ડર બતાડયા વગર ગાંધી મારફતે એક હકારાત્મક પ્રયોગ કરી અમદાવાદ પોલીસે દારૂબંધી સામે એક નવી જંગ માડી છે, મને આનંદ તે વાત છે આખરે ગાંધી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા ખરા..

ગાંધીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં નવજીવનના પ્રયાસને સહયોગ આપનાર તમામને જય હિન્દ..

Sunday, December 11, 2016

તમે મને પત્ર લખજો, હું જયા પણ હોઈશ ત્યાંથી આવી જઈશ.

તા 8મી ડીસેમ્બર સાંજના પાંચ વાગી રહ્યા હતા, સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર આવેલા ઓપનીયર થીયેટરના ખુલ્લા આંગણામાં આશરે પાંચસો જેટલાં કાચા અને પાકા કામના કેદીઓ એકત્ર થયા હતા, પ્રસંગ તો નવજીવન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલી ગાંધી વિચાર પરિક્ષાના ઈનામ વિતરણનો હતો, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીના હસ્તે વિજેતા કેદીઓને ઈનામ આપવા આવ્યા હતા, સુનીલ જોષીનો જેલમાં આ છેલ્લો સમારંભ હતો, આ સમારંભ પુરો કરી સુનીલ જોષી સીધા પોતાની બદલીના નવા સ્થળે વલસાડ જવા માટે રવાના થવા હતા.

સુનીલ જોષી ઈનામ વિતરણ પછી ભાષણ આપવા માટે ઉભા થયા, મારા અનુભવ પ્રમાણે સામાન્ય રીતે કેદીઓ અને જેલ સુપ્રીટેન્ડન્ટ વચ્ચે ભાગ્યે જ સારા સંબંધો હોય છે., તેઓ મોટા ભાગે એકબીજાને તીરસ્કારતા હોય છે. પણ સુનીલ જોષી ઉભા થયા તેની સાથે મેં નોંધ્યુ કે કેદીઓના ચહેરા ઉપર એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ હતી, તેમને ચહેરો પોતાનું દુખ છુપાવી શકતા ન્હોતા. ભાષણ શરૂ કરતા પહેલા જોષીએ એક નજર કેદીઓ તરફ કરી અને તેમણે કહ્યુ તમને તો ખબર જ હશે મારી બદલી થઈ ગઈ છે. પછી એક ક્ષણ શાંત રહ્યા, તેમના અધ્યાર શબ્દો પ્રમાણે તેઓ જેલ છોડી જવા માટે રાજી ન્હોતા. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ જેલ સુપ્રીટેન્ડન્ટની બદલીને સજા માનતા હોય છે. પણ એક બદલી બાદ જોષીએ કહ્યુ મને જેલમાં કામ કરવાની મઝા આવવા લાગી ત્યારે જ મારી બદલી થઈ.

જેલ અધિકારીને કેદીઓ સાથે કઈ રીતે મઝા આવે તે વાત અનેક પોલીસ અધિકારીઓને પણ સમજાય તેવી નથી, પણ આ સમારંભમાં હું કેદીઓ અને સુનીલ જોશી બન્નેની આંખમાં એક સરખો ભાવ જોઈ રહ્યો હતો. જોષી કેદીઓને સંબોધતા કહ્યુ હું મારી બદલીના સ્થળે જઈ રહ્યો છુ, પણ તમને છોડી જતો નથી, તમારા પૈકી અનેકની જલદી જેલ મુકિતનો પ્રશ્ન છે, તે અંગે મેં સરકાર સાથે વાત કરી છે, અને જયાં પણ રહીશ ત્યાં તે પ્રશ્નનો જલદી ઉકેલ આવે તે માટે કામ કરીશ. જોશી દરેક વાકય બાદ અટકી રહ્યા હતા, કદાચ તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી કોઈ પણ જેલ અધિકારીને પોતાના કેદીઓ સાથે પ્રેમ થઈ જાય તેવુ મેં જોયુ ન્હોતુ.

કેદીઓને પ્રથમ હરોળમાં અમદાવાદ બોમ્બ ધડાકાના આરોપીઓ બેઠા હતા, જોશી બોલી રહ્યા હતા, ત્યારે મારૂ ધ્યાન કેદી સમસુદ્દીન શેખ તરફ ગયુ, તેણે નમાઝ પઢતો હોય તે રીતે પોતાના બંન્ને પગ બેસી આકાશ તરફ ઉંચે જોઈ દુઆ માંગી રહ્યો હતો, જેમની ઉપર અમદાવાદમાં બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, અને થોડા વર્ષો પહેલા જેલમાં સુરંગ બનાવી જેમણે ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો, તેવા કેદી પણ જોશી માટે દુઆ માંગી રહ્યા હતા.જોષીએ કેદીઓને કહ્યુ હું જયા પણ રહીશ ત્યાંથી તમારા સંપર્કમાં રહીશ, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને પત્ર લખજો, હું આવી જઈશ. આમ તો એક વખત જેલ સાથે કોઈ પોલીસ અધિકારીનો નાતો તુટે પછી તેણે જેલની ચીંતા કરવાની જરૂર હોતી નથી, પણ છતાં ખાખી વર્દીની પાછળ રહેલો એક માણસ જોશીએ આ કરવાની ફરજ પાડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતું.

જોશીનું છેલ્લુ વાકય હતું હું અહિયાથી જઈ રહ્યો છુ, પણ તમે સારા માણસ થવાનો રોજ પ્રયત્ન કરજો, એક દિવસ તમે જેલની બહાર નિકળશો ત્યારે અહિયા આવ્યા તેના કરતા સારા માણસ થઈને નિકળજો. ભાષણ પુરૂ કરી સુનીલ જોશી મંચ ઉપરથી ઉતરી સુબેદારની પેટી તરફ આગ વધ્યા તેની સાથે તમામ કેદીઓ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ ગયા, અને તેમની નજર જોશી તરફ હતી, તેમની આંખોમાં પ્રેમ, દુખ અને વિદાયની વેદના હતી. સમારંભ પુરો થયા બાદ હું અને વિવેક દેસાઈ સુનીલ જોશી સાથે તેમની ચેમ્બરમાં પહોંચ્યા, છેલ્લાં ચાર મહિના દરમિયાન હું નવજીવન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા કેદીઓના કાર્યક્રમને લઈ અનેક વખત મળ્યો, પણ મળ્યા પછી એવુ લાગ્યુ કે હું આ માણસને વર્ષોથી ઓળખતો હતો.

ત્યાંથી નિકળતી વખતે મેં ઉભા થઈ સુનીલ જોશી સાથે હાથ મીલાવ્યો, મારૂ મન કહેતુ હતું કે હું તેમના કામ અને તેમની અંદર રહેલા સારા માણસનું અભિવાદન કરવા તેમને ભેટી પડુ, પણ તેવુ કરી શકયો નહીં, મારા આંખોની ભીનાશ મને નબળો બનાવે તે પહેલા જેલનો લોંખડી દરવાજો આળંગી હું બહાર નિકળી ગયો, છેલ્લે  સુનીલ જોશીએ જેલના અધિકારીઓને કહ્યુ હતું મારી ભલે બદલી થઈ રહી છે, પણ નવજીવન ટ્રસ્ટ દ્વારા જેલમાં શરૂ કરવામાં આવેલુ કામ ચાલતુ રહે તેનું ધ્યાન રાખજો કારણ મહાત્મા ગાંધીનો જેલ સાથે કુદરતી નાતો છે જે કયારે તુટવા દેશો નહીં.

Wednesday, December 7, 2016

નરેન્દ્રભાઈ આવતીકાલની સારી સવાર માટે માણસ આજે ચોરી કરી રહ્યો છે.

 આદરણીય નરેન્દ્રભાઈ
 તમે નોટબંધી અંગે કરેલા આદેશ બાદ દેશભરમાં એક જ ચર્ચા છે, હું લાંબા સમયથી આખી ઘટનાને નજીકથી જોઈ રહ્યો છુ, કારણ પણ હું પણ કયાકને કયાંક આખી વ્યવસ્થાના એક નાનકડો ભાગ છુ, આ સંદર્ભમાં જે લખાય છે અને બોલાય છે, તે વાંચુ છુ અને સાંભળુ છુ, પણ છતાં મારી સમજ સ્પષ્ટ થતી નથી, સરળ શબ્દોમાં કહુ તો મીશ્રલાગણી અનુભવી રહ્યો છુ,તમારા તમામ  નિર્ણયોની ટીકા જ થવી જોઈએ તેવા મત પણ નથી, અને તમને આંઘળો ટેકો પણ આપી શકતો નથી, પણ એક નાગરિક તરીકે હું કેટલીક બાબતોનું ધ્યાન દોરવા માગુ છે, કદાચ તેમાંથી તમને કઈક રસ્તો મળે તેવા ઉદ્દેશથી આ પત્ર લખી રહ્યો છુ.

તા 9મી નવેમ્બર સવારના એક મારો શ્રીમંત મીત્ર મળી ગયો, તેના ચહેરા ઉપરની ચીંતાનું  કારણ તેની પાસે રહેલા કરોડો રૂપિયા હતા, ત્યારે મને લાગ્યુ કે પૈસા નહીં હોવાને કારણે હું સુખી છુ, પણ બે-ત્રણ દિવસમાં જ મારૂ સુખ પણ લાચારીમાં બદલાઈ ગયુ, મારી પાસે  પૈસા હતા, પણ તે પાંચસો અને એક હજારની થોડીક નોટો હતી, જે ઘર ખર્ચ માટેની હતી, પણ બજારમાં તેને કોઈ હાથ અડાવવા તૈયાર ન્હોતુ, મને પેલો જ મારો મીત્ર યાદ આવી ગયો, મેં તેને ફોન કર્યો, વિનંતી કરતા કહ્યુ મને પાંચ-દસ હજારની નવી નોટો મળી શકે તો મારૂ કામ નિકળે, તેણે મને થોડીક જ વારમાં વ્યવસ્થા કરી આપી, જો કે તા 9મીના રોજ તેના અવાજમાં જે ચીંતા હતા તે ગાયબ હતી, મેં તેમને પુછયુ મારે દસ-પંદર હજાર માટે આટલુ દોડવુ પડે છે, તો તમારી પાસે તો કરોડો રૂપિયા હતા, તો તમને ચીંતા થતી નથી, તેમણે મને જવાબ આપ્યો ચીંતા તો મધ્યમવર્ગે જ કરવાની હોય છે, અમારા જેવા લોકોની તો વ્યવસ્થા થઈ જાય છે.

નરેન્દ્રભાઈ જેમની પાસે કરોડો રૂપિયા હતા, તેઓ લાઈનમાં ઉભા રહ્યા નહીં છતાં તેમની કરોડોની નોટો બદલાઈ ગઈ, તો મને સમજાતુ નથી કઈ રીતે કાળુ નાણુ બેન્ક સુધી આવ્યુ, જયારે મારી પત્નીએ  ઘર ખર્ચ ચલાવતા બચાવી રાખેલા થોડાક હજાર હજારો રૂપિયા બેન્કમાં જમા કરવા ગયો ત્યારે બહુ વિચિત્ર લાગણી થતી હતી, પૈસા ભરવા ગયો ત્યારે ચોર જેવી લાગણી હતી, અને પૈસા લેવા જતો હતો ત્યારે કોઈ સદાવ્રતની બહાર ઉભા રહેલા ભીક્ષુક જેવુ લાગતુ હતું. આ દિવસો દરમિયાન ખુબ લોકો ચર્ચા કરતા હતા, જાણે તેઓ આયોજનપંચના અધ્યક્ષ હોય, પણ હું સામાન્ય રીતે ચર્ચા ટાળતો હતો, કારણ મને ટપ્પી જ પડતી ન્હોતી, આમ છતાં પત્રકારોને તો બધી જ ખબર પડે તેવુ માનતા પડોશીઓ અને મીત્રો કઈ રીતે મારી વ્યથા સમજાવુ. આખી ઘટનામાં જેમની પાસે કરોડો રૂપિયા છે અને જેમની પાસે માત્ર ઘર ચલાવવાની વ્યવસ્થા તેવા બધાને મે સાંભળ્યા તે કરતા તેમને વાંચવાનો પ્રયત્ન કર્યો છે.

મારા બીજા એક મીત્ર જેનો મોટો કારોબાર છે, તેમણે મને આ ચર્ચા પુછયુ તમે કેટલો ઈન્કમટેકસ ભરો છો.. મેં મારો પાંચ આંકડાના છેલ્લા ઈન્કમટેકસની તેની માહિતી આપી, તે મારી સામે જોઈ રહ્યો, જાણે જગતનો સૌથી જુઠ્ઠો માણસ હોઉ તે રીતે જોઈ રહ્યા , મેં તરત મારા મોબાઈલ ફોનમાં તેમને એક સારા કરદાતા તરીકે પાઠવેલ પત્ર બતાડયો, તેમણે આશ્ચર્ય સાથે પુછયુ આટલો બધો ટેકસ ભરો છો, મેં કહ્યુ અમે ટેકસ ભરતા નથી, અમારા પગારમાંથી ટેકસ કાપીને જ પગાર અમારા હાથમાં આવે છે.પગારદાર  12 મહિના નોકરી કરે છે, તેમાં 11 મહિનાનો પગાર મળે છે, જયારે એક આખા મહિનાનો પગાર ઈન્કમટેકસમાં જતો રહે છે. જયારે કરોડોનો કારોબાર કરતા લોકો એક સરકારી પગારદાર કરતા ચાર ગણો ઓછો ટેકસ ભરે ત્યારે પ્રશ્ન થાય છે આવુ કેમ ..

નરેન્દ્રભાઈ આ આખી પ્રક્રિયા દરમિયાન મને સમજાયુ છે, જે મધ્યવર્ગનો વેપારી ટેકસની ચોરી કરે છે, તે આજ માટે કરતો નથી, તે તેની અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે, તેને ડર લાગી રહ્યો છે કે તેના હાથ પગ ચાલવાના બંધ થઈ જશે ત્યારે તેની સંભાળ તેની મુડી લેવાની છે, વૃધ્ધા અવસ્થામાં બીમાર પડશે ત્યારે તેની અંદર સરકારી સિવિલ હોસ્પિટલમાં જવાની હિમંત હશે નહીં, તેને સ્વચ્છ અને પ્રેમથી બોલતા ડૉકટર અને નર્સની સારવાર માટે લાખો રૂપિયા આપવા પડશે, તેથી તે સરકારી તીજોરીમાં કર આપવાન બદલે તમારી નજર ચુકવી થોડી રકમ પોતાની તીજોરી તરફ સરકાવી દે છે, સમાજનો બહુ મોટો વર્ગ એક સાથે એક કરતા વધુ નોકરી અથવા ધંધો કરો છે, કારણ તે પોતાના પરિવારને સુખી જોવા માગે છે, શિક્ષણ અત્યંત મોંઘુ થઈ ગયુ છે, મારી હિમંત પણ નથી કે હું મારા બાળકોને સરકારી શાળામાં મોકલી શકુ, અને સરકારી હોસ્પિટલ જોતા જ ખરાબ વ્યવહારની બીક લાગે છે. આ સ્થિતિમાં માણસ પોતાની આજ દાવ ઉપર લગાડી સારી અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે.

મારા વૃધ્ધા અવસ્થામાં મને બે ટંકનો રોટલો, અને જરૂર પડે તો દુનિયાની શ્રેષ્ઠ સારવાર પૈસા વગર મળી શકે તેવી ખાતરી જો મને થાય તો કદાચ મારા મનમાંથી ટેકસ બચાવવાનો વિચાર જતો રહેશે. દેશના મોટા વર્ગને શ્રીમંત થવુ નથી, તેના બાળકને સારૂ શિક્ષણ- સારૂ ભોજન અને સારવાર મળી રહે તેવી જ અપેક્ષા છે. બાકી જેટલો દેશને તમે પ્રેમ કરો છો એટલો જ અમે પણ કરી છીએ, અને તમારી ટીકા કરનારા પણ દેશને પ્રેમ કરે છે.

આપનો

પ્રશાંત દયાળ

Thursday, November 24, 2016

મને લાગે છે કયાંક કઈ ભુલ થઈ રહી છે, મારી સમજ ફેર હોય તો મને માફ કરજોઃ સફદર નાગોરી

તા 13મી નવેમ્બર અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચાર પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં 363 કેદીઓએ પરિક્ષા આપી હતી, પરિક્ષાના એક મહિના પહેલા કેદીઓને ગાંધી વિચારનું અલગ અલગ સાહિત્ય પુરૂ પાડવામાં આવ્યુ હતું, પરિક્ષા બાદ હું એક કામઅર્થે સાબરમતી જેલ ગયો હતો, જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીએ કહ્યુ તમારા માટે એક કેદી પત્ર છોડી ગયો છે, તેમણે પોતાના મદદનીશને બોલાવી મારા માટે કેદીએ છોડેલો પત્ર મંગાવ્યો, પત્ર આવતા હું પણ વાંચવા લાગ્યો બે પાનાનો હિન્દીમાં લખેલો પત્ર હતો, એકદમ મરોડદાર અક્ષર હતા, ભાષામાં પણ સૌમ્યતા હતી, છતાં તેને જે કહેવુ હતું તે એકદમ સ્પષ્ટ હતું.

પત્ર વાંચતા વાંચતા મારી નજર સુનીલ જોષી તરફ ગઈ, તે મારી સામે જોઈ હસી રહ્યા હતા,કારણ તેમને પત્ર કોનો હતો, અને તેમાં શુ લખ્યુ હતું, તેની ખબર હતી, હું ધ્યાનથી પત્ર વાંચી ગયો, અને વિચારમાં પડી ગયો,  સાબરમતી સેન્ટ્રલ જેલની 200 ખોલી નામે ઓળખાતી બેરેકમાંથી સફદર નાગોરીએ પત્ર લખ્યો હતો, સફદર ઉપર 2008માં અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, તે ઈન્ડીયા ઈસ્લામીક મુવમેન્ટનો વડો પણ રહી ચુકયો છે. ત્યાર બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી સુરંગ ખોદી ભાગી જવાની યોજનાને પણ અંજામ આપ્યો હતો, જો કે તે પહેલા સુરંગ પકડાઈ ગઈ, ત્યાર બાદ સફદર અને તેના સાથીઓને કડક પહેરા હેઠળ રાખવામાં આવે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા લેવાઈ રહેલી ગાંધી વિચાર પરિક્ષામાં 200 ખોલીના કેદીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં સફદર પણ એક હતો.

સફદર નાગોરીએ ગાંધીની સંક્ષીપ્ત આત્મકથાની પરિક્ષા આપી હતી. તેણે ધ્યાનથી આત્મકથા વાંચી હતી, તેણે પરિક્ષા બાદ લખેલો પત્ર મારા હાથમાં હતો, તેમાં તેણે વિગતવાર પાના નંબર સાથે લખ્યુ હતું કે ગાંધીની સંક્ષીપ્ત આત્મકથામાં એડીટીંગની ભુલો રહેલી છે, વાત અધુરી છુટી જાય છે અને સંદર્ભ ખબર પડતી નથી, ગાંધીજીએ  સાથે રહેલા અન્ય વ્યકિતઓની વાત અસ્પષ્ટ રહી જાય છે. સાથે પ્રુફ રીડીગની પણ ભુલો છે, તેણે એક એક પાના નંબર સાથે પુરી વિગત તેમાં લખી હતી. પત્ર વાંચી મને આશ્ચર્ય થયુ કારણ ત્યારે મારી પાસે તેનો કોઈ જવાબ ન્હોતા, સાચુ પુછો તો મેં પણ આત્મકથા આટલી બારીકાઈથી વાંચી નથી, હું ત્યાંથી પાછો આવ્યો અને નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈને પત્ર બતાવ્યો, તેમણે પત્ર વાંચી કહ્યુ સફદરની વાત સાચી છે, આપણે નવી આવૃત્તીમાં તેણે લખેલા મુદ્દાઓ તપાસી તેમાં સુધારો કરી જઈશુ.

જેલમાં પરિક્ષા લેવાની વાત થઈ ત્યારે અને પરિક્ષાના દિવસે પણ અધિકારીઓનો એક મોટો વર્ગ એવુ માનતો હતો કે ગાંધી વિચારની પરિક્ષાનો કોઈ અર્થ નથી, આ લોકો(કેદી) કયારેય સુધરવાના નથી, પણ આ પહેલા પણ કેટલાંક કેદીઓ આત્મકથા લઈ સુનીલ જોશી પાસે આવ્યા હતા, અને કહ્યુ  હતું કે ગાંધી તો વર્ણ વ્યવસ્થામાં માનતા હતા. આમ કેદીઓ માત્ર પરિક્ષા આપવા માટે નહીં પણ ગાંધીની સમજવા માટે આત્મકથા વાંચી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ માટે આ ઉપરાંત અન્ય પ્રવૃત્તીઓ કરતા સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી કહે છે, બધા જ કેદીઓ સુધરી જશે તેવી અપેક્ષા પણ નથી, પરંતુ એકાદ કેદીના જીવનમાં પણ કઈક સારૂ થાય તો પણ ઘણુ છુ, આ ઉપરાંત તેઓ કહે છે કે કેદીઓ જેલમાં વાંચે અને લખે તેના કરતા ઉત્તમ શુ હોઈ શકે. ?

સંક્ષીપ્ત આત્મકથાની હમણાં સુધી લાખો નકલ છપાઈ અને વંચાઈ છે, પણ તેમં રહેલા ક્ષતીઓ તરફ કોઈનું ધ્યાન ગયુ નહી, અથવા કોઈએ ધ્યાન દોર્યુ નહીં, પણ જેના માથા ઉપર આતંકવાદીનો થપ્પો લાગે છે તેવા સફદર નાગોરી લખેલો પત્ર પણ નવજીવનમાં ગાંધી વિચારમાં આપેલુ તેનું યોગદાન ગણી શકાય.પત્રના અંતમાં તેણે લખ્યુ મને જે ભુલો લાગી તે તરફ સહજ રીતે લખાયેલો પત્ર છે, મારી સમજ ફેર પણ હોઈ શકે, પણ તેવુ હોય તો મને માફ કરશો.

Sunday, November 20, 2016

સાહેબ ખોટુ બોલીશ નહીં પણ મેં બે ખુન કર્યા છે.

તા 13 નવેમ્બર 2016 સવારના સાડા આઠ વાગ્યા હતા, હું અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલના અંદરના મુખ્ય દરવાજા સુધી મારી ર્સ્કોપીયો કારમાં દાખલ થયા, જો કે તે પહેલા મુખ્ય દરવાજા ઉપર રહેલા એસઆરપી જવાનો કારને પુરી રીતે તપાસી અમને અંદર જવાની મંજુરી આપી હતી.જેલના અંદરના મુખ્ય દરવાજા ઉપર ઉપર જતા સિનિયર જેલર તરલ બહાર આવ્યા, અગાઉથી વાત થયા પ્રમાણે ર્સ્કોપીયો કારમાં રહેલી ગાંધી પરિક્ષાની સામગ્રી ઉતારવા માટે કેટલાંક કેદીઓ અમારી મદદે આવવાના હતા, પણ જેલર તરલને ખચોખચ ભરેલી કાર જોઈ કહ્યુ આટલુ બધુ સાહિત્ય અલગ અલગ બેરેક સુધી લઈ જવુ મુશ્કેલ બનશે, તમે એક કામ કરો કારની જેલની અંદર સુધી લઈ આવો.

તેમણે જેલના સ્ટાફને જરૂરી સુચના આપી અને વિવેક દેસાઈને કારમાંથી ઉતરી જેલર તરલ પોતાની સાથે જેલમાં લઈ ગયા, હું કાર સાથે જેલની અંદર સુધી જવાના ગેટ નંબર-3 ઉપર પહોંચ્યો, અગાઉથી સુચના હોવા છતાં ફરજ ઉપરના સશસ્ત્ર જવાને તેની પાસે રહેલા વોકીટોકી ઉપર જેલ કંટ્રોલરૂમને તેમના ગેટ ઉપર આવેલી મારીને પ્રવેશ આપવા અંગે મંજુરી માંગી, એક જ સેંકડમાં  મંજુરી આપતો વળતો જવાબ વોકીટોકી ઉપર આવી ગયો, સશસ્ત્ર જવાને મને કારમાંથી નીચે ઉતરી જવાની વિનંતી કરી, તે મારી પાસે આવ્યો, તેણે મને પગથી માથા હાથનો સ્પર્શ કરી ઝડતી લીધી, તેણે મારા ખીસ્સામાં રહેલુ પર્સ અને મોબાઈલ ફોન ગેટની બહાર જમા કરાવી દેવાની સુચના આપી કારણ જેલમાં રોકડ રૂપિયા લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે. મેં પર્સ અને ફોન જમા કરાવી દીધો.

જયારે મારી ઝડતી ચાલી રહી હતી, ત્યારે બે જવાનો મારી કારની બારીક તપાસ કરી રહ્યા હતા, ડેસબોર્ડ ખોલી, ડેકી જોઈ કારની નીચે અને ઉપર પણ તપાસ કરી કોઈ પણ નાની બાબતમાં પણ મારી કારમાં રહી જાય નહીં તેની તકેદારી લીધી, કારની અંદર સ્ટોરીયો સીસ્ટમમાં રહેલી ફિલ્મના ગીતોની સીડી પણ તેમણે કાઢી લીધી,કાર  અને મને ચેક કર્યા પછી ફરી વખત વોકીટોકી ઉપર આખી પ્રક્રિયા પુરી થયા હોવાની જાણકારી આપી, જેલની ત્રીસ ફુટ ઉંચી દિવાલની વચ્ચે રહેલા લોંખડી ગેટ નંબર-3ને ખોલવામાં આવ્યો, મેં કાર ગેટમાં દાખલ કરી પણ અંદર જતા વીસ ફુટ પછી અંદર બીજો દરવાજો હતો, જે હજી બંધ હતો. હું ગેટમાં દાખલ થયો તેની સાથે બહારનો દરવાજો બંધ થયો એટલે હું બે બંધ દરવાજા વચ્ચે હતો, મારી સાથે એક જવાન કારની બહાર ઉભો હતો, તેણે વોકીટોકી ઉપર અંદર જાણ કરી, તેની સાથે અંદરનો લોંખડી દરવાજો ખુલ્યો કાર દાખલ થતાં અંદર રહેલા જવાને મને કાર સાઈડમાં ઉભી રખાવી, તે પહેલા તેણે અંદરનો દરવાજો લોક કર્યો.

મારી નજર સામે ત્રીજો દરવાજો પણ હતો, જો કે તે પહેલા અંદરના ગેટ ઉપર રહેલા જવાને પણ બહાર જે પ્રક્રિયા થઈ તે તમામ તેણે પણ કરી અને અંદરનો ગેટ ખોલી મને કયાં જવાનું તેની સુચના આપી, મારી રાહ જોતા વિવેક દેસાઈ અને જેલના વેલ્ફેર ઓફિસર ડાભી ત્યાં ઉભા હતા, ડાભી જેલ અધિકારી હોવાને કારણે જેલના આંતરીક રસ્તાઓથી માહિતગાર હતા, તેમણે મને કયાં જવાની સુચના આપી, જેલમાં રવિવારનો માહોલ હતો, કેટલાંક કેદીઓ જેલ પોલીસ સાથે વોલીબોલ રમી રહ્યા હતા, તો કોઈ ખુલ્લા મેદાનની લોન ઉપર બેસી ચેસ રમી રહ્યા હતા. કેટલાંક જેલની અંદર સુધી આવેલી કાર જોઈ કૌતુકભરી નજરે જોઈ રહ્યા હતા, ક્રાઈમ રીપોર્ટીંગ કરતો હોવાને કારણે કેદીઓના કેટલાંક  પરિચીત ચહેરાઓ પણ મળી ગયા, તેમના ચહેરા ઉપર મને જોઈ આનંદ થયો હોવાનું સમજી શકાતુ હતું.

જયા જયા ગાંધી વિચારની પરિક્ષાઓ લેવાની હતી ત્યાં ત્યાં હું વિવેક અને ડાભી નક્કી થયા પ્રમાણે નવી જેલ અને જુની જેલમાંની બેરેકમાં પરિક્ષાનું સાહિત્ય ઉતારી રહ્યા હતા, જેલના આંતરિક રસ્તાઓ ઉપર ચોકીઓ આવતી હતી, જયાંથી અમારી કાર પસાર થાય તે તમામ ચોકીના જવાનો વોકીટોકી ઉપર અમારી કાર તેમની ચોકીમાંથી પસાર થઈ હોવાની જાણકારી કંટ્રોલરૂમને આપતા હતા, તમામ બેરેકમાં પરિક્ષાનું સાહિત્ય ઉતારી એક મોટા ખુલ્લા મેદાનમાં અમે આવ્યા જયાં પણ ગાંધીબાપુ વિષય  ઉપર પરિક્ષા થવાની હતી. પરિક્ષા આપનાર કેદીઓ આવી ગોઠવાઈ રહ્યા હતા. પરિક્ષા શરૂ થાય તે પહેલા કેટલાંક કેદીઓ છેલ્લી ઘડી સુધી તૈયારી કરતા હોય તેમ ગાંધી સાહિત્ય અને આત્મકથા વાંચી રહ્યા હતા.

પરિક્ષા શરૂ થઈ ત્યારે જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષી પણ ત્યાં આવી પહોંચ્યો, તેમના ચહેરા ઉપર ગાંધી પરિક્ષા આપતા કેદીઓને જોઈ કઈક જુદો જ આનંદ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતું, કેટલાંક કેદીઓને પરિક્ષામાં ગેરહાજરી જઈ તેમણે ત્યાં હાજર જેલર સામે નારાજગી બતાડતા જેલરે તરત વોકીટોકી ઉપર સંબંધીત બેરેકમાં રહેલા પરિક્ષાર્થીને પરિક્ષા સ્થળે મોકલી આપવા સુચના આપી, હું વિવેક અને સુનીલ જોષી વાતો કરી રહ્યા હતા, ત્યાં એક આશરે પચાસ વર્ષનો કેદી જેના વાળ મોટા હતા, વઘી ગયેલી દાઢી હતી, તે પરિક્ષા આપી ઉભો થઈ પોતાની બેરેક તરફ જઈ રહ્યો હતો. સુનીલ જોષીએ તે જતા જોઈ બોલાવ્યો.. અરે અહિયા આવ.. પેલા કેદીના ચહેરા ઉપર એકદમ ડર દોડી આવ્યો, સામાન્ય રીતે સુપ્રીટેન્ડન્ટ બોલાવે તો કેદીને ડર લાગતો હોય છે.,

તે નજીક આવ્યો બે હાથ જોડી નમસ્તે કરતા કહ્યુ જી સર.. સુનીલ જોષીએ પુછયુ કયા નામ હે આપકા , કેદીએ કહ્યુ નટવરસિંહ ડાભી, હજી તેણે હાથ જોડેલા હતા, જોષીએ કહ્યુ પહેલા હાથ નીચે કરો. સુનીલ જોષીની આ સુચનાને કારણે કેદી ડાભી થોડો રીલેકક્ષ થયો. જોષીએ પુછયુ કેવી લાગી, પરિક્ષા. ડાભીએ અમારી તરફ એક નજર કરી લીધી કારણ અમે તેના માટે અજાણ્યા હતા.ડાભી જવાબ આપતા કહ્યુ સારી હતી મેં વાંચ્યુ હતું તે બધુ જ મને આવડયુ.. જોષીએ ચહેરા ઉપર સ્મીત લાવતા પુછયુ કેટલાંક માર્ક આવશે. આ પ્રશ્ન સાંભળી ડાભીના ચહેરા ઉપર વિમાસણ દોડી આવી, જોષી સમજી ગયા. તેમણે પ્રશ્નને જુદી રીતે પુછયો, ગાંધીને વાંચ્યા પછી શુ લાગે છે. ડાભીએ એક ક્ષણ વિચાર કરીને કહ્યુ સાહેબ એક દિવસમાં તો મારાથી ગાંધી બાપુ નહી થવાય, પણ મારા જીવનમાં ગાંધી ચોક્કસ કામ કરશે.

જોષીને સારૂ લાગ્યુ તેવુ તેમનો ચહેરો કહી રહ્યો હતો, તેમણે પુછયુ પણ આજના  દિવસે ગાંધીએ તારા જીવનમાં કરેલુ પહેલુ કામ કહેવુ હોય તો શુ કહીશ.. તેણે કઈ પણ વિચાર કર્યા વગર કહ્યુ સાહેબ સાચુ બોલવુ ખુબ અઘરૂ કામ હોય છે. હું તે કરીશ, પછી મારે કોઈ પણ કિમંત ચુકવવી પડે તો પણ સાચુ જ બોલીશ, જોષી હજી આખી વાતને સ્પષ્ટ કરવા માગતો હોય તેમ પુછયુ કોઈ પણ કિમંતે સાચુ બોલીશ, તો આજે શુ સાચુ બોલીશ તે કહે. સુ્પ્રીટેન્ડન્ટના સવાલ સાંભળી કેદી નટવરસિંહ ડાભીમાં પણ જાણે આત્મવિશ્વાસ આવી ગયો તેમ કહ્યુ સાહેબ મેં ખુન કર્યા છે. તે બે ખુન કર્યા હોવાની વાત અત્યંત સહજ રીતે બોલી ગયો, તે પણ ખબર હતી કે તે એક પોલીસ અધિકારી સામે પોતાનો ગુનો કબુલી રહ્યો હતો. જોષી અને અમે  તેને જોઈ રહ્યા. જોષીએ તેને બેરેકમાં જવાનો ઈશારો કર્યો, તે ફરી નમસ્તે કરી ત્યાંથી નિકળ્યો.

અમે ત્રણે એકબીજા સામે જોવા લાગ્યા, અમે ત્રણે એક જ લાગણી અનુભવી રહ્યા હતા, પણ તેની માટે શબ્દ જ ન્હોતો, એક પોતડી પહેનાર માણસ(ગાંધી) પોતાના મૃત્યુ પછી કોઈના  જીવનમાં આવુ કામ કરી શકે તે એક ચમત્કાર કરતા ઓછુ ન્હોતુ. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય ગાંધીને લોકો સુધી પહોંચાડવાનો હતો, મને લાગ્યુ કે બહારની દુનિયામાં ગાંધી નિષ્ફળ નિવડયો હોય, પણ સાબરમતી સેન્ટ્રલ જેલની તોંતીંગ દિવાલ પાછળ જયાં એક વખતે ખુદ બાપુ પણ કારાવાસ ભોગવી ગયા હતા, ત્યાં હજી ગાંધી મર્યો નથી, પરિક્ષા પુરી કરી હું ફરી વખત ગેટ નંબર-3માંથી બહાર નિકળી રહ્યો હતો, ત્યારે પોલીસ જવાન મારી ખાલી કાર નિયમ પ્રમાણે તપાસી રહ્યો હતો. ત્યારે પણ મારા કાન ઉપર કેદી નટવરસિંહ ડાભીના શબ્દો હતા કે એક દિવસમાં તો ગાંધી થવાશે નહીં, પણ રોજ ગાંધી થવાનો પ્રયત્ન જરૂર કરીશ

Saturday, November 12, 2016

અજાણ્યા ચહેરો કોનો હતો ?


તમારા જેવા સામાન્ય માણસો જેની આંખો સાબૂત છે તે કાન કરતાં આંખનો ઉપયોગ માણસને પહેલી નજરે ઓળખવા માટે વધુ કરે. સાહજિક છે જો તમારી આંખ સારી હોય તો તમે પહેલીવાર કોઈ માણસને મળો તો તેનાથી જ ઓળખો. જે માણસને પહેલીવાર મળો, એનો ચહેરો જુવો અને પછી મનોમન નોંધી લો કે આ ફલાણી વ્યક્તિ છે અને આનું નામ આ કે તે છે. અને તે

વ્યક્તિ ફરી ભીડમાં પણ મળે ત્યારે આંખથી જ ઓળખી કાઢો કારણ કે એની છબી તમારા મગજમાં સ્ટોર થઈ છે.પણ બન્ને પક્ષે આંખ હોય તો ય તમે કોઈ વ્યક્તિને મળો અને એનો ચહેરો જ જોઈ ન શકો તો? કેટલાંક મિત્રો સાથે અમે ઓમાન દેશમાં સલાલા નામની જગ્યાએ ફરવા ગયા હતા. જે અમારાં ઓમાનના રહેઠાણ સુરનામના શહેરથી એક હજાર કિલોમીટર દૂર છે.ત્યાંના અમારા રોકાણ દરમિયાન એક મિત્રના મિત્રના મોટાભાઈ સાથે મળવાનું ગોઠવાયું હતું. મિત્ર ઓમાન આવ્યા ત્યારથી તેમના સંપર્કમાં હતા. અને સલાલા ફરવા આવો તો ચોક્કસ મળજો તેવું કહ્યું હતું. અમારા હોટલ અપાર્ટમેન્ટથી નજીકના મોલમાં અમેમળવાનું ગોઠવ્યું જેથી શોપિંગ અને ડિનરની સાથે મળી પણ લેવાય. આ મિત્રના મિત્રને મળવા અમે બધાં બહુ ઉત્સુક હતા. કારણ કે તેઓ અહીં દસેક વર્ષથી રહેતા હતા. વળી એમણે અહીં આવીનેએમનો ધર્મ બદલ્યો હતો. એમના અનુભવો જાણવા અમે વીસેક જણ એમની રાહ જોઈ રહ્યાં હતા.

પેલા મિત્ર સાથે એમની પત્ની અને બે દીકરીઓને પણ મળવા માટે લાવ્યા હતા. અમે બધાં મળ્યાં. તેમની પત્ની એ અમારાં સ્ત્રી વર્ગનું સ્વાગત કરવા અમને અહીંની પ્રણાલી મુજબ ભેંટ્યા. એમની દીકરીઓ સાથે પણ ઓળખાણ કરાવી. પછી ઘણી નિખાલસ વાતો થઈ. જાણે અમે વર્ષોથી એકબીજાને જાણતા હોયએ! આમે ય સ્ત્રીઓની એ ખાસિયત હોય છે પારકાને પોતાના કરી લેવાની! મોટી દીકરી દસ ધોરણ સુધી અહીં ભણી અને પછી એના લગ્ન કરી દીધાં છે. નાની હજુ આ વર્ષે દસમાં ધોરણમાં છે. એટલે એકાદ

બે વર્ષમાં એના પણ લગ્ન કરી દેશે. એ બન્ને દુબળી પાતળી છોકરીઓ બહુ ખૂબસૂરત જણાતી હતી બન્ને છોકરીઓ બહુ સરળ અને પ્રેમાળ લાગી. અમારી સાથેના બાળકોને સાથે બહુ ફ્રેન્ડલી વાત કરતી હતી. આ બહેને ઘરે આવવાનું ભાવપૂર્વક આમંત્રણ આપ્યું. પેલા ભાઈ અમારા પુરુષ વર્ગ સાથે વાતો કરતાં હતા. અને અમે બધાં લેડિઝ વર્ગઆ ત્રણ સ્ત્રીઓની આસપાસ જમાવી હતી. ખાસી વાર સુધી ઓમાન અને ઈન્ડિયાની વાતો થઈ. બધી જ વાત બહુ પ્રેમ પૂર્વક અને

ખૂબ આત્મીયતાથી થતી હોવા છતાં મને કશુંક ખૂટતું હોય તેવું લાગતું હતું. શું અને શું કામ ખૂંટે છે તે પ્રશ્ન મને મનોમન વારંવાર થતો હતો!રાતના દસ વાગી ચૂકયા હતા. અને અમે સવારથી સલાલામાં સાઈટ સીઈંગ કરીને થાકી ગયા હતા. એટલે વાતો રસપ્રદ હોવા છતાં અમે છૂટા પડ્યા. આવજો આવજો, ફરી મળજો તેવો શિષ્ટાચાર શરૂ થયો. મિત્રના મિત્રએ અમને એમની ગાડીમાં અમારી હોટેલ

સુધી મૂકી જવાનો આગ્રહ કર્યો. પણ અમે ના પાડી. અમે વીસેક જણ હતા. અમને બધાંને મૂકી જવા માટે તેમણે બેત્રણવાર ધક્કા ખાવા પડે. અને અમારી હોટેલ એકાદ કિલોમીટરના પગરસ્તે જ હતી. પણ એમનો અને એમના પત્નીના અતિ આગ્રહવશ બાળકો અને બેચાર લેડિઝ જેઓ ખૂબ થાકી ગયા હતા એમને તેમની ગાડીમાં મૂકી જવાનું અમે સ્વીકાર્યું. બાકીના અમે બધાં ચાલીને જતા રહીશું તેવું નક્કી કર્યું. તેઓ પેલા બધાંને મૂકીને આવે ત્યાંસુધી એમના પત્ની અને બન્ને દીકરીઓ ત્યાં મોલમાં બેસે તેમ નક્કી કર્યું.મોલના સોફા પર ત્રણેય લેડિઝ બેઠી. પેલા ભાઈને તેમની ગાડીમાં સમાય એટલાં લોકો એમની સાથે ગયા અને અમે બાકી બધાં ચાલતાં રવાના થતાં હતાં. ત્યાં અમને થયું કે પેલાભાઈ અમારા લોકોને જ મૂકવા ગયા છે, તો આ ત્રણ લેડિઝને એમ જ મૂકીને કેમ

જવું? એટલે અમારામાંથી બેચાર મિત્રો ત્યાં રોકાયા. બાકીના અમે લોકોએ હોટલ તરફ ચાલવાનું નક્કી કર્યું. એમને ફરી આવજો કર્યુઅને જતાં હતાં ત્યાં બેમાંથી એક છોકરી બોલી,‘ફિર મિંલેંગે.હું સહજતાથી બોલી પડી,‘જરુર..પણ ત્યાં મારા મનમાં સવાલ થયો. ફરી હું આને મળીશ તો ઓળખીશ કેવી રીતે? માદીકરીઓમાંથી એક પણનો ચહેરો તો મેં જોયોનથી. કારણકે આખી ય આ મુલાકાત દરમિયાન એમણે બુરખો પહેરલો જ રાખ્યો હતો. મોં પરનું કપડું જરા પણ હટ્યુ ન હતું. કાળા

કપડાં પાછળ ઢંકાયેલો ચહેરો અને હાથમાં હથેળી સુધીના પહેરેલા સફેદ મોજા. બસ જોઈ હતી તો સફેદ સંગેમરમર જેવી હાથનીપાતળી લાંબી આંગળીઓ! અને કાળા નેટના ચિલમનમાંથી અલપઝલપ દેખાતી કાળી આંખો! હવે હું ફરી મળીશ તો આ ત્રણેયને કેવી રીતે ઓળખીશ? અરે ભીડ નહીં હોય તેઓ મારી સામે હશે તો ય મને ખબર નહીં પડે!
મારા મનમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે શા માટે મને આખી ય વાતચીતમાં સતત કશુંક ખૂટતું હોય તેવી અનુભૂતિ થતી હતી! એમના બુરખામાં છુપાયેલો તેમનો ચહેરો હું જોઈ શકી ન હતી! અરસપરસ વાત કરતા સમય એકબીજાની આંખો કે ચહેરા સામે જોઈને વાતકરવાથી જે આત્મિયતા કે ઉષ્મા વાતચીતમાં અનુભવી શકાય તે ચિલમનમાં છુપાયેલાં ચહેરા સાથે તો કંઈ રીતે અનુભવી શકાય?

એક સ્ત્રી જે બીજી સ્ત્રી માટે મિત્ર સમાન છે પણ ધર્મ અને રીતિ રિવાજના ઓઠા હેઠળ તેનો ચહેરો દેખાડી ન શકે તેવી કેવીલાચારી?કદાચ અમે ફરી ભીડમાં પણ મળીશું તો હું નહીં તો કમસેકમ તે મને જરૂર ઓળખી જશે અને મને બોલાવશે તેવા આશ્વાસન સાથે મેંત્યાંથી જવા માટે પગ ઊઠાવ્યા. કારણ કે આથી વધુ હું કે તે કશું કરી શકીએ તેમ ન હતા! કારણ કે અમે બન્ને માણસ નહીં માત્ર સ્ત્રીજ છીએ!
( મીત્ર અને પત્રકાર કામિની સંઘવીએ ઓમાનથી મોકલાવેલી વારતા અક્ષરસહ અહિયા મુકી છે)
(પ્રતિકાત્મક)

Wednesday, November 9, 2016

સાહેબ મે હેલ્મેટ પહેરી નથી, મારો દંડ તો લઈ લો...

નરેન્દ્ર મોદીએ ભારતીય ચલણમાંથી પાંચ સો અને એક હજાર રૂપિયાની ચલણી નોટો રદ કરતા પહેલી વખત ગરીબીનો ખુશ કરી દીધા છે, તમે જયાં જાવ ત્યાં ચલણી નોટો રદ થઈ તેની જ ચર્ચા ચાલુ છે, નોકરીયાત અને ગરીબ વર્ગના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી ખરેખર જાદુગર તો છે, તેમણે લોકસભાની ચુંટણી જીતવા માટે કાળુ નાણુ પરત લાવવાની જાહેરાંત કરતા કહ્યુ હતું કે ભારતની બહારની વિદેશી બેંકોમાં પડેલુ કાળુ નાણુ પરત આવે તો દરેક ભારતીયના એકાઉન્ટમાં પંદર-પંદર લાખ રૂપિયા આવી જશે, પણ નરેન્દ્ર મોદીએ જાણે પંદર-પંદર લાખ આપી દીધા હોય તેવો આનંદ ગરીબોમાં થઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીના એક નિર્ણય કારણે ગરીબ માણસ માથુ ઉંચુ કરી સ્વમાનભેર જીવી શકે તેવી સ્થિતિ નિર્માણ કરી દીધી છે, આજે આખો દિવસ હું સામાન્ય માણસોને જોઈ રહ્યો હતો, તેમની વચ્ચે બેઠેલો પૈસાદાર માણસ કરોડો રૂપિયા હોવા છતાં લાચારી અનુભવી રહ્યો હતો, જયારે જેમની પાસે મહિનો પુરો કરવાના પણ વાંધા હોય તે પૈસાદારની સ્થિતિ જોઈ રાજી થઈ રહ્યો હતો, એટલુ જ કહુ છુ, પૈસા વગર પણ માણસ રાજી થઈ શકે તેવુ તો નરેન્દ્ર મોદી જ કરી શકે. જો કે અમદાવાદીઓ તો બધાને ટપી જાય તેવા છે,અમદાવાદના પણ આપત્તીને અવસરમાં પલટાવી દેતા આવડે છે. આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે જેના ખીસ્સામાં પાંચસોની નોટ છે તે ગરીબ અને જેના ખીસ્સામાં એકસો રૂપિયા પડે છે તે પૈસાદાર ગણાય છે.

અમદાવાદીઓ વેપારી છે, સામાન્ય સંજોગોમાં ટ્રાફિક પોલીસને જોતા કટ મારી ભાગી જતા અમદાવાદના બાઈક સવારને આવડે છે, પોલીસ રસ્તાની વચ્ચે ઉભી હોય તો બસની આડશમાં પણ તે પોલીસ પાસેથી પસાર થઈ જાય, મલ્ટીપ્લેકક્ષમાં એક હજાર રૂપિયા ખર્ચી નાખતો અમદાવાદી ટ્રાફિક પોલીસ પકડે તો પચાસ રૂપિયાના દંડ માટે કોર્પોર્રેટથી લઈ વડાપ્રધાન સુધીની ઓળખાણ કાઢી દંડ ભર્યા વગર નિકળી શકે છે, પણ જેવુ નરેન્દ્ર મોદીએ ચલણી નોટો રદ કરવાની જાહેરાંત કરી તેની સાથે અમદાવાદી વાહન ચાલકમાં આમુલ પરિવર્તન આવ્યુ, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે ચાલી ટ્રાફિક પોલીસ પાસે જવા લાગ્યો અને દંડ લઈ લેવા આગ્રહ કરવા લાગ્યો.

અમદાવાદી વાહન ચાલકનો કરતબ તો પહેલા સમજાયો નહીં, પચાસ અને સો રૂપિયાનો દંડ ભર્યા બાદ તે પાંચસોની નોટ આપે એટલે ટ્રાફિક પોલીસે સાડા ચારસો-ચારસો રૂપિયા એટલે કે સો-સોની ચલણી નોટ પરત આપવાની, એટલે બેંકમાં ગયા વગર મની એકસચેન્જ થવા લાગ્યા, પણ બીજી સમસ્યા એવી પણ આવી કે દરેક વાહન ચાલક ભલે ઠાઠીયુ સ્કુટર હોય પણ પોલીસને તો પાંચ રૂપિયા જ આપે, બીચ્ચારી પોલીસ સો-સોની નોટ લાવે કયાંથી આખરે અમદાવાદ પોલીસે જ જાહેરાંત કરી દીધી કે અમે બે દિવસ કોઈ પણ વાહન ચાલકનો દંડ લેવાના નથી.

જો કે પેટ્રોલ પંપવાળા પાંચસો અને હજારની નોટ લેતા હત, પણ શરત એટલી જ હતી કે તમારે રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ લેવાનું એટલે ફરજીયાત પાંચસો અથવા એક હજારનું પેટ્રોલ ભરવુ પડે, પણ એક પેટ્રોલપંપ ઉપર એક સદ્દગુહસ્થ પહોંચી ગયા, તેમને ખબર હતી કે ખાસ કરી બધા ટુ વ્હીલર માલિકને પાંચસોનું પેટ્રોલ પરવડે નહીં, રોજે રોજ સો રૂપિયાનું પેટ્રોલ ભરનાર પણ આપણે ત્યાં લાખો સ્કુટર માલિકો છે. આ ગૃહસ્થ પંપ ઉપર ઉભા રહી ગયા, તે આવનાર તમામ સ્કુટરવાળાને કેટલાનું પેટ્રોલ ભરવાનું છે તે પુછે, જેમને સો રૂપિયાનું જ પેટ્રોલ ભરવાનું છે, તેમને અલગ તારવી પાંચ અથવા દસ સ્કુટરવાળા ભેગા થાય એટલે તેમની પાસેથી સો -સો રૂપિયાની નોટ લઈ પંપવાળાને પાંચસોની નોટ આપી કહે કે આ પાંચને સોનું પેટ્રોલ આપી દો. આમ સો-સો રૂપિયાની નોટ ભેગી કરવા લાગ્યા.

જેમના બેન્ક એકાઉન્ટમાં વર્ષે પાંચ-દસ હજારનું પણ બેલેન્સ રહેતુ ન્હોતુ તેવા એકાઉન્ટવાળા મોટા લોકોને ઓફર કરવા લાગ્યા છે. લાવો પચ્ચીસ હજાર મારા એકાઉન્ટમાં જમા કરાવી દઉ, વીસ ટકા કાપી બાકીની રકમ પરત આપીશ, ધંધો ખોટો નથી ઘણા નાના માણસોની દેવ દિવાળી પણ સુધરી જવાની છે. મને લાગે છે કે મારા સહિતના લોકો મોદીને ખોટી ગાળો આપે છે, મોદી પૈસા વગર પણ મઝાની કરાવી શકે છે.

ખેર આતો હસવાની વાત હતી, છતાં નરેન્દ્ર મોદીએ કરેલા નિર્ણયને રાજકિય રીતે જોવા કરતા એક ભારતીય તરીકે આવકારવો જ રહ્યો, કાળુ નાણુ સદંત્તર બહાર આવશે નહીં છતાં તે દિશામાં એક મહત્વનું પગલુ સાબીત થશે. સામાન્ય પ્રજા માટે અસામાન્ય નિર્ણય સાબીત થશે.

Monday, November 7, 2016

ગુજરાતી પાસપોર્ટને દર્શકોએ વીઝા આપી દીધો

મારો મીત્ર મલ્હાર દવે પબ્લીક રીલેશનના ધંધા સાથે સંકળાયેલો છે, મારા કરતા ઉમંરમાં ખાસ્સો નાનો છે, પણ તેની મઝાક-મસ્તી અને તોફાનોને બાદ કરતા હું તેની વાતને ગંભીરતાથી સાંભળતો હોઉ છુ, તે અંતિમવાદી છે, જો કે તેના તમામ અંતિમવાદમાં તર્ક હોય છે. જે તમને તેની વાત સાથે સંમત્ત થવા માટે આગ્રહ કરતો હોય છે. જયારે જયારે પણ ગુજરાતી ફિલ્મની વાત નિકળે ત્યારે મલ્હાર મને ગુજરાતી ફિલ્મોનું ભાવી જ નથી, તેના ચોક્કસ કારણો આપે, અતિ સારી ફિલ્મ હોવા છતાં કેમ ગુજરાતી ફિલ્મો ચાલતી નથી તેનો તર્ક પણ આપે ખાસ કરી શહેરી વિસ્તારમાંને લગતા વિષયો ઉપર બનતી ગુજરાતી ફિલ્મની વાત કરીએ ત્યારે.

રવિવારના દિવસે સાંજે તેનો મને ફોન આવ્યો, હું તેને મળવા પહોંચ્યો ત્યારે તે એકદમ અલગ મીજાજમાં જ હતો, તેને તેની સ્ટાઈલ પ્રમાણે પહેલા ફોન ઉપર કોઈને ખખડાવી નાખ્યો અને પછી મારી સામે જોતા કહ્યુ દાદા ચાલી જશે, એક હજાર ટકા ચાલી જશે.. મેં તેની સામે જોયુ, તે સમજદાર છે, તેણે કહ્યુ હું પાસપોર્ટની વાત કરૂ છુ, પાસપોર્ટ નામની ફિલ્મ સાથે મારો એક અજાણ્યો લગાવ હોવાના કારણો પણ છે, જેમાં ફિલ્મની વિલન આશીષ વશી ફિલ્મનો લેખક પરેશ વ્યાસ અને એકઝીયુટીવ પ્રોડયુસર હર્ષ સાથે ચ્હાની કીટલી ઉપર અનેક વખક ચ્હા પીતા પીતા ટોળ ટપ્પા માર્યા છે, તેના કારણે કોઈ પણ કારણવગર પાસપોર્ટ ફિલ્મ આપણી પોતાની છે તેવુ લાગ્યા કરે, જો કે ત્યારે ફિલ્મનું પ્રોડકશન ચાલતુ હતું, આ દરમિયાન મેં પરેશ-હર્ષ અને ફિલ્મના દિગ્દર્શક રાજેશ શર્માને ફિલ્મ વધુ કેમ સારી થઈ શકે તેમ મામલે ઝઘડા પણ જોયા હતા.

ત્યારે આ પાસપોર્ટ ફિલ્મની લઈ અચાનક મલ્હારનો બદલાયેલો મત જોઈ મેં મનોમન નક્કી કર્યુ કે પાસપોર્ટ જોવી જ પડશે. સોમવારનો દિવસ હતો , સામાન્ય રીતી હિન્દી ફિલ્મોમાં પણ ચકલા ઉડતા હોય છે, છતાં ગુજરાતી ફિલ્મ પેક હતી, હું આખી ફિલ્મને એક દર્શક તરીકે જોવા કરતા ફિલ્મ કઈ રીતે સારી અથવા ખોટી છે, અથવા કયાં ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ સામે માર ખાય છે તેવા વિશ્લેષક તરીકે ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મની શરૂઆત થઈ તેના પંદર વીસ મીનીટ સુધી તો ફિલ્મ એક વિશ્લેષક તરીકે જોતો રહ્યો, પણ મને યાદ આવ્યુ કે ફિલ્મ મારે દર્શક તરીકે જોવી જોઈએ, જેના કારણે ફિલ્મની થોડીવારમાં ફિલ્મની ટ્રીટમેન્ટ જોઈ આ હિન્દી ફિલ્મ છે તેવુ જ લાગે.

ફિલ્મનો હિરો મલ્હાર છે, બસ તે મલ્હાર છે એટલુ જ કહીશ, જયારે વિદેશી હિરોઈન અાના પણ મઝાની છે, તેની ગુજરાતી બધાને મઝા કરાવે તેવી છે.ફિલ્મનું નામ પાસપોર્ટ હોવાને કારણે ફિલ્મની કથા પાસપોર્ટની આસપાસ ફરે છે. વિલનનો રોલ કરતો આશીષ વશીની હિન્દી પણ મઝાની છે. જયારે ચોરની ભુમીકા અદા કરતા જયેશ મોરેને તમામ કલાકારો કરતા એક માર્ક વધારે આપવો પડે, તેમ છે. જયેશ મોરેની એકટીંગનો શ્રેષ્ઠ છે, પણ બોલ્યા વગર પણ તેમની આંખો ઘણુ બધુ બોલતી હોય છે.ફિલ્મના ગીત માટે ચીરાગ ત્રીપાઠી અને સંગીત માટે મહેલુ સુરતીને દસમાંથી દસ માર્ક મળે છે. આખુ ફિલ્માંકન અમદાવાદ ઉપર હોવા છતાં આવુ અમદાવાદ તો મેં જોયુ જ નથી તેવુ લાગે. મારૂ અમદાવાદ જેટલુ સુંદર છે તેના કરતા વધુ સુંદર મને ફિલ્મમાં લાગ્યુ છે.ફિલ્માના દર્શ્ય જોઈ શ્રીકુમાર રામચંદ્રનના કેમેરાનો જાદુ પણ જોવા મળે છે. એડીટર નીરવ પંચાલનું કામ પણ સ્ક્રીન ઉપ બોલી ઉઠે છે.

થીયેટરમાં મારી બાજુમાં બે કોલેજ ગર્લ બેઠી હતી, જે આખા ફિલ્મ દરમિયાન પેટ પકડી હસતી હતી, ફિલ્મ પુરી થતાં એક છોકરી બોલી પૈસા વસુલ થઈ ગયા. બસ આ એક એવોર્ડ કરતા પણ વધુ છે. કારણ દર્શકને કયારેય સ્ટોરી,સંગીત અને કલાનો ધોરણો સાથે કોઈ લેવાદેવા હોતી નથી, કારણ તે ફુટપટ્ટી લઈ ફિલ્મ જોતો નથી તેને જો મઝા પડે અથવા મઝા ના આવી આ બે શબ્દની ખબર હોય છે. પણ પૈસા વસુલ તેવુ વાકય જ કહે છે મઝઝા પડી ગઈ....

Friday, November 4, 2016

ભોપાલના નકલી એન્કાઉટર ઉપર કેમ કઈ લખતા નથી...

તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલની જેલમાંથી એક પોલીસ કોન્ટેબલની હત્યા કરી ફરાર થયેલા આઠ સીમીના આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા હતા, જો કે જેલમાં પોલીસની હત્યા થઈ તે મામલે મને કોઈ શંકા કે પ્રશ્ન નથી, પણ બીજી તરફ પોલીસે કહેવાતા એન્કાઉન્ટર કર્યા તેની સામે મારા મનમાં પણ અનેક સવાલો હોવા છતાં મેં તેના ઉપર શુ લખુ તે વિચારમાં દિવસો કાઢી નાખ્યા, તે જ વખતે એક મીત્રનો મને ફોન આવ્યો ત્યારે તેમણે પણ મને વાતમાં વાતમં પુછી નાખ્યુ કે કેમ હજી સુધી ભોપાલ એન્કાઉન્ટર ઉપર કઈ લખ્યુ નથી.( અગાઉ શોરાબઉદ્દીનથી લઈ ઈશરત એન્કાઉન્ટર કેસમાં મને ક્રેડીટ-ડીસક્રેડીટ ખુબ મળી છે).મારા મનમાં આખી ઘટનાને લઈ એક દ્વંધ ચાલી રહ્યો હતો. જે પ્રકારના વિડીયો ફુટેઝ આવ્યા છે તે જોતા પોલીસે સીમીના શરણે આવી રહેલા આતંકવાદીઓને મારી નાખ્યા એટલે તે હત્યા જ છે તેમાં કોઈ શંકા નથી, જે મુદ્દે રાજકિયપક્ષો સહિત સંબંધીતોએ ખુબ હોબાળો પણ કર્યો છે.

મારા મનમાં તે દ્વંધ ચાલી રહ્યો તે હતો કે પોલીસે કાયદા હાથમાં લઈ જે દંડ આપવીન સત્તા આપણે કોર્ટોને આપી છે તે સત્તાનો તેમણે દુરઉપયોગ કર્યો, પણ જે પોલીસ કોન્સટેબલ મરી ગયો તે મુદ્દે આપણે શાંત છીએ. જે રાજકિયપક્ષો અને સંબંધીત લોકો સીમીના લોકો માટે બોલે છે, તેમણે કોન્સટેબલની હત્યા માટે પણ બોલવુ જ જોઈએ કારણ તે કોન્સટેબલ પણ કોઈનો પુત્ર-પિતા અને પતિ હતો. તેને પણ માનવ અધિકાર મળવો જોઈએ.આપણા જયારે માનવ અધિકારની વાત કરતા હોઈએ ત્યારે આપણે તમામ કોમ-વર્ગ અને ધર્મ માટે એક જ માનવ અધિકારની વાત કરવી જોઈએ પણ મને લાગે છે કયારેક આપણે માનવ અધિકારની વાત કરતા કરતા એક પાતળી ભેદરેખા ઓળંગી જઈએ છીએ.

સિનિયર પત્રકાર અરવિંદ બોસમીયા મારા સારા મીત્ર છે,. પણ તેઓ મારા લખાણના સારા ટીકાકાર પણ રહ્યા છે, તેમને જે લાગે તેવુ તડને ફડ સંભળાવી દેનાર છે, એટલે મોટા રાજકિય નેતાઓને  પણ તેમનાથી ડરતા મેં જોયા છે, મારા બ્લોગ પોસ્ટ ઉપર પણ તેઓ મારી ટીકા કરતા હોય છે, સામાન્ય રીતે હું મારી ટીકા હોય ત્યાં સુધી મારી ટીકાઓ પણ મારા બ્લોગ ઉપરથી દુર કરતો નથી, પણ દરેક વખતે મારી ટીકાને ધ્યાનથી વાંચી હું કયાંક ચુક તો નથી કરી રહ્યોને તે જરૂર જોઈ જઉ છુ. થોડા સમય પહેલા દલિત અંગે મેં લખેલી એક પોસ્ટ ઉપર પણ તેમણે ટીકા કરી હતી, તેનો મતલબ કઈક એવો હતો કે સામાજીક ન્યાયની વાત બકવાસ છે.સામાજીક ન્યાય કયારેય સમાજના હિતમાં હોતો નથી.

બે દિવસ પહેલા તેમને ફોન આવ્યો મેં તેમણે કરેલી ટીકા મને વિગતવાર સમજાવવા વિનંતી કરી, અને તેમને સાંભળી મને લાગ્યુ કે તેમની વાતમાં તથ્ય છે.અન્યાય કોઈને પણ થઈ શકે છે, પણ સામાજીકની ન્યાયની વાત આવે ત્યારે ધીરે ધીરે આપણે માનવા લાગીએ છીએ કે સામાજીક ન્યાયની વાત આવે ત્યારે આપણે ગરીબ-પછાત-દલિત અને મુસ્લીમની જ વાત કરવી જોઈએ, પણ દરેક વખતે માત્ર ગરીબ-પછાત-દલિત અને મુસ્લીમને જ અન્યાય છે તેવુ પણ હોતુ નથી, આપણે ન્યાયની વાત કરતા હોઈએ ત્યારે દરેક ભોગ બનનારની કરવી જોઈએ, પછી તે કયાં ધર્મ-જાતી અથવા પ્રદેશનો છે તેની નીસ્બત હોવી જોઈએ નહીં, બની શકે તે કોઈ પાકિસ્તાનના નાગરિકના અધિકાર માટે પણ આપણે બોલવુ પડે.

અન્યાય કેટલાંક સમુદાય અને જ્ઞાતિઓને જ મોટા પ્રમાણમાં થાય છે તેની ના નથી, છતાં બ્રાહ્મણ અને શ્રીમંતને પણ અન્યાય થતો હોય ત્યારે આપણે તેમના માટે પણ બોલતા સંકોચ થવો જોઈએ નહીં. રસ્તા ઉપર એક ગરીબ સાયકલ સવાર એકદમ આડો ફંટાય અને કાર સાથે અથડાય તો આપણે કાર વાળો શ્રીમંત હોવાને કારણે ગરીબ સાયકલવાળાનો પક્ષ લઈ કારવાળને ઝુડી નાખીએ છીએ બરાબર તેવી જ આ વાત છે. ભોપાલ કેસમાં હત્યા કરનાર પોલીસ સામે નિયમ પ્રમાણે કડક કાર્યવાહી થવી જોઈએ તેની ના નથી, પણ જે કોન્સટેબલની હત્યા થઈ તેની ચીંતા અને દરકારમાં પણ સીમીની તરફદારી કરતા સંગઠન અને પક્ષોએ કરવી જોઈએ , કારણ તો આપણને માનવ અધિકારની વાત કરવાનો અધિકાર છે તેવુ હું માનુ છુ

Wednesday, November 2, 2016

મુસલમાનો પાકિસ્તાન જતા રહે.. પણ પાકિસ્તાનમાં કયા જાય તે તો કહો..


દિવાળી નિમિત્તે કેટલાં મીત્રોને ફોન ઉપર નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યો હતો, ત્યારે મને મુંબઈ રહેતા પત્રકાર મીત્ર દિપક સોલીયાની યાદ આવી, અને મેં ફોન જોડયો અને લંબાણપુર્વક વાત કરી, હું દિપક અભિયાનમાં સાથે કામ કરતા હતા, ત્યારે દિપક અભિયાનમાં ચીફ રીપોર્ટર હતો અને હું અમદાવાદ ઓફિસમાં હતો, જો કે અમારી પહેલી મુલાકાત બહુ રસપ્રદ હતી.  હું જયારે અભિયાનની મુંબઈ ઓફિસમાં નોકરી માટે ગયા ત્યારે તંત્રી કેતન સંઘવીને મળ્યા પછી નોકરી પાક્કી થયા પછી તેમણે મને કહ્યુ ચાલો બધાની તમને ઓળખાણ કરાવુ, તે મને ઓફિસમાં લઈ ગયા, બધા પોતાનું કામ કરી રહ્યા હતા, કારણ અંક પુરો કરાવાનો સમય હતો, એક પછી એકનો પરિચય કરાવ્યો, મારી નજર એક માણસ ઉપર પડી, બધા ખુરશી ઉપર બેસીને કામ કરતા હતા. જયારે એક માણસ મોટા રાઈટીંગ ટેબલ ઉપર બેસી કઈક લખી રહ્યો હતો, અને તેણે જે કપડા પહેર્યા હતા, તે જોઈ મને વધુ આશ્ચર્ય થયુ તેણે પેન્ટ પહેરી હતી અને ઉપર માત્ર ગંજી હતી.

મુંબઈ જેવા શહેરમાં કોઈ માણસ આવી રીતે કામ કરે મને બહુ વિચિત્ર લાગ્યુ, એક તો ટેબલ ઉપર કોઈ માણસ ,ચઢી બેસે અને તે પણ માત્ર ગંજીમાં કામ કરે કેવુ હાસ્યસ્પદ લાગે. કેતન સંઘવી મને તે માણસ પાસે જ લઈ ગયા, અને ઓળખાણ કરવાતા કહ્યુ આ અમારા ચીફ રીપોર્ટર છે દિપસ સોલીયા.. આ સાંભળતા મને લાગ્યુ આવો થોડો ચીફ રીપોર્ટર હોય. અમદાવાદમાં તો ચીફ રીપોર્ટર એકદમ એટીકેટમં રહે અને મુખ્યમંત્રી કરતા પણ વધુ રૂવાબ કરે, મારૂ ધ્યાન પડયુ દિપકની બાજુમાં રહેલા બીડીના બંડલ તરફ. અરે આટલા મોટા  સામાયીકનો ચીફ રીપોર્ટપ બીડી પીવે.. પણ પછી જેમ જેમ દિપક સાથે વાત થતી ગઈ અને તેને વાંચતો ગયો તેમ તેમ સમજાયુ કે દિપકના પહેરવેશ અને તેની  બધી સ્ટાઈલ ગૌણ છે, તે સારો પત્રકાર એટલા માટે  છે , કારણ પહેલા તે સારો માણસ છે. અને હું તેના પ્રેમમાં પડયો અને આજે પણ છુ.

એટલે દિપક સાથે વાત કરવાનું મને આજે પણ એટલુ જ ગમે છે.લગભગ મેં અને દિપકે લાંબી વાત કરી, તેના કારણે મારી પત્નીને શંકા પણ ગઈ કદાચ સામે છેડે કોઈ મહિલા હોવી જોઈએ, ખેર તે વાત જવા દઈ પણ, દિપકે વાત પુરી થતાં કહ્યુ આવને યાર કોઈ દિવસ મુંબઈ.. મુંબઈ નથી આવતો. મેં કહ્યુ ના દિપક પહેલી અને છેલ્લી વખત 1995માં મુંબઈ નોકરી લેવા માટે આવ્યો હતો, પણ પછી કયારેય આવ્યો નથી. હું મરાઠી ભાષી હોવાને કારણે ઘણાને આશ્ચર્ય થાય છે કે હું કોઈ દિવસ મુંબઈ ગયો જ નથી. દિપકે પણ મને પુછયુ કેમ મુંબઈમાં તારા કોઈ સગા રહેતા નથી, મેં કહ્યુ દિપક હું ગુજરાતમાં આઠમી પેઢી છુ, હવે મુંબઈ તો ઠીક પણ આખા મહારાષ્ટ્રમાં પણ સમખાવા પુરતો કોઈ સગો નથી.

આ સાંભળી દિપક હસવા લાગ્યો તેણે કહ્યુ પ્રશાંત તુ મરાઠી હોવા છતાં મુંબઈમાં તારૂ કોઈ સગુ નથી, પણ આપણે તો વારે ઘડીએ કઈ પણ થાય એટલે સહજતાથી કહી દઈએ છી કે મુસલામ પાકિસ્તાન જતા રહે, પણ ભારતના મુસલમાન પાકિસ્તાન કોની પાસે જાય, ત્યાં હવે તેમનું કોણ છે. મને દિપકની વાત સાચી લાગી, ભારતની મુસલામાનોની કુલ વસ્તીના સીત્તેર ટકા તો આઝાદી પછી જનમ્યા છે. જેમને પાકિસ્તાનના જન્મ સાથે પણ કોઈ લેવાદેવા નથી છતાં આપણે તેમને સતત યાદ અપાવીએ છીએ કે તેમણે પાકિસ્તાન જતા રહેવુ જોઈએ, પણ કયાં અને કોની પાસે જતા રહેવુ જોઈએ તે તો કોઈ કહેતુ નથી.

Monday, October 31, 2016

મારી ખોવાયેલી વારતાઓ પાછી મળી..

દિવાળીના તહેવારને કારણે મારા ઘરે અનેક મિત્રો શુભેચ્છા રૂપે કઈકને કઈક ભેટ મોકલાવે છે, બે દિવસ પહેલાની વાત છે, રાત્રે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની શીવાનીએ એક ગીફટ પેકેટ મારા હાથ મુકયુ,  તે પેકેટ ચારે તરફ ફેરવી કોના તરફથી આવ્યુ છે, તે જોયુ પણ તેની ઉપર કોના તરફથી ગીફટ છે તેનો કોઈ ઉલ્લેખ ન્હોતો, મેં શીવાની સામે જોયુ પ્રશ્નાર્થ નજરે જોયુ, તેના ચહેરા ઉપર લુચ્ચુ હાસ્ય હતું, મેં તેને પુછયુ શુ લાવી મારા માટે,સામાન્ય રીતે હું શીવાનીને ભેટ આપવાનું ટાળુ છુ, કારણ તેનું  કહેવુ છે, મેં તેને પસંદ કરવા સિવાય બધી ખોટી જ પસંદગી કરી છે, શીવાનીએ કહ્યુ ના હું કઈ લાવી નથી, મારી સામે મારી દિકરી પ્રાર્થના બેઠી હતી, તે પણ કૌતુકભાવે હસી રહી હતી, મને એટલી તો ખબર પડી કે પેકેટમાં શુ છે, તે અંગે આ બંન્ને જાણે છે. પણ દિવાળીમાં તેઓ મારી મઝા લઈ રહ્યા હતા.

મારા મનમાં પણ અનેક સવાલો હતા, પેકેટ કોના તરફથી છે, અંદર શુ હશે.. મેં પેકેટ તોડતા પહેલા ફરી ઉત્સુકતા સાથે પુછયુ બોલોને શુ .. તેઓ હસ્યા તેમણે કહ્યુ આટલી ઉતાવળ હોય તો પેકેટ તોડી જોઈલો. સ્વભાવે ક્રાઈમ રીપોર્ટર ખરો એટલે ઉલટો સવાલ  પુછયો.. કોણ આપી ગયુ.. શીવાનીએ રીઢા ગુનેગારની જેમ ખપ પુરતી કબુલાત કરતા કહ્યુ.. કોઈ આપવા આવ્યુ હતું, તેમણે કહ્યુ સાહેબ પેકેટ ખોલશે તો કોણે આપ્યુ છે તેની ખબર પડી જશે. મારી ઉત્સુકતા વધુ ગુચવાઈ, મેં મઝાકમાં પુછયુ પુરૂષ હતો કે મહિલા.. તેણે કહ્યુ ચીંતા ના કરો, પુરૂષ મીત્ર જ હતો. મેં ઉતાવળમાં ગીફટ પેપર ખોલવાની શરૂઆત કરી, પણ સામાન્ય રીતે પુસ્તક વિમોચનમાં થાય તેવુ થયુ, પુસ્તક વિમોચનમાં જે મહેમાનના હાથે પુસ્તક વિમોચન કરવાનું હોય તેમના હાથમાં મુકવામાં અાવેલુ પુસ્તક એટલુ મજબુત રીતે પેક કરેલુ હોય કે ખુદ યજમાનને પુસ્તક ઉપરનું આવરણ દુર કરવામાં મદદ કરવી પડે, આમ પરોક્ષ રીતે યજમાન જ પુસ્તક વિમોચન કરી નાખે.

શારિરીક અને માનસીક તાકાતનો સમન્વય કરી મેં પેકેટ ખોલ્યુ, તો મારૂ આશ્ચર્ય બેવડાયુ, કારણ પેકેટની અંદર એક કવર હતું, તેની ઉપર દિવ્ય ભાસ્કરનું કવર હતું, મને એક તબક્કે લાગ્યુ કે મારા અને દિવ્ય ભાસ્કરના સંબંધ સુધરી ગયા કે શુ, કારણ મજેઠીયા પગાર પંચના મુદ્દે થયેલી સામાન્ય લડાઈ બાદ, બીજી જ્ઞાતીના યુવક સાથે લગ્ન કરનાર કન્યાના પિતા કહે જા આખી જીંદગી તારુ મોઢુ બતાડતી નહી, તેવી હાલત અત્યારે મારી છે, મારા કેટલાંક ભાસ્કરના મીત્રો મારા ઘર તરફ રાત્રે માથુ રાખીને પણ સુતા નથી. મેં દિવ્ય ભાસ્કરના નામનું પણ કવર તોડયુ અને મારી આંખો પહોંળી થઈ ગઈ, અંદર મારી જીવતી વારતાઓનો થોકડો હતો, મેં તરત પુછયુ છત્રપાલસિંહ આપી ગયો. શીવાનીએ કહ્યુ હા છત્રપાલસિંહ આવ્યા હતા.

2003માં જયારે દિવ્ય ભાસ્કરની શરૂઆત થઈ ત્યારે ભાસ્કર મેનેજમેન્ટ એવી કોઈ વ્યકિતની શોધમાં હતું કે જે ગુજરાત સમાચારમાં દેવેન્દ્ર પટેલની કભી કભી કોલમ જેવુ લખી શકે, આ માટે લાંબી શોધ ચાલી, લગભગ એક ડઝન કરતા વધુ લેખકો પાસે કઈક લખાવ્યુ  જોયુ, ભાસ્કરના સ્ટેટ એડીટર શ્રવણ ગર્ગ હિન્દી ભાષી હતા, છતાં તેમણે બધા જ લેખકોને વાંચી કહ્યુ મઝા આવતી નથી, હું ક્રાઈમ રીપોર્ટર હતો, એક દિવસ મારા ચીફ રીપોર્ટર શકીલ પઠાણે મને કહ્યુ દાઢી તુ કોલમ લખી શકે.. મેં કહ્યુ લખી શકુ, પણ તમે દેવેન્દ્ર પટેલ જેવુ લખવાનું કહો છો પણ તેવુ હોવુ જોઈએ નહીં, કારણ દેવેન્દ્ર પટેલ એટલે દેવેન્દ્ર પટેલ છે. પણ આપણે લોકોને પસંદ પડે તેવુ લખવુ જોઈએ આપણે પણ આપણી એક નવી ઓળખ ઉભી કરવી જોઈએ, તેણે મને કહ્યુ ચાલુ તુ કઈક લખી આપ.

મેં ખુબ વિચાર કરીને નક્કી કર્યુ કે આપણી આસપાસ ઘણા માણસો હોય છે. અને દરેકની સાથે કોઈની કોઈ વારતા સંકળાયેલી હોય છે. માત્ર આપણને તેના જીવનની ઘટનાઓ વારતા લાગતી નથી, અને મેં મારી આસપાસ તેવા લોકોને શોધવાની શરૂઆત કરી અને પહેલી વારતા લખી, જે મારા ડીઝાઈનર મીત્ર અયાઝ દારૂવાલાને વાંચવા માટે આપી, તે વારતા વાંચી રહ્યો હતો, ત્યારે તેના ચહેરા ઉપર થતા હાવભાવના ફેરફાર હું નોંધી રહ્યો હતો, મને  સમજ આવી રહી હતી, વારતા હ્રદય સુધી પહોંચી રહી છે. અયાઝે વારતા પુરતી થતાં મારો હાથ પકડી કહ્યુ મઝા જ પડશે. પછી તે કઈક વિચાર કરવા લાગ્યો, તેણે એક ક્ષણ વિચાર કરી કહ્યુ તમારી કોલમનું નામ જીવતી વારતા રાખીએ, તેણે કાગળ ઉપર મને જીવતા વારતા કેવી રીતે લખવુ તે લખી પણ આપ્યુ વારતા શબ્દ વ્યકરણની રીતે ખોટી રીતે લખ્યો હતો, છતાં તેણે કહ્યુ આપણે વારતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેવી જ રીતે લખીશુ વાર્તા નહી લખીએ.

પછી ડીઝાઈન સાથે મારી પહેલી જીવતી વારતા શ્રવણ ગર્ગ સુધી પહોંચી, તેમના સ્વભાવ પ્રમાણે તેમણે સારી છે તેવુ કહેવાને બદલે શકીલને કહ્યુ ઠીક હે, દેખ લો રીડર કયા રીસ્પોન્સ કરતા હે.. અને જીવતી વારતાની સફર શરૂ થઈ, 2007 સુધી દિવ્ય ભાસ્કરમાં તે નિયમિત છપાઈ અને ત્યાર બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં પણ થોડો સમય અંગ્રેજી ભાષાતંર થઈ છપાઈ હતી. જીવતી વારતાઓ અનેક લોકોના જીવનમાં કામ કર્યુ હતું, કદાચ તે એક અખબારની સામાજીક જવાબદારી અદા કરવામાં મહત્વની સાબીત થઈ હતી, પણ તેના કરતા પણ વધુ જીવતી વારતાએ જીવન તરફ જોવાનો મારો દ્રષ્ટીકોણ બદલી નાખ્યો હતો, ક્રાઈમ રીપોર્ટરનું બરછટ કામ અને વ્યવહારને કારણે ધીરે ધીરે હું પોલીસ જેવો થવા લાગ્યો હતો. અંદરની સંવેદનાઓ મરવા લાગી હતી. કોઈની તકલીફ મને તકલીફ જ ન્હોતી આપતી ન્હોતી.

પણ જીવતી વારતાઓ લખતી વખતે હું પોતે અનેક વખત રડયો હતો, જીવતી વારતાએ મારી અંદરના માણસને જીવતો કર્યો હતો, મારા મીત્ર પુંજાભાઈ ગમારા કહેતા કે જીવતી વારતા એટલા માટે વંચાય છે કારણ તેમા સ્વાનુભુતી હોય છે. તેથી તે વાંચનારને પોતાની વાત લાગે છે. પણ મારી એક નબળાઈ પણ છે, હું મારા લખેલુ કે છપાયેલુ કયારે સાચવતો નથી, તેના કારણે મારી કોઈ વારતાઓ મારી પાસે રહી નથી, અગાઉ જીવતી વારતાઓ પુસ્તક રૂપે પ્રકાશન થયુ તે બધી જ વારતાઓ દિપક કાંબલી નામના મીત્રએ મને મોકલી હતી, જો કે ત્યાર બાદ પણ ખુબ વારતાઓ લખી, પણ તે પણ મારી પાસે નથી, થોડા મહિના પહેલા દિવ્ય ભાસ્કરમાં કામ કરતા એક મીત્ર છત્રપાલસિંહ વોટસઅપ ઉપર મને મારી એક જુની વારતાનું કટીંગ મોકલ્યુ, તે જોઈ મને સારૂ લાગ્યુ.. તેના થોડા દિવસ પછી બીજી વારતા મોકલી.. અને વારતાઓ આવતી રહી.

મેં છત્રપાલસિંહને પુછયુ કેટલી વારતાઓ છે તારી પાસે તેણે કહ્યુ એકસો કરતા પણ વધારે, મેં તેને મેસેજમાં પુછયુ મને મારી વારતાઓ મળી શકે, તેણે કહ્યુ તમારી જ છે તમને પાછી આપીશ.. પછી હું તે વાત ભુલી ગયો , મને ખબર ન્હોતી કે દિવાળીની સૌથી મોટી અને કિમંતી ગીફટ મને મળશે. આવુ પહેલી વખત થયુ નથી, મારી તમામ છપાયેલી સ્ટોરીઓ અને વારતાઓ એક વાંચક તરીકે કોઈએ સાચવી રાખી હતી, જે મને સમય-સમયે પાછી મળતી  ગઈ. થોડા સમય પહેલા પોલીસ ઈન્સપેકટર ચંદ્રસિંહ સોંલકી સાથે મારે પરિચીય થયો, પરિચય કામ પુરતો જ હતો, છતાં મીત્રતા થઈ ગઈ,એક દિવસ હું તેમને મળવા ગયો, તેમણે મને પુછયુ પહેલા તમે કયા કયા અખબારમાં કામ  કરતા હતા, મે મારી નોકરીની લાંબી યાદી તેમને કહી, તેમણે ડ્રોઅરમાંથી એક ફાઈલ કાઢી, જેમાં પીળા અને જર્જરીત થયેલા છાપાની કટીંગ કાઢયા, અને મારી તરફ ફાઈલ મુકી. તે ફાઈલ 1998ની હતી, સંદેશ અખબારમાં જીવતી વારતા જેવી મારી યહ ભી હૈ જીંદગી નામની એક કોલમ આવતી હતી. હું તેમની સામે જોઈ રહ્યો.

ઈન્સપેકટર સોંલકીએ કહ્યુ હું ત્યારે કોલેજમાં ભણતો હતો, તમારી કોલમ વાંચતો હતો, મને ખુબ સારી લાગતી હતી, એટલે કટીંગ કરી કાપી રાખતો હતો, કોલેજ પુરી કરી  પોલીસમાં જોડાયો, પણ મને ખબર ન્હોતી, કે એક દિવસ મને ગમતો લેખક મને આવી રીતે મળી જશે.મને ખુબ સારૂ લાગ્યુ કદાચ એક પત્રકાર અને લેખક માટે તેના વાંચકની આ સ્વીકાર્યતા જ એક એવોર્ડ કરતા વધારે મોટી હોય છે.

Sunday, October 30, 2016

પ્રેમ-માફી અને દોસ્તીમાં કંજુસાઈ કરશો નહીં.

આજે વહેલી સવારે ઉઠીને હું મારા વોટસઅપ મેસેજ જોઈ રહ્ય હતો, ત્યારે પત્રકારોના એક ગ્રુપના ડીપીમાં અમારા મીત્ર અતુલ દાયાણીનો ફોટો હતો, જે ફોટો જોતા જ એક ક્ષણ માટે શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ, આ પહેલી દિવાળી છે, જયારે અતુલ અમારી વચ્ચે નથી. બરાબર દસ મહિના પહેલા પંચાયતની ચુંટણીનુ  કચ્છથી કવરેજ કરી તે પાછો આવી રહ્યો રસ્તામાં તેને એક અકસ્માત નડયો અને તે ચાલી નિકળ્યો. બસ ત્યારથી મનમાં કઈક ચાલી રહ્યુ હતું, હું મારી અંદર ચાલતી પ્રક્રિયા અને મેં કરેલી ભુલો અથવા એક માણસ તરીકે જે કરવુ જોઈએ તેમાં કયારેય ઉણો ઉતર્યો તે તપાસી રહ્યો હતો. મને ત્યારે લાગ્યુ કે કેટલીક બાબતો તો સાવ સામાન્ય હતી, છતાં જે તે વખતે મને બહુ અધરી લાગી હતી, જેનો ભાર હું વર્ષો સુધી વેંઢારી રહ્યો છુ.

જેમાં મને જીવન માટે ત્રણ શબ્દ મહત્વના લાગ્યા, તેમાં પ્રેમ- માફી અને દોસ્તી, કરવામાં કરેલી કંજુસાઈને કારણે હું અનેક વખત દરિદ્ર સાબીત થયો. કદાચ મારી ફેસ વેલ્યુ ઉપર કોઈ જાય તો હું તને પ્રેમ કરૂ છુ, તેવો શબ્દ સાંભળી કોઈને આધાત સહ આશ્ચર્ય લાગે, છતાં રોજ સવારે ઉઠી, હું મારી પત્ની શીવાની અને દિકરી પ્રાર્થનાને અચુક કહુ છુ કે હું તને પ્રેમ કરૂ છુ, મેં જયારે જયારે આવુ કર્યુ છે ત્યારે મારો અનુભવ રહ્યો છે, મારી મન હલકુ થયુ છે. જો કે શીવાની આ મામલે કંજુસ  છે, તેવુ કહી શકુ,કારણ હું તેને કહુ કે તને પ્રેમ કરૂ છુ, ત્યારે તે માત્ર હસે છે, હું કહુ તારે મને કઈ કહેવુ નથી, ત્યારે તે રોજ પ્રમાણે કહે, તેમાં કહેવાનું શુ .. ખબર પડતી નથી. મને ખબર છે તે મને પ્રેમ કરે છે, છતાં મારે શબ્દોની  પણ જરૂર હોય છે કારણ કાન સાંભળેલા શબ્દોનું લાગણીમાં રૂપાતંરણ કરે છે. જે અહેસાસ છે.

હું મારા કેટલાય મિત્રોને પણ કહુ છુ, કે તને પ્રેમ કરૂ છુ, કદાચ આ શબ્દ મને મીત્રોને પ્રેમ કરવાની ફરજ પાડે છે અથવા મારે તેમને પ્રેમ કરવાનો છે તેની યાદ અપાવે છે. પરિવારના સિવાયના સંબંધોમાં પણ કોઈ મીત્ર ગમે અથવા તેને પ્રેમ કરીએ કહેવામાં કંજુસાઈ કરવી જોઈએ નહીં , ઘણી વખત સમય આપણી પાસેથી તે તક છીનવી લેતો હોય છે. મારા અને મારા પિતામાં જમીન-આસમાનનું અંતર હતું, અમે ખુબ જ અલગ હતા, છતાં એક હતા, એક રાતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જતા રહ્યા, હું તેમની સાથે વાત પણ કરી શકયો નહીં, મને અફસોસ એક જ વાતનો રહી ગયો કે તમે મને ગમો છો, અને હું તેમને પ્રેમ કરૂ છુ, તેવુ કહી શકયો હોત તો તેમને કેટલુ સારૂ લાગ્યુ હોત. આવુ જ મારા મીત્ર ચારૂદત્ત વ્યાસના કિસ્સામાં પણ બન્યુ તે અડધી મહેફીલ છોડી જતો રહ્યો, મારે તેનો હાથ પકડી તેની આંખોમાં જોઈ કહેવુ હતુ, તુ જેવો છે તેવો મારો છે.

સંબંધ વગર પણ કોઈ ગમે તેવુ પણ બને ત્યારે દોસ્તીનો હાથ લંબાવવામાં મોડુ કરવુ નહી, અનેક માઠા અનુભવો પછી અનેક વખત દોસ્તી કરવામાં ડર લાગતો હોય છે.છતાં એક સો વખના ખરાબ અનુભવો પછી પણ એક સારા અનુભવની અપેક્ષાએ દોસ્તીમાં આગળ વધવુ જોઈએ, જેની પાસે ખુબ પૈસા છે, તેની કરતા જેની પાસે ખુબ મીત્રો છે તે વધુ શ્રીમંત છે તેવુ હું માનુ છુ, આપણી ગેરહાજરી કોઈને સાલે તેવો મીત્ર થવા માટે અચુક પ્રયત્ન કરવો જોઈએ, મીત્રતામાં પ્રેમના રોકાણ સિવાય કોઈ ખર્ચ થતો નથી, કદાચ આ ધંધામાં ખોટ આવે અથવા દગો થાય ત્યારે થોડાક આંસુઓ સિવાય કોઈ નુકશાન થતુ નથી, એટલે દોસ્તો વધારવાનો ધંધો નવા વર્ષે કરવા જેવો છે, કદાચ આ ધંધો ફળી ગયો તો ખાલી ખીસ્સાનો ભાર પણ લાગશે નહીં.

 અને છેલ્લે જે અઘરૂ છુ, કોઈ માફ કરવા અથવા કોઈની માફી માગવી, માફી શબ્દ માત્ર બે અક્ષરોનો હોવા છતાં જીંદગીઓ અને પેઢીઓને બરબાદ થતી જોઈ છે. માફી માગવી અને માફ કરવા એક જ વખત અધરૂ લાગે છે, એક વખત આ બે શબ્દોનું ઉચ્ચારણ થઈ જાય તો કરોડોનું દેવુ માફ થયુ હોય તેવા હલકા થઈ જવાય છે. કદાચ તમારા મનમાં જેના માટે કડવાશ છે, તેને મળીને માફ ના કરી શકાય તો કઈ નહીં, પણ મનમાંથી કડવાશ કાઢી નાખવાનો તો પ્રયત્ન કરવો જોઈએ, કારણ તે કડવાશ આપણી જીંદગીની મીઠાશ રોજ ઘટાડે છે, એટલે આજે પહેલી શરૂઆત હું જ કરૂ છુ.મને માફ કરો.. કારણ મેં અનેક ભુલો કરી છે......

નહીં ફુટેલા ફટાકડાઓનો અવાજ ખુબ મોટો આવતો હતો.

ત્યારે મારી ઉમંર દસ-બાર વર્ષની હશે, મા ઘરના દરવાજામાં મા  રંગોળી કાઢતી હતી, ઘડીયાળના કાટા રાતના બાર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે એક બુમ સંભળાતી અરે પ્રશાંત જા પેલાને બોલાવી લાવ હવે રસ્તા ઉપર તેના અને કુતરાઓ સિવાય કોઈ હશે નહીં. હું તેને શોધવા માટે ઘરની બહાર નિકળતો ત્યારે સ્ટ્રીટ લાઈનો પ્રકાશ પણ હમણાં જેવો સારો ન્હોતો, લાઈટનું હોવુ ના હોવુ બધુ સરખુ જ હતું, હું પહેલા ઘરની આસપાસ જોતો અને પછી દુર સુધી નજર લંબાવતો પણ તેને મારી નજરમાં આવતો ન્હોતો, મારા પપ્પાએ કહ્યુ પેલાને બોલાવી લાવ એટલે તે મારો નાનો ભાઈ , જે મારાથી બરાબર અઢી વર્ષ નાનો હતો. જયાં સુધી અમે બંન્ને થોડા સમજદાર ના  થયા ત્યાં સુધી દિવાળીમાં તે  તેને નિત્યક્રમ રહ્યો હતો.

હું તેને શોધવા માટે રાતના બાર વાગે નિકળતો હતો, હું તેનો મોટાભાઈ હોવા છતાં ઉમંરમાં તો નાનો જ હતો, મને પણ અંધારાની તો બીક લાગતી હતી, પણ ભાઈ કરતા મોટો હોવાને કારણે બીક લાગતી હોવા છતાં બીકની કયારેય કબુલાત નહીં કરવાની તેવુ કોઈના શીખવાડયા વગર સમજી ગયો હતો. જો કે પાંચ-સાત મિનીટમાં તે મને મળી જતો હતો, બરાબર મારા પપ્પાએ કહ્યુ તેવુ જ હોય, રસ્તા ઉપર મારા નાના ભાઈ અને કુતરાઓ સિવાય કોઈની જ હાજરી ના હોય, તે રસ્તા ઉપર ઉભડક પગે બેસી કઈ શોધતો હોય, મને ખબર હતી કે તે શુ શોધતો હતો. તેની આસપાસ ખુબ કાગળો પડયા હોય, તે કાગળો પણ ફેંદતો હતો, હું તેની પાસે જઉ એટલે તે તરત મને જોઈ ઉભો થઈ જાય તેના ચહેરા ઉપર એક ખુશી દોડી આવે, તેને પોતાના શર્ટના ઉપરના ખીસ્સામાં હાથ નાખી, જાણે તેણે અમેરીકાની શોધ કરી હોય તેમ તેણે શોધી કાઢેલા ફટાકડાઓ મારી સામે ધરે.

હું તેને કહુ પપ્પા બોલવે છે, તે પાછા પોતાના ખીસ્સામાં ફટકાડાઓ મુકી મારી પાછળ પાછળ ચાલવા લાગે, અંધારૂ હોવાને કારણે હું ચારે તરફ નજર ફેરવતો ફેરવતો ઘર તરફ જઉ, પણ મારી પાછળ આવી રહેલા ભાઈની નજર તો ચારે તરફ જમીન ઉપર  ફરતી હોય, અને તે અચાનક કહે, અરે ઉભો રહે, હું રોકાઈ જઈને પાછળ જોઉ તો તેને ફુટેલા ફટાકડાઓના ઢગમાં એકાદ નહીં ફુટેલુ લવીંગયુ મળી જાય, પાછો તેને પણ ખીસ્સામાં મુકી તે ચાલવા લાગે.દિવાળીમાં પપ્પા અમને  સાયકલ ઉપર બેસાડી ફટકાડાઓ તો લાવી આપતા હતા, પણ પપ્પાના ખીસ્સા અને ફટકાડાઓની પણ મર્યાદાઓ હતી, પપ્પાએ જે લઈ આપે તેમાં માગણી અને પસંદગીને કોઈ અવકાશ રહેતો ન્હોતો. ખરીદેલા ફટાકડાઓ ફોડવામાં કંજુસાઈ કરો તો પણ એકાદ-બે દિવસમાં પુરા થઈ જાય, ત્યાર પછી મને કોઈ પુછે કે કેમ ફટાકડા ફોડતો નથી, તે બીન્દાસ કહી દેવાનું કે મને તો શોખ જ નથી, જો કે ત્યારે પણ તેવુ બોલતા દુખ થતુ હતું, પણ મારી હેસીયત નથી તેવુ કહેવા કરતા ખોટુ બોલવામાં વાંધો ન્હોતો.

હું બાર જ વર્ષનો હતો પણ મોટો હતો, જયારે ભાઈ તો નાનો હતો, તે કોઈ ગુનેગાર ગુનાના સ્થળની રેકી કરે તેમ ફટાકડાઓ કયાં અને કોણ ફોડવાનું છે તેની માહિતી રાખતો, જયારે ફટાકડાઓ  ફુટતા હોય ત્યારે બનાવના સ્થળે હાજર રહી નહીં ફુટેલા ફટાકડાઓ કઈ તરફ ઉડીને પડયા છે તેની માનસીક નોંધ રાખતો હતો, અને જયારે જેઓ માત્ર ફટાકડાઓથી દિવાળી ઉજવે છે તેવા લોકો પોતાના ઘરમાં પ્રવેશ કરે એટલે તેનો નાઈટ રાઉન્ડ શરૂ થતો હતો. હું ભાઈને લઈ ઘરે પહોંચુ એટલે તેને ખબર હતી કે ઠપકો તો મળવાનો છે, તે જેવો ઘરમાં દાખલ થાય તેની સાથે માનો ઠપકો કાને પડે, શરમ નથી આવતી ભીખારીની જેમ ફટાકડા શોધવા નિકળે છે, અમે તેને ફટાકડા નથી, લાવી આપતા, તે કઈ પણ બોલ્યા વગર ઘરની બાલ્કનીમાં પોતાનો મુદ્દામાલ સંતાડી આવે, હાથ-પગ ધોઈ સુઈ જાય.

પણ આજે મને કલ્પના આવે છે, કદાચ પપ્પાએ લાવી આપેલા ફટાકડાઓ કરતા તેણે શોધેલા ફટાકડાઓ તેને વધુ આનંદ આપતા હતા, બીજા દિવસે પપ્પા ઓફિસ જાય પછી શોધેલા ફટાકડાઓનો દારૂ એક કાગળ ઉપર કાઢવાનો કારણ અર્ધ ફુટેલા ફટાકડાની દિવેટ તો સળગી જ ગઈ હોય તેના કારણે તેને ફોડવા માટે આ જ સારો રસ્તો હતો, કાગળમાં બધા મળેલા  ફટાકડાઓનો દારૂ કાઢયા બાદ તે કાગળ સળગાવવાનો, અને ચારે તરફ એકદમ પ્રકાશ થઈ જાય, માથા ઉપર સુર્ય હોવા છતાં ભાઈના ફટાકડાનો પ્રકાશ સુર્ય કરતા વધુ પ્રકાશ આપતો હતો.. આજે મને ફટાકડાનો અવાજ કર્કશ લાગી રહ્યો છે, જયારે મારી પાસે ફટાકડા ન્હોતા, ત્યારે નહીં ફુટેલા ફટાકડા વધુ મોટો અવાજ કરતા હતા.જયારે મારી પાસે કઈ ન્હોતુ ત્યારે એક નાનકડુ સુખ હતું. આજે બધુ જ છે ત્યારે સુખને શોધવા નિકળ્યો છુ.

દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ સાથે ખુશ રહો એટલુ જ કહીશ.