Saturday, August 27, 2016

મે કહ્યુ ગણપતિને ન્યુમોનીયા થઈ જશે..

હું ખુબ નાનો હતો, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો હતો, કોમી તોફાનો ચાલતા, ઓફિસ ગયેલા પપ્પા ઘરે ના આવે ત્યાં સુધી ચીંતા રહેતી હતી, સમયનો તો અંદાજ આવતો ન્હોતો, પણ અંધારૂ થવા લાગે એટલે મોડુ થઈ ગયુ છે તેવો અંદાજ લગાવી લેતો, હું ચીંતામાં મમ્મીને થોડી થોડી વારે પુછતો પપ્પા કયારે આવશે.. તે મને કહેતી ચીંતા કરતો નહી આવી જશે, પણ પપ્પા આવે નહીં ત્યાં સુધી મને રાહત થતી નહી.

એક દિવસ એવુ થયુ કે પપ્પાની રાહ જોવા છતાં તે આવ્યા નહીં, એટલે મમ્મી કહ્યુ પ્રશાંત  ડોલમાં જઈ વેલણ મુકી આવ.. પપ્પા આવી જશે. મને કઈ સમજાયુ નહીં, પણ મારે મન પપ્પા જલદી આવે એટલે મેં  વેલણ પાણીની ડોલમાં મુકી દીધુ, હું તેની પાસે વેલણ મુકી પ્રશ્નાર્થ નજરે ગયો, તેણે મારા માથા ઉપર  હાથ ફેરવતા કહ્યુ આપણે કોઈની રાહ જોતા હોઈએ અને તે ના આવે તો પાણીની ડોલમાં વેલણ મુકી દેવુ તે જલદી આવી જાય છે. અને થોડીવારમાં મારા પપ્પા ઘરે આવી ગયા, હું ખુશ થયો, આજે રવિવાર છે કઈક ભાર વિનાની વાત કરવાની વેલણ પાણીના ડોલમાં મુકવાથી  જેની  રાહ જોતા હોઈએ તે વહેલુ આવી જાય તેવુ બને નહીં તેની મને બહુ મોડી  ખબર પડી, આ એક ટુચકો હતો, છતાં ત્યારે તેની મઝા આવતી હતી, કદાચ મારી પપ્પાની રાહ જોવામાં ઘરનું વેલણ પણ  ભાગીદાર હોય તેવુ લાગતુ હતું.

2014માં જીંદગી લાંબા સમયથી બહુ સરળ ચાલી રહી હતી, મારા મીત્રો મને મઝાકમાં કહે છે કે જયારે જીંદગીની ગાડી બરાબર સારી રીતે દોડતી હોય ત્યારે તુ અચાનક બ્રેક મારી કહે ચાલો ઓફ રોડ ગાડી ચલાવી જોઈ, એક મીત્ર કહે છે પ્રશાંતને દુશ્મનની જરૂર જ નથી, તે પહેલા પોતાની જીંદગીને સરળ બનાવે પછી રગદોળી નાખે છે, મઝાક પુરતી વાત છે ત્યાં સુધી હું મારી ઉપરના આરોપ સ્વીકારી લઉ, પણ તે સાચુ નથી, સામે દરવાજે આવેલીપરિસ્થિતિમાં માણસ પાસે બે રસ્તા હોય છે, એક તે ત્યાંથી ખસીને નિકળી જાય અને બીજો સ્થિતિને પડકારી લડે. બસ ત્યારે તેવુ જ બન્યુ હતું.

મજેઠીયા પગારપંચના મુદ્દે વાત આવી ત્યારે મારો પગાર, નક્કી કરેલા ધોરણો કરતા વધારે હતો, પણ મારા સાથીઓનો ઓછો હતો, હું ચીફ રીપોર્ટર હતો.. મેં કહ્યુ લીડર તરીકે જવાબદારી ઉપાડી અને તેવુ જ કર્યુ, પણ મારી બદલી ઘનબાદ કરી દેવામાં આવી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો, હું લગભગ રોજ ગુજરાત હાઈકોર્ટ જતો, મારા બીજા મીત્રો સાથે ગુજરાત હાઈકોર્ટ સામે આવેલી લાલાની ચ્હાની લારી ઉપર ભેગા થતાં, હાઈકોર્ટ મારા માટે નવી ન્હોતી પણ એક પક્ષકાર તરીકે જજ ડાયસ ઉપરથી માત્ર તારીખ જ આપે ત્યારે બહુ નિરાશા થતી હતી.

હું ઘરે પહોચુ ત્યારે મારો દિકરો આકાશ પુછે શુ થયુ.. તેને રોજ શુ જવાબ આપુ તે પ્રશ્ન હતો.. તે કહે  બીજે કયાંક નોકરી શોધી લોને.. પણ તેને કયાં કહુ તારા બાપાનું પરાક્રમ એટલુ ભારે છે કે તેને  કોઈ નોકરી આપતુ જ નથી, આ ઉમંરે બાળક પિતાને નોકરી અંગે પુછે ત્યારે બહુ માઠુ લાગે, ખરેખર તો મારે તુ નોકરી કેમ કરતો નથી તેવુ પુછવુ જોઈએ, પણ અહિયા ઉલ્ટી સ્થિતિ હતી વાત હવે એક નવા ટુચકાની, મારી પત્ની શીવાનીને મારી સાથે નીસ્બત ખરી, પણ મારા પ્રશ્ન સાથે નહીં, તેને ખબર હું કઈ રસ્તો કરી લઈશે,. પણ આ વખતે પ્રશ્નગાળો લાંબો ચાલ્યો, પગાર બંધ થઈ ગયો હોવાને કારણે તેના ઘરના બજેટ ઉપર સીધી અસર થઈ હતી, તેનો અને તેના ભગવાનનો સંબંધ કઈક જુદો છે, તે મારી સાથે ઝઘડે ત્યારે પુજા ના કરે, જાણે મારી અને તેની વચ્ચે ભગવાને જ ઝઘડો કરાવ્યો.. હું તેને પુછુ કે આજે પુજા ના કરી તો તે કહે મુડ ખરાબ હોય ત્યારે પુજા કરતી નથી.

પણ મારો હાઈકોર્ટમાં  કેસ ચાલી રહ્યો હતો ત્યારે તે રોજ પુજા કરતી હતી, એક દિવસ મારૂ ધ્યાન પડયુ કે સ્ટીલના વાસણમાં પાણી ભરેલુ હતું, તેમાં ગણપતિની એક નાની મુર્તિ આખી ડુબાડેલી હતી.. મેં સહજ રીતે પુછયુ આ કેમ કર્યુ. તેણે વેલણ જેવો જ ટુચકો મને સંભળાવ્યો, તેણે કહ્યુ મે ગણપતિને કહ્યુ છે મારા પતિના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હું તને પાણીની બહાર કાઢીશ નહીં.. મેં કહ્યુ શીવાની તેવુ ના હોય તુ બીચારા ગણપતિને હેરાન ના કરીશ , તેની પાસે રેપો રેટ, બીફના પ્રશ્ને થતાં તોફાન, જીએસટી બીલ સહિત કેટલાય મહત્વના કામ છે, તેને આપણા વ્યકિતગત પ્રશ્નમાં  શુ કામ હેરાન કરે છે.

જે પરણેલા હશે તેમને ખબર હશે, કે જયારે પત્નીને કોઈ વાતનો જવાબ આપવો ના હોય ત્યારે તે એક વિચિત્ર નજરે તમારી સામે જુવે.. ત્યારે  પતિને પોતે કેટલો તુચ્છ અને પામર છે તેવો અહેસાસ થાય, તેની નજર એટલુ જ કહેતી હોય તમને ખબર ના પડે તો ચુપ રહો.. જો કે બોલ્યા વગર પણ કોઈનું અપમાન કરી શકાય તે તો સ્ત્રીઓ પાસેથી શીખવા મળે તેવુ જ શીવાનીએ પણ કર્યુ ગણપતિ પાણીમાં જ રહ્યા. જો ખરેખર ગણપતિને પાણીમાં રાખવાથી કોર્ટ કેસનો નિકાલ આવી જાય તો હું ભારતની તમામ કોર્ટમાં જઈ એક એક ગણપતિ પાણીમાં મુકી આવુ.. આપો આપ બધા કેસનો નિકાલ થઈ જાય અને જજ કામ પુરૂ થઈ જાય એટલે આપણી જેમ પાનના ગલ્લા ગપાટા મારવા આવે.

પણ વાત શીવાનીની શ્રધ્ધા અને મારી તરફના પ્રેમની હતી હું કઈ બોલ્યો નહીં, પણ રોજ હાઈકોર્ટ જવા નિકળુ ત્યારે એક વખત ગણપતિને હાય કહીને નિકળુ, મને ગણપતિ દયામણા લાગતા હતા, પણ મદદ કરી શકુ તેમ ન્હોતો, નહીતર મને શીવાની ગણપતિની જગ્યાએ પાણીમાં બેસાડી દે. બે દિવસ-ચાર દિવસ- દસ દિવસ પંદર દિવસ હું શીવાની સામે જોઈ હસતો.. તેને સમજ પડી જતી , તે કહેતી હશો નહીં ,મહિનો પસાર થઈ ગયો, મને ખબર હતી ગુજરાત હાઈકોર્ટ મારા પિતાશ્રીની નથી, સમય તો લાગશે હાઈકોર્ટમાં કેસ પિતા કરે  અને ન્યાય મળે ત્યારે તેની નકલ લેવા તેનો પુત્ર આવે તેવા પણ દાખલા છે , અને પુત્રએ કેસ  જીતી ગયા તેની સર્ટીફાઈડ નકલ સ્કેન કરી સ્વર્ગમાં મોકલવી પડે.. ખબર કદાચ નર્કમાં પણ મોકલી પડે.

જવા દો આપણે કોઈના સરનામામાં પડવુ નથી,, વાત મારા ગણપતિની  મહિના પછી મેં શીવાનીને કહ્યુ જો આ ગુજરાત હાઈકોર્ટ છે કઈ જલદી થશે નહીં તુ ગણપતિને પાણીની બહાર કાઢ નહીંતર તેને ન્યુમોનીયા થઈ જશે અને આ મુશ્કેલીમાં પાછી તેની સારવારનો ખર્ચ પણ આવશે, અને સારવાર શબ્દ કાને પડતા તે ડરી ગઈ, તેણે તરત ગણપતિને બહાર કાઢી લીધા હતા, મને ખબર છે શીવાની માટે કેવી પીડા હશે, તેણે ગણપતિને નહીં, તેણે ઈશ્વરમાં મુકેલો વિશ્વાસ પાછો લીધો હતો. મને આ વાત એટલા માટે યાદ આવી ગણેશ ચુતર્થી આવે છે, ફરી શીવાનીની શ્રધ્ધા જાગ્રત થશે, મારી ઘરે  ગણપતિ આવશે. શીવાની ખુશ થશે, તે ખુશ રહેતી હોય તો મને  તેના ગણપતિને નમવામાં પણ  કોઈ વાંધો નથી.

 ગણપતિ બાપ્પા મોરીયા

12 comments:

 1. जय गणेश देवा .

  ReplyDelete
 2. जय गणेश देवा .

  ReplyDelete
 3. બહુ વિશિષ્ટ ને સરસ છે.

  ReplyDelete
 4. I highly appreciate the faith of Shivani in Dava the Dav Ganpati God almighty when Ganpati festival is very nearer.Jay Ho Ganpati Bapa Ki

  ReplyDelete
 5. Deva re Deva Ganpati Deva Ganpati Bappa morya

  ReplyDelete
 6. Deva re Deva Ganpati Deva Ganpati Bappa morya

  ReplyDelete
 7. Ganpatibappa Morya 🌺🌺🌺🌺

  ReplyDelete
 8. dada tamari jivati vartao hammesh mate jivant rahe te mate hu pan ganpati ne pani ma dubadi rakhish.....miss u dada

  ReplyDelete
 9. evu nthi k sachin tendulkar , bacchan sab k modiji mate j puja kari shakay,
  aa dada na dirdhayush mare to har koi puja karshe.....god bless u dada

  ReplyDelete