Monday, October 31, 2016

મારી ખોવાયેલી વારતાઓ પાછી મળી..

દિવાળીના તહેવારને કારણે મારા ઘરે અનેક મિત્રો શુભેચ્છા રૂપે કઈકને કઈક ભેટ મોકલાવે છે, બે દિવસ પહેલાની વાત છે, રાત્રે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની શીવાનીએ એક ગીફટ પેકેટ મારા હાથ મુકયુ,  તે પેકેટ ચારે તરફ ફેરવી કોના તરફથી આવ્યુ છે, તે જોયુ પણ તેની ઉપર કોના તરફથી ગીફટ છે તેનો કોઈ ઉલ્લેખ ન્હોતો, મેં શીવાની સામે જોયુ પ્રશ્નાર્થ નજરે જોયુ, તેના ચહેરા ઉપર લુચ્ચુ હાસ્ય હતું, મેં તેને પુછયુ શુ લાવી મારા માટે,સામાન્ય રીતે હું શીવાનીને ભેટ આપવાનું ટાળુ છુ, કારણ તેનું  કહેવુ છે, મેં તેને પસંદ કરવા સિવાય બધી ખોટી જ પસંદગી કરી છે, શીવાનીએ કહ્યુ ના હું કઈ લાવી નથી, મારી સામે મારી દિકરી પ્રાર્થના બેઠી હતી, તે પણ કૌતુકભાવે હસી રહી હતી, મને એટલી તો ખબર પડી કે પેકેટમાં શુ છે, તે અંગે આ બંન્ને જાણે છે. પણ દિવાળીમાં તેઓ મારી મઝા લઈ રહ્યા હતા.

મારા મનમાં પણ અનેક સવાલો હતા, પેકેટ કોના તરફથી છે, અંદર શુ હશે.. મેં પેકેટ તોડતા પહેલા ફરી ઉત્સુકતા સાથે પુછયુ બોલોને શુ .. તેઓ હસ્યા તેમણે કહ્યુ આટલી ઉતાવળ હોય તો પેકેટ તોડી જોઈલો. સ્વભાવે ક્રાઈમ રીપોર્ટર ખરો એટલે ઉલટો સવાલ  પુછયો.. કોણ આપી ગયુ.. શીવાનીએ રીઢા ગુનેગારની જેમ ખપ પુરતી કબુલાત કરતા કહ્યુ.. કોઈ આપવા આવ્યુ હતું, તેમણે કહ્યુ સાહેબ પેકેટ ખોલશે તો કોણે આપ્યુ છે તેની ખબર પડી જશે. મારી ઉત્સુકતા વધુ ગુચવાઈ, મેં મઝાકમાં પુછયુ પુરૂષ હતો કે મહિલા.. તેણે કહ્યુ ચીંતા ના કરો, પુરૂષ મીત્ર જ હતો. મેં ઉતાવળમાં ગીફટ પેપર ખોલવાની શરૂઆત કરી, પણ સામાન્ય રીતે પુસ્તક વિમોચનમાં થાય તેવુ થયુ, પુસ્તક વિમોચનમાં જે મહેમાનના હાથે પુસ્તક વિમોચન કરવાનું હોય તેમના હાથમાં મુકવામાં અાવેલુ પુસ્તક એટલુ મજબુત રીતે પેક કરેલુ હોય કે ખુદ યજમાનને પુસ્તક ઉપરનું આવરણ દુર કરવામાં મદદ કરવી પડે, આમ પરોક્ષ રીતે યજમાન જ પુસ્તક વિમોચન કરી નાખે.

શારિરીક અને માનસીક તાકાતનો સમન્વય કરી મેં પેકેટ ખોલ્યુ, તો મારૂ આશ્ચર્ય બેવડાયુ, કારણ પેકેટની અંદર એક કવર હતું, તેની ઉપર દિવ્ય ભાસ્કરનું કવર હતું, મને એક તબક્કે લાગ્યુ કે મારા અને દિવ્ય ભાસ્કરના સંબંધ સુધરી ગયા કે શુ, કારણ મજેઠીયા પગાર પંચના મુદ્દે થયેલી સામાન્ય લડાઈ બાદ, બીજી જ્ઞાતીના યુવક સાથે લગ્ન કરનાર કન્યાના પિતા કહે જા આખી જીંદગી તારુ મોઢુ બતાડતી નહી, તેવી હાલત અત્યારે મારી છે, મારા કેટલાંક ભાસ્કરના મીત્રો મારા ઘર તરફ રાત્રે માથુ રાખીને પણ સુતા નથી. મેં દિવ્ય ભાસ્કરના નામનું પણ કવર તોડયુ અને મારી આંખો પહોંળી થઈ ગઈ, અંદર મારી જીવતી વારતાઓનો થોકડો હતો, મેં તરત પુછયુ છત્રપાલસિંહ આપી ગયો. શીવાનીએ કહ્યુ હા છત્રપાલસિંહ આવ્યા હતા.

2003માં જયારે દિવ્ય ભાસ્કરની શરૂઆત થઈ ત્યારે ભાસ્કર મેનેજમેન્ટ એવી કોઈ વ્યકિતની શોધમાં હતું કે જે ગુજરાત સમાચારમાં દેવેન્દ્ર પટેલની કભી કભી કોલમ જેવુ લખી શકે, આ માટે લાંબી શોધ ચાલી, લગભગ એક ડઝન કરતા વધુ લેખકો પાસે કઈક લખાવ્યુ  જોયુ, ભાસ્કરના સ્ટેટ એડીટર શ્રવણ ગર્ગ હિન્દી ભાષી હતા, છતાં તેમણે બધા જ લેખકોને વાંચી કહ્યુ મઝા આવતી નથી, હું ક્રાઈમ રીપોર્ટર હતો, એક દિવસ મારા ચીફ રીપોર્ટર શકીલ પઠાણે મને કહ્યુ દાઢી તુ કોલમ લખી શકે.. મેં કહ્યુ લખી શકુ, પણ તમે દેવેન્દ્ર પટેલ જેવુ લખવાનું કહો છો પણ તેવુ હોવુ જોઈએ નહીં, કારણ દેવેન્દ્ર પટેલ એટલે દેવેન્દ્ર પટેલ છે. પણ આપણે લોકોને પસંદ પડે તેવુ લખવુ જોઈએ આપણે પણ આપણી એક નવી ઓળખ ઉભી કરવી જોઈએ, તેણે મને કહ્યુ ચાલુ તુ કઈક લખી આપ.

મેં ખુબ વિચાર કરીને નક્કી કર્યુ કે આપણી આસપાસ ઘણા માણસો હોય છે. અને દરેકની સાથે કોઈની કોઈ વારતા સંકળાયેલી હોય છે. માત્ર આપણને તેના જીવનની ઘટનાઓ વારતા લાગતી નથી, અને મેં મારી આસપાસ તેવા લોકોને શોધવાની શરૂઆત કરી અને પહેલી વારતા લખી, જે મારા ડીઝાઈનર મીત્ર અયાઝ દારૂવાલાને વાંચવા માટે આપી, તે વારતા વાંચી રહ્યો હતો, ત્યારે તેના ચહેરા ઉપર થતા હાવભાવના ફેરફાર હું નોંધી રહ્યો હતો, મને  સમજ આવી રહી હતી, વારતા હ્રદય સુધી પહોંચી રહી છે. અયાઝે વારતા પુરતી થતાં મારો હાથ પકડી કહ્યુ મઝા જ પડશે. પછી તે કઈક વિચાર કરવા લાગ્યો, તેણે એક ક્ષણ વિચાર કરી કહ્યુ તમારી કોલમનું નામ જીવતી વારતા રાખીએ, તેણે કાગળ ઉપર મને જીવતા વારતા કેવી રીતે લખવુ તે લખી પણ આપ્યુ વારતા શબ્દ વ્યકરણની રીતે ખોટી રીતે લખ્યો હતો, છતાં તેણે કહ્યુ આપણે વારતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેવી જ રીતે લખીશુ વાર્તા નહી લખીએ.

પછી ડીઝાઈન સાથે મારી પહેલી જીવતી વારતા શ્રવણ ગર્ગ સુધી પહોંચી, તેમના સ્વભાવ પ્રમાણે તેમણે સારી છે તેવુ કહેવાને બદલે શકીલને કહ્યુ ઠીક હે, દેખ લો રીડર કયા રીસ્પોન્સ કરતા હે.. અને જીવતી વારતાની સફર શરૂ થઈ, 2007 સુધી દિવ્ય ભાસ્કરમાં તે નિયમિત છપાઈ અને ત્યાર બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં પણ થોડો સમય અંગ્રેજી ભાષાતંર થઈ છપાઈ હતી. જીવતી વારતાઓ અનેક લોકોના જીવનમાં કામ કર્યુ હતું, કદાચ તે એક અખબારની સામાજીક જવાબદારી અદા કરવામાં મહત્વની સાબીત થઈ હતી, પણ તેના કરતા પણ વધુ જીવતી વારતાએ જીવન તરફ જોવાનો મારો દ્રષ્ટીકોણ બદલી નાખ્યો હતો, ક્રાઈમ રીપોર્ટરનું બરછટ કામ અને વ્યવહારને કારણે ધીરે ધીરે હું પોલીસ જેવો થવા લાગ્યો હતો. અંદરની સંવેદનાઓ મરવા લાગી હતી. કોઈની તકલીફ મને તકલીફ જ ન્હોતી આપતી ન્હોતી.

પણ જીવતી વારતાઓ લખતી વખતે હું પોતે અનેક વખત રડયો હતો, જીવતી વારતાએ મારી અંદરના માણસને જીવતો કર્યો હતો, મારા મીત્ર પુંજાભાઈ ગમારા કહેતા કે જીવતી વારતા એટલા માટે વંચાય છે કારણ તેમા સ્વાનુભુતી હોય છે. તેથી તે વાંચનારને પોતાની વાત લાગે છે. પણ મારી એક નબળાઈ પણ છે, હું મારા લખેલુ કે છપાયેલુ કયારે સાચવતો નથી, તેના કારણે મારી કોઈ વારતાઓ મારી પાસે રહી નથી, અગાઉ જીવતી વારતાઓ પુસ્તક રૂપે પ્રકાશન થયુ તે બધી જ વારતાઓ દિપક કાંબલી નામના મીત્રએ મને મોકલી હતી, જો કે ત્યાર બાદ પણ ખુબ વારતાઓ લખી, પણ તે પણ મારી પાસે નથી, થોડા મહિના પહેલા દિવ્ય ભાસ્કરમાં કામ કરતા એક મીત્ર છત્રપાલસિંહ વોટસઅપ ઉપર મને મારી એક જુની વારતાનું કટીંગ મોકલ્યુ, તે જોઈ મને સારૂ લાગ્યુ.. તેના થોડા દિવસ પછી બીજી વારતા મોકલી.. અને વારતાઓ આવતી રહી.

મેં છત્રપાલસિંહને પુછયુ કેટલી વારતાઓ છે તારી પાસે તેણે કહ્યુ એકસો કરતા પણ વધારે, મેં તેને મેસેજમાં પુછયુ મને મારી વારતાઓ મળી શકે, તેણે કહ્યુ તમારી જ છે તમને પાછી આપીશ.. પછી હું તે વાત ભુલી ગયો , મને ખબર ન્હોતી કે દિવાળીની સૌથી મોટી અને કિમંતી ગીફટ મને મળશે. આવુ પહેલી વખત થયુ નથી, મારી તમામ છપાયેલી સ્ટોરીઓ અને વારતાઓ એક વાંચક તરીકે કોઈએ સાચવી રાખી હતી, જે મને સમય-સમયે પાછી મળતી  ગઈ. થોડા સમય પહેલા પોલીસ ઈન્સપેકટર ચંદ્રસિંહ સોંલકી સાથે મારે પરિચીય થયો, પરિચય કામ પુરતો જ હતો, છતાં મીત્રતા થઈ ગઈ,એક દિવસ હું તેમને મળવા ગયો, તેમણે મને પુછયુ પહેલા તમે કયા કયા અખબારમાં કામ  કરતા હતા, મે મારી નોકરીની લાંબી યાદી તેમને કહી, તેમણે ડ્રોઅરમાંથી એક ફાઈલ કાઢી, જેમાં પીળા અને જર્જરીત થયેલા છાપાની કટીંગ કાઢયા, અને મારી તરફ ફાઈલ મુકી. તે ફાઈલ 1998ની હતી, સંદેશ અખબારમાં જીવતી વારતા જેવી મારી યહ ભી હૈ જીંદગી નામની એક કોલમ આવતી હતી. હું તેમની સામે જોઈ રહ્યો.

ઈન્સપેકટર સોંલકીએ કહ્યુ હું ત્યારે કોલેજમાં ભણતો હતો, તમારી કોલમ વાંચતો હતો, મને ખુબ સારી લાગતી હતી, એટલે કટીંગ કરી કાપી રાખતો હતો, કોલેજ પુરી કરી  પોલીસમાં જોડાયો, પણ મને ખબર ન્હોતી, કે એક દિવસ મને ગમતો લેખક મને આવી રીતે મળી જશે.મને ખુબ સારૂ લાગ્યુ કદાચ એક પત્રકાર અને લેખક માટે તેના વાંચકની આ સ્વીકાર્યતા જ એક એવોર્ડ કરતા વધારે મોટી હોય છે.

Sunday, October 30, 2016

પ્રેમ-માફી અને દોસ્તીમાં કંજુસાઈ કરશો નહીં.

આજે વહેલી સવારે ઉઠીને હું મારા વોટસઅપ મેસેજ જોઈ રહ્ય હતો, ત્યારે પત્રકારોના એક ગ્રુપના ડીપીમાં અમારા મીત્ર અતુલ દાયાણીનો ફોટો હતો, જે ફોટો જોતા જ એક ક્ષણ માટે શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ, આ પહેલી દિવાળી છે, જયારે અતુલ અમારી વચ્ચે નથી. બરાબર દસ મહિના પહેલા પંચાયતની ચુંટણીનુ  કચ્છથી કવરેજ કરી તે પાછો આવી રહ્યો રસ્તામાં તેને એક અકસ્માત નડયો અને તે ચાલી નિકળ્યો. બસ ત્યારથી મનમાં કઈક ચાલી રહ્યુ હતું, હું મારી અંદર ચાલતી પ્રક્રિયા અને મેં કરેલી ભુલો અથવા એક માણસ તરીકે જે કરવુ જોઈએ તેમાં કયારેય ઉણો ઉતર્યો તે તપાસી રહ્યો હતો. મને ત્યારે લાગ્યુ કે કેટલીક બાબતો તો સાવ સામાન્ય હતી, છતાં જે તે વખતે મને બહુ અધરી લાગી હતી, જેનો ભાર હું વર્ષો સુધી વેંઢારી રહ્યો છુ.

જેમાં મને જીવન માટે ત્રણ શબ્દ મહત્વના લાગ્યા, તેમાં પ્રેમ- માફી અને દોસ્તી, કરવામાં કરેલી કંજુસાઈને કારણે હું અનેક વખત દરિદ્ર સાબીત થયો. કદાચ મારી ફેસ વેલ્યુ ઉપર કોઈ જાય તો હું તને પ્રેમ કરૂ છુ, તેવો શબ્દ સાંભળી કોઈને આધાત સહ આશ્ચર્ય લાગે, છતાં રોજ સવારે ઉઠી, હું મારી પત્ની શીવાની અને દિકરી પ્રાર્થનાને અચુક કહુ છુ કે હું તને પ્રેમ કરૂ છુ, મેં જયારે જયારે આવુ કર્યુ છે ત્યારે મારો અનુભવ રહ્યો છે, મારી મન હલકુ થયુ છે. જો કે શીવાની આ મામલે કંજુસ  છે, તેવુ કહી શકુ,કારણ હું તેને કહુ કે તને પ્રેમ કરૂ છુ, ત્યારે તે માત્ર હસે છે, હું કહુ તારે મને કઈ કહેવુ નથી, ત્યારે તે રોજ પ્રમાણે કહે, તેમાં કહેવાનું શુ .. ખબર પડતી નથી. મને ખબર છે તે મને પ્રેમ કરે છે, છતાં મારે શબ્દોની  પણ જરૂર હોય છે કારણ કાન સાંભળેલા શબ્દોનું લાગણીમાં રૂપાતંરણ કરે છે. જે અહેસાસ છે.

હું મારા કેટલાય મિત્રોને પણ કહુ છુ, કે તને પ્રેમ કરૂ છુ, કદાચ આ શબ્દ મને મીત્રોને પ્રેમ કરવાની ફરજ પાડે છે અથવા મારે તેમને પ્રેમ કરવાનો છે તેની યાદ અપાવે છે. પરિવારના સિવાયના સંબંધોમાં પણ કોઈ મીત્ર ગમે અથવા તેને પ્રેમ કરીએ કહેવામાં કંજુસાઈ કરવી જોઈએ નહીં , ઘણી વખત સમય આપણી પાસેથી તે તક છીનવી લેતો હોય છે. મારા અને મારા પિતામાં જમીન-આસમાનનું અંતર હતું, અમે ખુબ જ અલગ હતા, છતાં એક હતા, એક રાતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જતા રહ્યા, હું તેમની સાથે વાત પણ કરી શકયો નહીં, મને અફસોસ એક જ વાતનો રહી ગયો કે તમે મને ગમો છો, અને હું તેમને પ્રેમ કરૂ છુ, તેવુ કહી શકયો હોત તો તેમને કેટલુ સારૂ લાગ્યુ હોત. આવુ જ મારા મીત્ર ચારૂદત્ત વ્યાસના કિસ્સામાં પણ બન્યુ તે અડધી મહેફીલ છોડી જતો રહ્યો, મારે તેનો હાથ પકડી તેની આંખોમાં જોઈ કહેવુ હતુ, તુ જેવો છે તેવો મારો છે.

સંબંધ વગર પણ કોઈ ગમે તેવુ પણ બને ત્યારે દોસ્તીનો હાથ લંબાવવામાં મોડુ કરવુ નહી, અનેક માઠા અનુભવો પછી અનેક વખત દોસ્તી કરવામાં ડર લાગતો હોય છે.છતાં એક સો વખના ખરાબ અનુભવો પછી પણ એક સારા અનુભવની અપેક્ષાએ દોસ્તીમાં આગળ વધવુ જોઈએ, જેની પાસે ખુબ પૈસા છે, તેની કરતા જેની પાસે ખુબ મીત્રો છે તે વધુ શ્રીમંત છે તેવુ હું માનુ છુ, આપણી ગેરહાજરી કોઈને સાલે તેવો મીત્ર થવા માટે અચુક પ્રયત્ન કરવો જોઈએ, મીત્રતામાં પ્રેમના રોકાણ સિવાય કોઈ ખર્ચ થતો નથી, કદાચ આ ધંધામાં ખોટ આવે અથવા દગો થાય ત્યારે થોડાક આંસુઓ સિવાય કોઈ નુકશાન થતુ નથી, એટલે દોસ્તો વધારવાનો ધંધો નવા વર્ષે કરવા જેવો છે, કદાચ આ ધંધો ફળી ગયો તો ખાલી ખીસ્સાનો ભાર પણ લાગશે નહીં.

 અને છેલ્લે જે અઘરૂ છુ, કોઈ માફ કરવા અથવા કોઈની માફી માગવી, માફી શબ્દ માત્ર બે અક્ષરોનો હોવા છતાં જીંદગીઓ અને પેઢીઓને બરબાદ થતી જોઈ છે. માફી માગવી અને માફ કરવા એક જ વખત અધરૂ લાગે છે, એક વખત આ બે શબ્દોનું ઉચ્ચારણ થઈ જાય તો કરોડોનું દેવુ માફ થયુ હોય તેવા હલકા થઈ જવાય છે. કદાચ તમારા મનમાં જેના માટે કડવાશ છે, તેને મળીને માફ ના કરી શકાય તો કઈ નહીં, પણ મનમાંથી કડવાશ કાઢી નાખવાનો તો પ્રયત્ન કરવો જોઈએ, કારણ તે કડવાશ આપણી જીંદગીની મીઠાશ રોજ ઘટાડે છે, એટલે આજે પહેલી શરૂઆત હું જ કરૂ છુ.મને માફ કરો.. કારણ મેં અનેક ભુલો કરી છે......

નહીં ફુટેલા ફટાકડાઓનો અવાજ ખુબ મોટો આવતો હતો.

ત્યારે મારી ઉમંર દસ-બાર વર્ષની હશે, મા ઘરના દરવાજામાં મા  રંગોળી કાઢતી હતી, ઘડીયાળના કાટા રાતના બાર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે એક બુમ સંભળાતી અરે પ્રશાંત જા પેલાને બોલાવી લાવ હવે રસ્તા ઉપર તેના અને કુતરાઓ સિવાય કોઈ હશે નહીં. હું તેને શોધવા માટે ઘરની બહાર નિકળતો ત્યારે સ્ટ્રીટ લાઈનો પ્રકાશ પણ હમણાં જેવો સારો ન્હોતો, લાઈટનું હોવુ ના હોવુ બધુ સરખુ જ હતું, હું પહેલા ઘરની આસપાસ જોતો અને પછી દુર સુધી નજર લંબાવતો પણ તેને મારી નજરમાં આવતો ન્હોતો, મારા પપ્પાએ કહ્યુ પેલાને બોલાવી લાવ એટલે તે મારો નાનો ભાઈ , જે મારાથી બરાબર અઢી વર્ષ નાનો હતો. જયાં સુધી અમે બંન્ને થોડા સમજદાર ના  થયા ત્યાં સુધી દિવાળીમાં તે  તેને નિત્યક્રમ રહ્યો હતો.

હું તેને શોધવા માટે રાતના બાર વાગે નિકળતો હતો, હું તેનો મોટાભાઈ હોવા છતાં ઉમંરમાં તો નાનો જ હતો, મને પણ અંધારાની તો બીક લાગતી હતી, પણ ભાઈ કરતા મોટો હોવાને કારણે બીક લાગતી હોવા છતાં બીકની કયારેય કબુલાત નહીં કરવાની તેવુ કોઈના શીખવાડયા વગર સમજી ગયો હતો. જો કે પાંચ-સાત મિનીટમાં તે મને મળી જતો હતો, બરાબર મારા પપ્પાએ કહ્યુ તેવુ જ હોય, રસ્તા ઉપર મારા નાના ભાઈ અને કુતરાઓ સિવાય કોઈની જ હાજરી ના હોય, તે રસ્તા ઉપર ઉભડક પગે બેસી કઈ શોધતો હોય, મને ખબર હતી કે તે શુ શોધતો હતો. તેની આસપાસ ખુબ કાગળો પડયા હોય, તે કાગળો પણ ફેંદતો હતો, હું તેની પાસે જઉ એટલે તે તરત મને જોઈ ઉભો થઈ જાય તેના ચહેરા ઉપર એક ખુશી દોડી આવે, તેને પોતાના શર્ટના ઉપરના ખીસ્સામાં હાથ નાખી, જાણે તેણે અમેરીકાની શોધ કરી હોય તેમ તેણે શોધી કાઢેલા ફટાકડાઓ મારી સામે ધરે.

હું તેને કહુ પપ્પા બોલવે છે, તે પાછા પોતાના ખીસ્સામાં ફટકાડાઓ મુકી મારી પાછળ પાછળ ચાલવા લાગે, અંધારૂ હોવાને કારણે હું ચારે તરફ નજર ફેરવતો ફેરવતો ઘર તરફ જઉ, પણ મારી પાછળ આવી રહેલા ભાઈની નજર તો ચારે તરફ જમીન ઉપર  ફરતી હોય, અને તે અચાનક કહે, અરે ઉભો રહે, હું રોકાઈ જઈને પાછળ જોઉ તો તેને ફુટેલા ફટાકડાઓના ઢગમાં એકાદ નહીં ફુટેલુ લવીંગયુ મળી જાય, પાછો તેને પણ ખીસ્સામાં મુકી તે ચાલવા લાગે.દિવાળીમાં પપ્પા અમને  સાયકલ ઉપર બેસાડી ફટકાડાઓ તો લાવી આપતા હતા, પણ પપ્પાના ખીસ્સા અને ફટકાડાઓની પણ મર્યાદાઓ હતી, પપ્પાએ જે લઈ આપે તેમાં માગણી અને પસંદગીને કોઈ અવકાશ રહેતો ન્હોતો. ખરીદેલા ફટાકડાઓ ફોડવામાં કંજુસાઈ કરો તો પણ એકાદ-બે દિવસમાં પુરા થઈ જાય, ત્યાર પછી મને કોઈ પુછે કે કેમ ફટાકડા ફોડતો નથી, તે બીન્દાસ કહી દેવાનું કે મને તો શોખ જ નથી, જો કે ત્યારે પણ તેવુ બોલતા દુખ થતુ હતું, પણ મારી હેસીયત નથી તેવુ કહેવા કરતા ખોટુ બોલવામાં વાંધો ન્હોતો.

હું બાર જ વર્ષનો હતો પણ મોટો હતો, જયારે ભાઈ તો નાનો હતો, તે કોઈ ગુનેગાર ગુનાના સ્થળની રેકી કરે તેમ ફટાકડાઓ કયાં અને કોણ ફોડવાનું છે તેની માહિતી રાખતો, જયારે ફટાકડાઓ  ફુટતા હોય ત્યારે બનાવના સ્થળે હાજર રહી નહીં ફુટેલા ફટાકડાઓ કઈ તરફ ઉડીને પડયા છે તેની માનસીક નોંધ રાખતો હતો, અને જયારે જેઓ માત્ર ફટાકડાઓથી દિવાળી ઉજવે છે તેવા લોકો પોતાના ઘરમાં પ્રવેશ કરે એટલે તેનો નાઈટ રાઉન્ડ શરૂ થતો હતો. હું ભાઈને લઈ ઘરે પહોંચુ એટલે તેને ખબર હતી કે ઠપકો તો મળવાનો છે, તે જેવો ઘરમાં દાખલ થાય તેની સાથે માનો ઠપકો કાને પડે, શરમ નથી આવતી ભીખારીની જેમ ફટાકડા શોધવા નિકળે છે, અમે તેને ફટાકડા નથી, લાવી આપતા, તે કઈ પણ બોલ્યા વગર ઘરની બાલ્કનીમાં પોતાનો મુદ્દામાલ સંતાડી આવે, હાથ-પગ ધોઈ સુઈ જાય.

પણ આજે મને કલ્પના આવે છે, કદાચ પપ્પાએ લાવી આપેલા ફટાકડાઓ કરતા તેણે શોધેલા ફટાકડાઓ તેને વધુ આનંદ આપતા હતા, બીજા દિવસે પપ્પા ઓફિસ જાય પછી શોધેલા ફટાકડાઓનો દારૂ એક કાગળ ઉપર કાઢવાનો કારણ અર્ધ ફુટેલા ફટાકડાની દિવેટ તો સળગી જ ગઈ હોય તેના કારણે તેને ફોડવા માટે આ જ સારો રસ્તો હતો, કાગળમાં બધા મળેલા  ફટાકડાઓનો દારૂ કાઢયા બાદ તે કાગળ સળગાવવાનો, અને ચારે તરફ એકદમ પ્રકાશ થઈ જાય, માથા ઉપર સુર્ય હોવા છતાં ભાઈના ફટાકડાનો પ્રકાશ સુર્ય કરતા વધુ પ્રકાશ આપતો હતો.. આજે મને ફટાકડાનો અવાજ કર્કશ લાગી રહ્યો છે, જયારે મારી પાસે ફટાકડા ન્હોતા, ત્યારે નહીં ફુટેલા ફટાકડા વધુ મોટો અવાજ કરતા હતા.જયારે મારી પાસે કઈ ન્હોતુ ત્યારે એક નાનકડુ સુખ હતું. આજે બધુ જ છે ત્યારે સુખને શોધવા નિકળ્યો છુ.

દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ સાથે ખુશ રહો એટલુ જ કહીશ.

Friday, October 28, 2016

વિજયભાઈ સરકારના અસ્તીત્વ અને અહેસાસમાં અંતર છે.


1995માં પહેલી વખત ભારતીય જનતા પક્ષની પહેલી વખત સરકાર બની, ત્યાર બાદ પહેલી વખત મળેલી સત્તાનું સુકાન સંભાળવા માટે ભાજપે થયેલી ભાંજગડ લાંબી ચાલી સુરેશ મહેતા શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ જેવા ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ બદલાયા અને 1998માં ફરી વખત પ્રજાએ ભાજપને સત્તાનું સુકાન સોંપ્યુ, કેશુભાઈ ફરી વખત મુખ્યમંત્રી થયા, બધુ જ બરાબર ચાલી રહ્યુ હતું, કેશુભાઈના મંત્રીમંડળમાં કાબેલ મંત્રીઓ પણ હતા. સરકારની ખોડ કાઢી શકાય તેવુ કોઈ કારણ ન્હોતુ, છતાં પ્રજાને સરકારની હાજરીનો અહેસાસ થતો ન્હોતો. કેશુભાઈના શાસન સામે કોઈ આરોપ અથવા ફરિયાદ પણ ન્હોતી, તેમ છતાં સાબરમતી વિધાનસભાની પેટા ચુટણી આવી તેમાં ભાજપના ગઢ ગણાતા સાબરમતી વિસ્તારમાં પેટા ચુટણીમાં કોંગ્રેસના નરહરિ અમીન ચુટાઈ આવ્યા.

આમ પહેલી નજરે તમે જુવો તો એક બેઠક હારી જવી બહુ સામાન્ય ઘટના લાગે , પણ સમયના પારખુ નરેન્દ્ર મોદીને વર્તમાન સ્થિતિ અને આવનાર તોફાનની ભનક લાગી ગઈ, તેમણે ભાજપ હાઈકમાન્ડને સરકાર હોવા છતાં સરકારની હાજરીના અહેસાસના અભાવ તરફ ધ્યાન દોર્યુ, કેશુભાઈ કાબેલ શાસનકર્તા હતા. જમાના ખાધેલા હતા, તેઓ સારૂ કામ કરતા હતા, પણ તેમનો મત હતો કે એક શાસક તરીકે તમારે સારૂ જ કામ કરવાનું છે, તે કાઈ ગાઈ વગાડી કહેવાની જરૂર નથી, જો કે કદાચ સમયની સાથે કેશુભાઈ પટેલનો મત બદલાવવાની જરૂર હતી,. સારા કામને પણ માર્કેટીંગની જરૂર હોય છે, તે વાત કેશુભાઈ છેલ્લે સુધી સમજી શકયા નહી. 2001માં આવેલા ભુકંપમાં કચ્છને ફરી પાછુ બેઠુ કરવા માટે તેમની સરકારે રાત દિવસ કામ કર્યુ હતું, છતાં કેશુભાઈ અને તેમના મંત્રીઓ માનતા હતા કે પ્રજાના સેવક તરીકે રાત દિવસ કામ કરવુ તે તેમનું જ કામ છે. છતાં આટલુ બધુ કર્યા પછી પણ સરકારની હાજરીને અહેસાસ થઈ રહ્યો ન્હોતો.

ત્યારે કેશુભાઈ પટેલની હટાવવા માટે  નરેન્દ્ર મોદીએ હાઈકમાન્ડ સામે મુકેલુ અંક ગણિત હાઈકમાન્ડને પહેલા ઝાટકે ગળે ઉતરી ગયુ અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા, અને પ્રજાને પોતાની ચારે તરફ સરકાર  અને માત્ર સરકાર હોવાનો અહેસાસ થવા લાગ્યો, નરેન્દ્ર મોદી પાસે કોઈ જાદુઈ લાકડી ન્હોતી. તેમ છતાં તેમણે કેશુભાઈ પટેલની સરકારના કામોને નવા કાગળ અને નવા નામ સાથે રંગીન પેકીંગમાં પેક કરી પ્રજા સામે મુકી અને પ્રજાને લાગ્યુ કે ખરેખર નરેન્દ્ર મોદીની સરકાર ખુબ સારૂ કામ કરી રહી છે.તેમનો જાદુ લાંબો ચાલ્યો અને આજે પણ ચાલી રહ્યો છે. જમાનો માર્કેટીંગનો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માર્કેટીંગ વિષય સારી રીતે સમજાઈ ગયો છે. કદાચ દેશના કોઈ નેતા કરતા વધુ ફોટોગ્રાફ નરેન્દ્ર મોદીના પડયા હશે, તેમની ફોટો સેન્સ પણ બીજા નેતાઓ કરતા સારી છે, તેમને ન્યુઝ કયારે અને કેવી રીતે બનાવવા તેનું પત્રકારત્વ પણ સમજાય છે. કોંગ્રેસના નેતાઓ તેમને ફેંકુ ભલે કહેતા હોય પણ તેમણે ફેકેલા બોલને પ્રજા આજે જો ઝીલી જ લે છે.એટલે નરેન્દ્ર મોદીને ગાળ આપવા કરતા  મોદીની જેમ કયારે બોલવુ જોઈએ નહીં એટલુ પણ કોંગ્રેસના ખબર પડે તો કદાચ તેઓ પોતાના હાથે પોતાને થતુ નુકશાન જરૂર અટકાવી શકે તેમ છે.

ગુજરાતમાં  કોઈ પણ મુખ્યમંત્રી(ખાસ કરી ભાજપના) હટાવવાના હોય ત્યારે ભાજપની અંદરથી મુખ્યમંત્રીના ભ્રષ્ટાચારનો  ગણગણાટ શરૂ થયા છે. આનંદીબહેન પટેલ કદાચ નરેન્દ્ર મોદી કરતા પણ વધારે કામ કરતા હતા, છતાં તેમની સ્વભાવગત મર્યાદા પ્રમાણે તે કોઈને પણ થાય તે કરી લેજો તેવુ બોલ્યા વગર કહી શકતા હતા, તેના કારણે તેઓ પણ વ્યકિતગત અને સરકારના માર્કેટીંગના ઉણા ઉતર્યા, અને ભાજપના નેતાઓ તેમની જુની સ્ટાઈલ પ્રમાણે અનાર અને સંજય બેફામ થઈ ગયા છે, તેવી વાતોને પવન ફુકવાની શરૂઆત કરી, સંજય અને અનાર ઉપરના આરોપ કેટલાં સાચા છે, તેનો જવાબ તો તેઓ પોતે જ આપી શકે, છતાં એક ચોક્કસ સમયમાં તેમના નામનો સહારો લઈ અાનંદીબહેન પટેલેની ખુરશીના પાયા હચમચાવવામાં કેટલાંક સફળ થયા અને તે હલી ગયેલી ખુરશીમાં ઉપર વિજય રૂપાણી બેઠા છે. પરિવર્તન સમયનો સ્વભાવ છે.વિજયભાઈના મળતી સફળતા અથવા નિષ્ફળતા તેમની પોતાની હોવી જોઈએ.

પણ વિજય રૂપાણીએ સુકાન સંભાળ્યુ ત્યારે વિજયભાઈ સારૂ કરે તો તેનું શ્રેય અમીત શાહને મળે છે , અને ખોટુ થાય તો વિજય જવાબદાર ઠરે છે. આ સ્થિતિ ભાજપ અને વિજય રૂપાણી બંન્ને માટે સારી નથી.  વિજય રૂપાણી પણ કેશુભાઈ પટેલના શાસનમાં હતી તેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, વિજય રૂપાણીના મહેનત અને પ્રયત્ન છતાં કોઈ પણ કારણસર સરકાર હોવાનો અહેસાસ પ્રજાને થઈ રહ્યો નથી. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો પ્રજા આવી સરકારને શાસન કરવાનો અધિકાર લાંબા સમય સુધી આપતી નથી,  જો કે પ્રજાને નિર્ણય લેતા સમય લાગે છે. પણ તે પહેલા વિજયભાઈનો બીજા જ હિસાબ પુરો કરી નાખે નહીં તેની તકેદારી તેમણે પોતે જ લેવી પડશે. નહીંતર 2017માં ભાજપને ફરી એક વખત સત્તા મળે તો પણ વિજય રૂપાણીના નામની આગળ ભુતપુર્વ મુખ્યમંત્રી લખાતા વાર લાગશે નહીં.

Tuesday, October 25, 2016

પાંપણ બંધ કરતી નથી, કારણ મારી આંખોને તમારો ઈંતઝાર છે.

ત્યારે વિભુતીની ઉમંર ચાર વર્ષની હતી, તે નર્સરીમાં પોતાની મમ્મીની આંગળી પકડી આવતી હતી, તેની આંખોમાં અનેક આશ્ચર્ય સાથેના આનંદનો ભાવ હતો, તે પહેલી વખત આટલો લાંબો સમય ઘરની બહાર નિકળી હતી, તેની ઉમંરના બાળકો, રમકડા અને ટીચરની વાતોની તેને મઝા આવતી હતી, વિભુતીને ખુશ જોઈ સારંગીને સારૂ લાગતુ હતું, વિભુતી જયારે નર્સરીના કેમ્પસમાં આવે અને બહાર નિકળે ત્યારે તેની નજર ચારે તરફ ફરતી હતી, સારંગી તેની આ નજરની નોંધ લઈ રહી હતી, પણ વિભુતી શુ શોધી રહી છે તે હજી નક્કી થયુ ન્હોતુ, એકાદ મહિનો થયો હશે ત્યારે વિભુતીએ પોતાની કાલી ભાષામાં પુછયુ મમ્મી મારા પપ્પા કયાં છે. સારંગીએ ઉંડો શ્વાસ લીધો, તેને ખબર તો હતી કે આજે નહીં તો કાલે વિભુતીના આ પ્રશ્નનો તેણે જવાબ આપવાનો આવશે, વિભુતી જોઈ રહી હતી કે તેના મીત્રોના મમ્મી-પપ્પા રોજ આવે છે , જયારે તેને લેવા અને મુકવા તો મમ્મી એકલી જ આવે છે, કદાચ પહેલી વખત તેને નર્સરીમાં આવ્યા પછી ખબર પણ પડી હશે તે જીવનમાં પપ્પા જેવુ પણ કોઈ પાત્ર હોય છે.

સારંગી એક સમજદાર માતા હતી, તેને ખબર હતી કે વિભુતીનો પ્રશ્ન ટાળવા જેવો નથી, કારણ જો તે પોતાની દિકરીને જવાબ આપશે નહીં તો ઘણા બીજા પ્રશ્ન ઉભા થશે અને તે તેનો પણ જવાબ આપી શકશે નહીં. એટલે જયારે ચાર વર્ષની ઉમંરે પહેલી વખત વિભુતીએ પપ્પા કયાં છે તેવો પ્રશ્ન પુછયો તેની સાથે સારંગીએ પોતાની જાતને સંભાળી લેતા વિભુતીને તેડી લેતા કહ્યુ ઓ મારી પપ્પાની લાડકી દિકરી.. પપ્પા મને રોજ પુછે કે મારી વિભુ કેમ છે.. કેટલી મોટી થઈ, મેં કહ્યુ તમે હવે જલદી ભારત આવી જાવ વિભુતી ખુબ મોટી થઈ ગઈ છે અને તમને રોજ યાદ કરે છે. વિભુતી પોતાની મમ્મીની વાતો પોતાન નિદોર્ષ નજરે મમ્મીની આંખો દ્વારા સાંભળી રહી હતી. ત્યારે તો વિભુતીએ મમ્મીએની વાત માની લીધી કે પપ્પા ભારતની બહાર નોકરી કરે છે. પછી તો વિભુતીના મીત્રો પુછે ત્યારે પણ તે કહેતી મારા પપ્પા આવશે ત્યારે ખુબ બધા રમકડા લઈ આવશે. વિભુતી મોટી થવા લાગી,

વિભુતીના મનમાં તેના પપ્પાનું એક ચિત્ર આકાર લઈ રહ્યુ હતું, ઘરમાં તેના પપ્પાનો ફોટો તો હતો, તેમ છતાં તેના પપ્પા કેવી રીતે વાત કરે છે, કેવી રીતે હસે છે, તેમને જમવામાં શુ ભાવે છે વગેરે વાતો તે સારંગીને પુછયા કરતી હતી, સારંગી તેની દરેક વાતોનો જવાબ આપતી હતી, પણ ત્યાર બાદ સારંગીનું મન બેચેન થઈ જતુ હતું, કારણ તેને લાગી રહ્યુ હતું તે તેની નાનકડી દિકરી વિભુતીને છેતરી રહી છે, જે દિકરી પોતાના પપ્પાની રાહ જોઈ હતી તેને ખબર જ ન્હોતી કે તેના પપ્પા કયારેય આવવા ના જ નથી. જેમ જેમ વિભુતી મોટી થતી ગઈ, તેમ તેમ સારંગીના મન ઉપર ભાર વધી રહ્યો હતો, વિભુતી બાર વર્ષની હતી તેની વર્ષ ગાંઠ હતી, સારંગી તેના માટે કેક લઈ આવી હતી, પણ સારંગીએ જોયુ કે વિભુતી મુડમાં ન્હોતી, તેને અંદાજ આવી ગયો કે તે તેના પપ્પાની રાહ જોઈ રહી છે, એટલે સારંગીને જાણે કઈ ખબર જ પડતી નથી તે રીતે તે વિભુતી સાથે પ્રેમથી વાતો કરી તેને પટાવી તેના મનને બીજી તરફ વાળવા પ્રયત્ન કરી રહી હતી.

સારંગી કેક ગોઠવી મીણબત્તી સળગાવી અને કહ્યુ ચાલો મોટો બેટો હવે કેક કાપશે, પણ વિભુતીએ કેક સામે પણ જોયુ અને જગ્યા ઉપરથી ઉભી જ થઈ નહીં, સારંગી તેને લેવા માટે તેની નજીક ગઈ તેનો હાથ પકડયો અને ધીમા અવાજે કહ્યુ ચાલ બેટા, વિભુતીએ મમ્મી સામે જોયુ મમ્મીનો હાથ છોડવતા કહ્યુ મમ્મી પપ્પા આવશે પછી જ કેક કાપીશ. સારંગીને શ્વાસ બેસી ગયો, હવે તે ભાંગી પડી હતી તેનાથી દિકરીના પ્રશ્નનો ભાર સહન થઈ શકતો ન્હોતો, વિભુતી ખુરશી ઉપર બેઠી હતી, તેની પાસે સારંગી જમીનમાં બેસી પડી, તેણે પોતાની દિકરીના ખોળામાં માથુ મુકયુ અને તે રડી પડી, તેણે રડતા રડતા વિભુતીનો હાથ પકડી કહ્યુ બેટા મને માફ કર. તારા પપ્પા કયારેય આવશે નહીં કારણ તે આપણી વચ્ચે જ નથી, તુ મારા પેટમાં હતી ત્યારે જ આપણને મુકી જતા રહ્યા હતા. આટલુ બોલતા સારંગી નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, જાણે તેણે વર્ષોથી રડવાનું રોકી રાખ્યુ હોય તેવુ લાગ્યુ હતું, તે રડતી રહી હતી. વિભુતી પણ રડવા લાગી કારણ તેણે મમ્મીને રડતા પહેલી વખત જોઈ હતી, અને બીજી તરફ તેના પપ્પા આ દુનિયામાં જ નથી તેને મોટો આધાત લાગ્યો હતો.

તે દિવસે વિભુતીએ કેક કાપી નથી, તે દુખી હતી, પણ તેની કરતા વધારે દુખ તેને મમ્મીને દુખી જોઈ લાગ્યુ હતું, તે રાતે તે મમ્મીને વળગી સુઈ ગઈ હતી, કારણ હવે તેના માટે તેનું વિશ્વ તેની મમ્મી જ હતી, કદાચ પપ્પા નથી તેનો ડર પણ લાગ્યો હતો. તે નાની હતી તેની વાત માટે તેની પાસે શબ્દો ન્હોતો, છતાં તે પોતાને એકલી સમજવા લાગી હતી, ત્યારે મમ્મી પણ નહી હોય તો મારૂ શુ થશે તે વાતે તેની ડરાવી મુકી હતી. જયા સુધી વિભુતીને પોતાના પપ્પા દુનિયામાં જ નથી તેની ખબર ન્હોતી, ત્યાં સુધી સારંગીએ કયારે દિપકના ફોટો ઉપર હાર ચઢાવ્યો ન્હોતો, પણ બીજા દિવસે સવારેથી સારંગી રોજ દિપકના ફોટોને હાર ચઢાવતી અને અગરબત્તી કરવા લાગી હતી. દિવસો સુધી વિભુતી શાંત રહી, પછી તેણે મમ્મીને પપ્પા અંગે કઈ જ પુછયુ નહીં, કયારેક સારંગી દિપકની વાત કરતી હતી, ત્યારે વિભુતી અહોભાવથી પોતાના પપ્પાની વાત સાંભળ્યા કરતી હતી , વિભુતી બારમાં ધોરણમાં હતી, ખબર નહીં કેમ તેનું મન તેને કહેતુ કે તેના પપ્પા એક દિવસ આવશે, મૃત્યુ પામેલી વ્યકિત કયારે પાછી આવતી નથી તેની પાક્કી ખબર હોવા છતાં કોણ જાણે તેનું મન તેને સતત પપ્પા આવશે તે તરફ દોરી જતુ હતું.

વિભુતી મમ્મીને કયારેય પપ્પા અંગે પુછતી નહીં, પણ તેના મનમાંથી તેના પપ્પા કયારેય ગેરહાજર રહ્યા ન્હોતા, વિભુતીને પણ પોતાની મમ્મી સારંગીની જેમ વાંચનો શોખ હતો, તેના ઘરે ઘણા ન્યુઝ પેપર અને મેગેજીન આવતા હતા, એક દિવસ વિભુતીના ઘરે પોસ્ટમેન મેગેજીન નાખી ગયો, વિભુતીએ દરવાજામાં પડેલુ મેગેજીન ઉપાડયુ, આ મેગેજીન તેનું પ્રિય હતુ, તે દર અઠવાડીયે તેની રાહ જોતી હતી, વિભુતીએ  મેગેજીનના પાના ફેરવ્યા ત્યાં જાણે કઈક યાદ આવ્યુ હોય તેમ તેનું કવર પેજ ખોલ્યુ તેની ઉપર પોસ્ટ એડ્રેસ અને નામ હતું સારંગી દિપક.. વિભુતીએ મમ્મી-પપ્પાના નામ ઉપર હાથ ફેરવ્યો , જાણે તેણે પપ્પાને સ્પર્શ કર્યો હોય તેવુ લાગ્યુ, તે કઈક વિચારતી ઉભી રહી, પછી તે મેગેજીન મુકી કામે લાગી , બે દિવસ પછી સારંગી અને વિભુતી રોજ પ્રમાણે સાંજના જમ્યા પછી વાત કરી રહ્યા હતા ત્યારે તેણે પેલુ મેગેજીન હાથમાં લેતા સારંગીને પુછયુ મમ્મી આ મેગેજીનનું લવાજમ કેટલુ છે, સારંગીએ મેગેજીન સામે જોયુ અને કહ્યુ બેટા મને યાદ નથી, વર્ષમાં એક વખત ભરવા જઉ છુ.

વિભુતીએ મેગેજીન બાજુ ઉપર મુકયુ અને મમ્મી તરફ ફરતા કહ્યુ મમ્મી તને ખબર જ નથી કે લવાજમ કેટલુ છે કારણ તુ તે ભરતી જ નથી. સારંગી વિભુતીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. વિભુતીને મમ્મીના પગ ઉપર હાથ મુકતા કહ્યુ મમ્મી હું આ મેગેજીનની ઓફિસમાં ગઈ હતી, મેં તેમને પુછયુ કે લવાજમ કોણ ભરી રહ્યુ છે તો તેમણે મને પપ્પાનું નામ આપ્યુ, જો કે પપ્પાનું સરનામુ તેમની પાસે નથી. આ સાંભળતા સારંગી સોફામાંથી ઉભી થઈ ગઈ, અને તેનો ગુસ્સો ફાટી પડયો તેણે મોટા અવાજે કહ્યુ વિભુતી પાગલ થઈ ગઈ છે, કયાં સુધી પપ્પાની વાત કર્યા કરીશ તારા પપ્પા મરી ગયા છે, મેં તને કેટલી વખત કહ્યુ છે, સારંગીએ પોતાના હાથ બતાડતા કહ્યુ વિભુતી મારા આ હાથે મેં તારા પપ્પાને અગ્નીદાહ આપ્યો હતો, તે માણસ કેવી રીતે પાછો આવે. તે દિવસ પણ સારંગી આટલુ બોલતા રડી પડી હતી. વિભુતીએ મમ્મીને આશ્વાસન આપતા સોરી કહેતા ખાતરી આપી હતી કે તે હવે કયારે પપ્પાની વાત કરશે નહીં.

વિભુતીનું શિક્ષણ પુરૂ થયુ તેના લગ્ન માટે છોકરાઓ જોવામાં આવી રહ્યા હતા, ત્યારે એક જયોતિષ છોકરાઓ વાળા તરફથી સારંગીના ઘરે આવ્યો હતો, તેણે  વિભુતીની કુંડળી માંગી, ત્યારે વિભુતી પણ ત્યાં બેઠી હતી, જયોતિષીએ કઈક આંકોનો સરવાળો-બાદબાકી કર્યા અને વિભુતી સામે જોતા કહ્યુ અરે બહુ સારી કુંડળી છે, પણ ઘરમાં અન્ય કોઈ છે કે નહીં તેવી નજર ફેરવતા સારંગી સામે જોતા કહ્યુ માતા-પિતાનું સુખ પણ સારૂ છે, કયાં છે દિકરીના પપ્પા. વિભુતીએ તરત પોતાની મમ્મીની સામે જોયુ, સારંગીને ખબર પડી કે વિભુતી તેની સામે જોઈ રહી છે, તેમ છતાં તેણે વિભુતી સામે જોતા કહ્યુ ના મહારાજ તેઓ વર્ષો પહેલા ગુજરી ગયા છે. જયોતિષે આશ્ચર્ય સાથે ફરી કુંડળી સામે જોયુ અને પછી વિભુતી સામે જોતા કહ્યુ બને જ નહીં પિતાની ખુબ લાંબી ઉમંર હોવાનું તેના ગ્રહો કહે છે. સારંગીએ ધીમા પણ મક્કમ અવાજમાં નારાજગી સાથે કહ્યુ મહારાજ મને વિધાવા કહેવડાવવાનો કોઈ શોખ નથી. જયોતિષે માની લીધુ કે તેનું ગણિત ખોટુ પણ હોઈ શકે.

વિભુતી લગ્ન કરી સાસરે જઈ રહી હતી ત્યારે પોતાના પપ્પાના ફોટોને પગે લાગવા ગઈ, તેની આંખમાં આંસુ હતા, તેણે મનોમન કહ્યુ પપ્પા હું તમારી રાહ જોઈ રહી છુ. અને તે સાસરી ચાલી નિકળી, સારંગી એકલી પડી ગઈ હતી, વિભુતીની ગેરહાજરીમાં એકલા રહેવુ મુશ્કેલ હતું, વિભુતીના લગ્નના બરાબર છ મહિના પછી સારંગીને હાર્ટ એટેક આવ્યો અને વિભુતીને મુકી વિભુતીન પપ્પાના રહસ્યો સાથે ચાલી નિકળી હતી. આજે વિભુતી ચાલી વટાવી ચુકી છે. તેણે મમ્મીની ગેરહાજરીમાં તેના પપ્પા કયાં છે તેની બહુ તપાસ કરી પણ કોઈ પત્તો લાગ્યો નથી. જો પપ્પા જીવે છે તો મમ્મી અને પપ્પા વચ્ચે શુ થયુ હતું કેમ બંન્ને અલગ થયા અને મમ્મી શા માટે પપ્પાથી તેને દુર રાખતી હતી તેની પણ તેને ખબર નથી. પપ્પા ગુજરી ગયા છે તેવી મમ્મીની વાત ઉપર આજે પણ તેને ભરોસો નથી, મનના કોઈ એક ખુણામાં પપ્પા તેને મળવા માટે આવશે તેવી અજાણી આશા છે. તે કયારેક પપ્પા સાથે વાત કરતી હોય તેમ એકલી એકલી બબડે પપ્પા તમને પણ મારી યાદ આવતી નથી...હવે તો આવો મમ્મી નથી હું એકલી પડી ગઈ છુ. .. અને તેની આંખો ભરાઈ આવે છે.

Monday, October 24, 2016

સરકાર સર્વિસ પ્રોવાઈડર છે અને પ્રજા કસ્ટમર છે

થોડા વર્ષો પહેલા આપણે નેશનલ હાઈવે ઉપર પસાર થતાં હતા ત્યારે આપણે કોઈ ટોલટેકસ ભરતા ન્હોતા, હવે દરેક પચાસ કિલોમીટર ટોલટેકસ ભરવો પડે છે. આપણે તેવુ કહી શકીએ કે ભલે ટોલ ભરવો પડે પણ રસ્તા તો સારા થઈ ગયા છે. હું જે સ્કુલમાં ભણ્યો તેની પાંચ રૂપિયાથી શરૂ થઈ હતી અને ભણવાનું પુરૂ કર્યુ ત્યારે પંદર રૂપિયા થઈ હતી, મારી દિકરીની આજે માસીક ત્રણ હજાર ફિ અને ચાર હજાર ટયુશનના થાય છે, હું તેવુ કહી શકુ કે હું ગ્રાન્ટેડ સ્કુલમાં ભણ્યો હતો, મારી દિકરી સેલ્ફ ફાઈનાન્સ સ્કુલમાં તેનો સંતોષ લઈ શકુ, પહેલા ઘરે કચરો લેવા કોર્પોરેશનનો કર્મચારી આવતો હતો, હવે મિની ટ્રક લઈ કોન્ટ્રાકટરનો સફાઈ કામદાર આવે છે. આપણે કહી શકીએ કે પહેલા  આવતો કોર્પરેશનનો સફાઈ કામદાર બહુ દાદાગીરી કરતો હતો, પણ કોન્ટ્રાકટરનો કર્મચારી આપણો ગુસ્સો પણ સહન કરી લે છે.

આ તો મેં થોડાક જ ઉદાહરણ આપ્યા, પણ આવી અનેક સેવાઓ છે, જે પહેલા રાજય અને  કેન્દ્ર સરકાર સંભાળતી હતી, પણ ધીરે ધીરે તે બધી બાબતોનું સારી સેવાના નામે ખાનગીકરણ થઈ ગયું, ને ખાનગીકરણ કારણે આમ માણસને કેટલુ મોટુ નુકશાન થયુ તેનો તો કોઈ અંદાજ જ નથી, પણ જે સરકારી નોકરીઓ કરતા હતા, અને જેમને સરકારી નોકરી કરવાની ઈચ્છા હતી, તેવા લોકોને પણ મોટુ નુકશાન થઈ ગયુ તેની કલ્પના પણ આવતી નથી. પહેલા આપણે હાઈવેનું કામ સંભાળતા જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ થોડુક પ્રમાણિકતા રાખી, હાઈવેની સારી સંભાળ લીધી હોત, તો હાઈવે ઉપર ટોલટેકસ આવતો નથી, એક વખત આપણે નવુ વાહન ખરીદીએ છીએ ત્યારે તો સરકાર આપણી પાસે રોડ ટેકસના નામે લાઈફ ટાઈમ ટેકસ લઈ જ છે, તેમ છતાં આપણે રોડ ટેકસ ચુકવ્યા પછી પણ ઠેર ઠેર ટોલટેકસ ભરીએ છીએ.

પ્રજાને જે નુકશાન થવાનું હતું તે તો થઈ રહ્યુ છે, પણ જાહેર બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિવૃત્ત થયા પછી હવે રસ્તાઓ ખાનગી કંપનીઓ બનાવતી હોવાને કારણે સરકારે તેમાં ભરતી કરવાનું જ બંધ કર્યુ કારણ સરકાર પાસે કામ જ નથી, તેના કારણે સરકારી નોકરીઓ ઘટી ગઈ, તેવી જ રીતે ગ્રાન્ડેટ સ્કુલમાં ભણાવતા શિક્ષકોએ મન લગાવી બાળકોને ભણ્યા હોત તો હું મારી દિકરીને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલમાં મુકતો જ નહીં, કારણ તેનું શિક્ષણ મને આર્થિક કારણસર ભાર રૂપ લાગતુ હોવા છતાં સારી ગ્રાન્ટેડ સ્કુલના અભાવે મારે ખાનગી સ્કુલમાં ભણાવી પડે છે. આવી હાલત મોટા ભાગના વાલીઓની છે. બીજી તરફ કામ ચોરી અને ટયુશનમાં જ રસ ધરાવતા શિક્ષકોને અંદાજ આવ્યો જ નહીં કે મોટો સરકારી પગાર લેવા છતાં તેમણે સારૂ ભણાવ્યુ નહીં માટે ગ્રાન્ટેડ સ્કુલો બંધ થઈ ગઈ, શિક્ષકો ફાજલ પડયા અને તેમની નોકરી પણ જતી રહી, હવે તે શિક્ષકો ખાનગી સ્કુલોમાં પાંચથી દસ હજારની નોકરી કરતા થઈ ગયા.

જે સફાઈ કામદારને કોપોરેશન પંદર-સત્તર હજાર પગાર આપતી હતી, તેણે યુનિયનના નામે કામની દગડાઈ કરી, તે પોતાના કામમાં પ્રમાણિક રહ્યો નહીં, તેના કારણે હાઉસ કિપીંગના રૂપાળા નામે ખાનગી કોન્ટ્રાકટર સરકારી ઈમારતો અને જાહેર રસ્તાની સફાઈનો કોન્ટ્રાકટર લેવા લાગ્યા, સરકારે સફાઈ કામદાર દેવાના બંધ કરી અને નોકરી માટે  સફાઈ કામદારોને ખાનગી કોન્ટ્રાકટર પાસે જવુ પડે અને તે ચાર-પાંચ હજારનો પગાર આપે છે. આખરે સરવાણો માંડો તો પ્રજાને નુકશાન થયુ તેના કરતા વધુ નુકશાન સરકારી કર્મચારીઓને થયુ છતાં હજી આપણી આંખ ખુલતી નથી.

આજે પણ સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને અમલદારો તેમની ઓફિસમાં આવતી પ્રજા સાથે ગુલામ જેવો જ વ્યવહાર કરે છે. અને કામ પણ કરે તો જાણે આમ જનતા ઉપર ઉપકાર કરતા હોય તેવુ લાગે છે. એક દિવસ પહેલા જ મેં અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી ભાર્ગવી દવે સાથે વાત કરી તેમને મળેલા  અબ્દુલ કલામ ઈનોવેશન એવોર્ડમાં કરેલી કામગીરીની ચર્ચા કરી હતી, ત્યારે તેમણે મને કહ્યુ કે અમદાવાદ જિલ્લામાં જે કઈ સારા કામ થયા તેમાં નાના-નાના કર્મચારીઓનો મોટો ફાળો છે, કારણ ટીમ વગર કયારેય કોઈ સારૂ કામ શકય નથી. ત્યારે મને પ્રશ્ન થયો હતો કે કે પોતાનું સરકારી કામ પણ પ્રમાણિકપણે કરવામાં જે કર્મચારીઓને કંટાળો આવે છે. તે કર્મચારીઓ પાસે કઈક નવુ અને વધારાનું કામ કેવી રીતે લઈ શકાય.

તેવા જવાબમાં મને ભાર્ગવી દવેએ બહુ સરસ વાત કરી, તેમણે કહ્યુ મેં મારા કર્મચારીઓ અને અધિકારીઓને સમજાવ્યુ કે જુઓ તમે પ્રજાને સરકારી લાભ લેનાર જ માનો છે, તે વાત મનમાંથી કાઢી નાખો, તમે હવે સર્વિસ પ્રોવાઈડર છો, અને પ્રજા તમારી કસ્ટમર છે, કારણ પ્રજા સારી સેવા માટે ટેકસ ભરે છે.જો તમે તમારૂ કામ પ્રમાણિકપણે નહીં કરો, એક દિવસ પ્રજા રસ્તામાં ઉભા રાખી પોતાના કામનો હિસાબ માંગશે, સાથે સરકાર પણ તમારી કામચોરીને કારણે સેવાઓનું ખાનગીકરણ કરી નાખશે તો તમારી નોકરીઓ પણ જતી રહેશે. તમારે પ્રજા માટે પણ નહીં પણ તમારે તમારી નોકરી ટકે રહે તે માટે પણ સારૂ કામ કરવુ પડશે , અને મારા કર્મચારીઓને તો આ વાત સમજાઈ ગઈ છે તેનું આ પરિણામ છે.

Sunday, October 23, 2016

એક બાળક ભુખ્યુ છે, અને તમે શીવલીંગ ઉપર દુધ ચઢાવો છો

બે દિવસ પહેલા એક સરકારી નોકરીની જાહેરખબર જોઈ, આ નોકરી માટે તમામ લાયકાત ધરાવતા મારા એક મીત્રને કહ્યુ તારા માટે આ નોકરી ઉત્તમ છે, જો તારી ઈચ્છા સરકારી નોકરી કરવાની હોય તો અરજી કરવી જોઈએ, તે મારી સામે કઈક વિચિત્ર નજરે જોઈ રહ્યો, મેં પુછયુ શુ થયુ, તેણે મને કહ્યુ સરકારી નોકરીમાં હું ફીટ થઈશ કે નહીં તેનો વિચાર કરી રહ્યો છું અને બીજી વાત રોજ એકનું એક કામ કરવાની મઝા પણ શુ આવે. હુ હસ્યો. મેં કહ્યુ આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા જયારે મારા પિતા મને સરકારી નોકરી કરવી જોઈએ તેવો મત વ્યકત કર્યો, ત્યારે પણ આ જ વાત કરી હતી. સારી વાતે છે. નાની ઉમંરે જે યુવાનને પોતાની શકિત અને આવડત ઉપર ભરોસો હોય તેમને આવો વિચાર આવવો જ જોઈએ. હુ પણ પત્રકાર થયા પછી વર્ષો સુધી એવુ માનતો રહ્યો કે સરકારી અધિકારીઓ કઈ રીતે બીજા કરતા જુદુ વિચારી શકે, તેમને મન નોકરી એટલે ઘડીયાળના કાંટે ચાલતી દસથી છની નોકરી, કદાચ પ્રજા સરકારી બાબુઓની આ જ માનસીકતાને કારણે હેરાન થઈ રહી છે.

પણ પત્રકારત્વના થતાં ખરાબ અનુભવોની સાથે સારા અનુભવો પણ ખુબ થયા, પણ સામાન્ય રીતે આપણે આપણે ખરાબ અનુભવોની ચર્ચા ખુબ કરતા હોઈએ છીએ, પણ કયાંક કોઈ અધિકારી સારૂ કરતો નજરે પડે ત્યારે આપણને લાગે છે કે તે બાબતો તેની નોકરીનો જ ભાગ છે, તેમાં નવુ શુ કર્યુ, થોડા દિવસો પહેલા અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવેને અબ્દુલ કલામનો ઈનોવેશન એવોર્ડ મળ્યો, ભારતમાં કુલ ચૌદ આઈએએસ અધિકારીઓને આ એવોર્ડ મળ્યા, જેમાં ભાર્ગવી દવે પણ એક છે, જો કે મેં આ ઘટનાને કયા સમાચારના સ્વરૂપમાં જોઈ નહીં. 2007ની બેંચના આઈએએસ અધિકારી ભાર્ગવી દવેને મળવાનું થયુ, મારા મનમાં તેમના એવોર્ડને લઈ અનેક સવાલો હતો, એક સરકારી અમલદાર પોતાન નોકરીમાં શુ નવુ કરી શકે અને તેનો સીધો ફાયદો કેવી રીતે લોકોને થાય તે જાણવામાં મને રસ હતો.

કારણ ભારતીય સેવાનો એક અધિકારી ભારતીય સેવામાં સ્થાન મેળવવા માટે વર્ષો સુધી આકરો અભ્યાસ કરે છે, પછી જયારે તે તેમા સ્થાન મેળવી ભારતીય સેવાનો ભાગ બને છે ત્યારે તેમને  કમનસીબે ઓછુ ભણેલા, અણઆવડતવાળા , બીનસંવેદનશીલ અને બરડ માનસીકતાવાળા નેતાઓ સાથે પનારો પડે છે.જો કે બધા જ નેતાઓ આવા હોતા નથી, છતાં આવા નેતાઓની આપણે ત્યાં બહુમતી છે. આ સ્થિતિમાં કઈક સારૂ કરવાની વાત આવે તો તે વાત વર્ષો સુધી ફાઈલોમાં જ અટવાયા કરે છે. આ સ્થિતિમાં ભાર્ગવી દવે જેવા આઈએએસ અધિકારીએ કલામના નામનો ઈનોવેશન એવોર્ડ મળે તે જ મોટી સિધ્ધી હતી. મેં તમને પુછયુ તમારા ઈનોવેશન શુ છુ. મારો પ્રશ્ન સાંભળી તેમના ચહેરા ઉપર એક હાસ્ય આવ્યુ, તેમણે કહ્યુ મેં ખાસ કરી કર્યુ નથી, છતાં રોજ બરોજ આપણી આંખ સામે જે આવે છે તેમાંથી કઈ રીતે ઉકેલ મળે તે દિશામાં કામ કર્યુ.

શ્રાવણ મહિનો આવતો હતો, મેં મારા જિલ્લાના તમામ તલાટીઓ અને સરપંચને બોલાવી મારી વાત કરી તેઓ સમંત્ત થયા , પહેલા તો મારી વાત તેમને પસંદ પડી હતી, મારા જિલ્લાના તમામ ગામના શીવ મંદિરો ઉપર સ્ટીકર લાગી ગયા, મેં જોયુ છે કે એક તરફ બાળકો કુપોષણનો શીકાર થઈ રહ્યા છે. જયારે આપણે શીવ ભકતિના નામે હજારો લીટર દુધ શીવમંદિરમાં ચઢાવીએ છીએ, લોકો મંદિરમાં ફળો પણ પુષ્કળ પ્રમાણમાં મુકે છે, જે પુજારી ખાઈ પણ શકતો નથી, સાંજ પડે તે ફળો કચરા પેટીમાં જાય છે, તમામ મંદિરોની બહાર મોટા પીપ મુકાઈ ગયા, લોકોની વિનંતી કરી, શીવલીંગ ઉપર પ્રતિકાત્મક પાંચ ચમચી દુધ ચઢાવો, બાકીનું અમને આપી, દો તેવી રીતે ફળ પણ આપો, કારણ આપણા બાળકો ભુખ્યા, લોકોને મારી વાત સ્પર્શી ગઈ, એક માત્ર અમદાવાદ જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન આઠ હજાર લીટર દુધ અને હજારો કિલ ફળ મળ્યા, જે અમે રોજે રોજ આંગણવાડીમાં આવતા બાળકોને સુધી પહોંચાડતા હતા.

ભાર્ગવીએ કહ્યુ અનેક સરકારી કામો એવા છે કે માત્ર સંવેદનશીલતા સાથે તે પ્રશ્નને જોવાની નજર બદલવી પડે, અને તમારી સાથે કામ કરતા કર્મચારીઓને તેવા વિચારમાં સામેલ કરવા પડે, મારી પાસે દસ હજાર કર્મચારીઓ છે, મેં તેમને મળવાનું શરૂ કર્યુ. આપણે ત્યાં હજી પણ પ્રસુતી વખતે માતા-બાળકનું મૃત્યુનું પ્રમાણ વિશેષ જોવા મળે છે, મેં એક નવો વિચાર આપ્યો, રાજય સરકારની મહિલા માટેની મમતા યોજના છે, મેં આશાબહેનો, અને ડૉકટરોની એક મિટીંગ બોલાવી, અને કહ્યુ તમારા વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ કેટલી છે તેનુી ટેગીંગ કરો, અને જેટલી મહિલાઓ ગર્ભવતી હતી તે તમામની જવાબદારી એક એક અધિકારી અને ડૉકટરોને સોંપી દીધી. જેમાં વ્યકિતગત સંભાળની વાત હતી. ગત વર્ષે 17 હજાર મહિલાઓ ગર્ભવતી હતી, જેમાં આઠસો મહિલા એવી હતી કે જેમનું પ્રસુતી દરમિયાન તેમનું અને બાળકની મૃત્યુ થવાની સંભાવના હતી. મેં ડૉકટરોને બોલાવી કડક સુચના આપી( પછી હસતા હસતા કહ્યુ કયારેક કડક પણ થવુ પડે) કે આ આઠસો મહિલાઓમાંથી એક પણ મહિલા અથવા બાળકનું મૃત્યુ થયુ તો તમારી નોકરીને ખેર નથી.

આ મહિલાઓ ખુબ ગરીબ પણ હોય છે, જેના કારણે પણ કેટલીક સમસ્યાઓ હોય છે. અમે આ મહિલાઓને દર મહિને પાંચ કિલ ખજુર ઘીની બરણીમાં મુકી આપવાની શરૂઆત કરી જેથી માતા અને તેના બાળકને પોષણ મળે, અને આ આશ્ચર્ય વચ્ચે આઠસોમાંથી એક પણ મહિલા અથવા બાળકનું મૃત્યુ ના થયુ, જેનો બીજો લાભ એવો થયો કે સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી, તેવી જે લાગણ હતી, તેમાં બદલવા આવ્યો અને અમારા દવાખાનામાં બાવન ટકા દર્દી નવા આવ્યા જે ખાનગી દવાખાનાઓમાં  મોંઘી સારવાર લેતા હતા, આવી જ રીતે શિક્ષણમાં કામ કર્યુ, મારી પાસે અઢી લાખ બાળકો અને સાતસો સ્કુલો છે, મારી ચીંતા હતી, શિક્ષણનું સ્તર કેવી રીતે ઉપર આવે.. મે અમદાવાદની પચાસ મોટી સ્કુલો સાથે ઈન્ટર એકસચેન્જ પ્રોગ્રામ માટે એમઓયુ કર્યા, શહેરના બાળકો અને શિક્ષકો ગામડાઓની સ્કુલમાં આવવા લાગ્યા, અને ગામડાના બાળકો અને શિક્ષકો શહેરમાં આવવા લાગ્યા, શહેરના બાળકો પાસે સમૃધ્ધી હતી, જયારે અમારા બાળકો પાસે પ્રકૃત્તી હતી,  બાળકો વારતામાંથી ઘણુ શીખે છે, જે આપણે પંચતંત્રની વારતામાં જોયુ છે, એટલે સાતસો સ્કુલોમાં દર શનિવારે સરપંચથી તલાટી, શિક્ષક, સાહિત્યકાર વગેરે આવે જેને અમે સ્ટોરી ડે કહીએ છીએ. કારણ ગુજરાતી માધ્યમના બાળકોને પોતાની માતૃભાષા ગુજરાતીમાં આવડતી નથી તેવુ અમારા ધ્યાનમાં આવ્યુ છે. ખાનગી શાળામાં તો પેરેન્ટ ડે હોય છે. પણ સરકારી શાળાઓમાં વાલી અને બાળક બંન્ને ગરીબ હોવાને કારણે આવુ કઈ થતુ નથી, પણ હવે અમે તમામ સરકારી શાળાઓમાં વાલીઓને બોલાવવાની શરૂઆત કરી

એક મઝાની વાત, જેને સરકાર સાથે કોઈ લેવા દેવા નથી ગામમાં સાસુ-વહુ સંમેલનની શરૂઆત કરી, કારણ આજે પણ ઘરનો મુખ્ય કમાન્ટન્ડ ટોમ સાસુ જ હોય છે, એટલે નવા સમય સાથે વહુ બદલાવવ તૈયાર હોય તો પણ સાસુ ના પાડે તો તેમાં કોઈ ફેરફાર થતો નથી, અમે સરકારી યોજનાઓની જવાબદારી સાસૂઓને સોંપી, તે અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે. અને અમે શ્રેષ્ઠ સાસુ કોણ હોઈ શકે તેવી શરૂઆત કરી અને તેમને એવોર્ડ આપવા લાગ્યા અને તે માધ્યમાંથી અનેક સરકારી યોજનાઓ લોકો સુધી લઈ ગયા, જેમને ગામની નટખટ ટોળકી, જે  સ્કુલના જ વિધ્યાર્થીઓ છે,. અમદાવાદ જિલ્લામાં  80 હજાર શૌચાલયની જરૂર છે, જેની સામે 60 હજાર બની ગયા છે, છતાં તેમના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ જાહેરમાં જ જાય છે કારણ તેમને બંધ બારણે મઝા આવતી નથી. મારી નટખટ ટોળકી ગામની સીમમાં જઈ સવારે ઉભી રહે, જો કોઈ જાહેરમાં શૌચાલય કરવા બેસે તેની સાથે તેમને આપવામાં આવેલી વ્હીસલ વગાડવા લાગે છે. કલ્પના કરી જુવો કોઈ ડબલુ લઈ બેસવા જાય અને વ્હીસલ વાગે તો કેટલો સંકોચ થાય

Thursday, October 20, 2016

પ્રજા પોલીસને મારે છે શુ કામ ?

થોડા દિવસ પહેલા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ઝડપે કાર ચલાવી રહેલા યુવકને પોલીસે ઠપકો આપતો, યુવકે પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો, તેવી જ રીતે સોલા પાસે ટ્રાફિક પોલીસે સીગ્નલ તોડનાર યુવકને અટકાવતા તેણે ટ્રાફિક પોલીસની ધોલાઈ કરી નાખી, જયારે નો પાર્કિગ ઝોનમાં બાઈક પાર્ક કરનાર યુવકનું બાઈક ટો થતાં તેણે પણ પોલીસને માર માર્યો હતો. આપણે બધા જ નાના હતા ત્યારે આપણા વડિલો સામાન્ય રીતે કહેતા ચાલ સુઈ જા બાવો આવશે, અથવા તોફાન બંધ કર નહીંતર પોલીસ આવી જશે. આવુ મોટા ભાગના ઘરોમાં આજે પણ થાય છે તેના કારણે ભગવા વસ્ત્ર પહેરનાર સન્યાસી અને પોલીસ માટે માન થવાને બદલે બાળ માનસથી પોલીસ અને સન્યાસી આપણા માટે રાક્ષસ સમાન રહ્યા છે.

સન્યાસી પાસે તમે ના જાવ તો ચાલે પણ કોઈ પણ સમાજને પોલીસ વગર ચાલી શકતુ નથી, જો કે કુલ વસ્તીના દસ ટકા લોકોને જીવનમાં એક પણ વખત પોલીસ સ્ટેશન સામાન્ય કામ માટે પણ જવુ પડયુ નથી છતાં પોલીસનું નામ પડે તો પોલીસની હાજરીમાં ભલે તેમને માન મળે પણ જેવી પોલીસની પીઠ ફરે તેની સાથે દુનિયાના શ્રેષ્ઠ શબ્દો દ્વારા તેમને બહુમાન આપવામાં આવે છે. જો કે પોલીસને માન નહીં મળવા માટેના તેમના વ્યકિતગત કારણો પણ છે, પોલીસ પુરૂષોત્તમના સ્વરૂપમાં છે છતાં તેમને ગાળ અને માર પડે તેવી હકિકત પણ નથી, છતાં પોલીસને ખાસ કરી ગુજરાતમાં માર પાડવાના કારણો અલગ છે.કાશ્મીરમાં પણ પણ પોલીસ ઉપર હુમલાઓ થાય છે પણ તેના કારણે ત્યાંની સ્થિતિ પ્રમાણેના અલગ છે, છતાં અમદાવાદમાં ખાસ ટ્રાફિક પોલીસ અને પીસીઆર વાન ઉપર હુમલા થવાના કારણો પણ અલગ છે.

જયાં સુધી ભ્રષ્ટાચારનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પોલીસનો નંબર કદાચ દસમાં નંબરે છે, છતાં સૌથી વધુ બદનામ પોલીસ છે. સરકારીના પ્રતિનિધિ તરીકે યુનિફોર્મ પહેરી રસ્તા ઉપર ઉભો રહેનાર પોલીસ છે. પ્રજાને તેને રોજ સવાર સાંજ રસ્તા ઉપર ટ્રાફિક કંટ્રોલ કરતા જુવો છે, પણ તે પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા કરતા ઓવરલોડ ટેમ્પો, વધુ પેસેન્જર લઈ જતી રીક્ષા અને હેલ્મેટ પહેરી વગર નિકળતા વાહન ચાલકોને રોકવામાં વધુ રસ હોય છે. આ કામ પણ ટ્રાફિક પોલીસનું જ છે, પણ તે વાહનો રોકયા પછી પાવતી બનાવવા કરતા રોકડીમાં તેને વધુ રસ હોય છે, જો કે વાહન ચાલકને પણ પાવતી કરતા ઓછી રકમમાં કામ પતાવી દેવાની ઉતાવળ હોય છે. તાળીઓ તો બંન્ને હાથે પડે છે. પણ હજારોની સંખ્યામાં પસાર થતાં વાહન ચાલકોની હાજરીમાં આ આ વ્યવહાર થાય છે.

પોતાની ચેમ્બરમાં કરોડોનો વ્યવહાર કરતા આઈએએસ અને આઈપીએસ અધિકારી વધુ ધૃણાપાત્ર હોવા જોઈએ છતાં પાંચ પચ્ચીસ રૂપિયા લેતો ટ્રાફિક કોન્સટેબલ વધુ ધીક્કારપાત્ર બને છે. આવા સંજોગોમાં જયારે કોઈ પોલીસ પ્રમાણિકપણે પોતાનું કામ કરવા જાય ત્યારે તેના ઈરાદાઓ પણ શંકાને દ્રષ્ટીએ જોવામાં આવે છે. અને પછી પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય. એક સામાન્ય સ્કુટર ચાલક જુવે છે કે ટ્રાફિક પોલીસ ઓડી કારમાં ફોન ઉપર વાત કરી રહેલા ડ્રાઈવરને કયારે રોકવાની હિમંત કરતી નથી, સ્કુલવાનમાં જતો વિધ્યાર્થી જુવે છે, કે જયારે ટ્રાફિક પોલીસ તેની વાનને અટકાવે ત્યારે સ્કુલવાનના ડ્રાઈવર અંકલ એકસોની નોટ પકડાવી કામ પતાવી દે છે.

રસ્તા ઉપર લારી લઈ ધંધો કરતો એક લારીવાળાને ધ્યાનમાં આવે છે, પોલીસ રોજ તેની પાસેથી મફતનું ખાય છે અને હપ્તા પણ લઈ જાય છે, પણ મોટી મીઠાઈ દુકાનોના માલિક ફુટપાથ ઉપર મંડપ બાંધી ધંધો કરે છે પણ પોલીસ ત્યાં જવાની હિમંત કરતી નથી. આવી નાની નાની બાબતો સામાન્ય માણસના મનમાં ઘર કરી જતી હોય છે. પણ બાળપણથી પોલીસથી ડરવુ જોઈએ તેવુ શીખવવામાં આવ્યુ હોવાને કારણે તે પોલીસની સામે પડવાની હિમંત કરતો નથી, પણ એક દિવસ તેનો ગુસ્સો ફાટી પડે ત્યારે તે પોલીસને મારવાથી પણ ચુકતો નથી.

પોલીસ ઉપર હુમલો થાય તે હરગીજ ચલાવી શકાય નહીં કારણ તે માત્ર ખાખી કપડા ઉપરનો હુમલો નથી  પણ તે  સીસ્ટમ ઉપર થતો હુમલો છે. અને જો એક વખત પોલીસને મારવાની ટેવ પડી જશે તે સામાન્ય માણસ માટે  આવો સમાજ વધુ જોખમી બની જશે, છતાં પોલીસને પણ પોતાને ખાખીમાં ઝાંકીને જોવાની જરૂર છે , પોલીસનો ડર ગુંડાઓને લાગવો જોઈએ, પ્રજાને નહીં, પણ પરિસ્થિતિ તેના કરતા વિપરીત છે,પ્રજા પોલીસને માન આપે તેવી સ્થિતિ માટે પોલીસે વિચારવુ પડશે અને વર્તવુ પડશે. અને વાત રહી પોલીસ ઉપર હુમલો કરનારની ત્યારે હુમલાખોર કોઈ પણ નેતાનો સગો અથવા શ્રીમંતનો નબીરો હોય પણ તેના માટે આપણે કોઈએ ભલામણ કરવાને બદલે એટલુ જ કહેવુ પડશે તેની તેની જ ભાષામાં સમજાવો.

Tuesday, October 18, 2016

આંખો જયારે વાત કરતી હોય છે ત્યારે હોઠ બંધ હોય છે

વરસતા વરસાદમાં ચિત્રાંગે સુરભીને પુછયુ હતું તુ મારી સાથે લગ્ન કરીશ, પણ હજી સુરભીના મનમાંથી આદેશની છબી ભુસાઈ જ ન્હોતી.જો કે ત્યારે તો સુરભીએ તેને કોઈ જવાબ આપ્યો નહીં પણ મહિનાઓ આગળ વધતા ગયા અને આદેશના ચિત્રના સ્થાને ચિત્રાંગે સ્થાન લઈ લીધુ હતું. અને પછી સુરભી ચિત્રાંગની થઈ ગઈ, ચિત્રાંગ ઓછુ બોલનારો માણસ હતો પણ બહુ પ્રેમાળ  હતો સુરભી અને ચિત્રાંગ નાનપણના દોસ્ત હોવાને કારણે બંન્ને એક બીજાનાગમા અણગમા સારી રીતે સમજતા હતા, ચિત્રાંગનો  એન્જીનિયરીંગનો અભ્યાસ પુરો થતાં તેને પણ નોકરી મળી અને સુરભીને એક બેન્કમાં નોકરી મળી, લગ્નના બે વર્ષ બાદ વંસુધરાનો પણ જન્મ થયો હતો.

ચિત્રાંગ અને સુરભી ઓફિસે જવા સાથે જ નિકળતા હતા, , વંસુ સ્કુલે જવા લાગી હતી, તેને સાચવવા માટે એક આયા બહેન પણ મળી ગયા હતા, તે દિવસે તો હજી બે કલાક પહેલા સુરભી અને ચિત્રાંગ છુટા પડયા હતા, હોસ્પિટલના બીછાને સંપુર્ણપણે દાઝી ગયેલા ચિત્રાંગની આંખો સિવાય કોઈ ભાગ બાકી રહ્યો હતો, ત્યારે રડી રહેલી સુરભીમાં જાણે કયાંથી હિમંત આવી તેને પણ ખબર નથી, તેણે તરત પોતાની આંખો લુછી નાખી અને ચિત્રાંગને કહ્યુ ચિત્રાંગ હું તારી સાથે છુ, તને કઈ થશે નહીં હિમંત રાખ, ચિત્રાંગે પોતાના ચહેરા ઉપર સ્મીત લાવવનો પ્રયત્ન કર્યો પણ તે હસી શકયો નહીં.

સુરભીએ તરત નર્સને પુછયુ ડૉકટર કયા છે. નર્સે ઈશારો કરી ચેમ્બર બતાડતા, તે ડૉકટરની ચેમ્બરમાં પહોંચી, તેને પોતાનો પરિચય આપતા કહ્યુ ડૉકટર હું મીસીસ ચિત્રાંગ છુ, જે કઈ સ્થિતિ હોય તે મને સાચી કહેજો, કારણ મને ખોટુ કહેવાથી સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી, પણ મારે શુ કરવુ તેની મને ખબર પડે. ડૉકટરે આટલી હિમંતવાળી સ્ત્રી પહેલી વખત જોઈ હતી, ડૉકટરે કહ્યુ મીસીર ચિત્રાંગ અમે અમારા તમામ પ્રયત્ન કરી રહી રહ્યા છીએ, પણ ચિત્રાંગ એંસી ટકા જ દાઝી ગયા છે. સ્થિતિ નાજુક છે એટલે તો જરૂર કહીશ, સુરભી ચેમ્બરમાંથી બહાર આવી તેણે વંસુધરાની સ્કુલે ફોન કરી બનાવની જાણ કરી, ચિત્રાંગની સાથે કામ કરતા એક કર્મચારીને વસુને લેવા માટે સ્કુલે મોકલ્યો હતો.

વસુ ખુબ નાની હતી, પાંચ વર્ષની તેને તો ખબર જ ના પડી કે અંકલ તેને કેમ લેવા આવ્યા છે. જયારે વસુ હોસ્પિટલ પહોંચી ત્યારે સુરભીને તેને લઈ ચિત્રાંગ પાસે બર્ન્સ વોર્ડમાં પહોંચી, તેણે ચિત્રાંગને કહ્યુ જો ચિત્રાંગ વસુ આવી છે, તને મળવા માટે તે પણ કહે છે તને કઈ નહીં થાય, આટલુ બોલતા સુરભી પોતાના આંસુ રોકી શકી નહીં.ચિત્રાંગે વસુ સામે જોયુ તેની આંખમાંથી પણ દડદડ આંસુ પડવા લાગ્યા, મમ્મી-પપ્પાને રડતા જોઈ વસુની આંખો પણ ભરાઈ આવી, એટલે સુરભી તેને લઈ વોર્ડની બહાર નિકળી ગઈ, ડૉકટરના પ્રયત્ન અને સુરભીની પ્રાર્થના નિરઉત્તર રહી, બે દિવસ બાદ ચિત્રાંગ બધાને મુકી ચાલી નિકળ્યો, હવે સુરભી માટે વસુ અને વસુ માટે તેની મમ્મી સુરભી જ સર્વસ્વ હતી.

વસુને પોતાની મમ્મીએ કેવી રીતે પોતાની મોટી કરી તેનો અહેસાસ હતો, તેણે અનેક વખત પોતાની મમ્મીને પપ્પાની યાદમાં અનેક વખત એકલામાં સાંજે રડતા પણ જોઈ હતી, જયારે તે મમ્મીની આંખમાં આંસુ જોતી ત્યારે મમ્મી તરત આંખો લુછીને કહેતી આંખમાં કઈક પડયુ છે, પણ વંસુધરાને સમજ પડતી હતી, તેને પોતાની મમ્મીની એકલતા પણ સમજાતી હતી.જો કે વસુ પણ પોતાના મમ્મીનો ખુબ ખ્યાલ રાખતી હતી, તેને ખ્યાલમાં આવી રહ્યુ હતું કે થોડા સમયથી મમ્મી ખુબ જ ખુશ રહે છે. પણ તેને કારણમાં પડવાને બદલે મમ્મી ખુશ છે તેને સારી બાબત ગણી હતી.

વસુ  કોલેજમાં ગઈ ત્યારે તેના મીત્રોએ તેને કોફી બારમાં જવાનું કહ્યુ એટલે લેકચર છોડી, તેઓ કોફી બારમાં જવા નિકળ્યા, વસુએ જેવો કોફી બારનો દરવાજો ખોલ્યો તેની સાથે ખુણાના એક ટેબલ ઉપર તેની નજર પડી, ત્યાં તેની મમ્મી બેઠી હતી, તે ખુબ જ હસી હસીને તેને સાથેની વ્યકિત સાથે વાત કરી રહી હતી, જો કે સુરભીની નજર હજી વસુ ઉપર પડી ન્હોતી. અચાનક દરવાજામાં અટકી ગયેલી વસુને જોઈ તેના મીત્રએ કહ્યુ અરે રસ્તા વચ્ચે કેમ ઉભી રહી ગઈ આગળ ચાલ, તરત વસુએ પાછા વળતા કહ્યુ નહી યાર આપણે બીજા બારમાં જઈએ, જો કે વસુ ત્યાંથી બીજા બારમાં ગઈ પણ મમ્મી સાથે કોણ હતું તે વાત તેની અંદર આખો દિવસ ચાલતી રહી.

મમ્મી તેની સાથે તૈયાર થઈ હતી, આજે તો બેન્કમાં રજા પણ હતી, મમ્મીએ તેને કહ્યુ પણ હતું તે બહાર જઈ રહી છે, પણ કોની સાથે જઈ રહી છે તે કહ્યુ હતું તેમની બંન્ને વચ્ચેને સંબંધ મા-દિકરી કરતા સહેલીઓ જેવો વધુ હતું, મમ્મીએ તેનાથી કોઈ વાત આજ સુધી છુપાવી ન્હોતી. તો કોણ હશે પેલી વ્યકિત તે પ્રશ્ન ધુમરાયા કરતો હતો. વસુ કોલેજથી પાછી ફરી ત્યારે મમ્મી ઘરે જ હતી, તે જુદી જ નજરે હવે મમ્મીને જોઈ રહી હતી, ખરેખર મમ્મીના ચહેરા ઉપર એક પ્રકારની પ્રસન્નતા હતી, તે વાત સારી હતી, પણ મમ્મીને ખુશ કરે તેવી વ્યકિત કોણ હોઈ શકે તેનો ઉત્તર બાકી હતો. રોજ રાતે જમ્યા પછી સુરભી ટીવી જોવા બેસે ત્યારે વસુ તેના ખોળામાં માથુ મુકી નોવેલ વાંચે, તે દિવસે પણ વસુ મમ્મીના ખોળામાં આડી પડી હતી.

તેણે અચાનક નોવેલ બંધ કરતા બેઠી થઈ અને મમ્મીનો હાથ પકડતા કહ્યુ મમ્મી સાચુ કહીશ મને.. મમ્મીનું ધ્યાન ટીવીમાં જ હતું, તેણે વસુ સામે જોયા વગર કહ્યુ હં બોલ. મમ્મી આજે તારી સાથે કોફી બારમાં કોણ હતું., આ વાકય સાંભળતા જ સુરભીની ડોક વસુ સામે ફરી, તેણે કોઈ જવાબ આપ્યો નહીં, બંન્ને વચ્ચે એકદમ શાંતિ છવાઈ ગઈ, સુરભી વિચાર કરવા લાગી, તેણે થોડીવાર પછી રીમોટ લઈ ટીવી ઓફ કર્યુ તેણે પોતાના બંન્ને પંજા સામે જોતા કહ્યા, બેટા હું તને કહેવા માગતી હતી, પણ કઈ રીતે તને વાત કરૂ મને સમજાતુ ન્હોતુ, કદાચ મારી હિમંત પણ થતી ન્હોતી, મને ડર લાગ્યા કરતો હતો કયાંક તુ મારાથી દુર જતી રહીશ.

વસુએ પોતાની મમ્મીના પીઠ ઉપર હાથ ફેરવી જાણે અહેસાસ આપ્યો હોય મમ્મી તેવુ કઈ નહી થાય, તુ મને બધુ જ કહી શકે છે. સુરભીએ વસુ સામે જોતા કહ્યુ તેનું નામ આદેશ છે, તે વર્ષો પહેલા અમેરીકા જતો રહ્યો, હું અને તારા પપ્પા તેના મીત્રો હતા, પછી સુરભીએ તેને અતથી ઈતિ સુધી બધુ જ કહી દીધુ, વસુ મમ્મીને ધ્યાનથી સાંભળતી રહી. થોડા મહિના પહેલા એક ગ્રાહક તેની બેન્કમાં આવ્યો, તેનો જોતા જ સુરભીને લાગ્યુ કે આ તો આદેશ છે, તેણે સુરભી સામે જોયુ પણ તે સુરભીને ઓળખી શકયો નહીં, સુરભીએ ખાતરી કરવા માટે તેની પાસબુક ઉપર નામ વાંચ્યુ તો તે આદેશ જ હતો. અમેરીકામાં આદેશ રહ્યો ખુબ પૈસા કમાયો, પણ તેનું મન તેને સતત ભારત પાછા જવાનું કહેતુ હતું, ખબર નહીં આટલા વર્ષો પછી સુરભી અને આદેશનું મળી જવુ ગયા જન્મનું કોઈ લેણુ હશે.

વસુએ મમ્મીને પંજો પોતાના હાથમાં લેતા પુછયુ મમ્મી તને આદેશ અંકલ આજે પણ ગમે છે.. સુરભીએ કોઈ જવાબ આપ્યો નહીં, તેણે વસુએ ફરી પુછયુ મમ્મી તને આદેશ અંકલ ગમે છે. સુરભીને નજર ચિત્રાંગની તસવીર સામે ગઈ, વસુએ કહ્યુ મમ્મી પપ્પા તને કાયમ ખુશ જોવા માગતા હતા, અને આજે પણ જો તે તારી સામે જ જોઈ રહ્યા છે.સુરભી શાંત હતી, વસુએ પુછયુ મમ્મી આદેશ અંકલના ફેમેલીમાં કોણ કોણ છે. સુરભીએ ધીમા અવાજે કહ્યુ તેણે લગ્ન કર્યા નથી. વસુ જાણે સુરભીની મા હોય તેમ આખી વાત કરી રહી હતી. મમ્મી આદેશ અંકલ તને પસંદ કરે છે. સુરભીએ કહ્યુ ખબર નહીં.વસુએ કહ્યુ મમ્મી તુ આદેશ અંકલ સાથે લગ્ન કરે તો મને કોઈ વાંધો નથી થોડા વર્ષો પછી હું પણ મારે રસ્તે જતી રહીશ પછી તુ એકલી પડી જઈશ અને પછી સુરભી અને વસુ વળગીને રોઈ પડયા.

બીજા દિવસે સવારે વસુ કોલેજ જવાનું કહી નિકળી પણ કોલેજ જવાને બદલે સીધી આદેશની ઓફિસે પહોચી હતી, તે આદેશની ચેમ્બરમાં દાખલ થઈ, અને તેને આદેશને જોતી જ રહી, આદેશને બહુ આશ્ચર્ય થયુ કોઈ યુવતી તેની ચેમ્બરમાં આવીને આવી રીતે રીતે કેમ જોઈ રહી છે. જો કે ખુદ વસુને ખ્યાલ આવતા તેણે તરત પોતાનો પરિચય આપતા કહ્યુ આદેશ અંકલ હું વંસુધરા.. ચિત્રાંગ અને સુરભીની દિકરી. આદેશ ખુરશીમાંથી ઉભો થઈ ગયો, તેના માટે વંસુધરાનું અહિયા સુધી પહોંચવુ અનઅપેક્ષીત હતું, સુરભી તેને વંસુ અંગે વાત કરી હતી, પણ તેઓ મળ્યા ન્હોતા, આદેશે તેને બેસાડી, પહેલા તો વસુએ અમેરીકા કેવુ લાગ્ય ભારત કેમ આવ્યા વગેરે વગેરે વાત કરી અને પુછી એકદમ પુછયુ અંકલ તમે મારી મમ્મી સાથે લગ્ન કરશો.

આદેશ સ્તબ્ધ થઈ ગયો, એક નાનકડી છોકરી પોતાના મમ્મી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈ આવી હતી, કદાચ આવુ તો અમેરીકામાં પણ થતુ નથી. આદેશ તરત વસુ સામેથી નજર ફેરવી લીધી, પહેલા તો તેને સમજાયુ કે જ નહીં કે શુ જવાબ આપવો. વસુએ કહ્યુ જુઓ અંકલ તમારા લગ્ન થાય તેની સામે મને કોઈ વાંધો નથી, મારે માટે મારી મમ્મી ખુશ રહે તે જ મહત્વનું છે, મને તમારી ખબર નથી, પણ મમ્મી તમને પ્રેમ કરે છે. જો તમને મમ્મી પસંદ હોય તો લગ્ન કરી લો. કયાં સુધી બંન્ને એકલા એકલા કોફી બારમાં જશો. આટલુ બોલતા વંસુધરા હસી પડી અને આદેશ પણ.

થોડા દિવસ પછી મેરેજ રજીસ્ટ્રાર સામે આદેશ અને સુરભીએ લગ્ન કર્યા, ત્યારે વંસુધરા પણ ત્યાં હાજર હતી, સુરભીના લગ્નના સાક્ષી તરીકે વસુએ જ સહી કરી હતી.

Saturday, October 15, 2016

તેનું અચાનક આવવુ મારી જીંદગીનો ગયા જન્મનો બાકી હિસાબ જ હશે.

બેટા તારી કોલેજનો ટાઈમ થવા આવ્યો છે, કેટલી વાર તૈયાર થવામાં.. મમ્મીનો અવાજ સાંભળી વસુંધરાએ ડ્રેસીંગ રૂમમાંથી જવાબ આપતા કહ્યુ મમ્મી બસ રેડી જ છુ. અને એક જ મિનીટમાંવસંધુરા બહાર આવી, રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળતા વસુંધરા સામે જોયા વગર  કહ્યુ વસું આટલી મોટી થઈ પણ હજી તૈયાર થતાં કેટલી વાર કરે છે. પણ સુરભીને કોઈ જવાબ નહીં મળતા તેણે પાછા વળી વસુંધરાની સામે જોયુ. વસુંધરા પોતાની મમ્મીને જોઈ રહી હતી, જાણે તે પોતાની મમ્મીને પહેલી વખત જોઈ રહી હોય તેમ પગથી માથા સુધી જોઈ રહી હતી. સુરભી છણકો કરતા કહ્યુ વસું હુ તારી સાથે વાત કરૂ છુ, વસુંધરાએ મમ્મીના પ્રશ્નનો જવાબ આપવાને બદલે મમ્મીની પાસે આવે તેને બન્ને ખભેથી પકડતા તેની આંખોમાં જોતા કહ્યુ મમ્મી તુ કેટલી સુંદર લાગે છે.

સુરભી પોતાના બન્ને ખભા છોડવતા કહ્યુ ચાલ આડી અવળી વાત કરીશ નહીં, તને મોડુ થઈ જશે, હેલ્મેટ પહેર્યા વગર જતી નહીં, તારી બેગમાં ટીફીન મુકયુ છે જમી લેજે. વસુંધરાને લાગ્યુ કે મમ્મી વાત ટાળી રહી છે, તેણે ફરી સુરભીને પાછાથી વળગી પડતા કહ્યુ મમ્મી છેલ્લાં કેટલાય દિવસથી તુ મને પહેલા કરતા પણ વધુ સુંદર કેમ લાગે છે. ફરી વખત સુરભી તેની પકડમાંથી છુટતા કહ્યુ ચાલ નિકળ મારે પણ બહાર જવાનું છે. વસુંધરા તરત કેલેન્ડર સામે જોયુ અને કહ્યુ  મમ્મી આજે તો શનિવાર છે તારી બેંકમાં રજા છેને.. સુરભીએ કહ્યુ હા પણ મારે કામ છે.. તુ આવીશ તે પહેલા હું પાછી આવી જઈશ, વસુંધરા મમ્મીને વળગી પડી આઈ લવ યુ મા કહી તેના ગાલ ઉપર એક ચુંબન કરી પોતાની બેગ લઈ કોલેજ જવા રવાના થઈ, સુરભી દરવાજાની બહાર જઈ રહેલી વસુને જોઈ રહી હતી.

વસુ ત્યારે પાંચ વર્ષની હતી, ત્યારે ચીત્રાંગની ફેકટરીમાંથી ફોન આવ્યો કે જલદી હોસ્પિટલ પહોચો, સાહેબ જ દાઝી ગયા, સુરભી બેંકના પોતાના તમામ કામ પડતા મુકી હોસ્પિટલ પહોંચી હતી, ચીત્રાંગની ફેકટરીનો સ્ટાફ ત્યાં હાજર હતો, સુરભીની આંખમાં આંસુ ધસી આવ્યા, સુરભીને જોતા એક કર્મચારી તેને સીધો બર્ન્સ વોર્ડમાં લઈ ગયો, સુરભી ચીત્રાંગને જોતા ધ્રુજી ગઈ, તે પગથી માથા સુધી દાઝેલો હતો તેનું આખુ શરીર ઢાંકેલુ હતું, સુરભી પોતાના આંસુ રોકી શકી નહીં, તેણે પોતાના સાથે રહેલા કર્મચારી સામે જોયુ, તેણે કહ્યુ સાહેબ બોઈલરનું ટેમ્પરેચર ચેક કરી રહ્યા હતા ત્યારે બોઈલર  બ્લાસ્ટ થયુ. ચીત્રાંગ મિકેનીકલ એન્જીનિયર હતો. સુરભી ચીત્રાંગને વળગી રડવા માંગતી હતી, પણ તેનો શરીરનો એક પણ ભાગ એવો ન્હોતો કે તેને સ્પર્શ સુધ્ધા કરી શકે, ચીત્રાંગ ભાનમાં હતો તેની આંખો ખુલી હતી.

ચીત્રાંગે સુરભીને જોયુ, તેની આંખમાં આંસુ જોઈ તેણે માથુ હલાવી રડવાની ના પાડી, તે બોલવા માગતો હતો, તેના ગળાની નીચેનો ભાગ હલી રહ્યો હતો, પણ તેનો સ્વર બહાર આવી રહ્યો હતો, સુરભી ભાંગી પડી હતી, તેને લાગ્યુ કે તેનું સર્વસ્વ ખતમ થઈ ગયું. સુરભી અને ચીત્રાંગ પડોશમાં રહેતા હતા, જો કે ત્યારે તેમની દોસ્તી માત્ર પડોશીની જ હતી, સુરભીની પડોશમાં આદેશ પણ રહેતો હતો, સુરભી કદાચ સાતમાં આઠમાં હશે ત્યારથી તેને આદેશ ગમતો હતો તે તેની સાથે રમતી, વાતો કરતી કયારેય ભણવા પણ જતી હતી, પણ તેનાથી તેમની વાત કયારેય આગળ વધી જ નહીં. આદેશને કયારેય અંદાજ આવ્યો જ નહીં કે સુરભી તેને પસંદ કરે છે, જો કે ચીત્રાંગ આખી વાત સારી રીતે સમજતો હતો, તે એકદમ સમજદાર હતો, સમય આગળ વધ્યો અને એક દિવસ સુરભીને ખબર પડી કે આદેશ ભણવા માટે અમેરીકા જઈ રહ્યો હતો અને પછી ત્યાં જ સેટલ્ડ થવાનો હતો.

સુરભીને લાગ્યુ કે તે હમણાં જ દોડતી આદેશને ઘરે જાય અને તેને વળગી પડે અને કહે આદેશ હું તને પ્રેમ કરૂ છુ. ખુબ પ્રેમ કરૂ છુ મને છોડીને જઈશ નહીં, પણ તે તેવુ કરી શકી નહીં અને આદેશ અમેરીકા જતો રહ્યો, દિવસો સુધી સુરભી ગુમસુમ રહી હતી. એકલામાં રડી પણ લેતી હતી. એક દિવસ સુરભી ઘરના આંગણામાં બેઠી હતી ત્યારે ચીત્રાંગ તેની પાસે આવી બેઠો, સુરભીએ તેને જોયુ એક હાસ્ય આપ્યુ, તેણે સુરભી સામે જોતા ધીમા અવાજે પુછયુ સુરભી આદેશની યાદ આવે છે. સુરભીની ડોક એકદમ ચીત્રાંગ સામે ફરી તેણે કઈ જવાબ આપ્યો નહીં, પણ તે ચીત્રાંગને જોતી રહી, કારણ તેને પોતાને આદેશ ગમે છે તે વાત તો તેણે પોતાની જાત સિવાય કોઈને કરી જ ન્હોતી.. ચીત્રાંગે સુરભીની આંખમાં જોતા કહ્યુ મને નાનપણથી ખબર હતી કે તને આદેશ ગમે છે. તો પછી તે કેમ તેને કયારેય કીધુ નહીં. કોઈ આપણને ગમે તો તેને કહી દેવામાં કયારેય મોડુ કરવુ નહીં.

સુરભી રડી પડી કઈ પણ જવાબ આપ્યા વગર તે ઘરમાં દોડી ગઈ, પણ સુરભીને સારૂ લાગ્યુ કે કદાચ તેના મનની વાત સમજનાર ચીત્રાંગ તેની પાસે હતો, પછી અનેક વખત સુરભી ઘરના આંગણામાં જ મળતા, બંન્ને એકલા હોય ત્યારે આદેશની નાનપણની ખુબ વાતો કરતા હતા, સુરભીને મનમાં એક ખુણામાં આદેશની બધી જ યાદો સારી લાગતી હતી.મહિનાઓ આવી રીતે વિતી ગયા, એક દિવસ ખુબ વરસાદ પડી રહ્યો હતો, વરસાદ પડતો હતો ત્યારે નાનપણની જેમ બધા વરસાદમાં ન્હાવા માટે ઘરની બહાર નિકળ્યા હતા, સુરભી અને ચીત્રાંગ પણ ખરા, વરસાદમાં પલળી રહેલી સુરભી અત્યંત સુંદર લાગી રહી હતી., જાણે વરસાદનું પાણી પણ સુરભીને શરીરને સ્પર્શ કરવા માટે ઉતાવળીયુ થઈ હોય તેવુ લાગી રહી રહ્યુ, ચીત્રાંગ તેની પાસે આવ્યો, સુરભી જાણે આદેશની યાદમાં આખી ભીંજાઈ જવા માગતી હતી.

વર્ષો પછી સુરભીને ચીત્રાંગ સાથે નજીકની દોસ્તી થઈ હતી, એટલે જયારે તે વરસાદમાં તેની પાસે આવ્યો ત્યારે કઈ અજુગતુ લાગ્યુ નહીં, તે નજીક આવ્યો, સુરભીએ પોતાની આંખ ઉપર આવી રહેલુ વરસાદનું પાણી હથેળી ખસેડતા કહ્યુ ચીત્રાંગ કેટલો સારો વરસાદ છે નહી, ચીત્રાંગે કોઈ જવાબ આપ્યો નહીં, તે સુરભીને ભીજાયેલી જોવા માગતો હોય તેમ જોતો રહ્યોુ, સુરભીને ફરી કહ્યુ મેં તને કહ્યુ સાંભળે છે. ચીત્રાંગ વધુ નજીક આવ્યો તેણે કહ્યુ હવે હું કહુ છુ, તે તુ સાંભળ ..સુરભીને ચીત્રાંગના અવાજમાં એક પ્રકારની મક્કમતાનો અહેસાસ થયો, તેણે ફરી પોતાના ચહેરા ઉપર આવી રહેલુ પાણી ખસેડી તેની સામે જોયુ ચીત્રાંગે કહ્યુ સુરભી મને તુ ગમે.. તુ મારી સાથે લગ્ન કરીશ.. સુરભી માટે આખી વાત અનઅપેક્ષીત હતી, તેણે ચીત્રાંગ માટે કયારેય આવો વિચાર કર્યો ન્હોતો, તે સ્તબ્ધ થઈ ચીત્રાંગને જોતી જ રહી ગઈ, હવે જાણે વરસાદ પણ તેમની ઉપર તુટી પડવા માગતો હોય તેમ આકાશમાં વિજળીને મોટો કડાકો થયો અને વરસાદ એકદમ વધુ તાકાતથી  તુટી પડયો, બંન્ને એકબીજાની સામે જોતા વરસાદમાં ઉભા જ રહ્યા હતા.

(ક્રમશ- વધુ આવતીકાલે)

Friday, October 14, 2016

જેના હાથમાં બોમ્બ હતો, તેના હાથમાં આજે ગાંધીની આત્મકથા છે.

હું અને મારા મીત્ર બીનીત મોદી સાબરમતી સેન્ટ્રલ જેલના દરવાજા પહોચ્યા, અમારી પાસે ભારે બોકસ હતા, દરવાજા ઉપર ઉભા રહેલા સીપાઈ અમને ધ્યાનથી જોઈ રહ્યા હતા, તેમના મનમાં બોકસમાં શુ હશે તેવો પ્રશ્ન હતો, જો કે અમે પહોંચીએ તે પહેલા અમારા આગમનની જાણકારી જેલ સીપાઈ સુધી પહોંચી ગઈ હતી, તેના કારણે તેમણને અમને  બોકસ સાથે જેલના લોંખડી દરવાજાની અંદર પ્રવેશ આપ્યો, તેની સાથે જ એક કેદી અમને એક ચેમ્બરમાં તરફ લઈ ગયો તેણે કહ્યુ બેસો સાહેબ હમણાં આવે છે.. થોડીક જ વારમાં જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી ત્યાં આવી પહોંચ્યા, તેમણે અમને પુછયુ લઈ આવ્યા બધુ અમે હા પાડી, તેમણે તરત જેલના વેલ્ફેર ઓફિસરને બોલાવી લીધા.

જેલ વેલ્ફેર ઓફિસરે આવતા જોશીએ કહ્યુ જુઓ સાડા છસો ગાંધીની આત્મકથા આવી ગઈ છે. બેરેકમાં જઈ જેઓ પરિક્ષા આપી રહ્યા છે, તેમને પહોંચાડી દો. મને ત્યારે યાદ આવ્યુ કે મેં કહ્યુ 200 ખોલીની આત્મકથાનું બંડલ અલગ જ છે. 200 ખોલી શબ્દ કાને પડતા સુનીલ જોશીએ તરત મારી સામે જોયુ, તે હસ્યા, તેમણે વેલ્ફેર ઓફિસરને જવાની સુચના આપી, પછી તેમણે મારી સામે જોતા કહ્યુ ગાંધી પરિક્ષા તો નિમિત્ત છે, પણ કેદીઓ ગાંધીની આત્મકથા વાંચે તે જ મારી માટે મોટુ કામ છે. તેમાં પણ 200 ખોલીની કેદીઓ, આ સાંભળી મારા મનમાં ઉંડાણમાં પણ કઈક સારૂ જ થશે તેવી અહેસાસ થયો.

સામાન્ય માણસ માટે 200 ખોલી શબ્દનું કોઈ મહત્વ નથી, પણ જેલ સત્તાવાળાઓ માટે 200 ખોલી શબ્દ ઉંઘમાં  પણ કાને પડે તો ઉંઘ ઉડી જાય છે. કારણ સાબરમતી સેન્ટ્રલ જેલની 200 ખોલીમાં 2008માં બોમ્બ ધડાકા કરનાર ખુંખાર 80 કરતા વધુ  કેદીઓને રાખવામાં આવ્યા છે, જેમણે જેલમાં પણ સુરંગ ખોદી ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓ ધોળા દિવસે પણ જેલ સીપાઈ ઉપર હુમલો કરતા ખચકાતા નથી. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી વચ્ચે જયારે પહેલી વખત આ મુદ્દે મિટીંગ થઈ હતી, ત્યારે મને  યાદ છે.સાબરમતી જેલના કેદીઓ આત્મકથા વાંચીને ગાંધી પરિક્ષા આપશે તે વાતે જ બધાને રોમાંચીત કરી દીધા હતા. સાબરમતી જેલમાં 3000 કેદીઓ છે,

જયારે ગાંધી પરિક્ષાની વાત આવી ત્યારે 650 કેદીઓએ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભર્યા છે. જેમાં બોમ્બ ધડાકા કરનાર 17 કેદીઓ પણ છે, જેમની ઉપર હજી આરોપ છે , તેઓ ન્યાયની અદાલતમાં કસુરવાર સાબીત થયા નથી, તેઓ પોતાની ઈરાદાઓમાં મક્કમ છે, તેમને મન જેદાહ જ બધા પ્રશ્નોનો ઉકેલ છે. તેઓ  અંતિમવાદી છે, મેં ઘણા પોલીસ અધિકારીઓ સાથે અગાઉ પણ વાત કરી હતી, તેમના કહેવા પ્રમાણે આ તમામ આરોપી જે કર્યુ તે અંગે તેમની પાસે પોતાના તર્ક છે. તે સાચો છે કે ખોટો તે અંગે ભીન્ન મત હોઈ શકે પણ તેઓ ખુબ શિક્ષીત છે. છતાં પણ તેમને મન આ અંતિમવાદ જ શ્રેષ્ઠ માર્ગ છે.જયારે 200 ખોલીમાં આત્મકથા પહોચાડી દેજો તેવુ જોશી કહ્યુ ત્યારે મનમાં એક કલ્પના આવી કે સફદર પણ હવે ગાંધીને વાંચશે, કદાચ તે ગાંધીને વાંચ્યા પછી તેમની સાથે સંમત્ત ના પણ થાય છતાં પણ તેના સુધી ગાંધી પહોંચે તે જરૂરી હતું.

મનમાં સારૂ લાગી રહ્યુ હતું, જે સફદર નાગોરીએ  2008માં અમદાવાદના તબાહ કરી નાખવા માટે હાથમાં બોમ્બ પકડયો હતો,તેના હાથમાં ગાંધીની આત્મકથા હોવી તે જ વાત અદ્દભુત છે. ત્યાં ફોટોગ્રાફી થઈ શકતી નથી પણ જો ફોટો થાય તો તે એક ઉત્તમ ફોટો સ્ટોરી થઈ શકે તેમ છે. પણ 200 ખોલીના કેદીઓ ગાંધીને વાંચે તે વાત મારે મન બહુ મોટી છે. ગાંધીની વાંચ્યા પછી તેમના જીવનમાં ફેર પડે છે અથવા કોઈ જ ફેર પડતો નથી તેના માટે સમયને તેનું કામ કરવા દેવુ પડશે, છતાં સાબરમતી જેલની ગાંધી ખોલીથી( આઝાદીની લડાઈમાં ખુદ ગાંધીજીને જયા રાખ્યા હતા તે જગ્યાને ગાંધી ખોલી કહે છે) ગાંધીજી  200 ખોલી સુધી પહોંચ્યા તેનું મહત્વ છે.

હું બહાર નિકળી જ રહ્યો હતો ત્યારે એક દાઢી વધી ગયેલો કેદી મારી સામે જોઈ હસ્યો, મને તરત તેનો ચહેરો યાદ આવી ગયો, તેનું નામ સુરેશ તે લગભગ દોઢ દાયકાથી જેલમાં હતો, નવજીવન ટ્રસ્ટમાં જયારે કેદીઓના ડ્રોઈંગ મુકાયા તેમાં સુરેશના પણ કેટલાંક ચીત્રો હતા, 2 ઓકટોબરે ગાંધીજીના પ્રિય ભજન ગાવા માટે પણ સુરેશ નવજીવન આવ્યો હતો, મેં તેને પુછયુ કેમ છે સુરેશ .. તેના ચહેરા ઉપર એક હાસ્ય આવી ગયુ, તેણે મને એક સમાચાર આપતા કહ્યુ આવતીકાલે મારી સજા પુરી થઈ રહી છે, હું આવતીકાલે બહાર નિકળીશ  તે સાંભળી    મને ખુબ સારૂ લાગ્યુ.. મેં તેને કહ્યુ બહાર આવી તુ ચીંતા કરતો નહીં, નવજીવન ઉપર આવીને મને મળજે.

અગાઉ મારી અને વિવેક દેસાઈની  સુનીલ જોશીની હાજરીમાં ચર્ચા થઈ હતી, જેલમાંથી જે કેદીઓ છુટે તેને ફરી કામ મળે તે માટે પણ નવજીવન કામ કરશે, કારણ કામની સાથે સમાજમાં તેમને સ્વીકાર્યાતા મળે તે પણ એટલુ જ જરૂરી છે, સુરેશ બહાર આવશે અને કદાચ નવજીવન પરિવારનો સભ્ય પણ બની જશે, તે આપણો જ હતો થોડા સમય માટે આપણાથી વિખુટો પડયો હતો, તેવી જ રીતે સફદર અને તેના સાથીઓ પણ એક વખત આપણા થઈ જશે કારણ હવે ગાંધી ત્યાં પહોંચ્યો છે.મારા કેટલાંક મીત્રો મને કહે છે તેઓ કયારે બદલાશે નહીં પણ હું કહુ છુ મારા એકસો ખરાબ અનુભવો પછી પણ હું 101મી વખત માણસ ઉપર ભરોસો કરવાનું પસંદ કરીશ.

Thursday, October 13, 2016

જવાન -કિસાન અને દલિતનો ન્યાય માટેનો સંઘર્ષ..


સર્જિકલ સ્ટ્રાઇક નિમિત્તે આપણે આપણા જવાનો પર ગૌરવ લઈ રહ્યા છીએ. બીજી બાજુ આ જ ગાળામાં સૌરાષ્ટ્રના એક લશ્કરી દલિત જવાન દિનેશભાઈ રાઠોડની ગામના માથાભારે દરબારોએ છ વર્ષ પહેલાં કરેલી હત્યાનો ન્યાય મેળવવા માટે તેનાં કુટુંબીઓ ગાંધીનગરમાં ઉપવાસ પર ઊતરેલા છે. ત્રીસ વર્ષના  દિનેશ હૈદરાબાદના પોસ્ટિંગ પરથી રજાઓ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાના ગામ કરાડી આવ્યા હતા. એ વખતે તેમના ઘરની પાસે આવેલી પંચાયત ઑફિસે જુગાર રમતા અને ગાળાગાળી કરતા દરબારોની સાથે તેમને બોલાચાલી થઈ. એટલે ત્રેવીસમી માર્ચ 2010ના મધ્યાહ્નને દરબારોએ ગોળીબાર કરીને લશ્કરના ચાર ચંદ્રક મેળવનારા એક દેશરક્ષકને મારી નાખ્યો. દોઢેક વર્ષ પહેલાં આવેલા ચૂકાદામાં  તમામ પાંચ આરોપીઓ નિર્દોષ છૂટ્યા. ગામમાં તેમનું ફૂલેકું નીકળ્યું. દીકરાને બચાવતા ઘાયલ થયેલા પિતા જહાભાઈ (ઉંમર 70) અત્યારે મંદવાડ વચ્ચે ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે તેમના પત્ની જેઠીબહેન(65) અને બીજા દીકરા હાદાભાઈ(51) છે. માથાભારે કોમની ધાકધમકી વચ્ચે પણ ન્યાય માટે પાંચ વર્ષથી લડનાર પરિવાર કહે છે : ‘અમારો તો પાછો નો આયો, પણ એ લોકોય પાછા ન આવે એવી રીતે જેલમાં જવા જોઈએ...’
સૈનિકના પરિવાર ઉપરાંત પાટનગરના સેક્ટર છ-સાતના બસ સ્ટૅન્ડ પાસે આવેલી સત્યાગ્રહ છાવણી નામની જગ્યાએ પણ સૌરાષ્ટ્રના નવ, ઉત્તર ગુજરાતના અને અમદાવાદના એક-એક અત્યાચાર પીડિત ગરીબ દલિત પરિવારોના કુલ મળીને પચાસેક લોકો પંદરેક દિવસથી ધરણાં પર છે. સોમવારથી તેમના આમરણ ઉપવાસ ચાલુ થયા છે. તેમને અહીં ભેગા કરી આ ચળવળ ઊભી કરવામાં ભેખધારી દલિત કર્મશીલ રાજુ સોલંકીનો ફાળો મહત્ત્વનો છે. તેમની સાથે રાજુલાના અડીખમ કાર્યકર કિશોર ધાખડા છે જે બાર દિવસના ઉપવાસ સાથે નાજુક તબિયતે દોડધામ કરી રહ્યા છે. પણ તેમની સાથેનાં ગોવિંદભાઈ વણઝારા(65) અને તેમનાં પત્ની ધનીબહેન(60)ની તબિયત લથડતાં તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. નિંગાળા(તાલુકો : ખાંભા, જિલ્લો : અમરેલી) ગામના નાના ખેડૂત ગોવિંદભાઈના દીકરા રમેશ(27)ને એક રજપૂત અને તેના સાગરિતોએ બાજુના ડેડાણ ગામમાં એકવીસમી જૂને ‘જૂની મામૂલી અદાવતમાં અંટસ રાખીને’ મારી નાખ્યો. મૃતકના ખેતમજૂર કાકા સનાભાઈએ માહિતી આપી કે હત્યારાઓએ રમેશને મારતા મારતા ‘ભર બજારે ધોળા દિવસે દોડાવી દોડાવીને જાણે કોઈ જાનવરનો શિકાર કરતા હોય તેમ’ તેની હત્યા કરી. ચાર આરોપીઓમાંથી ત્રણ હજુ પકડાયા નથી. સરકારી સહાયનો ચેક ભરવા માટે બૅન્ક સહકાર આપી રહી નથી. રમેશની પત્નીનું  ત્રણેક મહિના પહેલાં અવસાન  થયું છે. તેની ત્રણ નાની દીકરીઓ લકવાગ્રસ્ત દાદા અને માનસિક રીતે અસ્વસ્થ દાદીને હવાલે છે. રમેશના નાના ભાઈ ફરિયાદી વિનોદ અને બીજા ત્રણ રિશ્તેદારો પર પોલીસે કલમ 302 હેઠળ ખૂનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ ‘ઉના અત્યાચાર’ના વિરોધમાં ઓગણીસ જુલાઈએ અમરેલીમાં દલિતોએ કાઢેલી રેલી દરમિયાન એક પોલીસના આકસ્મિક રીતે થયેલા અપમૃત્યુની બાબત લગાવ્યો છે. રેલીમાં ભાગ લેનારમાંથી આશરે ત્રણસો વ્યક્તિઓ સામે આ આરોપ છે. તેમાંથી ખેતીની સાથે દલિત સમાજનું કામ કરનાર કાન્તિ વાળા અને ખેતમજૂરી કરનાર રમેશ બાબરિયા અમરેલીની જેલમાં છે. તે બંનેના પિતા અનુક્રમે મૂળાભાઈ અને ભગાભાઈ ઉપવાસ પર છે. એ કહે છે કે ઉપર્યુક્ત અપમૃત્યુના મોટી સંખ્યામાં આરોપીઓ નોંધીને પોલીસ દલિતોને આતંકિત કરી રહી છે. વળી, આ એફઆઇઆરમાં દલિતોને ‘ખોટી રીતે’  સંડોવવામાં આવેલા હોવાના દાખલા પણ તેઓ ટાંકે છે.
અમરેલીની કલેક્ટર કચેરીએ નવ મહિનાથી પડાવ નાખનાર બાવીસ જણના હિજરતી સંયુક્ત બાબરિયા કુટુંબના ધનજીભાઈ અને તેમના સિત્તેરેક વર્ષનાં માતા વાલીબહેન સત્યાગ્રહ છાવણીમાં છે. વડલી (તા.રાજુલા) ગામના આ પરિવારની અઢાર વર્ષની છોકરી પર ગામના દરબાર પુરુષે પચીસ ડિસેમ્બર 2015ની રાત્રે બળાત્કાર કર્યો. તે પહેલાં તેના પિતાને ઘરે આવીને મારીને તેમની સામે દીકરીનું અપહરણ કર્યું. ત્યાર બાદ બળાત્કારીના સાગરીતે પરિવારને ધાકધમકી આપીને  હિજરત કરવા મજાબૂર કર્યો. પોલીસે પીડિતાની તબીબી તપાસ કરાવવામાં ચોંત્રીસ કલાકનો વિલંબ કરીને કેસ નબળો પાડ્યો. આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. હિજરતી તરીકે પરિવારને માટે જાહેર થયેલી જમીન હજુ તેમને મળી નથી. પરિવારે જિલ્લા પોલીસ વડા વડા અંતરિપ સૂદ અને એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક બી.જી.ભરવાડ સામે ગુનાઈત બેદરકારી માટે એટ્રોસિટી કેસ કર્યો છે.
અંકોલાલી(ગિરગઢડા, ગિર સોમનાથ)ગામના ખેડૂત કાળાભાઈ જેઠાભાઈ સરવૈયાના એકમાત્ર દલિત  પરિવાર પર ગામના લોકોએ વર્ષ 2012ની તેરમી સપ્ટેમ્બરે સામુહિક હુમલો કરી તેમના યુવાન પુત્ર લાલજીભાઈને ઘરમાં પૂરીને જીવતો સળગાવીને મારી નાખ્યો હતો. પંદરેક જણનો પરિવાર ઉનામાં ભાડે મકાન રાખીને રહે છે. સરકાર તેમને હિજરતી તરીકે જાહેર કરે તે માટે તેમને ચાર વખત ઉપવાસ પર ઊતરવું પડ્યું છે. તેમની જમીનની દરખાસ્ત પસાર થાય તે માટે તેમને ઉનામાં સો કરતાં વધુ દિવસ ઉપવાસ કરવા પડ્યા, જેમાંનો એક દિવસ ઉનાના દલિત અસ્મિતા સંમેલનનો—આ વર્ષનો સ્વાતંત્ર્ય દિન પણ હતો. તે પહેલાં મુખ્ય મંત્રીના ઘરની સામે આત્મવિલોપન કરવા અગેનું નિવેદન આપવા બદલ પરિવારના કેટલાકને અઢાર દિવસની જેલ વેઠવી પડી હતી એમ ગાંધીનગરના ઉપવાસમાં આવેલા પિયૂષ સરવૈયા જણાવે છે. તેમના પિતા લાલજીભાઈ કહે છે કે તેમની માગણી દેલવાડામાં સરકારે ફાળવેલી જમીનની સોંપણી માટેની છે. ભાડા(જાફરાબાદ, અમરેલી) ગામમાં ખેતી અને કડિયાકામ કરતા સામતભાઈ મહિડા પર જમીન વેચવા માટે દબાણ કરનારા કાઠી દરબારોએ ભયંકર હુમલો કર્યો. એક વર્ષની સઘન ખર્ચાળ સારવાર પછી  અત્યારે શરીરમાં અનેક જગ્યાએ પ્લેટો હોવાથી તે સામાન્ય કામ પણ કરી શકતા નથી. ડરના માર્યા ગામ છોડીને રામેશ્વર ગામે ગયેલા મહિડા પરિવાર પર ત્યાં પણ ભય તોળાતા બીજી વખત હિજરત કરીને  થોરડી ગામે જવું પડ્યું છે.  જોકે નથી હજુ સરકારે તેમને હિજરતી જાહેર કર્યા, કે નથી ગુનેગારોને સજા થઈ. અમદાવાદમાં રિવરફ્રન્ટના વિસ્થાપિત અમૃત મકવાણાના દીકરા પિયૂષ  (17)ની ચાર વ્યક્તિઓએ નજીવી તકરારમાં દસમી ઑક્ટોબરે જસોદાનગરમાં હત્યા કરી. આરોપીઓ નિર્દોષ છૂટી જતાં પરિવારે દૂધેશ્વર હિજરત કરી છે અને તે હવે ન્યાય માગવા ઉપવાસ પર બેઠા છે. કલોલ તાલુકાના બિન્દેશ રાજવી બે મહિના પહેલાં તેમના પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલા પછી હિજરત કરી ગયા છે અને તેમના માતા અને ઘરનાં બે બાળકો સાથે ન્યાય માગવા માટે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર બેઠા છે. અહીં સહુથી પહેલા એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરથી ધરણાં  પર બેસનારા નવી સરવઈ (બોટાદ, ભાવનગર) ગામના રત્નકર્મી બાબુભાઈ છે. તેમના નાના ભાઈ રાજુ(18)ની 2011ની તેરમી એપ્રિલે હત્યા કરનાર દરબાર આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.
                      ( લેખક: પ્રાધ્યાપક સંજય ભાવે)


મુંબઈ-વડોદરા હાઈવે ઉપર રીસાલદારનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ પડયો હતો.

વહેલી સવારનો સમય હતો, હજી વડોદરા શહેર સુઈ રહ્યુ હતું,ત્યારે  વડોદરાથી સાવ નજીક દરજીપુરા પાસે ગોળીઓ ચાલવાનો અવાજ આવ્યો અને થોડી વારમાં નીરવ શાંતિ છવાઈ ગઈ, જેને ગોળીઓ વાગતી તે જીવે છે કે મારી ગયો તે જોવા માટે કેટલાંક પોલીસ ઓફિસરો આગળ આવ્યા, તેમાં એક સિનિયર પોલીસ ઓફિસર એ કે સિંગ પણ હતા.

આ વાત 1992ની છે, વડોદરામાં રાજુ રિસાલદારનું એક ચક્રી શાસન ચાલતું હતું. શિવ સેનાએ નામે રિસાલદારનું અને તેની ગુંડાઓએ મઝા મૂકી હતી, નેતાઓ રાજુભાઈના દરબારમાં સલામ મારવા જતા હતા. પોલીસ અધિકારીઓ પણ રિસાલદારનું નામ પડે તો પાછા પડતા હતા. રાજુ ઇચ્છે ત્યારે મુખ્યમંત્રી ઓફિસમાં સીધી વાત કરી શકતો હતો. રાજુનો આતંક વધી રહ્યો હતો, અને એક દિવસ રાજુના ગુંડાઓ સમી સાંજે વડોદરાના સંદેશ અખબારના તંત્રી દિનેશ પાઠકની તેમની જ ઓફિસમાં ઘુસી હત્યા કરી નાખી હતી.

હમણાં સુધી શાંત અને રાજુના નામે ફફડતું વડોદરાનો ગુસ્સો ફાટ્યો, પાઠકની હત્યાના વિરોધમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યો, ચીમનભાઈ પટેલની સરકાર લોકોનો મિજાજ પારખી ગઈ, પણ રાજુ ફરાર થઇ ગયો હતો. રાજ્ય સરકારે રાજુની ઘરપકડનું ફરમાન બહાર પડ્યું. વડોદરામાં ત્યારે બે બાહોશ ડીસીપી હતા એ કે સિંગ  અને અતુલ કરાવલ , તેમને રાજુને શોધવાની કવાયત શરુ કરી, માહિતી મળી કે રાજુ મુંબઇમાં છે.સિંગ અને કરાવલ ટિમ સાથે મુંબઈ પહોંચ્યા, અને રાજુ પકડાઈ ગયો.

મુંબઈથી રાજુ સાથે પોલીસ પછી ફરી રહી હતી ત્યારે રાજુ રિસાલદારનું એન્કાઉટર થઇ ગયું.1983 બેચના આઇપીએસ ઓફિસર એ કે સીંગનું નામ પહેલી વખત આમ લોકો સુધી પહોંચ્યું. પોતાના કામને પ્રેમ કરનાર સીંગને એટલે જ રાજકારણ અને રાજકારણી સાથે પ્રેમ થતો નથી, સામાન્ય રીતે બધાથી અલિપ્ત રહેતા સીંગને જયારે પણ કામ કરવાની તક મળે ત્યારે ખુરશીને પ્રેમ  કર્યા વગર ખાખીને વફાદાર રહે છે. તેમના કાયદાની નજરમાં બધા જ સરખા છે. એટલે જ સુરત રેંજ આઇજીપી હતા ત્યારે દમણથી ગુજરાત આવતા દારૂના કેસમાં વિજય માલિયાને પણ આરોપી બનાવ્યા હતા.

ત્યારે માલિયાના સંબંધો ગાંધીનગર સાથે સારા હતા, એટલે તરત જ આ કેસ સિંગ પાસેથી લઇ સીઆઇડી ક્રાઇમને સોંપી તપાસ આટોપી લેવામાં આવી હતી. સિંગ લો પ્રોફાઇલ ઓફિસર છે, કદાચ પત્રકારો સાથે પણ વાત કરવાનું ટાળે, પણ પ્રજાને મળશે. ગુંડાઓ તો ઠીક પણ બેલગામ થઇ ગયેલા પોલીસ અધિકારીઓને પોતાની નોકરી સલામત રહે તે માટે રોજ સારું કામ અને પ્રાર્થના કરવી પડશે. હવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણુંક પ્રજાને કાયદાનો અહેસાસ કરાવશે લાંબા સમય બાદ સિંગને મેદાનમાં ઉતારવાની રાજ્ય સરકારે હિંમત કરી છે.

કાયદો અને વ્યવસ્થામાં બેશક સુધારો થશે, પણ ગાંધીનગર બેસતા મંત્રીઓ અને બાબુઓએ સીંગને ફોન કરતા ચાર વખત વિચાર કરવો પડશે, સિંગ ખુરશી અને પૈસાના લાલચુ નથી, તેમને ખુરશી છોડતા એક ક્ષણ પણ નહિ લાગે, નવા આઇપીએસ અધિકારીઓએ સિંગ પાસેથી પોલીસ યુનિફોર્મને પ્રેમ કેવી રીતે કરવો તે શીખવાની જરૂર છે. કારણ જેની કેપ અને બેલ્ટમાં અશોક  સ્તભં હોય છે, તેમને રાષ્ટ્રએ મોટી જવાબદારી સોંપી છે.

Tuesday, October 11, 2016

પુરૂષને મન સ્ત્રીની પવિત્રતા એટલે માત્ર સ્ત્રીનું શરીર

દશેરાની સવારે અખબારમાં પાના ફરેવી રહ્યો હતો ત્યારે એક સમાચાર ઉપર મારી નજર અટકી, સાત મહિનાનો ગર્ભ ધરાવતી મહિલાના પતિને શંકા હતા કે તેની પત્નીના ગર્ભમાં રહેલુ સંતાન તેનું નથી અને તેણે શંકાના આધારે પોતાની પત્નીની હત્યા કરી નાખી. આપણે દશેરાનો ઉત્સવ માટે ઉજવીએ છીએ કે રામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. પણ રામ અને સીતામાં મને કયારેય રામ પ્રભાવી પાત્ર લાગ્યુ નથી, તેવી જ રીતે રામ અને રાવણને તુલના કરવામાં આવે તો કદાચ રાવણને એક ગુણ આપી દઈએ તો રામ ભકતોએ નારાજ થવાની પણ જરૂર નથી.

અમદાવાદના કોઈ એક ખુણામાં પત્નીના ગર્ભમાં રહેલુ બાળક કોનું તેની શંકાને કારણે પત્ની હત્યા કરતો એક પતિ અને રાજા રામની માનસીકતામાં મને કોઈ તફાવત લાગતો નથી. પુરૂષ આખરે પુરૂષ જ હોય છે. તેને મન તેની  પત્નીની પવિત્રતા  શરીરથી શરૂ થાય છે અને ત્યાં જ અંત આવે છે. રામ અને સીતા બંન્નેનો વ્યવહાર જોઈએ તો જયારે રામને વનવાસ મળ્યો ત્યારે સીતાએ રામ સાથે વનવાસ જવાની જરૂર ન્હોતી, છતાં પોતાના પતિના સુખમાં ભાગીદારી કરનાર સીતાએ દુખમાં પણ સરખો હિસ્સો લેવાનું પસંદ કરી રામ સાથે વનવાસ જવાનું પસંદ કર્યુ હતું.

સીતા માટે રામ જ સર્વસ્વ હતા, જયારે રાવણે સીતાનું અપહરણ કર્યુ ત્યારે પણ સીતા રામને ઝંખતી હતી, રાવણ પણ સીતાનું અપહરણ કર્યા બાદ સીતાને પોતાના મહેલમાં લઈ શકયો હોત પણ રાવણની પણ મહાનતા હતી કે તે સીતાને પોતાના મહેલને બદલે અશોકવાટીકામાં લઈ ગયો હતો અને અશોકવાટીકામાં સીતા એકલી જ હતી. મેં જયાં સુધી રામાયણને સમજયુ છે ત્યાં સુધી રામાયણમાં કયાં રાવણને સીતા સાથે કોઈ અધટીત વ્યવહાર કર્યો હોવાનું મારા ધ્યાનમાં નથી. આમ રાવણને રામ સાથે અનેક વાંધો હોવા છતાં તેણે સીતાનો માન-મરતબો અને અને સ્ત્રીત્વને અકબંધ રાખ્યુ હતું.

આમ છતાં રાજા રામને એક ધોબીએ સીતાની પવિત્રતા અંગે કરેલી ટીકા બાદ સીતાની પવિત્રતા સાબીત કરવાની ફરજ પાડી હતી. રામ તો રાજા હતા રામ તો ભગવાન હતા, તેમને સીતાની પવિત્રતા અંગે કોઈ શંકા કરવાનું કારણ ન્હોતુ, છતાં સીતાએ અગ્ની પરિક્ષા આપવી પડી હતી, કારણ રામ પણ મયાર્દા પુરૂષોત્તમ હોવા છતાં આખરે તો એક પુરૂષ હતા. રામને ખબર હતી કે સીતા તેમને જ પ્રેમ કરે છે, રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું તો પછી સીતાનું અપહરણ પછી સીતાએ  શા માટે પરિક્ષા આપવી જોઈએ , છતાં  સીતાએ પરિક્ષા આપવી પડી હતી.

 પોતાની પત્ની અથવા ગમતી સ્ત્રીની અન્ય કોઈ પુરૂષ સાથે સંબંધ હોય એટલે તે માત્ર શારિરીક જ હશે તેવુ મોટા ભાગના તમામ પુરૂષો એકક્ષણનો વિચાર કર્યા વગર માની જ લેતા હોય છે. એટલે સ્ત્રી પોતે પવિત્ર છે તે સાબીત કરવા માટે અન્ય કોઈ સાથે સુઈ ગઈ નથી તેની સાબીતી જ આપવી પડે છે.સ્ત્રી અન્ય કોઈને પ્રેમ કરતી હોય તો વાંધો નથી, પણ તે પ્રેમની ખબર પડે તો સૌથી પહેલા તે અન્ય કોઈ સાથે સુઈ તો ગઈ નથી તે પ્રશ્નથી જ વાતની શરૂઆત થાય છે. આમ સ્ત્રી પવિત્રાનો માપદંડ તેનું શરીર જ હોય છે.

આમ સ્ત્રીની પવિત્રતાનો એક માત્ર આધાર એટલે તેનું શરીર જ હોય છે. વર્ષો સુધી એક જ પથારીમં સુઈ જનાર પતિને કયારેય તેવો વિચાર આવતો નથી કે કદાચ તે માત્ર એક સ્ત્રીના શરિર સાથે જ સુતો હોય છે બની શકે કે તેની સાથે જે સ્ત્રી હોય છે તે તેની કયારેય થઈ જ ન્હોતી. છતાં સ્ત્રીની શરીર પુરૂષ માટે મહત્વનું હોય છે, તેનું સ્ત્રીનું મન અન્ય કોઈની સાથે હોય તો પુરૂષને આખી જીંદગી ખબર પડતી નથી અને તેની સામે તેને વાંધો પણ હોતો નથી.

રામ -સીતા અને રાવણ આ ત્રણે પાત્રોને એક કતારમાં ઉભા રાખો તો સીતા અને રાવણની સામે રામનું કદ નાનું થઈ જાય છે. રાવણ સીતાનું અપહરણ કર્યુ પણ તે સીતાને ભોગવવા માગતો ન્હોતો,. તેને ખબર હતી કે રામ ભગવાન સ્વરૂપ છે અને તે રામના હાથે મૃત્યુને પસંદ કરવા માગતો હતો, રામ તેને હણે તે માટે સીતાનું હરણ કર્યુ, પણ સીતાને સ્પર્શ સુધ્ધા કર્યો નથી, જયારે સીતા રામ સાથે વનવાસ પસંદ કર્યો, જીંદગીનો એક મોટો હિસ્સો રામ સાથે પસાર કર્યો તો પણ રામના મનમાં ઉદ્દભવેલી એક શંકાનું સમાધાન કરવા માટે તેણે પરિક્ષા આપવાની હિમંત બતાડી. હતી.

સ્ત્રીનો પ્રેમ અને સ્ત્રીની પવિત્રતા તેના શરિરની આસપાસ ફરતા શબ્દો છે,તે પ્રેમ અને પવિત્રતા માટે કાયમ પરિક્ષાર્થી જ હોય છે

Sunday, October 9, 2016

પુરૂષની બગડવાની ઉમંર કઈ..?

કયારેક મીત્રો સાથે પ્રમાણિક અધિકારીઓની વાત નિકળે ત્યારે ફલાણા અધિકારી પહેલા બહુ જ પ્રમાણિક હતા, હવે તો તેમની વાત જ ના કરશો તેવો સંવાદ અચુક થાય. પહેલા માણસ પ્રમાણિક હોય તો પછી અપ્રમાણિક કેવી રીતે થઈ ગયો તેવો મને અનેક વખત પ્રશ્ન થાય છે, મે મારા મનમાં કેટલાંક અધિકારીઓની યાદી બનાવી , જેમને હું છેલ્લાં ત્રણ દાયકાથી ઓળખુ છુ, તેઓ જયારે ભારતીય વહિટવટી સેવા અને ભારતીય પોલીસ સેવામાં આવ્યા ત્યારે અત્યંત પ્રમાણિક હતા, તેમની પ્રમાણિકતાના દાખલા આપવામાં આવતા હતા, લગભગ અઢી દાયકા સુધી તેમની પ્રમાણિકતામાંથી એક કાંગરો પણ ખર્યો નહીં, અને પછી તેમની પ્રમાણિકતાનો કિલ્લો ખરી પડયો અને તેની સામે અપ્રમાણિકતાની ભવ્ય મંજીલ ઉભી થઈ ગઈ.

મેં આવુ કેમ બન્યુ તે અંગે ખુબ વિચાર કર્યો, ત્યારે મને સમજાયુ કે મોટા ભાગના પ્રમાણિક અધિકારીઓની પ્રમાણિકતામાં પરિવર્તન આવ્યુ તે ઉમંર 45થી50 વર્ષ વચ્ચેની હતી, જીવનના બેથીઅઢી દાયકા તેઓ પ્રમાણિક રહેવા માટે પોતાની સાથે ખુબ લડયા હતા. કારણ આખરે પ્રમાણિક રહેવાની લડાઈ તો પોતાની સાથે જ લડવાની છે, કારણ કોઈ ખીસ્સામાં પરાણે પૈસા મુકી જતા નથી. જીવનના અઢી દાયકા સુધી તેઓ પોતાને અને પોતાના પરિવારને પ્રમાણિકતાનો પાઠ અને ફાયદા સમજવવા રહ્યા હતા, પણ જેમ જેમ પચાસી નજીક આવતી ગઈ તેમ તેમ પોતાની નિવૃત્તીનો નજીક દેખાવા લાગી હતી. બાળકો પણ મોટા થઈગયા ખર્ચ પણ વધી ગયો, બાળકોને શુ થશે તેની પણ ખબર ન્હોતી,. નિવૃત્તી બાદ સરકારી મકાન પણ ખાલી કરી દેવુ પડશે તેનો પણ ખ્યાલ આવી ગયો હતો, જેના કારણે મનમાં એક પ્રકારની અસલામતીની લાગણી ભરડો લેવા લાગે છે.

આખી જીંદગી પ્રમાણિક રહેનાર અધિકારીઓની ઉમંર પચાસ વર્ષની થવા આવે ત્યારે તેમની અંદર ઉભી થતી એક પ્રકારની અસલામતી મેં જોઈ છે, તેમને એવુ પણ સમજાવવા લાગે છે કે પ્રજા ભલે તેમને સલામ કરતી હોય પણ તે જે સીસ્ટમમાં કામ કરે છે તે સીસ્ટમ અત્યંત ખોખલી છે, કદાચ નિવૃત્તી બાદ તેમને કઈ જરૂર પડી તો સીસ્ટમ અને સીસ્ટમમાં બેઠેલા લોકો તેમને કોઈ મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેમ જેમ નિવૃત્તી નજીક આવતી જાય તેમ તેમ અસલામતી વધુ તીવ્ર બનતી જતી હોય છે. ત્યારે એક તબક્કે થોડીક સલામતીનો અહેસાસ મેળવવા માટે અપ્રમાણિકતાનો રસ્તો ખુલી જતો હોય છે. પછી તેઓ વન ડે મેચ રમતા હોય તેમ ભ્રષ્ટાચારની બેટીંગ શરૂ કરી દેતા હોય છે. જેના પરિણાસ સ્વરૂપ આખી જીંદગી જેટલુ માન મેળવ્યુ તેના કરતા અનેક ગણી બદનામીનો કોથળો બાંધી લેતા હોય છે.

જો કે પછી તેમને બદનામીનો ડર અથવા સંકોચ લાગતો નથી કારણ જે પહેલાથી જ અપ્રમાણિક હતા, તેમને સમાજ અને સરકાર બંન્નેએ સ્વીકારી લીધા તો મને પણ સ્વીકારી જ લેશે તેની તેમને ખબર હોય છે. તેવી જ રીતે પચાસની ઉમંરે પણ માણસને પ્રેમ પણ થઈ જાય છે.આખી જીંદગી કામ અને કામ કરનાર પુરૂષ પોતાના અંગે કયારેક કઈ વિચારતો જ નથી, પહેલા મા-બાપને ગમતી જીવે છે, પછી પત્નીને પસંદ પડે તેવુ જીવે છે, પછી બાળકોની ચીંતા કરવા કરતો જીવે છે. અને તેને અચાનક યાદ આવે છે કે મને શુ ગમે છે તે અંગે તો કયારેક મેં વિચાર્યુ જ નહીં. આ એક નાજુક તબ્બકો હોય છે. તે પોતાની પત્નીને પ્રેમ કરતો હોય છે, તેની પત્ની તેને પ્રેમ કરતી હોય છે. તે પોતાના પરિવારને પણ પ્રેમ કરતો હોય છે.

છતાં તેને કોઈની સાથે પ્રેમ થઈ જાય છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે પતિ-પત્ની વચ્ચે જગ્યા હોય તો જ ત્રીજી વ્યકિત તેમા પ્રવેશ કરે છે, પણ તે વાત સાથે હું સંમત્ત થતો નથી. પૈસા અને પ્રતિષ્ઠાની દોડમાં જીવનમાં કઈક ખુટી રહ્યો છે તેવો અહેસાસ થાય અને ત્યારે જ આંખ અને મનને ગમતુ કોઈ પાત્ર નજરમાં આવે તો તે વસી જાય છે. આ પણ લગભગ પચાસ વર્ષની આસપાસની ઉમંરે થવાની સંભાવના વધી જાય છે.જયારે પુરૂષને લાગે છે કે હું મારા માટે તો જીવવ્યો જ નહીં. અને જીવનની દિશા બદલાઈ જતી હોય છે. પ્રમાણિકતા અને પ્રેમની વાત હોય ત્યારે નૈતિકતાની વાત કરવાનો કોઈ અર્થ નથી કારણ આ બંન્ને બાબતો શ્વાસ લેવા જેટલી જ વ્યકિતગત બાબત છે.

પચાસની ઉમંરે પતિ અપ્રમાણિક થાય તો મેં પત્નીઓને વાંધો લેતા જોઈ નથી, પણ પતિ પ્રેમમાં પડે તો મહાભારતની શરૂઆત થતી મેં અનેક પરિવારમાં જોઈ છે.પચાસની ઉમંરે પ્રેમમાં પડેલો પુરૂષ ટીન એજરની જેમ પ્રેમ કરે ત્યાં સુધી તો વાંધો નથી , પણ પ્રેમમાં પડયા પછી તેનો વ્યવહાર પણ ટીનએજર જેવો થઈ જાય છે. ખાસ કરી મને કોઈની પડી નથી તેવા મુડમાં આવી જાય છે.મેં પચાસની ઉમંરે પ્રેમ કરતા સ્ત્રી પુરૂષોને જોયા છે,પણ  સ્ત્રી-પુરૂષોને પચાસની ઉમંરે પ્રેમ થાય ત્યારે બંન્ને તરફે મેચ્યોરીટી હોય તેવુ જોડુ મેં  ભાગ્યે જ જોયુ છે, મોટા ભાગના કિસ્સામાં પતિ અને પ્રેમીકામાં પુરૂષ ઉપર કોનો અધિકાર તે સાબીત કરવામાં જ પુરૂષ અડધો થઈ જતો હોય છે, પછી કયાં તેણે પ્રેમ કરવાની ભુલ કરી તેવો અહેસાસ પણ થાય છે. છતાં નૈતિકતા ખાતર પણ તે એક પણ સંબંધને તીલાંજલી આપી શકતો નથી.

આજે રવિવાર છે એટલે આ વિષય ઉપર લખ્યુ છે, એટલે મારા કોઈ મીત્રએ આખા વિષયને ગંભીરતાથી લીધા વગર( પચાસ વર્ષ થવા આવ્યા અથવા થઈ ગયા છે તેમણે પણ) માત્ર વિષયની મઝા લેવી ઝેરના પારખા કરવાની જરૂર નથી. તેમજ જેમના માથે નૈતિકતાનું ભુત સવાર છે તેમણે પણ વિષયને હાસ્ય લેખ તરીકે જોવો નહીંતર મારૂ આવી બનશે........

Friday, October 7, 2016

માનવ અધિકારનું ત્રાજવુ કોના હાથમાં છે તેના આધારે ન્યાય નક્કી થાય છે.

2007માં હું દિવ્ય ભાસ્કરમાં હતો, બપોરના સમારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈએ મારા ખભા ઉપર હાથ મુકી કહ્યુ કેમ છે જીવતી વારતા( દિવ્ય ભાસ્કરમાં જીવતી વારતા નામની મારી એક કોલમ આવતી હતી) મેં પાછળ વળીને જોયુ તો ડી જી વણઝારા હતા. હું વિવેક ખાતર મારી જગ્યાઓ ઉભો થયો , વણઝારાએ પણ મારી સાથે બહુ સૌજન્યપુર્વક વાત કરી અને તેઓ મારા એડીટરને મળવા આવ્યા છે તેમ કહી તેઓ એડીટરને મળવા ગયા. મને તેઓ કેમ મારા એડીટરને મળવા આવ્યા છે તેની બરાબર ખબર હતી, કારણ તે જ દિવસ દિવ્ય ભાસ્કરમાં મારી એક સ્ટોરી છપાઈ હતી, જેમાં શૌરાબઉદ્દીન શેખનું એન્કાઉન્ટર બનાવટી છે તેવી સ્ટોરી હતી. એડીટરને મળી નિકળ્યા ત્યારે પણ વણઝારા મને મળતા ગયા હતા. પછી શુ થયુ તે વિગતની ચર્ચા આપણે કરતા નથી.

ત્યાર બાદ લગભગ છ મહિના પછી તેમની શૌરાબઉદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસમાં જ ધરપકડ થઈ હતી, જેલમાં સૌથી લાંબો ગાળો રહેનાર પણ તેઓ જ હતા. આ દરમિયાન કોર્ટમાં અનેક વખત વણઝારા અને હું મળી જતા, જો કે ત્યારે તેમણે કયારેય પોતાની નારાજગી વ્યકત કરી નહીં. એક દિવસ મઝાની વાત થઈ હું કોર્ટમાં બેઠો હતો ત્યારે તેઓ પણ મારી બાજુની ખુરશીમાં આવી બેઠા, મારા જમણા હાથમાં હું ચાંદીનું કડુપહેરુ છુ, તે કડા તરફ તેમની નજર જતાં તેમણે કડાને પકડી કહ્યુ પ્રશાંતબાબુ ચાંદીનું કડુ પહેરાય નહીં, પહેરવુ જ હોય તો સોનાનું કડુ પહેરો. મે પણ તરત હસતા હસતા કહ્યુ સર ચાંદીના કડાની માંડ વ્યવસ્થા થઈ છે ત્યારે સોનાનું કડુ કયાંથી લાવુ, તમે મને ગીફટ કરો તો સોનાનું પણ પહેરી શકાય.

તેમણે તરત મારી સામે જોતા કહ્યુ બસ ચાલો આવતીકાલે તમને આવી જ ડીઝાઈનનું સોનાનું કડુ મળી જશે. સામે છેડેથી આવો જવાબ આવશે તેવી અપેક્ષા ન્હોતી. એટલે મેં પણ ગુગલી બોલ ફેકતા કહ્યુ સર હમણાં નહીં તમે જેલમાંથી છુટો ત્યારે મને ગીફટ કરજો ચોક્કસ સોનાનું કડુ પહેરીશ , તેઓ પણ ભાષાના સારા ખેલાડી છે. તેમણે તરત વળતો ઉત્તર આપતો કહ્યુ પ્રશાંતબાબુ હું આટલો જલદી છુટવાનો નથી, જો આવી શરત કરશો તો તમારે પંદર વીસ વર્ષ રાહ જોવી પડશે. એક તરફ જેલમાં રહેલા પોલીસ અધિકારી બહાર નિકળવા માટે તમામ પ્રકારના ધમપછાડા કરી રહ્યા હતા, ત્યારે વણઝારા આત્મ વિશ્વાસ સાથે કહી રહ્યા હતા કે તેમને છુટવામાં વર્ષો નિકળી જશે.

 નવ વર્ષ જેલમાં રહ્યા પછી થોડા મહિના પહેલા તેઓ જામીન ઉપર છુટયા, તાજેતરમાં તેમણે એક એનજીઓ શરૂઆત કરી તેનું નામ તેમણે જસ્ટીશ ફોર વીકટીમ ઓફ ટેરેરીઝીમ રાખ્યુ છે, જેમાં ગુજરાતના પુર્વ ડીજીપી એસ એસ ખંડવાવાલા સહિત દેશભરના પુર્વ આઈપીએસ અધિકારીઓ પણ છે, જેમની ઉપર હજી બનાવટી એન્કાઉન્ટરનો કેસ ઉભો છે તે જયારે માનવ અધિકારની વાત કયારે તેનું આશ્ચર્ય બીજાની જેમ મને પણ થયુ. મેં તેમની પાસે જાણકારી લેવા માટે ફોન જોડયો , સામે છેડેથી ફોન ઉપાડતા મેં મઝાકના સ્વરમાં કહ્યુ સર નારાજ તો નથીને મારાથી.. તેમણે પણ તે જ સ્ટાઈલમાં મોંઘમમાં જવાબ આપ્યો પ્રશાંતભાઈ તમારાથી નારાજ થઈશુ તો પાછા ગુજરાત બહાર જવુ પડશે. અમે બંન્ને મુદ્દાની વાત ઉપર આવ્યા તેમનું કહેવુ હતું દેશભરમાં હમણાં આતંકવાદની જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં આતંકવાદીઓના માનવ અધિકાર ઉપર ખુબ ચર્ચા થાય છે, પરંતુ આતંકવાદને કારણે ભોગ બનતા આમ લોકો, પોલીસ અને લશ્કરી જવાનો અંગે કોઈ કશુ જ બોલતુ નથી અને કઈ પણ થતુ નથી. તેને ધ્યાનમાં લઈને જ તેમણે આ સંગઠનની સ્થાપના કરી છે. તેઓ આતંકવાદનો ભોગ થયેલા આમ લોકો અને પોલીસ અધિકારીઓનું પુનસ્થાપન થાય તે દિશામાં કામ કરશે.

વાત પુરી કર્યા પછી મને લાગ્યુ કે માનવ અધિકારનો વિષય કાળક્રમે બદલતા રહ્યો છે. તમે માનવ અધિકારને કઈ દિશામાં ઉભા રહી જોવા માંગો છો, તે પ્રમાણે તેનું ચિત્ર બદલાતુ રહે છે. 2002માં ગુજરાતમાં થયેલા તોફાનો વખતે ભોગ બનેલા લોકોની વાત તમે કરો તો તરત કેટલાંક મીત્રો કહેતા કેમ તમને કાશ્મીરી પંડિતોને કાઢી મુકયા ત્યારે માનવ અધિકારની વાત યાદ આવી નહીં, માનવ અધિકારના ઝંડા ગુજરાતમાં જ ફરકાવવા છે.કોંગ્રેસ જયારે માનવ અધિકારની વાત કયારે ત્યારે તરત ભાજપ તેને  દિલ્હીના શીખ રમખાણોની યાદ અપાવે છે. આમ માનવ અધિકારનું ત્રાજવુ કોણ પકડે છે તેના આધારે માનવ અધિકાર નક્કી થતો હોય છે. કાશ્મીરમાં પંડિતો સાથે જે બન્યુ તે અમાનવીય હતુ, તેમ ગોધરાના તોફાનો પછી મુસ્લીમો સાથે જે પણ અમાનવી હતુ તેવું કહેવાની હિમંત બંન્ને તમામ લોકોએ કરવી પડશે.દિલ્હીના શીખોને અન્યાય થયો છે તેમ કોંગ્રેસે કહેવુ પડશે તેવી જ રીતે ઉનામાં દલિતો સાથે પણ રાક્ષસી વ્યવહાર થયો છે તેવુ ભાજપે કબુલ કરવુ પડશે.

જો ખરેખર માનવ અધિકારોનું રક્ષણ કરવુ હોય તો ત્રાજવા સરખા રાખવા પડશે, રાજય અને કેન્દ્રમાં કોની સરકાર છે, તેના આધારે ત્રાજવા બદલી શકાય નહીં. આતંકવાદ તો બહુ દુરનો વિષય છે. પહેલા તો દેશની અંદર સમાજ અને સરકાર દ્વારા થતાં માનવ અધિકારના હનના મુદ્દે આપણે લડવુ પડશે. માનવ અધિકાર મુદ્દો જીસકી લાઠી ઉસકી ભેંસ જેવો છે, બળવાન હોય તેને માનવ અધિકારનું હનન કરવાનો અધિકાર આપમેેળે મળી જતો હોય છે. કારણ આતંકવાદીઓ તો વર્ષમાં એકાદ બે વખત ગોળી ચલાવી આપણા માનવ અધિકારને પડકારે છે, પણ સમાજ અને સરકારની વ્યવસ્થાને કારણે રોજે રોજ આમ અને ગરીબ માણસ તેનો શિકાર થાય તે મુદ્દે પણ માનવ અધિકારવાદીઓ વિચારવુ પડશે.

વાત ડી જી વણઝારાની કરીએ કેટલાંકને મારી જેમ પ્રશ્ન થાય કે જેમની ઉપર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ છે, તે કઈ રીતે માનવ અધિકારની વાત કરી શકે.. તેમણે પણ નિદોર્ષ લોકોને મારી અનેક પરિવારના માનવ અધિકારોનું હનન કર્યુ છે. એક તબ્બકે હું પોતે પણ તેવુ જ માનું છે. પણ આપણે ત્યાં મારી અથવા તમારી માન્યતાઓને આધારે કઈ થતુ નથી. ડી જી વણઝારાને ગાળો આપવી હોય તો બરાબર છે, પણ હજી વણઝારા અને તેમના સાથીઓ ઉપર હજી આરોપ છે, તે ન્યાયની અદાલતમાં દોષી સાબીત થયા નથી. આપણે આખી ઘટનાને આપણા ચશ્માથી જોઈ રહ્યા છે, જયારે સામો પક્ષ પોતાના ચશ્માથી જોવાનું આપણને કહે છે. આખી વાતને મેં બારીકાઈપુર્વક જોઈ તો મને લાગ્યુ કે માની લઈએ કે વણઝારા અને તેમના સાથીઓ ખોટુ જ કર્યુ છે તેવુ ન્યાયની અદાલતમાં સાબીત થાય તો પણ તેમને માનવ અધિકારની વાત કરવાનો સંપુર્ણ અધિકાર છે. આપણે તો રામાયણમાં વિશ્વાસ કરનારી પ્રજા છીએ વાલીયામાંથી વાલ્મીકી થયેલાને આપણે  માન આપી છીએ, કદાચ વણઝારા પણ તે જ દિશામાં જઈ રહ્યો હોય, વણઝારાની એકસો ખોટી વાતો હોય તો પણ જો તેઓ અને તેમના સાથીએ એક સાચી દિશામાં ડગલા માંડતા હોય તો કદાચ  આપણે સાથે ના ચાલી શકીએ તો કઈ નહીં, પણ એક ખુણામાં ઉભા રહી તેમને જોવામાં પણ કઈ વાંધો નથી.

Tuesday, October 4, 2016

તે મારો શ્વાસ હતી, મારા જીવવાનું કારણ હતી..

સુગંધા ચેમ્બરની બહાર ગયા પછી ઘણા વખત સુધી દિપક મહંતો શાંત બેસી રહ્યા, એક વખત તેમનો કલાર્ક કેટલીક અગત્યની ફાઈલ ઉપર સહી લેવા આવ્યો ત્યારે તેમણે તેને પણ થોડીવાર પછી આવવાનું કહ્યુ, ખબર નહી કેમ પણ દિપકને સુગંધામાં રેવતીનો ભાસ થઈ રહ્યો હતો. કદાચ સુગંધા અને ક્સતુભની વાત પોતાના જેવી લાગી રહી હતી, દિપકે પોતાનું પર્સ બહાર કાઢયુ અને ખોલીને જોયુ તેમાં રેવતીનો ફોટો હતો પછી તેણે પર્સ બંધ કરી ટેબલ ઉપર મુકી દીધુ, આખી ઘટના દિપક સામે ફિલ્મની જેમ પસાર થવા લાગી.

આસામના નાનકડા ઘરમાં જન્મેલો  દિપક ભણવામાં જેટલો હોશીયાર હતો , એટલે જ તોફાની હતો, એક દિવસ કલાસમાં તોફાન કરતા કરતા બ્લેક બોર્ડ તુટી ગયુ, થોડીવાર પછી આવેલા શિક્ષકે પહેલો જે વિધ્યાર્થી  હાથમાં  આવ્યો તેને ફટકારવાનું શરૂ કરી દીધુ, પેલો વિધ્યાર્થી માર ખાતો રહ્યો પણ દિપક તે જોઈ શકયો નહીં,. તેણે ઉભો થયો અને કહ્યુ સર તેને મારશો નહીં મારવો હોય તો મને મારો મેં બોર્ડ તોડયુ છે, અને પછી શિક્ષક છડી વડે દિપક ઉપર તુટી પડયા હતા. માર દિપકને પડી રહ્યો હતો પણ કલાસમાં એક માત્ર રેવતીની આંખમાં આંસુ હતા, રીસેસમાં રેવતી દિપકને મળવા આવી, હજી પણ તેની આંખમાં આંસુ હતા, તેણે દિપકને ઠપકો આપતા કહ્યુ શુ કામ આટલી મસ્તી કરે છે. દિપકે કઈ જવાબ આપ્યો નહીં. રેવતીને દિપકની ખુબ ચીંતા થતી હતી.

દિપક અત્યંત ગરીબ પરિવારમાં આવતો હતો, તેના પિતા મજુરી કામ કરતા હતા, જયારે રેવતી સંપન્ન પરિવારમાંથી આવતી હતી, દરમહિને દિપકને સ્કુલની ફિ ભરવામાં મોડુ થતુ હતું, કારણ તેના પિતાને મજુરી મળે તો ફિ ભરી શકાય નહીંતર મોડુ થઈ  જાય, શિક્ષકે કલાસમાં જે વિધ્યાર્થીની ફિ બાકી હતી, તેમને કડક સુચના આપી હતી કે જે આવતીકાલ સુધી ફિ ભરે  નહીં તો તેમને  કલાસમાં આવવા દેશે નહીં. દિપકની  પાસે પોતાના  આવતીકાલે શુ થશે તેનો કોઈ ઉત્તર ન્હોતો. બીજા દિવસે જયારે શિક્ષક વર્ગમાં આવ્યા અને કહ્યુ કે જેમની ફિ બાકી છે તે પોતે જ ઉભા થઈ વર્ગની બહાર જતા રહે ત્યારે સૌથી પહેલા દિપક ઉભો થયો અને વર્ગની બહાર જઈ રહ્યો હતો, એટલે શિક્ષકે ફિ બાકી હોય તેવા વિધ્યાર્થીઓની યાદી જોતા બહાર જઈ રહેલા દિપકને કહ્યુ અરે દિપક તારી ફિ તો ભરાઈ ગઈ છે તુ તેમ બહાર જઈ રહ્યો છે..

દિપક આશ્ચર્યમાં પડી ગયો, કારણ તેના પિતાને છેલ્લાં ત્રણ દિવસથી મજુરી મળી જ ન્હોતી તો ફિ કેવી રીતે ભરી શકાય.. દિપકને શંકા ગઈ તેણે રેવતી સામે જોયુ તેના ચહેરા ઉપર સંતોષ સાથેનું સ્મીત હતું, દિપક સમજી ગયો કે રેવતીએ જ તેની ફિ ભરી દીધી હતી. પછી વર્ષો વિતતા ગયા, રેવતી દિપકની નાની નાની બાબતોનું ધ્યાન રાખતી હતી, દિપકનું તોફાન, તેની હોશીયારી, અને તેની જીવવાની પ્રમાણિકતા ઉપર રેવતી આફરીન હતી, સ્કુલ પુરી થયા પછી દિપક અને રેવતી કોલેજમાં પણ સાથે ભણ્યા હતા, દિપક ઘણી વખત રેવતીને કહેતો કે તારા કારણે જ હું આટલુ ભણી શકયો, ત્યારે રેવતી તેના મોંઢા ઉપર હાથ મુકતા કહેતી બસ હવે પછી આવી વાત કરી તો તારી સાથે કયારેય વાત કરીશ નહીં. રેવતી તેને કહેતી દિપક તુ ખુબ મોટો માણસ થાય તેવી મારી ઈચ્છા છે, મારે મારા દિપકને બહુ મોટા માણસ તરીકે જોવો છે.

કોલેજ પુરી દિપક .યુનિયન પબ્લીક સર્વિસ કમિશનની પરિક્ષાની તૈયારીમાં લાગી ગયો, રાત દિવસ મહેનત કરતો હતો, રેવતીને તેને મળવા માટે તેના નાનકડા કાચા-પાકા મકાનમાં પણ આવતી હતી,, તે ઘણી વખત દિપકને જોતી રહેતી હતી, દિપક તેને પુછતો કે શુ જુવે છે ત્યારે તે કહેતી તુ મને આટલો કેમ ગમે છે. દિપક શરમાઈ જતો અને કહેતો તુ  પાગલ છે. દિપકે પહેલી ટ્રાયલમાં જ યુપીએસસીની પરિક્ષા પાસ કરી તે ઈન્ટરવ્યુ માટે દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે તેના માટે કપડાં પણ રેવતી જ લઈ આવી હતી. દિપકની પસંદગી ભારતીય પોલીસ સેવામાં થઈ હતી. જયારે પહેલી વખત રેવતીએ પોલીસ યુનિફોર્મમાં દિપકને જોયો ત્યારે તે તેને વળગી રડી પડી હતી. ટ્રેનીંગ પુરી થયા પછી દિપકને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી.

ગુજરાત આવતા પહેલા દિપક અને રેવતીએ કોર્ટમાં જઈ લગ્ન કરી લીધા હતા, કારણ રેવતીનો પરિવાર દિપક સાથે લગ્ન થાય તે વાત સાથે સંમત્ત ન્હોતો. દિપક અને રેવતી ગુજરાત આવ્યા રેવતી ખુબ ખુશ હતી, શરૂઆતના બે વર્ષ બધુ જ બરાબર ચાલી રહ્યુ હતું, બે વર્ષમાં દિપક મહંતોએ ગુજરાત પોલીસમાં એક મુકામ હાસલ કરી લીધો હતો, દિપકના કામ અને પ્રમાણિકતા તેની સફળતાનું કારણ હતી, પણ રેવતી જયારે બીજા આઈપીએસ અધિકારીઓ અને તેમના પરિવારને જોતી ત્યારે તેને મનમાં થતુ કે તેઓ દિપક અને રેવતી કરતા વધુ સારી જીંદગી જીવે છે. સરકારી વાહન અને રહેવા માટે સરકારી મકાન હોવા છતાં રેવતીના મનમાં કયાંકને કયાંક રંજ હતો, કદાચ તેને એવુ લાગી રહ્યુ હતું કે દિપક જડતાપુર્વક પ્રમાણિકતાને વળગી રહ્યો છે. આ મુદ્દે તેમની વચ્ચે અનેક વખત ચર્ચા પણ થતી હતી, ત્યારે દિપક પોતાની બધી જ દલીલો પછી પણ રેવતીને સમજાઈ શકતો નહીં ત્યારે કહેતો જો રેવતી તુ મને બદલવાનો પ્રયત્ન કરીશ નહીં

નાનપણથી રેવતીને દિપકની જે વાતો ગમતી હતી , તે વાતો હવે કઠી રહી હતી. પોતાના પિતાને ત્યાં અપાર સમૃધ્ધી હતી, જયારે એક પ્રમાણિક પોલીસ અધિકારીની પત્ની તરીકે તેને મળતા માન-પાન વચ્ચે પણ તેનું મન સમૃધ્ધીમાં સુખ શોધી રહ્યુ હતું, કયારેક તો દિપક ખુદને ભરોસો થતો ન્હોતો કે તે જે રેવતીને ઓળખતો હતો તે આ જ હતી, રેવતી દિપકને કહેતી કે હું તને બધુ છોડી દે તેવુ કહેતી નથી, પણ થોડીક બાંધછોડ તો માણસે કરવી જોઈએ, દિપકની પ્રમાણિકતાને કારણે અનેક વખત તેની બદલીઓ પણ થતી રહેતી હતી, હવે રેવતીને આ બધી બાબતોનો કંટાળો આવી રહ્યો હતો. તેમના લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હતા.

એક દિવસ દિપક ઓફિસેથી આવ્યો ત્યારે રેવતી શાંત હતી, રેવતીના ચહેરા ઉપરની શાંતિ જોઈ દિપકે પોતાનો યુનિફોર્મ બદલ્યો અને રેવતીની પાસે આવતા પુછયુ શુ વાત છે.. રેવતી હજી શાંત હતા, દિપકે તેનો હાથ પકડયો, રેવતીએ દિપક સામે જોયા વગર નીચી નજર રાખી કહ્યુ દિપક મને લાગે છે આપણે સાથે રહી શકીએ તેમ નથી, દિપકે રેવતીનો હાથ છોડી દીધો. રેવતી તેને છોડી શકે તેવી તેણે કયારેય કલ્પના જ કરી ન્હોતી. દિપકે પોતાની આંખો બંધ કરી લીધી, રેવતીએ કહ્યુ જો દિપક હમણાં નિર્ણય કરીશ નહીં તો કયારેય નિર્ણય કરી શકીશ નહીં. હું તને પ્રેમ કરૂ છુ તેમાં તુ કોઈ શંકા કરતો નહી , પણ આ સ્થિતિમાં હું તારી સાથે રહેવા તૈયાર નથી કારણ તું કોઈ પણ મુદ્દે બદલાવવા તૈયાર નથી.

દિપક કઈ બોલ્યો નહીં, તે રેવતીને ઓળખતો હતો, તે રાતે તે જમ્યા વગર સુઈ ગયો, તેની સવારે આંખો ખોલી ત્યારે રેવતી તૈયાર હતી, દિપકે જોયુ તો ડ્રોઈંગરૂમમાં તેની બેગ પણ પડી હતી, દિપક રેવતી સામે જોયુ. તેણે રેવતીને કહ્યુ રેવતી રોકાઈ જા ... પ્લીઝ.. રેવતીની આંખમાં આંસુ ધસી આવ્યા, રેવતીએ જવાબ આપ્યો   દિપક મને નબળી પાડીશ નહીં. મને જવા દે ... હું તારી સાથે રહી શકતી નથી. અને રેવતી બેગ લઈ નિકળી ગઈ, રેવતી મુંબઈ ગઈ ત્યાં તેણે એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી શરૂ કરી. દિપક અને રેવતી અલગ થયા તે વાતને એક દસકો વિતી ગયો. હજી બંન્ને એકબીજાના સંપર્કમાં છે ફોન ઉપર વાત પણ કરે છે, દિપક સરકારી કામે મુંબઈ જાય ત્યારે રેવતીને મળે પણ છે, જો કે દિપકની હિમંત થતી નથી કે તે રેવતીને કહે ચાલ આપણે ઘરે જઈએ, કારણ જો રેવતી ના પાડશે તો તે તુટી જશે તેવો ડર લાગ્યા કરે છે.

રેવતી અને દિપકે ડીવોર્સ પણ લીધા નથી, અને સાથે પણ રહેતા નથી. રેવતીની ગેરહાજરીમાં રોજ રાત પડે દારૂ દિપકની સાથી બની ગઈ છે, દિપક રાતે દારૂ પીવે છે, તેની  દિપકના સિનિયર ઓફિસરોને પણ ખબર છે, છતાં તેની કામની આવડત અને તેની  પ્રમાણિકતાને કારણે તે દિપકની દારૂની ટેવ તરફ આંખ આડા કાન કરે છે. દિપકના મનમાં એક ઉંડી આશા છે કે એક દિવસ તેની  રેવતી તેની પાસે પાછી ફરશે.

Monday, October 3, 2016

જીંદગીના કેટલાંક પ્રશ્નનો ઉત્તર પુસ્તકમાં મળતા નથી

પોલીસ કોન્સટેબલે પોતાની ટેવ પ્રમાણે સાહેબની ચેમ્બરમાં દાખલ થતાં પહેલા દરવાજા ઉપર લટકતી નેઈમ પ્લેટ તરફ નજર કરી જેની ઉપર દિપક મહંતો(આઈપીએસ) લખેલુ હતું. તેણે પોતાના માથા ઉપર હાથ ફેરવી કેપ બરાબર છે તે ચેક કરી, અને તે ચેમ્બરમાં દાખલ થયો, તે સલામ કરી દિપક મહંતો સામે ઉભો રહ્યો, દિપકે ફાઈલમાંથી નજર ઉપર કરતા તેની સામે જોયુ અને ફરી ફાઈલમાં સહીઓ કરતા રહ્યા , કોન્સટેબલે કહ્યુ સર કોઈ છોકરી આપને મળવા માંગે છે.. મહંતોએ સાંભળ્યુ પણ કોઈ જવાબ આપ્યા વગર ફાઈલમાં સહી કરતા રહ્યા, કોન્સટેબલ થોડી વાર સાહેબના જવાબની રાહમાં ઉભો રહ્યો પછી તેણે પુછયુ સર મોકલુ.. દિપકને યાદ આવ્યુ કે તેણે કોન્સટેબલના પ્રશ્નનો જવાબ આપ્યો જ ન્હોતો. એક ફાઈલ બાજુ ઉપર મુકી અને બીજી ફાઈલ પોતાની સામે મુકતા માથુ હલાવી તેમણે હા પાડી..

એકાદ મિનીટ થઈ ત્યાં દિપકના કાને અવાજ સંભળાયો સર આવી શકુ... દિપકે ફાઈલમાંથી ઉપર નજર કરી દરવાજા તરફ જોયુ અને માથુ હલાવી હા પાડી, અને ફરી તરત ફાઈલમાં જોયુ, પણ બીજી જ ક્ષણે દિપકે ફાઈલમાંથી નજર ઉપર કરી, સામે લગભગ અઠ્યાવીસ-ત્રીસ  વર્ષની યુવતી ઉભી હતી, તેણે આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો, હાથમાં એક ફાઈલ હતી, રંગ ગોરો ન્હોતો છતાં તે આકર્ષક લાગતી હતી, દિપકે ઉપર જોતા યુવતીએ એક સ્માઈલ આપી, દિપકના ચહેરા ઉપર પણ હાસ્ય આવ્યુ. પોલીસની કંટાળાજનક નોકરીમાં ઘણા વખત પછી આંખોને ગમી જાય તેવો ચહેરો આંખ સામે આવ્યો હતો. દિપકે ખુરશી તરફ ઈશારો કરતા કહ્યુ ટેઈક  યોર સીટ. પેલી યુવતીએ પહેલા ફાઈલ ટેબલ ઉપર મુકી પોતાના ખભે લટકતુ પર્સ ખભા ઉપરથી નીચે ઉતાર્યુ અને ખુરશીમાં બેઠી.

દિપકે પોતાની બન્ને કોણીઓ ટેબલ ઉપર ગોઠવતા પુછયુ બોલો.. પેલી યુવતીએ દિપકની નજરોમાં નજર મીલાવી વાત કરતા કહ્યુ સર હું સુગંધા સોની.. ભારત સરકારની ઈન્સસ્યુરન્સ કંપનીમાં મેનેજર તરીકે જોબ કરૂ છુ. મારો કેસ બહુ પર્સનલ છે, મને ખબર નથી કે પોલીસ આ કેસમાં કઈ રીતે મદદ કરી શકે, પણ મેં અખબારમાં તમારી કામગીરી અંગે ઘણી વખત વાંચ્યુ છે. એટલે મને લાગ્યુ કે કદાચ મને તમે કોઈ મદદ કરી શકો અથવા કોઈ રસ્તો બતાડી  શકે.સુગંધાએ પોતાની ફાઈલ ખોલી કેટલાંક કાગળો ખોલી ફાઈલ દિપક સામે ફેરવીને મુકતા કહ્યુ સર મારા  પ્રેમ લગ્ન કસ્તુભ સાથે દસ વર્ષ પહેલા થયા, અમે ત્યારે પણ એકબીજાને પ્રેમ કરતા હતા, અને આજે પણ કરી છીએ, પણ આજે સાથે રહેતા નથી, દિપક સુગંધાને સાંભળવા કરતા જાણે તેની આંખો વાંચી રહ્યો હોય તેમ તેની સામે જોઈ રહ્યો હતો, તે વાત ખુદ સુગંધાના ધ્યાનમાં પણ આવી.

સર અમારી વચ્ચે  કહી શકાય તેવો કોઈ ડીસ્પયુટ નથી, લોકોને નજરે અમે સુખી હતા, પણ તે સુખ અમને કઠતુ હતું, અમને લગ્ન પહેલા અમને  જે એકબીજાને વાતો ગમતી હતી, પણ લગ્ન બાદ અમને બંન્નેને લાગવા માંડયુ  અમે એક તો એકબીજાથી અલગ છીએ, છતાં એકબીજાને અનુરૂપ થવાનો પ્રયત્ન કરતા રહ્યા, કસ્તુભ પણ મને એડજેસ્ટ થવાનો ખુબ પ્રયત્ન કરતો હતો, છતાં અમારી વચ્ચે અંતર વધી રહ્યુ હતું, અમે સાથે ફરતા, બધા જ ફંકશનમાં સાથે જ હોઈએ છતાં એકબીજાથી દુર હતા. અમારે એક દિકરો પણ થયો. કસ્તુભે જ તેનું નામ વિશ્વેશ રાખ્યુ, તે એકદમ કસ્તુભ જેવો દેખાય છે. વિશ્વેશનું નામ આવતા સુગંધા અટકી ગઈ. દિપક તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો.

સુગંધાએ ઝડપથી પોતાની પર્સમાંથી હાથ રૂમાલ કાઢયો, તેની આંખો ભરાઈ આવી, તેણે પોતાની આંસુ લુછયા, દિપક મુંઝવણમાં મુકાઈ ગયો, તેની સામે એક સુંદર યુવતી રડી રહી, તેને આશ્વાસન આપે તો પણ કેવી રીતે તેને સમજાયુ નહીં, શરીર ઉપર ખાખી ડ્રેસ હતો, છતાં તેના હ્રદય સુગંધાની વેદના સમજી શકતુ હતું, દિપકે પોતાના ટેબલ ઉપર ઢાંકી રાખેલો પાણીના ગ્લાસ ડીશ ખસેડી સુગંધા તરફ ખસેડયો, સુગંધાએ નો સર થેંકસ કહી આંખો સાફ કરતા કહ્યુ સોરી સર વિશ્વેશની વાત આવતા ઈમોશનલ થઈ ગઈ. તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ. અમને બંન્નેને એવુ હતું કે વિશ્વેશ આવ્યા પછી અમારી સ્થિતિમાં સુધારો થશે પણ તેવુ થયુ નહીં. અમે બંન્ને રોજ મન મારીને જીવતા હતા, પ્રેમ પણ કરતા હતા અને સાથે પણ રહી શકતા ન્હોતા.

મેં એક દિવસ કસ્તુભ પાસે બેસી અલગ થવાની વાત કરી તે કઈ બોલ્યો નહીં, પણ તેણે પુછયુ વિશ્વેશનું શુ .. મેં તેને કહ્યુ વિશ્વેશને મારી જરૂર છે.. તે હજી નાનો છે. કસ્તુભ સમજદાર અને પ્રેમાળ માણસ છે, તે મને અને વિશ્વેશને સમજી શકતો હતો. તેણે પછી કઈ કહ્યુ નહીં. મે ફેમેલી કોર્ટમાં મીચ્યુલ ડીવોર્સ પેપર ફાઈલ કર્યા, ક્સતુભે કોર્ટમાં આવીને કાગળો ઉપર સહી પણ કરી હતી, પરંતુ કોર્ટે અમને વિચાર કરવાનો સમય આપ્યો, હમણાં અમારો સેપ્રેશન પીરીયડ ચાલે છે. કોર્ટે આ દરમિયાન અઠવાડીયામાં એક વખત વિશ્વેશને કસ્તુભ લઈ જવાનો ઓર્ડર કર્યો હતો. હું છેલ્લાં ત્રણ મહિનાથી દર રવિવારે વિશ્વેશને લઈ કસ્તુભને મળવા જઉ છુ, ગયા અઠવાડીયે પણ ગઈ હતી, ત્યારે કસ્તુભે મને વિનંતી કરી કે એકાદ દિવસ હું વિશ્વેશને તેની પાસે છોડી જઉ, અને વિશ્વેશ પણ પપ્પા પાસે રહેવા માગતો હતો. મને વિશ્વેશને કસ્તુભ પાસે છોડી જવામાં કઈ અજુગતુ લાગ્યુ નહીં, કારણ તે પણ તેનો પિતા છે
હું તેને છોડીને આવી, બીજા દિવસે વિશ્વેશને લઈ કસ્તુભ આવ્યો નહી, એટલે મેં તેને ફોન કર્યો, તેણે કહ્યુ હજી એક દિવસ વિશ્વેશ રહેવા માગે છે, મને વાંધો ન્હોતો, વિશ્વેશ હજી પાંચ વર્ષનો છે તેનું મન દુખી કરી હું તેને લાવવા માગતી ન્હોતી., પણ આજે તે વાતને પંદર દિવસ થઈ ગયા કસ્તુભ હવે વિશ્વેશને મોકલવા જ તૈયાર નથી, તેનું કહેવુ એવુ છે વિશ્વેશ  મારી સાથે આવવા તૈયાર નથી, હું વિશ્વેશને લેવા માટે પણ લઈ ગઈ પણ તેણે પણ મને કહ્યુ મારે પપ્પા પાસે રહેવુ છે. સુગંધાની આંખો ફરી ભરાઈ આવી, થોડીક ક્ષણો માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સુગંધાએ ફરી સ્વસ્થ થતા કહ્યુ સર વિશ્વેશ હજી પાંચ વર્ષનો છે તે પોતાનો નિર્ણય કેવી રીતે કરી શકે.. મને ખબર છે કસ્તુભ પણ તેને ખુબ પ્રેમ કરે છે.. એટલે તે પણ તેના વગર રહી શકતો નથી. પણ હું વિશ્વેશ વગર કેવી રીતે રહી શકુ તેની મા છુ.

ફરી થોડીક ક્ષણ શાંતિ છવાઈ, સુગંધાએ તરત મુળ વાત ઉપર આવતા ફાઈલ તરફ આંગળી મુકતા કહ્યુ સર મારી પાસે ફેમેલી કોર્ટનો ઓર્ડર છે, જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે અઠવાડીયામાં એક જ વખત વિશ્વેશ કસ્તુભને મળી શકશે. મારી વિનંતી છે, મને કોર્ટના ઓર્ડર પ્રમાણે મારો દિકરો પાછો અપાવો. દિપક વિચારમાં પડી ગયો, કદાચ તેની માનસીક હાજરી ત્યાં ન્હોતી. સુગંધાએ કહ્યુ સર સર. તે એકદમ પાછો આવી ગયો, દિપક સિનિયર પોલીસ ઓફિસર હતો સામાન્ય રીતે આવી તકરાર પોલીસ સુધી આવતી નથી, અહિયા વાત કાયદા- માનવી સંબંધો અને લાગણીઓની હતી, કદાચ એટલે દિપક થોડીવાર માટે ભુલી ગયો હતો કે તે એક પોલીસ ઓફિસર છે., પણ સુગંધા સામે બેઠી છે તેવો  ખ્યાલ આવતા તેણે તરત ઈન્ટરકોમ ઉપર સુચના આપી કે  ઈન્સપેકટર મીનાક્ષીને મારી ચેમ્બરમાં મોકલો.

દિપક વિચારમાં હતો, ત્યારે ચેમ્બરનો દરવાજો ખુલ્લો, અને ઈન્સપેકટર મીનાક્ષી પટેલે અંદર આવી સલામ કરતા કહ્યુ જય હિન્દ સર. દિપક આસામી હતા, પણ બે દાયકાથી ગુજરાતમાં હોવાને કારણે સારૂ અને કામ પુરતુ ગુજરાતી બોલી શકતા હતા, તેમણે ઈન્સપેકટર મીનાક્ષીને સુચના આપતા સુગંધા તરફ ઈશારો કરતા કહ્યુ મીનાક્ષી આ સુગંધા સોની છે. તેમને પાસે કોર્ટનો  ઓર્ડર છે, તેમના બાળકની કસ્ટડીનો, તેમને તમારી સાથે લઈ જાવ અને તેમને મદદ કરો. મીનાક્ષીએ સર કહ્યુ દિપકે  સુગંધના કહ્યુ તમે અમારા ઓફિસર સાથે જઈ વિગતો આપો. સુગંધા ઉભી થઈ રહી હતી ત્યારે દિપકને યાદ આવ્યુ તેમણે મીનાક્ષી સામે જોતા કહ્યુ ઈન્સપેકટર કેસ પોલીસની રીતે નહીં  ઈમોશનલી હેન્ડલ કરજો.

સુગંધા થેકસ કહી, ઈન્સપેકટર મીનાક્ષી પટેલની સાથે ચેમ્બરની બહાર નિકળી ત્યારે આઈજીપી દિપક મહંતો અને તેમની યાદો સિવાય ચેમ્બરમાં કોઈ ન્હોતુ, દિપકને રેવતીની યાદ આવી ગઈ.
(ક્રમશઃ)

Sunday, October 2, 2016

આજે તેમના સ્મશાન પણ અલગ છે.


 
 તાજેતરમાં દલિત યુવાન નેતા જીજ્ઞેશ મેવાણી ઉપર બે પોસ્ટ લખી, તેની સાથે જ હું જોઈ રહ્યો હતો કે કેટલાંક મીત્રો અનામતના મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગી રહ્યા હતા, કાયમની જેમ મારી પોસ્ટ ઉપર થતી કોમેન્ટ ઉપર જવાબ આપી વિવાદ કરવા માગતો નથી માટે તે પ્રમાણે કોઈ જવાબ આપ્યો નહીં, મારા મીત્રોનો મત હતો કે દેશને અનામત પ્રથાને કારણે પારવાર નુકશાન થયુ છે, બીજો મત હતો કે માત્ર દલિતો જ ગરીબ છે તેવુ નથી, અન્ય જાતીઓના લોકો પણ ગરીબ છે. તો શા માટે માત્ર દલિતોના અધિકારની વાત થાય છે, જીજ્ઞેશે વાત કરવી હોય તો ગરીબોની કરવી જોઈએ. વગેરે વગેરે કોમેન્ટ હતી, હું એક એક કોમેન્ટનો જવાબ આપી શકુ તેના કારણો અને તર્ક મારી પાસે હતો, છતાં હું શાંત રહ્યો , હું તેવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યો હતો કે તમામ કોમેન્ટને સરળતાથી સમજાવી શકુ.

આજે સવારે જ એક ગુજરાતી અખબાર ખોલી જોયુ તો તેના પાના નંબર  2  ઉપર એક પોઝીટીવ સ્ટોરીની વ્યાખ્યામાં આવે તેવી સ્ટોરી હતી. વાત અમદાવાદની જ હતી, તે સારૂ છે નહીંતર મારા મીત્રો તેવી પણ દલીલ કરે કે શહેરોમાં તો આવુ થતુ નથી. સ્ટોરી પ્રમાણે અમદાવાદના શીલજ વિસ્તાર જયાં મોટી સંખ્યામાં શિક્ષીત અને શ્રીમંતો વધારે રહે છે. આ વિસ્તારમાં દલિતોનું એક સ્મશાન આવેલુ છે, જે સુવિધાઓના અભાવે અત્યંત ખરાબ દશામાં હતું,  દલિતો આ અંગે સરકારમાં રજુઆત કરી થાકી ગયા હતા, આ અંગે અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થતાં એક મોટા વેપારીએ દલિતોને પૈસા આપી તેમના સ્મશાનની મરામત કરાવી સુંદર બનાવી દીધુ. આખી સ્ટોરીનો હાર્દ એવો હતો કે સરકારે પૈસા ના આપ્યા પણ ગામ લોકો અને વેપારીની મદદથી દલિતોનું સ્મશાન સુંદર થઈ ગયુ.

પણ મને આ સમાચાર વાંચતા ખટકી ગયા, કારણ માણસ જીવતો હોય ત્યાં સુધી તેને તેનો ધર્મ અને જાતી તો નડતી હોય છે, પણ મૃત્યુ પછી પણ તે દલિત હોવાની વાત તેના અગ્ની સંસ્કારમાં આડે આવી રહી હતી. મને આજે પણ સમજાતુ નથી કે વિકાસશીલ ગુજરાતમાં આજે હજારો ગામમાં દલિતો અને સવર્ણના સ્મશાન અલગ અલગ છે, આજે ખુદ રાજય સરકાર દલિતોને અલગ સ્મશાન બનાવી આપે છે. ખરેખર તો માણસના જન્મ સાથે મળતો ધર્મ અને જાતી તેના મૃત્યુ સાથે સમાપ્ત થવી જોઈએ, પણ તેવુ થતુ નથી. શીલજના જે વેપારી અને ગામ લોકોએ દલિતોને મદદ કરી નવુ સ્મશાન બનાવી આપ્યુ તેના બદલે તેવુ પણ કહી શકતા હતા કે ભાઈ જીવ્યા ત્યાં સુધી તો આપણે અલગ રહ્યા પણ મૃત્યુ પછી તો તમે અમારા સ્મશાનમાં અગ્ની સંસ્કાર કરો તો પણ વાંધો નથી, પણ તેવુ થયુ નહીં અને થતુ પણ નથી.

હવે જે મીત્રો મને કહે છે કે ગરીબ દલિત અને ગરીબ બ્રાહ્મણની સ્થિતિ સરખી જ છે તો ખરેખર તેવુ હોતુ નથી, બ્રાહ્ણણ ગરીબ હોય તો પણ લોકો તેને સન્માન આપે છે આવો ભુદેવ કહી સંબોધન કરે છે. જયારે દલિત જીવતા જીવ અને મર્યા પછી પણ દલિત અને આભડછેટનો શિકાર જ રહે છે. અનામત અંગે આપનો વિચાર અલગ હોઈ શકે પણ દલિત હોવાની માનસીક તકલીફ સમજવા માટે થોડીક ક્ષણ દલિત હોઈએ તો આપણી સાથે કેવો વ્યવહાર થાય તેની કલ્પના પણ કરી જોવા જોવી છે. અનામત આપવાનો હેતુ તો દલિત અને બ્રાહ્મણ સરખા થાય તેવો જ હતો, પણ તેવુ થયુ નહીં દલિતનો એક નાનકડો વર્ગ ભણ્યો-પૈસા કમાયો અને મોટો માણસ થયો પણ અનામતને કારણે તેને મળેલા શિક્ષણ અને સમૃધ્ધી બાદ પણ તે આપના સન્માનને પાત્ર થયો નહીં. અને તે મોટો માણસ થયા પછી પણ તેના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર તો દલિતોના સ્મશાનમાં જ થાય છે.

આ તો કેવી વ્યવસ્થા મને વધારે માઠુ તો ત્યારે લાગે છે સમાજ તો ઠીક પણ ખુદ રાજય સરકાર પણ દલિતો માટે અલગ સ્મશાન બનાવી આપે છે. ખરેખર તો રાજય સરકારે સમાજને ફરજ પાડવી જોઈએ કે દલિત હોય કે બ્રાહ્મણ બધાના અંતિમ સંસ્કાર તો એક સ્મશાનમાં થશે. પણ તંત્ર પાસે પણ તેવી સંવેદનશીલતા નથી. દલિત માટે કુવા અલગ હોય, દલિતો માટે તેમનો વાસ અલગ હોય અને દલિતો માટે સ્મશાન પણ અલગ હોય ત્યારે આપણે કેવી રીતે કહી શકીએ કે બધા એક સરખા છીએ. અને ખાસ જયારે અનામતની વાત આવે ત્યારે આપણને ચોક્કસ દલિતો જ યાદ આવી જાય છે. અને અનામતને કારણે દલિતો લાભ લઈ ગયા અને આપણે રહી ગયા તેવી ફરિયાદ હોય છે.

પણ આવી દલિત કરતા મારા શિક્ષીત મીત્રોએ અનામતની ટકાવારી તપાસી જવાની જરૂર છે. આપણે ત્યાં અલગ અલગ પ્રકારની કુલ 49 ટકા અનામત બેઠકો છે, તેમાં દલિતો માટે માત્ર સાત ટકા જ છે જયારે બાકીની 42 ટકા અનામત તો અન્ય જાતીઓને મળે છે, છતાં આપણે તેમની ઉપર કયારેય ગુસ્સો આવતો નથી. ચૌધરી, પંચાલ ઠાકોર બારોટ , તડવી વગેરે જાતીઓને પણ અનામતને લાભ મળતો હોવા આપણે તેમને કયારેય ધીક્કારતા નથી, અને તેમના મૃત્યુ બાદ તેમને અંતિમ સંસ્કાર પણ આપણા જ સ્મશાનમાં થાય છે શુ કામ આપણી નારાજગી પરમાર અને મકવાણા અટક ધરાવતી વ્યકિતઓ સામે છે. આખી ઘટનાને આપણે માત્ર માણસ તરીકે જન્મયા છીએ તેને ધ્યાનમાં રાખી જાતીના કુંડાળા બહાર ઉભા રહીને જોવાની જરૂર છે કદાચ તમને પણ મારી જેમ સમજાઈ જશે અને આપણે જે કરી રહ્યા છીએ તેનું માઠુ પણ લાગશે.