Thursday, December 29, 2016

હું રોજ તમારી રાહ જોતી હોઉ છુ

થોડા દિવસ પહેલા અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પ્રસંગે જવાનું થયુ, હું તો નવજીવન  ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે ગયો હતો. નવજીવન ટ્રસ્ટ તરફથી પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીની મોટી તસવીરો પોલીસ સ્ટેશનને ભેટમાં આપવામાં આવી હતી, ઉદ્દઘાટન સમારંભ પુરો થયા પછી ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર એ કે સિંઘ હજી સ્ટેજ ઉપર મુલાકાતીઓની મળી રહ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા ઉપર હું અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદ્દી ઉભા હતા, અમારી વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક તેમનું ધ્યાન મહાત્માની તસવીર તરફ ગયુ, તે એક ક્ષણ કઈક વિચારવા લાગ્યા, પછી મારી સામે જોતા ઓશો રજનીશના ભાષણને ટાંકતા તેમણે કહ્યુ રજશીનના મતે મહાત્માએ દેશ માટે ઘણુ કર્યુ, પણ પોતાના પરિવારને અન્યાય કર્યો હતો. હું તેમને સામે જોઈ રહ્યો.

મેં કહ્યુ સર પરિવારને અન્યાય થઈ રહ્યો છે તે વાત મારા અને તમારા પરિવારને પણ લાગુ પડે તેમ છે, હું સુભાષ ત્રિવેદ્દીને છેલ્લાં પચ્ચીસ વર્ષથી ઓળખુ છુ, તેઓ સીસ્ટમની અંદર હોવા છતાં તેમના ભાગે સીસ્ટમ સામે લડવાનું અનેક વખત આવ્યુ છે. તેમના માટે પોલીસની નોકરી નથી, નોકરી નથી, વર્ષો પહેલા ફરજમાં બેદરકારી દાખવનાર એક કોન્સટેબલને ઠપકો આપતા સાંભળ્યા હતા, તેમણે કોન્સટેબલને કહ્યુ હતું તારા અને મારા માથા ઉપર જે ટોપી છે, તેમાં અશોકસ્તંભ છે, બીજા બધા કરતા આપણા શીરે દેશે વધુ જવાબદારી મુકી છે.મારૂ વાકય સાંભળી સુભાષ ત્રિવેદ્દી હસવા લાગ્યા , તેમના એક આછા સ્મીતમાં  તેમનો હકાર હતો. આ દેશનો કોઈ પણ માણસ પોતાનું કામ થોડુ પ્રમાણિકપણે કરે  એટલે તે મહાત્મા ગાંધીની કતારમાં આવી ઉભો રહી જાય છે. અને જયારે માણસ પોતાના કામ પ્રત્યે પ્રમાણિક રહે ત્યારે તેની કિમંત તેના પરિવારે ચુકવવાની હોય છે.

થોડા દિવસ પહેલા હું ભાવનગર રોટરી કલબમાં એક લેકચર માટે ગયો હતો, મેં મારા ક્રાઈમ રીપોર્ટીંગના લેકચરમાં કહ્યુ હતું, હું જે કઈ કરી શકયો તેમાં મારા પરિવારની ભુમીકા મહત્વની છે.બીજા દિવસે ઘરે આવ્યા પછી મેં મારી પત્ની શીવાની સાથેની ચર્ચામાં લેકચરની વાત કરી ત્યારે તેણે મને કહ્યુ, તમે રોજ આખા દિવસ તમારા કામ માટે દોડયા કરો છો, સારૂ કામ કરો છો, મને તમારૂ કામ અને તમે બંન્ને ગમો છો, પણ કયારેક તો અમારો વિચાર કરો. રોજ સાંજ પડે અને અમે તમારી રાહ જોતા બેસી રહીએ છીએ, મને તેની વેદના સમજાતી હતી, મેં તેનો હાથ પકડતા કહ્યુ મને ખબર છે, પણ હવેથી હું ધ્યાન રાખીશ કે તમને સમય આપી શકુ, પણ હું જાણુ છુ આવી ફરિયાદ તેણે મને પહેલી વખત કરી નથી અને હું સમય આપીશ તેવુ પણ મેં પહેલી વખત કહ્યુ નથી, છેલ્લાં વીસ વર્ષથી અમારી વચ્ચે દરમહિને આ સંવાદ થાય અને હું કામમાં તે રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે.

કોઈ પણ સારી બાબતનું નિર્માણ કિમંત ચુકવ્યા વગર થતી નથી, પણ જે માણસ બીજા કરતા કઈક જુદુ કરવા નિકળે છે ત્યારે તે તેનું પોતાનું ઝનુન હોય છે, તે કામ સાથે તેના પરિવારને કોઈ નીસ્બત હોતી નથી, તેના કારણે એક માણસના ઝનુનની કિમંત અચુક તેના પરિવારને જ ચુકવવી પડતી હોય છે.તેથી ગાંધીએ પોતાના પરિવારને અન્યાય કર્યો તેવો આક્ષેપ સાચો હોય તો પણ તે આક્ષેપ માત્ર ગાંધી સુધી સિમીત નહી રહેતા પોતાનું કામ ઘડીયાળ સામે જોયા વગર પ્રમાણિકપણે કામ કરનાર અત્યંત સામાન્ય માણસને પણ એટલો લાગુ પડે છે.

Monday, December 26, 2016

આખરે ગાંધીજી પોલીસ સ્ટેશન પહોંચ્યા ખરા...

અગાઉ હું એક વખત લખી ચુકયો છુ, વિશ્વ આખામાં મહાત્મા ગાંધીની પુજતા  હોય પણ ગાંધીના પોતાના જ ઘર ગુજરાતમાં વેગળાપણુ અનુભવી રહ્યા છે. છેલ્લાં છ મહિનાથી હું ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છુ, વ્યવસાયે ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે મારા પહેલા વિચારમાં પણ પોલીસ સહજ રીતે આવી જાય છે.મનમાં એક વિચાર આવ્યો કે શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસની કચેરીમાં મહાત્મા ગાંધીની એક તસવીર કેમ ના હોઈ શકે ? મેં જયારે પહેલી વખત મારો વિચાર નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈ સામે મુકયો ત્યારે તેમણે તરત કહ્યુ હા પોલીસે કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં, નવજીવન ટ્રસ્ટ તમામ વ્યવસ્થા કરશે.

આ વિચાર સાથે હું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પહોંચ્યો, નખશીથ પોલીસ અધિકારી હોવા છતાં જન્મે વિચારશીલ આઈજીપી આર જે સવાણીને મેં પોલીસ કચેરીમાં ગાંધીની તસવીરની વાત કરી ત્યારે તેમણે કહ્યુ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ઈશ્વરના ફોટોગ્રાફ મુકે છે, જેને કોઈએ જોયો નથી, પણ ગાંધી તો આ યુગમાં થઈ ગયા. ગાંધી પોલીસમાં આવે તે તો સારી વાત છે.આર જે સવાણી સાથે થયા પછી નવજીવન ટ્રસ્ટ દ્વારા નિયમ પ્રમાણે એક અરજી અમદાવાદ પોલીસ કમિશનર શીવાનંદ ઝા  સામે અરજી કરવામાં આવી જેમાં સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યુ હતું ગાંધીના ફોટોગ્રાફથી લઈ તેની ફ્રેમ કરી પોલીસ સ્ટેશનમાં ફોટો લગાડવા સુધીની કામગીરી નવજીવન ટ્રસ્ટ કરશે, જેમાં રાજય સરકાર અથવા પોલીસ વિભાગે કોઈ ખર્ચ કરવાનો નથી.
અપેક્ષા હતી કે એકાદ અઠવાડીયા પછી તમામ પોલીસ સ્ટેશનનાં ફોટો લગાવવાની શરૂઆત થશે, પણ કોઈ પણ કારણ વગર એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ અને કમિશનરની બ્રાન્ચ વચ્ચે ફાઈલ ત્રણ મહિના કોઈ પણ કારણ વગર ફરતી રહી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓની બદલીનો દૌર આવ્યો, એટલે મેં પણ કમિશનર ઓફિસ આ મુદ્દે જવાનું લગભગ બંધ કરી દીધુ હતું, એક સપ્તાહ પહેલા આઈજીપી આર જે સવાણીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યુ પ્રશાંત રાજય સરકાર જયારે દારૂબંધીના કડક કાયદાને મહત્વ આપી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ અને નવજીવન ટ્રસ્ટ ગાંધી વિચાર આખી વાત પ્રજા સામે મુકે તેવુ કઈક થવુ જોઈએ,
 ત્યાર બાદ મારી અને આઈજીપી સવાણીની મેરેથોન મિટીંગો અને કામ શરૂ થયુ.

સમય ઓછો હતો, એક આયોજન પ્રમાણે દારૂબંધી અંગે હકારાત્મક પ્રચાર ગાંધી વિચાર સાથે લોકો સામે મુકવાનો પ્રયાસ હતો, છતાં સતત ત્રણ દિવસની મહેનત બાદ કયા પ્રકારનું સાહિત્ય હશે, હોડીંગ અને બેનરો કેવા હશે તેની ડીઝાઈન નક્કી થઈ, એક ચોક્કસ નાનકડા ફંડમાં કામ કરવાનું હતું, નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યુ વાત જયારે ગાંધી વિચારની હોય ત્યારે રાજય અથવા પોલીસ પોતાના ફંડની મર્યાદામાં જે કઈ ફાળવી શકે તે ફાળવે બાકી નવજીવન ટ્રસ્ટ ખર્ચ ઉપાડી લેશે.બીજી તરફ વિશાળ સંખ્યામાં લોકો સુધી પહોંચવા માટે મોટા હોર્ડીગની પણ જરૂર હતી, પણ જયારે આઈજીપી સવાણીએ હોર્ડીંગની કંપનીઓ અને મોટા ઝવેરીઓ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યુ ગાંધી અને દારૂબંધીની વાત હોય તો અમારી જાહેકખબરો હટાવીને પણ અમે તમને જગ્યા આપીશુ.

બધી જ રૂપરેખા તૈયાર કર્યા પછી આખરી મહોર માટે અમે અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ પાસે પહોંચ્યા, તેમણે ધ્યાનથી બધુ જ જોયુ , તેમની આંખોની ચમકમાં ગાંધી વસી ગયો હતો, કડક ચહેરા ઉપર એક સ્મીત આવ્યુ તેમણે કહ્યુ બ્રીલિયન્ટ, મારા અને આર જે સવાણીના ચહેરા ઉપર સ્મીત આવ્યુ. સવાણીએ પોતાની પાસે રહેલી બે ગાંધીની તસવીર હતી, તે બતાડી કહ્યુ સર નવજીવન ટ્રસ્ટ તમામ કચેરીમાં ગાંધીની તસવીર મુકવા માગે છે.  એ કે સિંગે મારી સામે જોયુ અને કહ્યુ રાષ્ટ્રપિતાની તસવીર મુકાય તેના કરતા ઉત્તમ કઈ બાબત હોય, જે ફાઈલ મહિનાઓ સુધી ફરી તેને એક ઝાટકે મંજુરી મળી ગઈ. તેમણે કહ્યુ શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી કરો. રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવા માટે સોમવારે આવવાના હતા.
હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં બરાબર સામે આખરે ગાંધીને સ્થાન મળ્યુ, આ ઉપરાંત પોલીસની બહાર ગાંધીની તસવીર સાથે ગાંધીના દારૂબંધીના વિચાર સાથે છફુટ મોટા કટ અાઉટ પણ લાગી ગયા હતા, પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પછી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે દારૂબંધી કોઈ પણ ભોગે ગાંધીજીની પુસ્તીકાનું વિમોચન થયુપ્રદીપસિંહે પોતાના ભાષણ દરમિયાન પણ ગાંધીએ દારૂ અંગે કરેલી વાતને દોહરાવી હતી., એક સપ્તાહ સુધી અમદાવાદ પોલીસ હવે વાહન ચેકીંગ પછી તમામ વાહન ચાલકોને આ નાનકડી પુસ્તીકા ભેટ આપી દારૂબંધીનું મહત્વ સમજાવશે. સમારંભ પુરો થયા પછી સ્ટેજની નીચે હું ઉભો હતો ત્યારે પોલીસ કમિશનર એ કે સિંગે એક હાસ્ય સાથે કહ્યુ અચ્છે કેમ્પેઈન કી શરૂઆત હુઈ

કાયદાનો ડર બતાડયા વગર ગાંધી મારફતે એક હકારાત્મક પ્રયોગ કરી અમદાવાદ પોલીસે દારૂબંધી સામે એક નવી જંગ માડી છે, મને આનંદ તે વાત છે આખરે ગાંધી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા ખરા..

ગાંધીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં નવજીવનના પ્રયાસને સહયોગ આપનાર તમામને જય હિન્દ..

Sunday, December 11, 2016

તમે મને પત્ર લખજો, હું જયા પણ હોઈશ ત્યાંથી આવી જઈશ.

તા 8મી ડીસેમ્બર સાંજના પાંચ વાગી રહ્યા હતા, સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર આવેલા ઓપનીયર થીયેટરના ખુલ્લા આંગણામાં આશરે પાંચસો જેટલાં કાચા અને પાકા કામના કેદીઓ એકત્ર થયા હતા, પ્રસંગ તો નવજીવન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલી ગાંધી વિચાર પરિક્ષાના ઈનામ વિતરણનો હતો, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીના હસ્તે વિજેતા કેદીઓને ઈનામ આપવા આવ્યા હતા, સુનીલ જોષીનો જેલમાં આ છેલ્લો સમારંભ હતો, આ સમારંભ પુરો કરી સુનીલ જોષી સીધા પોતાની બદલીના નવા સ્થળે વલસાડ જવા માટે રવાના થવા હતા.

સુનીલ જોષી ઈનામ વિતરણ પછી ભાષણ આપવા માટે ઉભા થયા, મારા અનુભવ પ્રમાણે સામાન્ય રીતે કેદીઓ અને જેલ સુપ્રીટેન્ડન્ટ વચ્ચે ભાગ્યે જ સારા સંબંધો હોય છે., તેઓ મોટા ભાગે એકબીજાને તીરસ્કારતા હોય છે. પણ સુનીલ જોષી ઉભા થયા તેની સાથે મેં નોંધ્યુ કે કેદીઓના ચહેરા ઉપર એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ હતી, તેમને ચહેરો પોતાનું દુખ છુપાવી શકતા ન્હોતા. ભાષણ શરૂ કરતા પહેલા જોષીએ એક નજર કેદીઓ તરફ કરી અને તેમણે કહ્યુ તમને તો ખબર જ હશે મારી બદલી થઈ ગઈ છે. પછી એક ક્ષણ શાંત રહ્યા, તેમના અધ્યાર શબ્દો પ્રમાણે તેઓ જેલ છોડી જવા માટે રાજી ન્હોતા. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ જેલ સુપ્રીટેન્ડન્ટની બદલીને સજા માનતા હોય છે. પણ એક બદલી બાદ જોષીએ કહ્યુ મને જેલમાં કામ કરવાની મઝા આવવા લાગી ત્યારે જ મારી બદલી થઈ.

જેલ અધિકારીને કેદીઓ સાથે કઈ રીતે મઝા આવે તે વાત અનેક પોલીસ અધિકારીઓને પણ સમજાય તેવી નથી, પણ આ સમારંભમાં હું કેદીઓ અને સુનીલ જોશી બન્નેની આંખમાં એક સરખો ભાવ જોઈ રહ્યો હતો. જોષી કેદીઓને સંબોધતા કહ્યુ હું મારી બદલીના સ્થળે જઈ રહ્યો છુ, પણ તમને છોડી જતો નથી, તમારા પૈકી અનેકની જલદી જેલ મુકિતનો પ્રશ્ન છે, તે અંગે મેં સરકાર સાથે વાત કરી છે, અને જયાં પણ રહીશ ત્યાં તે પ્રશ્નનો જલદી ઉકેલ આવે તે માટે કામ કરીશ. જોશી દરેક વાકય બાદ અટકી રહ્યા હતા, કદાચ તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી કોઈ પણ જેલ અધિકારીને પોતાના કેદીઓ સાથે પ્રેમ થઈ જાય તેવુ મેં જોયુ ન્હોતુ.

કેદીઓને પ્રથમ હરોળમાં અમદાવાદ બોમ્બ ધડાકાના આરોપીઓ બેઠા હતા, જોશી બોલી રહ્યા હતા, ત્યારે મારૂ ધ્યાન કેદી સમસુદ્દીન શેખ તરફ ગયુ, તેણે નમાઝ પઢતો હોય તે રીતે પોતાના બંન્ને પગ બેસી આકાશ તરફ ઉંચે જોઈ દુઆ માંગી રહ્યો હતો, જેમની ઉપર અમદાવાદમાં બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, અને થોડા વર્ષો પહેલા જેલમાં સુરંગ બનાવી જેમણે ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો, તેવા કેદી પણ જોશી માટે દુઆ માંગી રહ્યા હતા.જોષીએ કેદીઓને કહ્યુ હું જયા પણ રહીશ ત્યાંથી તમારા સંપર્કમાં રહીશ, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને પત્ર લખજો, હું આવી જઈશ. આમ તો એક વખત જેલ સાથે કોઈ પોલીસ અધિકારીનો નાતો તુટે પછી તેણે જેલની ચીંતા કરવાની જરૂર હોતી નથી, પણ છતાં ખાખી વર્દીની પાછળ રહેલો એક માણસ જોશીએ આ કરવાની ફરજ પાડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતું.

જોશીનું છેલ્લુ વાકય હતું હું અહિયાથી જઈ રહ્યો છુ, પણ તમે સારા માણસ થવાનો રોજ પ્રયત્ન કરજો, એક દિવસ તમે જેલની બહાર નિકળશો ત્યારે અહિયા આવ્યા તેના કરતા સારા માણસ થઈને નિકળજો. ભાષણ પુરૂ કરી સુનીલ જોશી મંચ ઉપરથી ઉતરી સુબેદારની પેટી તરફ આગ વધ્યા તેની સાથે તમામ કેદીઓ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ ગયા, અને તેમની નજર જોશી તરફ હતી, તેમની આંખોમાં પ્રેમ, દુખ અને વિદાયની વેદના હતી. સમારંભ પુરો થયા બાદ હું અને વિવેક દેસાઈ સુનીલ જોશી સાથે તેમની ચેમ્બરમાં પહોંચ્યા, છેલ્લાં ચાર મહિના દરમિયાન હું નવજીવન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા કેદીઓના કાર્યક્રમને લઈ અનેક વખત મળ્યો, પણ મળ્યા પછી એવુ લાગ્યુ કે હું આ માણસને વર્ષોથી ઓળખતો હતો.

ત્યાંથી નિકળતી વખતે મેં ઉભા થઈ સુનીલ જોશી સાથે હાથ મીલાવ્યો, મારૂ મન કહેતુ હતું કે હું તેમના કામ અને તેમની અંદર રહેલા સારા માણસનું અભિવાદન કરવા તેમને ભેટી પડુ, પણ તેવુ કરી શકયો નહીં, મારા આંખોની ભીનાશ મને નબળો બનાવે તે પહેલા જેલનો લોંખડી દરવાજો આળંગી હું બહાર નિકળી ગયો, છેલ્લે  સુનીલ જોશીએ જેલના અધિકારીઓને કહ્યુ હતું મારી ભલે બદલી થઈ રહી છે, પણ નવજીવન ટ્રસ્ટ દ્વારા જેલમાં શરૂ કરવામાં આવેલુ કામ ચાલતુ રહે તેનું ધ્યાન રાખજો કારણ મહાત્મા ગાંધીનો જેલ સાથે કુદરતી નાતો છે જે કયારે તુટવા દેશો નહીં.

Wednesday, December 7, 2016

નરેન્દ્રભાઈ આવતીકાલની સારી સવાર માટે માણસ આજે ચોરી કરી રહ્યો છે.

 આદરણીય નરેન્દ્રભાઈ
 તમે નોટબંધી અંગે કરેલા આદેશ બાદ દેશભરમાં એક જ ચર્ચા છે, હું લાંબા સમયથી આખી ઘટનાને નજીકથી જોઈ રહ્યો છુ, કારણ પણ હું પણ કયાકને કયાંક આખી વ્યવસ્થાના એક નાનકડો ભાગ છુ, આ સંદર્ભમાં જે લખાય છે અને બોલાય છે, તે વાંચુ છુ અને સાંભળુ છુ, પણ છતાં મારી સમજ સ્પષ્ટ થતી નથી, સરળ શબ્દોમાં કહુ તો મીશ્રલાગણી અનુભવી રહ્યો છુ,તમારા તમામ  નિર્ણયોની ટીકા જ થવી જોઈએ તેવા મત પણ નથી, અને તમને આંઘળો ટેકો પણ આપી શકતો નથી, પણ એક નાગરિક તરીકે હું કેટલીક બાબતોનું ધ્યાન દોરવા માગુ છે, કદાચ તેમાંથી તમને કઈક રસ્તો મળે તેવા ઉદ્દેશથી આ પત્ર લખી રહ્યો છુ.

તા 9મી નવેમ્બર સવારના એક મારો શ્રીમંત મીત્ર મળી ગયો, તેના ચહેરા ઉપરની ચીંતાનું  કારણ તેની પાસે રહેલા કરોડો રૂપિયા હતા, ત્યારે મને લાગ્યુ કે પૈસા નહીં હોવાને કારણે હું સુખી છુ, પણ બે-ત્રણ દિવસમાં જ મારૂ સુખ પણ લાચારીમાં બદલાઈ ગયુ, મારી પાસે  પૈસા હતા, પણ તે પાંચસો અને એક હજારની થોડીક નોટો હતી, જે ઘર ખર્ચ માટેની હતી, પણ બજારમાં તેને કોઈ હાથ અડાવવા તૈયાર ન્હોતુ, મને પેલો જ મારો મીત્ર યાદ આવી ગયો, મેં તેને ફોન કર્યો, વિનંતી કરતા કહ્યુ મને પાંચ-દસ હજારની નવી નોટો મળી શકે તો મારૂ કામ નિકળે, તેણે મને થોડીક જ વારમાં વ્યવસ્થા કરી આપી, જો કે તા 9મીના રોજ તેના અવાજમાં જે ચીંતા હતા તે ગાયબ હતી, મેં તેમને પુછયુ મારે દસ-પંદર હજાર માટે આટલુ દોડવુ પડે છે, તો તમારી પાસે તો કરોડો રૂપિયા હતા, તો તમને ચીંતા થતી નથી, તેમણે મને જવાબ આપ્યો ચીંતા તો મધ્યમવર્ગે જ કરવાની હોય છે, અમારા જેવા લોકોની તો વ્યવસ્થા થઈ જાય છે.

નરેન્દ્રભાઈ જેમની પાસે કરોડો રૂપિયા હતા, તેઓ લાઈનમાં ઉભા રહ્યા નહીં છતાં તેમની કરોડોની નોટો બદલાઈ ગઈ, તો મને સમજાતુ નથી કઈ રીતે કાળુ નાણુ બેન્ક સુધી આવ્યુ, જયારે મારી પત્નીએ  ઘર ખર્ચ ચલાવતા બચાવી રાખેલા થોડાક હજાર હજારો રૂપિયા બેન્કમાં જમા કરવા ગયો ત્યારે બહુ વિચિત્ર લાગણી થતી હતી, પૈસા ભરવા ગયો ત્યારે ચોર જેવી લાગણી હતી, અને પૈસા લેવા જતો હતો ત્યારે કોઈ સદાવ્રતની બહાર ઉભા રહેલા ભીક્ષુક જેવુ લાગતુ હતું. આ દિવસો દરમિયાન ખુબ લોકો ચર્ચા કરતા હતા, જાણે તેઓ આયોજનપંચના અધ્યક્ષ હોય, પણ હું સામાન્ય રીતે ચર્ચા ટાળતો હતો, કારણ મને ટપ્પી જ પડતી ન્હોતી, આમ છતાં પત્રકારોને તો બધી જ ખબર પડે તેવુ માનતા પડોશીઓ અને મીત્રો કઈ રીતે મારી વ્યથા સમજાવુ. આખી ઘટનામાં જેમની પાસે કરોડો રૂપિયા છે અને જેમની પાસે માત્ર ઘર ચલાવવાની વ્યવસ્થા તેવા બધાને મે સાંભળ્યા તે કરતા તેમને વાંચવાનો પ્રયત્ન કર્યો છે.

મારા બીજા એક મીત્ર જેનો મોટો કારોબાર છે, તેમણે મને આ ચર્ચા પુછયુ તમે કેટલો ઈન્કમટેકસ ભરો છો.. મેં મારો પાંચ આંકડાના છેલ્લા ઈન્કમટેકસની તેની માહિતી આપી, તે મારી સામે જોઈ રહ્યો, જાણે જગતનો સૌથી જુઠ્ઠો માણસ હોઉ તે રીતે જોઈ રહ્યા , મેં તરત મારા મોબાઈલ ફોનમાં તેમને એક સારા કરદાતા તરીકે પાઠવેલ પત્ર બતાડયો, તેમણે આશ્ચર્ય સાથે પુછયુ આટલો બધો ટેકસ ભરો છો, મેં કહ્યુ અમે ટેકસ ભરતા નથી, અમારા પગારમાંથી ટેકસ કાપીને જ પગાર અમારા હાથમાં આવે છે.પગારદાર  12 મહિના નોકરી કરે છે, તેમાં 11 મહિનાનો પગાર મળે છે, જયારે એક આખા મહિનાનો પગાર ઈન્કમટેકસમાં જતો રહે છે. જયારે કરોડોનો કારોબાર કરતા લોકો એક સરકારી પગારદાર કરતા ચાર ગણો ઓછો ટેકસ ભરે ત્યારે પ્રશ્ન થાય છે આવુ કેમ ..

નરેન્દ્રભાઈ આ આખી પ્રક્રિયા દરમિયાન મને સમજાયુ છે, જે મધ્યવર્ગનો વેપારી ટેકસની ચોરી કરે છે, તે આજ માટે કરતો નથી, તે તેની અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે, તેને ડર લાગી રહ્યો છે કે તેના હાથ પગ ચાલવાના બંધ થઈ જશે ત્યારે તેની સંભાળ તેની મુડી લેવાની છે, વૃધ્ધા અવસ્થામાં બીમાર પડશે ત્યારે તેની અંદર સરકારી સિવિલ હોસ્પિટલમાં જવાની હિમંત હશે નહીં, તેને સ્વચ્છ અને પ્રેમથી બોલતા ડૉકટર અને નર્સની સારવાર માટે લાખો રૂપિયા આપવા પડશે, તેથી તે સરકારી તીજોરીમાં કર આપવાન બદલે તમારી નજર ચુકવી થોડી રકમ પોતાની તીજોરી તરફ સરકાવી દે છે, સમાજનો બહુ મોટો વર્ગ એક સાથે એક કરતા વધુ નોકરી અથવા ધંધો કરો છે, કારણ તે પોતાના પરિવારને સુખી જોવા માગે છે, શિક્ષણ અત્યંત મોંઘુ થઈ ગયુ છે, મારી હિમંત પણ નથી કે હું મારા બાળકોને સરકારી શાળામાં મોકલી શકુ, અને સરકારી હોસ્પિટલ જોતા જ ખરાબ વ્યવહારની બીક લાગે છે. આ સ્થિતિમાં માણસ પોતાની આજ દાવ ઉપર લગાડી સારી અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે.

મારા વૃધ્ધા અવસ્થામાં મને બે ટંકનો રોટલો, અને જરૂર પડે તો દુનિયાની શ્રેષ્ઠ સારવાર પૈસા વગર મળી શકે તેવી ખાતરી જો મને થાય તો કદાચ મારા મનમાંથી ટેકસ બચાવવાનો વિચાર જતો રહેશે. દેશના મોટા વર્ગને શ્રીમંત થવુ નથી, તેના બાળકને સારૂ શિક્ષણ- સારૂ ભોજન અને સારવાર મળી રહે તેવી જ અપેક્ષા છે. બાકી જેટલો દેશને તમે પ્રેમ કરો છો એટલો જ અમે પણ કરી છીએ, અને તમારી ટીકા કરનારા પણ દેશને પ્રેમ કરે છે.

આપનો

પ્રશાંત દયાળ