Saturday, August 20, 2016

ભીખા તુ ભણ્યો નથી, પૈસા-મંદિર અને સ્વામી નથી તો પછી તને કોણ સાંભળશે.

હુ રોજ સરદાર પટેલ સ્ટેડીયમાં દોડવા જઉ છુ, બહાર નિકળી ચ્હાની કીટલી ઉપર બેસુ ત્યારે ભીખો રસ્તો વાળવા માટે આવે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સફાઈ કર્મચારી છે, ગાંધીનગર અને ઉનામાં માહોલ ગરમ હતો ત્યારે પણ તે રોજ પ્રમાણે આવી પોતાનું કામ કરતો હતો, તેને તેના રાજયમાં શુ ચાલી રહ્યુ છે તેની કોઈ નીસ્બત ન્હોતી, કારણ જો તે તેનું કામ નહી કરે તો તેના ઘરનો ચુલો સળગશે નહીં, માન-અપમાનની વાત તો ત્યારે જ આવે જયારે પેટ ભરેલુ હોય છે, હું ભીખાને ઓળખતો નથી, પણ તેનો ફોટો લેતા પહેલા તેનું નામ પુછયુ માટે મને તેના નામની ખબર છે, કદાચ તેના પિતા પણ સફાઈ કામદાર હશે અને તેનો દિકરો પણ  ભવીષ્યમાં શહેરનો કોઈ રસ્તો જ સાફ કરતો હશે.

દલિત આંદોલનની તો હજી શરૂઆત થઈ છે, પણ મેં તેને બહુ નજીકથી જોયુ છે, મને ઘણી બાબતો ખરાબ લાગી છે, તેમાં દલિત નેતાઓ, , રાજનેતાઓ તો ઠીક પણ એક પત્રકાર તરીકે પણ મારા સમાજની વાતો મને કઠી છે, મને લાગ્યુ કે મારે તે અંગે પણ કઈક લખવુ જોઈએ તેમા મારા પત્રનું પાત્ર ભીખો હોવા છતાં કયાકને કાયક આપણે બધા જ ભીખા જ સાબીત થઈ છીએ તેવુ મને લાગી રહ્યુ છે.


દોસ્ત
 ભીખા કેમ છે

 તેવુ પુછીને હું તને દુખી કરવા માગતો નથી, કારણ તુ  કયારેય  સુખી ન્હોતો, 15મી ઓગષ્ટે ઉનામાં દલિતો ઉપરના અત્યાચારની રેલી નિકળી ત્યારે પણ તુ રોજ પ્રમાણે રસ્તો જ સાફ કરતો હતો, કદાચ તારે પણ ઉના તારી વાત કહેવા જવુ હશે, પણ તારી પાસે ઉના જવા માટેના પૈસા નહી હોય, પાટીદાર આંદોલન વખતે ઘણી બધી કારોમાં લોકો આવતા હતા ઓડી કાર લઈ અનામતની માગણી કરી હતી,તેઓ પછાત છે તે વાત તેઓ દમપુર્વક કહી શકતા હતા., પણ તારી પાસે અથવા તારા મીત્રો પાસે એક સાદી કાર પણ નથી , તને સફાઈ સિવાય બીજુ કોઈ કામ આવડતુ નથી, કારણ તુ ભણ્યો જ નથી.

તમે છેલ્લાં એક મહિનાથી બુમા પાડી કહી રહ્યા હતા કે અમને ઉનામાં માર્યા કેમ.. તે વાત પત્રકારો સરકાર  સુધી પહોંચાડવા માગતા હતાઅમે પ્રયત્ન પણ કર્યો રાહુલ, કેજરીવાલ અને રૂપાલાએ તમારા દલિત બંધુના ઘરે ચ્હા પીધી તેના ફોટા પણ પાડયા પણ 15મી ઉનામાં તમારૂ સંમેલન હતું ત્યારે આધાતજનક સમાચાર આવ્યા , પણ થાય શુ પ્રમુખ સ્વામી ગુજરી તેના કારણે અમારે પણ ત્યાં દોડી જવુ  પડયુ હતું, કમનસીબી એવી છે કે તમારી પાસે કોઈ મોટા મંદિર અને સ્વામી નથી, અને તમારા સગાસંબંધીઓ અમેરીકા રહેતા નથી, એક જ દિવસે બન્ને ઘટનાઓ હોવાને કારણે વિદેશમાં રહેતા અમારા દર્શકોનું પણ અમારે ધ્યાન રાખવુ પડેને.

 ઉના જેવી ઘટના તો ફરી થશે ત્યારે તમારી વાત પણ કરીશુ, અમારા ધંધા માટે પ્રમુખ સ્વામીની ઈવન્ટ મોટી હતી.. અને બીજી વાત તમારે ત્યાં ઉનામાં ગુજરાતમાંથી માંડ 15-20 હજાર માણસો આવ્યા હતા, જયારે બાપાને ત્યાં તો ખુદ નરેન્દ્ર મોદી સહિત બધા જ નેતાઓ અને વિદેશી ભકતો આવ્યા હતા, બધા જ બહુ રડતા હતા સારા વિઝયુઅલ પણ મળ્યા હતા.મને તો પહેલી વખત ખબર પડી કે કેજરીવાલ પણ બાપાને ઓળખતા હતા.વાત ટીઆરપીની હતી હોય ત્યારે અમારે તોં ધંધો કરવાનો છે, રડતા જ ચહેરા બતાડવા હોય તો દલિતોના શુ કામ બાપાના ભકતો જે  અમને જાહેર ખબર આપે છે તેમના જ બતાડવા પડેને..

ભીખા તને તો ખબર જ હશે, આ જીજ્ઞેશ મેવાણી નેતા થઈ ગયો તેની સામે અમારા જેવા બ્રાહ્મણ-પટેલ વાણીયાને તો વાંધો હોય પણ તમારા સમાજને પણ વાંધો છે, ઉનાની સભા પછી તોફાન થયા ત્યાર બાદ  જીજ્ઞેશ ભાગી ગયો તેવા મેસેજ તારા જ સમાજે ફરતા કર્યા હતા, કેટલાંકે તો પત્રકારોને ફોન કરી કહ્યુ હતું કે જીજ્ઞેશને ખોટો માથે ચઢાવો છો તુ સફાઈ કામદાર છે એટલે તારા ઘરે વણકરો પણ પાણી પીતા નથી, એટલે જીજ્ઞેશ સામે પણ વણકરોને વાંધો હોય તે સમજી શકાય છે, પણ આ બધા વાંધા પછી ઉભા કર્યા હોત તો શુ ખાટુ-મોળુ થઈ જવાનું હતું, તે ઉનામાં સભા કરે તો કોઈ ગાંધીનગરમાં,  વાત તો એક જ છે, તો તમે બધા સાથે કેમ નથી.. હજી પણ તમારે કેટલા વર્ષ અપમાન અને માર ખાવો છે..

ગુજરાતમાં તમારી વસ્તી પણ સાત ટકા છે, તમે ચુંટણી પણ કઈ ખાસ નડી શકતા નથી, તમે ભણ્યા નથી તમારી પાસે મંદિર નથી, તમારી પાસે પૈસા નથી, તમારી કોઈ સંત નથી, તમારા સગા એનઆરઆઈ નથી, તમારી પાસે કોઈ ઉધ્યોગપતિ નથી, તમારી પાસે કોઈ નેતા નથી તો પછી ભીખા અમારે અથવા અમારી સરકારે  તમારૂ શુ કામ સાંભળવુ પડે મને સમજાવીશ, અને તમારા  સમાજના જે લોકો અધિકારી થઈ ગયા છે અને  મંત્રી બની ગયા છે, તેમને તમારી જરૂર નથી, તેમને દલિત હોવાને કારણે ગાડી-બંગલો મળવાના હતા તે લઈ લીધા છે.

અરે ભીખા હું પણ કયા તારી સાથે માથાકુટ કરૂ છુ, તને પણ ખબર છે આવુ તો બધુ ચાલ્યા જ કરે છે, પાછી 2017ની ચુંટણી પણ માથા ઉપર છે, ફરી નેતાઓ તારા ઘરે આવશે, તને વ્હાલ કરશે, તારી ઘરે ચ્હા પીશે તો કોઈક જમી જશે, તેના ફોટા પણ છાપામાં છપાશે, વધારામાં  તારા મહોલ્લામાં જમવાનું અને દારૂ પીરશાશે  પણ વાંધો નહીં, પણ જો દારૂ અને જમવાનું મળતુ હોય તો દર મહિને ચુંટણી આવે તો પણ વાંધો નથી, આપણા બાપાને કેટલા ટકા.

.ચાલ કાલ ફરી આ જ રસ્તા ઉપર મળીશુ તુ રસ્તો વાળજે અને હું લોહી બાળીશ.

લીખીતંગ  તારા જેવો

 પત્રકાર ભીખો


7 comments: