Monday, October 31, 2016

મારી ખોવાયેલી વારતાઓ પાછી મળી..

દિવાળીના તહેવારને કારણે મારા ઘરે અનેક મિત્રો શુભેચ્છા રૂપે કઈકને કઈક ભેટ મોકલાવે છે, બે દિવસ પહેલાની વાત છે, રાત્રે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્ની શીવાનીએ એક ગીફટ પેકેટ મારા હાથ મુકયુ,  તે પેકેટ ચારે તરફ ફેરવી કોના તરફથી આવ્યુ છે, તે જોયુ પણ તેની ઉપર કોના તરફથી ગીફટ છે તેનો કોઈ ઉલ્લેખ ન્હોતો, મેં શીવાની સામે જોયુ પ્રશ્નાર્થ નજરે જોયુ, તેના ચહેરા ઉપર લુચ્ચુ હાસ્ય હતું, મેં તેને પુછયુ શુ લાવી મારા માટે,સામાન્ય રીતે હું શીવાનીને ભેટ આપવાનું ટાળુ છુ, કારણ તેનું  કહેવુ છે, મેં તેને પસંદ કરવા સિવાય બધી ખોટી જ પસંદગી કરી છે, શીવાનીએ કહ્યુ ના હું કઈ લાવી નથી, મારી સામે મારી દિકરી પ્રાર્થના બેઠી હતી, તે પણ કૌતુકભાવે હસી રહી હતી, મને એટલી તો ખબર પડી કે પેકેટમાં શુ છે, તે અંગે આ બંન્ને જાણે છે. પણ દિવાળીમાં તેઓ મારી મઝા લઈ રહ્યા હતા.

મારા મનમાં પણ અનેક સવાલો હતા, પેકેટ કોના તરફથી છે, અંદર શુ હશે.. મેં પેકેટ તોડતા પહેલા ફરી ઉત્સુકતા સાથે પુછયુ બોલોને શુ .. તેઓ હસ્યા તેમણે કહ્યુ આટલી ઉતાવળ હોય તો પેકેટ તોડી જોઈલો. સ્વભાવે ક્રાઈમ રીપોર્ટર ખરો એટલે ઉલટો સવાલ  પુછયો.. કોણ આપી ગયુ.. શીવાનીએ રીઢા ગુનેગારની જેમ ખપ પુરતી કબુલાત કરતા કહ્યુ.. કોઈ આપવા આવ્યુ હતું, તેમણે કહ્યુ સાહેબ પેકેટ ખોલશે તો કોણે આપ્યુ છે તેની ખબર પડી જશે. મારી ઉત્સુકતા વધુ ગુચવાઈ, મેં મઝાકમાં પુછયુ પુરૂષ હતો કે મહિલા.. તેણે કહ્યુ ચીંતા ના કરો, પુરૂષ મીત્ર જ હતો. મેં ઉતાવળમાં ગીફટ પેપર ખોલવાની શરૂઆત કરી, પણ સામાન્ય રીતે પુસ્તક વિમોચનમાં થાય તેવુ થયુ, પુસ્તક વિમોચનમાં જે મહેમાનના હાથે પુસ્તક વિમોચન કરવાનું હોય તેમના હાથમાં મુકવામાં અાવેલુ પુસ્તક એટલુ મજબુત રીતે પેક કરેલુ હોય કે ખુદ યજમાનને પુસ્તક ઉપરનું આવરણ દુર કરવામાં મદદ કરવી પડે, આમ પરોક્ષ રીતે યજમાન જ પુસ્તક વિમોચન કરી નાખે.

શારિરીક અને માનસીક તાકાતનો સમન્વય કરી મેં પેકેટ ખોલ્યુ, તો મારૂ આશ્ચર્ય બેવડાયુ, કારણ પેકેટની અંદર એક કવર હતું, તેની ઉપર દિવ્ય ભાસ્કરનું કવર હતું, મને એક તબક્કે લાગ્યુ કે મારા અને દિવ્ય ભાસ્કરના સંબંધ સુધરી ગયા કે શુ, કારણ મજેઠીયા પગાર પંચના મુદ્દે થયેલી સામાન્ય લડાઈ બાદ, બીજી જ્ઞાતીના યુવક સાથે લગ્ન કરનાર કન્યાના પિતા કહે જા આખી જીંદગી તારુ મોઢુ બતાડતી નહી, તેવી હાલત અત્યારે મારી છે, મારા કેટલાંક ભાસ્કરના મીત્રો મારા ઘર તરફ રાત્રે માથુ રાખીને પણ સુતા નથી. મેં દિવ્ય ભાસ્કરના નામનું પણ કવર તોડયુ અને મારી આંખો પહોંળી થઈ ગઈ, અંદર મારી જીવતી વારતાઓનો થોકડો હતો, મેં તરત પુછયુ છત્રપાલસિંહ આપી ગયો. શીવાનીએ કહ્યુ હા છત્રપાલસિંહ આવ્યા હતા.

2003માં જયારે દિવ્ય ભાસ્કરની શરૂઆત થઈ ત્યારે ભાસ્કર મેનેજમેન્ટ એવી કોઈ વ્યકિતની શોધમાં હતું કે જે ગુજરાત સમાચારમાં દેવેન્દ્ર પટેલની કભી કભી કોલમ જેવુ લખી શકે, આ માટે લાંબી શોધ ચાલી, લગભગ એક ડઝન કરતા વધુ લેખકો પાસે કઈક લખાવ્યુ  જોયુ, ભાસ્કરના સ્ટેટ એડીટર શ્રવણ ગર્ગ હિન્દી ભાષી હતા, છતાં તેમણે બધા જ લેખકોને વાંચી કહ્યુ મઝા આવતી નથી, હું ક્રાઈમ રીપોર્ટર હતો, એક દિવસ મારા ચીફ રીપોર્ટર શકીલ પઠાણે મને કહ્યુ દાઢી તુ કોલમ લખી શકે.. મેં કહ્યુ લખી શકુ, પણ તમે દેવેન્દ્ર પટેલ જેવુ લખવાનું કહો છો પણ તેવુ હોવુ જોઈએ નહીં, કારણ દેવેન્દ્ર પટેલ એટલે દેવેન્દ્ર પટેલ છે. પણ આપણે લોકોને પસંદ પડે તેવુ લખવુ જોઈએ આપણે પણ આપણી એક નવી ઓળખ ઉભી કરવી જોઈએ, તેણે મને કહ્યુ ચાલુ તુ કઈક લખી આપ.

મેં ખુબ વિચાર કરીને નક્કી કર્યુ કે આપણી આસપાસ ઘણા માણસો હોય છે. અને દરેકની સાથે કોઈની કોઈ વારતા સંકળાયેલી હોય છે. માત્ર આપણને તેના જીવનની ઘટનાઓ વારતા લાગતી નથી, અને મેં મારી આસપાસ તેવા લોકોને શોધવાની શરૂઆત કરી અને પહેલી વારતા લખી, જે મારા ડીઝાઈનર મીત્ર અયાઝ દારૂવાલાને વાંચવા માટે આપી, તે વારતા વાંચી રહ્યો હતો, ત્યારે તેના ચહેરા ઉપર થતા હાવભાવના ફેરફાર હું નોંધી રહ્યો હતો, મને  સમજ આવી રહી હતી, વારતા હ્રદય સુધી પહોંચી રહી છે. અયાઝે વારતા પુરતી થતાં મારો હાથ પકડી કહ્યુ મઝા જ પડશે. પછી તે કઈક વિચાર કરવા લાગ્યો, તેણે એક ક્ષણ વિચાર કરી કહ્યુ તમારી કોલમનું નામ જીવતી વારતા રાખીએ, તેણે કાગળ ઉપર મને જીવતા વારતા કેવી રીતે લખવુ તે લખી પણ આપ્યુ વારતા શબ્દ વ્યકરણની રીતે ખોટી રીતે લખ્યો હતો, છતાં તેણે કહ્યુ આપણે વારતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેવી જ રીતે લખીશુ વાર્તા નહી લખીએ.

પછી ડીઝાઈન સાથે મારી પહેલી જીવતી વારતા શ્રવણ ગર્ગ સુધી પહોંચી, તેમના સ્વભાવ પ્રમાણે તેમણે સારી છે તેવુ કહેવાને બદલે શકીલને કહ્યુ ઠીક હે, દેખ લો રીડર કયા રીસ્પોન્સ કરતા હે.. અને જીવતી વારતાની સફર શરૂ થઈ, 2007 સુધી દિવ્ય ભાસ્કરમાં તે નિયમિત છપાઈ અને ત્યાર બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં પણ થોડો સમય અંગ્રેજી ભાષાતંર થઈ છપાઈ હતી. જીવતી વારતાઓ અનેક લોકોના જીવનમાં કામ કર્યુ હતું, કદાચ તે એક અખબારની સામાજીક જવાબદારી અદા કરવામાં મહત્વની સાબીત થઈ હતી, પણ તેના કરતા પણ વધુ જીવતી વારતાએ જીવન તરફ જોવાનો મારો દ્રષ્ટીકોણ બદલી નાખ્યો હતો, ક્રાઈમ રીપોર્ટરનું બરછટ કામ અને વ્યવહારને કારણે ધીરે ધીરે હું પોલીસ જેવો થવા લાગ્યો હતો. અંદરની સંવેદનાઓ મરવા લાગી હતી. કોઈની તકલીફ મને તકલીફ જ ન્હોતી આપતી ન્હોતી.

પણ જીવતી વારતાઓ લખતી વખતે હું પોતે અનેક વખત રડયો હતો, જીવતી વારતાએ મારી અંદરના માણસને જીવતો કર્યો હતો, મારા મીત્ર પુંજાભાઈ ગમારા કહેતા કે જીવતી વારતા એટલા માટે વંચાય છે કારણ તેમા સ્વાનુભુતી હોય છે. તેથી તે વાંચનારને પોતાની વાત લાગે છે. પણ મારી એક નબળાઈ પણ છે, હું મારા લખેલુ કે છપાયેલુ કયારે સાચવતો નથી, તેના કારણે મારી કોઈ વારતાઓ મારી પાસે રહી નથી, અગાઉ જીવતી વારતાઓ પુસ્તક રૂપે પ્રકાશન થયુ તે બધી જ વારતાઓ દિપક કાંબલી નામના મીત્રએ મને મોકલી હતી, જો કે ત્યાર બાદ પણ ખુબ વારતાઓ લખી, પણ તે પણ મારી પાસે નથી, થોડા મહિના પહેલા દિવ્ય ભાસ્કરમાં કામ કરતા એક મીત્ર છત્રપાલસિંહ વોટસઅપ ઉપર મને મારી એક જુની વારતાનું કટીંગ મોકલ્યુ, તે જોઈ મને સારૂ લાગ્યુ.. તેના થોડા દિવસ પછી બીજી વારતા મોકલી.. અને વારતાઓ આવતી રહી.

મેં છત્રપાલસિંહને પુછયુ કેટલી વારતાઓ છે તારી પાસે તેણે કહ્યુ એકસો કરતા પણ વધારે, મેં તેને મેસેજમાં પુછયુ મને મારી વારતાઓ મળી શકે, તેણે કહ્યુ તમારી જ છે તમને પાછી આપીશ.. પછી હું તે વાત ભુલી ગયો , મને ખબર ન્હોતી કે દિવાળીની સૌથી મોટી અને કિમંતી ગીફટ મને મળશે. આવુ પહેલી વખત થયુ નથી, મારી તમામ છપાયેલી સ્ટોરીઓ અને વારતાઓ એક વાંચક તરીકે કોઈએ સાચવી રાખી હતી, જે મને સમય-સમયે પાછી મળતી  ગઈ. થોડા સમય પહેલા પોલીસ ઈન્સપેકટર ચંદ્રસિંહ સોંલકી સાથે મારે પરિચીય થયો, પરિચય કામ પુરતો જ હતો, છતાં મીત્રતા થઈ ગઈ,એક દિવસ હું તેમને મળવા ગયો, તેમણે મને પુછયુ પહેલા તમે કયા કયા અખબારમાં કામ  કરતા હતા, મે મારી નોકરીની લાંબી યાદી તેમને કહી, તેમણે ડ્રોઅરમાંથી એક ફાઈલ કાઢી, જેમાં પીળા અને જર્જરીત થયેલા છાપાની કટીંગ કાઢયા, અને મારી તરફ ફાઈલ મુકી. તે ફાઈલ 1998ની હતી, સંદેશ અખબારમાં જીવતી વારતા જેવી મારી યહ ભી હૈ જીંદગી નામની એક કોલમ આવતી હતી. હું તેમની સામે જોઈ રહ્યો.

ઈન્સપેકટર સોંલકીએ કહ્યુ હું ત્યારે કોલેજમાં ભણતો હતો, તમારી કોલમ વાંચતો હતો, મને ખુબ સારી લાગતી હતી, એટલે કટીંગ કરી કાપી રાખતો હતો, કોલેજ પુરી કરી  પોલીસમાં જોડાયો, પણ મને ખબર ન્હોતી, કે એક દિવસ મને ગમતો લેખક મને આવી રીતે મળી જશે.મને ખુબ સારૂ લાગ્યુ કદાચ એક પત્રકાર અને લેખક માટે તેના વાંચકની આ સ્વીકાર્યતા જ એક એવોર્ડ કરતા વધારે મોટી હોય છે.

9 comments: