Friday, August 19, 2016

મને દાંત કઢાવવાની પણ બીક લાગે છે તો પણ તુ મારી આંખોનું દાન કરજે.

પ્રિય
આકાશ અને પ્રાર્થના.

બે દિવસ પહેલા ફરસુભાઈ ગુજરી ગયા, મેં તેમના અંગે પોસ્ટ લખી હતી, તમે વાંચી જ હશે, મારી સાથે પ્રાર્થના તો એકાદ-બે વખત જીવન સંધ્યાવૃધ્ધાશ્રમમાં આવી પણ હતી. હું તમને ફરસુભાઈ અંગે કઈ કહેતો નથી, કારણ તમે તેમના નામ કરતા તેમના કામથી વધારે પરિચીત છો. તેઓ તેમના મૃત્યુ પહેલા પરિવાર માટે એક ચીઠ્ઠી પણ લખતા ગયા હતા, જે પણ મેં બ્લોગ ઉપર મુકી છે, તે પોસ્ટ વાંચી મારા મીત્ર અશ્વીન જાનીએ લખ્યુ કે મારા મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાન કરીશ.

પોસ્ટ ઉપર તેમની કોમેન્ટ વાંચ્યા બાદ જ મને તમને પત્ર લખવાની ઈચ્છા થઈ, આ વાત હું તમને એકલામાં પણ કહી શકતો હતો, પણ મારો આ નિર્ણય જાહેર અને લેખીત હોય તો, મારી ગેરહાજરીમાં તમને નિર્ણય લેતા સામાજીક પ્રશ્નો આવે નહીં તે માટે પત્ર લખી રહ્યો છુ. છેલ્લાં લાંબા સમયથી મને દાંતની તકલીફ છે, ડોકટરના કહેવા પ્રમાણે દાંત કઢાવી નાખુ તો મને રાહત થાય, પણ મને ઈંજેકશનની  અને દાંત ખેચી કાઢે તેની બીક લાગે છે. છતાં મારા મૃત્યુ પછી તમારે પહેલામાં પહેલુ દાન મારી આંખોનું કરવાનું છે. મેં મારા મનને સમજાવી દીધુ છે, મૃત્યુ પછી કોઈ પીડા થતી નથી.

આમ તો સ્વજનના મૃત્યુ પછી આપણે ત્યાં દાન કરવાનો રિવાજ તો છે જ અને જેમના પરિવારજનો દાન કરે છે તેમના સ્વજનનો આત્મને મોક્ષ મળે છે. મને આમ તો આ થીયરી   કયારેય  આકર્ષક લાગી નથી, છતાં એક તબ્બકે આપણે આ થીયરી સ્વીકારીને આગળ વધીએ તો મારી આંખો અને શરીરનું દાન જ મને શ્રેષ્ઠ લાગે છે, તેથી તમારે આ દાન માટે કોઈને પુછવાની જરૂર નથી. ફરસુભાઈની છેલ્લી ચીઠ્ઠી વાંચ્યા પછી મને સમજાયુ કે મૃત્યુ પહેલા  જો ઈશ્વર આપણી પસંદગી પુછતો હોય તો બ્રેઈનડેડ  મૃત્યુ સારુ  ગણાય, જો તેવુ કઈ થાય તો તમને વધુ અંગો દાન કરવાની તક મળશે.

બ્રેઈનડેડમાં મગજનું મૃત્યુ થાય છે, આપણા બાકીના સ્પેરપાર્ટ તો ચાલતા જ હોય છે. તો પછી આપણા ચાલુ પુર્જા કાઢી કોઈ માણસમાં બેસાડી દેવામાં આવે તો કઈ વાંધો હોવો જોઈએ નહીં. તો એક સાથે બે કીડની,અને એક લીવરનો પણ લાભ મળે આમ હ્રદય ધબકારા ચુકે તે પહેલા ચારથી પાંચ માણસો દોડતા થઈ જાય છે. તો આ વિકલ્પ પણ ખુલ્લો જ છે. મારી મા અને તમારી દાદીને  કેન્સર હતું તેની તમને જાણ છે, લગભગ પાંચ વર્ષ હું તેને નિયમિત દવાખાને લઈ જતો હતો, અમે દવાખાનાની બહાર નિકળીએ ત્યારે તેનો પહેલો  પ્રશ્ન રહેતો કેટલા પૈસા થયા, હું હસતો તેને કઈ જવાબ આપતો નહી, પણ તે જ કહેતી બહુ ખર્ચ થાય છે કેમ, ગરીબ માણસો શુ કરતા હશે દવા વગર જ મરી જાયને.

એક દિવસ તમારી દાદી અને હું એક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે ગયા હતા, ત્યાં એક બોર્ડ ઉપર તમામ ટેસ્ટના પૈસા લખ્યા હતા, તેનું ધ્યાન બોર્ડ તરફ હતું, તેણે બોર્ડ વાંચી લીધા પછી મને કહ્યુ આટલી બધી સારવાર મોંઘી છે, હું મરી જઉ તો તુ કોઈ વિધી કરાવતો નહીં કારણ બ્રાહ્મણો  શુ બોલે છે તેની આપણને કઈ ખબર પડી નથી અને હજારો રૂપિયા વિધીમાં જતા રહે છે, હું જઉ ત્યારે તુ બેસણુ પણ રાખતો નહીં અને વિધી પણ કરાવતો નહી,. પણ તે પૈસામાંથી કોઈની દવા કરાવજે. અને તમને ખબર છે આપણે તેમના ગયા બાદ કઈ જ કર્યુ નથી. એટલે હવે બાકીની વાત કહેવાનો તો કોઈ અર્થ જ નથી હવે  પરંપરા હવે આપણા પરિવારમાં આવી ગઈ છે.

મને જવાની કોઈ ઉતાવળ નથી, છતાં મેં જેમ તમને મારા બેન્ક એકાઉન્ટ  અને એલઆઈસી પોલીસી
 અંગેની માહિતી આપેલી જ છે, એટલી જ આ બાબત પણ સહજ છે, તમને મારી બધી જ વાતની ખબર હોવી જોઈએ, ઘરના વડિલો તને ત્યારે સમજાવશે અને ઘર્મની દુહાઈ આપી કહેશે, તે શરીર પંચમહાભુતમાં વિલીન થવુ જોઈએ નહીંતર મારો મોક્ષ નહીં થાય, તને એવુ પણ કહેશો કે જો તુ આ નિયમોને નહીં પાળે તો પિતૃદોષ લાગશે. પણ બેટા મને સમજાવો કોઈ જે માતા-પિતા જીવતા હોય ત્યારે બાળકોને નડતા નથી તો મૃત્યુ પછી તેઓ શુ કામ બાળકોને નડે. એટલે સમય પ્રમાણે જે કઈ દાન થઈ શકે તે કરજો અને અંતે મેડીકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે દેહદાન કરી દેજો.

હું જીંદગી મારી શરતો પ્રમાણે જીવ્યો છુ, તો જતી વખતે પણ મારી શરતો પ્રમાણે એકઝીટ થાય તે તમારે જ જોવુ પડશે. હુ જાઉ ત્યારે વધારે લોકોને જાણ પણ ના કરતા કારણ તમે કહેશો તો તેમને આવવુ પડશે,પણ  મારા મીત્રોને જરૂર કહેજો, કારણ જતાં તેમને તો મળવુ જ પડશે.કારણ મીત્રો વગર રહેવુ મારે માટે અઘરુ રહ્યુ છે. મહેફીલ છોડી જતો હોઉ ત્યારે તેમનો સાથ તો જોઈશે.અને બીજા દિવસથી તમે પણ કામે લાગી જજો કારણ મને મહેનત કરનારા લોકો ગમે છે રડનારા નહીં.

તમારા લાડકા પપ્પા..

પ્રશાંત દયાળ

 19-8-2016

17 comments:

  1. Heart touching and sad talk but realistic......really you choose a way is very hard for familiar at this time but a way fingerings for society.

    ReplyDelete
    Replies
    1. Good thinking. Badha avu j vichare to samaj ma bimaro Ni sankhya ghati jay

      Delete
  2. I think from this article people will get inspiration to donate their body after death.

    ReplyDelete
  3. Nice thought & commitment Bhai ...

    ReplyDelete
  4. जोरदार सर जी

    ReplyDelete
  5. जोरदार सर जी

    ReplyDelete
  6. दादा। बस कई ज कही शकतो नथी । वाह

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. Dayal ni ankho nasibdar ne malae pan tenajevi najar Dayal na chela nej male sir❤️ Se.

    ReplyDelete