Tuesday, August 23, 2016

ત્યાં એક નગર વસે છે અને ત્યાં પણ માણસ રહે છે

હું અને નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલના તોતીંગ લોંખડી દરવાજા પાસે પહોંચ્યા, હું નવજીવનમાં જોડાયો ત્યાર બાદ મારા મનની કલ્પના હતી તે પ્રમાણે હું જયાં ગાંધીને ફરી ત્યાં લઈ જવા માગતો હતો જયા ગાંધી રહ્યા હતા, અને તે સાબરમતી સેન્ટ્રલ જેલ હતી, મનમાં અનેક વિચારો હતા, કઈ રીતે ગાંધીની વાત સાબરમતી જેલ સુધી પહોચે, કોઈ સ્પષ્ટ ચિત્ર મારી સામે ન્હોતુ, માત્ર એક વિચાર હતો, પણ એક સરખા વિચારો એક સાથે અનેક વ્યકિતઓના મનમાં ચાલી રહ્યા હતા, થોડા દિવસ પહેલા હું અને વિવેક કર્મ કાફેની બહાર સાંજના સમયે  બેઠા હતા, ત્યારે વિવેકે મને કહ્યુ સારૂ થયુ તુ આવ્યો, કોઈ પોલીસ અધિકારી મળવા આવે છે, વિવેક નવજીવનનો મેનેજીંગ ટ્રસ્ટી થયો પણ મુળ જીવ તો ફોટોગ્રાફરનો.કોણ આવે છે તેની સુધ્ધા ખબર ન્હોતી.

થોડીક જ વારમાં એક પોલીસની કાર ત્યાં આવી પહોંચી, મીત્ર સમીર શુકલ સાથે આઈપીએસ અધિકારી સુનીલ જોષી હતા  , હું તેમને ઓળખતો હતો, હાલમાં તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ તરીકે કામ કરે છે. કર્મ કાફેમાં ચ્હા પીતા પીતા તેમણે એક ફાઈલ ખોલી અમારી સામે મુકી અને કહ્યુ હું જેલના કેદીઓ પાસે એક મેગેજીન કાઢવા માગુ, જેમાં કેદીઓ જ લખે, તેેમની પોતાની વાત કરે, તેઓ જ એડીટ કરે અને તેનું દરમહિને પ્રકાશન થાય, ત્યારે અનેક વાતો થઈ જેલમાં અન્ય કઈ પ્રવૃત્તી થઈ શકે તેની પણ ચર્ચાઓ થઈ, પણ એક સરકારી અમલદાર બીજા કરતા જુદુ વિચારી શકે તો ઘણુ બધુ સારૂ થઈ શકે મને તેવુ  તેમના છેલ્લાં વાકયમાં સમજાઈ ગયુ.

સુનીલ જોષીએ કહ્યુ જેલમાં જે કેદીઓ છે, તેમણે સમાજના કાયદાઓનો ભંગ કર્યો છે, માટે તેમને અદાલતે જેલમાં મોકલ્યા છે, હવે તેઓ અમારા છે, સલામતી સહિતના અનેક મુદ્દાઓ છે, છતાં તેમના જીવનમાં સારૂ પણ થાય અને તેઓ પણ માણસ છે તે વાત મારે ભુલવી નથી, ફરી મળીશુ કહી અમે છુટા પડયા હતા. અને બીજી મુલાકાત માટે હું અને વિવેક  સાબરમતી જેલ પર પહોંચ્યા હતા. સલામતીના નિયમો પુરા કરી અમારા મોબાઈલ ફોન ગેટ ઉપર જમા કરાવી અમે જેલમાં દાખલ થયા, સુનીલ જોષી અમારી રાહ જોઈ રહ્યા હતા, થોડી વાત કરી તેમણે કહ્યુ ચાલો આપણે જેલમાં જઈએ તમે નક્કી કરો કે કઈ બાબતો થઈ શકે છે, બીજો લોંખડી દરવાજો પસાર કરી અમે ડાબી તરફ ચાલવા લાગ્યા, અમારી ડાબી તરફ વીસ ફુટ ઉંચી દિવાલ હતી અને તેની ઉપર ઈલેકટ્રીક વાયરો પસાર થતાં, જમણી તરફ નાની દિવાલની પાછળ નાની કોટડીઓ હતી, થોડુ ચાલ્યા ત્યાં એક સ્થળે લખ્યુ હતું ગાંધી ખોલી.

જોષીએ અમને ઈશારો કર્યો , આ તરફ અમે ત્યાં દાખલ થયા એક બંધ કોટડી ખોલતા કહ્યા અહિયા ગાંધીજી રહેતા હતા, જયારે તેમને રાજદ્રોહના કેસમાં જેલમાં પુરવામાં આવ્યા, ત્યાં કોટડીને ફરતે દિવાલ હતી, વચ્ચે નાનુ ચોગાન હતું, બે લીમડાના ઝાડ હતા, એકદમ નિરવ શાંતિ હતી, કોટડીમાં નજર કરી સાવ નાની જગ્યા માંડ દસ બાય દસની ખોલી.. એક સમય આપણા રાષ્ટ્રપિતા અહિયા રહ્યા હતા, મારી નજર પડી તો ત્યાં એક દિવો પણ હતો, મેં જેલના સાથે રહેલા અધિકારી સામે જોયુ તો તેમણે કહ્યુ હા રોજ કેદીઓ અહિયા દિવો કરે છે. મને લાગ્યુ કે ગાંધી તો હજી અહિયા જ જીવે છે.. એક ગજબની શાંતિ હતી, હજી ગાંધીનો પ્રભાવ આ જગ્યા છોડી ગયો ન્હોતો, મન શાંત થઈ જાય અને માણસ પોતાની સાથે પણ વાત કરી શકે એટલી શાંતિ.

ત્યાં અમારી નજર એક માણસ ઉપર પડી તે એકલો બેસી કઈક કામ કરી રહ્યો હતો, તેણે અમારી નોંધ સુધ્ધા લીધી નહીં, તે તેના કામમાં મશગુલ હતો, મેં પહેલા તે માણસ સામે અને પછી સુનીલ જોષી સામે જોતા તેમણે કહ્યુ તે અમારો કેદી છે, સારો કલાકાર છે, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે માટે માટીના ગણપતિ બનાવી રહ્યો છે, તેના હાથમાં જાદુ છે. અમે વાત કરતા હતા છતાં તેણે અમારી સામે જોયુ નહીં, તે બારીક લાકડી વડે માટીના પીંડને ભગવાનનો આકાર આપી રહ્યો હતો, ત્યાંથી બહાર નિકળી અમે આગળ વધ્યા, જોષીએ કહ્યુ જેલમાં મોટી ઈન્ડસ્ટ્રીપણ ચાલે છે. અમે સુથારી વોર્ડ પહોંચ્યા ત્યારે પચાસ-સાઈઠ કેદીઓ ફર્નીચર બનાવી રહ્યા, ત્યાં પણ અદભુત નકશી કામ થઈ રહ્યુ હતું, તેની પડોશમાં પાવર લુમ્સ ચાલી રહી હતી, સુતરમાંથી કાપડ તૈયાર થઈ રહ્યુ હતું. તેને રંગવાની પ્રક્રિયા પણ અહિયા જ થતી હતી,

કેદીઓ પોતાના કામમાં મસ્ત હતા, પણ જેવા સુપ્રીટેન્ડન્ટ જોષીને જોતા તેની સાથે માથે ટોપી પહેરી સલામ કરતા અને ફરી પાછા કામે લાગી જતા, પ્રીન્ટીંગ વોર્ડમાં ફાઈલ, ચોપડા અને ગ્રીટીંગ તૈયાર થઈ રહ્યા હતા, એક કેદી ત્યાં નમાઝ પણ પઢી રહ્યો હતો, ત્યારે એક ખુલ્લાં મેદાનમાં કેદીઓ ટોળામાં બેસી કઈક કરી રહ્યા હતા, જોષીને પણ તે જોતા તેમણે તરત સાથે રહેલા જેલ અધિકારીઓ સામે જોયુ જેલ અધિકારીઓએ કહ્યુ તેઓ કેળા ગણી રહ્યા છે, જોષી વાત સમજી ગયા, તેમણે મને વાત સમજાવતા કહ્યુ જે કેદીઓ શ્રાવણ મહિનો કરે છે, અને ઉપવાસ છે તેમને અલગ અલગ ફળ મળે છે. આ કેદીઓ પાસે કોણે ઉપવાસ કર્યા છે તેમની નામ અને બેરેકની માહિતી હોય છે, તેઓ ગણતરી કરી તેમની બેરેકમાં ફળ આપી આવશે. પછી અમે બીલ્ડીંગ પાસે પહોંચ્યા ત્યાંથી એક  મહેક આવી રહી હતી, કદાચ સરસ શાક બની રહ્યુ હોય તેવી.

તે કેદીઓનું રસોડુ હતું, રસોઈ કરનારના પણ કેદીઓ જ હતા, મોટા તપેલાઓમાં રસોઈ થઈ રહી હતી, પંદર કેદીઓ તો માત્ર રોટલી વણી રહ્યા હતા, શેકી રહ્યા હતા. જોષીએ કહ્યુ મારી પાસે આ જેલમાં ત્રણ હજાર કેદીઓ છે, સવાર સાંજ તેમનું જમવાનું અહિયા જ બને અને કેદીઓ જ બનાવે છે, જેલના મેન્યુઅલ પ્રમાણે એક કેદીને શાક-રોટલી અને દાળ-ભાત મળે છે, એક કેદીને ત્રણ રોટલી મળે એટલે એક જ સમયમાં નવ હજાર રોટલીઓ બનાવી પડે છે, એટલે સવારે નવ હજાર અને સાંજે નવ હજાર, જો કે  જેલના જમવાનો  સમય જુદો છે સવારે દસ વાગે અને સાંજે પાંચ વાગે કારણ પછી તેમને પાછા બેરેકમાં મુકી દેવામાં આવે છે., ત્યાં એક બેકરી પણ હતી, એક દાઢીવાળા મુસ્લીમ ચાચા તેના હેડ હતા, તેમની પીળી ટોપી જોઈ મને ખ્યાલ આવ્યો કે તેમને જન્મટીપની સજા થઈ હશે, ચાચાએ જોષી સાહેબને સલામ કરી, ચાચા બેકરી આઈટમના એકસપર્ટ છે, વિવિધ પ્રકારના બીસ્કીટ અને ફરસાણ બનાવે છે, બ્રેડ પણ બને છે જે રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓને પહોંચાડવામાં આવે છે. ચાચાની અમદાવાદમાં બે બેકરી છે, પણ તેમને સંજોગો અહિયા લઈ આવ્યા હતા.

જેલમાં એક થીયેટર પણ છે જયાં કેદીઓ જ નાટક લખે છે, નાટક ભજવે છે, વિડીયોગ્રાફી અને એડીટીંગ પણ કરે છે, એક કેદીઓની  ઓરકેસ્ટ્રા પણ છે, આમ જુવો તો આ એક એવુ નગર છે જાય માણસો રહેવા છતાં તે નગર આપણાથી અજાણ છે. તેમની પોતાની એક જીંદગી છે અને તેમના પોતાના અનેક  અલગ પ્રશ્નો છે છતાં તેઓ ત્યાં જીવે છે કારણ તેમને આ નગર છોડી એક દિવસ આપણા નગરમાં પાછા ફરવાનું છે તેની તેઓ તૈયારી કરી રહ્યા હોય તેવુ લાગ્યુ

ત્યાંથી પાછા સુનીલ જોષીની ચેમ્બર સુધી આવતા મનમાં  વધુ ગોટાળો થયો, લાગ્યુ કે જેલમાં  કોઈ કામ કરીશુ પણ પ્રશ્ન તેવો ઉભો થયો કે અહિયા તો ખુબ જ કામ છે શુ કરવુ તે પ્રશ્ન વધારે ગુચવાયો, ફરી અમે અંદરનો લોંખડી દરવાજામાંથી અંદર આવ્યા, જોશી મારી અને વિવેક સામે જોઈ રહ્યા હતા, તે અમારો ચહેરો વાંચી રહ્યા હતા, અમે શિક્ષણ-નાટક  સહિતની કેટલીક પ્રવૃત્તીઓ ચર્ચા કરી પણ તરત શુ થઈ શકે તેવો પ્રશ્ન મને ઉદ્દભવ્યો ત્યારે મેં કહ્યુ તમે અમને માટીના ગણપતિઓ આપી શકે, કારણ તે ઈકો ફ્રેન્ડલી છે, અને નવજીવનમાં તેનું વેચાણ કરીશુ , વિવેકને પણ વાત ગમી તે પણ તૈયાર થઈ ગયો, જો કે ગણેશ ઉત્સવ નજીક હોવાને કારણે વધુ માત્રામાં ગણપતિ આપી શકાય તેમ ન્હોતુ, છતાં વિવેકે કહ્યુ ચાલો નવજીવન સાથે જેલના નવા પ્રવાસની શરૂઆત ગણપતિથી જ કરીએ, સુનીલ જોષી તૈયાર થઈ ગયા.

થોડા જ દિવસમાં કેદીઓએ જેલમાં બનાવેલા માટીના ગણપતિ નવજીવન ઉપર આવશે, વાત માત્ર ઈશ્વર ઉપરના આસ્થા પુરતી સિમિત નથી, પણ જેલમાં બનેલા ગણપતિમાં માણસ ઉપરની આસ્થા પણ સામેલ છે, કોઈકે ખરીદેલી એક ગણેશની મુર્તી ગણેશજી કેટલાં આશીર્વાદ આપશે તેની મને ખબર નથી, પણ કેદીએ કરેલા કામની કોઈ સરાહના કરે છે, તે બાબત તેની નવી જીંદગી માટે બહુ મહત્વની સાબીત થશે, આ ઉપરાંત સાબરમતી જેલ અને નવજીવનની સફર અનેક મુદ્દાઓ ઉપર સાથે ચાલવાની છે, જેનું આયોજન પણ થયુ જેની વાત પછી કયારેક કરીશ કારણ જેલની બહાર નિકળતા નોકરીમાંથી મળતા પૈસાના  આનંદ કરતા  કઈક વિશેષ લાગણી  હતી, તે શુ હતું તે સમજાઈ શકીશ નહીં કારણ તે માત્ર અહેસાસ હતો.

9 comments:

  1. Great! I call one of my friend who celebrate this festival, will purchase one idol;sure.

    ReplyDelete
  2. *अच्छी किताबें,*
    *और*
    *अच्छे लोग* !!!

    तुरंत समझ में नहीं आते,
    उन्हें पढ़ना पड़ता है*

    ऐ बात सही है ...

    ReplyDelete
  3. True- I also feel that " ahesas " from your nice article .

    ReplyDelete
  4. This will give inspiration to people to purchase eco-friendly Ganesh idle when Ganesh festival is very nearer

    ReplyDelete
  5. મનના પિંજરમાંથી વિચારો ને વિહરવાની તક મળે... એ પણ જેલથી!!! આ વિચારો ગણેશપ્રતિમાંથી ઘર ઘરમાં પહોંચે... ને નિમિત્ત બન્યો ગાંધીવિચાર. એક પંથ બે કાજ. Great.

    ReplyDelete