Friday, July 22, 2016

કેજરીવાલ વાજબી વાત કરે તો સારૂ છે નહીંતર નરેન્દ્ર મોદી જેવી હાલત થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદના બાપુનગરથી લઈ બ્રાજીલના પ્રશ્ન ઉપર નિવેદન આપી દેતા હતા, ખાસ કરી જયારે મનમોહનસિંહની વાત આવે ત્યારે તેમને મુંગાબાબા જેવા નામે પણ ભાજપી નેતાઓ મઝાક કરતા હતા.કોઈ પણ વ્યવસ્થાની બહાર ઉભા રહી તેની ટીકા કરવી અથવા તેનો હલ કહી દેવો સહેલો હોય છે, કારણ ત્યારે આપણે વ્યવસ્થાના ભાગ હોતા નથી અને આપણી જવાબદારી પણ હોતી નથી, પણ જયારે તે વ્યવસ્થાની ડ્રાઈવીંગ સીટ ઉપર જે બેઠો હોય તેની મજબુરીઓ માત્ર તે સીટ ઉપર બેસી રહેવા પુરતી જ દરેક વખતે હોતી નથી. દેશના કાયદા-બંધારણ અને કોઈ પણ નિર્ણયની પડનારી દુરોગામી અસરોનું પણ તે ધ્યાન રાખતો હોય છે અથવા તેને તેવુ કરવાની ફરજ પણ પડતી હોય છે.
કાશ્મીરની સમસ્યા અંગે નરેન્દ્ર મોદીએ અગાઉ કરેલા નિવેદનો ખાસ કરી 56ની છાતી હોવી જોઈએ  વાળુ નિવેદન સોશીયલ મીડીયા ઉપર ખાસ્સુ વાયરલ થઈ રહ્યુ છે. આ ઉપરાંત મોંઘવારી- પેટ્રોલ ડીઝલના ભાવને લઈ યુપીએ સરકારને આડે હાથે લેનાર નરેન્દ્ર મોદીને સમજાય છે કે કોઈને ગાળો આપવી ખુબ જ સહેલી છે પણ ત્યાં બેઠા પછી એકાદુ પણ નાનુ સારૂ કામ થઈ જાય પણ ઘણુ હોય છે. હવે નરેન્દ્ર મોદીની ભાષાના રસ્તે કેજરીવાલ પણ આગળ વધી રહ્યા છે.
મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં સત્તા ન્હોતી મેળવી ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને ભાજપને તેમની જ ફ્રી સ્ટાઈલમાં જવાબો આપ્યા ત્યાં સુધી બરાબર હતું, પણ સત્તામાં બેઠા પછી કેજરીવાલે સરકાર તરીકેનો વ્યવહાર કરવો જઈએ, આજે પોતાના લાભ માટે કોઈ પણ નિવેદન કરતા પહેલા એક વખત વિચાર કરી લેવો જોઈએ કે આવતીકાલે આ પ્રજા આપણને સત્તામાં સામેલ કરશે તો આજે  જે માગણી કરીએ છીએ તેનું શુ થશે.
ઉના પ્રકરણમાં રાજકોટ પહોંચેલા કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ તું કે પીડીતોને  વળતરની સાથે સરકારી નોકરી પણ આપવામાં આવે, વાત અહિયા અટકી નહીં, તેમણે ન્યાયની માગણી  માટે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકોને પણ વળતર અને નોકરી આપવાની માગણી કરી દીધી. કેજરીવાલ જન્મજાત રાજકારણી નથી, પણ પહેલા તે ભારતીય મહેસુલી સેવાના અધિકારી હતા. તેમની અને અન્ય રાજકારણી વચ્ચે ફર્ક હોવો જોઈએ, પીડીતો અંગે કોઈ માગણી કરે ત્યાં સુધી વાજબી છે, પણ જે યુવકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે તેમના માટે વળતર અને સરકારી નોકરીની માંગ કરે તે કયાં સુધી વાજબી અને ન્યાયી છે. એક વખત આખા ઘટનાક્રમમાં કેજરીવાલે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની જગ્યાએ પોતાને મુકી જોવાની જરૂર છે તો કદાચ આવી માગણી કરતા પહેલા તેમને શુ નહીં બોલવુ જોઈએ તેનો અંદાજ આવી જશે.
આજની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બહુ મોટો વર્ગ ભાજપથી નારાજ હોવા છતાં કોંગ્રેસને મત આપવો નથી માટે પરાણે ભાજપને મત આપી રહ્યો છે. ત્યારે કેજરીવાલ માટે પીરસેલી થાળી આવી જાય તેવી સંભાવના છે, પણ વિરોધપક્ષમાં હોઈએ ત્યારે બોલવામાં સંયમ રાખવો નહીંતર હમણાં જેમ નરેન્દ્ર મોદીના અગાઉના નિવેદન વાયરલ થઈ રહ્યા છે તે પ્રજા કેજરીવાલની હાલત પણ મોદી જેવી જ કરશે, કારણ મતદાન કરનાર મતદાર પોતાનો મત  પણ બીન્દાસ આપે છે.

3 comments:

  1. From the visit of Kajrival in the state it seems that he wants to create his influence in the state by taking political mileage from the present situation

    ReplyDelete
  2. I agree with u sir...
    Congess ni sata ma micro bjp ma large bhrastacharo joya have ek chance to kejri ko banta hi hai

    ReplyDelete
  3. I agree with u sir...
    Congess ni sata ma micro bjp ma large bhrastacharo joya have ek chance to kejri ko banta hi hai

    ReplyDelete