Sunday, July 17, 2016

જાહેરમાં લોટે ગયા તો હવે તલાટી અને શિક્ષક સિટી વગાડશે.....તસવીરમાં એક મહિલા ગામના તળાવમાં એઠવાડ નાખતી નજરે પડે છે, ખરેખર આ ટેલીવીઝનમાં આવી રહેલી  સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરખબર છે, આ મહિલા એઠવાડ નાખે એટલે તળાવના સામે છેડે કામ કરી રહેલી મહિલાઓ તરત તાળીઓ પાડે છે. એઠવાડ નાખનારી મહિલાને પોતાની ભુલ સમજાય છે અને તેને સંકોચ પણ થાય છે, તેવી જ રીતે જાહેરમાં બાથરૂમ કરતા પુરૂષ સાથે પણ આવુ જ થાય છે. આમ વિવિધ પ્રકારની જાહેરખબર ટીવી અને થીયેટરમાં બતાડવામાં આવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી  રાજય અને કેન્દ્રના અધિકારીઓની સર્જનાત્મક દ્રષ્ટી બદલાઈ હોય તેવુ લાગે છે, સવારે દસથીછના ટકોરે કામ કરતા અધિકારીઓ હવે ડરમાં અથવા ચાલો કઈક નવુ પણ કરીએ તેવ માનસીકતા સાથે નવી દિશામાં કામ કરવા લાગ્યા છે.ગામમાં તો  ઠીક પણ અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં આપણે હાથમાં લોટો લઈ શૌૈચ ક્રિયા કરવા જોતા લોકોને આપણે  જોયા છે. પણ  આપણને અથવા સરકારી બાબુઓને આ વાત કયારેય ખટકી નહીં, હા કયારેક તે રસ્તા જવાનું થાય તો નાક ઉપર હાથ મુકી રસ્તો પસાર કરી છીએ  પણ આ બાબત રાષ્ટ્રીય શરમ છે તેવો વિચાર ના આવ્યો.

અમદાવાદના એક ઉચ્ચકક્ષાના અધિકારીને  ભારત સરકારની  આ જાહેરખબર જોઈ વિચાર આવ્યો કે લોકોને વર્ષો સુધી સમજાવીશુ કે જાહેરમાં શૌચક્રિયા ના કરો તો પણ તે સમજશે નહીં, પણ જો આ બાબત શરમજનક છે તેવુ તેમના મનમાં પ્રસ્થાપિત થઈ જશે તો જાહેરમાં શૌચ જવાનું બંધ કરશે. આ અધિકારીએ પોતાને આવેલા વિચાર પ્રમાણે તમામ તલાટીઓ, ગામના શિક્ષકો. આંગણવાડી સ્ટાફ અને આરોગ્ય વર્કરની એક મિટીંગ બોલાવી, પહેલા તો આ અધિકારીએ તમામ તલાટી સહિતના અધિકારીઓને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંગે સમજ આપી, લાંબી લાંબી વાતો બાદ મિટીંગ બોલાવનાર અધિકારીએ પુછયુ બોલો કોઈ સવાલ છે તો તરત એક તલાટીએ હાથ ઉચો કરી કહ્યુ સાહેબ આવા અભિયાનનો કોઈ અર્થ થતો નથી,... લોકો કઈ સમજતા જ નથી. આવો પ્રશ્ન અથવા આવી દલીલ આવશે તેવુ મિટીંગ લેનાર અધિકારીને ખબર હતી, તેમણે તલાટીને જવાબ આપતા પહેલા ડ્રોવરમાંથી વ્હીસલ કાઢી અને વ્હીસલ વગાડી, મિટીંગમાં હાજર બધા ચમકી ગયા સાહેબ સીટી કેમ વગાડે છે. ઉચ્ચ અધિકારી બધાના ચહેરા ઉપર આવેલી રેખાઓ જોઈ હસી પડયા.. તેમણે પોતાની યોજના સમજાવતા કહ્યુ હવે રોજ સવારે પાંચ વાગે  ગામનો તલાટી, શિક્ષક આંગણવાડી અને આરોગ્ય સ્ટાફ બધા ગામના પાદરે જશે, પહેલા તમારે ગામના લોકો પાદરે કયા કયા સ્થળે શૌચક્રિયા કરે છે તે જગ્યાઓ જોઈ લેવાની પછી પાંચ વાગે તે સ્થળની આસપાસ ગોઠવાઈ જવાનું છે.

પછી હાથમાં લોટો લઈ શૌચક્રિયા કરવા આવેલી વ્યકિતને કઈ જ કહેવાનું નથી, કારણ તેને તમે અગાઉ અનેક વખત સમજાઈ ચુકયા છો, પણ તે કઈ સમજવા તૈયાર જ નથી, પણ જેવો તે શૌચક્રિયા કરવા માટે બેસે તેની સાથે તમારે આવી વ્હીસલ વગાડવાની શરૂઆત કરવાની છે.. ઉચ્ચ અધિકારી વાત સાંભળી તલાટીથી લઈ મિટીંગમાં હાજર તમામ હસી પડયા, કારણ બધાની નજર સામે હવે ગામના પાદરમાં કેવા  દર્શ્યો ઉભા થશે તે આંખ સામે આવી ગયા. ત્યાર બાદ સતત વાગી રહેલી વ્હીસલને કારણે જાહેરમાં શૌચ કર્યા વગર  પરત ફરી રહેલી   વ્યકિત ઘર તરફ પાછી ફરી રહી હોય ત્યારે તેને સરકારી યોજના હેઠળ શૌચાલય બાંધી આપવામાં આવે છે તે સમજાવવાનું છે.

નવા આઈડીયાનો અમલ પણ શરૂ થઈ ગયો અને ઘણા ગામના પાદરે કોમેડી દર્શ્ય  સર્જાવવા લાગ્યા છે, એક તલાટીના કહેવા પ્રમાણે રોજ સવારે પાંચ વાગે સીટી વગાડી વગાડી ફેફસા ફુલી જાય છે, જયારે કેટલાંક લોકો બહુ વિચિત્ર દલીલ કરે છે, જાહેરમાં શૌચક્રિયાના એક લાભાર્થીએ પોતાનો પક્ષ મુકતા કહ્યુ સાહેબ શરીરના ચોક્કસ અંગોને હવા ના લાગે ત્યાં સુધી મને મઝા આવતી નથી, તલાટી કહે છે જ કે મારી પાસે તેનો જવાબ ન્હોતો કારણ મારા અધિકારીએ મિટીંગમાં  હવા ઉજાસના પ્રશ્ન ઉપર કોઈ પ્રકાશ પાડયો ન્હોતો.

એક શિક્ષકે કહ્યુ મતદારોની નોંધણી, પોલીયાના ટીંપા હવે સિટી વગાડવાના કામ પણ અમને સોંપવામાં આવ્યુ છે, પણ અમારૂ મુળ કામ ભણાવવાનું કયારે કરવાનું તે જ નક્કી નથી, પછી તમે અમારી ઉપર આરોપ મુકો છે શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. જયારે એક તલાટીએ કહ્યુ સાહેબના આ નવા તુક્કાને કારણે અમારે ઝઘડો પણ થાય છે, કેટલાંક લોટે જતા લોકો એટલી ઉતાવળમાં પાદર તરફ આવ્યા હોય અને તે માંડ બેસે ત્યાં અમે વ્હીસલ વગાડીએ એટલે તે નારાજ થઈ જાય એક જાહેર શૌચ લાભાર્થીએ તો મને ધમકી આપી દીધી જો હવે સવારે સીટી વગાડી તો તમારી ખૈર નથી, એટલે મેં પુછયુ બોલ શુ કરી લઈશ, તેણે કહ્યુ સાહેબ હવે તમે પંચાયત ઓફિસમાં લાંચ લેશો તો હું પણ ઓફિસની બહાર ઉપર રહી સીટી વગાડીશ અને આખો દિવસ સીટી વાગતી રહેશે પછી શુ કરશો... તલાટીએ કહ્યુ આ નવી મુસીબત છે હવે અમારી શૌચ બંધ ના થાય તો સારૂ છે...

9 comments: