Friday, July 8, 2016

કોઈક દિવસ પોતાને તો પુછો તુ કેમ છે ...

થોડા દિવસ પહેલાની વાત છે, હું રોજ પ્રમાણે અમદાવાદના સરદારપટેલ સ્ટેડીયમાં મોર્નીગ વોક માટે પહોંચી ગયો, રોજ પ્રમાણે મોર્નીગ વોકમાં મળતા અનેક પરિચીત ચહેરાઓ મળ્યા, કોઈને હાથ ઉંચો કરી , તો કોઈકને મસ્તક નમાવી સવારની સલામ કરી, સામેથી ચેતનભાઈ આવી રહ્યા હતા, તેમનું નામ ચેતનભાઈ અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ તે સિવાય તેમના વિશે હું કઈ જાણતો નથી, તેઓ પણ મારૂ નામ પ્રશાંત અને હું પત્રકાર છુ તે સિવાય કઈ વધારે જાણતા નહી હોય..
મેં રોજ પ્રમાણે ચેતનભાઈને ગુડમોર્નીગ કહ્યુ.. તેઓ હસ્યા ગુડમોર્નીગનો જવાબ આપતા તેમણે મને પુછયુ કયાં છો... અમારો આ સંવાદ પુરો થાય તે પહેલા હું આગળ વધી ગયો અને તે પણ... મને કઈ સમજાયુ નહીં ચેતનભાઈ મને કેમ પુછયુ .. કયાં છો.. હું તો રોજ સ્ટેડીયમ આવુ છુ.. અને ચેતનભાઈ મને રોજ જુવે છે છતાં કયા છો પુછવાનો અર્થ શુ હોઈ શકે.. પણ આ ક્ષણનો વિચાર હતો.. હું તે વાત ભુલી ગયો, સ્ટેડીયમનું એક રાઉન્ડ પાંચસો મીટરનું છે, એટલે તમારી વિરૂધ્ધમાં રાઉન્ડ મારી રહેલી વ્યકિત ફરી પાછી પાંચસો મીટર સામે મળે.
બીજા રાઉન્ડમાં ચેતનભાઈ ફરી સામે મળ્યા.. તેમણે મને પહેલા રાઉન્ડમાં મને જે સવાલ કર્યો હતો તો તેને હું ભુલી જ ગયો હતો, તેમણે મને તેમના પહેલા સવાલની સ્પષ્ટતા કરતા કહ્યુ માત્ર શરીર જ અહિયા છે મન કયાં છે..... અમારુ ચાલવાનું ચાલુ રહ્યુ તે તેમની દિશામાં અને હું મારી દિશામાં ચાલતો રહ્યો.. ચેતનભાઈને સવાલ પછી મેં પણ વિચાર કર્યો.. હા મારૂ શરીર જ અહિયા ચાલી રહ્યુ છે.. મન તો અનેક બીજા સ્થળે ભટકી રહ્યુ છે.. આવુ કેમ.. હવે મેં મારી સાથે વાત શરૂ કરી.
આપણને સામે કોઈ વ્યકિત મળે ત્યારે તેને પુછીએ છીએ કેમ છો... મઝામાં પણ આપણે સવારે ઉઠી આપણના મનને પુછતાં નથી તે કેમ છે મઝામાં કે નહીં....જીવનની વ્યસ્તમાં આપણે ફોન- અને સોશીયલ મીડીયા મારફતે દુનિયાભરના લોકો સાથે વાત કરી લઈએ છીએ, પણ પોતાની સાથે વાત કરવાનો સમય નથી. આપણુ મન એકલુ પડી જાય છે, મન થાકી જાય છે, મન બીમાર પડે છે, અને મનને પોતાની કઈક વાત કહેવી છે. પણ આપણી પાસે આપણા મનને સાંભળવાનો સમય જ નથી. મને લાગ્યુ કે મારે મારી સાથે વાત કરવી જોઈએ, મને શુ ગમે છે અને શુ ગમતુ નથી તે અંગે વિચાર કરવો પડશે,
મોટા ભાગે એવુ જ બને છે કે પરિવારને શુ ગમે છે, મીત્રોને શુ ગમે, બોસને શુ ગમે છે.. લોકો શુ કહેશે તે મથામણમાં આપણને શુ ગમે છે તે ભુલી જ જઈએ છીએ, આપણે બીજાને ગમતી બાબતો કરવા લાગી છીએ, તેના કારણે મન થાકી જાય છે, અને તે બીમાર પડે છે. મેં નક્કી કર્યુ કે મારા મનની મારી સામેની ફરિયાદ કઈ કઈ છે તેની તેને યાદી બનાવવા કહુ અને તેણે તરત મને એક યાદી પકડાવી દીધી, તેમાં હું મનની દરકાર કરતો નથી, હું મનને કોઈ દિવસ પુછતો નથી તુ કેમ છે, હું મનને પુછતો નથી કે તને ગુસ્સો કેમ આવે છે.. હું મનને પુછતો નથી કે બોલ આજે તારે શુ કરવુ છે.. સરળ યાદી હતી, તેના કારણે તેના જવાબો પણ સરળ હતા.
બીજા દિવસે સવારે ઉઠી મેં ઉઠી આંખો બંધ કરી મનને કહ્યુ ગુડમોર્નીગ ડીયર, હું તારી સાથે છુ..તેણે તરત મને કહ્યુ રોજ જેવુ ના કરતો આજે મેં પુછયુ શુ..... તેણે કહ્યુ મને મુકી ભટકવા જતો નહીં મારી સાથે રહેજે.. મેં તેને એક હાસ્ય સાથે કહ્યુ હા તુ કહીશ તેવુ જ કરીશ. તે દિવસે મેં મારા પ્રત્યેક કામ પહેલા મનને પુછયુ અને તેણે કહ્યુ તેવુ કર્યુ અને તે રાતે પથારીમાં પડયો તે સાથે જ મન નાના બાળકની જેમ પથારીમં પડતા જ સુઈ ગયું, કારણ હવે તેને મારી સામે કોઈ ફરિયાદ ન્હોતી.
બીજા દિવસે સવારે મોર્નીગ વોકમાં ચેતનભાઈ મળ્યા. મેં ગુડમોર્નીગ કહ્યુ.. તેમણે કહ્યુ આજે તમારો ચહેરો બદલાઈ ગયો છે અને તમે સ્ટેડીયમમાં પાછા આવી ગયા..મે મનમાં કહ્યુ પાછા તો વળી શકાય પણ કોઈ દિશા બતાડે તેની જરૂર હોય છે.

3 comments:

 1. vaah...
  khub saras....
  aa blog sharu karyo e saras kaam karyu...

  ReplyDelete
 2. prashantbhai...tamne sambhalva....ane tamaru lakhel read karvu game chhe....SANDESH ma sathe hata tyare tamara articles
  ne lagta drawing banavto,,,have a moko kyare malse...pls..answer....thxx...

  ReplyDelete
 3. Kharekhar ma bahu J Saras.....

  ReplyDelete