Tuesday, July 12, 2016

મહિલા પોલીસ સ્ટેશનમાં જતા મહિલાઓને જ બીક લાગે છે

(પ્રતિકાત્મક તસવીર)
સાહેબ મારે ફરિયાદ કરવી છે, પણ મહિલા પોલીસ સ્ટેશન સિવાય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ભલામણ કરી દો હું મારી ફરિયાદ આપી આવીશ, પણ મહિલા પોલીસ સ્ટેશનમાં મારે જવુ નથી. આ વાકય મેં થોડા વર્ષો પહેલા એક ઉચ્ચ પોલીસની ચેમ્બરમાં રજુઆત કરવા આવેલી મહિલાના મોંઢે સાંભળ્યુ હતું આ વાકય સાંભળી મને તો ઠીક પણ ઉચ્ચ પોલીસ અમલદારને પણ આર્શ્ચય થયુ હતું, જયારે આ અમલદારે આવુ કેમ તેનું કારણ પુછયુ હતું ત્યારે મહિલાઓ જવાબ આપ્યો હતો, સાહેબ તેમને વ્યવહાર બહુ ખરાબ હોય છે.. પુરૂષ પોલીસ અધિકારી તો ધ્યાનથી સાંભળે પણ છે પણ મહિલા પોલીસનું તો કઈ પુછશો જ નહીં. જો કે પછીના વાકય આ મહિલા ગળી ગઈ હતી.

આવી બીજી જ ઘટના થોડા વર્ષો પહેલા મારી સામે આવી હતી, હું દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે એક નર્સ ઉપર તેના જ ડૉકટરે બળાત્કાર કર્યો હોવાનો નર્સનો આરોપ હતો, આવુ તેની સાથે રોજ બનતુ હોવાને કારણે આ નર્સે પુરાવા રૂપે એક કેમેરા દ્વારા પોતાની સાથે થઈ રહેલા વ્યવહારનું વિડીયો રેકોર્ડીંગ કરી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી, જે ફરિયાદની તપાસ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી, એક દિવસ આ નર્સ મારી ઓફિસે આવી તેણે વિનંતી કરી કે મારી તપાસ મહિલા પોલીસ સ્ટેશન સિવાય અન્ય કોઈ પોલીસ સ્ટેશનને સોંપાય તેવુ કઈક કરોને.. મે તેને પુછયુ કેમ નર્સે જવાબ આપ્યો સાહેબ મહિલા પોલીસ અધિકારી નહીં પુછવાના તમામ પ્રશ્નો મને પુછે છે જેમ કે બળાત્કાર થતો હતો ત્યારે તે કેવુ અનુભવ કરતી હતી વગેરે વગેરે
(પ્રતિકાત્મક તસવીર)
1992માં મહિલા પોલીસ સ્ટેશન હોવુ જોઈએ તેવો પ્રથમ વિચાર તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને આવ્યો હતો, મહિલાઓ ઉપર અત્યાચાર છતાં મહિલાઓ ફરિયાદ કેમ નોંધાવતી નથી તેવો પ્રશ્ન ઉભો થયો ત્યારે મહિલાઓ દ્વારા એવુ કારણ આપવામાં આવ્યુ હતું, અમારી વ્યથા પુરૂષ પોલીસ અધિકારી કેવી રીતે સમજી શકે આ ઉપરાંત બળાત્કાર જેવા કેસમાં પોતાની વાત કહેતા પણ સંકોચ થવો સ્વભાવીક હતો, આ વાત ચીમનભાઈ પટેલને સ્પર્શી ગઈ અને તેમણે મહિલાઓ નિસંકોચ રીતે પોતાની ફરિયાદ આપી શકે તે માટે ગુજરાતના પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત કરી , જે  પોલીસ સ્ટેશન કારંજ મહિલા પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતુ હતું, જો કે મહિલા હશે તો મહિલાને ન્યાય મળશે તે ભ્રમ બહુ જલદી તુટી ગયો, કારંજ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી કદમ લાંચ લેતા પકડાઈ ગયા હતા.

આ ઘટના જયારે બહાર આવી ત્યારે બધાને આર્શ્ચય તે બાબતનું હતું કે મહિલા કોઈ દિવસ લાંચ માગે, જો કે હવે તે વાત કઈ નવી રહી પણ તે દિવસોમાં તો નવી જ હતી. આજે સ્થિતિ વધુ વકરી છે, મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓ જતી ડરી રહી છે, તેવુ કેમ તે અંગે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિચાર કરવો પડશે, સામાન્ય રીતે મહિલા પોલીસ સ્ટેશનના પગથીયા ચઢનારી સ્ત્રી લાચાર અને પરિસ્થિતિવશ પોલીસ સ્ટેશન આવે છે, પણ ત્યા તેને સામે મળનારી પ્રથમ મહિલા અર્થાત મહિલા પોલીસ અધિકારી જે વ્યવહાર કરે છે તેની કલ્પના પણ અહિયા મુકી શકાય તેમ નથી.

પોલીસ ખાતામાં ભ્રષ્ટ અધિકારીઓ હતા તેમના પણ કેટલાંક નિયમો હતો, તેઓ વેશ્યા-હત્યા અને કસાઈના પૈસા લેતા ન્હોતા, પણ મહિલા પોલીસ તો કયાં કઈ સ્ત્રીઓ ધંધો કરે છે તેને શોધી તેનું આર્થિક શોષણ કરે છે, આ વાંચી કોઈ મહિલા પોલીસ અધિકારીને માઠુ અથવા ખોટુ લાગે તો હું તે અંગેના પુરાવાઓ પણ આપી શકુ તેમ છુ, જો કે તમામ મહિલા પોલીસ અધિકારીઓને આ બાબતમાં રસ છે તેવુ નથી છતાં બહુ મોટો વર્ગ હવે આ ધંધામાં રચ્યો પચ્યો રહે છે

તા 12 જુલાઈ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ઉપર કોઈ કાર્યવાહી નહી કરવા માટે મહિલા પોલીસ અધિકારી કેટલી બીનસંવેદનશીલ બની જાય તેનું આ ઉદાહરણ છે, મહિલા સાથે દુષ્કર્મ થયુ છે તેની ગંભીરતા અને માનવી અભિગમને બાજુ ઉપર મુકી મહિલા પોલીસ અધિકારીઓ રૂપિયા 15 લાખની માગણી કરી,  આ મામલે આખરે એક મહિલા વકિલ કુદી પડયા, કાયદા જાણનાર મહિલા વકિલે પોતાના અસીલને  સાચી કાયદાકીય સલાહ આપવાને બદલે પૈસા આપી પતાવો તેવી સલાહ આપી, આમ ભોગ બનનાર , પોલીસ અધિકારી અને વકિલ ત્રણે મહિલાો હોવા છતાં સાત લાખમાં પતાવટ નક્કી થઈ જો કે હિન્દી ફિલ્મોની જેમ મોડી આવતી પોલીસ આ વખતે સમયસર આવી અને એન્ટી કરપ્શન બ્યુરોએ તેમને ઝડપી લીધા હતા, જો કે હજી પકડાયેલા  નાના પોલીસ કર્મચારી છે, તે મોટા અધિકારીઓના નામ આપશે અને આપશે તો તેમના સુધી વાત જશે કે નહીં તે કહેવુ હમણાં મુશ્કેલ છે.

સ્ત્રીની પણ કેવી વિટંબણા ઘર હોય કે મહિલા પોલીસ સ્ટેશન સ્ત્રીને સ્ત્રીનો જ ડર લાગે છે.
(એન્ટી કરપ્શન બ્યુરએ લાંચ કેસમાં પકડેલી મહિલા વકિલ અને પોલીસ કર્મચારી)8 comments: