Wednesday, July 6, 2016

સાબ મુસલમાન હું, લેકીન ટેરેરીસ્ટ નહીં

વલી ગુજરાતીની દરગાહ


એક મહિના પહેલાની ઘટના છે, ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર ભાવેશ રોજીયાની ઓફિસમાં એક બાતમીદાર આવ્યો, ઈન્સપેકટર રોજીયાની ચેમ્બરમાં જઈ એક માહિતી આપી, માહિતી સાંભળતા રોજીયા ખુરશીમાંથી ઉભા થઈ ગયા, તે તરત પોતાના સુપ્રીટેન્ડન્ટ હિમાંશુ શુકલની ચેમ્બરમાં પહોંચી ગયા, શુકલ લાંબા સમયથી ત્રાસવાદ વિરોધી પ્રવૃત્તી ઉપર કામ કરતા પોલીસ અધિકારી છે, તેમને માહિતીની ગંભીરતા સમજાઈ, તેમણે ઈન્સપેકટર રોજીયાને જરૂરી સુચનાઓ આપી
.
એકાદ કલાકમાં ઈન્સપેકટર ભાવેશ રોજીયા અને તેમના સ્ટાફ તેમજ કમાન્ડો સહિતનો સ્ટાફ કર્ણાટક જવા રવાના થયો, જો કે રોજીયા કયા જઈ રહ્યા છે તેની માહિતી સાથે રહેલા સ્ટાફ પૈકી પણ ઘણા ઓછાને હતી, પોલીસના મહત્વપુર્ણ ઓપરેશનમાં  સ્ટાફને પણ સ્થળ અને મોડયુલ અંગે છેલ્લી ઘડીએ જ જાણકારી આપવામાં આવે છે, એટલે ઓપરેશનમા રહેલો સ્ટાફ અને કમાન્ડો કઈ પણ પુછયા વગર વાહનોમાં ગોઠવાઈ ગયા હતા. અંતર ખાસ્સુ લાંબુ હતું, કર્ણાટકના બેલગામ જવાનું હતું, રોજીયા પોતાની ફાઈલમાં રહેલી વિગતો તપાસી રહ્યા હતા, જેના માટે જઈ રહ્યા હતા તેનું નામ નિશાર રંગરેજ હતું. ગુજરાત પોલીસના ચોપડે  છેલ્લાં આઠ વર્ષથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં તેનું નામ હતું. 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ ધડાકા કેસનો આરોપી હતો, નિશાર બોમ્બ ધડાકા અગાઉ કેરળના વાઘામાન જંગલમાં તાલીમ લઈ આવ્યો હોવાની પણ જાણકારી મળી હતી.

બે દિવસન લાંબી મુસાફરી કરી ગુજરાત એટીએસ કર્ણાટક પહોંચી, ટીમ થાકી ગઈ હતી,  પણ થાક ઉતારવા માટે રોકાઈ શકે તેમ ન્હોતુ, ટીમ બેલગામ પહોંચી, સ્થાનિક પોલીસની જાણ બહાર નિશારની શોધ શરૂ થઈ , પણ બાતમીદારે આપેલી સચોટ માહિતીને કારણે નિશાર  રંગરેજને શોધતા બહુ સમય લાગ્યો નહી, તે નજરે પડતા ઈન્સપેકટર રોજીયાએ તેને દબોજી પોલીસની કારમાં નાખી દીધો અને તરત પોલીસના વાહનો ગુજરાત તરફ દોડવા લાગ્યા. રસ્તામાં નિશારે પુછયુ સાબ આપ કોન હો.. ત્યાં સુધી નિશાર જાણતો પણ ન્હોતો તેને લઈ જનારા કોણ છે, જો કે તેને ખાનગી કપડામાં રહેલી વ્યકિતઓ પોલીસ છે તેને અંદાજ આવી ગયો હતો.

 જો કે નિશાર પકડાઈ ગયો હોવાને કારણે ઈન્સપેકટર રોજીયાનો થાક કામની સફળતનાને કારણે ઉતરી ઉતરી ગયો હતો, રોજીયા પોતે ગુજરાત પોલીસના અધિકારી હોવાનો પોતાનો પરિચય આપ્યો, તો નિશારને સવાલ થયો તો ગુજરાત પોલીસ શુ કામ મને લેવા આવી.. જયારે તેને ખબર પડી કે ગુજરાત પોલીસના ચોપડે તેના નામે ત્રાસવાદી પ્રવૃત્તીઓ નોંધાયેલી છે, બોમ્બ ધડાકા અને અસંખ્ય નિદોર્ષોની હત્યાનો આરોપ છે ત્યારે તે ભાંગી પડયો. તેણે હાથ જોડી વિનંતી કરતા કહ્યુ સાબ મુસલમાન હું ટેરેરીસ્ટ નહીં. નિશારની આંખમાં આંસુ જોઈ કોઈ પોલીસ અધિકારીને દયા ના આવી, કારણ તેમના માટે આ રોજનું હોય છે, જો આરોપીના આંસુ જોઈ કામ કરવાની શરૂઆત કરે તો કયારેય ક્રાઈમ ડીટેકશન થાય નહીં કારણ દરેક આરોપી પકડયા પછી પોતે નિદોર્ષ હોવાના પુરાવા આપવા રડતો હોય છે.

નિશાર રંગરેજ અમદાવાદ એટીએસની ઓફિસમાં પહોંચી ગયો, ત્યાં ટેલીવીઝન કેમેરાની કતાર લાગી હતી, પત્રકારો થોકબંધ હતા, 2008થી ફરાર પ્રતિબંધીત સંગઠન સીમીનો અગત્યનો માણસ અને બોમ્બ ધડાકાનો આરોપી પકડયો હતો. પ્રેસ કોન્ફરન્સ થઈ નિશારને બુરખો પહેરાવી કેમેરા સામે રજુ કરવામાં આવ્યો. અખબાર અને ચેનલોનો દિવસ ભરાઈ ગયો હતો. અમદાવાદ બોમ્બ ધડાકા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે હતી, તેના કારણે નિશારને લેવા માટે ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ એટીએસની ઓફિસમાં આવી તેને લઈ ગયો.

ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પણ નિશાર પોતે નિદોર્ષ હોવાનું રટણ કરતો રહ્યો, પોતાની પત્ની અને ત્રણ બાળકોને યાદ કરી સતત રડતો હતો, તેણે  બ્રાન્ચના અધિકારીઓને કહ્યુ સાબ મેં એક રીક્ષા ડ્રાઈવર હું, મેરી બીવી રોટીયા બનાને કા કામ કરતી હૈ, તીન બચ્ચે હૈ, ખુદા કી કસમ મેરા બોમ્બ ધડાકા સે કોઈ તાલ્લુક નહીં હૈ.. બોમ્બ ધડાકા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 80 કરતા વધુ આરોપી પકડયા હતા, પણ નિશારની પુછપરછ કરતા પોલીસ અધિકારીને નિશારની વાતમાં સચ્ચાઈ લાગતી હતી, જો કે ઉતાવળે દયા કરવાનો પણ અર્થ ન્હોતો. નિશાર પોલીસ રીમાન્ડ ઉપર રહ્યો, બીજા સાથે થાય તેવુ બધુ જ તેને સાથે પણ થયુ હશે.

બીજી તરફ બેલગામ કર્ણાટકમાં રહેતી નિશારની પત્ની અને બાળકો ઉપર આભ તુટી પડયુ હતું, નિશાર ત્રાસવાદી છે, તેવા સમાચાર ટીવી અને અખબારમાં જોયા ત્યારે તેમને પાસે રડવા માટેના આંસુ પણ ખુટી પડયા હશે, કયાં બેલગામ અને કયાં અમદાવાદ આટલે દુર એક ગરીબ સ્ત્રી પોતાના પતિને  મળવા માટે આવે પણ કેવી રીતે તે પણ એક પ્રશ્ન હતો. બાળકોને પણ કઈ સુઝતુ ન્હોતુ, અબ્બા ત્રાસવાદી છે તેવુ લોકો કહેતા અને લોકોની નજર પણ હવે તેમની તરફ બદલાઈ ગઈ હતી, પણ તેમનું મન કહેતુ કે ના અમારા અબ્બા કયારે નિદોર્ષનો જાન લઈ શકે નહીં. પોલીસ રીમાન્ડ પુરા થતાં નિશારને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યો હતો

હવે ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વનો નિર્ણય લેવાનો હતો, સાથે કડવો ઘુટ પણ પીવાનો હતો, આ નિર્ણય લેવો તેમના માટે ફરજીયાત ન્હોતો. પણ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર દિપેનભદ્રના મનમાં થઈ રહ્યુ હતું, કઈક યોગ્ય થયુ નથી. ક્રાઈમ બ્રાન્ચ પાસે બે વિકલ્પ હતા, એક નિશારના કેસમાં કઈ પણ ના કરે અને તેની સામે ચાર્જશીટ કરી નાખે, કેસ વર્ષો સુધી ચાલતો રહે નિશાર જેલમાં રહે અને ચુકાદો આવે ત્યારે કોર્ટ પુરાવાના અભાવે નિશારને છોડી મુકશે. પણ નિશારની પુછપરછ કરી રહેલા પોલીસ અમલદારની આંખ સામે સતત રડતા નિશારનો ચહેરો આવતો હતો,આખરે ભુલ કબુલ કરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અમદાવાદ પોલીસને જે નિશાર રંગરેજની જરૂર હતી, તે પકડાયેલો નિશાર ન્હોતો, સરખા નામને કારણે ગુજરાત પોલીસ આ નિશારને લઈ આવી હતી, ભુલ પછી ભુલ કબુલ કરવાની  કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. અમદાવાદ પોલીસે તેમને મળેલી સત્તાની રૂએ ક્રિમીનલ પ્રોસીઝર કોડ 169 પ્રમાણે કોર્ટને જાણ કરી કે નિશાર સામે અમારી પાસે કોઈ પુરાવા નથી, તેને છોડી મુકવામાં આવે તેવી વિનંતી છે , જેલમાં રહેલા નિશારને જયારે ખબર પડી ત્યારે લાગ્યુ કે તેની ઈદ  વહેલી થઈ ગઈ. કોર્ટે નિશારને છોડી મુકવાનો આદેશ કર્યો. નિશાર ત્રાસવાદી છે તેવા સમાચારે મોટી જગ્યા અને મોટો પ્રાઈમ ટાઈમ લીધો હતો, પણ તે છુટી ગયો અને ત્રાસવાદી ન્હોતો, તે સમાચાર માટે બહુ ઓછી જગ્યા ફળવાઈ.

સામાન્ય રીતે પોલીસ પોતાની ભુલ સ્વીકારતી નથી, છતાં ઈદના દિવસે નિશારને પોતાના પરિવાર પાસે પાછો મોકલવાની પોલીસની  હિમંતને દાદ આપવી પડે, પણ લગભગ એક મહિના સુધી ત્રાસવાદીના લેબલ સાથે નિશાર અને તેનો પરિવાર કઈ રીતે જીવ્યો હશે તેની કલ્પના ધ્રુજાવી મુકે છે, સાચુ-ખોટુ જાણ્યા વગર સતત વિવાદાસ્પદ બોલવાનો એક નવો ટ્રેન્ડ થઈ ગયો, જેમાં તમામ મુસલીમ ત્રાસવાદી નથી પણ પકડાતા તમામ ત્રાસવાદી મુસલીમ હોય છે, તેવુ કહેવાની કેટલાંકને અંદરથી મઝા આવતી હોય છે, પણ નિશારના કેસે સાબીત કરી દીધુ કે પકડતા તમામ મુસલીમ ત્રાસવાદી પણ હોતા નથી

19 comments:

 1. Very true n great work by police...

  ReplyDelete
 2. Very true n great work by police...

  ReplyDelete
 3. at last appreciated work by police

  ReplyDelete
 4. Kya baat hai. Sirji. There aee emotions in this Crime story.

  ReplyDelete
 5. Kya baat hai. Sirji. There aee emotions in this Crime story.

  ReplyDelete
 6. પોલીસ અધિકારીના માનવતા પૂર્ણ અભિગમ
  અને લેખકને
  સલામ

  ReplyDelete
 7. પોલીસ અધિકારીના માનવતા પૂર્ણ અભિગમ
  અને લેખકને
  સલામ

  ReplyDelete
 8. Dippan bhadran sir is great police officer

  ReplyDelete
 9. Dippan bhadran sir is great police officer

  ReplyDelete
 10. કહેવાનું મન થાય "સાંચ કો આંચ નહિં".

  ReplyDelete
 11. सच की जीत हुई सर

  ReplyDelete
 12. सच की जीत हुई सर

  ReplyDelete
 13. સાહેબ ભૂલ થવી અને ભૂલ કરવી એ બન્ને વચ્ચે ઘણો મોટો તફાવત છે એ વાત સમજીને પોલીસ અધિકારીઓ એ ખુબજ મહત્વ પૂર્ણ અને દાખલો બેસાડવા જેવો નીર્ણય લીધો હોય એવું લાગે છે...

  ReplyDelete
 14. Wow Dada, I don't know this incident until I read this. Nice work but thank you to you Dada who bring this truth to use

  ReplyDelete