Friday, July 8, 2016

ગાંધીથી હાર્દિક સુધી રાજદ્રોહની સફર

જુન 2008ની ઘટના છે,સવારના ટેલીફોન ઉપર મને એક પોલીસ કર્મચારીએ જાણકારી આપી કે તમારી ઉપર રાજદ્રોહનો ગુનો નોંધાયો છે, વર્ષોથી પત્રકારત્વમાં રહયો હોવા છતાં રાજદ્રોહના ગુનાની ગંભીરતાની ખબર ન્હોતી, પણ કહેવાય છેને કે પોતાની ઉપર વિતે ત્યારે જ તેની પીડા સમજાય છે. મારી ઉપર અને મારા ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના તંત્રી ભરત દેસાઈ ઉપર મુકવામાં આવેલા રાજદ્રોહના આરોપનું કારણ બહુ સામાન્ય હતું, હું ત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અમદાવાદમાં પત્રકાર તરીકે કાર્યરત હતો, અને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ઓ પી માથુર હતા. પોલીસ કમિશનર માથુરની નિયુકતી બાદ અમે માત્ર માથુર સામે ભુતકાળમાં નોંધાયેલી ફરિયાદથી વાચકોને અવગત કરવાનો ગુનો કર્યો હતો, બાદમાં દિવસો સુધી ભાગતા રહ્યા, આગોતરા જામીન લીધા, પોલીસ ડરાવતી રહી, કોર્ટ કાર્યવાહી ચાલતી રહી, સદ્દનસીબે એક પણ દિવસ મને અને મારા તંત્રી ભરત દેસાઈને જેલમાં રહેવાનો વખત આવ્યો નહીં, પાંચ વર્ષની લાંબી કાનુની લડાઈ બાદ ગુજરાત હાઈકોર્ટે અમારી સામે થયેલી ફરિયાદ રદ કરી નાખી હતી.

પહેલી વખત મને સમજાયુ કે રાજય અથવા રાજયના કોઈ નેતા અથવા અધિકારીને તમારી વાત પસંદ ના પડે તો તે તમારી સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી શકે, દોઢ સો (150)  વર્ષ પહેલા તૈયાર થયેલી ઈન્ડીયન પીનલ કોડ અંગ્રેજો તૈયાર કર્યા હતા, તેનો હેતુ માત્ર પોતાની સામે અવાજ ઉઠાવનાર લોકોને કચડી નાખવાનો હતો, ખુદ મહાત્માગાંધી સામે સ્વતંત્રતા આંદોલનની માગણી કચડી નાખવા માટે રાજદ્રોહની ફરિયાદ થઈ હતી, અને તેનો ખટલો હાલમાં અમદાવાદના જુના સરકટી હાઉસ તરીકે ઓળખતા બીલ્ડીંગમાં ચાલ્યો હતો, ગાંધીજીએ માફી માગવાનો ઈન્કાર કર્યો  અને તેમને સજા પણ થઈ હતી. અંગ્રેજી શાસન રહ્યુ ત્યા સુધી રાજયનો અર્થ એટલે ગોરા લોકો હતા, એટલે કોઈ પણ ભારતીય ગોરાની સામે અથવા તેમને પંસદ ના પડે તેવી કોઈ પણ વાત કરે ત્યારે રાજદ્રોહની ફરિયાદ નોંધી તેમને જેલના હવાલે મોકલી દેવામાં આવતા હતા.


 આજે આઈપીસીના જન્મના દોઢ સો વર્ષ બાદ પણ અંગ્રેજો ભલે ના રહ્યા હોય પણ તેમની માનસીકતાના જંતુ આપણા નેતાઓ અને અધિકારીઓમાં મુકતા ગયા છે. જયા સુધી હાર્દિક પટેલનો સવાલ છે ત્યાં સુધી શિક્ષણ અને નોકરીમાં અનામતની માગણી કરતા હાર્દિક અને તેના સાથીઓ સાથે હું જરા પણ સંમત્ત નથી જો કે તેના કારણો અલગ છે અને તેની ફરી કયારેક વિસ્તુત ચર્ચા થઈ શકે, પણ અનામતની માગણી કરતા લોકોને કચડી નાખવા માટે રાજય રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરે તે વાજબી નથી, 25 ઓગષ્ટ2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એકત્ર થયેલા આઠ લાખ પાટીદારોની સંખ્યા જોઈ એક 23 વર્ષનો છોકરો હાર્દિક માનસીક સંમતુલન ગુમાવી પોતાને  રાષ્ટ્રીય નેતા સમજી બેસવાની ભુલ કરે તે મને સમજાય છે, અને ભાન ભુલી તે રેલના પાટા ઉખેડી દેવા સહિતની અનેક બાબતો બોલી નાખે તે વાજબી અને કાયદેસર પણ નથી, છતાં નવ-નવ મહિના સુધી તેને જેલમં પુરી રાખી, બોલ હવે બહાર આવી આંદોલન કરીશ નહીં તેવુ દબાણ કરવામાં આવે તે  વાજબી નથી.

હાર્દિકની વાત ખોટી હોય તો પણ તેને પોતાની વાત મુકવાનો અને આંદોલન કરવાનો અધિકાર છે, તેનાથી તે રાજયનો દુશ્મન બની જતો નથી, માણસ એકલો હોય ત્યારે થાક જલદી લાગી જતો હોય છે, જેલમાં નવ મહિના રહેલા હાર્દિકે જામીન લેવા માટે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત સ્વીકારી અને હાર્દિકને જામીન મળ્યા, અને તે ગુજરાત બહાર પણ રહેશે  પણ એક ગુજરાતી  છોકરાના મનમાં રહેલા ગુસ્સો ગેરવાજબી છે તેવુ હવે તેનો કોણ સમજાવશે, રાજય અને પ્રજા વચ્ચેનો સંબંધ પિતા-પુત્ર જેવો હોય છે કયારેક પુત્ર જીદ કરે અને ખોટી વાત પણ કરે છતાં તે પુત્ર મટી જતો નથી, પણ ત્યારે પુત્રની ખોટી જીદને રાજદ્રોહની મહોર મારી શકાતી નથી. વાત આટલી જ સામાન્ય છે. દેશની આઝાદી બાદ અંગ્રેજોએ ઘડેલા આ કાયદાની આપણને કેટલી જરૂર છે તે અંગે વિચારવાનો સમય આવ્યો છે.

રાજદ્રોહના મામલે કોઈ પણ  પક્ષના સરકાર પાકસાફ નથી જયારે જે પક્ષની સરકાર બને છે તે રાજદ્રોહ નામની બંદુકના નાળચે  પોતાની સામે અવાજ ઉઠવનારનો અવાજ શાંત કરે છે

7 comments:

 1. We are still being ruled by British mentality ruler after independence have proved them worst than British rule

  ReplyDelete
 2. We are still being ruled by British mentality ruler after independence have proved them worst than British rule

  ReplyDelete
 3. बहु साचु । बन्दुक ने नालचे,बिन उपजाऊ जमींन खेड़ाववा जेवु कार्य ।

  ReplyDelete
 4. बहु साचु । बन्दुक ने नालचे,बिन उपजाऊ जमींन खेड़ाववा जेवु कार्य ।

  ReplyDelete
 5. Wah Dada, keep it up don't stop this blog.

  ReplyDelete