Sunday, November 20, 2016

સાહેબ ખોટુ બોલીશ નહીં પણ મેં બે ખુન કર્યા છે.

તા 13 નવેમ્બર 2016 સવારના સાડા આઠ વાગ્યા હતા, હું અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલના અંદરના મુખ્ય દરવાજા સુધી મારી ર્સ્કોપીયો કારમાં દાખલ થયા, જો કે તે પહેલા મુખ્ય દરવાજા ઉપર રહેલા એસઆરપી જવાનો કારને પુરી રીતે તપાસી અમને અંદર જવાની મંજુરી આપી હતી.જેલના અંદરના મુખ્ય દરવાજા ઉપર ઉપર જતા સિનિયર જેલર તરલ બહાર આવ્યા, અગાઉથી વાત થયા પ્રમાણે ર્સ્કોપીયો કારમાં રહેલી ગાંધી પરિક્ષાની સામગ્રી ઉતારવા માટે કેટલાંક કેદીઓ અમારી મદદે આવવાના હતા, પણ જેલર તરલને ખચોખચ ભરેલી કાર જોઈ કહ્યુ આટલુ બધુ સાહિત્ય અલગ અલગ બેરેક સુધી લઈ જવુ મુશ્કેલ બનશે, તમે એક કામ કરો કારની જેલની અંદર સુધી લઈ આવો.

તેમણે જેલના સ્ટાફને જરૂરી સુચના આપી અને વિવેક દેસાઈને કારમાંથી ઉતરી જેલર તરલ પોતાની સાથે જેલમાં લઈ ગયા, હું કાર સાથે જેલની અંદર સુધી જવાના ગેટ નંબર-3 ઉપર પહોંચ્યો, અગાઉથી સુચના હોવા છતાં ફરજ ઉપરના સશસ્ત્ર જવાને તેની પાસે રહેલા વોકીટોકી ઉપર જેલ કંટ્રોલરૂમને તેમના ગેટ ઉપર આવેલી મારીને પ્રવેશ આપવા અંગે મંજુરી માંગી, એક જ સેંકડમાં  મંજુરી આપતો વળતો જવાબ વોકીટોકી ઉપર આવી ગયો, સશસ્ત્ર જવાને મને કારમાંથી નીચે ઉતરી જવાની વિનંતી કરી, તે મારી પાસે આવ્યો, તેણે મને પગથી માથા હાથનો સ્પર્શ કરી ઝડતી લીધી, તેણે મારા ખીસ્સામાં રહેલુ પર્સ અને મોબાઈલ ફોન ગેટની બહાર જમા કરાવી દેવાની સુચના આપી કારણ જેલમાં રોકડ રૂપિયા લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે. મેં પર્સ અને ફોન જમા કરાવી દીધો.

જયારે મારી ઝડતી ચાલી રહી હતી, ત્યારે બે જવાનો મારી કારની બારીક તપાસ કરી રહ્યા હતા, ડેસબોર્ડ ખોલી, ડેકી જોઈ કારની નીચે અને ઉપર પણ તપાસ કરી કોઈ પણ નાની બાબતમાં પણ મારી કારમાં રહી જાય નહીં તેની તકેદારી લીધી, કારની અંદર સ્ટોરીયો સીસ્ટમમાં રહેલી ફિલ્મના ગીતોની સીડી પણ તેમણે કાઢી લીધી,કાર  અને મને ચેક કર્યા પછી ફરી વખત વોકીટોકી ઉપર આખી પ્રક્રિયા પુરી થયા હોવાની જાણકારી આપી, જેલની ત્રીસ ફુટ ઉંચી દિવાલની વચ્ચે રહેલા લોંખડી ગેટ નંબર-3ને ખોલવામાં આવ્યો, મેં કાર ગેટમાં દાખલ કરી પણ અંદર જતા વીસ ફુટ પછી અંદર બીજો દરવાજો હતો, જે હજી બંધ હતો. હું ગેટમાં દાખલ થયો તેની સાથે બહારનો દરવાજો બંધ થયો એટલે હું બે બંધ દરવાજા વચ્ચે હતો, મારી સાથે એક જવાન કારની બહાર ઉભો હતો, તેણે વોકીટોકી ઉપર અંદર જાણ કરી, તેની સાથે અંદરનો લોંખડી દરવાજો ખુલ્યો કાર દાખલ થતાં અંદર રહેલા જવાને મને કાર સાઈડમાં ઉભી રખાવી, તે પહેલા તેણે અંદરનો દરવાજો લોક કર્યો.

મારી નજર સામે ત્રીજો દરવાજો પણ હતો, જો કે તે પહેલા અંદરના ગેટ ઉપર રહેલા જવાને પણ બહાર જે પ્રક્રિયા થઈ તે તમામ તેણે પણ કરી અને અંદરનો ગેટ ખોલી મને કયાં જવાનું તેની સુચના આપી, મારી રાહ જોતા વિવેક દેસાઈ અને જેલના વેલ્ફેર ઓફિસર ડાભી ત્યાં ઉભા હતા, ડાભી જેલ અધિકારી હોવાને કારણે જેલના આંતરીક રસ્તાઓથી માહિતગાર હતા, તેમણે મને કયાં જવાની સુચના આપી, જેલમાં રવિવારનો માહોલ હતો, કેટલાંક કેદીઓ જેલ પોલીસ સાથે વોલીબોલ રમી રહ્યા હતા, તો કોઈ ખુલ્લા મેદાનની લોન ઉપર બેસી ચેસ રમી રહ્યા હતા. કેટલાંક જેલની અંદર સુધી આવેલી કાર જોઈ કૌતુકભરી નજરે જોઈ રહ્યા હતા, ક્રાઈમ રીપોર્ટીંગ કરતો હોવાને કારણે કેદીઓના કેટલાંક  પરિચીત ચહેરાઓ પણ મળી ગયા, તેમના ચહેરા ઉપર મને જોઈ આનંદ થયો હોવાનું સમજી શકાતુ હતું.

જયા જયા ગાંધી વિચારની પરિક્ષાઓ લેવાની હતી ત્યાં ત્યાં હું વિવેક અને ડાભી નક્કી થયા પ્રમાણે નવી જેલ અને જુની જેલમાંની બેરેકમાં પરિક્ષાનું સાહિત્ય ઉતારી રહ્યા હતા, જેલના આંતરિક રસ્તાઓ ઉપર ચોકીઓ આવતી હતી, જયાંથી અમારી કાર પસાર થાય તે તમામ ચોકીના જવાનો વોકીટોકી ઉપર અમારી કાર તેમની ચોકીમાંથી પસાર થઈ હોવાની જાણકારી કંટ્રોલરૂમને આપતા હતા, તમામ બેરેકમાં પરિક્ષાનું સાહિત્ય ઉતારી એક મોટા ખુલ્લા મેદાનમાં અમે આવ્યા જયાં પણ ગાંધીબાપુ વિષય  ઉપર પરિક્ષા થવાની હતી. પરિક્ષા આપનાર કેદીઓ આવી ગોઠવાઈ રહ્યા હતા. પરિક્ષા શરૂ થાય તે પહેલા કેટલાંક કેદીઓ છેલ્લી ઘડી સુધી તૈયારી કરતા હોય તેમ ગાંધી સાહિત્ય અને આત્મકથા વાંચી રહ્યા હતા.

પરિક્ષા શરૂ થઈ ત્યારે જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષી પણ ત્યાં આવી પહોંચ્યો, તેમના ચહેરા ઉપર ગાંધી પરિક્ષા આપતા કેદીઓને જોઈ કઈક જુદો જ આનંદ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતું, કેટલાંક કેદીઓને પરિક્ષામાં ગેરહાજરી જઈ તેમણે ત્યાં હાજર જેલર સામે નારાજગી બતાડતા જેલરે તરત વોકીટોકી ઉપર સંબંધીત બેરેકમાં રહેલા પરિક્ષાર્થીને પરિક્ષા સ્થળે મોકલી આપવા સુચના આપી, હું વિવેક અને સુનીલ જોષી વાતો કરી રહ્યા હતા, ત્યાં એક આશરે પચાસ વર્ષનો કેદી જેના વાળ મોટા હતા, વઘી ગયેલી દાઢી હતી, તે પરિક્ષા આપી ઉભો થઈ પોતાની બેરેક તરફ જઈ રહ્યો હતો. સુનીલ જોષીએ તે જતા જોઈ બોલાવ્યો.. અરે અહિયા આવ.. પેલા કેદીના ચહેરા ઉપર એકદમ ડર દોડી આવ્યો, સામાન્ય રીતે સુપ્રીટેન્ડન્ટ બોલાવે તો કેદીને ડર લાગતો હોય છે.,

તે નજીક આવ્યો બે હાથ જોડી નમસ્તે કરતા કહ્યુ જી સર.. સુનીલ જોષીએ પુછયુ કયા નામ હે આપકા , કેદીએ કહ્યુ નટવરસિંહ ડાભી, હજી તેણે હાથ જોડેલા હતા, જોષીએ કહ્યુ પહેલા હાથ નીચે કરો. સુનીલ જોષીની આ સુચનાને કારણે કેદી ડાભી થોડો રીલેકક્ષ થયો. જોષીએ પુછયુ કેવી લાગી, પરિક્ષા. ડાભીએ અમારી તરફ એક નજર કરી લીધી કારણ અમે તેના માટે અજાણ્યા હતા.ડાભી જવાબ આપતા કહ્યુ સારી હતી મેં વાંચ્યુ હતું તે બધુ જ મને આવડયુ.. જોષીએ ચહેરા ઉપર સ્મીત લાવતા પુછયુ કેટલાંક માર્ક આવશે. આ પ્રશ્ન સાંભળી ડાભીના ચહેરા ઉપર વિમાસણ દોડી આવી, જોષી સમજી ગયા. તેમણે પ્રશ્નને જુદી રીતે પુછયો, ગાંધીને વાંચ્યા પછી શુ લાગે છે. ડાભીએ એક ક્ષણ વિચાર કરીને કહ્યુ સાહેબ એક દિવસમાં તો મારાથી ગાંધી બાપુ નહી થવાય, પણ મારા જીવનમાં ગાંધી ચોક્કસ કામ કરશે.

જોષીને સારૂ લાગ્યુ તેવુ તેમનો ચહેરો કહી રહ્યો હતો, તેમણે પુછયુ પણ આજના  દિવસે ગાંધીએ તારા જીવનમાં કરેલુ પહેલુ કામ કહેવુ હોય તો શુ કહીશ.. તેણે કઈ પણ વિચાર કર્યા વગર કહ્યુ સાહેબ સાચુ બોલવુ ખુબ અઘરૂ કામ હોય છે. હું તે કરીશ, પછી મારે કોઈ પણ કિમંત ચુકવવી પડે તો પણ સાચુ જ બોલીશ, જોષી હજી આખી વાતને સ્પષ્ટ કરવા માગતો હોય તેમ પુછયુ કોઈ પણ કિમંતે સાચુ બોલીશ, તો આજે શુ સાચુ બોલીશ તે કહે. સુ્પ્રીટેન્ડન્ટના સવાલ સાંભળી કેદી નટવરસિંહ ડાભીમાં પણ જાણે આત્મવિશ્વાસ આવી ગયો તેમ કહ્યુ સાહેબ મેં ખુન કર્યા છે. તે બે ખુન કર્યા હોવાની વાત અત્યંત સહજ રીતે બોલી ગયો, તે પણ ખબર હતી કે તે એક પોલીસ અધિકારી સામે પોતાનો ગુનો કબુલી રહ્યો હતો. જોષી અને અમે  તેને જોઈ રહ્યા. જોષીએ તેને બેરેકમાં જવાનો ઈશારો કર્યો, તે ફરી નમસ્તે કરી ત્યાંથી નિકળ્યો.

અમે ત્રણે એકબીજા સામે જોવા લાગ્યા, અમે ત્રણે એક જ લાગણી અનુભવી રહ્યા હતા, પણ તેની માટે શબ્દ જ ન્હોતો, એક પોતડી પહેનાર માણસ(ગાંધી) પોતાના મૃત્યુ પછી કોઈના  જીવનમાં આવુ કામ કરી શકે તે એક ચમત્કાર કરતા ઓછુ ન્હોતુ. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય ગાંધીને લોકો સુધી પહોંચાડવાનો હતો, મને લાગ્યુ કે બહારની દુનિયામાં ગાંધી નિષ્ફળ નિવડયો હોય, પણ સાબરમતી સેન્ટ્રલ જેલની તોંતીંગ દિવાલ પાછળ જયાં એક વખતે ખુદ બાપુ પણ કારાવાસ ભોગવી ગયા હતા, ત્યાં હજી ગાંધી મર્યો નથી, પરિક્ષા પુરી કરી હું ફરી વખત ગેટ નંબર-3માંથી બહાર નિકળી રહ્યો હતો, ત્યારે પોલીસ જવાન મારી ખાલી કાર નિયમ પ્રમાણે તપાસી રહ્યો હતો. ત્યારે પણ મારા કાન ઉપર કેદી નટવરસિંહ ડાભીના શબ્દો હતા કે એક દિવસમાં તો ગાંધી થવાશે નહીં, પણ રોજ ગાંધી થવાનો પ્રયત્ન જરૂર કરીશ

6 comments:

  1. Gr8....work dada...its a really heart toched work!!!

    ReplyDelete
  2. Gr8....work dada...its a really heart toched work!!!

    ReplyDelete
  3. નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અચૂક પરિણામ આપે છે. બીજી એક વાત એ યાદ કરાવી કે દરેક બીજમાં અંકુરિત થવાની ક્ષમતા જુદી-જુદી હોય છે. ધાન બે દિવસમાં ઉગે તો ખજૂરના ઠળીયાને પૂરા ત્રીસ દિવસ લાગે. પણ પાણી અને ઉષ્મા મળે તો અંકુરિત થવું તે દરેક બીજનો સ્વભાવ છે.

    ReplyDelete