Sunday, July 24, 2016

રવિવારે અમદાવાદની હોટલોમાં સદાવ્રત ચાલે છે

અમદાવાદના ત્રણ દરવાજા અને જમાલપુર વિસ્તારમાં કેટલીક હોટલો માત્ર ફકીરો માટે જ ચાલે છે, હોટલની બહાર કતારબંધ લોકો બેઠા હોય, કોઈ કારમાં આવે તો કોઈ સ્કુટર લઈ આવે અને આવીને સીધો હોટલના કાઉન્ટર ઉપર જઈ કહે દસ આદમીઓકો ખાના ખીલા દો, તે દસ માણસોના પૈસા આપી જતો રહે એટલે કાઉન્ટર ઉપર બેઠેલો મેનેજર પહેલા દસને અંદર બોલાવી જમાડી દે. આવુ આખો દિવસ ચાલતુ રહે, માત્ર ફકીરો ઉપર જ ચાલતી આ હોટલો અંગે બહુ ઓછા લોકોને ખબર હોવા છતાં આ હોટલની બહાર બેઠેલો ફકીર કોઈ દિવસ ભુખ્યો રહેતો હતો.

પણ અમદાવાદનો પશ્ચીમ વિસ્તાર જયા ઉચ્ચ મધ્યવર્ગ અને શ્રીમંતો જ રહે છે, ત્યાંની હોટલોમાં પણ ખાસ કરી રવિવારે તો આવી જ સ્થિતિ હોય છે. રવિવારે મોટા ભાગના પરિવારના રસોડા સાંજે તો બંધ જ હોય છે, ભુલથી કોઈ પતિ પોતાની પત્નીને પુછી બેસે કે સાંજે શુ બનાવવાની છે.. તો પત્નીના ચહેરા ઉપર કીધા વગર જે ભાવ આવે તે કઈક આ પ્રકારનો હોય છે.. શુ આખુ અઠવાડીયુ અમારે ઢસરડા કરવાના રવિવારે પણ બહાર જવાનું નહીં.. બીજી તરફ પતિ પણ મારે ખીસ્સાને દર રવિવારે બહાર જમવાનું પરવડતુ નથી તેવુ કીધા વગર કોણ કંકાસ કરે તેવા મુડમાં પરિવાર સાથે બહાર નિકળી પડે છે.

ખરી મઝા તો હવે શરૂ થાય છે, રોડ સાઈડ ઢાબુ હોય કે સારી કહેવાતી હોટલ હોય તેની બહાર તમને જમવા આવનારના ટોળા જોવા મળે.. તમે એક તબ્બકે તો ભુલી જ જાવ કે અમદાવાદમાં છો કે પછી સોમાલીયામાં. હોટલની બહાર હોટલનો એક મેનેજર હાથમાં કાગળ પેન લઈ બેઠો હોય. તેની પાસે જઈ તમારે નામ અને જમવા આવનારની સંખ્ય લખાવવાની . પછી તે તમને આદેશાત્મક ભાષામાં કહે બેઠો સાબ આધા ઘંટા લગેગા. પછી તમારો નંબર આવે ત્યારે કોર્ટના ગુમાસ્તાની જેમ તમારા નામનો પોકાર કરે , તમે પૈસા આપીને જમતા હોવ છતાં તમે કોઈ મંદિર કે આશ્રમના સદાવ્રતમાં જમવા આવ્યા હોય તેવુ લાગે, છતાં  દર રવિવારે ભીડમં વધારો જ જોવા મળે .

હોટલમાં જમ્યા તો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ, કારણ તમે કેટલીક મોટી હોટલમાં જમ્યા તેના આધારે તમારૂ સ્ટેટસ તૈયાર થતુ હોય છે. તમે કહો કે નવજીવન પ્રેસના કર્મ કાફેમાં જમ્યા તો સામેવાળો નક્કી કરી નાખે પાર્ટી તુટી ગઈ છે, કારણ ત્યાં માત્ર સવાસોમાં થાળી મળે છે. પણ જો તમે કહો હાઈવે ઉપર આવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં 1200ની થાળી જમ્યા તો તમે ફાઈવ સ્ટાર કલ્ચરમાં તમને સમાવીષ્ટ કરી દેવામાં આવે, પણ ભલે 1200ની થાળીમાં વાટકીઓમાં  એક સાથે બે આંગળીઓ પણ ના જઈ શકે એટલી નાની હોય તો પણ જમવાની ગુણવત્તા કરતા તેની કિમંતનો જ સવાલ હોય છે.

રવિવારે બહાર જમવા જવાનું એટલે પંજાબી, મેકસીકન અને ચાઈનીઝ વગેરે વગેરે જ જમવાનું, કારણ ગુજરાતી તો ઘરે પણ જમીએ છીએ, ઘણી બધી વાનગીઓ તો એવી હોય છે કે તેમના નામ સુધ્ધા આવડતા નથી, માત્ર મેનું કાર્ડ ઉપર આંગળી મુકીને જ વેઈટરને સમજાવી પડે છે. છતાં બીજા દિવસે મીત્રોને કહેવાનું કે ફલાણી હોટલમાં ફુડ બહુ સારૂ હતું. ખાસ કરી ધ્યાન આપજો મોટા ભાગના ગુજરાતીઓ હોટલમાં જમી આવ્યા પછી જમવાનું સારૂ હતુ તેવુ કહેવાને બદલે ફુડ સારૂ હતુ તેવુ જ કહેશે. વધુ પૈસા આપીને જમ્યા તો ફુડ શબ્દનો પ્રયોગ કરવો પડે તેવુ લાગતુ હશે.

તમે મોટી હોટલમાં જમવા જાવ ત્યારે ધ્યાનથી જોજો, વેઈટર બીલ આપી ભલે દુર જતો રહે પણ તેની નજર તમે કેટલી ટીપ મુકો છો તેની ઉપર જ હોય છે, તે તમે મુકેલી ટીપના આધારે પોતાના ચહેરા ઉપરના હાવભાવ બદલે છે. જો તેની અપેક્ષા પ્રમાણેની ટીપ ના હોય તો ચહેરા ઉપર ભાવ આવે સાલો કંજુસ છે. છતાં આ બધી બાબતો હોવા છતાં રવિવારે તો હોટલમાં જવુ જ પડશે.

આવી જ સ્થિતિ રોજે રોજ પાણી પુરીના લારી ઉપર હોય છે, અમદાવાદમાં કોઈ પણ પાણીપુરીની લારીવાળો લગભગ નવરો હોતો નથી, પણ તમે જયારે પાણીપુરી ખાવ જોવા ત્યારે તમને સતત એવુ લાગે છે તમારી આગળ પાણાપુરી ખાઈ રહેલી વ્યકિત કેટલી પાણીપુરી ખાય છે, કઈક તો મર્યાદા રાખવી જોઈએ, અને પછી આપણો નંબર આવે ત્યારે આપણી પાછળ પાણીપુરીના વેઈટીંગમાં ઉભો રહેલો માણસ પણ આપણા જેવુ વિચારતો હોય છે. હવે અમદાવાદમાં માથે ટોપી અને હાથમાં પ્લાસ્ટીકની થેલી પહેરેલા પાણીપુરીવાળા પણ ઉભા રહે છે, જો કે મઝા તો ભૈયાજીની પાણીપુરીમાં જ આવે છે... જો કે તે કારણોની ચર્ચા કરતો નથી, કારણ તેની તમને ખબર છે.



6 comments:

  1. Before fifty years ago there







    Before fifty years ago there was waiting in hotel like Chatna Chandra Vilas and Madrasi near Bhadra.Today also the position of Hotels is same Thanks to you because of your articles I recall my childhood when some time my parents used to take me into Hotels where there was waiting On Sunday


    was waiting in hotel

    ReplyDelete
  2. તમે જયારે પાણીપુરી ખાવ જોવા ત્યારે તમને સતત એવુ લાગે છે તમારી આગળ પાણાપુરી ખાઈ રહેલી વ્યકિત કેટલી પાણીપુરી ખાય છે, કઈક તો મર્યાદા રાખવી જોઈએ, અને પછી આપણો નંબર આવે ત્યારે આપણી પાછળ પાણીપુરીના વેઈટીંગમાં ઉભો રહેલો માણસ પણ આપણા જેવુ વિચારતો હોય છે.
    Very nice comments Prashantbhai-it is very true and I appreciate your mentioning of the same
    !!!!!!!!!!!!!!!

    ReplyDelete