Tuesday, September 20, 2016

હજી તો મેં પહેલો અક્ષર માંડયો અને તે આખો પત્ર વાંચી લીધો.

વિશ્વાસ અને હેમાંગી એન્જીનિયરીંગમાં સાથે જ ભણતા હતા, પહેલા દોસ્તી થઈ અને તેમની દોસ્તી કાયમી મીત્રતામાં ફેરવાઈ ગઈ, બંન્નેના લગ્ન પછી વિશ્વાસે પોતાના પિતાની ફર્મમાં સિવિલ એન્જીનિયર તરીકેનું કામ શરૂ કરી દીધુ, શરૂઆતના થોડા મહિના તો હેમાંગી પણ વિશ્વાસ સાથે કામ કરતી , પણ એક દિવસ તેણે વિશ્વાસને કહ્યુ, હું આવતીકાલથી ફર્મ ઉપર નહીં આવુ.. વિશ્વાસને  આશ્ચર્ય થયુ તેણે પુછયુ કેમ શુ થયુ ? હેમાંગીએ વિશ્વાસના શર્ટનું ઉપરનું બટન બંધ કરી તેના માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યુ કઈ નહીં, બસ મારે તારી રાહ જોવી છે. હું સાંજે રસોઈ કરી તુ કયારે ઘરે આવે તેની મારે રાહ જોવી છે. હું અને તુ આખો દિવસ સાથે જ કામ કરીએ છીએ, તેમાં કોઈ રોમાંચ નથી, હું તને પ્રેમ કરૂ છુ, તેની મને ખબર ત્યાર  પડે, જયારે તુ મને મળે નહીં. એટલે હું કાલથી ઓફિસ આવીશ નહીં. તેમ કહેતા તેણે વિશ્વાસના ગાલ ઉપર ટપલી મારતા કહ્યુ હવે ટગર ટગર જોઈશ નહીં મારે ઘણા કામ છે.

પછી તેવુ જ થતુ સાંજના પાંચ વાગે એટલે હેમાંગી રસોઈ કરી સરસ તૈયાર થતી, કયારેક ટીવી જોતી તો કયારેક નોવેલ વાંચતી, પણ તેની આંખ અને કાન તો ઘરના  દરવાજા તરફ જ રહેતા હતા, કેટલીક વખત રસોઈ તૈયાર હોય તો પણ વિશ્વાસ કારનું હોન વગાડી હેમાંગીને બહાર બોલાવી લેતો અને બંન્ને દુર દુર સુધી કારમાં ફરવા જતા અને બહાર જ જમી લેતા હતા, કયારેક ઓફિસનું કામ લઈ વિશ્વાસ ઘરે આવે તો હેમાંગી તેના કામમાં મદદ પણ કરતી હતી, જો કે તેનો ઈરાદો વિશ્વાસને મદદરૂપ થવાને બદલે વિશ્વાસ સાથે બેસવા મળે તેવો હતો. કેટલીક વખત હેમાંગીની આંખો પણ ઘેરાવવા લાગતી, ત્યારે વિશ્વાસ કહેતો હેમુ સુઈ જા, હમણાં જ થોડીવારમાં આવીશ, પણ તે કયારેય વિશ્વાસને મુકીને ગઈ ન્હોતી.

વિશ્વાસ બોલકો હતો જયારે હેમાંગી ઓછુ બોલતી છતાં તેને વિશ્વાસની નજર ફરે અને વાત સમજાઈ જતી હતી, કયારેક વિશ્વાસને ઓફિસમાં મોડુ થાય ત્યારે તે પુછતી  કેમ આજે મોડુ થયુ  ત્યારે તે કહેતો એક ક્લાયન્ટ મીંટીગ હતી, હેમાંગી તેની સામે જોઈ રહી, અને મનમાં કહેતી વિશ્વાસ ખોટુ બોલી શકતો નથી તો શુ કામ બોલે છે. અને પછી એકલી એકલી હસી પડતી હતી, હેમાંગી રોજ વોશીંગ મશીનમાં કપડા નાખે ત્યારે વિશ્વાસનો શર્ટ હાથમાં લઈ પોતાના નાક પાસે લઈ ઉંડો શ્વાસ લેતી તેને લાગતુ કે વિશ્વાસ તેનામાં સમાઈ ગયો, આવુ તે રોજ કરતી, પણ ખબર નહીં છેલ્લાં કેટલાંક દિવસોથી તે જયારે ઉંડો શ્વાસ લેતી ત્યારે તેને લાગતુ તે વિશ્વાસ તેનાથી દુર જઈ રહ્યો છે. તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા, તેને કયારે વિશ્વાસ ઉપર શંકા ન્હોતી થઈ અને ગુમાવવાનો ડર પણ લાગતો ન્હોતો, કદાચ તેવી શંકા કે ડર આજે પણ ન્હોતો. તેને પોતાની ઉપર ભરોસો હતો.

લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવાને કારણે ઘણી વખત વિશ્વાસ હેમાંગીના પેટ ઉપર હાથ મુકી પુછતો મને ઢીંગલી કયારે આપીશ. તરત હેમાંગી તેને હાથ હટાવી લેતા કહેતી ચલો દુર જાવ બીજો કોઈ ધંધો છે કે નહીં, અને પછી બન્ને હસી પડતા હતા. ઘણી વખત કોઈ કામ હોય તો હેમાંગી વિશ્વાસને મળવા માટે ઓફિસે પણ જતી હતી, હેમાંગીને જોતા વિશ્વાસની સેક્રેટરી સારંગી  ઉભી થઈ જતી  અને વેલકમ મેડમ કહી તેનું સ્વાગત કરતી હતી , કયારેક હેમાંગી કહ્યા વગર ઓફિસ પહોંચી હોય અને વિશ્વાસ કોઈ મિટીંગમાં હોય તો હેમાંગી સારંગી સાથે તેના ટેબલ ઉપર ગપ્પા મારતી હતી, સારંગી તેને કોફી પીવડાવતી હતી. સારંગી ખુબ રૂપાળી અને પ્રેમાળ હતી. હેમાંગીને પણ તે ગમતી હતી, ઘણી વખત હેમાંગી મસ્તી કરવાના મુડમાં હોય ત્યારે વિશ્વાસને કહેતી તુ હિરા પારખુ તો છે. વિશ્વાસ પુછતો કેમ ?  તો હેમાંગી વિશ્વાસની ચેમ્બરના કાચમાંથી સારંગી તરફ ઈશારો કરતા કહેતી સેક્રેટરી તો  ફટકો રાખી છે. અને વિશ્વાસ શરમાઈ જતો હતો.

આજે હેમાંગી ઓફિસ આવી તે જોઈ સારંગીને આશ્ચર્ય થયુ, તેણે તરત ઉભા થયા કહ્યુ મેમ સર તો નથી.. હેમાંગીએ એક ધીમા હાસ્ય સાથે કહ્યુ મને ખબર છે, તે મુંબઈ ગયો છે, પણ આજે હુ તને મળવા માટે જ આવી છુ, તેમ કહી હેમાંગી વિશ્વાસની ચેમ્બરમાં દાખલ થઈ, તેણે જાતે જ બેલ વગાડી બે કોફી લઈ આવવાની સુચના આપી. સારંગી પણ હેમાંગીની બાજુના સોફા ઉપર બેસી, પહેલા તો ઘણી વાર સારંગીને કઈ ખબર પડી જ નહીં, પણ આજે હેમાંગી મેડમની નજર કઈ જુદી હોય તેવુ લાગી રહ્યુ હતું મેડમ તેને પગથી માથા સુધી જોઈ રહ્યા હતા, ત્યારે જ કોફી આવી, હેમાંગીએ પ્યુનને સુચના આપી અમને કોઈ ડીસ્ટર્બ કરે નહીં તેનું ધ્યાન રાખજો. સારંગીનું હ્રદય ઝડપથી ધબકવા લાગ્યુ હતું.

હેમાંગીએ કોફી તરફ ઈશારો કરી સારંગીને કોફી લેવાનું કહ્યુ અને પોતે પણ કોફીનો મગ હાથમાં લીધો, હજી તો સારંગીએ કપ હોઠ ઉપર માંડયો અને કોફીને સ્પર્શ થયો ત્યારે હેમાંગીએ પુછયુ સારંગી.. તુ વિશ્વાસને પ્રેમ કરે છેને...જાણે તે દાઝી ગઈ હોય તેમ તેની મોંઢામાં ગયેલી કોફી બહાર આવી ગઈ, સારંગીનો કપ હોઠથી દુર થઈ ગયો તેણે હેમાંગી સામે જોયુ હેમાંગી જરા પણ ગંભીર ન્હોતી, તે હસી તેણે કહ્યુ દાઝી ગઈ,.. તે ધંધો જ દાઝવાનો કર્યો છે. પ્રેમમાં તો દાઝવુ પડે, છતાં તે સારૂ લાગતુ હોય છે.સારંગીના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ હતું. વિશ્વાસની ચેમ્બરમાં જન્મેલા તેના અને વિશ્વાસના પ્રેમની વાત  ચેમ્બર બહાર કેવી રીતે ગઈ તેની ખબર જ ના પડી. તેઓ બંન્ને સાથે કયારેય બહાર પણ ગયા નથી, કોઈએ તેમને જોયા પણ ન્હોતા, ઓફિસમાં તેમનું બ્હેવીયર એક પ્રોફેશનલ  જેવુ જ હતું.

હેમાંગીએ પોતાની કોફીનો મગ ટેબલ ઉપર મુકતા એક ઉંડો શ્વાસ લીધો અને ગંભીર ચહેરે કહ્યુ.. જો સારંગી હું વિશ્વાસને પ્રેમ કરૂ છુ, અને તે મને પણ આજે પણ એટલે જ પ્રેમ કરે છે. માણસ એક જ સમયે બે માણસને પ્રેમ ના કરી શકે તેવુ હું માનતી નથી. કારણ પ્રેમ કઈ માણસ નથી તે એક સમયે અનેક સ્થળે હોઈ શકે છે. હુ ના પાડીશ તો વિશ્વાસ તને છોડી દેશે, પણ તે તને છોડી તને ભુલી શકશે નહીં. હું તેને સારી રીતે ઓળખુ છુ, અને મારે એક સ્ત્રી અને બીજી સ્ત્રીની યાદોમાં વહેચાયેલો વિશ્વાસ જોઈતો નથી, હું વિશ્વાસને પ્રેમ કરૂ છુ અને તુ પણ અને વિશ્વાસ આપણને બંન્નેને પ્રેમ કરે છે. હું કોઈ ત્યાગ અને બલીદાનની વાત કરવા આવી નથી.

હું તારી પાસેથી વિશ્વાસને છીનવીને પણ મારો કરી શકીશ નહીં, તેની મને ખબર છે, તને મળવા પાછળ મારો પણ સ્વાર્થ છે, હું તેને ગુમાવવા માગતી નથી, આ સ્થિતિમાં આપણા ત્રણે પાસે એક જ વિકલ્પ છે આપણે બધા સાથે રહીએ, સારંગી સ્તબ્ધ હતી.તે ડરી પણ ગઈ હતી અને હેમાંગીના અનઅપેક્ષીત વ્યવહારને કારણે ગળે ડુમો પણ બાજી ગયો હતો, તેને રડવુ આવી રહ્યુ હતું, ત્યારે શાંત બેઠેલી સારંગીનો હેમાંગીએ હાથ પકડતા સારંગીની આંખમાંથી દડ ડદ આંસુ વહેવા લાગ્યા. હેમાંગીએ તેના આંસુ લુછયા, અને કહ્યુ જો સાથે રહેવાનો નિર્ણય મારો છે, મેં હજી વિશ્વાસ સાથે પણ વાત કરી નથી, કરી લઈશ બહુ જલદી, તને હું ફરજ પાડતી નથી, હા વિશ્વાસ વગર હું રહી શકીશ નહીં, હવે તારે નક્કી કરવાનું છે, તારે શુ કરવુ છે.

હેમાંગી ઉભી થઈ બહાર જવા નિકળી ત્યારે સારંગીના ખભે હાથ મુકતા કહ્યુ ટેક કેર યોર સેલ્ફ, સાંરગી ધીમા અવાજે બોલી યસ મેમ.. હેમાંગી ચેમ્બરના દરવાજા પાસે ગઈ અને ત્યાંથી પાછી ફરી તેણે સારંગીની આંખમાં જોતા કહ્યુ આજથી તુ મને મેમ નહીં હેમાંગી કહીશ તો પણ ચાલશે. અને હેમાંગી ત્યાંથી નિકળી ગઈ અને સારંગી જોતી જ રહી. આ વાતને પચ્ચીસ વર્ષ થઈ ગયા, હેમાંગીએ સારંગી સાથે બીજી શરત પણ મુકી હતી, જેમાં હેમાંગી કયારેય પોતાના બાળકને જન્મ નહીં આપે, પણ સારંગી માતા બનશે, સારંગીએ આ મુદ્દે હેમાંગીને ખુબ સમજાવી પણ તે માની નહી. સારંગીએ એક દિકરાને જન્મ આપ્યો જેને  જન્મની સાથે બે મા મળી હતી.થોડા મહિના પહેલા વિશ્વાસને હાર્ટ એટેક આવ્યો તે આઈસીસીયુમાં હતો તેની હાલત અત્યંત નાજુક હતી, ત્યારે હોસ્પિટલના મંદિરમાં  તે  હેમાંગી અને સારંગી એક સાથે બે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યને બચાવી લેવા પ્રાર્થના કરતી હતી અને કદાચ બે સ્ત્રીઓના પ્રેમને કારણ બચી ગયો, ઘણી વખત ખુદ સારંગી પણ વિચાર કરે છે, જો હું હેમાંગીને જગ્યાએ હું  હોત તો બીજી સ્ત્રીને સ્વીકારી શકતી ત્યારે તેના લાગે છે હેમાંગીના પ્રેમની સાથે હિમંત પણ હતી જે મારી પાસે આજે પણ નથી.

6 comments:

  1. પ્રેમ ના સિક્કા ની બીજી બાજુ જુઓ તો ત્યાગ છે પરંતુ પ્રેમ ને આંધળો સમજી સિક્કા ની બીજી બાજુ કોઈ જોતું નથી

    ReplyDelete
  2. Story of a real love between two lovers with one character

    ReplyDelete