Saturday, September 10, 2016

કેટલીક વારતાઓ કાયમ અધુરી જ રહેતી હોય છે.

હું જયારે ટીવી જોવા બેસતી ત્યારે ઓફિસેથી ઘરે આવેલા પપ્પા સામે  મારી જોતા ,
હું તેમની જોઈ હસતી, અને ફરી પાછી ટીવી જોવા બેસી જતી, તે હાથ-પગ ધોતા,
મમ્મી ચ્હા આપતી અને પપ્પા ધીરે રહી મારી પાસે આવી મારા હાથમાંથી રીમોટ
લઈ ટીવી બંધ કરતા, મને ખુબ ગુસ્સો આવતો અને કહેતી પપ્પા બસ એન્ડ બાકી છે,
તે મને વ્હાલથી નજીક લઈ કહેતા મારી ઢીંગલી..વારતાનો કયારે એન્ડ આવતો નથી,
વારતાઓ તો સતત ચાલ્યા જ કરે, તુ મારી વારતા છે, અને હું તેમને વળગી પડતી,
પપ્પા સરકારી નોકર પણ નાની હતી ત્યારે રોજ તેમને વળગી સુતા પહેલા વારતા
સાંભળતી, વારતાનો એન્ડ આવે તે પહેલા મારી આંખો મીચાઈ જતી, એટલે તે મને
ઉંચકી મારા રૂમમાં સુવાડી દેતા.

હું સવારે ઉઠુ ત્યારે પપ્પા ઓફિસે જવા નિકળી રહ્યા હોય અને મારી વારતાનો
એન્ડ બાકી છે તે યાદ અપાવુ , તે મને તેડીને કહે પાગલ રોજ વારતાના એન્ડ પહેલા
તુ સુઈ જાય છે.આજે રાતે ફરી નવી વારતા કહીશ, પણ પપ્પાએ કહેલી મારી તમામ
વારતાઓ કાયમ અધુરી જ રહી. પપ્પા હવે રીટાયર થઈ ગયા, ઓફિસે જતા નથી  અને હવે
હું વારતા સાંભળતી નથી , હું મારા લેપટોપ ઉપર કામ કરી હતી ત્યારે અચાનક
ધ્યાનમાં આવ્યુ કે પપ્પા ટીવી જોઈ રહ્યા હતા, મેં ટીવી સ્ર્કીન સામે જોયુ
તો તે ગદર ફિલ્મ ચાલી રહી હતી, તે સીડી લગાવી ફિલ્મ જોતા હતા, મને યાદ આવ્યુ કે પપ્પા ગઈકાલે પણ આ જ ફિલ્મ જોતા
હતા, કદાચ પરમદિવસે પણ.. પપ્પાને ટીવી જોવાનો શોખ ન્હોતો, પણ પપ્પા શા
માટે આ ફિલ્મ જોતા હશે..

મેં બુમ પાડી પપ્પા-પપ્પા તેમણે કોઈ જવાબ આપ્યો નહીં, હું ઉભી થઈ અને
તેમના ખભે હાથ મુકતા કહ્યુ પપ્પા કેમ એકની એક ફિલ્મ ત્રણ દિવસથી જોઈ
રહ્યા છો, તેમના ચહેરા ઉપર આછુ સ્મીત આવ્યુ, તેમણે હાથમાં રીમોટ લીધુ અને
ટીવી ઓફ કરતા કહ્યુ બસ અમસ્તુ .. બીજુ શુ કરૂ.. તે જ વખતે મમ્મી હાથમાં
આરતીની થાળી લઈ આવી, તેણે ધીમા અવાજે મારા અને પપ્પાના સંવાદોમાં પોતાનો
સુર પુરાવતા કહ્યુ શુ કરે છે જોવા દે ટીવી હવે ટાઈમ કેવી રીતે પાસ કરશે..
મેં મારી દલીલ કરતા કહ્યુ મમ્મી પણ તે ત્રણ દિવસથી એક જ ફિલ્મ જોઈ રહ્યા
છે. મમ્મી કઈ બોલી નહીં, તેણે મારી સામે આરતીની થાળી ધરી મેં આરતી લીધી,
તેણે પાછા ફરતા કહ્યુ તને નહીં સમજાય બેટા..

મને લાગ્યુ કે મને નહીં સમજાય તેવી કઈ વાત હતી, મમ્મી પણ હવે પહેલા જેવુ
મને વઢતી ન્હોતી, હું મોડી ઉંઠુ, મીત્રો સાથે બહાર જઉ,પુસ્તક મેળામાંથી
પુસ્તકો લાવી વાંચતી રહુ.. બધી જ વાતો મમ્મી સાક્ષી ભાવે જોયા કરતી હતી,
તે મારા માટે બહુ પઝેશીવ હતી, છોકરી માટે આ સારૂ અને છોકરીએ તો આવુ કરવુ
જોઈએ જ નહીં તેવુ તે માનતી ઘણી વખત તો હું બાજુ ઉપર રહી જતી, કારણ મારો
પક્ષ લેતા પપ્પા અને મમ્મી વચ્ચે યુધ્ધ જાહેર થઈ જતું. પણ હવે મમ્મી શાંત
હતી, મને કશુ જ કહેતી નહીં, હા હું આવુ નહીં ત્યાં સુધી મમ્મી-પપ્પા મારી
રાહ જોતા બેસી રહેતા, પપ્પા રીટાયર થયા પછી તબીયત પણ સારી રહેતી ન્હોતી,
એટલે તેમને ઉંઘની ગોળી લેવાની ડૉકટરે કહી હતી, તે રોજ લેતા પણ હું બહાર
જઉ ત્યારે પપ્પા હું આવુ નહીં ત્યાં સુધી ઉંઘની ગોળી લેતા નહીં, તેમને ડર
રહેતો કે ઉંઘ આવી જાય અને હું ઘરે ના પહોંચુ તો.

હું ત્યારે પણ કહેતી પપ્પા શુ કામ મારી રાહ જુવો છો .. હું કઈ નાની કીકલી
નથી..તે ઉઠતા અને ઉંઘની ગોળી ગળતી વખતે કહેતા બેટા તને નહીં સમજાય. મને
ત્યારે પણ થયુ કે શુ મને નહીં સમજાય તેવી કઈ વાત હતી. આજે ફરી મમ્મી પણ
તને નહીં સમજાય તેવુ બોલી હતી. મારે સમજવુ હતું.. મને શુ સમજાતુ નથી. આખો
દિવસ હું ઓફિસના કામમાં હતી, પણ મારૂ મન સતત મમ્મી-પપ્પાના વિચાર કરી
રહ્યુ હતું, સાંજે ઓફિસેથી ઘરે જતી વખતે મારી નજર એક સ્ટોરમાં પડી, શો
કેશમાં ગરમ કપડા જોઈ મારી શરીરને ડીસેમ્બરની ઠંડી સ્પર્શી ગઈ, મેં મારી
કાર સાઈડમાં પાર્ક કરી હું સ્ટોરમાં ગઈ, મે પસંદ હતા તે સ્વેટર અને શાલ
લઈ ઘરે પહોંચી, ઘરમાં દાખલ  થતાં જ  મે મમ્મી શાલ ઓઢાડતા કહ્યુ કેવી છે.
તેણે શાલને સ્પર્શ કર્યો અને કહ્યુ શુ કામ ખર્ચ કરે છ, મારે હવે કયાં
પહેલા જેવુ બહાર જવુ પડે છે, ઘુટણમાં ચાલતા નથી.

પપ્પા ટીવી જોઈ રહ્યા હતા, મેં સ્ક્રીન સામે જોયુ ગદર ફિલ્મ જ હતી, મારી
નજર સ્ર્કીન તરફ જતા, તેમણે તરત  ટીવી ઓફ કરતા મમ્મી સામે જોતા કહ્યુ અરે
પહેરી લે  કેવી સારી લાગે છે,  મારી નોકરીમાં તો આવી મોંધી શાલ લાવી શકયો
નહીં, હવે દિકરી કમાય છે તો લાવે તેમાં શુ .. તરત મે મારી પાસે લાવેલુ
સ્વેટર બહાર કાઢી પપ્પાના હાથ મુકયુ, તેમણે સ્વેટર ઉપર હાથ ફેરવી કહ્યુ
બહુ જ સરસ છે, તારા જેવુ હુફાળુ.. હું તેમને વળગી પડી. મારા મમ્મી પપ્પા
સાથે વાત કરવી હતી, અને ત્રણે સાથે જમ્યા, કઈ રીતે વાત કરવી તે મને
સમજાતુ ન્હોતુ, તે બન્ને પોતાના રૂમાં ગયા, મારે થોડુ કામ લેપટોપ ઉપર
બાકી હતું, તે પુરૂ કરી હું તેમના રૂમમાં પહોંચી , પપ્પા નવલકથા વાંચી
રહ્યા હતા અને મમ્મી કોઈ જુના અખબારની પુર્તી વાંચી રહી હતી, મને જોતા જ
પપ્પા બોલ્યા શુ થયુ બેટા, તે ઉભા થવા ગયા હું તેમની બાજુમાં બેસી ગઈ
પપ્પા કઈ નહીં આરામ કરો..

 મેં પપ્પાનો હાથ પકડતા પુછયુ શુ થયુ છે, શુ થયુ છે,. તેમણે પુસ્તક બાજુ ઉપર
મુકતા મમ્મી સામે જોયુ અને કહ્યુ શુ થયુ છે મને શુ થવાનું છે.. મમ્મીએ
ચશ્મા ઉતારી બાજુ ઉપર મુકયા, અખબારની ઘડી વાળી મુકી દીધી, મેં બન્ને સામે
જોતા કહ્યુ મમ્મી-પપ્પા તમને શુ થયુ છે.. મને ખબર નથી, પણ તમે મને દરેક
વાતે કહો છો મને સમજાતુ નથી.. તો મને સમજાવો. અમારા ત્રણે વચ્ચે શાંતિ
છવાઈ ગઈ, મને થઈ રહ્યુ હતું કે કોઈ કશુ બોલે તો સારૂ છે, મારા હ્રદયના
ધબકારા વધી રહ્યા હતા, પપ્પા કઈ જ બોલ્યા નહીં, પણ મે જોયુ તો મમ્મીની
આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા હતા, મેં મમ્મીનો હાથ પકડયો, તેના આંસુ
લુછયા તેને રડતી જોઈ મારી આંખો ભરાઈ આવી, પણ મમ્મીએ તરત આંસુ લુછતા કહ્યુ
અરે પાગલ રડે છે કેમ તેવુ કઈ ખાસ નથી, પણ  હવે એકલા કંટાળો આવે છે, કોની
સાથે વાત કરીએ કોઈ જ રહ્યુ નહીં, તુ નાની હતી તો કેટલી વાતો કરતી, મારે
તને કહેવુ પડતુ હતું હવે ચુપ બેસ. પણ તુ મોટી થઈ ગઈ છે.

પહેલા તો મારી પાસે ઘણા કામ હતા, તને વઢવુ અને ચીંતા કરવી તે પણ મારૂ જ
કામ હતું, પણ હવે તુ મોટી થઈ ગઈ છે, તને વઢી પણ શકાય નહીં, તુ તો  હમણાં લગ્ન
કરી જતી રહીશ પછી કોને વઢીશ, પપ્પા ઓફિસે જતા નથી, મારી સાથે વાત પણ
કેટલી કરે, છેલ્લાં ત્રીસ વર્ષથી અમે વાતો કરી છે હવે અમારી વાતો પણ ખુટી
પડી છે, મારી નજર ફરે અને તે મને સમજી જાય છે, કઈ પણ કીધા વગર મને સમજી
જતા તેમને આવડી ગયુ છે. પપ્પા પણ મારી જેમ કામ વગરના થઈ ગયા છે, કોઈ જ કામ
નથી, તને આ બધુ કેવી રીતે સમજાવુ..

મારા આંસુ વહી રહ્યા હતા. મમ્મીએ હવે મારો હાથ પકડયો અને કહ્યુ પપ્પા
ટીવી જોયા કરે અને હું ઠાકોરજીની પુજા કરૂ તે બન્ને કામ સરખા છે, પપ્પાને
ટીવી નીરસ લાગે છે અને મને ઈશ્વર, છતાં તેની વગર ચાલતુ નથી કારણ તે તો
અમારી સાથે વાત કરે છે. હું ખુબ રડી મને ખબર જ ના રહી કે મને મોટી કરવામાં
મમ્મી પપ્પા એકલા પડી ગયા, પછી તો મમ્મી-પપ્પા પણ રડયા, તે રાતે હું
પપ્પાની છાતી ઉપર માથુ મુકી સુતી, અને કહ્યુ મને  વારતા કહો.. મમ્મી પણ
અને હું પપ્પાની વારતા સાંભળતા હતા.. પપ્પા વારતા કહેતા કહેતા વારતાના
એન્ડ તે પહેલા સુઈ ગયા હતા, મેં મમ્મી સામે જોયુ તો તે પણ સુઈ ગઈ હતી,
હું ધીરે રહી ઉઠી, તેમના શરીર ઉપર ચાદર ઓઢાડી, તેઓ ઘસઘસાટ સુઈ રહ્યા હતા,
મારી નજર પપ્પાની ઉંઘની ગોળીઓની બોટલ તરફ ગઈ તેમણે ગોળી લેવા બહાર કાઢી
હતી, પણ લીધી ન્હોતી, મેં તેમની વારતા સાંભળી એટલે તેમને ઉંઘની ગોળી વગર જ
ઉંઘ આવી ગઈ હતી

( આ વારતાનું કથાબીજ અમેરીકા રહેતા મીત્ર શીવાની દેસાઈનું છે, આભાર)

17 comments:

 1. Matru devo bhavà pitru devo bhava.

  ReplyDelete
 2. This is fascinating story of love between parents and daughter which taking changes from childhood to the younger

  ReplyDelete
 3. વાર્તા હજી જીવે છે....

  ReplyDelete
 4. વાર્તા હજી જીવે છે....

  ReplyDelete
 5. વાર્તા હજી જીવે છે....

  ReplyDelete
 6. વાર્તા હજુ અધૂરી છે દોસ્ત

  ReplyDelete
 7. Nice...touching...loving...caring

  ReplyDelete