Tuesday, September 6, 2016

એડીટરે કહ્યુ ગરીબ માણસ આપણો વાચક નથી

દક્ષિણ ગુજરાતથી પાછા ફર્યા બાદ મન વ્યાકુળ થઈ ગયુ હતું, શેરડી પકવતા ગરીબ ખેતી મજુરીની જીંદગી મારી આંખ સામેથી ખસતી ન્હોતી, હું અમદાવાદ આવી યુપીએસસી પાસ કરી કલેકટર થવા આવી હતી, પણ ગરીબોની વાત લઈ જયારે કલેકટર પાસે ગઈ તેમણે કહ્યુ તંત્ર લાચાર છે કઈ થઈ શકે નહીં, તેના કારણે મારી લાચારીમાં વધારો થયો હતો, મેં તે તો નક્કી કરી નાખ્યુ હતું હવે કલેકટર તો થવુ જ નથી કારણ તે કોઈની જીંદગીમાં કોઈ ફેર લાવી શકતો નથી, પણ શુ કરવુ છે તેની પણ ખબર પડતી ન્હોતી.

અમદાવાદના પત્રકારત્વનો અભ્યાસ ચાલુ હતો, એટલે એક તો નક્કી હતું કે પત્રકાર થઈશ, મનમાં એવી ઉંડી આશા પણ હતી જયા કોઈ મદદ કરી શકે નહીં ત્યાં પત્રકારત્વ મદદ કરે છે. એટલે યુપીએસસીનો વિચાર પડતો મુકી આખરે પત્રકાર થવાનું નક્કી કર્યુ, અભ્યાસ પુરો થયો અને 2006માં પત્રકારત્વની દુનિયામાં પગ મુકયો, પત્રકાર તરીકેની જીંદગી શરૂ થઈ, કોઈ દિવસ મને મારા એડીટર પ્રેસ કોન્ફરન્સમાં મોકલે તો કોઈ દિવસ ટીબેટીયન માર્કેટમાં કઈ નવી ડીઝાઈનના સ્વેટર આવ્યા છે તેની માહિતી લેવા મોકલે, મેં કામ તો શરૂ  કર્યુ, પણ કોણ જાણે મારૂ મન આનંદમાં રહેતુ ન્હોતુ, પત્રકાર તરીકે મળવા પાત્ર માનપાન પણ મળતા છતાં અંદરથી કઈ મઝા આવતી ન્હોતી.

મને લાગ્યુ કે હું જે પત્રકારત્વ કરી રહી છુ, તેમાં તો ગરીબ માણસની કોઈ વાત આવતી જ નથી, એક અખબાર કેવી રીતે ગરીબ માણસોની વાત કર્યા વગર અખબાર બહાર પાડી શકે. હું મારા મનના પ્રશ્ન સાથે એડીટરની ચેમ્બરમાં દાખલ થઈ, તેમણે મારો પ્રશ્ન સાંભળ્યો અને મને સમજાવ્યુ કે જો તુ જે ગરીબ માણસોની વાત કરે છે, તે આપણો વાચક નથી અને તે આપણને જાહેરખબર પણ આપી શકતો નથી, જે તે આપણુ છાપુ ખરીદતો નથી અને જાહેરખબર આપતો નથી તો તેના સમાચારને કઈ રીતે કોઈ અખબાર સ્થાન આપે.

હું બીજી વખત નિરાશ થઈ, મને લાગ્યુ કે મારૂ પત્રકારત્વ કોઈને જીવાડી શકે નહીં તો મારે આ કામ પણ કરવુ નથી, પણ હવે કરીશ શુ.. હું મુંઝાઈ ગઈ, મેં મારી માને ફોન જોડયો ,તે ભણેલી નથી, છતાં મને લાગ્યુ કે તે રસ્તો બતાડશે.માએ મને કહ્યુ બેટા ચીંતા કરીશ નહીં તને મઝા આવે તેવુ કોઈ પણ કામ કર. સાવ બ્લેન્ક થઈ ગઈ હતી. એક દિવસ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના એક સમાચાર ઉપર નજર પડી, તેમાં વાડીયામાં ચાલતા દેહવિક્રયના ધંધા અંગે લખ્યુ હતું, મેં વાડીયા જવાનો નિર્ણય કર્યો, અમદાવાદથી બસ પકડી પાલનપુર ગઈ, ખીસ્સામાં પૈસા પણ ઓછા હતા. ત્યાંથી પુછતી પુછતી વાડીયા સુધી પહોંચી, પણ રસ્તામાં વાડીયાનું સરનામુ પુછુ ત્યારે લોકો મારી સામે બહુ વિચીત્ર નજરે જોતા હતા.

વાડીયા પહોંચી ત્યારે હાઈવેથી ગામ સુધી જવાનો પાકો રસ્તો પણ ન્હોતો, ઉબડખાબડ કાચો રસ્તો, ગામમાં ગઈ, સ્કુલ હતી, પણ સ્કુલ છેલ્લાં કેટલાય વર્ષોથી ખુલી જ ન્હોતી, કાચા મકાનો ગરીબ માણસો, મને થયુ આવુ કેવી રીતે બને દેહવિક્રયના ધંધામાં તો ખુબ પૈસા મળે તો પણ આ માણસો ગરીબ કેમ છે, પીવાનું પાણી પણ ગામમાં મળે , દવાખાનુ નહીં આ તો કેવુ ગામ. મને લાગ્યુ કે મારે અહિયા જ રોકાઈ જવુ જોઈએ, હમણાં આ સ્ત્રીઓને ધંધો કરશો નહીં તેવુ કહેવાનો કોઈ અર્થ ન્હોતો, કારણ હજી તો તેમની ગણતરી માણસમાં પણ થતી ન્હોતી. વેશ્યાનું ગામ તરીકે ઓળખાતુ હોવાને કારણે તંત્ર પણ માણસ તરીકે સામાન્ય અધિકાર પણ  તેમને આપતુ ન્હોતુ મેં કલેકટરને મળવાનો નિર્ણય કર્યો, સારો અનુભવ થશે તેવી આશા ન્હોતી. છતાં તે કલેકટર હતા એટલે તેમને જ મળવુ પડે તેમ હતું.

(ક્રમશ)

No comments:

Post a Comment