Wednesday, September 21, 2016

કયારેક પોતાને તો પુછો તમને શુ ગમે છે...

થોડા દિવસ પહેલા હું ગાંધીનગરની એક કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરી રહેલા વિધ્યાર્થીનું લેકચર લેવા ગયો હતો, મને જે વિષય આપવામાં આવ્યો હતો તે પ્રમાણે તો મારે પત્રકારત્વ વિષય ઉપર બોલવાનું હતું, પણ લેકચરની શરૂઆતની થોડી મિનીટોમાં જ મને વિધ્યાર્થીઓનો ચહેરો જોઈ સમજાઈ ગયું કે તેમના મનમાં ઘણી બધી અસ્પષ્ટતા હતી, એટલે મેં મારો વિષય બદલી તેમને કહ્યુ. તમે તમારી જાતને પુછયુ કે તમને શુ ગમે છે.. તો મોટા ભાગના વિધ્યાર્થીઓએ જાણે પહેલી વખત જ આ પ્રશ્ન સાંભળ્યો હોય તેવુ મને લાગ્યુ.. પહેલા સ્કુલમાં હતા અને હવે કોલેજમાં હતા, થોડા મહિના પછી તેઓ ગ્રેજ્યુએશનની ડીગ્રી લઈ બહાર નિકળવાના હતા, પણ તેમને ખબર જ ન્હોતી કે તેમને શુ ગમે છે..

જયારે હું સ્કુલમાં ભણતો ત્યારે મને કેટલાંક શિક્ષકો ખુબ ગમતા, જયારે કેટલાંક શિક્ષક પોતાના વિષયમાં માહિર હોવા છતાં તેમનો કલાસ મને ગમતો નહીં, આવુ કેમ થાય છે ત્યારે મને સમજાતુ ન્હોતુ, પણ હવે સમજાય છે કે જે શિક્ષક મને ગમતો તેની સાથે મને ગમતુ કારણ તેમને  ભણાવવુ ગમતુ હતું, તે તેમના માટે માત્ર નોકરી ન્હોતી  પત્રકાર થવાનું મેં પહેલાથી નક્કી કર્યુ હતું તેના કારણે આજે પણ મને તે ગમે છે, મને તે કયારેય નોકરી લાગી નહીં તેનો ફાયદો મને એવો થયો કે મેં મારી 25 વર્ષના કામમાં કયારેય રીપોર્ટીંગ વખતે કાગળ પેન લઈ કોઈ મુદ્દા લખ્યા નથી, ગમતુ કામ હોવાને કારણે તે યાદ રહે છે.  આપણે ત્યાં મોટા ભાગના લોકોને ખબર જ હોતી નથી તેમને શુ ગમે છે, તેના કારણે નહીં ગમતુ શિક્ષણ મેળવે છે, નહીં ગમતી ડીગ્રી માટે વર્ષો પસાર કરે છે અને ડીગ્રી આવ્યા પછી માત્ર જીવવા માટે કામ કરે છે, તેના કારણે તેમના કામ અને જીવનમાં પ્રાણ હોતો નથી એક મોનોટોનસ નીરસ જીંદગી વર્ષો સુધી ચાલ્યા કરે છે.

મારો દિકરો આકાશ પણ વીસ વર્ષનો છે જે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, ભણવામાં ખુબ હોશીયાર છે( સદ્દનસીબે શિક્ષણમાં મારી ઉપર ગયો નથી) તેની સાથે હવે શુ કરીશ તેવી  ચર્ચા નિકળે છે , ત્યારે હું તેને સલાહ આપુ છુ કે નોકરી જ કરવી તેવુ જરૂરી નથી, તને ગમતુ કોઈ પણ કામ કરજે.. તને લાગે કે ડ્રાઈવીંગ કરવુ ગમે છે તો કાર ચલાવ પણ તારા ડ્રાઈવીંગમાં એટલી માહિરતા મેળવ કે તારી પસંદગી રાષ્ટ્રપતિના ડ્રાઈવર તરીકે થાય. જે કામ આપણને ગમે તેમાં જીવંતતા હોય છે. સચિન તેંડુલકરને ક્રિકેટ ગમતુ હતુ, માટે તે શ્રેષ્ઠ રમી શકયો પણ માની લો કે સચીનના પિતાએ તેને ફુટબોલ રમવાની ફરજ પાડી હોત તો આજે તે કયાં હોત તેની તેને પોતાને પણ ખબર ના હોત.

જેમ કે ઘણા પિતા  સચીન ક્રિકેટમાં સફળ થયો એટલે હું પણ મારા સંતાનને સચીન થવાની ફરજ પાડુ છુ કારણ એક જમાનામાં હું ક્રિકેટ રમતો હતો અને કોઈક કારણસર રણજી ટ્રોફી રમી શકયો નહીં, એટલે જીંદગી તરફની મારી હતાશા અને બદલો લેવાની ભાવના હું મારા દિકરા પાસેથી વસુલ કરવા તેને પરાણે ક્રિકેટ રમાડુ છુ, જેમા કદાચ તેને રસ નથી તેને ગમતુ કામ પણ નથી. અમદાવાદમાં એક માણસ સારી કોફી બનાવતો કારણ તે તેનું ગમતુ કામ હતું, એક નાનકડી લારીમાં તે કોફી વેચતો હતો, તેની લારીનું નામ  શંભુ હતું , પણ તે તેનું ગમતુ કામ હોવાને કારણે આજે શંભુ કોફી બારની અમદાવાદમાં ઠેર ઠેર ફ્રેન્ચાઈઝી છે. તેવી જ રીતે અમદાવાદના લો ગાર્ડન પાસે પાવભાજીની ઘણી  લારીઓ વર્ષોથી ઉભી રહી છે, જેમાં ઓનેસ્ટ ભાજીપાવ છે, જે તેને ગમતુ કામ હતું, તેને પોતાનું કામ નાનુ લાગ્યુ નહીં તેના કારણે લારીમાંથી દુકાનો નથી અને દુકાનો વધતી ગઈ આજે દેશના અનેક રાજયમાં ઓનેસ્ટ ભાજીપાંવ મળે છે.

એટલે આપણા બાળક ઉપર આપણા નિષ્ફળ સપનાઓ થોપવાને બદલે તેને ગમતુ કામ કરવા દઈએ, તો કદાચ તેને પોતાના ગમતા કામમાં નિષ્ફળતા મળે તો પણ તેની નિષ્ફતા તેની પોતાની હશે, બાળકના જીંદગીની સફળતા નિષ્ફળતા બંન્ને તેની પોતાની હોવી જોઈએ, એટલે મેં કોલેજમાં લેકચર લેતી વખતે કહ્યુ કે તમને ગમતુ કામ પસંદ કરો તે નાનું પણ હોય અથવા મોટુ પણ હોય તે પણ તે તમારૂ પોતાનું હોય નહીં કે મીત્ર અથવા પરિવારે નક્કી કરેલુ.જે લોકો હવે નોકરી ધંધે લાગી ગયા છે, તેમને પોતાનું ગમતુ કામ નહીં હોવાને કારણે કંટાળો આવે છે, તો તેમણે પણ યાદ કરી  લેવુ જોઈએ કે તેમને કોઈ વાત ગમે છે, તો તે તરફ પણ કામની સાથે વળી શકાય, પછી તે ફરવા જવુ હોય, મીત્રને મળવુ હોય, કોઈ રમત હોય અથવા કઈક લખવાની વાત હોય, આ પ્રયોગ કરી જોવા જેવો છે કદાચ તમારી જીંદગીની મઝા પાછી આવે.

8 comments:

  1. BILKUL SACHI VAT CHE PRASHANTBHAI AAJ THI TRY KARISU AMARA SANTANO MATE

    ReplyDelete
  2. BILKUL SACHI VAT CHE PRASHANTBHAI AAJ THI TRY KARISU AMARA SANTANO MATE

    ReplyDelete
  3. સૉ ટકા સંમત.શીખું છું.

    ReplyDelete
  4. સૉ ટકા સંમત.શીખું છું.

    ReplyDelete
  5. I agree with you and for this purpose though my daughter got admission in medical she prefers to do BSC and I allowed her to select her choice to do BSC

    ReplyDelete