Tuesday, September 20, 2016

જયા વિધ્યાર્થીઓ પોતાના શિક્ષકની પસંદગી કરે છે.

થોડા દિવસો પહેલાની વાત છે, મારી દસમાં ધોરણમાં અભ્યાસ કરતી દિકરીએ મને કહ્યુ કે મારી સ્કુલનાં ફલાણા વિષયના શિક્ષક મને ભણાવે છે તો મને કઈ જ ખબર પડતી નથી, તે જ વખતે ત્યાં હાજર મારી પત્નીએ દિકરીની વાતનો અંત લાવતા કહ્યુ, તને ખબર ના પડે તેમા તારા શિક્ષક શુ કરે. વાત અહિયા અટકી નહીં, આ ઘટનાના થોડા દિવસ પછી કોઈક કામે મારે મારી દિકરી સાથે તેની સ્કુલમાં જવાનું થયુ , ત્યારે મારી દિકરીના કલાસમાં ભણતી અન્ય છોકરીઓએ પણ તે શિક્ષકની અભ્યાસ પધ્ધતિ અંગે મારી દિકરી જેવી જ ફરિયાદ કરી, ત્યારે મને મારી દિકરીએ કરેલી ફરિયાદ વાજબી લાગી, પણ તેનો ઉકેલ મારી પાસે ન્હોતો, કારણ આ અંગે ફરિયાદ કરવાથી સ્કુલ  કોઈ શિક્ષકની બદલી કરે નહીં . મેં દિકરીને કહ્યુ કઈ નહીં આપણે થોડી વધારે મહેનત કરી સર જે ભણાવે તે સમજવાનો પ્રયત્ન કરવાનો.

મને ગાંધીનગરની કડી સર્વવિધ્યાલયની અશ્વીનભાઈ પટેલ કોમર્સ કોલેજમાં લેકચર લેવા માટે પ્રોફેસર સુજલ પાઠક તરફથી આમંત્રણ મળ્યુ હતું, પાઠક સર મને  લેકચર પહેલા પ્રીન્સીપાલ  ડૉ વિજ્ઞા ઓઝાને મળવા લઈ ગયા.સામાન્ય રીતે હમણાં સુધી હું કોઈ પણ શાળા કોલેજના પ્રીન્સીપાલને મળ્યો તેઓ તેવા જરા પણ ન્હોતા, તેમના વ્યવહારમાં એક શિક્ષક માટે હોવી જોઈએ તેવી સૌમ્યતા હતી, તેઓ પ્રીન્સીપાલ હોવા છતાં જાણે આજીવન વિધ્યાર્થી જ હોય તેવો ભાવ હતો. ડૉ ઓઝા અને પાઠક સર સાથે મેં ઘણી બધી વાત કરી ત્યાંથી નિકળતી વખતે હું કોલેજની બહાર ઉભો રહ્યો અને કોલેજ બીલ્ડીંગને જોઈ લાગ્યુ કે કદાચ આવી કોલેજમાં મને અભ્યાસ કરવાની તક મળી હોત તો મઝા પડી હોત અને મને શિક્ષણ કયારે ભાર રૂપ લાગ્યુ ના હોત.

સુજલ પાઠકે પત્રકારત્વનો અભ્યાસ પુરો કર્યો, તેઓ ગાંધીનગરના એક અખબારમાં પણ જોડાયા, પણ તેમને  આ જીંદગી રાસ ના આવી એટલે, તેમણે તેને બાય બાય કરી એકેડમીક ફીલ્ડ તરફ વળ્યા, મને  કડી સર્વવિધ્યાલયની જે વાત સ્પર્શી ગઈ, તેમાં કોલેજમાં ભણતા  વિધ્યાર્થીઓ નક્કી કરે છે કે તેમને કોણ ભણાવશે. પાઠક સરે કહ્યુ કોલેજમાં અંગ્રેજી ફેકલ્ટીની જાહેરખબર જોઈ હું ઈન્ટરવ્યુ માટે આવ્યો, કોલેજના સંચાલકોએ મારી શૈક્ષણિક લાયકાત તપાસી મને ત્રણ અલગ અલગ કલાસમાં લેકચર લેવાનું કહ્યુ.. મને ખબર ન્હોતી, નોકરી મળતા પહેલા મારે શુ કામ લેકચર લેવાના , પણ ત્રણ લેકચર પુરા થયા બાદ મને ખબર પડી કે ત્રણે કલાસના વિધ્યાર્થીઓએ  કોલેજને આપેલા ફીડબેકમાં વિધ્યાર્થીની કસોટીમાં હું ખરો ઉતર્યો.

આ કોલેજની આ પરંપરા છે, કોલેજ સંચાલક માત્ર ડીગ્રી તપાસે છે, જયારે વિધ્યાર્થીઓ જ્ઞાન અને શિક્ષકની લગન તપાસે છે. સંચાલકની નજરમાં ખરા ઉતરેલા શિક્ષકને વિધ્યાર્થી નાપાસ જાહેર કરે તો તેવા શિક્ષકને સ્થાન મળતુ નથી. પ્રીન્સીપાલ વિજ્ઞા ઓઝા કહે છે. એક વખત કોઈ પ્રોફેસરને નોકરી મળી જાય એટલે વાતનો ત્યાં અંત આવતો નથી. દરેક છ મહિને તમામ વિધ્યાર્થીઓ પોતાને ભણાવતા પ્રોફેસરનો ફીડબેક આપે છે, બીજા શબ્દોમાં કહીએ પ્રોફેસરનું દર છ મહિને વિધ્યાર્થીઓ એપ્રેઝલ નક્કી કરી ગુણ આપે છે. જો વિધ્યાર્થી દ્વારા કોઈ પ્રોફેસરને ઓછા ગુણ મુળ તો તેને કોલેજ તરફથી મળતો ઠપકો કોઈ શિક્ષા કરતા વધુ ખરાબ માનવામાં આવે છે. કારણ શિક્ષક વિધ્યાર્થીની નજરમાં પાસ ના થાય તો તેમની ડીગ્રીનો કોઈ અર્થ સરતો નથી.

ડૉ વિજ્ઞા કહે છે. પહેલી વખત ઈન્ટરવ્યુમાં કોલેજ ધ્યાન આપે છે કે આવનાર શિક્ષક પુસ્તકની બહારનું પણ શુ વિચારી શકે છે. કારણ પુસ્તક અને રેફન્સબુકમાંથી તો બધા જ શિક્ષક ભણાવી શકે છે, પણ પુસ્તક બહારની દુનિયા પણ છે. તેની સાથે આવનાર શિક્ષક કેટલો સંપર્કમાં છે તેની પણ તપાસ થાય છે.એટલે નોકરી લેતા પહેલા અને નોકરી મળ્યા પછી શિક્ષકે રોજ પોતાની જાતને તપાસી વિધ્યાર્થી વચ્ચે જીવતા રહેવાની જદ્દો જહેદ કરવી પડે છે.

મને લાગે છે પુસ્તકમાં રહેલા શિક્ષણને જીવતુ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે, જયા શિક્ષક પણ રોજ ભણવા આવે અને વિધ્યાર્થીઓ તેમને શ્રેષ્ઠ શિક્ષકની પદવી આપે.

8 comments: