Friday, September 2, 2016

હું અનીલનો સંસાર તોડી મારો સંસાર માંડવા માંગતી નથી.

પોતાના લગ્નને માંડ અડતાલીસ કલાક થયા હતા ત્યારે સોનલને ખબર પડી કે તે જેને પ્રેમ કરતી હતી, અને જેની સાથે લગ્ન કર્યા તે અનીલ તો પરણિત છે અને બે બાળકોનો પિતા છે, ત્યારે તે ખુબ રડી હતી, પણ હવે તેણે પોતાના આંસુઓ અને લાગણીઓ ઉપર કાબુ મેળવી લીધો છે, હજી તે વીસ વર્ષની જ છે, તે પંદર વર્ષની ઉમંરે દેહવિક્રયના ધંધામાં આવી ચુકી હતી, તેણે તમારા અને મારા કરતા વધુ દુનિયા જોઈ લીધી છે, તેને કોણ શુ કહે છે તેની નિસ્બત નથી, તેને શુ કરવુ છે તેણે નક્કી કરી લીધુ છે.

નારી સંરક્ષણ ગૃહની બહાર આવ્યા બાદ તેણે સ્વસ્થતા કેળવી લીધી છે, અનીલની વાત નિકળે ત્યારે તે કોઈ પણ કટુતા વગર કહે છે, તેનો આભાર માનુ એટલો ઓછો છે, કારણ તેણે મને તે નર્કમાંથી બહાર કાઢવાની હિમંત તો કરી, બસ કદાચ તેનું કામ એટલુ જ હતું, તેના સામે મારી કોઈ નારાજગી નથી, હું તેને પ્રેમ કરતી હતી અને તેની સાથે સંસાર પણ માંડવો હતો, પણ કદાચ તે મારા નસીબમાં ન્હોતો, અનીલ સાથે રહેવા તૈયાર હોય તો પણ હું રહેવા તૈયાર નથી, તેને પણ એક પત્ની છે, તે પણ સ્ત્રી છે, હું તેની સ્થિતિ સમજી શકુ છુ, તેનો સંસાર તોડી મારે મારા સંસારની ઈમારત ચણવી નથી, ત્યાં જયા રહે ત્યાં ખુશ રહે એટલુ જ કહીશ.

હવે શુ કરીશ તેવો પ્રશ્ન પુછીએ ત્યારે સોનલ આત્મવિશ્વાસથી કહે છે, હું અમદાવાદમાં રહીને કોઈ પણ કામ પણ શીખીશ, મહેનત કરીશ, કદાચ મહેનતના પૈસાથી એક લુગડુ ઓછુ આવશે તો ચાલશે પણ વધુ પૈસા મળતી વાડીયાની ગંદકીમાં જવુ નથી તે નક્કી છે, સોનલ કહે છે ત્યાં પૈસા વધુ મળતા હતા, પણ ગંદકીના ધંધાનો પૈસો કયારેય ટકતો નથી, નહીંતર અમે બંગલામાં રહેતા હોત, મારૂ મન અહિયા શાંત છે, મને ખબર છે મારી સાથે બધુ જ સારૂ થશે. તે કહે છે મારી મા મને પાછી લઈ જવા માંગે છે, હું તેને પણ સમજાવીશ કે હવે આ જીંદગીમાંથી બહાર આવી જાવ, હું મહેનત કરી પૈસા કમાઈશ,. મારા ગામ મારી મા અને ભાઈઓને પણ પૈસા મોકલીશ, મહેનતના પૈસાથી પણ જીવી શકાય છે તેવુ હું તમને બતાડીશ.

હું તેને મળવા ગયો ત્યારે તેના હાથમાં કેટલાંક પુસ્તકો હતા, મેં પુછયુ તારા હાથમાં શુ છે, તે હજી શરમાળ છે, તેણે મારી સામે પુસ્તકો ધર્યા, મેં પુછયુ શુ કરવુ છે, તેણે કહ્યુ ભણવુ છે.. બહુ નહીં તો કઈ નહીં લખતા વાંચતા આવડી જાય તો પણ ઘણુ છે.મને ખબર છે, સોનલ ભણશે કારણ તેને જીંદગીએ એટલા બધા પાઠ શીખવ્યા છે કે પુસ્તકનું જ્ઞાન તેની જીંદગીના જ્ઞાન સામે કઈ જ નથી, હું ત્યાંથી નિકળ્યો ત્યારે મન કહેતુ હતુ સુખી રહેજે.. આ શહેર તારી સાથે..તુ એકલી નથી.. છતાં તારી લડાઈ તો તારે એકલાએ જ લડવાની છે. અમારી સોનલ કાયમ અમારી મદદની વૈશાખીના સહારે ચાલે તો અમને પણ મંજુર નથી.

9 comments: