Thursday, September 15, 2016

દારૂના મામલે ગુજરાત સરકાર અને ગુજરાતીઓ બન્ને દંભીઓ છે

સુરતમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે દર વખતની જેમ પહેલા તો સરકારે લઠ્ઠાકાંડ છે જ નહીં તેમ કહી હાથ ખંખેરી નાખ્યા, પણ પછી કીડી મકોડાની જેમ માણસ મરવા લાગ્યા ત્યારે સરકારે બે  સિનિયર પોલીસ અધિકારીની બદલી કરી , કેટલાંક નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા અને પોતાની ફરજ પુરી કરી હોવાનો ઓડકાર લીધો, આવુ દરેક લઠ્ઠાકાંડ વખતે થાય છે. પછી બહુ હોબાળો થાય તો મૃત્યુ પામનારન પરિવારને થોડીક આર્થિક રાહત આપી રાજય સરકાર ઉપકારની ભાવના તળે પ્રજાને ચુપ કરે છે. આવુ દરેક વખતે ગુજરાતમાં કેમ થાય છે.

1960માં ગુજરાત રાજય મુંબઈથી અલગ થયુ ત્યારે આપણે સ્વૈચ્છીક રીતે દારૂબંધી સ્વીકારી હતી, છતાં 1960થી હમણાં સુધી ગુજરાતના કોઈ દારૂડીયાએ બુમ પાડી નથી કે દારૂ મળતો નથી, કદાચ ગુજરાતના કોઈ ગામડામાં કોઈ મહિલાને પાણી લેવા માટે માઈલો સુધી ચાલવુ પડે, પણ દારૂ પીનારને તો પાણી કરતા પણ નજીકમાં દારૂ મળી જાય છે. આવુ કેમ થાય છે તેની માટે મને લાગે છે કે 1960થી આપણે ગાંધીના ગુજરાતના નામે દંભ કરતા આવ્યા છીએ, ગુજરાતમાં દર દસમાંથી છ માણસ દારૂ પીવે છે, છતાં જયારે દારૂની વાત નિકળે ત્યારે દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ, તેવો અમિતાભ બચ્ચન જેવો ડાયલોગ બોલે છે. કેટલાંક નાકના ટેરવા ચડાવે તો, કેટલાંક દારૂની કારણે થઈ રહેલા નુકશાન ઉપર લેકચર આપે, જયારે કોઈ દારૂ પીનારને તમે કહો કે ભાઈ તુ પોતે તો રોજ દારૂ પીવે છે, પછી મગજનું દહી શુ કામ કરે છે ત્યારે તે કહે હું માત્ર બે પેગ જ લઉ છુ બે પેગ તો શરીર માટે સારા. આપણે ગુજરાતમાં હેલ્થ કોન્સીયશ લોકોની સંખ્યા વધારે છે.

ગુજરાત સરકારનું નશાબંધી ખાતુ દારૂ પીવા માટે જે પરમીટ આપે છે, તેનું નામ પણ બદલી હેલ્થ પરમીટ કરી નાખ્યુ છે.આમ પ્રજા સરકારને મુર્ખ બનાવે અને સરકાર પ્રજાને મુર્ખ બનાવે. પ્રજાને દારૂ પીવો છે અને સરકારને દારૂ વેચવા દેવો પડે તેના પોતાના અલગ કારણો છે.ગુજરાતમાં બે નંબરમાં વેચાતા દારૂની પોતાનું એક અલગ આર્થિક વ્યવસ્થા તંત્ર છે, જે તંત્રમાં પોલીસ, સ્થાનિક નેતા બુટલેગર , દારૂ  અને  સચિવાલયના તેમજ  દારૂ  પીનારના તાર એવી રીતે જોડાયેલા છે કે તેને કઈ રીતે અલગ કરવા તે કહેવુ મુશ્કેલ છે. દારૂના ધંધાનું ટન ઓવર બીજા કોઈ પણ ધંધા કરતા મોટુ અને ખુબ જ ફાસ્ટ છે, એક વાત નક્કી છે કે જો કોઈ રાજય સરકાર ના ઈચ્છે તો દારૂ વેચવો લગભગ મુશ્કેલ થઈ જાય , પણ સરકાર પણ લાચાર હોય છે કારણ કે આપણા મતથી ચુટાઈ આવે છે,અને આપણે કોને મત આપવો તે હજી રાજયના ઘણા વિસ્તાર બુટલેગર નક્કી કરતા હોય છે, કારણ ગરીબીમાં જીવતા લોકો માટે તે સ્થાનિક બુટલેગર જ તેમની સરકાર અને માઈ-બાપ હોય છે.

બુટલેગરની સ્થાનિક લોકો ઉપર પક્કડ હોવાને કારણે સ્થાનિક નેતાઓને બુટલેગર સાથે હાથ મીલાવવો પડે છે, કારણ ચુંટણી વખતે માત્ર એક બુટલેગરને હાથમાં લેવામાં આવે તો પાંચ-દસ હજાર મતનું ગોઠવાઈ જાય છે. જો નેતાઓ  જે સરકારનો ભાગ છે તેમની ઈચ્છા જ દારૂ વેચવા દેવાની હોય તો પોલીસને તો વહેતી ગંગામાં હાથ ધોવા જેવુ પવિત્ર કામ કરવાનું છે.બીજી તરફ જયા વધુ દારૂ વેચાય ત્યાં પોસ્ટીંગ લેવા માટે પોલીસ ઈન્સપેકટરને વધુ પૈસા આપવા પડે, હમણાં ગુજરાતના કેટલાંય પોલીસ સ્ટેશનનો ભાવ દસથી વીસ લાખ રૂપિયા ચાલે છે.  આ એક પાછુ અલગ અર્થતંત્ર છે, જેમાં નેતાથી લઈ ડીજીપી ઓફિસ સુધી બધાની ગોઠવણ હોય છે. હવે જે પોલીસ ઈન્સપેકટર પૈસા ખર્ચી પોસ્ટીંગ લેતો હોય તો દારૂ તો વેચવા દેવો જ પડે નહીંતર રીકવરી કેવી રીતે કરવી. હવે ઈન્સપેકટરથી લઈ ડીએસપી સુધી  ટેન્ડર સીસ્ટમ પણ શરૂ થઈ છે જે વધુ ભાવ બોલે તેને પોસ્ટીંગ આપવામાં આવે છે. કેટલાંક પોલીસ અધિકારીઓ દારૂ પીનાર વ્યકિતઓ સામે પોતાની નારાજગી વ્યકત કરે છે, પણ તેમને બુટલેગર પાસેથી દારૂના પૈસા લેવામાં સંકોચ થતો નથી.

થોડા મહિના પહેલા એક ડીએસપી એક  સરહદી   જિલ્લામાં 75 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચુકવી પોસ્ટીંગ લીધા હોવાની પણ ચર્ચા છે. હવે આવી સ્થિતિમાં તમે કઈ રીતે દારૂબંધીનો અમલ કરી શકો, જયારે લઠ્ઠકાંડ થાય અથવા દારૂ અંગે હોબાળો થાય ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓ અને રાજય સરકાર તરત કહે બતાવો દારૂ કયાં વેચાય છે., અરે કેડમાં છોકરા જેવો ઘાટ છે દારૂ કયાં મળતો નથી તે પ્રશ્ન છે.છતાં દરેક વખતે હોબાળા પછી પોલીસ એકાદ બે સ્થળે દરોડા પાડે , થોડા દિવસ અડ્ડાઓ બંધ થાય પછી બીજા નવા સ્થળે અડ્ડો શરૂ થઈ જાય, પ્રજા-પોલીસ અને સરકાર ત્રણેને આ નાટક કરવામી મઝા આવે છે અને નાટક ફાવી પણ ગયુ છે.

ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય પણ તેના ફાયદાઓ પણ છે, અહિયા તમામ દારૂડીયાઓને દારૂ તો સંતાઈને જ પીવો પડે છે. તેમને કાયદાનો નહીં, પણ પોલીસના તોડ અને તેની કહેવાતી સામાજીક પ્રતિષ્ઠાની ચીંતા હોય છે. દારૂબંધી હોવાને કારણે દારૂ પીનાર સતત પડોશીને પણ પોતે દારૂ પીવે છે તેની ખબર પડે નહીં તેની કાળજી રાખે છે. તેના કારણે હજી ગુજરાતમાં મોડે સુધી એકલી નિકળતી મહિલાઓને છેડતીનું પ્રમાણ ખુબ જ ઓછુ છે.હજી ગુજરાતમાં દારૂને સામાજીક સ્વીકાર્યતા મળી નથી, કેટલીક કોમમાં દારૂ પીવો સહજ બાબત હોવા છતાં તે કોમની સ્ત્રીઓ દારૂને તો ધીક્કારે જ છે., પણ દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારની કેટલીક સમસ્યા પણ છે,. ઘી કરતા મોઘો દારૂ વધે તો તેને રાખવો કયાં તે એક સમસ્યા હોય છે,. નશો થઈ ગયા પછી પણ તે ઢોળી દેવાય નહીં તો રાખવો કયા તેના કરતા પેટમાં રેડી દેવો સારો પછી ભલે  લીવર જવાબ આપી દે. જયા દારૂબંધી નથી તેવા રાજય કરતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લીવર ફેઈલીયોરને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ખુબ જ મોટી છે, ગુજરાતમાં દર વર્ષે દારૂને કારણે લીવર ખરાબ કરી મૃત્યુ પામનારનો સરકારી આંકડો એક હજારનો છે.

વાત લઠ્ઠાકાંડની આપણી કહેવાતી દારૂબંધી જ લઠ્ઠાકાંડ માટે જવાબદાર છે, ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાશીત પ્રદેશ દિવ અને દમણમાં હજી એક પણ વખત લઠ્ઠાકાંડ થયો નથી, તેનો અર્થ એક તરફ આપણે દારૂબંધીનો કડક અમલ કરી શકતા નથી, બીજી તરફ કહેવાતી દારૂબંધીને કારણે સસ્તો અને હલકો દારૂ પી લોકો મરી રહ્યા છે તેમને બચાવી શકતા નથી. હાલમાં જે કાયદો છે તે પ્રમાણે દારૂ વેચવો-રાખવો અને પીવો તે ગુનો છે, પણ જો તમે લઠાકાંડમાં સસ્તો દારૂ પી મરી જાવ તો સરકાર તમને વળતર ચુકવે છે. આ જરા વિચિત્ર લાગતી વાત છે. આવતીકાલે સીસ્ટમથી નારાજ કોઈ યુવક નકસલ અથવા ત્રાસવાદી થઈ જાય અને પછી તે પોલીસ સાથે અથડામણમાં માર્યો જાય તો બીચ્ચારો દુખી અને ગરીબ હતો તેમ કહી રાજય તેને વળતર ચુકવશે તેના જેવી વાત છે. છતાં મતનું રાજકારણ ચાલે છે તેની મારે અને તમારે કિમંત ચુકવવી જ પડશે

7 comments:

  1. દાદા તમારી વાત સાથે બિલકુલ સહમત છુ. મારા ગામથી બહાર નીકળીએ એટલે ડાભી બાજુએ એક નાની ઓરડી જોવા મળે, એની બહાર સ્પ્લીટ એ સી નું કમ્પ્રેસર પણ લગાવેલું છે. હું વર્ષોથી અમદાવાદમાં રહુ એટલે ત્યાંની વધારે ખબર ના હોય. હમણાં એક દિવસ ત્યાં જવાનું થયું અને એ ઓરડી પર નજર પડી એટલે થયું કે અચ્છે દિન આવી ગયા. આટલી નાની ઓરડી માં એ સી અને એ પણ ગામની બહાર. કોઈને પણ જોઈને આશ્ચર્ય થાય. પછી એના વિશે પુછતાં જાણવા મળ્યું કે એ ભાઈ બુટલેગર છે અને આ નાની ઓરડી એનો અડ્ડો છે. ત્યાં કોઈ પણ બ્રાન્ડ માંગો તરત મળી રહે. વધારે પૂછતાં જાણવા મળ્યું કે બે-ત્રણ મહિના પહેલા એ ભાઈએ કોઈનું ખૂન કરી નાખેલું. બે-ત્રણ દિવસ ના જેલવાસ બાદ છૂટી ગયો. એ ભાઈની ઉંમર જાણ્યા પછી મને વધારે આંચકો લાગેલો. એ બુટલેગર માત્ર 24 વર્ષનો છે. ક્યારેક બાજુમાંથી નીકળી જાય તો જરા પણ લાગે નહિ કે આવા સુકલકડી બાંધો ધરાવતા વ્યક્તિથી ગામ આખું ડરે છે અને પોલીસને સમયસર હપ્તા મળી રહે છે. આ માત્ર નાનું ગામ નથી, તાલુકો છે.

    ReplyDelete
  2. Quite balanced article.thanks.pahelivar koi lekhak e yogya rite e swikaryu ke Daru bandhi thi fayado pan chhe. Baki badha to iche chhe ke adhunikta Na name darudiya chhatka Thaine road par ghume

    ReplyDelete
  3. BAI BANO SALMAT SUKALA RAJNE..IPS BADLIE MATA DEEMAD. BANO.TACLIFMO. POLIES MAHLMO...BAS....
    ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય પણ તેના ફાયદાઓ પણ છે, અહિયા તમામ દારૂડીયાઓને દારૂ તો સંતાઈને જ પીવો પડે છે. તેમને કાયદાનો નહીં, પણ પોલીસના તોડ અને તેની કહેવાતી સામાજીક પ્રતિષ્ઠાની ચીંતા હોય છે. દારૂબંધી હોવાને કારણે દારૂ પીનાર સતત પડોશીને પણ પોતે દારૂ પીવે છે તેની ખબર પડે નહીં તેની કાળજી રાખે છે. તેના કારણે હજી ગુજરાતમાં મોડે સુધી એકલી નિકળતી મહિલાઓને છેડતીનું પ્રમાણ ખુબ જ ઓછુ છે.હજી ગુજરાતમાં દારૂને સામાજીક સ્વીકાર્યતા મળી નથી, કેટલીક કોમમાં દારૂ પીવો સહજ બાબત હોવા છતાં તે કોમની સ્ત્રીઓ દારૂને તો ધીક્કારે જ છે., પણ દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારની કેટલીક સમસ્યા પણ છે,. ઘી કરતા મોઘો દારૂ વધે તો તેને રાખવો કયાં તે એક સમસ્યા હોય છે,. નશો થઈ ગયા પછી પણ તે ઢોળી દેવાય નહીં તો રાખવો કયા તેના કરતા પેટમાં રેડી દેવો સારો પછી ભલે લીવર જવાબ આપી દે. જયા દારૂબંધી નથી તેવા રાજય કરતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લીવર ફેઈલીયોરને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ખુબ જ મોટી છે, ગુજરાતમાં દર વર્ષે દારૂને કારણે લીવર ખરાબ કરી મૃત્યુ પામનારનો સરકારી આંકડો એ

    ReplyDelete
  4. દારૂબંધી વિશે તેની તરફેણ વિરુદ્ધ મા ઘણી દલીલ થાય છે પણ મે થોડા વર્ષો પહેલા નજરે જોએલુ એ દ્રશ્ય હુ હજુપણ ભૂલી શકતો નથી.સામાન્ય રીતે જ્યાં બેસી ને દારૂ પી શકાય એવા અડ્ડા ગરીબ મજૂર વર્ગ ની વસ્તી મા હોય છે.અને એ ગરીબ લોકો ત્યાં બાફેલા ઇંડા,ચણા,પાપડ વગેરે વેચતા હોય છે.આવાજ એક અડ્ડા મા માંડ પાંચ વર્ષ ની એક બાળકી બિયર ના ખાલી ટીન ને દારૂ ની ખાલી બોટલ પોતની કચરો ભરવાની થેલી મા ભરતી હતી.પણ એના પગ લથડિયા ખાતા હતા!એ બાળકી બોટલ મા વધેલા ટીપા નીટ પી બોટલ થેલી મા નાખતી હતી!અને પાંચ છ વર્ષ નુ બાળપણ ચકચૂર થઇ લગભગ ઠેબા ખાતુ હતુ!અલબત્ત ત્યાં મારા જેવા સભ્ય નાગરિક ની સભ્યતા,બાળ મજૂરી નો કાયદો,નશાબંધી નો કાયદો ને આપણો દંભ એવુ ઘણુ બધુ એ બાળા ના લથડિયા ખાતા પગ ની ઠોકરે ચડ્યું હતુ!! વિનોદ સોલંકી

    ReplyDelete
  5. Along with strict implementation of law to curb the selling of liquor it is also necessary for the drinkers to understand that they should not drink it as it's injurious to the health

    ReplyDelete