Sunday, October 30, 2016

પ્રેમ-માફી અને દોસ્તીમાં કંજુસાઈ કરશો નહીં.

આજે વહેલી સવારે ઉઠીને હું મારા વોટસઅપ મેસેજ જોઈ રહ્ય હતો, ત્યારે પત્રકારોના એક ગ્રુપના ડીપીમાં અમારા મીત્ર અતુલ દાયાણીનો ફોટો હતો, જે ફોટો જોતા જ એક ક્ષણ માટે શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ, આ પહેલી દિવાળી છે, જયારે અતુલ અમારી વચ્ચે નથી. બરાબર દસ મહિના પહેલા પંચાયતની ચુંટણીનુ  કચ્છથી કવરેજ કરી તે પાછો આવી રહ્યો રસ્તામાં તેને એક અકસ્માત નડયો અને તે ચાલી નિકળ્યો. બસ ત્યારથી મનમાં કઈક ચાલી રહ્યુ હતું, હું મારી અંદર ચાલતી પ્રક્રિયા અને મેં કરેલી ભુલો અથવા એક માણસ તરીકે જે કરવુ જોઈએ તેમાં કયારેય ઉણો ઉતર્યો તે તપાસી રહ્યો હતો. મને ત્યારે લાગ્યુ કે કેટલીક બાબતો તો સાવ સામાન્ય હતી, છતાં જે તે વખતે મને બહુ અધરી લાગી હતી, જેનો ભાર હું વર્ષો સુધી વેંઢારી રહ્યો છુ.

જેમાં મને જીવન માટે ત્રણ શબ્દ મહત્વના લાગ્યા, તેમાં પ્રેમ- માફી અને દોસ્તી, કરવામાં કરેલી કંજુસાઈને કારણે હું અનેક વખત દરિદ્ર સાબીત થયો. કદાચ મારી ફેસ વેલ્યુ ઉપર કોઈ જાય તો હું તને પ્રેમ કરૂ છુ, તેવો શબ્દ સાંભળી કોઈને આધાત સહ આશ્ચર્ય લાગે, છતાં રોજ સવારે ઉઠી, હું મારી પત્ની શીવાની અને દિકરી પ્રાર્થનાને અચુક કહુ છુ કે હું તને પ્રેમ કરૂ છુ, મેં જયારે જયારે આવુ કર્યુ છે ત્યારે મારો અનુભવ રહ્યો છે, મારી મન હલકુ થયુ છે. જો કે શીવાની આ મામલે કંજુસ  છે, તેવુ કહી શકુ,કારણ હું તેને કહુ કે તને પ્રેમ કરૂ છુ, ત્યારે તે માત્ર હસે છે, હું કહુ તારે મને કઈ કહેવુ નથી, ત્યારે તે રોજ પ્રમાણે કહે, તેમાં કહેવાનું શુ .. ખબર પડતી નથી. મને ખબર છે તે મને પ્રેમ કરે છે, છતાં મારે શબ્દોની  પણ જરૂર હોય છે કારણ કાન સાંભળેલા શબ્દોનું લાગણીમાં રૂપાતંરણ કરે છે. જે અહેસાસ છે.

હું મારા કેટલાય મિત્રોને પણ કહુ છુ, કે તને પ્રેમ કરૂ છુ, કદાચ આ શબ્દ મને મીત્રોને પ્રેમ કરવાની ફરજ પાડે છે અથવા મારે તેમને પ્રેમ કરવાનો છે તેની યાદ અપાવે છે. પરિવારના સિવાયના સંબંધોમાં પણ કોઈ મીત્ર ગમે અથવા તેને પ્રેમ કરીએ કહેવામાં કંજુસાઈ કરવી જોઈએ નહીં , ઘણી વખત સમય આપણી પાસેથી તે તક છીનવી લેતો હોય છે. મારા અને મારા પિતામાં જમીન-આસમાનનું અંતર હતું, અમે ખુબ જ અલગ હતા, છતાં એક હતા, એક રાતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જતા રહ્યા, હું તેમની સાથે વાત પણ કરી શકયો નહીં, મને અફસોસ એક જ વાતનો રહી ગયો કે તમે મને ગમો છો, અને હું તેમને પ્રેમ કરૂ છુ, તેવુ કહી શકયો હોત તો તેમને કેટલુ સારૂ લાગ્યુ હોત. આવુ જ મારા મીત્ર ચારૂદત્ત વ્યાસના કિસ્સામાં પણ બન્યુ તે અડધી મહેફીલ છોડી જતો રહ્યો, મારે તેનો હાથ પકડી તેની આંખોમાં જોઈ કહેવુ હતુ, તુ જેવો છે તેવો મારો છે.

સંબંધ વગર પણ કોઈ ગમે તેવુ પણ બને ત્યારે દોસ્તીનો હાથ લંબાવવામાં મોડુ કરવુ નહી, અનેક માઠા અનુભવો પછી અનેક વખત દોસ્તી કરવામાં ડર લાગતો હોય છે.છતાં એક સો વખના ખરાબ અનુભવો પછી પણ એક સારા અનુભવની અપેક્ષાએ દોસ્તીમાં આગળ વધવુ જોઈએ, જેની પાસે ખુબ પૈસા છે, તેની કરતા જેની પાસે ખુબ મીત્રો છે તે વધુ શ્રીમંત છે તેવુ હું માનુ છુ, આપણી ગેરહાજરી કોઈને સાલે તેવો મીત્ર થવા માટે અચુક પ્રયત્ન કરવો જોઈએ, મીત્રતામાં પ્રેમના રોકાણ સિવાય કોઈ ખર્ચ થતો નથી, કદાચ આ ધંધામાં ખોટ આવે અથવા દગો થાય ત્યારે થોડાક આંસુઓ સિવાય કોઈ નુકશાન થતુ નથી, એટલે દોસ્તો વધારવાનો ધંધો નવા વર્ષે કરવા જેવો છે, કદાચ આ ધંધો ફળી ગયો તો ખાલી ખીસ્સાનો ભાર પણ લાગશે નહીં.

 અને છેલ્લે જે અઘરૂ છુ, કોઈ માફ કરવા અથવા કોઈની માફી માગવી, માફી શબ્દ માત્ર બે અક્ષરોનો હોવા છતાં જીંદગીઓ અને પેઢીઓને બરબાદ થતી જોઈ છે. માફી માગવી અને માફ કરવા એક જ વખત અધરૂ લાગે છે, એક વખત આ બે શબ્દોનું ઉચ્ચારણ થઈ જાય તો કરોડોનું દેવુ માફ થયુ હોય તેવા હલકા થઈ જવાય છે. કદાચ તમારા મનમાં જેના માટે કડવાશ છે, તેને મળીને માફ ના કરી શકાય તો કઈ નહીં, પણ મનમાંથી કડવાશ કાઢી નાખવાનો તો પ્રયત્ન કરવો જોઈએ, કારણ તે કડવાશ આપણી જીંદગીની મીઠાશ રોજ ઘટાડે છે, એટલે આજે પહેલી શરૂઆત હું જ કરૂ છુ.મને માફ કરો.. કારણ મેં અનેક ભુલો કરી છે......

9 comments: