Monday, October 24, 2016

સરકાર સર્વિસ પ્રોવાઈડર છે અને પ્રજા કસ્ટમર છે

થોડા વર્ષો પહેલા આપણે નેશનલ હાઈવે ઉપર પસાર થતાં હતા ત્યારે આપણે કોઈ ટોલટેકસ ભરતા ન્હોતા, હવે દરેક પચાસ કિલોમીટર ટોલટેકસ ભરવો પડે છે. આપણે તેવુ કહી શકીએ કે ભલે ટોલ ભરવો પડે પણ રસ્તા તો સારા થઈ ગયા છે. હું જે સ્કુલમાં ભણ્યો તેની પાંચ રૂપિયાથી શરૂ થઈ હતી અને ભણવાનું પુરૂ કર્યુ ત્યારે પંદર રૂપિયા થઈ હતી, મારી દિકરીની આજે માસીક ત્રણ હજાર ફિ અને ચાર હજાર ટયુશનના થાય છે, હું તેવુ કહી શકુ કે હું ગ્રાન્ટેડ સ્કુલમાં ભણ્યો હતો, મારી દિકરી સેલ્ફ ફાઈનાન્સ સ્કુલમાં તેનો સંતોષ લઈ શકુ, પહેલા ઘરે કચરો લેવા કોર્પોરેશનનો કર્મચારી આવતો હતો, હવે મિની ટ્રક લઈ કોન્ટ્રાકટરનો સફાઈ કામદાર આવે છે. આપણે કહી શકીએ કે પહેલા  આવતો કોર્પરેશનનો સફાઈ કામદાર બહુ દાદાગીરી કરતો હતો, પણ કોન્ટ્રાકટરનો કર્મચારી આપણો ગુસ્સો પણ સહન કરી લે છે.

આ તો મેં થોડાક જ ઉદાહરણ આપ્યા, પણ આવી અનેક સેવાઓ છે, જે પહેલા રાજય અને  કેન્દ્ર સરકાર સંભાળતી હતી, પણ ધીરે ધીરે તે બધી બાબતોનું સારી સેવાના નામે ખાનગીકરણ થઈ ગયું, ને ખાનગીકરણ કારણે આમ માણસને કેટલુ મોટુ નુકશાન થયુ તેનો તો કોઈ અંદાજ જ નથી, પણ જે સરકારી નોકરીઓ કરતા હતા, અને જેમને સરકારી નોકરી કરવાની ઈચ્છા હતી, તેવા લોકોને પણ મોટુ નુકશાન થઈ ગયુ તેની કલ્પના પણ આવતી નથી. પહેલા આપણે હાઈવેનું કામ સંભાળતા જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ થોડુક પ્રમાણિકતા રાખી, હાઈવેની સારી સંભાળ લીધી હોત, તો હાઈવે ઉપર ટોલટેકસ આવતો નથી, એક વખત આપણે નવુ વાહન ખરીદીએ છીએ ત્યારે તો સરકાર આપણી પાસે રોડ ટેકસના નામે લાઈફ ટાઈમ ટેકસ લઈ જ છે, તેમ છતાં આપણે રોડ ટેકસ ચુકવ્યા પછી પણ ઠેર ઠેર ટોલટેકસ ભરીએ છીએ.

પ્રજાને જે નુકશાન થવાનું હતું તે તો થઈ રહ્યુ છે, પણ જાહેર બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિવૃત્ત થયા પછી હવે રસ્તાઓ ખાનગી કંપનીઓ બનાવતી હોવાને કારણે સરકારે તેમાં ભરતી કરવાનું જ બંધ કર્યુ કારણ સરકાર પાસે કામ જ નથી, તેના કારણે સરકારી નોકરીઓ ઘટી ગઈ, તેવી જ રીતે ગ્રાન્ડેટ સ્કુલમાં ભણાવતા શિક્ષકોએ મન લગાવી બાળકોને ભણ્યા હોત તો હું મારી દિકરીને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલમાં મુકતો જ નહીં, કારણ તેનું શિક્ષણ મને આર્થિક કારણસર ભાર રૂપ લાગતુ હોવા છતાં સારી ગ્રાન્ટેડ સ્કુલના અભાવે મારે ખાનગી સ્કુલમાં ભણાવી પડે છે. આવી હાલત મોટા ભાગના વાલીઓની છે. બીજી તરફ કામ ચોરી અને ટયુશનમાં જ રસ ધરાવતા શિક્ષકોને અંદાજ આવ્યો જ નહીં કે મોટો સરકારી પગાર લેવા છતાં તેમણે સારૂ ભણાવ્યુ નહીં માટે ગ્રાન્ટેડ સ્કુલો બંધ થઈ ગઈ, શિક્ષકો ફાજલ પડયા અને તેમની નોકરી પણ જતી રહી, હવે તે શિક્ષકો ખાનગી સ્કુલોમાં પાંચથી દસ હજારની નોકરી કરતા થઈ ગયા.

જે સફાઈ કામદારને કોપોરેશન પંદર-સત્તર હજાર પગાર આપતી હતી, તેણે યુનિયનના નામે કામની દગડાઈ કરી, તે પોતાના કામમાં પ્રમાણિક રહ્યો નહીં, તેના કારણે હાઉસ કિપીંગના રૂપાળા નામે ખાનગી કોન્ટ્રાકટર સરકારી ઈમારતો અને જાહેર રસ્તાની સફાઈનો કોન્ટ્રાકટર લેવા લાગ્યા, સરકારે સફાઈ કામદાર દેવાના બંધ કરી અને નોકરી માટે  સફાઈ કામદારોને ખાનગી કોન્ટ્રાકટર પાસે જવુ પડે અને તે ચાર-પાંચ હજારનો પગાર આપે છે. આખરે સરવાણો માંડો તો પ્રજાને નુકશાન થયુ તેના કરતા વધુ નુકશાન સરકારી કર્મચારીઓને થયુ છતાં હજી આપણી આંખ ખુલતી નથી.

આજે પણ સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને અમલદારો તેમની ઓફિસમાં આવતી પ્રજા સાથે ગુલામ જેવો જ વ્યવહાર કરે છે. અને કામ પણ કરે તો જાણે આમ જનતા ઉપર ઉપકાર કરતા હોય તેવુ લાગે છે. એક દિવસ પહેલા જ મેં અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી ભાર્ગવી દવે સાથે વાત કરી તેમને મળેલા  અબ્દુલ કલામ ઈનોવેશન એવોર્ડમાં કરેલી કામગીરીની ચર્ચા કરી હતી, ત્યારે તેમણે મને કહ્યુ કે અમદાવાદ જિલ્લામાં જે કઈ સારા કામ થયા તેમાં નાના-નાના કર્મચારીઓનો મોટો ફાળો છે, કારણ ટીમ વગર કયારેય કોઈ સારૂ કામ શકય નથી. ત્યારે મને પ્રશ્ન થયો હતો કે કે પોતાનું સરકારી કામ પણ પ્રમાણિકપણે કરવામાં જે કર્મચારીઓને કંટાળો આવે છે. તે કર્મચારીઓ પાસે કઈક નવુ અને વધારાનું કામ કેવી રીતે લઈ શકાય.

તેવા જવાબમાં મને ભાર્ગવી દવેએ બહુ સરસ વાત કરી, તેમણે કહ્યુ મેં મારા કર્મચારીઓ અને અધિકારીઓને સમજાવ્યુ કે જુઓ તમે પ્રજાને સરકારી લાભ લેનાર જ માનો છે, તે વાત મનમાંથી કાઢી નાખો, તમે હવે સર્વિસ પ્રોવાઈડર છો, અને પ્રજા તમારી કસ્ટમર છે, કારણ પ્રજા સારી સેવા માટે ટેકસ ભરે છે.જો તમે તમારૂ કામ પ્રમાણિકપણે નહીં કરો, એક દિવસ પ્રજા રસ્તામાં ઉભા રાખી પોતાના કામનો હિસાબ માંગશે, સાથે સરકાર પણ તમારી કામચોરીને કારણે સેવાઓનું ખાનગીકરણ કરી નાખશે તો તમારી નોકરીઓ પણ જતી રહેશે. તમારે પ્રજા માટે પણ નહીં પણ તમારે તમારી નોકરી ટકે રહે તે માટે પણ સારૂ કામ કરવુ પડશે , અને મારા કર્મચારીઓને તો આ વાત સમજાઈ ગઈ છે તેનું આ પરિણામ છે.

4 comments:

  1. પ્રજાને સુવિધા આપવી એ ટેક્સ વસુંલ કરતી સરકારની જવાબદારી છે તેં વાતનું ખસિકરણ થઇ ગયુ છે.

    ReplyDelete
  2. Congrats to respected Bhargvi mam for briefing the staff to understand their real duty

    ReplyDelete