Friday, October 28, 2016

વિજયભાઈ સરકારના અસ્તીત્વ અને અહેસાસમાં અંતર છે.


1995માં પહેલી વખત ભારતીય જનતા પક્ષની પહેલી વખત સરકાર બની, ત્યાર બાદ પહેલી વખત મળેલી સત્તાનું સુકાન સંભાળવા માટે ભાજપે થયેલી ભાંજગડ લાંબી ચાલી સુરેશ મહેતા શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ જેવા ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ બદલાયા અને 1998માં ફરી વખત પ્રજાએ ભાજપને સત્તાનું સુકાન સોંપ્યુ, કેશુભાઈ ફરી વખત મુખ્યમંત્રી થયા, બધુ જ બરાબર ચાલી રહ્યુ હતું, કેશુભાઈના મંત્રીમંડળમાં કાબેલ મંત્રીઓ પણ હતા. સરકારની ખોડ કાઢી શકાય તેવુ કોઈ કારણ ન્હોતુ, છતાં પ્રજાને સરકારની હાજરીનો અહેસાસ થતો ન્હોતો. કેશુભાઈના શાસન સામે કોઈ આરોપ અથવા ફરિયાદ પણ ન્હોતી, તેમ છતાં સાબરમતી વિધાનસભાની પેટા ચુટણી આવી તેમાં ભાજપના ગઢ ગણાતા સાબરમતી વિસ્તારમાં પેટા ચુટણીમાં કોંગ્રેસના નરહરિ અમીન ચુટાઈ આવ્યા.

આમ પહેલી નજરે તમે જુવો તો એક બેઠક હારી જવી બહુ સામાન્ય ઘટના લાગે , પણ સમયના પારખુ નરેન્દ્ર મોદીને વર્તમાન સ્થિતિ અને આવનાર તોફાનની ભનક લાગી ગઈ, તેમણે ભાજપ હાઈકમાન્ડને સરકાર હોવા છતાં સરકારની હાજરીના અહેસાસના અભાવ તરફ ધ્યાન દોર્યુ, કેશુભાઈ કાબેલ શાસનકર્તા હતા. જમાના ખાધેલા હતા, તેઓ સારૂ કામ કરતા હતા, પણ તેમનો મત હતો કે એક શાસક તરીકે તમારે સારૂ જ કામ કરવાનું છે, તે કાઈ ગાઈ વગાડી કહેવાની જરૂર નથી, જો કે કદાચ સમયની સાથે કેશુભાઈ પટેલનો મત બદલાવવાની જરૂર હતી,. સારા કામને પણ માર્કેટીંગની જરૂર હોય છે, તે વાત કેશુભાઈ છેલ્લે સુધી સમજી શકયા નહી. 2001માં આવેલા ભુકંપમાં કચ્છને ફરી પાછુ બેઠુ કરવા માટે તેમની સરકારે રાત દિવસ કામ કર્યુ હતું, છતાં કેશુભાઈ અને તેમના મંત્રીઓ માનતા હતા કે પ્રજાના સેવક તરીકે રાત દિવસ કામ કરવુ તે તેમનું જ કામ છે. છતાં આટલુ બધુ કર્યા પછી પણ સરકારની હાજરીને અહેસાસ થઈ રહ્યો ન્હોતો.

ત્યારે કેશુભાઈ પટેલની હટાવવા માટે  નરેન્દ્ર મોદીએ હાઈકમાન્ડ સામે મુકેલુ અંક ગણિત હાઈકમાન્ડને પહેલા ઝાટકે ગળે ઉતરી ગયુ અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા, અને પ્રજાને પોતાની ચારે તરફ સરકાર  અને માત્ર સરકાર હોવાનો અહેસાસ થવા લાગ્યો, નરેન્દ્ર મોદી પાસે કોઈ જાદુઈ લાકડી ન્હોતી. તેમ છતાં તેમણે કેશુભાઈ પટેલની સરકારના કામોને નવા કાગળ અને નવા નામ સાથે રંગીન પેકીંગમાં પેક કરી પ્રજા સામે મુકી અને પ્રજાને લાગ્યુ કે ખરેખર નરેન્દ્ર મોદીની સરકાર ખુબ સારૂ કામ કરી રહી છે.તેમનો જાદુ લાંબો ચાલ્યો અને આજે પણ ચાલી રહ્યો છે. જમાનો માર્કેટીંગનો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માર્કેટીંગ વિષય સારી રીતે સમજાઈ ગયો છે. કદાચ દેશના કોઈ નેતા કરતા વધુ ફોટોગ્રાફ નરેન્દ્ર મોદીના પડયા હશે, તેમની ફોટો સેન્સ પણ બીજા નેતાઓ કરતા સારી છે, તેમને ન્યુઝ કયારે અને કેવી રીતે બનાવવા તેનું પત્રકારત્વ પણ સમજાય છે. કોંગ્રેસના નેતાઓ તેમને ફેંકુ ભલે કહેતા હોય પણ તેમણે ફેકેલા બોલને પ્રજા આજે જો ઝીલી જ લે છે.એટલે નરેન્દ્ર મોદીને ગાળ આપવા કરતા  મોદીની જેમ કયારે બોલવુ જોઈએ નહીં એટલુ પણ કોંગ્રેસના ખબર પડે તો કદાચ તેઓ પોતાના હાથે પોતાને થતુ નુકશાન જરૂર અટકાવી શકે તેમ છે.

ગુજરાતમાં  કોઈ પણ મુખ્યમંત્રી(ખાસ કરી ભાજપના) હટાવવાના હોય ત્યારે ભાજપની અંદરથી મુખ્યમંત્રીના ભ્રષ્ટાચારનો  ગણગણાટ શરૂ થયા છે. આનંદીબહેન પટેલ કદાચ નરેન્દ્ર મોદી કરતા પણ વધારે કામ કરતા હતા, છતાં તેમની સ્વભાવગત મર્યાદા પ્રમાણે તે કોઈને પણ થાય તે કરી લેજો તેવુ બોલ્યા વગર કહી શકતા હતા, તેના કારણે તેઓ પણ વ્યકિતગત અને સરકારના માર્કેટીંગના ઉણા ઉતર્યા, અને ભાજપના નેતાઓ તેમની જુની સ્ટાઈલ પ્રમાણે અનાર અને સંજય બેફામ થઈ ગયા છે, તેવી વાતોને પવન ફુકવાની શરૂઆત કરી, સંજય અને અનાર ઉપરના આરોપ કેટલાં સાચા છે, તેનો જવાબ તો તેઓ પોતે જ આપી શકે, છતાં એક ચોક્કસ સમયમાં તેમના નામનો સહારો લઈ અાનંદીબહેન પટેલેની ખુરશીના પાયા હચમચાવવામાં કેટલાંક સફળ થયા અને તે હલી ગયેલી ખુરશીમાં ઉપર વિજય રૂપાણી બેઠા છે. પરિવર્તન સમયનો સ્વભાવ છે.વિજયભાઈના મળતી સફળતા અથવા નિષ્ફળતા તેમની પોતાની હોવી જોઈએ.

પણ વિજય રૂપાણીએ સુકાન સંભાળ્યુ ત્યારે વિજયભાઈ સારૂ કરે તો તેનું શ્રેય અમીત શાહને મળે છે , અને ખોટુ થાય તો વિજય જવાબદાર ઠરે છે. આ સ્થિતિ ભાજપ અને વિજય રૂપાણી બંન્ને માટે સારી નથી.  વિજય રૂપાણી પણ કેશુભાઈ પટેલના શાસનમાં હતી તેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, વિજય રૂપાણીના મહેનત અને પ્રયત્ન છતાં કોઈ પણ કારણસર સરકાર હોવાનો અહેસાસ પ્રજાને થઈ રહ્યો નથી. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો પ્રજા આવી સરકારને શાસન કરવાનો અધિકાર લાંબા સમય સુધી આપતી નથી,  જો કે પ્રજાને નિર્ણય લેતા સમય લાગે છે. પણ તે પહેલા વિજયભાઈનો બીજા જ હિસાબ પુરો કરી નાખે નહીં તેની તકેદારી તેમણે પોતે જ લેવી પડશે. નહીંતર 2017માં ભાજપને ફરી એક વખત સત્તા મળે તો પણ વિજય રૂપાણીના નામની આગળ ભુતપુર્વ મુખ્યમંત્રી લખાતા વાર લાગશે નહીં.

3 comments:

  1. Today I have seen on Wikipedia that during*2012 assembly election BJP got 48 % votes where as Congress got40 % votes. After seeing this position any one can guess that it is not impossible for Congress to swing these8% of votes in its favor

    ReplyDelete