Thursday, October 13, 2016

જવાન -કિસાન અને દલિતનો ન્યાય માટેનો સંઘર્ષ..


સર્જિકલ સ્ટ્રાઇક નિમિત્તે આપણે આપણા જવાનો પર ગૌરવ લઈ રહ્યા છીએ. બીજી બાજુ આ જ ગાળામાં સૌરાષ્ટ્રના એક લશ્કરી દલિત જવાન દિનેશભાઈ રાઠોડની ગામના માથાભારે દરબારોએ છ વર્ષ પહેલાં કરેલી હત્યાનો ન્યાય મેળવવા માટે તેનાં કુટુંબીઓ ગાંધીનગરમાં ઉપવાસ પર ઊતરેલા છે. ત્રીસ વર્ષના  દિનેશ હૈદરાબાદના પોસ્ટિંગ પરથી રજાઓ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાના ગામ કરાડી આવ્યા હતા. એ વખતે તેમના ઘરની પાસે આવેલી પંચાયત ઑફિસે જુગાર રમતા અને ગાળાગાળી કરતા દરબારોની સાથે તેમને બોલાચાલી થઈ. એટલે ત્રેવીસમી માર્ચ 2010ના મધ્યાહ્નને દરબારોએ ગોળીબાર કરીને લશ્કરના ચાર ચંદ્રક મેળવનારા એક દેશરક્ષકને મારી નાખ્યો. દોઢેક વર્ષ પહેલાં આવેલા ચૂકાદામાં  તમામ પાંચ આરોપીઓ નિર્દોષ છૂટ્યા. ગામમાં તેમનું ફૂલેકું નીકળ્યું. દીકરાને બચાવતા ઘાયલ થયેલા પિતા જહાભાઈ (ઉંમર 70) અત્યારે મંદવાડ વચ્ચે ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે તેમના પત્ની જેઠીબહેન(65) અને બીજા દીકરા હાદાભાઈ(51) છે. માથાભારે કોમની ધાકધમકી વચ્ચે પણ ન્યાય માટે પાંચ વર્ષથી લડનાર પરિવાર કહે છે : ‘અમારો તો પાછો નો આયો, પણ એ લોકોય પાછા ન આવે એવી રીતે જેલમાં જવા જોઈએ...’
સૈનિકના પરિવાર ઉપરાંત પાટનગરના સેક્ટર છ-સાતના બસ સ્ટૅન્ડ પાસે આવેલી સત્યાગ્રહ છાવણી નામની જગ્યાએ પણ સૌરાષ્ટ્રના નવ, ઉત્તર ગુજરાતના અને અમદાવાદના એક-એક અત્યાચાર પીડિત ગરીબ દલિત પરિવારોના કુલ મળીને પચાસેક લોકો પંદરેક દિવસથી ધરણાં પર છે. સોમવારથી તેમના આમરણ ઉપવાસ ચાલુ થયા છે. તેમને અહીં ભેગા કરી આ ચળવળ ઊભી કરવામાં ભેખધારી દલિત કર્મશીલ રાજુ સોલંકીનો ફાળો મહત્ત્વનો છે. તેમની સાથે રાજુલાના અડીખમ કાર્યકર કિશોર ધાખડા છે જે બાર દિવસના ઉપવાસ સાથે નાજુક તબિયતે દોડધામ કરી રહ્યા છે. પણ તેમની સાથેનાં ગોવિંદભાઈ વણઝારા(65) અને તેમનાં પત્ની ધનીબહેન(60)ની તબિયત લથડતાં તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. નિંગાળા(તાલુકો : ખાંભા, જિલ્લો : અમરેલી) ગામના નાના ખેડૂત ગોવિંદભાઈના દીકરા રમેશ(27)ને એક રજપૂત અને તેના સાગરિતોએ બાજુના ડેડાણ ગામમાં એકવીસમી જૂને ‘જૂની મામૂલી અદાવતમાં અંટસ રાખીને’ મારી નાખ્યો. મૃતકના ખેતમજૂર કાકા સનાભાઈએ માહિતી આપી કે હત્યારાઓએ રમેશને મારતા મારતા ‘ભર બજારે ધોળા દિવસે દોડાવી દોડાવીને જાણે કોઈ જાનવરનો શિકાર કરતા હોય તેમ’ તેની હત્યા કરી. ચાર આરોપીઓમાંથી ત્રણ હજુ પકડાયા નથી. સરકારી સહાયનો ચેક ભરવા માટે બૅન્ક સહકાર આપી રહી નથી. રમેશની પત્નીનું  ત્રણેક મહિના પહેલાં અવસાન  થયું છે. તેની ત્રણ નાની દીકરીઓ લકવાગ્રસ્ત દાદા અને માનસિક રીતે અસ્વસ્થ દાદીને હવાલે છે. રમેશના નાના ભાઈ ફરિયાદી વિનોદ અને બીજા ત્રણ રિશ્તેદારો પર પોલીસે કલમ 302 હેઠળ ખૂનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ ‘ઉના અત્યાચાર’ના વિરોધમાં ઓગણીસ જુલાઈએ અમરેલીમાં દલિતોએ કાઢેલી રેલી દરમિયાન એક પોલીસના આકસ્મિક રીતે થયેલા અપમૃત્યુની બાબત લગાવ્યો છે. રેલીમાં ભાગ લેનારમાંથી આશરે ત્રણસો વ્યક્તિઓ સામે આ આરોપ છે. તેમાંથી ખેતીની સાથે દલિત સમાજનું કામ કરનાર કાન્તિ વાળા અને ખેતમજૂરી કરનાર રમેશ બાબરિયા અમરેલીની જેલમાં છે. તે બંનેના પિતા અનુક્રમે મૂળાભાઈ અને ભગાભાઈ ઉપવાસ પર છે. એ કહે છે કે ઉપર્યુક્ત અપમૃત્યુના મોટી સંખ્યામાં આરોપીઓ નોંધીને પોલીસ દલિતોને આતંકિત કરી રહી છે. વળી, આ એફઆઇઆરમાં દલિતોને ‘ખોટી રીતે’  સંડોવવામાં આવેલા હોવાના દાખલા પણ તેઓ ટાંકે છે.
અમરેલીની કલેક્ટર કચેરીએ નવ મહિનાથી પડાવ નાખનાર બાવીસ જણના હિજરતી સંયુક્ત બાબરિયા કુટુંબના ધનજીભાઈ અને તેમના સિત્તેરેક વર્ષનાં માતા વાલીબહેન સત્યાગ્રહ છાવણીમાં છે. વડલી (તા.રાજુલા) ગામના આ પરિવારની અઢાર વર્ષની છોકરી પર ગામના દરબાર પુરુષે પચીસ ડિસેમ્બર 2015ની રાત્રે બળાત્કાર કર્યો. તે પહેલાં તેના પિતાને ઘરે આવીને મારીને તેમની સામે દીકરીનું અપહરણ કર્યું. ત્યાર બાદ બળાત્કારીના સાગરીતે પરિવારને ધાકધમકી આપીને  હિજરત કરવા મજાબૂર કર્યો. પોલીસે પીડિતાની તબીબી તપાસ કરાવવામાં ચોંત્રીસ કલાકનો વિલંબ કરીને કેસ નબળો પાડ્યો. આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. હિજરતી તરીકે પરિવારને માટે જાહેર થયેલી જમીન હજુ તેમને મળી નથી. પરિવારે જિલ્લા પોલીસ વડા વડા અંતરિપ સૂદ અને એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક બી.જી.ભરવાડ સામે ગુનાઈત બેદરકારી માટે એટ્રોસિટી કેસ કર્યો છે.
અંકોલાલી(ગિરગઢડા, ગિર સોમનાથ)ગામના ખેડૂત કાળાભાઈ જેઠાભાઈ સરવૈયાના એકમાત્ર દલિત  પરિવાર પર ગામના લોકોએ વર્ષ 2012ની તેરમી સપ્ટેમ્બરે સામુહિક હુમલો કરી તેમના યુવાન પુત્ર લાલજીભાઈને ઘરમાં પૂરીને જીવતો સળગાવીને મારી નાખ્યો હતો. પંદરેક જણનો પરિવાર ઉનામાં ભાડે મકાન રાખીને રહે છે. સરકાર તેમને હિજરતી તરીકે જાહેર કરે તે માટે તેમને ચાર વખત ઉપવાસ પર ઊતરવું પડ્યું છે. તેમની જમીનની દરખાસ્ત પસાર થાય તે માટે તેમને ઉનામાં સો કરતાં વધુ દિવસ ઉપવાસ કરવા પડ્યા, જેમાંનો એક દિવસ ઉનાના દલિત અસ્મિતા સંમેલનનો—આ વર્ષનો સ્વાતંત્ર્ય દિન પણ હતો. તે પહેલાં મુખ્ય મંત્રીના ઘરની સામે આત્મવિલોપન કરવા અગેનું નિવેદન આપવા બદલ પરિવારના કેટલાકને અઢાર દિવસની જેલ વેઠવી પડી હતી એમ ગાંધીનગરના ઉપવાસમાં આવેલા પિયૂષ સરવૈયા જણાવે છે. તેમના પિતા લાલજીભાઈ કહે છે કે તેમની માગણી દેલવાડામાં સરકારે ફાળવેલી જમીનની સોંપણી માટેની છે. ભાડા(જાફરાબાદ, અમરેલી) ગામમાં ખેતી અને કડિયાકામ કરતા સામતભાઈ મહિડા પર જમીન વેચવા માટે દબાણ કરનારા કાઠી દરબારોએ ભયંકર હુમલો કર્યો. એક વર્ષની સઘન ખર્ચાળ સારવાર પછી  અત્યારે શરીરમાં અનેક જગ્યાએ પ્લેટો હોવાથી તે સામાન્ય કામ પણ કરી શકતા નથી. ડરના માર્યા ગામ છોડીને રામેશ્વર ગામે ગયેલા મહિડા પરિવાર પર ત્યાં પણ ભય તોળાતા બીજી વખત હિજરત કરીને  થોરડી ગામે જવું પડ્યું છે.  જોકે નથી હજુ સરકારે તેમને હિજરતી જાહેર કર્યા, કે નથી ગુનેગારોને સજા થઈ. અમદાવાદમાં રિવરફ્રન્ટના વિસ્થાપિત અમૃત મકવાણાના દીકરા પિયૂષ  (17)ની ચાર વ્યક્તિઓએ નજીવી તકરારમાં દસમી ઑક્ટોબરે જસોદાનગરમાં હત્યા કરી. આરોપીઓ નિર્દોષ છૂટી જતાં પરિવારે દૂધેશ્વર હિજરત કરી છે અને તે હવે ન્યાય માગવા ઉપવાસ પર બેઠા છે. કલોલ તાલુકાના બિન્દેશ રાજવી બે મહિના પહેલાં તેમના પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા થયેલા હુમલા પછી હિજરત કરી ગયા છે અને તેમના માતા અને ઘરનાં બે બાળકો સાથે ન્યાય માગવા માટે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર બેઠા છે. અહીં સહુથી પહેલા એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરથી ધરણાં  પર બેસનારા નવી સરવઈ (બોટાદ, ભાવનગર) ગામના રત્નકર્મી બાબુભાઈ છે. તેમના નાના ભાઈ રાજુ(18)ની 2011ની તેરમી એપ્રિલે હત્યા કરનાર દરબાર આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.
                      ( લેખક: પ્રાધ્યાપક સંજય ભાવે)


10 comments:

  1. Feudal mentality.
    Theses a Victims of
    conceal terrorism !!!

    ReplyDelete
  2. मेरा भारत महान

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. See, a dalit soldier can get such treatment what about common dalits. If the Govt has the spirit and realy want to give justice to the soldier then all involed should be hanged to set an example, but that if Govt should have the motive, but if Govt's teeth to show and to use is deffernt then forget of the justice.

    ReplyDelete
  5. Injustice to Dalits is highly objectionable but in democracy judiciary has been given supreme place

    ReplyDelete
  6. Injustice to Dalits is highly objectionable but in democracy judiciary has been given supreme place

    ReplyDelete