Tuesday, October 25, 2016

પાંપણ બંધ કરતી નથી, કારણ મારી આંખોને તમારો ઈંતઝાર છે.

ત્યારે વિભુતીની ઉમંર ચાર વર્ષની હતી, તે નર્સરીમાં પોતાની મમ્મીની આંગળી પકડી આવતી હતી, તેની આંખોમાં અનેક આશ્ચર્ય સાથેના આનંદનો ભાવ હતો, તે પહેલી વખત આટલો લાંબો સમય ઘરની બહાર નિકળી હતી, તેની ઉમંરના બાળકો, રમકડા અને ટીચરની વાતોની તેને મઝા આવતી હતી, વિભુતીને ખુશ જોઈ સારંગીને સારૂ લાગતુ હતું, વિભુતી જયારે નર્સરીના કેમ્પસમાં આવે અને બહાર નિકળે ત્યારે તેની નજર ચારે તરફ ફરતી હતી, સારંગી તેની આ નજરની નોંધ લઈ રહી હતી, પણ વિભુતી શુ શોધી રહી છે તે હજી નક્કી થયુ ન્હોતુ, એકાદ મહિનો થયો હશે ત્યારે વિભુતીએ પોતાની કાલી ભાષામાં પુછયુ મમ્મી મારા પપ્પા કયાં છે. સારંગીએ ઉંડો શ્વાસ લીધો, તેને ખબર તો હતી કે આજે નહીં તો કાલે વિભુતીના આ પ્રશ્નનો તેણે જવાબ આપવાનો આવશે, વિભુતી જોઈ રહી હતી કે તેના મીત્રોના મમ્મી-પપ્પા રોજ આવે છે , જયારે તેને લેવા અને મુકવા તો મમ્મી એકલી જ આવે છે, કદાચ પહેલી વખત તેને નર્સરીમાં આવ્યા પછી ખબર પણ પડી હશે તે જીવનમાં પપ્પા જેવુ પણ કોઈ પાત્ર હોય છે.

સારંગી એક સમજદાર માતા હતી, તેને ખબર હતી કે વિભુતીનો પ્રશ્ન ટાળવા જેવો નથી, કારણ જો તે પોતાની દિકરીને જવાબ આપશે નહીં તો ઘણા બીજા પ્રશ્ન ઉભા થશે અને તે તેનો પણ જવાબ આપી શકશે નહીં. એટલે જયારે ચાર વર્ષની ઉમંરે પહેલી વખત વિભુતીએ પપ્પા કયાં છે તેવો પ્રશ્ન પુછયો તેની સાથે સારંગીએ પોતાની જાતને સંભાળી લેતા વિભુતીને તેડી લેતા કહ્યુ ઓ મારી પપ્પાની લાડકી દિકરી.. પપ્પા મને રોજ પુછે કે મારી વિભુ કેમ છે.. કેટલી મોટી થઈ, મેં કહ્યુ તમે હવે જલદી ભારત આવી જાવ વિભુતી ખુબ મોટી થઈ ગઈ છે અને તમને રોજ યાદ કરે છે. વિભુતી પોતાની મમ્મીની વાતો પોતાન નિદોર્ષ નજરે મમ્મીની આંખો દ્વારા સાંભળી રહી હતી. ત્યારે તો વિભુતીએ મમ્મીએની વાત માની લીધી કે પપ્પા ભારતની બહાર નોકરી કરે છે. પછી તો વિભુતીના મીત્રો પુછે ત્યારે પણ તે કહેતી મારા પપ્પા આવશે ત્યારે ખુબ બધા રમકડા લઈ આવશે. વિભુતી મોટી થવા લાગી,

વિભુતીના મનમાં તેના પપ્પાનું એક ચિત્ર આકાર લઈ રહ્યુ હતું, ઘરમાં તેના પપ્પાનો ફોટો તો હતો, તેમ છતાં તેના પપ્પા કેવી રીતે વાત કરે છે, કેવી રીતે હસે છે, તેમને જમવામાં શુ ભાવે છે વગેરે વાતો તે સારંગીને પુછયા કરતી હતી, સારંગી તેની દરેક વાતોનો જવાબ આપતી હતી, પણ ત્યાર બાદ સારંગીનું મન બેચેન થઈ જતુ હતું, કારણ તેને લાગી રહ્યુ હતું તે તેની નાનકડી દિકરી વિભુતીને છેતરી રહી છે, જે દિકરી પોતાના પપ્પાની રાહ જોઈ હતી તેને ખબર જ ન્હોતી કે તેના પપ્પા કયારેય આવવા ના જ નથી. જેમ જેમ વિભુતી મોટી થતી ગઈ, તેમ તેમ સારંગીના મન ઉપર ભાર વધી રહ્યો હતો, વિભુતી બાર વર્ષની હતી તેની વર્ષ ગાંઠ હતી, સારંગી તેના માટે કેક લઈ આવી હતી, પણ સારંગીએ જોયુ કે વિભુતી મુડમાં ન્હોતી, તેને અંદાજ આવી ગયો કે તે તેના પપ્પાની રાહ જોઈ રહી છે, એટલે સારંગીને જાણે કઈ ખબર જ પડતી નથી તે રીતે તે વિભુતી સાથે પ્રેમથી વાતો કરી તેને પટાવી તેના મનને બીજી તરફ વાળવા પ્રયત્ન કરી રહી હતી.

સારંગી કેક ગોઠવી મીણબત્તી સળગાવી અને કહ્યુ ચાલો મોટો બેટો હવે કેક કાપશે, પણ વિભુતીએ કેક સામે પણ જોયુ અને જગ્યા ઉપરથી ઉભી જ થઈ નહીં, સારંગી તેને લેવા માટે તેની નજીક ગઈ તેનો હાથ પકડયો અને ધીમા અવાજે કહ્યુ ચાલ બેટા, વિભુતીએ મમ્મી સામે જોયુ મમ્મીનો હાથ છોડવતા કહ્યુ મમ્મી પપ્પા આવશે પછી જ કેક કાપીશ. સારંગીને શ્વાસ બેસી ગયો, હવે તે ભાંગી પડી હતી તેનાથી દિકરીના પ્રશ્નનો ભાર સહન થઈ શકતો ન્હોતો, વિભુતી ખુરશી ઉપર બેઠી હતી, તેની પાસે સારંગી જમીનમાં બેસી પડી, તેણે પોતાની દિકરીના ખોળામાં માથુ મુકયુ અને તે રડી પડી, તેણે રડતા રડતા વિભુતીનો હાથ પકડી કહ્યુ બેટા મને માફ કર. તારા પપ્પા કયારેય આવશે નહીં કારણ તે આપણી વચ્ચે જ નથી, તુ મારા પેટમાં હતી ત્યારે જ આપણને મુકી જતા રહ્યા હતા. આટલુ બોલતા સારંગી નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, જાણે તેણે વર્ષોથી રડવાનું રોકી રાખ્યુ હોય તેવુ લાગ્યુ હતું, તે રડતી રહી હતી. વિભુતી પણ રડવા લાગી કારણ તેણે મમ્મીને રડતા પહેલી વખત જોઈ હતી, અને બીજી તરફ તેના પપ્પા આ દુનિયામાં જ નથી તેને મોટો આધાત લાગ્યો હતો.

તે દિવસે વિભુતીએ કેક કાપી નથી, તે દુખી હતી, પણ તેની કરતા વધારે દુખ તેને મમ્મીને દુખી જોઈ લાગ્યુ હતું, તે રાતે તે મમ્મીને વળગી સુઈ ગઈ હતી, કારણ હવે તેના માટે તેનું વિશ્વ તેની મમ્મી જ હતી, કદાચ પપ્પા નથી તેનો ડર પણ લાગ્યો હતો. તે નાની હતી તેની વાત માટે તેની પાસે શબ્દો ન્હોતો, છતાં તે પોતાને એકલી સમજવા લાગી હતી, ત્યારે મમ્મી પણ નહી હોય તો મારૂ શુ થશે તે વાતે તેની ડરાવી મુકી હતી. જયા સુધી વિભુતીને પોતાના પપ્પા દુનિયામાં જ નથી તેની ખબર ન્હોતી, ત્યાં સુધી સારંગીએ કયારે દિપકના ફોટો ઉપર હાર ચઢાવ્યો ન્હોતો, પણ બીજા દિવસે સવારેથી સારંગી રોજ દિપકના ફોટોને હાર ચઢાવતી અને અગરબત્તી કરવા લાગી હતી. દિવસો સુધી વિભુતી શાંત રહી, પછી તેણે મમ્મીને પપ્પા અંગે કઈ જ પુછયુ નહીં, કયારેક સારંગી દિપકની વાત કરતી હતી, ત્યારે વિભુતી અહોભાવથી પોતાના પપ્પાની વાત સાંભળ્યા કરતી હતી , વિભુતી બારમાં ધોરણમાં હતી, ખબર નહીં કેમ તેનું મન તેને કહેતુ કે તેના પપ્પા એક દિવસ આવશે, મૃત્યુ પામેલી વ્યકિત કયારે પાછી આવતી નથી તેની પાક્કી ખબર હોવા છતાં કોણ જાણે તેનું મન તેને સતત પપ્પા આવશે તે તરફ દોરી જતુ હતું.

વિભુતી મમ્મીને કયારેય પપ્પા અંગે પુછતી નહીં, પણ તેના મનમાંથી તેના પપ્પા કયારેય ગેરહાજર રહ્યા ન્હોતા, વિભુતીને પણ પોતાની મમ્મી સારંગીની જેમ વાંચનો શોખ હતો, તેના ઘરે ઘણા ન્યુઝ પેપર અને મેગેજીન આવતા હતા, એક દિવસ વિભુતીના ઘરે પોસ્ટમેન મેગેજીન નાખી ગયો, વિભુતીએ દરવાજામાં પડેલુ મેગેજીન ઉપાડયુ, આ મેગેજીન તેનું પ્રિય હતુ, તે દર અઠવાડીયે તેની રાહ જોતી હતી, વિભુતીએ  મેગેજીનના પાના ફેરવ્યા ત્યાં જાણે કઈક યાદ આવ્યુ હોય તેમ તેનું કવર પેજ ખોલ્યુ તેની ઉપર પોસ્ટ એડ્રેસ અને નામ હતું સારંગી દિપક.. વિભુતીએ મમ્મી-પપ્પાના નામ ઉપર હાથ ફેરવ્યો , જાણે તેણે પપ્પાને સ્પર્શ કર્યો હોય તેવુ લાગ્યુ, તે કઈક વિચારતી ઉભી રહી, પછી તે મેગેજીન મુકી કામે લાગી , બે દિવસ પછી સારંગી અને વિભુતી રોજ પ્રમાણે સાંજના જમ્યા પછી વાત કરી રહ્યા હતા ત્યારે તેણે પેલુ મેગેજીન હાથમાં લેતા સારંગીને પુછયુ મમ્મી આ મેગેજીનનું લવાજમ કેટલુ છે, સારંગીએ મેગેજીન સામે જોયુ અને કહ્યુ બેટા મને યાદ નથી, વર્ષમાં એક વખત ભરવા જઉ છુ.

વિભુતીએ મેગેજીન બાજુ ઉપર મુકયુ અને મમ્મી તરફ ફરતા કહ્યુ મમ્મી તને ખબર જ નથી કે લવાજમ કેટલુ છે કારણ તુ તે ભરતી જ નથી. સારંગી વિભુતીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. વિભુતીને મમ્મીના પગ ઉપર હાથ મુકતા કહ્યુ મમ્મી હું આ મેગેજીનની ઓફિસમાં ગઈ હતી, મેં તેમને પુછયુ કે લવાજમ કોણ ભરી રહ્યુ છે તો તેમણે મને પપ્પાનું નામ આપ્યુ, જો કે પપ્પાનું સરનામુ તેમની પાસે નથી. આ સાંભળતા સારંગી સોફામાંથી ઉભી થઈ ગઈ, અને તેનો ગુસ્સો ફાટી પડયો તેણે મોટા અવાજે કહ્યુ વિભુતી પાગલ થઈ ગઈ છે, કયાં સુધી પપ્પાની વાત કર્યા કરીશ તારા પપ્પા મરી ગયા છે, મેં તને કેટલી વખત કહ્યુ છે, સારંગીએ પોતાના હાથ બતાડતા કહ્યુ વિભુતી મારા આ હાથે મેં તારા પપ્પાને અગ્નીદાહ આપ્યો હતો, તે માણસ કેવી રીતે પાછો આવે. તે દિવસ પણ સારંગી આટલુ બોલતા રડી પડી હતી. વિભુતીએ મમ્મીને આશ્વાસન આપતા સોરી કહેતા ખાતરી આપી હતી કે તે હવે કયારે પપ્પાની વાત કરશે નહીં.

વિભુતીનું શિક્ષણ પુરૂ થયુ તેના લગ્ન માટે છોકરાઓ જોવામાં આવી રહ્યા હતા, ત્યારે એક જયોતિષ છોકરાઓ વાળા તરફથી સારંગીના ઘરે આવ્યો હતો, તેણે  વિભુતીની કુંડળી માંગી, ત્યારે વિભુતી પણ ત્યાં બેઠી હતી, જયોતિષીએ કઈક આંકોનો સરવાળો-બાદબાકી કર્યા અને વિભુતી સામે જોતા કહ્યુ અરે બહુ સારી કુંડળી છે, પણ ઘરમાં અન્ય કોઈ છે કે નહીં તેવી નજર ફેરવતા સારંગી સામે જોતા કહ્યુ માતા-પિતાનું સુખ પણ સારૂ છે, કયાં છે દિકરીના પપ્પા. વિભુતીએ તરત પોતાની મમ્મીની સામે જોયુ, સારંગીને ખબર પડી કે વિભુતી તેની સામે જોઈ રહી છે, તેમ છતાં તેણે વિભુતી સામે જોતા કહ્યુ ના મહારાજ તેઓ વર્ષો પહેલા ગુજરી ગયા છે. જયોતિષે આશ્ચર્ય સાથે ફરી કુંડળી સામે જોયુ અને પછી વિભુતી સામે જોતા કહ્યુ બને જ નહીં પિતાની ખુબ લાંબી ઉમંર હોવાનું તેના ગ્રહો કહે છે. સારંગીએ ધીમા પણ મક્કમ અવાજમાં નારાજગી સાથે કહ્યુ મહારાજ મને વિધાવા કહેવડાવવાનો કોઈ શોખ નથી. જયોતિષે માની લીધુ કે તેનું ગણિત ખોટુ પણ હોઈ શકે.

વિભુતી લગ્ન કરી સાસરે જઈ રહી હતી ત્યારે પોતાના પપ્પાના ફોટોને પગે લાગવા ગઈ, તેની આંખમાં આંસુ હતા, તેણે મનોમન કહ્યુ પપ્પા હું તમારી રાહ જોઈ રહી છુ. અને તે સાસરી ચાલી નિકળી, સારંગી એકલી પડી ગઈ હતી, વિભુતીની ગેરહાજરીમાં એકલા રહેવુ મુશ્કેલ હતું, વિભુતીના લગ્નના બરાબર છ મહિના પછી સારંગીને હાર્ટ એટેક આવ્યો અને વિભુતીને મુકી વિભુતીન પપ્પાના રહસ્યો સાથે ચાલી નિકળી હતી. આજે વિભુતી ચાલી વટાવી ચુકી છે. તેણે મમ્મીની ગેરહાજરીમાં તેના પપ્પા કયાં છે તેની બહુ તપાસ કરી પણ કોઈ પત્તો લાગ્યો નથી. જો પપ્પા જીવે છે તો મમ્મી અને પપ્પા વચ્ચે શુ થયુ હતું કેમ બંન્ને અલગ થયા અને મમ્મી શા માટે પપ્પાથી તેને દુર રાખતી હતી તેની પણ તેને ખબર નથી. પપ્પા ગુજરી ગયા છે તેવી મમ્મીની વાત ઉપર આજે પણ તેને ભરોસો નથી, મનના કોઈ એક ખુણામાં પપ્પા તેને મળવા માટે આવશે તેવી અજાણી આશા છે. તે કયારેક પપ્પા સાથે વાત કરતી હોય તેમ એકલી એકલી બબડે પપ્પા તમને પણ મારી યાદ આવતી નથી...હવે તો આવો મમ્મી નથી હું એકલી પડી ગઈ છુ. .. અને તેની આંખો ભરાઈ આવે છે.

2 comments:

  1. Craime reporter Dayal Tamari post khub sariche💐👍💐

    ReplyDelete
  2. We wish that Vibhuti should meet her father as early as possible

    ReplyDelete