Wednesday, November 9, 2016

સાહેબ મે હેલ્મેટ પહેરી નથી, મારો દંડ તો લઈ લો...

નરેન્દ્ર મોદીએ ભારતીય ચલણમાંથી પાંચ સો અને એક હજાર રૂપિયાની ચલણી નોટો રદ કરતા પહેલી વખત ગરીબીનો ખુશ કરી દીધા છે, તમે જયાં જાવ ત્યાં ચલણી નોટો રદ થઈ તેની જ ચર્ચા ચાલુ છે, નોકરીયાત અને ગરીબ વર્ગના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી ખરેખર જાદુગર તો છે, તેમણે લોકસભાની ચુંટણી જીતવા માટે કાળુ નાણુ પરત લાવવાની જાહેરાંત કરતા કહ્યુ હતું કે ભારતની બહારની વિદેશી બેંકોમાં પડેલુ કાળુ નાણુ પરત આવે તો દરેક ભારતીયના એકાઉન્ટમાં પંદર-પંદર લાખ રૂપિયા આવી જશે, પણ નરેન્દ્ર મોદીએ જાણે પંદર-પંદર લાખ આપી દીધા હોય તેવો આનંદ ગરીબોમાં થઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીના એક નિર્ણય કારણે ગરીબ માણસ માથુ ઉંચુ કરી સ્વમાનભેર જીવી શકે તેવી સ્થિતિ નિર્માણ કરી દીધી છે, આજે આખો દિવસ હું સામાન્ય માણસોને જોઈ રહ્યો હતો, તેમની વચ્ચે બેઠેલો પૈસાદાર માણસ કરોડો રૂપિયા હોવા છતાં લાચારી અનુભવી રહ્યો હતો, જયારે જેમની પાસે મહિનો પુરો કરવાના પણ વાંધા હોય તે પૈસાદારની સ્થિતિ જોઈ રાજી થઈ રહ્યો હતો, એટલુ જ કહુ છુ, પૈસા વગર પણ માણસ રાજી થઈ શકે તેવુ તો નરેન્દ્ર મોદી જ કરી શકે. જો કે અમદાવાદીઓ તો બધાને ટપી જાય તેવા છે,અમદાવાદના પણ આપત્તીને અવસરમાં પલટાવી દેતા આવડે છે. આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે જેના ખીસ્સામાં પાંચસોની નોટ છે તે ગરીબ અને જેના ખીસ્સામાં એકસો રૂપિયા પડે છે તે પૈસાદાર ગણાય છે.

અમદાવાદીઓ વેપારી છે, સામાન્ય સંજોગોમાં ટ્રાફિક પોલીસને જોતા કટ મારી ભાગી જતા અમદાવાદના બાઈક સવારને આવડે છે, પોલીસ રસ્તાની વચ્ચે ઉભી હોય તો બસની આડશમાં પણ તે પોલીસ પાસેથી પસાર થઈ જાય, મલ્ટીપ્લેકક્ષમાં એક હજાર રૂપિયા ખર્ચી નાખતો અમદાવાદી ટ્રાફિક પોલીસ પકડે તો પચાસ રૂપિયાના દંડ માટે કોર્પોર્રેટથી લઈ વડાપ્રધાન સુધીની ઓળખાણ કાઢી દંડ ભર્યા વગર નિકળી શકે છે, પણ જેવુ નરેન્દ્ર મોદીએ ચલણી નોટો રદ કરવાની જાહેરાંત કરી તેની સાથે અમદાવાદી વાહન ચાલકમાં આમુલ પરિવર્તન આવ્યુ, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે ચાલી ટ્રાફિક પોલીસ પાસે જવા લાગ્યો અને દંડ લઈ લેવા આગ્રહ કરવા લાગ્યો.

અમદાવાદી વાહન ચાલકનો કરતબ તો પહેલા સમજાયો નહીં, પચાસ અને સો રૂપિયાનો દંડ ભર્યા બાદ તે પાંચસોની નોટ આપે એટલે ટ્રાફિક પોલીસે સાડા ચારસો-ચારસો રૂપિયા એટલે કે સો-સોની ચલણી નોટ પરત આપવાની, એટલે બેંકમાં ગયા વગર મની એકસચેન્જ થવા લાગ્યા, પણ બીજી સમસ્યા એવી પણ આવી કે દરેક વાહન ચાલક ભલે ઠાઠીયુ સ્કુટર હોય પણ પોલીસને તો પાંચ રૂપિયા જ આપે, બીચ્ચારી પોલીસ સો-સોની નોટ લાવે કયાંથી આખરે અમદાવાદ પોલીસે જ જાહેરાંત કરી દીધી કે અમે બે દિવસ કોઈ પણ વાહન ચાલકનો દંડ લેવાના નથી.

જો કે પેટ્રોલ પંપવાળા પાંચસો અને હજારની નોટ લેતા હત, પણ શરત એટલી જ હતી કે તમારે રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ લેવાનું એટલે ફરજીયાત પાંચસો અથવા એક હજારનું પેટ્રોલ ભરવુ પડે, પણ એક પેટ્રોલપંપ ઉપર એક સદ્દગુહસ્થ પહોંચી ગયા, તેમને ખબર હતી કે ખાસ કરી બધા ટુ વ્હીલર માલિકને પાંચસોનું પેટ્રોલ પરવડે નહીં, રોજે રોજ સો રૂપિયાનું પેટ્રોલ ભરનાર પણ આપણે ત્યાં લાખો સ્કુટર માલિકો છે. આ ગૃહસ્થ પંપ ઉપર ઉભા રહી ગયા, તે આવનાર તમામ સ્કુટરવાળાને કેટલાનું પેટ્રોલ ભરવાનું છે તે પુછે, જેમને સો રૂપિયાનું જ પેટ્રોલ ભરવાનું છે, તેમને અલગ તારવી પાંચ અથવા દસ સ્કુટરવાળા ભેગા થાય એટલે તેમની પાસેથી સો -સો રૂપિયાની નોટ લઈ પંપવાળાને પાંચસોની નોટ આપી કહે કે આ પાંચને સોનું પેટ્રોલ આપી દો. આમ સો-સો રૂપિયાની નોટ ભેગી કરવા લાગ્યા.

જેમના બેન્ક એકાઉન્ટમાં વર્ષે પાંચ-દસ હજારનું પણ બેલેન્સ રહેતુ ન્હોતુ તેવા એકાઉન્ટવાળા મોટા લોકોને ઓફર કરવા લાગ્યા છે. લાવો પચ્ચીસ હજાર મારા એકાઉન્ટમાં જમા કરાવી દઉ, વીસ ટકા કાપી બાકીની રકમ પરત આપીશ, ધંધો ખોટો નથી ઘણા નાના માણસોની દેવ દિવાળી પણ સુધરી જવાની છે. મને લાગે છે કે મારા સહિતના લોકો મોદીને ખોટી ગાળો આપે છે, મોદી પૈસા વગર પણ મઝાની કરાવી શકે છે.

ખેર આતો હસવાની વાત હતી, છતાં નરેન્દ્ર મોદીએ કરેલા નિર્ણયને રાજકિય રીતે જોવા કરતા એક ભારતીય તરીકે આવકારવો જ રહ્યો, કાળુ નાણુ સદંત્તર બહાર આવશે નહીં છતાં તે દિશામાં એક મહત્વનું પગલુ સાબીત થશે. સામાન્ય પ્રજા માટે અસામાન્ય નિર્ણય સાબીત થશે.

6 comments:

  1. Mare to kale gare prasang che.. cover b joi ne leva padse... Hahahaaha

    ReplyDelete
  2. Urvish tar cover ma jha pan kai nakla mana yad karja hu 10 % ma vatavi apish hahaha

    ReplyDelete
  3. Earlier heard that Time is Money but Honorable PM has money is not a time and money for multi millionaires

    ReplyDelete
  4. PM Modi can't take black money from outside of India but they can take black money inside India.Jordar?

    ReplyDelete