Saturday, November 12, 2016

અજાણ્યા ચહેરો કોનો હતો ?


તમારા જેવા સામાન્ય માણસો જેની આંખો સાબૂત છે તે કાન કરતાં આંખનો ઉપયોગ માણસને પહેલી નજરે ઓળખવા માટે વધુ કરે. સાહજિક છે જો તમારી આંખ સારી હોય તો તમે પહેલીવાર કોઈ માણસને મળો તો તેનાથી જ ઓળખો. જે માણસને પહેલીવાર મળો, એનો ચહેરો જુવો અને પછી મનોમન નોંધી લો કે આ ફલાણી વ્યક્તિ છે અને આનું નામ આ કે તે છે. અને તે

વ્યક્તિ ફરી ભીડમાં પણ મળે ત્યારે આંખથી જ ઓળખી કાઢો કારણ કે એની છબી તમારા મગજમાં સ્ટોર થઈ છે.પણ બન્ને પક્ષે આંખ હોય તો ય તમે કોઈ વ્યક્તિને મળો અને એનો ચહેરો જ જોઈ ન શકો તો? કેટલાંક મિત્રો સાથે અમે ઓમાન દેશમાં સલાલા નામની જગ્યાએ ફરવા ગયા હતા. જે અમારાં ઓમાનના રહેઠાણ સુરનામના શહેરથી એક હજાર કિલોમીટર દૂર છે.ત્યાંના અમારા રોકાણ દરમિયાન એક મિત્રના મિત્રના મોટાભાઈ સાથે મળવાનું ગોઠવાયું હતું. મિત્ર ઓમાન આવ્યા ત્યારથી તેમના સંપર્કમાં હતા. અને સલાલા ફરવા આવો તો ચોક્કસ મળજો તેવું કહ્યું હતું. અમારા હોટલ અપાર્ટમેન્ટથી નજીકના મોલમાં અમેમળવાનું ગોઠવ્યું જેથી શોપિંગ અને ડિનરની સાથે મળી પણ લેવાય. આ મિત્રના મિત્રને મળવા અમે બધાં બહુ ઉત્સુક હતા. કારણ કે તેઓ અહીં દસેક વર્ષથી રહેતા હતા. વળી એમણે અહીં આવીનેએમનો ધર્મ બદલ્યો હતો. એમના અનુભવો જાણવા અમે વીસેક જણ એમની રાહ જોઈ રહ્યાં હતા.

પેલા મિત્ર સાથે એમની પત્ની અને બે દીકરીઓને પણ મળવા માટે લાવ્યા હતા. અમે બધાં મળ્યાં. તેમની પત્ની એ અમારાં સ્ત્રી વર્ગનું સ્વાગત કરવા અમને અહીંની પ્રણાલી મુજબ ભેંટ્યા. એમની દીકરીઓ સાથે પણ ઓળખાણ કરાવી. પછી ઘણી નિખાલસ વાતો થઈ. જાણે અમે વર્ષોથી એકબીજાને જાણતા હોયએ! આમે ય સ્ત્રીઓની એ ખાસિયત હોય છે પારકાને પોતાના કરી લેવાની! મોટી દીકરી દસ ધોરણ સુધી અહીં ભણી અને પછી એના લગ્ન કરી દીધાં છે. નાની હજુ આ વર્ષે દસમાં ધોરણમાં છે. એટલે એકાદ

બે વર્ષમાં એના પણ લગ્ન કરી દેશે. એ બન્ને દુબળી પાતળી છોકરીઓ બહુ ખૂબસૂરત જણાતી હતી બન્ને છોકરીઓ બહુ સરળ અને પ્રેમાળ લાગી. અમારી સાથેના બાળકોને સાથે બહુ ફ્રેન્ડલી વાત કરતી હતી. આ બહેને ઘરે આવવાનું ભાવપૂર્વક આમંત્રણ આપ્યું. પેલા ભાઈ અમારા પુરુષ વર્ગ સાથે વાતો કરતાં હતા. અને અમે બધાં લેડિઝ વર્ગઆ ત્રણ સ્ત્રીઓની આસપાસ જમાવી હતી. ખાસી વાર સુધી ઓમાન અને ઈન્ડિયાની વાતો થઈ. બધી જ વાત બહુ પ્રેમ પૂર્વક અને

ખૂબ આત્મીયતાથી થતી હોવા છતાં મને કશુંક ખૂટતું હોય તેવું લાગતું હતું. શું અને શું કામ ખૂંટે છે તે પ્રશ્ન મને મનોમન વારંવાર થતો હતો!રાતના દસ વાગી ચૂકયા હતા. અને અમે સવારથી સલાલામાં સાઈટ સીઈંગ કરીને થાકી ગયા હતા. એટલે વાતો રસપ્રદ હોવા છતાં અમે છૂટા પડ્યા. આવજો આવજો, ફરી મળજો તેવો શિષ્ટાચાર શરૂ થયો. મિત્રના મિત્રએ અમને એમની ગાડીમાં અમારી હોટેલ

સુધી મૂકી જવાનો આગ્રહ કર્યો. પણ અમે ના પાડી. અમે વીસેક જણ હતા. અમને બધાંને મૂકી જવા માટે તેમણે બેત્રણવાર ધક્કા ખાવા પડે. અને અમારી હોટેલ એકાદ કિલોમીટરના પગરસ્તે જ હતી. પણ એમનો અને એમના પત્નીના અતિ આગ્રહવશ બાળકો અને બેચાર લેડિઝ જેઓ ખૂબ થાકી ગયા હતા એમને તેમની ગાડીમાં મૂકી જવાનું અમે સ્વીકાર્યું. બાકીના અમે બધાં ચાલીને જતા રહીશું તેવું નક્કી કર્યું. તેઓ પેલા બધાંને મૂકીને આવે ત્યાંસુધી એમના પત્ની અને બન્ને દીકરીઓ ત્યાં મોલમાં બેસે તેમ નક્કી કર્યું.મોલના સોફા પર ત્રણેય લેડિઝ બેઠી. પેલા ભાઈને તેમની ગાડીમાં સમાય એટલાં લોકો એમની સાથે ગયા અને અમે બાકી બધાં ચાલતાં રવાના થતાં હતાં. ત્યાં અમને થયું કે પેલાભાઈ અમારા લોકોને જ મૂકવા ગયા છે, તો આ ત્રણ લેડિઝને એમ જ મૂકીને કેમ

જવું? એટલે અમારામાંથી બેચાર મિત્રો ત્યાં રોકાયા. બાકીના અમે લોકોએ હોટલ તરફ ચાલવાનું નક્કી કર્યું. એમને ફરી આવજો કર્યુઅને જતાં હતાં ત્યાં બેમાંથી એક છોકરી બોલી,‘ફિર મિંલેંગે.હું સહજતાથી બોલી પડી,‘જરુર..પણ ત્યાં મારા મનમાં સવાલ થયો. ફરી હું આને મળીશ તો ઓળખીશ કેવી રીતે? માદીકરીઓમાંથી એક પણનો ચહેરો તો મેં જોયોનથી. કારણકે આખી ય આ મુલાકાત દરમિયાન એમણે બુરખો પહેરલો જ રાખ્યો હતો. મોં પરનું કપડું જરા પણ હટ્યુ ન હતું. કાળા

કપડાં પાછળ ઢંકાયેલો ચહેરો અને હાથમાં હથેળી સુધીના પહેરેલા સફેદ મોજા. બસ જોઈ હતી તો સફેદ સંગેમરમર જેવી હાથનીપાતળી લાંબી આંગળીઓ! અને કાળા નેટના ચિલમનમાંથી અલપઝલપ દેખાતી કાળી આંખો! હવે હું ફરી મળીશ તો આ ત્રણેયને કેવી રીતે ઓળખીશ? અરે ભીડ નહીં હોય તેઓ મારી સામે હશે તો ય મને ખબર નહીં પડે!
મારા મનમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે શા માટે મને આખી ય વાતચીતમાં સતત કશુંક ખૂટતું હોય તેવી અનુભૂતિ થતી હતી! એમના બુરખામાં છુપાયેલો તેમનો ચહેરો હું જોઈ શકી ન હતી! અરસપરસ વાત કરતા સમય એકબીજાની આંખો કે ચહેરા સામે જોઈને વાતકરવાથી જે આત્મિયતા કે ઉષ્મા વાતચીતમાં અનુભવી શકાય તે ચિલમનમાં છુપાયેલાં ચહેરા સાથે તો કંઈ રીતે અનુભવી શકાય?

એક સ્ત્રી જે બીજી સ્ત્રી માટે મિત્ર સમાન છે પણ ધર્મ અને રીતિ રિવાજના ઓઠા હેઠળ તેનો ચહેરો દેખાડી ન શકે તેવી કેવીલાચારી?કદાચ અમે ફરી ભીડમાં પણ મળીશું તો હું નહીં તો કમસેકમ તે મને જરૂર ઓળખી જશે અને મને બોલાવશે તેવા આશ્વાસન સાથે મેંત્યાંથી જવા માટે પગ ઊઠાવ્યા. કારણ કે આથી વધુ હું કે તે કશું કરી શકીએ તેમ ન હતા! કારણ કે અમે બન્ને માણસ નહીં માત્ર સ્ત્રીજ છીએ!
( મીત્ર અને પત્રકાર કામિની સંઘવીએ ઓમાનથી મોકલાવેલી વારતા અક્ષરસહ અહિયા મુકી છે)
(પ્રતિકાત્મક)

3 comments: