Thursday, November 24, 2016

મને લાગે છે કયાંક કઈ ભુલ થઈ રહી છે, મારી સમજ ફેર હોય તો મને માફ કરજોઃ સફદર નાગોરી

તા 13મી નવેમ્બર અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચાર પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં 363 કેદીઓએ પરિક્ષા આપી હતી, પરિક્ષાના એક મહિના પહેલા કેદીઓને ગાંધી વિચારનું અલગ અલગ સાહિત્ય પુરૂ પાડવામાં આવ્યુ હતું, પરિક્ષા બાદ હું એક કામઅર્થે સાબરમતી જેલ ગયો હતો, જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીએ કહ્યુ તમારા માટે એક કેદી પત્ર છોડી ગયો છે, તેમણે પોતાના મદદનીશને બોલાવી મારા માટે કેદીએ છોડેલો પત્ર મંગાવ્યો, પત્ર આવતા હું પણ વાંચવા લાગ્યો બે પાનાનો હિન્દીમાં લખેલો પત્ર હતો, એકદમ મરોડદાર અક્ષર હતા, ભાષામાં પણ સૌમ્યતા હતી, છતાં તેને જે કહેવુ હતું તે એકદમ સ્પષ્ટ હતું.

પત્ર વાંચતા વાંચતા મારી નજર સુનીલ જોષી તરફ ગઈ, તે મારી સામે જોઈ હસી રહ્યા હતા,કારણ તેમને પત્ર કોનો હતો, અને તેમાં શુ લખ્યુ હતું, તેની ખબર હતી, હું ધ્યાનથી પત્ર વાંચી ગયો, અને વિચારમાં પડી ગયો,  સાબરમતી સેન્ટ્રલ જેલની 200 ખોલી નામે ઓળખાતી બેરેકમાંથી સફદર નાગોરીએ પત્ર લખ્યો હતો, સફદર ઉપર 2008માં અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, તે ઈન્ડીયા ઈસ્લામીક મુવમેન્ટનો વડો પણ રહી ચુકયો છે. ત્યાર બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી સુરંગ ખોદી ભાગી જવાની યોજનાને પણ અંજામ આપ્યો હતો, જો કે તે પહેલા સુરંગ પકડાઈ ગઈ, ત્યાર બાદ સફદર અને તેના સાથીઓને કડક પહેરા હેઠળ રાખવામાં આવે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા લેવાઈ રહેલી ગાંધી વિચાર પરિક્ષામાં 200 ખોલીના કેદીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં સફદર પણ એક હતો.

સફદર નાગોરીએ ગાંધીની સંક્ષીપ્ત આત્મકથાની પરિક્ષા આપી હતી. તેણે ધ્યાનથી આત્મકથા વાંચી હતી, તેણે પરિક્ષા બાદ લખેલો પત્ર મારા હાથમાં હતો, તેમાં તેણે વિગતવાર પાના નંબર સાથે લખ્યુ હતું કે ગાંધીની સંક્ષીપ્ત આત્મકથામાં એડીટીંગની ભુલો રહેલી છે, વાત અધુરી છુટી જાય છે અને સંદર્ભ ખબર પડતી નથી, ગાંધીજીએ  સાથે રહેલા અન્ય વ્યકિતઓની વાત અસ્પષ્ટ રહી જાય છે. સાથે પ્રુફ રીડીગની પણ ભુલો છે, તેણે એક એક પાના નંબર સાથે પુરી વિગત તેમાં લખી હતી. પત્ર વાંચી મને આશ્ચર્ય થયુ કારણ ત્યારે મારી પાસે તેનો કોઈ જવાબ ન્હોતા, સાચુ પુછો તો મેં પણ આત્મકથા આટલી બારીકાઈથી વાંચી નથી, હું ત્યાંથી પાછો આવ્યો અને નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈને પત્ર બતાવ્યો, તેમણે પત્ર વાંચી કહ્યુ સફદરની વાત સાચી છે, આપણે નવી આવૃત્તીમાં તેણે લખેલા મુદ્દાઓ તપાસી તેમાં સુધારો કરી જઈશુ.

જેલમાં પરિક્ષા લેવાની વાત થઈ ત્યારે અને પરિક્ષાના દિવસે પણ અધિકારીઓનો એક મોટો વર્ગ એવુ માનતો હતો કે ગાંધી વિચારની પરિક્ષાનો કોઈ અર્થ નથી, આ લોકો(કેદી) કયારેય સુધરવાના નથી, પણ આ પહેલા પણ કેટલાંક કેદીઓ આત્મકથા લઈ સુનીલ જોશી પાસે આવ્યા હતા, અને કહ્યુ  હતું કે ગાંધી તો વર્ણ વ્યવસ્થામાં માનતા હતા. આમ કેદીઓ માત્ર પરિક્ષા આપવા માટે નહીં પણ ગાંધીની સમજવા માટે આત્મકથા વાંચી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ માટે આ ઉપરાંત અન્ય પ્રવૃત્તીઓ કરતા સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી કહે છે, બધા જ કેદીઓ સુધરી જશે તેવી અપેક્ષા પણ નથી, પરંતુ એકાદ કેદીના જીવનમાં પણ કઈક સારૂ થાય તો પણ ઘણુ છુ, આ ઉપરાંત તેઓ કહે છે કે કેદીઓ જેલમાં વાંચે અને લખે તેના કરતા ઉત્તમ શુ હોઈ શકે. ?

સંક્ષીપ્ત આત્મકથાની હમણાં સુધી લાખો નકલ છપાઈ અને વંચાઈ છે, પણ તેમં રહેલા ક્ષતીઓ તરફ કોઈનું ધ્યાન ગયુ નહી, અથવા કોઈએ ધ્યાન દોર્યુ નહીં, પણ જેના માથા ઉપર આતંકવાદીનો થપ્પો લાગે છે તેવા સફદર નાગોરી લખેલો પત્ર પણ નવજીવનમાં ગાંધી વિચારમાં આપેલુ તેનું યોગદાન ગણી શકાય.પત્રના અંતમાં તેણે લખ્યુ મને જે ભુલો લાગી તે તરફ સહજ રીતે લખાયેલો પત્ર છે, મારી સમજ ફેર પણ હોઈ શકે, પણ તેવુ હોય તો મને માફ કરશો.

2 comments:

  1. I think it was good effort to improve the prisoners

    ReplyDelete
  2. Dada Ye Parivartan ki aagas hai 👍💐✌🏿️

    ReplyDelete