Friday, October 7, 2016

માનવ અધિકારનું ત્રાજવુ કોના હાથમાં છે તેના આધારે ન્યાય નક્કી થાય છે.

2007માં હું દિવ્ય ભાસ્કરમાં હતો, બપોરના સમારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈએ મારા ખભા ઉપર હાથ મુકી કહ્યુ કેમ છે જીવતી વારતા( દિવ્ય ભાસ્કરમાં જીવતી વારતા નામની મારી એક કોલમ આવતી હતી) મેં પાછળ વળીને જોયુ તો ડી જી વણઝારા હતા. હું વિવેક ખાતર મારી જગ્યાઓ ઉભો થયો , વણઝારાએ પણ મારી સાથે બહુ સૌજન્યપુર્વક વાત કરી અને તેઓ મારા એડીટરને મળવા આવ્યા છે તેમ કહી તેઓ એડીટરને મળવા ગયા. મને તેઓ કેમ મારા એડીટરને મળવા આવ્યા છે તેની બરાબર ખબર હતી, કારણ તે જ દિવસ દિવ્ય ભાસ્કરમાં મારી એક સ્ટોરી છપાઈ હતી, જેમાં શૌરાબઉદ્દીન શેખનું એન્કાઉન્ટર બનાવટી છે તેવી સ્ટોરી હતી. એડીટરને મળી નિકળ્યા ત્યારે પણ વણઝારા મને મળતા ગયા હતા. પછી શુ થયુ તે વિગતની ચર્ચા આપણે કરતા નથી.

ત્યાર બાદ લગભગ છ મહિના પછી તેમની શૌરાબઉદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસમાં જ ધરપકડ થઈ હતી, જેલમાં સૌથી લાંબો ગાળો રહેનાર પણ તેઓ જ હતા. આ દરમિયાન કોર્ટમાં અનેક વખત વણઝારા અને હું મળી જતા, જો કે ત્યારે તેમણે કયારેય પોતાની નારાજગી વ્યકત કરી નહીં. એક દિવસ મઝાની વાત થઈ હું કોર્ટમાં બેઠો હતો ત્યારે તેઓ પણ મારી બાજુની ખુરશીમાં આવી બેઠા, મારા જમણા હાથમાં હું ચાંદીનું કડુપહેરુ છુ, તે કડા તરફ તેમની નજર જતાં તેમણે કડાને પકડી કહ્યુ પ્રશાંતબાબુ ચાંદીનું કડુ પહેરાય નહીં, પહેરવુ જ હોય તો સોનાનું કડુ પહેરો. મે પણ તરત હસતા હસતા કહ્યુ સર ચાંદીના કડાની માંડ વ્યવસ્થા થઈ છે ત્યારે સોનાનું કડુ કયાંથી લાવુ, તમે મને ગીફટ કરો તો સોનાનું પણ પહેરી શકાય.

તેમણે તરત મારી સામે જોતા કહ્યુ બસ ચાલો આવતીકાલે તમને આવી જ ડીઝાઈનનું સોનાનું કડુ મળી જશે. સામે છેડેથી આવો જવાબ આવશે તેવી અપેક્ષા ન્હોતી. એટલે મેં પણ ગુગલી બોલ ફેકતા કહ્યુ સર હમણાં નહીં તમે જેલમાંથી છુટો ત્યારે મને ગીફટ કરજો ચોક્કસ સોનાનું કડુ પહેરીશ , તેઓ પણ ભાષાના સારા ખેલાડી છે. તેમણે તરત વળતો ઉત્તર આપતો કહ્યુ પ્રશાંતબાબુ હું આટલો જલદી છુટવાનો નથી, જો આવી શરત કરશો તો તમારે પંદર વીસ વર્ષ રાહ જોવી પડશે. એક તરફ જેલમાં રહેલા પોલીસ અધિકારી બહાર નિકળવા માટે તમામ પ્રકારના ધમપછાડા કરી રહ્યા હતા, ત્યારે વણઝારા આત્મ વિશ્વાસ સાથે કહી રહ્યા હતા કે તેમને છુટવામાં વર્ષો નિકળી જશે.

 નવ વર્ષ જેલમાં રહ્યા પછી થોડા મહિના પહેલા તેઓ જામીન ઉપર છુટયા, તાજેતરમાં તેમણે એક એનજીઓ શરૂઆત કરી તેનું નામ તેમણે જસ્ટીશ ફોર વીકટીમ ઓફ ટેરેરીઝીમ રાખ્યુ છે, જેમાં ગુજરાતના પુર્વ ડીજીપી એસ એસ ખંડવાવાલા સહિત દેશભરના પુર્વ આઈપીએસ અધિકારીઓ પણ છે, જેમની ઉપર હજી બનાવટી એન્કાઉન્ટરનો કેસ ઉભો છે તે જયારે માનવ અધિકારની વાત કયારે તેનું આશ્ચર્ય બીજાની જેમ મને પણ થયુ. મેં તેમની પાસે જાણકારી લેવા માટે ફોન જોડયો , સામે છેડેથી ફોન ઉપાડતા મેં મઝાકના સ્વરમાં કહ્યુ સર નારાજ તો નથીને મારાથી.. તેમણે પણ તે જ સ્ટાઈલમાં મોંઘમમાં જવાબ આપ્યો પ્રશાંતભાઈ તમારાથી નારાજ થઈશુ તો પાછા ગુજરાત બહાર જવુ પડશે. અમે બંન્ને મુદ્દાની વાત ઉપર આવ્યા તેમનું કહેવુ હતું દેશભરમાં હમણાં આતંકવાદની જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં આતંકવાદીઓના માનવ અધિકાર ઉપર ખુબ ચર્ચા થાય છે, પરંતુ આતંકવાદને કારણે ભોગ બનતા આમ લોકો, પોલીસ અને લશ્કરી જવાનો અંગે કોઈ કશુ જ બોલતુ નથી અને કઈ પણ થતુ નથી. તેને ધ્યાનમાં લઈને જ તેમણે આ સંગઠનની સ્થાપના કરી છે. તેઓ આતંકવાદનો ભોગ થયેલા આમ લોકો અને પોલીસ અધિકારીઓનું પુનસ્થાપન થાય તે દિશામાં કામ કરશે.

વાત પુરી કર્યા પછી મને લાગ્યુ કે માનવ અધિકારનો વિષય કાળક્રમે બદલતા રહ્યો છે. તમે માનવ અધિકારને કઈ દિશામાં ઉભા રહી જોવા માંગો છો, તે પ્રમાણે તેનું ચિત્ર બદલાતુ રહે છે. 2002માં ગુજરાતમાં થયેલા તોફાનો વખતે ભોગ બનેલા લોકોની વાત તમે કરો તો તરત કેટલાંક મીત્રો કહેતા કેમ તમને કાશ્મીરી પંડિતોને કાઢી મુકયા ત્યારે માનવ અધિકારની વાત યાદ આવી નહીં, માનવ અધિકારના ઝંડા ગુજરાતમાં જ ફરકાવવા છે.કોંગ્રેસ જયારે માનવ અધિકારની વાત કયારે ત્યારે તરત ભાજપ તેને  દિલ્હીના શીખ રમખાણોની યાદ અપાવે છે. આમ માનવ અધિકારનું ત્રાજવુ કોણ પકડે છે તેના આધારે માનવ અધિકાર નક્કી થતો હોય છે. કાશ્મીરમાં પંડિતો સાથે જે બન્યુ તે અમાનવીય હતુ, તેમ ગોધરાના તોફાનો પછી મુસ્લીમો સાથે જે પણ અમાનવી હતુ તેવું કહેવાની હિમંત બંન્ને તમામ લોકોએ કરવી પડશે.દિલ્હીના શીખોને અન્યાય થયો છે તેમ કોંગ્રેસે કહેવુ પડશે તેવી જ રીતે ઉનામાં દલિતો સાથે પણ રાક્ષસી વ્યવહાર થયો છે તેવુ ભાજપે કબુલ કરવુ પડશે.

જો ખરેખર માનવ અધિકારોનું રક્ષણ કરવુ હોય તો ત્રાજવા સરખા રાખવા પડશે, રાજય અને કેન્દ્રમાં કોની સરકાર છે, તેના આધારે ત્રાજવા બદલી શકાય નહીં. આતંકવાદ તો બહુ દુરનો વિષય છે. પહેલા તો દેશની અંદર સમાજ અને સરકાર દ્વારા થતાં માનવ અધિકારના હનના મુદ્દે આપણે લડવુ પડશે. માનવ અધિકાર મુદ્દો જીસકી લાઠી ઉસકી ભેંસ જેવો છે, બળવાન હોય તેને માનવ અધિકારનું હનન કરવાનો અધિકાર આપમેેળે મળી જતો હોય છે. કારણ આતંકવાદીઓ તો વર્ષમાં એકાદ બે વખત ગોળી ચલાવી આપણા માનવ અધિકારને પડકારે છે, પણ સમાજ અને સરકારની વ્યવસ્થાને કારણે રોજે રોજ આમ અને ગરીબ માણસ તેનો શિકાર થાય તે મુદ્દે પણ માનવ અધિકારવાદીઓ વિચારવુ પડશે.

વાત ડી જી વણઝારાની કરીએ કેટલાંકને મારી જેમ પ્રશ્ન થાય કે જેમની ઉપર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ છે, તે કઈ રીતે માનવ અધિકારની વાત કરી શકે.. તેમણે પણ નિદોર્ષ લોકોને મારી અનેક પરિવારના માનવ અધિકારોનું હનન કર્યુ છે. એક તબ્બકે હું પોતે પણ તેવુ જ માનું છે. પણ આપણે ત્યાં મારી અથવા તમારી માન્યતાઓને આધારે કઈ થતુ નથી. ડી જી વણઝારાને ગાળો આપવી હોય તો બરાબર છે, પણ હજી વણઝારા અને તેમના સાથીઓ ઉપર હજી આરોપ છે, તે ન્યાયની અદાલતમાં દોષી સાબીત થયા નથી. આપણે આખી ઘટનાને આપણા ચશ્માથી જોઈ રહ્યા છે, જયારે સામો પક્ષ પોતાના ચશ્માથી જોવાનું આપણને કહે છે. આખી વાતને મેં બારીકાઈપુર્વક જોઈ તો મને લાગ્યુ કે માની લઈએ કે વણઝારા અને તેમના સાથીઓ ખોટુ જ કર્યુ છે તેવુ ન્યાયની અદાલતમાં સાબીત થાય તો પણ તેમને માનવ અધિકારની વાત કરવાનો સંપુર્ણ અધિકાર છે. આપણે તો રામાયણમાં વિશ્વાસ કરનારી પ્રજા છીએ વાલીયામાંથી વાલ્મીકી થયેલાને આપણે  માન આપી છીએ, કદાચ વણઝારા પણ તે જ દિશામાં જઈ રહ્યો હોય, વણઝારાની એકસો ખોટી વાતો હોય તો પણ જો તેઓ અને તેમના સાથીએ એક સાચી દિશામાં ડગલા માંડતા હોય તો કદાચ  આપણે સાથે ના ચાલી શકીએ તો કઈ નહીં, પણ એક ખુણામાં ઉભા રહી તેમને જોવામાં પણ કઈ વાંધો નથી.

18 comments:

  1. આપણા ચશ્માથી જોઇ છે એમ કહેવું ખોટું છે. એ ચશ્મા (એમની માફક) પૂર્વગ્રહના કે ફાયદાના કે કોઇને ખુશ કરવાના નથી.
    આપણે એક બાબત આધારભૂત રીતે જાણતા હોઇએ અને અદાલતમાં એ સાબીત ન થઇ શકે એટલા માટે જ, આપણે જે જાણીએ છીએ તે ભૂલી જઇએ, એ પણ બરાબર નથી.
    એન્કાઉન્ટર-જમાનાથી અત્યાર સુધી વણઝારા વ્યવહારમાં તૌ સૌજન્યપૂર્ણ જ રહ્યા છે. તો હવે ફક્ત એમના વ્યવહારથી એ સુધરી જશે એમ માની લેવું વધારે પડતું છે.
    દરેકને સુધરવાનો અધિકાર છે, પણ આમ કહેતી વખતે એ યાદ રાખવું બહુ જરૂરી છે કે વ્યક્તિ ખોટું કર્યા બદલ પશ્ચાતાપ કરે-અફસોસ વ્યક્ત કરે તો જ સુધર્યો કહેવાય... 'ચાલો, જૂનું ભૂલીને નવી શરૂઆત કરીએ', એેને વાલિયામાંથી વાલ્મિકી બન્યા ન કહેવાય...આ જરા લપસણો મામલો છે.

    ReplyDelete
    Replies
    1. તમારી વાત સાથે સહમત છું...

      Delete
  2. Really it's a good concept by all the senior IPS officers

    ReplyDelete
  3. Agree 100% with urvishbhai in comming days you get gold KADU to navai na pamta

    ReplyDelete
  4. Dusman ni sarivat vakhanvi takatnu kamche 👍

    ReplyDelete
  5. Dada aatankvad ane encounter na mudde mane gujrati kehvat "jeva sathe teva" satat yaad aave che
    aa kehvat mujab kyrek ravan marva ravan ane aantankvadi ne marva aatankvadi thavu pade che
    raju risaldar nu encounter par pan sawal uthya hata jene press ma ghusi edtior ni goli mari hatya kari hati baad ma tenu encounter thayu
    te samay e koi e manv adhikar ni vat nahti kari

    ReplyDelete
  6. ઉર્વીશ કોઠારી સાથે સહમત

    ReplyDelete
  7. ઉર્વીશ કોઠારી સાથે સહમત

    ReplyDelete
  8. સોના ના કડાં નું શું થયું .?
    ડી જી વણઝારા એ પોતાનું પ્રોમિસ પાળી બતાવ્યું ખરું ?

    ReplyDelete