Tuesday, October 4, 2016

તે મારો શ્વાસ હતી, મારા જીવવાનું કારણ હતી..

સુગંધા ચેમ્બરની બહાર ગયા પછી ઘણા વખત સુધી દિપક મહંતો શાંત બેસી રહ્યા, એક વખત તેમનો કલાર્ક કેટલીક અગત્યની ફાઈલ ઉપર સહી લેવા આવ્યો ત્યારે તેમણે તેને પણ થોડીવાર પછી આવવાનું કહ્યુ, ખબર નહી કેમ પણ દિપકને સુગંધામાં રેવતીનો ભાસ થઈ રહ્યો હતો. કદાચ સુગંધા અને ક્સતુભની વાત પોતાના જેવી લાગી રહી હતી, દિપકે પોતાનું પર્સ બહાર કાઢયુ અને ખોલીને જોયુ તેમાં રેવતીનો ફોટો હતો પછી તેણે પર્સ બંધ કરી ટેબલ ઉપર મુકી દીધુ, આખી ઘટના દિપક સામે ફિલ્મની જેમ પસાર થવા લાગી.

આસામના નાનકડા ઘરમાં જન્મેલો  દિપક ભણવામાં જેટલો હોશીયાર હતો , એટલે જ તોફાની હતો, એક દિવસ કલાસમાં તોફાન કરતા કરતા બ્લેક બોર્ડ તુટી ગયુ, થોડીવાર પછી આવેલા શિક્ષકે પહેલો જે વિધ્યાર્થી  હાથમાં  આવ્યો તેને ફટકારવાનું શરૂ કરી દીધુ, પેલો વિધ્યાર્થી માર ખાતો રહ્યો પણ દિપક તે જોઈ શકયો નહીં,. તેણે ઉભો થયો અને કહ્યુ સર તેને મારશો નહીં મારવો હોય તો મને મારો મેં બોર્ડ તોડયુ છે, અને પછી શિક્ષક છડી વડે દિપક ઉપર તુટી પડયા હતા. માર દિપકને પડી રહ્યો હતો પણ કલાસમાં એક માત્ર રેવતીની આંખમાં આંસુ હતા, રીસેસમાં રેવતી દિપકને મળવા આવી, હજી પણ તેની આંખમાં આંસુ હતા, તેણે દિપકને ઠપકો આપતા કહ્યુ શુ કામ આટલી મસ્તી કરે છે. દિપકે કઈ જવાબ આપ્યો નહીં. રેવતીને દિપકની ખુબ ચીંતા થતી હતી.

દિપક અત્યંત ગરીબ પરિવારમાં આવતો હતો, તેના પિતા મજુરી કામ કરતા હતા, જયારે રેવતી સંપન્ન પરિવારમાંથી આવતી હતી, દરમહિને દિપકને સ્કુલની ફિ ભરવામાં મોડુ થતુ હતું, કારણ તેના પિતાને મજુરી મળે તો ફિ ભરી શકાય નહીંતર મોડુ થઈ  જાય, શિક્ષકે કલાસમાં જે વિધ્યાર્થીની ફિ બાકી હતી, તેમને કડક સુચના આપી હતી કે જે આવતીકાલ સુધી ફિ ભરે  નહીં તો તેમને  કલાસમાં આવવા દેશે નહીં. દિપકની  પાસે પોતાના  આવતીકાલે શુ થશે તેનો કોઈ ઉત્તર ન્હોતો. બીજા દિવસે જયારે શિક્ષક વર્ગમાં આવ્યા અને કહ્યુ કે જેમની ફિ બાકી છે તે પોતે જ ઉભા થઈ વર્ગની બહાર જતા રહે ત્યારે સૌથી પહેલા દિપક ઉભો થયો અને વર્ગની બહાર જઈ રહ્યો હતો, એટલે શિક્ષકે ફિ બાકી હોય તેવા વિધ્યાર્થીઓની યાદી જોતા બહાર જઈ રહેલા દિપકને કહ્યુ અરે દિપક તારી ફિ તો ભરાઈ ગઈ છે તુ તેમ બહાર જઈ રહ્યો છે..

દિપક આશ્ચર્યમાં પડી ગયો, કારણ તેના પિતાને છેલ્લાં ત્રણ દિવસથી મજુરી મળી જ ન્હોતી તો ફિ કેવી રીતે ભરી શકાય.. દિપકને શંકા ગઈ તેણે રેવતી સામે જોયુ તેના ચહેરા ઉપર સંતોષ સાથેનું સ્મીત હતું, દિપક સમજી ગયો કે રેવતીએ જ તેની ફિ ભરી દીધી હતી. પછી વર્ષો વિતતા ગયા, રેવતી દિપકની નાની નાની બાબતોનું ધ્યાન રાખતી હતી, દિપકનું તોફાન, તેની હોશીયારી, અને તેની જીવવાની પ્રમાણિકતા ઉપર રેવતી આફરીન હતી, સ્કુલ પુરી થયા પછી દિપક અને રેવતી કોલેજમાં પણ સાથે ભણ્યા હતા, દિપક ઘણી વખત રેવતીને કહેતો કે તારા કારણે જ હું આટલુ ભણી શકયો, ત્યારે રેવતી તેના મોંઢા ઉપર હાથ મુકતા કહેતી બસ હવે પછી આવી વાત કરી તો તારી સાથે કયારેય વાત કરીશ નહીં. રેવતી તેને કહેતી દિપક તુ ખુબ મોટો માણસ થાય તેવી મારી ઈચ્છા છે, મારે મારા દિપકને બહુ મોટા માણસ તરીકે જોવો છે.

કોલેજ પુરી દિપક .યુનિયન પબ્લીક સર્વિસ કમિશનની પરિક્ષાની તૈયારીમાં લાગી ગયો, રાત દિવસ મહેનત કરતો હતો, રેવતીને તેને મળવા માટે તેના નાનકડા કાચા-પાકા મકાનમાં પણ આવતી હતી,, તે ઘણી વખત દિપકને જોતી રહેતી હતી, દિપક તેને પુછતો કે શુ જુવે છે ત્યારે તે કહેતી તુ મને આટલો કેમ ગમે છે. દિપક શરમાઈ જતો અને કહેતો તુ  પાગલ છે. દિપકે પહેલી ટ્રાયલમાં જ યુપીએસસીની પરિક્ષા પાસ કરી તે ઈન્ટરવ્યુ માટે દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે તેના માટે કપડાં પણ રેવતી જ લઈ આવી હતી. દિપકની પસંદગી ભારતીય પોલીસ સેવામાં થઈ હતી. જયારે પહેલી વખત રેવતીએ પોલીસ યુનિફોર્મમાં દિપકને જોયો ત્યારે તે તેને વળગી રડી પડી હતી. ટ્રેનીંગ પુરી થયા પછી દિપકને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી.

ગુજરાત આવતા પહેલા દિપક અને રેવતીએ કોર્ટમાં જઈ લગ્ન કરી લીધા હતા, કારણ રેવતીનો પરિવાર દિપક સાથે લગ્ન થાય તે વાત સાથે સંમત્ત ન્હોતો. દિપક અને રેવતી ગુજરાત આવ્યા રેવતી ખુબ ખુશ હતી, શરૂઆતના બે વર્ષ બધુ જ બરાબર ચાલી રહ્યુ હતું, બે વર્ષમાં દિપક મહંતોએ ગુજરાત પોલીસમાં એક મુકામ હાસલ કરી લીધો હતો, દિપકના કામ અને પ્રમાણિકતા તેની સફળતાનું કારણ હતી, પણ રેવતી જયારે બીજા આઈપીએસ અધિકારીઓ અને તેમના પરિવારને જોતી ત્યારે તેને મનમાં થતુ કે તેઓ દિપક અને રેવતી કરતા વધુ સારી જીંદગી જીવે છે. સરકારી વાહન અને રહેવા માટે સરકારી મકાન હોવા છતાં રેવતીના મનમાં કયાંકને કયાંક રંજ હતો, કદાચ તેને એવુ લાગી રહ્યુ હતું કે દિપક જડતાપુર્વક પ્રમાણિકતાને વળગી રહ્યો છે. આ મુદ્દે તેમની વચ્ચે અનેક વખત ચર્ચા પણ થતી હતી, ત્યારે દિપક પોતાની બધી જ દલીલો પછી પણ રેવતીને સમજાઈ શકતો નહીં ત્યારે કહેતો જો રેવતી તુ મને બદલવાનો પ્રયત્ન કરીશ નહીં

નાનપણથી રેવતીને દિપકની જે વાતો ગમતી હતી , તે વાતો હવે કઠી રહી હતી. પોતાના પિતાને ત્યાં અપાર સમૃધ્ધી હતી, જયારે એક પ્રમાણિક પોલીસ અધિકારીની પત્ની તરીકે તેને મળતા માન-પાન વચ્ચે પણ તેનું મન સમૃધ્ધીમાં સુખ શોધી રહ્યુ હતું, કયારેક તો દિપક ખુદને ભરોસો થતો ન્હોતો કે તે જે રેવતીને ઓળખતો હતો તે આ જ હતી, રેવતી દિપકને કહેતી કે હું તને બધુ છોડી દે તેવુ કહેતી નથી, પણ થોડીક બાંધછોડ તો માણસે કરવી જોઈએ, દિપકની પ્રમાણિકતાને કારણે અનેક વખત તેની બદલીઓ પણ થતી રહેતી હતી, હવે રેવતીને આ બધી બાબતોનો કંટાળો આવી રહ્યો હતો. તેમના લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હતા.

એક દિવસ દિપક ઓફિસેથી આવ્યો ત્યારે રેવતી શાંત હતી, રેવતીના ચહેરા ઉપરની શાંતિ જોઈ દિપકે પોતાનો યુનિફોર્મ બદલ્યો અને રેવતીની પાસે આવતા પુછયુ શુ વાત છે.. રેવતી હજી શાંત હતા, દિપકે તેનો હાથ પકડયો, રેવતીએ દિપક સામે જોયા વગર નીચી નજર રાખી કહ્યુ દિપક મને લાગે છે આપણે સાથે રહી શકીએ તેમ નથી, દિપકે રેવતીનો હાથ છોડી દીધો. રેવતી તેને છોડી શકે તેવી તેણે કયારેય કલ્પના જ કરી ન્હોતી. દિપકે પોતાની આંખો બંધ કરી લીધી, રેવતીએ કહ્યુ જો દિપક હમણાં નિર્ણય કરીશ નહીં તો કયારેય નિર્ણય કરી શકીશ નહીં. હું તને પ્રેમ કરૂ છુ તેમાં તુ કોઈ શંકા કરતો નહી , પણ આ સ્થિતિમાં હું તારી સાથે રહેવા તૈયાર નથી કારણ તું કોઈ પણ મુદ્દે બદલાવવા તૈયાર નથી.

દિપક કઈ બોલ્યો નહીં, તે રેવતીને ઓળખતો હતો, તે રાતે તે જમ્યા વગર સુઈ ગયો, તેની સવારે આંખો ખોલી ત્યારે રેવતી તૈયાર હતી, દિપકે જોયુ તો ડ્રોઈંગરૂમમાં તેની બેગ પણ પડી હતી, દિપક રેવતી સામે જોયુ. તેણે રેવતીને કહ્યુ રેવતી રોકાઈ જા ... પ્લીઝ.. રેવતીની આંખમાં આંસુ ધસી આવ્યા, રેવતીએ જવાબ આપ્યો   દિપક મને નબળી પાડીશ નહીં. મને જવા દે ... હું તારી સાથે રહી શકતી નથી. અને રેવતી બેગ લઈ નિકળી ગઈ, રેવતી મુંબઈ ગઈ ત્યાં તેણે એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી શરૂ કરી. દિપક અને રેવતી અલગ થયા તે વાતને એક દસકો વિતી ગયો. હજી બંન્ને એકબીજાના સંપર્કમાં છે ફોન ઉપર વાત પણ કરે છે, દિપક સરકારી કામે મુંબઈ જાય ત્યારે રેવતીને મળે પણ છે, જો કે દિપકની હિમંત થતી નથી કે તે રેવતીને કહે ચાલ આપણે ઘરે જઈએ, કારણ જો રેવતી ના પાડશે તો તે તુટી જશે તેવો ડર લાગ્યા કરે છે.

રેવતી અને દિપકે ડીવોર્સ પણ લીધા નથી, અને સાથે પણ રહેતા નથી. રેવતીની ગેરહાજરીમાં રોજ રાત પડે દારૂ દિપકની સાથી બની ગઈ છે, દિપક રાતે દારૂ પીવે છે, તેની  દિપકના સિનિયર ઓફિસરોને પણ ખબર છે, છતાં તેની કામની આવડત અને તેની  પ્રમાણિકતાને કારણે તે દિપકની દારૂની ટેવ તરફ આંખ આડા કાન કરે છે. દિપકના મનમાં એક ઉંડી આશા છે કે એક દિવસ તેની  રેવતી તેની પાસે પાછી ફરશે.

11 comments:

  1. Speechless.. i wish his hope comes true

    ReplyDelete
  2. Speechless.. i wish his hope comes true

    ReplyDelete
  3. Give & take ની જિંદગીની રેસમાં કોણ pass, કોણ fail?

    ReplyDelete
  4. Give & take ની જિંદગીની રેસમાં કોણ pass, કોણ fail?

    ReplyDelete
  5. Best prashantbhai...abhaavo no bhaav....

    ReplyDelete
  6. Best prashantbhai...abhaavo no bhaav....

    ReplyDelete
  7. Selut too mahanto sir medam pyarme to log kurban hojate hai Ye kaisa pyar hai aapka v reqvest pl think again 🙏

    ReplyDelete
  8. જોરદાર સ્ટોરી છે... દાદા ... આવા પણ લોકો દુનિયામાં હોય છે તે જાણી આનંદ થયો... તમે લખતા રહો અને અમે વાંચતા રહીએ દાદા

    ReplyDelete
  9. We hope want of Dipak should be fulfill as early as possible

    ReplyDelete