Sunday, October 30, 2016

નહીં ફુટેલા ફટાકડાઓનો અવાજ ખુબ મોટો આવતો હતો.

ત્યારે મારી ઉમંર દસ-બાર વર્ષની હશે, મા ઘરના દરવાજામાં મા  રંગોળી કાઢતી હતી, ઘડીયાળના કાટા રાતના બાર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે એક બુમ સંભળાતી અરે પ્રશાંત જા પેલાને બોલાવી લાવ હવે રસ્તા ઉપર તેના અને કુતરાઓ સિવાય કોઈ હશે નહીં. હું તેને શોધવા માટે ઘરની બહાર નિકળતો ત્યારે સ્ટ્રીટ લાઈનો પ્રકાશ પણ હમણાં જેવો સારો ન્હોતો, લાઈટનું હોવુ ના હોવુ બધુ સરખુ જ હતું, હું પહેલા ઘરની આસપાસ જોતો અને પછી દુર સુધી નજર લંબાવતો પણ તેને મારી નજરમાં આવતો ન્હોતો, મારા પપ્પાએ કહ્યુ પેલાને બોલાવી લાવ એટલે તે મારો નાનો ભાઈ , જે મારાથી બરાબર અઢી વર્ષ નાનો હતો. જયાં સુધી અમે બંન્ને થોડા સમજદાર ના  થયા ત્યાં સુધી દિવાળીમાં તે  તેને નિત્યક્રમ રહ્યો હતો.

હું તેને શોધવા માટે રાતના બાર વાગે નિકળતો હતો, હું તેનો મોટાભાઈ હોવા છતાં ઉમંરમાં તો નાનો જ હતો, મને પણ અંધારાની તો બીક લાગતી હતી, પણ ભાઈ કરતા મોટો હોવાને કારણે બીક લાગતી હોવા છતાં બીકની કયારેય કબુલાત નહીં કરવાની તેવુ કોઈના શીખવાડયા વગર સમજી ગયો હતો. જો કે પાંચ-સાત મિનીટમાં તે મને મળી જતો હતો, બરાબર મારા પપ્પાએ કહ્યુ તેવુ જ હોય, રસ્તા ઉપર મારા નાના ભાઈ અને કુતરાઓ સિવાય કોઈની જ હાજરી ના હોય, તે રસ્તા ઉપર ઉભડક પગે બેસી કઈ શોધતો હોય, મને ખબર હતી કે તે શુ શોધતો હતો. તેની આસપાસ ખુબ કાગળો પડયા હોય, તે કાગળો પણ ફેંદતો હતો, હું તેની પાસે જઉ એટલે તે તરત મને જોઈ ઉભો થઈ જાય તેના ચહેરા ઉપર એક ખુશી દોડી આવે, તેને પોતાના શર્ટના ઉપરના ખીસ્સામાં હાથ નાખી, જાણે તેણે અમેરીકાની શોધ કરી હોય તેમ તેણે શોધી કાઢેલા ફટાકડાઓ મારી સામે ધરે.

હું તેને કહુ પપ્પા બોલવે છે, તે પાછા પોતાના ખીસ્સામાં ફટકાડાઓ મુકી મારી પાછળ પાછળ ચાલવા લાગે, અંધારૂ હોવાને કારણે હું ચારે તરફ નજર ફેરવતો ફેરવતો ઘર તરફ જઉ, પણ મારી પાછળ આવી રહેલા ભાઈની નજર તો ચારે તરફ જમીન ઉપર  ફરતી હોય, અને તે અચાનક કહે, અરે ઉભો રહે, હું રોકાઈ જઈને પાછળ જોઉ તો તેને ફુટેલા ફટાકડાઓના ઢગમાં એકાદ નહીં ફુટેલુ લવીંગયુ મળી જાય, પાછો તેને પણ ખીસ્સામાં મુકી તે ચાલવા લાગે.દિવાળીમાં પપ્પા અમને  સાયકલ ઉપર બેસાડી ફટકાડાઓ તો લાવી આપતા હતા, પણ પપ્પાના ખીસ્સા અને ફટકાડાઓની પણ મર્યાદાઓ હતી, પપ્પાએ જે લઈ આપે તેમાં માગણી અને પસંદગીને કોઈ અવકાશ રહેતો ન્હોતો. ખરીદેલા ફટાકડાઓ ફોડવામાં કંજુસાઈ કરો તો પણ એકાદ-બે દિવસમાં પુરા થઈ જાય, ત્યાર પછી મને કોઈ પુછે કે કેમ ફટાકડા ફોડતો નથી, તે બીન્દાસ કહી દેવાનું કે મને તો શોખ જ નથી, જો કે ત્યારે પણ તેવુ બોલતા દુખ થતુ હતું, પણ મારી હેસીયત નથી તેવુ કહેવા કરતા ખોટુ બોલવામાં વાંધો ન્હોતો.

હું બાર જ વર્ષનો હતો પણ મોટો હતો, જયારે ભાઈ તો નાનો હતો, તે કોઈ ગુનેગાર ગુનાના સ્થળની રેકી કરે તેમ ફટાકડાઓ કયાં અને કોણ ફોડવાનું છે તેની માહિતી રાખતો, જયારે ફટાકડાઓ  ફુટતા હોય ત્યારે બનાવના સ્થળે હાજર રહી નહીં ફુટેલા ફટાકડાઓ કઈ તરફ ઉડીને પડયા છે તેની માનસીક નોંધ રાખતો હતો, અને જયારે જેઓ માત્ર ફટાકડાઓથી દિવાળી ઉજવે છે તેવા લોકો પોતાના ઘરમાં પ્રવેશ કરે એટલે તેનો નાઈટ રાઉન્ડ શરૂ થતો હતો. હું ભાઈને લઈ ઘરે પહોંચુ એટલે તેને ખબર હતી કે ઠપકો તો મળવાનો છે, તે જેવો ઘરમાં દાખલ થાય તેની સાથે માનો ઠપકો કાને પડે, શરમ નથી આવતી ભીખારીની જેમ ફટાકડા શોધવા નિકળે છે, અમે તેને ફટાકડા નથી, લાવી આપતા, તે કઈ પણ બોલ્યા વગર ઘરની બાલ્કનીમાં પોતાનો મુદ્દામાલ સંતાડી આવે, હાથ-પગ ધોઈ સુઈ જાય.

પણ આજે મને કલ્પના આવે છે, કદાચ પપ્પાએ લાવી આપેલા ફટાકડાઓ કરતા તેણે શોધેલા ફટાકડાઓ તેને વધુ આનંદ આપતા હતા, બીજા દિવસે પપ્પા ઓફિસ જાય પછી શોધેલા ફટાકડાઓનો દારૂ એક કાગળ ઉપર કાઢવાનો કારણ અર્ધ ફુટેલા ફટાકડાની દિવેટ તો સળગી જ ગઈ હોય તેના કારણે તેને ફોડવા માટે આ જ સારો રસ્તો હતો, કાગળમાં બધા મળેલા  ફટાકડાઓનો દારૂ કાઢયા બાદ તે કાગળ સળગાવવાનો, અને ચારે તરફ એકદમ પ્રકાશ થઈ જાય, માથા ઉપર સુર્ય હોવા છતાં ભાઈના ફટાકડાનો પ્રકાશ સુર્ય કરતા વધુ પ્રકાશ આપતો હતો.. આજે મને ફટાકડાનો અવાજ કર્કશ લાગી રહ્યો છે, જયારે મારી પાસે ફટાકડા ન્હોતા, ત્યારે નહીં ફુટેલા ફટાકડા વધુ મોટો અવાજ કરતા હતા.જયારે મારી પાસે કઈ ન્હોતુ ત્યારે એક નાનકડુ સુખ હતું. આજે બધુ જ છે ત્યારે સુખને શોધવા નિકળ્યો છુ.

દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ સાથે ખુશ રહો એટલુ જ કહીશ.

9 comments:

  1. To collect the half bust crackers and to bust it again gives some special satisfaction that is what I also enjoyed. Happy Diwali and prosperous New Year to all friends

    ReplyDelete
  2. To collect the half bust crackers and to bust it again gives some special satisfaction that is what I also enjoyed. Happy Diwali and prosperous New Year to all friends

    ReplyDelete
  3. Chotinbat me badibat samajna vo dadaki khas sochhai 👍👍💐💐💐

    ReplyDelete
  4. Happy New year ... Dada go ahead

    ReplyDelete
  5. JAVA303 casino chip chips - JM Hub
    The following chips 정읍 출장샵 have 구리 출장마사지 been verified by the seller, JAVA303. JAVA303 chip chips are not working, they 서산 출장안마 are working, they 안산 출장샵 are not working, they are not 군산 출장샵 working

    ReplyDelete