Sunday, December 11, 2016

તમે મને પત્ર લખજો, હું જયા પણ હોઈશ ત્યાંથી આવી જઈશ.

તા 8મી ડીસેમ્બર સાંજના પાંચ વાગી રહ્યા હતા, સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર આવેલા ઓપનીયર થીયેટરના ખુલ્લા આંગણામાં આશરે પાંચસો જેટલાં કાચા અને પાકા કામના કેદીઓ એકત્ર થયા હતા, પ્રસંગ તો નવજીવન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલી ગાંધી વિચાર પરિક્ષાના ઈનામ વિતરણનો હતો, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોષીના હસ્તે વિજેતા કેદીઓને ઈનામ આપવા આવ્યા હતા, સુનીલ જોષીનો જેલમાં આ છેલ્લો સમારંભ હતો, આ સમારંભ પુરો કરી સુનીલ જોષી સીધા પોતાની બદલીના નવા સ્થળે વલસાડ જવા માટે રવાના થવા હતા.

સુનીલ જોષી ઈનામ વિતરણ પછી ભાષણ આપવા માટે ઉભા થયા, મારા અનુભવ પ્રમાણે સામાન્ય રીતે કેદીઓ અને જેલ સુપ્રીટેન્ડન્ટ વચ્ચે ભાગ્યે જ સારા સંબંધો હોય છે., તેઓ મોટા ભાગે એકબીજાને તીરસ્કારતા હોય છે. પણ સુનીલ જોષી ઉભા થયા તેની સાથે મેં નોંધ્યુ કે કેદીઓના ચહેરા ઉપર એક પ્રકારની ગમગીની છવાઈ ગઈ હતી, તેમને ચહેરો પોતાનું દુખ છુપાવી શકતા ન્હોતા. ભાષણ શરૂ કરતા પહેલા જોષીએ એક નજર કેદીઓ તરફ કરી અને તેમણે કહ્યુ તમને તો ખબર જ હશે મારી બદલી થઈ ગઈ છે. પછી એક ક્ષણ શાંત રહ્યા, તેમના અધ્યાર શબ્દો પ્રમાણે તેઓ જેલ છોડી જવા માટે રાજી ન્હોતા. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ જેલ સુપ્રીટેન્ડન્ટની બદલીને સજા માનતા હોય છે. પણ એક બદલી બાદ જોષીએ કહ્યુ મને જેલમાં કામ કરવાની મઝા આવવા લાગી ત્યારે જ મારી બદલી થઈ.

જેલ અધિકારીને કેદીઓ સાથે કઈ રીતે મઝા આવે તે વાત અનેક પોલીસ અધિકારીઓને પણ સમજાય તેવી નથી, પણ આ સમારંભમાં હું કેદીઓ અને સુનીલ જોશી બન્નેની આંખમાં એક સરખો ભાવ જોઈ રહ્યો હતો. જોષી કેદીઓને સંબોધતા કહ્યુ હું મારી બદલીના સ્થળે જઈ રહ્યો છુ, પણ તમને છોડી જતો નથી, તમારા પૈકી અનેકની જલદી જેલ મુકિતનો પ્રશ્ન છે, તે અંગે મેં સરકાર સાથે વાત કરી છે, અને જયાં પણ રહીશ ત્યાં તે પ્રશ્નનો જલદી ઉકેલ આવે તે માટે કામ કરીશ. જોશી દરેક વાકય બાદ અટકી રહ્યા હતા, કદાચ તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી કોઈ પણ જેલ અધિકારીને પોતાના કેદીઓ સાથે પ્રેમ થઈ જાય તેવુ મેં જોયુ ન્હોતુ.

કેદીઓને પ્રથમ હરોળમાં અમદાવાદ બોમ્બ ધડાકાના આરોપીઓ બેઠા હતા, જોશી બોલી રહ્યા હતા, ત્યારે મારૂ ધ્યાન કેદી સમસુદ્દીન શેખ તરફ ગયુ, તેણે નમાઝ પઢતો હોય તે રીતે પોતાના બંન્ને પગ બેસી આકાશ તરફ ઉંચે જોઈ દુઆ માંગી રહ્યો હતો, જેમની ઉપર અમદાવાદમાં બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, અને થોડા વર્ષો પહેલા જેલમાં સુરંગ બનાવી જેમણે ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો, તેવા કેદી પણ જોશી માટે દુઆ માંગી રહ્યા હતા.જોષીએ કેદીઓને કહ્યુ હું જયા પણ રહીશ ત્યાંથી તમારા સંપર્કમાં રહીશ, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને પત્ર લખજો, હું આવી જઈશ. આમ તો એક વખત જેલ સાથે કોઈ પોલીસ અધિકારીનો નાતો તુટે પછી તેણે જેલની ચીંતા કરવાની જરૂર હોતી નથી, પણ છતાં ખાખી વર્દીની પાછળ રહેલો એક માણસ જોશીએ આ કરવાની ફરજ પાડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતું.

જોશીનું છેલ્લુ વાકય હતું હું અહિયાથી જઈ રહ્યો છુ, પણ તમે સારા માણસ થવાનો રોજ પ્રયત્ન કરજો, એક દિવસ તમે જેલની બહાર નિકળશો ત્યારે અહિયા આવ્યા તેના કરતા સારા માણસ થઈને નિકળજો. ભાષણ પુરૂ કરી સુનીલ જોશી મંચ ઉપરથી ઉતરી સુબેદારની પેટી તરફ આગ વધ્યા તેની સાથે તમામ કેદીઓ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ ગયા, અને તેમની નજર જોશી તરફ હતી, તેમની આંખોમાં પ્રેમ, દુખ અને વિદાયની વેદના હતી. સમારંભ પુરો થયા બાદ હું અને વિવેક દેસાઈ સુનીલ જોશી સાથે તેમની ચેમ્બરમાં પહોંચ્યા, છેલ્લાં ચાર મહિના દરમિયાન હું નવજીવન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા કેદીઓના કાર્યક્રમને લઈ અનેક વખત મળ્યો, પણ મળ્યા પછી એવુ લાગ્યુ કે હું આ માણસને વર્ષોથી ઓળખતો હતો.

ત્યાંથી નિકળતી વખતે મેં ઉભા થઈ સુનીલ જોશી સાથે હાથ મીલાવ્યો, મારૂ મન કહેતુ હતું કે હું તેમના કામ અને તેમની અંદર રહેલા સારા માણસનું અભિવાદન કરવા તેમને ભેટી પડુ, પણ તેવુ કરી શકયો નહીં, મારા આંખોની ભીનાશ મને નબળો બનાવે તે પહેલા જેલનો લોંખડી દરવાજો આળંગી હું બહાર નિકળી ગયો, છેલ્લે  સુનીલ જોશીએ જેલના અધિકારીઓને કહ્યુ હતું મારી ભલે બદલી થઈ રહી છે, પણ નવજીવન ટ્રસ્ટ દ્વારા જેલમાં શરૂ કરવામાં આવેલુ કામ ચાલતુ રહે તેનું ધ્યાન રાખજો કારણ મહાત્મા ગાંધીનો જેલ સાથે કુદરતી નાતો છે જે કયારે તુટવા દેશો નહીં.

12 comments: