Wednesday, January 4, 2017

હું તેમને ગાંધીડો કહેતો હતો..

થોડા દિવસ પહેલા હું સાબરમતી સેન્ટ્રલ જેલ ગયો હતો, નવજીવન ટ્રસ્ટ સાથે કામ શરૂ કર્યુ હોવાને કારણે હવે તો લગભગ દર અઠવાડીયે સાબરમતી જેલ જવાનું થાય છે. નવજીવન  ટ્રસ્ટ અને સાબરમતી જેલ વચ્ચે થયેલા કરાર પ્રમાણે જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે, જેમાંની એક ગાંધી વિચાર પરિક્ષા પણ છે. પરિક્ષા આમ તો એક બહાનું છે, હેતુ માત્ર કેદીઓ સુધી ગાંધીને પહોંચાડવાનો છે,થોડા મહિના પહેલા ત્યાં એક પરિક્ષા પણ થઈ અને પરિણામ આવ્યુ ત્યારે જેમની ઉપર અમદાવાદમાં બોમ્બ ધડાકા કરવાનો આરોપ છે, તેવા આરોપીઓ ગાંધી વિચાર પરિક્ષામાં મેદાન મારી ઈનામ પણ જીતી ગયા.

જયારે આ પરિક્ષાનું આયોજન થઈ રહ્યુ હતું, ત્યારે મારા કેટલાંક મીત્રો અને જેલ સ્ટાફના મનમાં પણ એક સવાલ હતો કે ખરેખર ગાંધી કેદીઓના મન બદલી શકે અથવા આ આખી પ્રક્રિયાનો કોઈ અર્થ ખરો ? ત્યારે મારી પાસે મારા મીત્રોના કોઈ સવાલનો ઉત્તર ન્હોતો. પરિક્ષા યોજાઈ ત્યારે મેં ત્યારના જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીને મીત્રો દ્વારા પુછાઈ રહેલા પ્રશ્ન અંગે પુછયુ ત્યારે તેમણે કહ્યુ મને પણ ખબર નથી, કે ગાંધી પરિક્ષા કેટલીક કારગર નિવડશે, છતાં કદાચ આટલી મોટી જેલમાંથી કોઈ એક કેદીના જીવનમાં પણ નાની સરખી સારી શરૂઆત થાય તો પણ પ્રયોગ સફળ છે.

હું હમણાં જેલમાં ગયો ત્યારે એક કેદી સાથે મુલાકાત થઈ, હું તેને નામથી ઓળખુ છુ, છતાં ઈરાદાપુર્વક તેના નામનો ઉલ્લેખ અહિયા ટાળુ છુ, તેણે મને કહ્યુ મેં પણ ગાંધી પરિક્ષા આપી હતી, પણ હું નાપાસ થયો, મેં તેની સામે જોયુ તેણે કહ્યુ હું બોમ્બ ધડાકા કેસનો આરોપી છુ, મને ગાંધી માટે કોઈ માન ન્હોતુ, હું કાયમ ગાંધીની તસવીર જોઈ તેને ગાંધીડો કહેતો હતો, પણ મેં આત્મકથા વાંચી, ખબર નહીં કેમ પણ હવે મારા મોંઢામાંથી ગાંધીજી શબ્દ નિકળે છે.. હું તેને કઈ કહુ તે પહેલા તેણે કહ્યુ  મને ગાંધીજી  મોડા મળ્યા નહીતર કદાચ આજે હું અહિયા ના હોત.

હું મનોમન બબડયો.. તને ગાંધીજી મોડા મળ્યા તેમા તારો નહીં અમારો વાંક છે. મને લાગ્યુ કે દેશમાં અનેક ગાંધી સંસ્થાઓ છે, જેનું કામ ગાંધીને લોકો સુધી લઈ જવાનું હતું, પણ ગાંધી સંસ્થાઓને પોતાના નામમાં જ રસ હતો, ગાંધીને લોકો સુધી લઈ જવામાં ગાંધી સંસ્થાઓ સરેઆમ નિષ્ફળ નીવડી છે, કદાચ તેનું જ આ પરિણામ છે.  મને લાગ્યુ કે ગાંધી વિચારની પરિક્ષામાં ભલે આ કેદીનો નંબર ના આવ્યો, પણ જેલમાં તેના સિવાય કોઈ પરિક્ષામાં પાસ થયુ ન્હોતુ. આવી જ એક બીજી ઘટના પણ થઈ, થોડા દિવસ પહેલા મને નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ બોલવી એક પત્ર આપ્યો, પત્ર ઉપર લાજપોર જેલ સુરતનું સરનામુ હતું, પત્ર જોતા જ પહેલી નજર ખબર પડે કે સુરત જેલના કોઈ કેદીઓ પણ લખ્યો છે.

પત્ર હું વાંચી ગયો, મને તે પત્ર બહુ સામાન્ય લાગ્યો, પત્ર લખનાર કેદીઓ લખ્યુ હતું કે તમે અમદાવાદની સાબરમતી જેલમાં ગાંધી પરિક્ષા લીધા તેવા સમાચાર મેં અખબારમાં વાંચ્યા હતા, મને સારૂ લાગ્યુ, હું 2013થી સુરત જેલમાં છુ, જેલમાં આવી મેં પણ ગાંધીને વાંચવાની શરૂઆત કરી, મને લાગે છે વર્તમાન સમયમાં ગાંધી સમજાય તો ઘણા પ્રશ્નનો ઉત્તર મળી શકે, નવજીવન ટ્રસ્ટે આ પ્રકારની પરિક્ષાઓ રાજયની વિવિધ જેલમાં લેવી જોઈએ. પણ વાંચી ગયો તેમાં આ કેદીઓ પોતાના અંગે કઈ જ લખ્યુ ન્હોતુ. મેં થોડીવાર પછી પત્ર બીજી વખત વાંચ્યો ત્યારે મેં પત્ર લખનાર કેદીનું નામ ધ્યાનથી વાંચ્યુ તો કેદીનું નામ હતું નારાયણ સાંઈ હતું. મને સાચુ લાગ્યુ નહીં, મેં મારી બાજુમાં બેઠેલા મીત્રને પત્ર બતાડી પુછયુ નામ કોનું છે તેને પણ ધ્યાનથી વાંચી કહ્યુ નારાયણ સાંઈ.

નારાયણ સાંઈ કોણ છે તેની મોટા ભાગે ખબર છે, છતાં જાણકારી માટે કહું છુ, તે આશારામનો પુત્ર છે. પિતા આશારામ અને પુત્ર નારાયણ સાંઈ બંન્ને ઉપર બળાત્કારનો આરોપ છે.આશારામ રાજસ્થાનની જેલમાં છે , જયારે નારાયણસાંઈ સુરત જેલમાં છે. નારાયણસાંઈનો દાવા પ્રમાણે તેમણે જેલમાં ગાંધીને વાંચ્યા છે.હું આ મામલે હજી અસ્પષ્ટ છુ છતાં નારાયણસાંઈ કહે છે તે સાચુ માની લઈએ તો સાબરમતીથી સુરત ગાંધી પહોંચ્યો તેનો મને આનંદ છે.

12 comments: