Friday, September 30, 2016

જીજ્ઞેશ સમજદાર અને સંવેદનશીલ માણસ છે.

બે દિવસ પહેલા જીજ્ઞેશ મેવાણી સાથે મારી વાત થઈ ત્યારે તેણે કહ્યુ.. અમારી કોઈ માગણી ખોટી અથવા ગેર બંધારણી હોય તો તમે કહો.. અમે(દલિત) તો માત્ર માણસ તરીકે જીવવાનો અધિકાર માંગી છીએ, આઝાદીના આટલા વર્ષો પછી અમને રહેવા માટે ઘર પણ ના હોય તંત્ર અમને ગરીબ પણ સમજે નહીં અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની વ્યાખ્યામાં પણ અમારો સમાવેશ કરે નહીં. અમારી માંગણીઓ બહુ નાની છે, તંત્રએ માત્ર સંવેદનશીલ થઈ અમારી સાથે વાત કરવાની જરૂર છે, પણ આજ સુધી અમને કોઈ મળવા પણ તૈયાર થતુ નથી.

જીજ્ઞેશની વાતમાં તર્કની સાથે વેદના પણ હતી. તેણે મને કહ્યુ રસ્તા રોકો અને રેલ રોકો કાર્યક્રમને કારણે પ્રજા પરેશાન થાય છે તેની મને ખબર છે, પણ જયાં સુધી પ્રજા પરેશાન થતી નથી ત્યાં સુધી સરકાર તમને સાંભળે જ નહીં આ સ્થિતિ પણ યોગ્ય નથી. અમારી સાથે રાજય સરકાર માત્ર વાત કરવા પણ તૈયાર છે એટલુ કહે તો પણ હું રેલ રોકો કાર્યક્રમ પાછો ખેંચવા તૈયાર છુ, માંગણીઓ ચર્ચા તો ટેબલ ઉપર બેસીને જ થાય જાહેર રસ્તા ઉપર થઈ શકે નહીં. મેં તે અંગે મારા બ્લોગ ઉપર પોસ્ટ લખી, જીજ્ઞેશની જ વાત તેની ભાષામાં મુકી હતી. ત્યાર બાદ મારી  રાજયના કેટલાંક અધિકારીઓ સાથે પણ વાત થઈ, મેં જીજ્ઞેશની લાગણી તેમના સુધી પહોંચાડી હતી.

રાતના બાર વાગે મને સંદેશો મળ્યો કે દલિત નેતાઓ સાથે રાજય સરકાર વાત કરવા તૈયાર છે, બીજી જ મિનીટે મને જાણ થઈ કે દલિત નેતાઓ રાજય સાથે વાત કરવાની તૈયારી બતાડી, રેલ રોકો આંદોલન પાછુ ખેંચી લેવાની જાહેરાંત કરી હતી. રાજય અને દલિત બંન્નેના પ્રયાસની હું કદર કરૂ છુ, રાજય કાયમ પિતાની ભુમીકામાં હોવુ જોઈએ, પુત્રની માગણી સાચી અથવા ખોટી પણ હોઈ શકે, પણ તેમની વચ્ચે સંવાદ થવો જોઈએ, સંવાદનો અભાવ વ્યકિતગત જીવન અને સામાજીક જીવનમાં ઘણા પ્રશ્નો નિર્માણ કરે છે. જીજ્ઞેશ અભ્યાસ કરતો હતો ત્યારથી હું તેના પરિચયમાં છુ, તેની અંદર પહેલાથી એક સંવેદનશીલતા રહી છે.

ઉંમર તો ઉંમરનું કામ કરવાની છે, દલિત આંદોલન વખતે અનેક વખત તે મુદ્દાથી ભટકી જતો હતો, તેવુ તેના વડિલો માનતા હતા, પણ હાર્દિક અને જીજ્ઞેશમાં આ જ ફર્ક છે, જીજ્ઞેશને જયારે તેને ભુલ ઉપર આંગળી મુકી બતાડો તો તે ત્યાંથી પાછો ફરવા તૈયાર હતો અથવા તેવા પ્રયાસ પણ કરતો હતો, દલિત આંદોલન પહેલા પાટીદાર આંદોલન થયુ હતું પાટીદારોની મેદની જોઈ હાર્દિક હોશ ખોઈ બેઠો હતો, તેવુ જીજ્ઞેશના કિસ્સામાં થાય નહીં તેવુ તેના મીત્રો તેને વાંરવાર કહેતા હતા, જીજ્ઞેશ સાથે સારૂ કહેનાર કરતા સાચુ કહેનારની સંખ્યા વધારે છે, અને તેની પાસે તેમનું સાંભળવાના કાન છે, તેની પાસે શિક્ષણ સાથે વાંચન પણ છે. તે માત્ર પુસ્તકીય નથી, તેણે પોતાની ગળથુથીમાં તે ઉતાર્યુ છે.

દલિત આંદોલન શરૂ થયુ તે પહેલા તે સંપર્કો અરવિંદ કેજરીવાલ સાથે હતા, તે આપ પાર્ટીમાં સક્રિય પણ હતો, છતાં મીત્રોએ તેને સલાહ આપી કે આંદોલન કરવુ હોય તો રાજકિય પાર્ટીમાં રહેવુ જોઈએ નહીં, અને જીજ્ઞેશે તરત આપ સાથેના સંબંધનો અંત લાવી દીધો હતો. જીજ્ઞેશને તેના જ દલિત નેતાઓ પણ પસંદ કરતા નથી તેની મને ખબર છે, કારણ હમણાંનો આવેલો છોકરો તેમની જાગીર લુંટી જશે તેવો ડર પણ લાગે છે. જીજ્ઞેશની મર્યાદાઓ હોઈ શકે છે, પણ તેની પાસે હજી હાર્યા અને ડર્યા વગર લડવાની તાકાત છે કારણ તે હજી નાનો અને નવો છે તેની પાસે ગુમાવવા જેવુ કઈ નથી.ત્યારે તેના જ સમાજના લોકો પોતે ના લડી શકે તો કઈ નહીં, પણ તેની હિમંતમાં ઘટાડો કરવો જોઈએ નહીં.

હવે જીજ્ઞેશ અને તેના સાથીઓ સાથે રાજય સરકાર સંવાદ કરશે, તેની સાથે જ દલિતોની સમસ્યના અંત આવશે તેવુ પણ નથી  દલિતોની સમસ્યા રાજકિય કરતા સામાજીક વધુ છે. સરકાર સાથે સંવાદ થઈ શકે, તેમનો તો ફરજ પણ પાડી શકાય પણ હજી સામાજીક લડાઈ લાંબી છે. આમ છતાં એક નાનકડી શરૂઆત આવનાર આવતીકાલ માટે આશાનું કિરણ છે.

Thursday, September 29, 2016

વિજયભાઈ તમે તો સરકાર છો, તમે પણ સમાજની જેમ અમારી સાથે અાભડછેટ રાખો છો.

આજે મેં સવારે જીજ્ઞેશ મેવાણીને ફોન કર્યો, હું તેની સાથે મઝાક કરવાના મુડમાં હતો, મેં કહ્યુ કેમ ભાઈ તોફાન  કરો છો, સરકારી વાહનોને નુકશાન પહોંચાડો છો. તે હસવા લાગ્યો, તેણે કહ્યુ  આવી રીતે પણ સરકાર કોઈનું અપમાન કરી શકે તેની મને ખબર ન્હોતી, તેની ઉપર બે દિવસ પહેલા અમદાવાદ પોલીસે પોલીસના વાહનોને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે. તે સંદર્ભમાં તે મારી સાથે વાત કરી રહ્યો હતો. જીજ્ઞેશ કહ્યુ મારી ઉપર સાવ ક્ષુલ્લક ગુનો નોંધ્યો છે કે મેં પોલીસની વાહનોની સીટો ફાડી, પોલીસના વાહનોના કાચ ફોડયા , અરે ગુનો નોંધવો જ હતો રાજદ્રોહ જેવી કોઈ કલમ લગાવી હતી, હું મારી તમામ જાહેર સભાઓ શરૂ કરતા પહેલા કહુ છુ કે પોલીસ સાથે કોઈ દુર વ્યવહાર કરશે નહીં, પોલીસ દંડો ફટકારી તમારી ચામડી પણ ઉતેરડી નાખે તો પણ તમે તેનો જવાબ આપશો નહીં, પોલીસના દંડો તમારા હાથમાં આંબેડરનો ઝંડો. એવુ હું હજારો વખત કહી ચુકયો છુ, ત્યારે પોલીસ કહે કે મેં સરકારી મીલ્કતને નુકશાન પહોચાડયુ આવુ  કરવાનું તો બાજુ ઉપર પણ હું વિચારી પણ શકુ નહીં.

ખેર પોલીસને જે કરવુ હોય તે કરે, પણ દલીતોના મુદ્દે લડતો રહીશ, મેં પુછયુ જીજ્ઞેશ રેલ રોકો કાર્યક્રમનું શુ આયોજન છે. તેણે ઉંડો નિસાસો નાખતા કહ્યુ, હું કયારે પ્રજા પરેશાન થાય તેવા કાર્યક્રમોની તરફેણમાં રહ્યો નથી, આંદોલન તેની જગ્યાએ અને પ્રજાની રોજબરોજની જીંદગી તેના ક્રમ પ્રમાણે ચાલવી જોઈએ, જુલાઈ મહિનાઓથી અમે રેલીઓ કાઢી, આવેદનપત્ર આપ્યા, રજુઆત કરતા રહ્યા, પણ મને દુખ તે વાતનું છે કે બંધારણમાં જોગવાઈ નહીં હોવા છતાં રાજય સરકાર અને ભાજપના નેતાઓ પાટીદાર નેતા સાથે બેઠકો કરતા હતા, પટેલોને સરકાર પેકેજ આપે તેની સામે મને કોઈ વાંધો નથી, પણ આટલા મહિનાઓ પછી રાજય સરકારનો એક નાનો મંત્રી પણ અમારી સાથે વાત કરવા તૈયાર નથી, પ્રજા તો ઠીક સરકાર પણ અમને મળવા તૈયાર થાય નહીં તેનું દુખ થઈ રહ્યુ છે.

તેના કારણે અમે રસ્તા રોકો જેવા કાર્યક્રમ આપી સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ, હું રેલ રોકો આંદોલન પાછુ ખેચવા તૈયાર છુ, પણ કોઈ અમારી સાથે મંત્રણા તો કરે, કોઈક એવુ તે કહે તમારી માગણી ખોટી અથવા મોટી છે, તો તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે, પણ રાજય સરકાર જાણે દલિતોના અસ્તીત્વની સ્વીકારતી નથી, તે બાબત તો હરગીજ મને મંજુર નથી, અમારી તમામ માગણી બંધારણ અને કાયદા અનુસારની છે. અમે કહ્યુ હજી આઝાદીના આટલા વર્ષ બાદ પણ દલિતોને રહેવા  માટે એક નાનકડુ ઘર નથી, અમે કહ્યુ દલિતોને ગરીબી રેખા નીચે જીવે છે તેના કાર્ડ મળતા નથી, અમે કહ્યુ પાંચ એકર જમીન આપો, પણ કોઈ અમારી સાથે વાત કરીને તેમ તો કહે કે ભાઈ પાંચ એકરની માગણી વધારે બે એકર આપી શકીએ... પણ તેવુ પણ કોઈ કહેવા તૈયાર નથી. ત્રણ મહિના બાદ એક પણ વખત રાજય તરફથી અમને બોલાવવામાં આવ્યા નથી.

એક તરફ કરોડો રૂપિયાની સરકારી મીલ્કતને નુકશાન પહોંચાડનાર પાટીદાર નેતાઓ સામેના કેસ પાછા ખેંચી રહી છે જયારે મારી અને મારા સાથીઓ સામે એક પછી એક ખોટા કેસ નોંધાઈ રહ્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે સમાજની જેમ સરકાર પણ અમારી સાથે ભેદભાવ રાખે છે. એટલે રેલ રોકો કાર્યક્રમ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી, મેં મારા સાથીઓને કહ્યુ છે પોલીસ મારશે પરેશાન કરશે છતાં માર ખાઈને પણ આપણે શાંત રહેવાનું છે.

Tuesday, September 27, 2016

છોકરી હસીને વાત કરે છે.. ચાલુ લાગે છે.

છોકરી હસીને વાત કરે છે.. છોકરી સીગરેટ પીવે છે.. કયારેક દારૂ પણ પી જાય છે, છોકરી ચાલુ લાગે છે, આવી એક સહજ પુરૂષ માન્યતાઓને આધારે જ હમણાં અમીતાભ બચ્ચનની પીંક નામની ફિલ્મ રીલીઝ થઈ.આખી ફિલ્મ પહેલા દર્શ્યથી એન્ડ સુધી પુરૂષની એક સ્ત્રી અંગેની માન્યતાઓની આસપાસ જ ચાલતી રહે છે. ફિલ્મમાં કયાં સીધો મેસેજ છે , તો કયાંક બીટવીન્ધી લાઈન્સ પણ ઘણી બધી બાબત છે. મેં પણ આખી ફિલ્મ જોઈ બહુ ધ્યાનથી. ફિલ્મમાં પુરૂષની વિચારવાની પધ્ધતિઓ અંગે જે કઈ સ્ક્રીપ્ટીગ થયુ છે તે એકદમ બરાબર છે. છતાં મેં આખી ફિલ્મ અંગે એક પિતા તરીકે વિચાર કરી જોયો કારણ હું પણ એક દિકરીનો પિતા છુ.

પીંકમાં ત્રણ છોકરીઓની વાત છે, તેઓ દિલ્હીમાં એકલી રહે છે, નોકરી કરે છે, મોડે સુધી ફરે છે, ડાન્સ બારમાં જાય છે, કયારેક દારૂ પણ પીવે છે. અને તેમના ગમતા પુરૂષ મીત્રો સાથે સંબંધ પણ રાખે છે.બસ આ ઘટનાને કારણે તેમના જ સમવસ્યક યુવકો માની બેસે છે કે આ છોકરીઓ ચાલુ છે. પછી જે કઈ બને છે તે અંગે મારે કઈ કહેવુ નથી કારણ તેના માટે એક વખત ફિલ્મ સહપરિવાર જોઈ જવી જોઈએ કદાચ મનના કેટલાંક ગુચડાઓ સાફ પણ થઈ જાય. છોકરાઓ એકલા રહે તો ચાલે, પણ છોકરીઓ તો એકલી કેવી રીતે રહી શકે, છોકરાઓ ભેગા થઈ શહેરમાં અથવા શહેરની બહાર ફરવા જઈ શકે, પણ એકલી છોકરીઓ મા-બાપ અથવા પતિ વગર કેવી રીતે જઈ શકે, છોકરાઓ દારૂ જુગાર અને સીગરેટની મઝા લઈ શકે, પણ છોકરીઓ સંસ્કારનું પુતળુ છુ, તેઓ તો આવુ જ કરી ના શકે., લગ્ન પહેલા મારે એક સ્ત્રી સાથે પ્રેમ હતો , તેવુ પતિ લગ્ન બાદ પણ પોતાની પત્નીને કહી શકે, પણ પરણિત સ્ત્રી જો લગ્ન પહેલાના કોઈ સંબંધની વાત કરે તો તેને મૃત્યુ પર્યત પોતાની પવિત્રતાના પુરાવા આપવા પડે છે.

આપણે ત્યાં સ્ત્રીની સ્વંતત્રતા તરત પ્રેમને  સેકસ અને સંસ્કાર સાથે જોડી દેવામાં આવે છે, તેના કારણે તમામ પ્રકારના માનસીક પ્રશ્ન ઉભા થાય છે, સ્ત્રી મીત્ર હોય તો તેની સાથે બે પુરૂષો વચ્ચે હોય તેવી મીત્રતા હોઈ જ  શકે નહીં તેવુ પણ મન તરત રેકોર્ડ કરી લે છે. બે પુરૂષ મીત્રો સતત સાથે ફરતા જોવા મળે તો આપણને કયારેય તેવો વિચાર આવતો નથી તેમની વચ્ચે જાતીય સંબંધ હશે, પણ જો સ્ત્રી અને પુરૂષ સસત સાથે જોવા મળે તો આપણને ગરબડ લાગે છે. સ્ત્રી અને પુરૂષને સાથે જોઈ આપણને ગરબડ લાગે ત્યાં સુધી પણ મને વાંધો નથી, માની લઈએ કે કદાચ બંન્ને એકબીજાને પસંદ કરતા હશે, પણ તે  સ્ત્રી ઉપર આપણે ચાલુ હોવાનું લેબલ મારી દઈએ છીએ, આપણે એવુ ધારી લીધુ છે કે પુરૂષ પરણિત હોય તો પણ તેને બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવાનો અધિકાર છે, પણ સ્ત્રીનો સંબંધ જો એક કરતા વધુ પુરૂષ સાથે હોય તો તે ચાલુ જ છે.

પીંક ફિલ્મની કથાથી તમે જરા પણ વિપરીત વાત કરો તો કદાચ તમારી ગણતરી જુનવાણી વિચાર ધારામાં માનનાર લોકો સાથે પણ થઈ શકે, પીંકમાં સ્ત્રીઓની જે સ્વતંત્રાની વાત છે ત્યાં સુધી હું પુરેપુરો સંમત્ત છુ, સ્ત્રી જે રીતે ઈચ્છે તેવી પોતાની જીંદગી જીવી શકે તેની સાથે મને જરા પણ વાંધો નથી, કદાચ આવતીકાલે મારી દિકરી પણ મારી માન્યતાઓની વિપરીત કોઈ વાત મને પણ કરી શકે છે તે વિચારને ધ્યાનમાં રાખી હું આ વિધાન કરી રહ્યો છું. છતાં હજી સ્ત્રીઓની સ્વતંત્રતા સ્વીકારતા આપણને વર્ષો નિકળી જશે, ત્યારે સ્ત્રીની સ્વતંત્રતાને ચાલુ  છોકરીનું લેબલ લાગે નહીં તેની તકેદારી પણ તેણે જ રાખવી પડશે તે કેવી રીતે થઈ શકે તેની ચર્ચા કરતો નથી કારણ તેના ધોરણો દરેક ઘટના અને સમય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. સાથે પોતાને મળેલી સ્વતંત્રતામાં પોતાની સલામતી પણ પોતે જ કરવી પડશે.

વિષય પોતાની અંદર જ બહુ ગુચવાયેલો છે. એટલે દિવસો સુધી વાતો કરીએ તો પણ કોઈ એક નિર્ણય ઉપર આવી શકાય તેમ નથી, દરેક ઘરની વાત છે દરેક સ્ત્રીની વાત છે ત્યારે દરેકને પોતાના નિયમો અને ધોરણોમાં પોતાનો નિર્ણય કરવાનો છે. છતાં એક વખત પીંક ફિલ્મ જોઈ જવી જોઈએ તેવો મને લાગે છે.

Monday, September 26, 2016

મહિલાઓ મંદિરમાં પણ અમને વિચલીત કરે છે.

થોડા મહિના પહેલાની વાત છે, સામાન્ય રીતે હું મંદિરમાં જવાનું ટાળુ છુ, છતાં પત્નીના આગ્રહવશ હું દિકરી પ્રાર્થના સાથે મંદિરમાં ગયો, બહુ આલીશાન મંદિર છે, મંદિરની બહાર બાઉન્સર જેવા સીકયુરીટી ગાર્ડ ઉભા હતા, જેવો હું અને શીવાની અને પ્રાર્થના મંદિરના દરવાજામાં દાખલ થયા તેની સાથે એક બાઉન્સર આગળ આવ્યો, તેણે અમને રોકયા અને પ્રાર્થના તરફ ઈશારો કરતા કહ્યુ સોરી સર આ મંદિરમાં જઈ શકશે નહીં, મેં તેની સામે જોયુ તેણે તરત મને મંદિરના મુખ્ય દરવાજા તરફ લાગેલી સુચના તરફ ધ્યાન દોર્યુ.. ત્યાં લખ્યુ હતું મહિલાઓએ ટુંકા કપડાં પહેરી આવુ નહીં, મેં બીજી જ ક્ષણે પ્રાર્થનાની સામે જોયુ તે હજી પંદર વર્ષની છે, ફરી સુચના વાંચી કારણ મને પ્રાર્થનાના કપડામાં ટુંકાપણુ લાગ્યુ ન્હોતુ.

સુચના વિગત વાર હતી જેમાં લખ્યુ હતું મહિલાઓ અશોભનીય કપડાં પહેરવા નહીં, જેમ કે બરમુડો, કેપ્રી અને ખુલ્લા ગળાનું ટોપ વગેરે. મને તો પહેલી વખત મહિલાઓના આ કપડાંના નામની ખબર પડી રહી હતી, મેં પ્રાર્થનાને જ પુછયુ આ લખ્યુ છે તેમાંથી તે કઈ પહેર્યુ છે તેણે પોતાના પગ તરફ ઈશારો કરતા કહ્યુ આ કેપ્રી છે, પગની પાનીથી થોડી ઉપર અને ઘુટણથી થોડી નીચેનો ભાગ ખુલ્લો રહે તેને કેપ્રી કહેવાય તે મને પહેલી વખત ખબર પડી, હું બાઉન્સર સાથે ચર્ચા કરવા માગતો હતો, પણ શીવાનીએ તરત પ્રાર્થનાને કહ્યુ તુ ઉભી રહે અમે હમણાં દર્શન કરીને આવીયે. પછી મને પણ લાગ્યુ કે બાઉન્સર મારા જેવો જ છે, તેની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તે દિવસ મારૂ ધ્યાન ભગવાનની મુર્તિ કરતા મંદિરની બહાર ઉભી રહેલી મારી દિકરી પ્રાર્થના તરફ વિશેષ હતું, મને ખરાબ પણ લાગી રહ્યુ હતું કારણ એક છોકરીને પોતાના કપડાંને કારણે મંદિરની બહાર ઉભી રાખી દેવામાં આવી હતી.

કદાચ આવી સુચના મેં અનેક મંદિરો ઉપર અનેક વખત જોઈ હતી, પણ મારૂ મન કયારેય ત્યાં અટકયુ ન્હોતુ, પછી જયારે પણ હું મંદિર હોય તેવા રસ્તે પસાર થયો ત્યારે અચુક આવી સુચનાઓ મંદિરના દરવાજે વાંચી હતી, પણ તે જ મંદિરમાં પુજા કરતો પુજારી અને પુજા કરવા આવતા પુરૂષો જે શરીર ઉપર માત્ર પીતાંબર જ પહેરતા હતા, તેમની કમરની ઉપરનો શરીરનો આખો ભાગ ખુલ્લો રહેતો હતો, જયાં મહિલાઓ પણ હાજર રહેતી હતી, પણ તે મહિલાઓને પુરૂષવા અડધા ખુલ્લા શરીરને જોઈ કયારેય અજુગતુ લાગ્યુ નહીં, પણ કોઈ સ્ત્રીની પગની પાની ઉપરનો ભાગ ખુલ્લો દેખાય, અથવા કોઈ સ્ત્રીની કમર નજરે પડે અથવા કોઈ સ્ત્રી ખુલ્લા ગળાનું ટોપ પહેરે તો તે કપડાં કઈ રીતે અશોભનીય થઈ જાય.

માણસ મંદિરમાં તો ઈશ્વરને મળવા આવે છે, પણ પછી ત્યાં આવનાર સ્ત્રી અથવા પુરૂષે કયાં કપડાં પહેર્યા છે તેની સાથે તેને કેમ નીસ્બત હોય છે, તેનો અર્થ સ્પષ્ટ હતો કે તેમનું ધ્યાન મંદિરના ભગવાન કરતા ત્યાં આવનારી સ્ત્રીઓ તરફ વિશેષ જાય છે. અને કદાચ સ્ત્રીનું સામાન્ય રીતે ઠંકાયેલુ રહેતુ કોઈ અંગ તેમની નજરમાં આવી જાય તો તેમનું મન વિચલીત થઈ જાય છે. પુરૂષનું મન વિચલીત થઈ જાય તેની સામે પણ મને વાંધો નથી, કારણ મનને વિચલીત થવા માટે સ્થળ સાથે કોઈ સંબંધ નથી, મન તો સ્મશાનમાં પણ વિચલીત થઈ શકે છે. જયારે એક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે માતા અને બાળક બંન્ને માટે તે પ્રેમ હોય છે, જયારે ત્યાં હાજર  કોઈ પુરૂષ માટે તે મનને વિચલીત કરવાની ઘટના પણ બની શકે છે.

મને લાગ્યુ મંદિરના સંચાલકોએ આ પ્રકારની સુચના લખે તેની સામે આપણો વાંધો હોવા છતાં મંદિરે તેવુ લખવુ જોઈએ કે અમારા પુરૂષ ભકતો મનના કાચા છે તેમને સ્ત્રીઓ જોયા પછી પોતાના મન ઉપર નિયંત્રણ રહેતુ નથી માટે તમે બુરખા જેવા કોઈ વસ્ત્રો પહેરી આવુ તો વધુ ઈચ્છનીય રહેશે. આ સુચા લખનાર સંચાલકો પુરૂષ જ હોવાને કારણે કદાચ તેમને આ વિચાર આવ્યો હશે પણ મંદિરમાં રહેનાર પુરૂષ હોય અથવા દારૂ પીનાર પુરૂષ બંન્નેની માનસીકતામાં ખાસ ફેર હોતો નથી, મારા અનેક મીત્ર જાહેર રસ્તા ઉપર પણ દારૂ પીવે છે, જો કે રસ્તા ઉપર દારૂ પીવાની મઝા કરતા કાયદો  અમારા ખીસ્સામાં છે તેવો મુડ વધારે હોય છે પણ તે જ વખતે કોઈ છોકરીને સીગરેટ પીતા જુવે તો.. જાણે બળદ દુધ આપવા લાગ્યો હોય તેવુ અચરજ ચહેરા ઉપર આવી જાય છે. પછી તરત હાથમાં દારૂના ગ્લાસ સાથે સંસ્કારની ચર્ચાનો દૌર શરૂ થાય છે.

Saturday, September 24, 2016

પત્ની બીજા પુરૂષને લાઈન મારે તો આપણને ખબર કેમ પડતી નથી.

 
પ્રતિકાત્મક તસવીર
તેમ જેમ જેમ વાંચતા જશો, તેમ તેમ તમારા ચહેરા ઉપર હાસ્ય આવતુ જશે, અને લાગશે લે આ તો મારી જ વાત છે, કારણ આ ભારતના તમામ ઘરોમાં કયારેકને કયારેક બોલ્યાના વાકયોની વાત છે, મારી ઘરે આવતા મારા મીત્રો જયારે મારા સ્વભાવની વાત કરે એટલે તરત મારી પત્ની કહે જવા દો આ તો હું હતી તો ટકી ગઈ.. બીજી કોઈ હોત તો છોડીને કયારેની જતી રહી હોત.. પ્રશાંત સાથે રહેવુ એટલે કઈ સહેલુ  કામ નથી, હા વાત જયાં સુધી મારા પુરતી સિમિત ત્યાં સુધી કદાચ મારી પત્ની શિવાની સાચી પણ હોઈ શકે, કારણ મને બે-ત્રણ વર્ષે સરળ ચાલતી જીંદગીને રગદોળી નાખી જીવનમાં અશાંતિ ઉભી કરવાનો એટેક આવે છે. આવુ અમારા લગ્નના વીસ વર્ષના ગાળામાં અડધો ડઝન કરતા વધુ વખત થયુ છે ત્યારે તે મારી સાથે અડીખમ ઉભી રહી છે.

પણ હું મારા કહ્યાગર મીત્રોને પણ ઓળખુ છું, તેમની પત્નીઓ પણ કાયમ બલીદાન અને ત્યાગની ભાવનાની વાત જ કરતી હોય છે, મારા પિયરમાં તો પાણી માંગુ તો દુઘ મળતુ હતું, પણ સાસરે આવી પુછી જુવો મેં કોઈ વાતની જીદ કરી નથી, પણ મારૂ મન કહેતુ હોય છે ભાભી તમારી ઈચ્છાઓ પુરી કરવામાં મારો ભાઈ પોતાની ઈચ્છાઓ ભુલી ગયો અને છતાં તેણે કયારેય ફરિયાદ કરી નથી. પુરૂષની હાલત કફોડી હોય છે, સ્ત્રી કાયમ પોતાના ત્યાગની વાત કરી શકે, સ્ત્રી પતિ ત્રાસ આપે છે તેવી ફરિયાદ કરી શકે, પણ જાણે પુરૂષને ત્યાગ સાથે પેઢીઓ સુધી કોઈ સંબંધ જ ના હોઈ શકે તેવી આપણે માની લીધુ છે, તેના કારણે કયારેય પુરૂષો પરિવાર અને ખાસ કરી પત્ની માટે કરેલા કાર્યને ત્યાગ અથવા બલીદાન કહી શકતો નથી, કારણ આ બધુ તો પુરૂષની ફરજમાં આવે છે, સાથે કોઈ પુરૂષ પત્ની ત્રાસ આપે છે તેવુ પણ કહી શકતો નથી કહે  લોકો તેની મઝાક કરે.

પત્નીના ત્રાસ વચ્ચે પણ બીજાની હાજરીમાં પત્નીના વખાણ કરવા પડે ત્યારે પુરૂષનું મન અંદરથી કેટલુ રડતુ હશે તેની કલ્પના કરવા માટે તમારે પરણિત પુરૂષ થવુ જ પડે. મેં હમણાં સુધી અનેક વખત મારા મીત્રોની પત્નીના મોંઢે આ સાંભળ્યુ કે આ તો હું હતી તો અહિયા રહી બાકી બીજી તો હોત તો જતી રહેતી, ત્યારે મને કાયમ મનમાં સારૂ લાગે છે,કે હું એકલો નથી મારા જેવા લાખો પરણિત આ દેશમાં વસે છે, એક વખત વાત નિકળી ત્યારે મેં મઝાકમાં મારા મીત્રની પત્નીને કહ્યુ ભાભી તમે કોઈ પુરૂષને તેવુ કહેતા સાંભળ્યો આ તો હું હતો તો તને સાચવી બાકી બીજો હોત તો લાત મારી કાઢી મુકતો. આ સાંભળી મીત્રની પત્ની હસવા લાગી, તેણે મને કહ્યુ તમે તો દરેક વસ્તુની મઝાક કરો છો, મેં મનમાં કહ્યુ ભાભી હવે તો અમારી જીંદગી રોજ મઝાક બની ગઈ છે પણ કહેવુ કોને ?

જેમ પત્ની આપણને સાચવી ત્યાગની વાત કરે તેવી જ વાત ચારીત્રની પણ આવે, મીત્રો ભેગા થઈ જયારે પત્નીની હાજરીમાં કોઈ સ્ત્રીની વાત કરે એટલે પત્ની કાયમ તડુકતા કહે , જાવને પેલી રાખતી હોય.. મને ખબર છે તે કઈ તમને રાખશે નહીં, મને ખબર છે મારો ખોટો સીક્કો પાછો આવશે.. મારા વગર તમને કોઈ સંઘરે તેમ નથી.. મને કાયમ આ વાત નિકળે ત્યારે લાગે છે પોતાનો પતિ ખોટો સીક્કો છે, તે વાત પત્નીઓ કેટલા આત્મવિશ્વાસથી કહેતી હોય છે.. અને બીજો વિચાર આવે છે, જો અમે ખોટા સીક્કા જ હતા, તો તમારા ફાટેલા નસીબમાં આવી કેમ પડયા,જો કે લગ્નના આટલા વર્ષ પછી આપણે પણ કહી શકતા નથી,મારા નસીબમાં પણ ખોટો સીક્કો પડયો છે. મને લાગે છે કે પત્નીઓ કાયમ તમને  કોઈ રાખે નહીં તેમ કહી ઉશ્કેરે છે, આ તો આપણે જેન્યુઅન એફોર્ટ કર્યા નથી, નહીંતર ખબર પડે કે તે જેને ખોટો સીક્કો કહે છે તે તેનો એન્ટીક સીક્કો છે અને તેનું માર્કેટ હજી પણ કેટલુ ઉંચુ છે.

એક વાત હજી મને ખબર પડતી નથી મેં મારી પત્ની અને મારા મીત્રોની પત્નીઓને અનેક વખત પ્રશ્ન આ પુછયો પણ તેમણે મને સાચો જવાબ આપ્યો  નથી, મને પ્રશ્ન થાય છે  કે જેમ મીત્રો ભેગા થાય અથવા સામે કોઈ રૂપાળી  સ્ત્રી નજરે પડે ત્યારે પત્નીની હાજરીમાં પણ પતિ લાઈન મારી લેવાની તક છોડતો નથી, જો કે પત્ની સાથે હોય ત્યારે  તરત પતિની નજર જોઈ કહે.. બસ હવે શોભતુ નથી. અને પતિ ચોરી કરતા પકડાઈ ગયો હોય તેમ નજર ફેરવી લે છે. પણ જેમ પુરૂષોને સુંદર સ્ત્રીઓ જોવી ગમે છે, તેમ પત્નીઓને પણ પારકા પુરૂષો ગમતા જ હોઈ શકે તે બહુ સ્વભાવીક છે, છતાં તેઓ આપણી હાજરીમાં કયારે અને કેવી રીતે લાઈન મારી લે છે તેની આપણને ખબર પડતી જ નથી. આજે રવિવાર છે હલકો ફુલકો દિવસ પોતાની ઉપર હસી લેવાનો, તો ટાઈમ મળે તો પત્નીને પુછી તો જુવો કે તુ કઈ રીતે લાઈન મારે છે....

જીંદગી ભલે બ્લેક એન્ડ વ્હાઈટ હોય પણ તેઓ ચિત્રોમાં રંગ ભરે છે

થોડા સમય પહેલા હું અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા હતા, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી સાથે અમે ગાંધી ખોલીમાં ગયા , જયા મહાત્મા ગાંધીને કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, તે બે ત્રણ કેદીઓ પોતાની નાનકડી કોટડીમાં કોઈક કામ કરી રહ્યા હતા, મને આશ્ચર્ય થયુ મેં તે ખોલી તરફ ઈશારો કરતા પુછયુ ત્યાં શુ ચાલી રહ્યુ છે, સુનીલ જોશીના ચહેરા ઉપર એક સ્મીત આવ્યુ તેમણે અમને તે કેદીઓ તરફ જવાનો ઈશારો કર્યો, અમે ત્યા ગયા તો આંખો જોતી જ રહી ગઈ, કેદીઓ કેનવાસ ઉપર ચીત્રો દોરી રહ્યા હતા. કોઈ તેમાં રંગ ભરી રહ્યુ હતું.

સુનીલ જોશીએ કહ્યુ આ કેદીઓ કેટલાંય વર્ષોથી જેલની બહાર ગયા નથી કદાચ દસ બાર વર્ષથી તો અંદર જ છે, તેમનો નાતો બહારની દુનિયાથી તુટી જ ગયો છે, છતાં તેમના મનમાં થતી ઉથલપાથલોને કેનવાસ ઉપર લાવે છે. મેં  પુછયુ તો પછી તમે આ ચીત્રોનું શુ કરો છો, તેમણે કહ્યુ આ જેલ છે, એટલે તેમના ચીત્રો જોવા માટે કોઈને અંદર તો બોલાવી શકાય નહીં, બસ તેઓ પોતાનું કામ કર્યા કરે છે. વિવેક દેસાઈએ કહ્યુ બહારની કોઈ વ્યકિત જેલની અંદર આવી શકે નહીં, પણ ચીત્રો તો બહાર આવી શકેને, સુનીલ જોશી જોઈ રહ્યા, વિવેકે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યુ નવજીવન ટ્રસ્ટમાં આ ચિત્રોનું પ્રદર્શન થઈ શકે જો તમે મંજુરી આપો તો..

સુનીલ જોશી વિચાર કરવા લાગ્યા અને તેમણે કહ્યુ વાત તો સાચી છે, જો આવુ થાય તે મને બહુ સારૂ લાગશે, કારણ જેલમાં રહેલા કેદીઓની કલા લોકો સુધી જાય તો આ કેદીઓને બહુ પ્રોત્સાહન મળશે, તેમણે તરત ચીત્રો દોરી રહેલા કેદીઓને બોલાવી પુછયુ. તમે વધુ સંખ્યામાં ચીત્રો દોરી શકો.. કેદીઓએ હા પાડતા તેમણે કહ્યુ આપણે જલદી તમારા ચીત્રોનું પ્રદર્શન કરીશુ, તમે કામ શરૂ કરો. અને પેન્સીલ રંગ અને પીછી લઈ પાંચ કેદીઓ ચીત્રો બનાવવા લાગ્યા, જેલના નિયમ પ્રમાણે કેદીઓને દિવસ દરમિયાન તો તેમને સોંપવામાં આવતુ કામ પણ કરવાનું હતું, પણ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશીએ આ કેદીઓને પોતાની બેરેકમાં પણ ચીત્રો તૈયાર કરવાની મંજુરી આપી હતી.

ત્યાર બાદ હું સુનીલ જોશી સાથે કેદીઓના ચીત્રો જોવા માટે બે ત્રણ વખત ગયો, તેમના ચીત્રો જોઈ કયારેક સુનીલ જોષી કેદીને પુછતાં યહ કયા બનાયા હૈ. તો કેદીઓ શાંત થઈ જતા, તેઓ પોતે પણ પોતાની ચીત્રમાં શુ કહેવા માગે છે તે અંગે કહી શકતા ન્હોતા, એકાદ વખત તો સુનીલ જોષીએ કેદીઓને કહ્યુ અરે ભાઈ સભી પેઈન્ટીંગમાં દર્દ કયો હે, કુછ પોઝીટીવ ભી બનાવો, કેદીઓ માત્ર જી સર કહી ઉભા રહેતા હતા, પણ પછી પણ તેમના ચીત્રમાં પણ તેમની જ વાત આવતી હતી. ચીત્રો ત્યાર થવા આવ્યા હતા, સુનીલ જોશીએ કહ્યુ ચીત્રોના પ્રદર્શન સાથે વેચાણ પણ થાય તો સારૂ, જે ચીત્રનું વેચાણ થાય તેના તમામ પૈસા તે જ કેદીને જેણે ચીત્ર દોર્યુ છે તેને આપી દેવામાં આવે તો તેમને પોતાની જાત ઉપર ભરોસો થશે.

બે દિવસ પહેલા કેદીઓએ તૈયાર કરેલા તમામ ચીત્રો આપવા માટે જેલના અધિકારીઓ નવજીવન ઉપર આવ્યા, ચીત્ર મારો વિષય નથી, પણ મારા નવજીવન ટ્રસ્ટના સાથી અને સત્ય આર્ટ ગેલેરીનો કાર્યભાર સંભળાત હિમાંશુએ ચીત્રો જોઈ કહ્યુ કેટલાંક ચીત્રો ઉત્તમ છે, જો  કેદી ચીત્રકારની સહી હટાવી કોઈ નામી ચીત્રકારની સહી કરી દેવામાં આવે તો ખબર જ ના પડે આ ચીત્રકાર એક કેદી છે ચીત્રો જોઈ હિમાંશુ કહ્યુ કેદીઓના ઘણા બધા ચીત્રોમાં માનસીક બંધનની વાત છે, તેમને આકાશમાં ઉડવુ છે તેનો ભાસ છે અને કયાંક તેમની અંદર રહેલો ધર્મ આ ત્રણે બાબતનું કેનવાસ ઉપર સમનવ્ય થયુ છે.

નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં આ ચીત્રોનું પ્રદર્શન જાણિતા ચીત્રકાર વૃંદાવન સોંલકી તા 27 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે ખુલ્લુ મુકશે, જે 2 ઓકટોબરના રાત નવ સુધી ખુલ્લુ રહેશે,   સાબરમતી જેલની દિવાલ પાછળના કલાકારને ઓળખવો હોય તો તમારે પ્રદર્શન જોવુ પડશે, અને કદાચ તેમાંનું એકાદ પેઈન્ટીગ તમારા ઘર અથવા ઓફિસની દિવાલ માટે પણ પસંદ કરી શકો છે, જે કેદીઓમાં રહેલા કલાકારને જીવતો રાખવા માટે  તમારી તરફનો એક નાનકડો પ્રયાસ હશે.

Friday, September 23, 2016

આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્ને મારા છે.

નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી તરીકે આવ્યા ત્યારથી મારી અને તેમની વચ્ચેનો નાતો પ્રેમ અને ધીક્કારનો રહ્યો છે. જેની માટે અમારી બન્ને પાસે અમારા તર્ક અને કારણો છે.જો કે હવે સામ-સામે મળી જવાનું તો લગભગ બંધ જ થઈ ગયુ છે પણ જયારે પણ મળ્યા ત્યારે સૌજન્યપુર્ણ રહ્યો છે વ્યવહાર બંન્ને તરફથી રહ્યો છે. 2002ના તોફાનો વખતે હું વિક્રમ વકિલના હોટલાઈન સાપ્તાહિકમાં કામ કરતો હતો, તેના કારણે લગભગ ગુજરાતમાં જયાં પણ તોફાનો થયા ત્યાં જવાનું થયુ, તે અંગે મેં વિગતવાર રીપોર્ટીંગ કર્યુ અને મારી પાસે ફસ્ટ હેન્ડ ખુબ માહિતીઓ હતી. હું જયારે તે તોફાનો વાત કરતો ત્યારે મને મારા મીત્રો સલાહ આપતા કે તે અંગે મારે લખવુ જોઈએ, અમદાવાદ પોલીસ કમિશનરના પીઆરઓ અને મારા ખુબ જ નજીકના મીત્ર અશ્વીન જાનીએ મને પુસ્તક સ્વરૂપે આ વિગતો લખવાની સલાહ આપી, અને 2005માં ગોધરાના રમખાણોનું અધુરૂ સત્ય નામે તે પુસ્તક મેં બજારમાં મુકયુ, ત્યાર બાદ ઘણુ બધુ થયુ પણ તે વિગતો અહિયા મુકતો નથી.

2007ની વાત છે ત્યારે હું અમદાવાદ દિવ્ય ભાસ્કરમાં ફરજ બજાવતો હતો, એક દિવસ  નોર્થ અમેરીકાના એક રેડીયો સ્ટેશનમાંથી મને ફોન આવ્યો. તેમણે મારા ગોધરાના રમખાણોનું અધુરૂ સત્ય પુસ્તક અંગે વાત કરી, તે પુસ્તકને કારણે તેઓ મારો લાઈવ  ઈન્ટરવ્યુ કરવા માગતા હતા, મેં તેમને હા પાડી, તેમણે મને એક ચોક્કસ સમય આપ્યો અને એક કલાકનો લાઈવ ઈન્ટરવ્યુ થયો, તે દરમિયાન શ્રોતાઓ પણ મને સીધા પ્રશ્ન પુછતા હતા, અમેરીકામાં રહેતા ભારતીયોને 2002માં ગુજરાતમાં શુ થયુ, નરેન્દ્ર મોદી સરકારની ભુમીકા શુ હતી વગેરે વગેરે અનેક પ્રશ્ન હતા, જે અંગે મારી માહિતી , મારી માન્યતા અને મારી સમજ પ્રમાણે મેં જવાબ આપ્યા હતા જયારે મારા ઈન્ટરવ્યુનો એક કલાક પુરો થવા આવ્યા ત્યારે રેડીયો સ્ટેશને મને એક આમંત્રણ આપતા કહ્યુ.. હજી ફોન લાઈન ઉપર અને શ્રોતાઓ છે, કદાચ અમારા રેડીયો સ્ટેશન ઉપર કોઈ એક ઈન્ટરવ્યુ માટે સૌથી વધારે ફોન કોલ્સ આવી રહ્યા છે. એક  કલાકમાં આ બધા શ્રોતાઓને સમાવી શકાય તેમ નથી.

અમારા રેડીયો સ્ટેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે તમને અમેરીકા બોલાવીએ, જેનો તમામ ખર્ચ રેડીયો સ્ટેશન ઉપાડશે અને એક મહિના દરમિયાન તમારે અમેરીકાના વિવિધ શહેરોમાં લોકોને મળવાનું રહેશે. આ સાંભળતા હું રોમાંચીત થઈ ગયો હતો. મને અમેરીકાનું આમંત્રણ મળ્યુ હતું, તેની સાથે મારે માટે આ પ્રવાસ સૌથી વધારે મહત્વનો એટલા માટે હતો કે મેં આજ સુધી મુંબઈ પણ જોયુ નથી ત્યારે મારે અમેરીકા  જવાનું હતું, તેવી જ રીતે હું ડોમેસ્ટીક પ્લેનમાં પણ બેઠો નથી ત્યારે ઈન્ટરનેશન ફલાઈટમાં મુસાફરી કરવાની હતી. કદાચ આટલા વર્ષો બાદ હું મારા મનમાં થયેલી રોમાંચીત ક્ષણોનું વર્ણન પણ કરી શકતો નથી. મેં તેમને અમેરીકા આવવાના તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો, રેડીયો સ્ટેશનના અધિકારીઓએ મને કેટલીક અન્ય ફોર્માલીટી કરવા માટે બીજા દિવસે ફોન કરીશુ તેવુ જણાવ્યુ હતું.

તે રાત્રે જયારે હું ઘરે પહોચ્યો ત્યારે મારી ઉપર અમેરીકા ટુરનું ભુત સવાર થઈ ગયુ હતું, પણ ખબર નહીં મને કઈક ખરાબ પણ લાગી રહ્યુ હતું, લગભગ એકાદ બે કલાક હું મને શુ ખરાબ લાગી રહ્યુ છે, તેની ગડમથલમાં રહ્યો, પછી મેં રેડીયો ઉપર મને પુછવામાં આવેલા સવાલો અને મેં આપેલા જવાબો યાદ કરી ગયો અને ત્યાર બાદ મને અમેરીકા આવવાનું જે આમંત્રણ મળ્યુ તેને એક સીધી લીટીમાં જોઈ ગયો અને મને તરત લાગ્યુ ખરેખર મારી ચુક કયા થઈ. મેં રેડીયો સ્ટેશનને  ઈન્ટરવ્યુ આપ્યો ત્યાં સુધી બધુ બરાબર હતું, પણ હવે હું જયારે અમેરીકા જઈશ ત્યાં મને લોકો ગુજરાતના તોફાનો અંગે સવાલ પુછશે., નરેન્દ્ર મોદી સરકારની ભુમીકા અંગે પુછશે ત્યારે હું અમેરીકાની ધરતી ઉપર ઉભો રહી શુ કહીશ. મને માઠુ લાગ્યુ મેં મારી જાતને કહ્યુ 2002માં જે ગુજરાતમાં થયુ તે શરમજનક હતું, પણ તે અંગે હું વિદેશમાં ઉભો રહી મારા રાજયની ટીકા કેમ કરૂ, નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઈચ્છતી તો કદાચ ખુવારીના આંકડા ઘટાડી શકતા હતા, પણ મારે અમેરીકા જઈ નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારને કેમ ગાળો આપવી જોઈએ.

આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્ને મારા છે, દેશ અને મોદી સામે મારી ફરિયાદ હોય તો પણ તેમની સામે હું મારી ધરતી ઉપર ઉભો રહી વિરોધ કરીશ, તેમની ટીકા કરીશ, મારી નારાજગી પણ બતાડીશ. પણ અમેરીકામાં જઈ હું  દેશ અને મોદીને ગાળો આપુ એક ભારતીય અથવા ભારતીય પત્રકાર તરીકે મને શોભતુ નથી. હું જે કઈ કરીશ તેનાથી કોઈ મોટો ફર્ક પડવાનો નથી, મને કોઈ પુછવાનું પણ નથી છતાં મારી જાતને મારે જવાબ આપવાનો છે ત્યારે મારે અમેરીકા આ મુદ્દે તો ના જ જવુ જોઈએ તેવો મેં નિર્ણય કર્યો, અને થોડીક જ મિનીટમાં મારૂ અમેરીકા જવાનું અને પ્લેનમાં બેસવાનું સ્વપ્ન ધરતી ઉપર આવી ગયું, બીજા દિવસે જયારે મને અમેરીકા રેડીયો સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો ત્યારે મેં અમેરીકા આવવાની ના પાડી અને મારા કારણો કહ્યા હતા.


આ વાત અત્યારે એટલા માટે યાદ આવી અને લખી રહ્યો છુ કે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અનેક લોકો નરેન્દ્ર મોદીની ટીકા કરે છે. મારા જેવા ટીકાકાર માટે પણ આ ઘટના દોડવુ હતું અને ઢાળ મળી ગયા જેવી છે, પણ હું કહુ છુ, મોદીના સામેના વાંધો પુરા કરવા ઈશ્વર બધાને સમય આપશે, પણ આ સમયે નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ તેમની ટીકા કરવાને બદલે તેમની સાથે ઉભા રહેવાની જરૂર છે.વાત હવે 56 ઈચની છાતીના વાત કરનાર વિરોધ પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નથી, પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્નેને દેશના એક એક નાગરિકના સહયોગની જરૂર છે. જયારે શુ મદદ થઈ શકે તેવો પ્રશ્ન ઉભો થાય ત્યારે મૌન ઉભા રહીને પણ દેશ સેવા થઈ શકે તેમ છે, કારણ આપણને વિશ્વના તમામ પ્રશ્નો અને તેના ઉકેલની ખબર હોવી જોઈએ તેવુ જરૂરી નથી, દેશની પ્રજાએ જયારે નરેન્દ્ર મોદીને લોકતાંત્રીક પધ્ધતિથી દેશના વડા તરીકે સુકાન સોંપ્યુ છે, ત્યારે આ સમયે તેમને નિર્ણય લેવા દેવો જોઈએ અને દેશે તેમના  નિર્ણયમાં સુર પુરાવા જોઈએ.

જય હિન્દ

Wednesday, September 21, 2016

કયારેક પોતાને તો પુછો તમને શુ ગમે છે...

થોડા દિવસ પહેલા હું ગાંધીનગરની એક કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરી રહેલા વિધ્યાર્થીનું લેકચર લેવા ગયો હતો, મને જે વિષય આપવામાં આવ્યો હતો તે પ્રમાણે તો મારે પત્રકારત્વ વિષય ઉપર બોલવાનું હતું, પણ લેકચરની શરૂઆતની થોડી મિનીટોમાં જ મને વિધ્યાર્થીઓનો ચહેરો જોઈ સમજાઈ ગયું કે તેમના મનમાં ઘણી બધી અસ્પષ્ટતા હતી, એટલે મેં મારો વિષય બદલી તેમને કહ્યુ. તમે તમારી જાતને પુછયુ કે તમને શુ ગમે છે.. તો મોટા ભાગના વિધ્યાર્થીઓએ જાણે પહેલી વખત જ આ પ્રશ્ન સાંભળ્યો હોય તેવુ મને લાગ્યુ.. પહેલા સ્કુલમાં હતા અને હવે કોલેજમાં હતા, થોડા મહિના પછી તેઓ ગ્રેજ્યુએશનની ડીગ્રી લઈ બહાર નિકળવાના હતા, પણ તેમને ખબર જ ન્હોતી કે તેમને શુ ગમે છે..

જયારે હું સ્કુલમાં ભણતો ત્યારે મને કેટલાંક શિક્ષકો ખુબ ગમતા, જયારે કેટલાંક શિક્ષક પોતાના વિષયમાં માહિર હોવા છતાં તેમનો કલાસ મને ગમતો નહીં, આવુ કેમ થાય છે ત્યારે મને સમજાતુ ન્હોતુ, પણ હવે સમજાય છે કે જે શિક્ષક મને ગમતો તેની સાથે મને ગમતુ કારણ તેમને  ભણાવવુ ગમતુ હતું, તે તેમના માટે માત્ર નોકરી ન્હોતી  પત્રકાર થવાનું મેં પહેલાથી નક્કી કર્યુ હતું તેના કારણે આજે પણ મને તે ગમે છે, મને તે કયારેય નોકરી લાગી નહીં તેનો ફાયદો મને એવો થયો કે મેં મારી 25 વર્ષના કામમાં કયારેય રીપોર્ટીંગ વખતે કાગળ પેન લઈ કોઈ મુદ્દા લખ્યા નથી, ગમતુ કામ હોવાને કારણે તે યાદ રહે છે.  આપણે ત્યાં મોટા ભાગના લોકોને ખબર જ હોતી નથી તેમને શુ ગમે છે, તેના કારણે નહીં ગમતુ શિક્ષણ મેળવે છે, નહીં ગમતી ડીગ્રી માટે વર્ષો પસાર કરે છે અને ડીગ્રી આવ્યા પછી માત્ર જીવવા માટે કામ કરે છે, તેના કારણે તેમના કામ અને જીવનમાં પ્રાણ હોતો નથી એક મોનોટોનસ નીરસ જીંદગી વર્ષો સુધી ચાલ્યા કરે છે.

મારો દિકરો આકાશ પણ વીસ વર્ષનો છે જે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, ભણવામાં ખુબ હોશીયાર છે( સદ્દનસીબે શિક્ષણમાં મારી ઉપર ગયો નથી) તેની સાથે હવે શુ કરીશ તેવી  ચર્ચા નિકળે છે , ત્યારે હું તેને સલાહ આપુ છુ કે નોકરી જ કરવી તેવુ જરૂરી નથી, તને ગમતુ કોઈ પણ કામ કરજે.. તને લાગે કે ડ્રાઈવીંગ કરવુ ગમે છે તો કાર ચલાવ પણ તારા ડ્રાઈવીંગમાં એટલી માહિરતા મેળવ કે તારી પસંદગી રાષ્ટ્રપતિના ડ્રાઈવર તરીકે થાય. જે કામ આપણને ગમે તેમાં જીવંતતા હોય છે. સચિન તેંડુલકરને ક્રિકેટ ગમતુ હતુ, માટે તે શ્રેષ્ઠ રમી શકયો પણ માની લો કે સચીનના પિતાએ તેને ફુટબોલ રમવાની ફરજ પાડી હોત તો આજે તે કયાં હોત તેની તેને પોતાને પણ ખબર ના હોત.

જેમ કે ઘણા પિતા  સચીન ક્રિકેટમાં સફળ થયો એટલે હું પણ મારા સંતાનને સચીન થવાની ફરજ પાડુ છુ કારણ એક જમાનામાં હું ક્રિકેટ રમતો હતો અને કોઈક કારણસર રણજી ટ્રોફી રમી શકયો નહીં, એટલે જીંદગી તરફની મારી હતાશા અને બદલો લેવાની ભાવના હું મારા દિકરા પાસેથી વસુલ કરવા તેને પરાણે ક્રિકેટ રમાડુ છુ, જેમા કદાચ તેને રસ નથી તેને ગમતુ કામ પણ નથી. અમદાવાદમાં એક માણસ સારી કોફી બનાવતો કારણ તે તેનું ગમતુ કામ હતું, એક નાનકડી લારીમાં તે કોફી વેચતો હતો, તેની લારીનું નામ  શંભુ હતું , પણ તે તેનું ગમતુ કામ હોવાને કારણે આજે શંભુ કોફી બારની અમદાવાદમાં ઠેર ઠેર ફ્રેન્ચાઈઝી છે. તેવી જ રીતે અમદાવાદના લો ગાર્ડન પાસે પાવભાજીની ઘણી  લારીઓ વર્ષોથી ઉભી રહી છે, જેમાં ઓનેસ્ટ ભાજીપાવ છે, જે તેને ગમતુ કામ હતું, તેને પોતાનું કામ નાનુ લાગ્યુ નહીં તેના કારણે લારીમાંથી દુકાનો નથી અને દુકાનો વધતી ગઈ આજે દેશના અનેક રાજયમાં ઓનેસ્ટ ભાજીપાંવ મળે છે.

એટલે આપણા બાળક ઉપર આપણા નિષ્ફળ સપનાઓ થોપવાને બદલે તેને ગમતુ કામ કરવા દઈએ, તો કદાચ તેને પોતાના ગમતા કામમાં નિષ્ફળતા મળે તો પણ તેની નિષ્ફતા તેની પોતાની હશે, બાળકના જીંદગીની સફળતા નિષ્ફળતા બંન્ને તેની પોતાની હોવી જોઈએ, એટલે મેં કોલેજમાં લેકચર લેતી વખતે કહ્યુ કે તમને ગમતુ કામ પસંદ કરો તે નાનું પણ હોય અથવા મોટુ પણ હોય તે પણ તે તમારૂ પોતાનું હોય નહીં કે મીત્ર અથવા પરિવારે નક્કી કરેલુ.જે લોકો હવે નોકરી ધંધે લાગી ગયા છે, તેમને પોતાનું ગમતુ કામ નહીં હોવાને કારણે કંટાળો આવે છે, તો તેમણે પણ યાદ કરી  લેવુ જોઈએ કે તેમને કોઈ વાત ગમે છે, તો તે તરફ પણ કામની સાથે વળી શકાય, પછી તે ફરવા જવુ હોય, મીત્રને મળવુ હોય, કોઈ રમત હોય અથવા કઈક લખવાની વાત હોય, આ પ્રયોગ કરી જોવા જેવો છે કદાચ તમારી જીંદગીની મઝા પાછી આવે.

Tuesday, September 20, 2016

હજી તો મેં પહેલો અક્ષર માંડયો અને તે આખો પત્ર વાંચી લીધો.

વિશ્વાસ અને હેમાંગી એન્જીનિયરીંગમાં સાથે જ ભણતા હતા, પહેલા દોસ્તી થઈ અને તેમની દોસ્તી કાયમી મીત્રતામાં ફેરવાઈ ગઈ, બંન્નેના લગ્ન પછી વિશ્વાસે પોતાના પિતાની ફર્મમાં સિવિલ એન્જીનિયર તરીકેનું કામ શરૂ કરી દીધુ, શરૂઆતના થોડા મહિના તો હેમાંગી પણ વિશ્વાસ સાથે કામ કરતી , પણ એક દિવસ તેણે વિશ્વાસને કહ્યુ, હું આવતીકાલથી ફર્મ ઉપર નહીં આવુ.. વિશ્વાસને  આશ્ચર્ય થયુ તેણે પુછયુ કેમ શુ થયુ ? હેમાંગીએ વિશ્વાસના શર્ટનું ઉપરનું બટન બંધ કરી તેના માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યુ કઈ નહીં, બસ મારે તારી રાહ જોવી છે. હું સાંજે રસોઈ કરી તુ કયારે ઘરે આવે તેની મારે રાહ જોવી છે. હું અને તુ આખો દિવસ સાથે જ કામ કરીએ છીએ, તેમાં કોઈ રોમાંચ નથી, હું તને પ્રેમ કરૂ છુ, તેની મને ખબર ત્યાર  પડે, જયારે તુ મને મળે નહીં. એટલે હું કાલથી ઓફિસ આવીશ નહીં. તેમ કહેતા તેણે વિશ્વાસના ગાલ ઉપર ટપલી મારતા કહ્યુ હવે ટગર ટગર જોઈશ નહીં મારે ઘણા કામ છે.

પછી તેવુ જ થતુ સાંજના પાંચ વાગે એટલે હેમાંગી રસોઈ કરી સરસ તૈયાર થતી, કયારેક ટીવી જોતી તો કયારેક નોવેલ વાંચતી, પણ તેની આંખ અને કાન તો ઘરના  દરવાજા તરફ જ રહેતા હતા, કેટલીક વખત રસોઈ તૈયાર હોય તો પણ વિશ્વાસ કારનું હોન વગાડી હેમાંગીને બહાર બોલાવી લેતો અને બંન્ને દુર દુર સુધી કારમાં ફરવા જતા અને બહાર જ જમી લેતા હતા, કયારેક ઓફિસનું કામ લઈ વિશ્વાસ ઘરે આવે તો હેમાંગી તેના કામમાં મદદ પણ કરતી હતી, જો કે તેનો ઈરાદો વિશ્વાસને મદદરૂપ થવાને બદલે વિશ્વાસ સાથે બેસવા મળે તેવો હતો. કેટલીક વખત હેમાંગીની આંખો પણ ઘેરાવવા લાગતી, ત્યારે વિશ્વાસ કહેતો હેમુ સુઈ જા, હમણાં જ થોડીવારમાં આવીશ, પણ તે કયારેય વિશ્વાસને મુકીને ગઈ ન્હોતી.

વિશ્વાસ બોલકો હતો જયારે હેમાંગી ઓછુ બોલતી છતાં તેને વિશ્વાસની નજર ફરે અને વાત સમજાઈ જતી હતી, કયારેક વિશ્વાસને ઓફિસમાં મોડુ થાય ત્યારે તે પુછતી  કેમ આજે મોડુ થયુ  ત્યારે તે કહેતો એક ક્લાયન્ટ મીંટીગ હતી, હેમાંગી તેની સામે જોઈ રહી, અને મનમાં કહેતી વિશ્વાસ ખોટુ બોલી શકતો નથી તો શુ કામ બોલે છે. અને પછી એકલી એકલી હસી પડતી હતી, હેમાંગી રોજ વોશીંગ મશીનમાં કપડા નાખે ત્યારે વિશ્વાસનો શર્ટ હાથમાં લઈ પોતાના નાક પાસે લઈ ઉંડો શ્વાસ લેતી તેને લાગતુ કે વિશ્વાસ તેનામાં સમાઈ ગયો, આવુ તે રોજ કરતી, પણ ખબર નહીં છેલ્લાં કેટલાંક દિવસોથી તે જયારે ઉંડો શ્વાસ લેતી ત્યારે તેને લાગતુ તે વિશ્વાસ તેનાથી દુર જઈ રહ્યો છે. તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા, તેને કયારે વિશ્વાસ ઉપર શંકા ન્હોતી થઈ અને ગુમાવવાનો ડર પણ લાગતો ન્હોતો, કદાચ તેવી શંકા કે ડર આજે પણ ન્હોતો. તેને પોતાની ઉપર ભરોસો હતો.

લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવાને કારણે ઘણી વખત વિશ્વાસ હેમાંગીના પેટ ઉપર હાથ મુકી પુછતો મને ઢીંગલી કયારે આપીશ. તરત હેમાંગી તેને હાથ હટાવી લેતા કહેતી ચલો દુર જાવ બીજો કોઈ ધંધો છે કે નહીં, અને પછી બન્ને હસી પડતા હતા. ઘણી વખત કોઈ કામ હોય તો હેમાંગી વિશ્વાસને મળવા માટે ઓફિસે પણ જતી હતી, હેમાંગીને જોતા વિશ્વાસની સેક્રેટરી સારંગી  ઉભી થઈ જતી  અને વેલકમ મેડમ કહી તેનું સ્વાગત કરતી હતી , કયારેક હેમાંગી કહ્યા વગર ઓફિસ પહોંચી હોય અને વિશ્વાસ કોઈ મિટીંગમાં હોય તો હેમાંગી સારંગી સાથે તેના ટેબલ ઉપર ગપ્પા મારતી હતી, સારંગી તેને કોફી પીવડાવતી હતી. સારંગી ખુબ રૂપાળી અને પ્રેમાળ હતી. હેમાંગીને પણ તે ગમતી હતી, ઘણી વખત હેમાંગી મસ્તી કરવાના મુડમાં હોય ત્યારે વિશ્વાસને કહેતી તુ હિરા પારખુ તો છે. વિશ્વાસ પુછતો કેમ ?  તો હેમાંગી વિશ્વાસની ચેમ્બરના કાચમાંથી સારંગી તરફ ઈશારો કરતા કહેતી સેક્રેટરી તો  ફટકો રાખી છે. અને વિશ્વાસ શરમાઈ જતો હતો.

આજે હેમાંગી ઓફિસ આવી તે જોઈ સારંગીને આશ્ચર્ય થયુ, તેણે તરત ઉભા થયા કહ્યુ મેમ સર તો નથી.. હેમાંગીએ એક ધીમા હાસ્ય સાથે કહ્યુ મને ખબર છે, તે મુંબઈ ગયો છે, પણ આજે હુ તને મળવા માટે જ આવી છુ, તેમ કહી હેમાંગી વિશ્વાસની ચેમ્બરમાં દાખલ થઈ, તેણે જાતે જ બેલ વગાડી બે કોફી લઈ આવવાની સુચના આપી. સારંગી પણ હેમાંગીની બાજુના સોફા ઉપર બેસી, પહેલા તો ઘણી વાર સારંગીને કઈ ખબર પડી જ નહીં, પણ આજે હેમાંગી મેડમની નજર કઈ જુદી હોય તેવુ લાગી રહ્યુ હતું મેડમ તેને પગથી માથા સુધી જોઈ રહ્યા હતા, ત્યારે જ કોફી આવી, હેમાંગીએ પ્યુનને સુચના આપી અમને કોઈ ડીસ્ટર્બ કરે નહીં તેનું ધ્યાન રાખજો. સારંગીનું હ્રદય ઝડપથી ધબકવા લાગ્યુ હતું.

હેમાંગીએ કોફી તરફ ઈશારો કરી સારંગીને કોફી લેવાનું કહ્યુ અને પોતે પણ કોફીનો મગ હાથમાં લીધો, હજી તો સારંગીએ કપ હોઠ ઉપર માંડયો અને કોફીને સ્પર્શ થયો ત્યારે હેમાંગીએ પુછયુ સારંગી.. તુ વિશ્વાસને પ્રેમ કરે છેને...જાણે તે દાઝી ગઈ હોય તેમ તેની મોંઢામાં ગયેલી કોફી બહાર આવી ગઈ, સારંગીનો કપ હોઠથી દુર થઈ ગયો તેણે હેમાંગી સામે જોયુ હેમાંગી જરા પણ ગંભીર ન્હોતી, તે હસી તેણે કહ્યુ દાઝી ગઈ,.. તે ધંધો જ દાઝવાનો કર્યો છે. પ્રેમમાં તો દાઝવુ પડે, છતાં તે સારૂ લાગતુ હોય છે.સારંગીના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ હતું. વિશ્વાસની ચેમ્બરમાં જન્મેલા તેના અને વિશ્વાસના પ્રેમની વાત  ચેમ્બર બહાર કેવી રીતે ગઈ તેની ખબર જ ના પડી. તેઓ બંન્ને સાથે કયારેય બહાર પણ ગયા નથી, કોઈએ તેમને જોયા પણ ન્હોતા, ઓફિસમાં તેમનું બ્હેવીયર એક પ્રોફેશનલ  જેવુ જ હતું.

હેમાંગીએ પોતાની કોફીનો મગ ટેબલ ઉપર મુકતા એક ઉંડો શ્વાસ લીધો અને ગંભીર ચહેરે કહ્યુ.. જો સારંગી હું વિશ્વાસને પ્રેમ કરૂ છુ, અને તે મને પણ આજે પણ એટલે જ પ્રેમ કરે છે. માણસ એક જ સમયે બે માણસને પ્રેમ ના કરી શકે તેવુ હું માનતી નથી. કારણ પ્રેમ કઈ માણસ નથી તે એક સમયે અનેક સ્થળે હોઈ શકે છે. હુ ના પાડીશ તો વિશ્વાસ તને છોડી દેશે, પણ તે તને છોડી તને ભુલી શકશે નહીં. હું તેને સારી રીતે ઓળખુ છુ, અને મારે એક સ્ત્રી અને બીજી સ્ત્રીની યાદોમાં વહેચાયેલો વિશ્વાસ જોઈતો નથી, હું વિશ્વાસને પ્રેમ કરૂ છુ અને તુ પણ અને વિશ્વાસ આપણને બંન્નેને પ્રેમ કરે છે. હું કોઈ ત્યાગ અને બલીદાનની વાત કરવા આવી નથી.

હું તારી પાસેથી વિશ્વાસને છીનવીને પણ મારો કરી શકીશ નહીં, તેની મને ખબર છે, તને મળવા પાછળ મારો પણ સ્વાર્થ છે, હું તેને ગુમાવવા માગતી નથી, આ સ્થિતિમાં આપણા ત્રણે પાસે એક જ વિકલ્પ છે આપણે બધા સાથે રહીએ, સારંગી સ્તબ્ધ હતી.તે ડરી પણ ગઈ હતી અને હેમાંગીના અનઅપેક્ષીત વ્યવહારને કારણે ગળે ડુમો પણ બાજી ગયો હતો, તેને રડવુ આવી રહ્યુ હતું, ત્યારે શાંત બેઠેલી સારંગીનો હેમાંગીએ હાથ પકડતા સારંગીની આંખમાંથી દડ ડદ આંસુ વહેવા લાગ્યા. હેમાંગીએ તેના આંસુ લુછયા, અને કહ્યુ જો સાથે રહેવાનો નિર્ણય મારો છે, મેં હજી વિશ્વાસ સાથે પણ વાત કરી નથી, કરી લઈશ બહુ જલદી, તને હું ફરજ પાડતી નથી, હા વિશ્વાસ વગર હું રહી શકીશ નહીં, હવે તારે નક્કી કરવાનું છે, તારે શુ કરવુ છે.

હેમાંગી ઉભી થઈ બહાર જવા નિકળી ત્યારે સારંગીના ખભે હાથ મુકતા કહ્યુ ટેક કેર યોર સેલ્ફ, સાંરગી ધીમા અવાજે બોલી યસ મેમ.. હેમાંગી ચેમ્બરના દરવાજા પાસે ગઈ અને ત્યાંથી પાછી ફરી તેણે સારંગીની આંખમાં જોતા કહ્યુ આજથી તુ મને મેમ નહીં હેમાંગી કહીશ તો પણ ચાલશે. અને હેમાંગી ત્યાંથી નિકળી ગઈ અને સારંગી જોતી જ રહી. આ વાતને પચ્ચીસ વર્ષ થઈ ગયા, હેમાંગીએ સારંગી સાથે બીજી શરત પણ મુકી હતી, જેમાં હેમાંગી કયારેય પોતાના બાળકને જન્મ નહીં આપે, પણ સારંગી માતા બનશે, સારંગીએ આ મુદ્દે હેમાંગીને ખુબ સમજાવી પણ તે માની નહી. સારંગીએ એક દિકરાને જન્મ આપ્યો જેને  જન્મની સાથે બે મા મળી હતી.થોડા મહિના પહેલા વિશ્વાસને હાર્ટ એટેક આવ્યો તે આઈસીસીયુમાં હતો તેની હાલત અત્યંત નાજુક હતી, ત્યારે હોસ્પિટલના મંદિરમાં  તે  હેમાંગી અને સારંગી એક સાથે બે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યને બચાવી લેવા પ્રાર્થના કરતી હતી અને કદાચ બે સ્ત્રીઓના પ્રેમને કારણ બચી ગયો, ઘણી વખત ખુદ સારંગી પણ વિચાર કરે છે, જો હું હેમાંગીને જગ્યાએ હું  હોત તો બીજી સ્ત્રીને સ્વીકારી શકતી ત્યારે તેના લાગે છે હેમાંગીના પ્રેમની સાથે હિમંત પણ હતી જે મારી પાસે આજે પણ નથી.

જયા વિધ્યાર્થીઓ પોતાના શિક્ષકની પસંદગી કરે છે.

થોડા દિવસો પહેલાની વાત છે, મારી દસમાં ધોરણમાં અભ્યાસ કરતી દિકરીએ મને કહ્યુ કે મારી સ્કુલનાં ફલાણા વિષયના શિક્ષક મને ભણાવે છે તો મને કઈ જ ખબર પડતી નથી, તે જ વખતે ત્યાં હાજર મારી પત્નીએ દિકરીની વાતનો અંત લાવતા કહ્યુ, તને ખબર ના પડે તેમા તારા શિક્ષક શુ કરે. વાત અહિયા અટકી નહીં, આ ઘટનાના થોડા દિવસ પછી કોઈક કામે મારે મારી દિકરી સાથે તેની સ્કુલમાં જવાનું થયુ , ત્યારે મારી દિકરીના કલાસમાં ભણતી અન્ય છોકરીઓએ પણ તે શિક્ષકની અભ્યાસ પધ્ધતિ અંગે મારી દિકરી જેવી જ ફરિયાદ કરી, ત્યારે મને મારી દિકરીએ કરેલી ફરિયાદ વાજબી લાગી, પણ તેનો ઉકેલ મારી પાસે ન્હોતો, કારણ આ અંગે ફરિયાદ કરવાથી સ્કુલ  કોઈ શિક્ષકની બદલી કરે નહીં . મેં દિકરીને કહ્યુ કઈ નહીં આપણે થોડી વધારે મહેનત કરી સર જે ભણાવે તે સમજવાનો પ્રયત્ન કરવાનો.

મને ગાંધીનગરની કડી સર્વવિધ્યાલયની અશ્વીનભાઈ પટેલ કોમર્સ કોલેજમાં લેકચર લેવા માટે પ્રોફેસર સુજલ પાઠક તરફથી આમંત્રણ મળ્યુ હતું, પાઠક સર મને  લેકચર પહેલા પ્રીન્સીપાલ  ડૉ વિજ્ઞા ઓઝાને મળવા લઈ ગયા.સામાન્ય રીતે હમણાં સુધી હું કોઈ પણ શાળા કોલેજના પ્રીન્સીપાલને મળ્યો તેઓ તેવા જરા પણ ન્હોતા, તેમના વ્યવહારમાં એક શિક્ષક માટે હોવી જોઈએ તેવી સૌમ્યતા હતી, તેઓ પ્રીન્સીપાલ હોવા છતાં જાણે આજીવન વિધ્યાર્થી જ હોય તેવો ભાવ હતો. ડૉ ઓઝા અને પાઠક સર સાથે મેં ઘણી બધી વાત કરી ત્યાંથી નિકળતી વખતે હું કોલેજની બહાર ઉભો રહ્યો અને કોલેજ બીલ્ડીંગને જોઈ લાગ્યુ કે કદાચ આવી કોલેજમાં મને અભ્યાસ કરવાની તક મળી હોત તો મઝા પડી હોત અને મને શિક્ષણ કયારે ભાર રૂપ લાગ્યુ ના હોત.

સુજલ પાઠકે પત્રકારત્વનો અભ્યાસ પુરો કર્યો, તેઓ ગાંધીનગરના એક અખબારમાં પણ જોડાયા, પણ તેમને  આ જીંદગી રાસ ના આવી એટલે, તેમણે તેને બાય બાય કરી એકેડમીક ફીલ્ડ તરફ વળ્યા, મને  કડી સર્વવિધ્યાલયની જે વાત સ્પર્શી ગઈ, તેમાં કોલેજમાં ભણતા  વિધ્યાર્થીઓ નક્કી કરે છે કે તેમને કોણ ભણાવશે. પાઠક સરે કહ્યુ કોલેજમાં અંગ્રેજી ફેકલ્ટીની જાહેરખબર જોઈ હું ઈન્ટરવ્યુ માટે આવ્યો, કોલેજના સંચાલકોએ મારી શૈક્ષણિક લાયકાત તપાસી મને ત્રણ અલગ અલગ કલાસમાં લેકચર લેવાનું કહ્યુ.. મને ખબર ન્હોતી, નોકરી મળતા પહેલા મારે શુ કામ લેકચર લેવાના , પણ ત્રણ લેકચર પુરા થયા બાદ મને ખબર પડી કે ત્રણે કલાસના વિધ્યાર્થીઓએ  કોલેજને આપેલા ફીડબેકમાં વિધ્યાર્થીની કસોટીમાં હું ખરો ઉતર્યો.

આ કોલેજની આ પરંપરા છે, કોલેજ સંચાલક માત્ર ડીગ્રી તપાસે છે, જયારે વિધ્યાર્થીઓ જ્ઞાન અને શિક્ષકની લગન તપાસે છે. સંચાલકની નજરમાં ખરા ઉતરેલા શિક્ષકને વિધ્યાર્થી નાપાસ જાહેર કરે તો તેવા શિક્ષકને સ્થાન મળતુ નથી. પ્રીન્સીપાલ વિજ્ઞા ઓઝા કહે છે. એક વખત કોઈ પ્રોફેસરને નોકરી મળી જાય એટલે વાતનો ત્યાં અંત આવતો નથી. દરેક છ મહિને તમામ વિધ્યાર્થીઓ પોતાને ભણાવતા પ્રોફેસરનો ફીડબેક આપે છે, બીજા શબ્દોમાં કહીએ પ્રોફેસરનું દર છ મહિને વિધ્યાર્થીઓ એપ્રેઝલ નક્કી કરી ગુણ આપે છે. જો વિધ્યાર્થી દ્વારા કોઈ પ્રોફેસરને ઓછા ગુણ મુળ તો તેને કોલેજ તરફથી મળતો ઠપકો કોઈ શિક્ષા કરતા વધુ ખરાબ માનવામાં આવે છે. કારણ શિક્ષક વિધ્યાર્થીની નજરમાં પાસ ના થાય તો તેમની ડીગ્રીનો કોઈ અર્થ સરતો નથી.

ડૉ વિજ્ઞા કહે છે. પહેલી વખત ઈન્ટરવ્યુમાં કોલેજ ધ્યાન આપે છે કે આવનાર શિક્ષક પુસ્તકની બહારનું પણ શુ વિચારી શકે છે. કારણ પુસ્તક અને રેફન્સબુકમાંથી તો બધા જ શિક્ષક ભણાવી શકે છે, પણ પુસ્તક બહારની દુનિયા પણ છે. તેની સાથે આવનાર શિક્ષક કેટલો સંપર્કમાં છે તેની પણ તપાસ થાય છે.એટલે નોકરી લેતા પહેલા અને નોકરી મળ્યા પછી શિક્ષકે રોજ પોતાની જાતને તપાસી વિધ્યાર્થી વચ્ચે જીવતા રહેવાની જદ્દો જહેદ કરવી પડે છે.

મને લાગે છે પુસ્તકમાં રહેલા શિક્ષણને જીવતુ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે, જયા શિક્ષક પણ રોજ ભણવા આવે અને વિધ્યાર્થીઓ તેમને શ્રેષ્ઠ શિક્ષકની પદવી આપે.

Sunday, September 18, 2016

નરેન્દ્રભાઈ યુધ્ધ કયારેય કલ્યાણકારી હોઈ શકે નહીં, પણ જવાબ તો આપવો જ પડશે

 કાશ્મીરમાં લશ્કરી થાણા ઉપર થયેલા હુમાલામાં 17 જવાનો શહિદ થયાના સમાચાર મળતા જ નરેન્દ્ર મોદી જયારે વિપક્ષમાં હતા, ત્યારે રજતશર્માની ચેનલ આપકી અદાલતમાં આપેલો 56ની છાતીનો ઈન્ટરવ્યુ  તેમના જ સમર્થકો વાયરલ કરે છે. કારણ તેઓ દુખી છે, તેમને લાગે છે મનમોહનસિંહને પડકારાનો તેમનો નેતા કેમ હવે કઈ બોલતો નથી, વરસાદી ઝાપટુ પડી જાય તેમ ત્રાસવાદી આપણી સરહદમાં આવી આપણા કાન નીચે ખેંચીને મારે તો પણ આપણે કેમ ચુપ બેઠા છીએ.

જયારે પણ વિરોધપક્ષમાં બેઠેલા નેતાઓ સરકારને ગાળો આપે ત્યારે હું કહેતો, સરકારને ગાળો આપવી સહેલી છે, પણ જયારે આપણે વિરોધપક્ષમાં હોઈએ ત્યારે માનસીક રૂપે સરકારની ખુરશીમાં બેસી આપણે જે મુદ્દે ગાળો આપી છીએ તેનો ઉકેલ સરકારમાં આવ્યા પછી આપણી પાસે છે કે નહીં ..? જો જવાબ ના હોય તો ગાળો આપવી નહીં કારણ આજે નહીં તો કાલે પ્રજા જયારે સુકાન સોંપશે ત્યારે કેટલા વિશે સો થાય તેની ખબર પડશે. બરાબર અત્યારે નરેન્દ્ર મોદીની હાલત તેવી જ થઈ છે, યુપીએ સરકાર નકામી છે પાકિસ્તાનને જવાબ આપતી નથી, 56ની છાતી જોઈએ તેવા ભાષણો કરી નરેન્દ્રભાઈ વડાપ્રધાન તો થઈ ગયા પણ એક વખત તે ખુરશીમાં બેઠા પછી ખબર પડે છે કે દેશ અખાડો નથી, અહિયા ફ્રી સ્ટાઈલ કુસ્તી શકય નથી. દેશને પોતાના અને આંતરાષ્ટ્રીય નિયમોમાં ચાલવુ પડે છે.

વાત માત્ર નરેન્દ્ર મોદી પુરતી સિમીત નથી, ત્રાસવાદ અને યુધ્ધ જેવો મુદ્દાનો ઉકેલ વોટસઅપ થવા ફેસબુકથી આવી શકે તેમ નથી, તે આપણે પણ સમજી લેવાની જરૂર છે. એટલે આપણે નરેન્દ્ર મોદીનો જુનો વિડીયો વાયરલ કરીએ અથવા શહિદોના ફોટા મુકી લાઈક કરો તેવુ લખીએ તે આપણી બાલીશતા છે, કદાચ ટાઈમ પાસ કરવા માટે અથવા નરેન્દ્ર મોદી આપણને ગમતા નથી તેના કારણે આપણે તેમને  ગાળો આપી આપણી દેશ ભકિત સાબીત કરીએ તે જુદી વાત છે. વાત જયારે ભારતના કોઈ પણ લશ્કરી થાણા  ઉપર હુમલાની છે ત્યારે નરેન્દ્ર મોદી સાથે તમામ પ્રકારના અણગમા ભુલી અમે તમારી સાથે છીએ તેવુ પ્રજા અને તમામ વિરોધપક્ષે કહેવુ પડશે.

યુધ્ધની વાત કરનાર નરેન્દ્ર મોદીને પણ હવે સમજાયુ હશે કે યુધ્ધ કયારેય કલ્યાણકારી હોઈ શકે નહીં, કારણ યુધ્ધ માત્ર  ભારતની 13 લાખ સેના અને પાકિસ્તાનની છ લાખ સેના વચ્ચે થતુ નથી, પરોક્ષ રીતે બન્ને દેશોની પ્રજા પણ યુધ્ધનો ભાગ બની જાય છે.પાકિસ્તાનને ગાળો આપતા પહેલા આપણે તેનો ઈતિહાસ તપાસી જવાની જરૂર છે. ભારત પાકિસ્તાનનું વિભાજન થયુ ત્યારે પાકિસ્તાનના પાયામાં ભારત તરફની નફરત હતી, પછી પાકિસ્તાનીઓની પણ કમનસીબી રહી કે તેમને કોઈ શાસક પ્રેમ અને દોસ્તી પણ થઈ શકે તેવુ કહેવાની હિંંમત કરી શકયો નહીં. પાયામાં જ ભારત તરફની નફરત હોવાને કારણે જે નેતા ભારતને ગાળો આપે પ્રજાને તેને જ સત્તા સોંપે તે પરંપરા ચાલતી રહી. અને નફરત કેટલુ નુકશાન કરી શકે તેની પાકિસ્તાન ખુદને ખબર છે.

નફરતના બીજમાં પાકિસ્તાનના ગર્ભમાં ત્રાસવાદનો જન્મ થયો, અને જે હવે તેમના નિયંત્રણ બહાર જઈ રહ્યો છે, કોઈને તેવુ લાગતુ હશે તે ત્રાસવાદને ધર્મ સાથે જ નિસ્બત છે, પણ તે વાત સો ટકા સાચી નથી, હોઈ શકે મુંબઈ હુમલાનો આરોપી અઝમલ કસાબ ધર્મના જડતાની ઝપેટમાં આવી હાથમાં બંદુક સાથે ભારત આવી ગયો, પણ હવે પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશો માટે ત્રાસવાદે એક ઉદ્યોગનું સ્થાન લઈ લીધુ છે. તેમાં ખુબ પૈસા છે. ત્રાસવાદી સંગઠનોના નેતા ખુબ પૈસા કમાય છે. વિશ્વના દેશો તેમને હથિયાર વેંચી ધંધો કરે છે, અને મુર્ખ તો નિદોર્ષ યુવાનોને જેહાદના નામે બનાવવામાં આવે છે. આપણો વિરોધ ત્રાસવાદ સામે જોઈ શકે નહીં કે પાકિસ્તાની સામે.

ગોધરામાં કેટલાંક લોકોએ ટ્રેન સળવાગી તો આપણે અમદાવાદના નરોડા પાટીયા અને મહેસાણાના સરદારપુરામાં લોકો સળગાવી દીધા કારણ તેઓ ટ્રેનનો ડબ્બો સળગાવનારની તેમની  કોમના હતા. જીવતા સળગી દેવાની પીડા કદાચ જેમણે ડબ્બો સળગાવ્યો તેમને આપી હોત તો વાત જુદી હતી પણ તેવુ થતુ નથી.  કિમંત તો દરેક વખતે ગરીબો જ ચુકવતા હોય છે તે પછી કોઈ પણ ધર્મ અથવા દેશનો હોય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેમણે પ્રયત્ન કર્યો જ નથી તેવુ નથી. તેમની દેશ ભકિત અંગે પણ કોઈ શંકા નથી જેવી મને મનમોહનસિંગ ઉપર પણ ન્હોતી. પણ હવે મુશરફની માતાને શાલ આપવાનો કાર્યક્રમ પુરો થયો. મુશરફની માતા આપણી માતા છે.

યુધ્ધ કયારેય ઉપાય હોઈ શકે નહીં તેની મને હવે તો બરાબર ખબર પડે છે, છતાં પાકિસ્તાનની હદમાં ચાલતા ત્રાસવાદી કેમ્પમાં ઘુસી હવે તેમને સમજાય તે રીતે સમજાવવા તો પડશે, અમેરીકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટ્રલ ઉપર થયેલા હુમલા પછી અમેરીકાએ જે કર્યુ તેવુ જો કરવુ જ પડશે. આપણી સહિષ્ણુતાને કાયરતામાં ખપાવવી નથી, પ્રજાએ પણ તેની સાથે સંયમ રાખવો પડશે કારણ કાશ્મીરના થાણામાં શહિદ થયેલા જવાનો અને માર્યા ગયેલા ત્રાસવાદીઓના નામ વોટસઅપ મુકી આપણે શુ સાબીત કરવા માગીએ છીએ, કે મરનાર જવાનો હિન્દુ હતા અને ત્રાસવાદીઓ મુસ્લીમ હતા. આ એક સત્ય હોવા છતાં આવી મુર્ખતા આપણને પરવડે તેમ નથી, કારણ આખરે ત્રાસવાદીઓ પણ તે જ ઈચ્છે છે કે તમે લડી મરો.

આ એક લશ્કરી થાણા ઉપર ઉપર હુમલો નથી આ દેશ ઉપર થયેલો હુમલો છે, નરેન્દ્ર મોદી અને તેમના અધિકારીઓ જેમણે નિર્ણય કરવાનો છે તેમની સાથે આખો દેશ ઉભો છે પછી તેમાં તે કયા પક્ષનો, કઈ જાતી કે ધર્મનો છે તેનું કોઈ મહત્વનું નથી, ભારત અખંડ છે, અને જયારે પણ તેની અંખડતાને કોઈ પડકારે છે ત્યારે આ દેશમાં  અબ્દુલ હમીદો જન્મે છે. ભારતીય લશ્કરના ઈતિહાસ અને વર્તમાનમાં અનેક અબ્દુલ હમીદો છે. જેમના લોહીનો રંગ લાલ નહીં ત્રીરંગો છે.

 જય જય હિન્દ..

પ્રજાને કાયદા અને સરકાર કરતા ગુંડો વધારે ભરોસાપાત્ર લાગે છે

બીહારની જેલમાંથી જામીન ઉપર છુટેલા ગેંગસ્ટર મહંમદ શાહબુદ્દીનને જેલની બહાર લેવા માટે હજારો લોકો ઉમટી પડયા, અને 1300 કારનો કાફલો શાહબુદ્દીનની કાર પાછળ જોડાઈ ગયો, તો આ ઘટના નેશનલ સ્ટોરી બની ગઈ. કોઈ એક ગુંડાની વઘામણી કરવા માટે હજારો લોકો કેમ એકઠા થાય તેવો એક પ્રશ્ન કોઈને  પણ થાય, કદાચ કોઈ કહેશે કે બીહારમાં તો આવુ જ થાય, પણ મને તેમાં કઈ અસ્વાભાવીક લાગતુ નથી, આખા ભારતમાં સમયની તવારીખ સાથે થયેલા ગુંડાઓનો દબદબો કાયમ આવો જ રહ્યો છે, કારણ કે  ગુંડાના સંપર્કમાં આવેલા લોકોને સમજાયુ કે કાયદા અને સરકાર કરતા એક ગુંડો વધારે તાકાતવર અને ભરોસાપાત્ર છે. તે બંધારણના સોંગદ લેતો નથી છતાં તે પોતાનું બોલેલુ પાળે છે.તે કોઈને મારી નાખવાની ધમકી આપે છે તો મારીને બતાવે છે, તે કોઈને મદદ કરવાની વાત કરે છે, તો કોઈ પણ પ્રકારના કાગળીયા કર્યા વગર તરત મદદ કરે છે.

વાત માત્ર બીહાર પુરતી સિમીત નથી દેશમાં જયાં પણ શાહબુદ્દીન જેવા ગુંડાઓનો ઉદ્દભવ થયો ત્યાં તેમની પાછળ હજારો લોકો રહ્યા છે, વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં અબ્દુલ લતીફના નામથી ભાગ્યે જ કોઈ અપરિચીત હશે, 1980ના દસકમાં મંજુરઅલી નામના બુટલેગરને ત્યાં નોકરીથી શરૂઆત કરનાર લતીફને બે નંબરના ધંધાની રમત અને તેની માયાજાળ બહુ જલદી સમજાઈ ગઈ, અને તેણે માત્ર પાંચ વર્ષના ગાળામાં પોતાનું અલગ સામ્રાજય ઉભુ કરી સ્થાનિક લોકોના હ્રદયમાં લતીફભાઈનું સ્થાન લઈ લીધુ.તેનો મુળ ધંધો દારૂનો  હતો, ત્યાર બાદ તેની સામે હત્યાના ગુનાઓ પણ નોંધાયા છતાં તેના દરવાજે જઈ ઉભા રહેનારને મદદ કરવા કયારેય તેનો હાથ પાછળ પડતો ન્હોતો

ખરેખર પોતાના પ્રશ્ન  લતીફના દરવાજે લઈ જનાર લોકો પોલીસ કોર્ટ અને કચેરીમાં જઈ આવ્યા હતા, કેટલાંક પોતાના બાળકોને ભણાવવા માટે કે પછી દિકરીના લગ્ન માટે લોન લેવા બેંકના પગથીયા ઘસી કાઢયા હતા, પણ જયારે બધેથી નિરાશા સાપડી ત્યારે તેમને લતીફમાં મસિહા દેખાયો. ખરેખર જે કામ સરકારે અને તંત્રએ કરવુ જોઈતુ હતું, તે કામ લતીફ કરવા લાગ્યો તેના કારણે લોકોનો ભરોસોમાં   વધતો ગયો તેના પરિણાસ સ્વરૂપ 1987માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં જેલમાં રહેલો લતીફ પાંચ બેઠકો ઉપર ચુંટણી લડયો અને પાંચે-પાંચ બેઠકો ઉપરથી ચુંટણી જીતી ગયો હતો.

આ જ પ્રકારે નેવુના દસકમાં વડોદરામાં રાજુ રીસાલદારનું નામ સામે આવ્યુ, શીવસેના નામે તેણે પોતાનું સામ્રાજય વડોદરામાં ઉભુ કર્યુ, અને તે પણ વડોદરાના લોકોનો હિરો બની ગયો, કોર્ટમાં કેસ કરી ન્યાયની રાહ જઈ થાકી ગયેલા લોકો રાજુ રીસાલદારના બંગલામાં રોજ ભરાતી કોર્ટમાં આવવા લાગ્યા અને ત્યાં મિનીટોમાં તે ફેસલો આપી દેતો હતો. તે બન્ને પક્ષો માટે બંધનકર્તા રહેતો હતો, તેની સામે પણ હત્યા અને ખંડણી સહિતના અનેક પોલીસ કેસ નોંધાયા હોવા છતાં ન્યાય અને મદદ માટે કેમ લોકો જતા હતા, તેવો પ્રશ્ન થાય, પણ તેનો અર્થ સ્પષ્ટ હતો કે વડોદરાની પ્રજાને કાયદા અને તંત્ર કરતા રીસાલદાર ઉપર વધુ ભરોસો હતો. આજે તેવુ જ બીહારમાં પણ છે. ત્યાં શાહબુદ્દીને એકલો નથી ત્યાં અનેક શાહબુદ્દીનો છે કદાચ તેમનો ધર્મ કોઈ પણ હોઈ શકે, જેવી રીતે ઉત્તર પ્રદેશમાં રાજુ ભૈયા અને મુંબઈમાં ભાઈ ઠાકુર છે, જો કે આ  ગુંડાઓ મદદ અને ન્યાય કરવામાં કોમ જોતા નથી, તેઓ આપણા નેતાઓ અને ધર્માધીકારીઓ કરતા વધુ બીનસાંપ્રદાઈક છે.

વાત લતીફ અને રાજુ રીસાલદારની હોય તેમના કામને ન્યાયી ઠેરવી શકાય નહીં કારણ ક્રમશ લોકોની તેમના તરફની આસ્થા અને ભીડ જોઈ તેઓ પોતાને સરકાર માનવા લાગે છે, તેના કારણે રાજુ રીસાલદારનું  પત્રકાર દિનેશ પાઠક હત્યા કેસમાં અને લતીફનું સગીરઅહેમદ હત્યા કેસ બાદ પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજયુ હતું. ટુંકા રસ્તો અને ટુંકા સમયમાં શહેનશાહ થયેલી ગયેલા ગેંગસ્ટરનો અંત ફિલ્મી સ્ટોરીની જેમ બહુ જલદી આવતો જ હોય છે. શાહબુદ્દીનના મુદ્દે બીહારનું રાજકારણ ગરમાયુ છે, પણ સવાલ માત્ર એક શાહબુદ્દીન પુરતો સિમીત નથી, આખી ઘટનાને બહુ વિશાળ ફલક ઉપર જોવાની જરૂર છે, લોકો કાયદા અને સરકારમાં વિશ્વાસ ગુમાવી ગુંડાઓ ઉપર ભરોસો કરવા લાગે તે સ્થિતિ કયારેય સારી કહી શકાય નહીં, છતાં તે વાસ્વીકતાનું રૂપ લઈ રહી છે.

ગાંધીના ગુજરાતમાં પણ એક ડઝન કરતા વધુ ધારાસભ્ય એવા છે કે જેમની સામે વિવિધ પ્રકારના ગુનાઓ  નોંધાયા હોવા છતાં તેઓ નીશંકપણે ચુંટણી જીતે જ છે. કારણ તેમના મતદારોને તેમના ધારાસભ્યની રાજકિય લાયકાત  કરતા તેની અંદર રહેલું ગુંડાતત્વ વધુ આકર્ષીત કરે છે. આ નેતાઓ પ્રજાનું કામ નહીં કરતા સરકારી અધિકારીઓને જાહેરમાં ફટકારે છે, તેના કારણે  પ્રજાને લાગે છે કે એક પ્રમાણિક અને સાલસ નેતા કરતા ગુંડો ધારાસભ્ય વધુ અસરકારક છે. આ સ્થિતિમાં શાસન કરતા અને ન્યાય પ્રણાલિકામાં નિર્ણય લેનારે વિચાર કરવો પડશે નહીંતર દરેક મહોલ્લોમાં એક શાહબુદ્દીન અને ભાઈ ઠાકુર  હશે તે દિવસો દુર નથી.

Saturday, September 17, 2016

નરેન્દ્રભાઈ તમે તો કટોકટી તો જોઈ છેને .....

આદરણીય નરેન્દ્રભાઈ

આજે આપનો જન્મ દિવસ છે તેની શુભેચ્છા પાઠવુ છુ, એક ગુજરાતી વડાપ્રધાન થાય તે અમારા સૌનું ગૌરવ છે. પહેલા તો તમારો આભાર માનીશ કારણ તમે થોડા દિવસ પહેલા જ ગુજરાત આવ્યા ત્યારે તમને મેં વાડીયાની સોનલ વતી એક પત્ર લખ્યો હતો, તમે જામનગરથી દિલ્હી પહોંચો તે પહેલા તમારો સંદેશો ગુજરાત સરકાર સુધી પહોંચી ગયો અને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ત્વરીત તે દિશામાં પગલા પણ લીઘા.તે માટે હું અને સોનલ બંન્ને તમારા રૂણી છીએ.

આજે તમે ટુંકા ગાળામાં બીજી વખત ગુજરાત આવ્યા, જો કે આ વખતે તમે આવ્યા તે પહેલા ગુજરાત પોલીસે બહુ વિચિત્ર વ્યવહાર કર્યો, એક નાનુ ઘર હોય તો પણ બે માણસ તો તેમાં પણ નારાજ રહેતા હોય છે, આ તો એક રાજય છે, જે લોકો નારાજ છે તે પણ તમારા અને મારા જ છે. પછી તે દલિત હોય અથવા પટેલ હોય, પણ તમે ગુજરાત આવો તેના ચોવીસ કલાક પહેલા પોલીસે જીજ્ઞેશ મેવાણી સહિત પાટીદાર નેતાઓની અટકાયત શરૂ કરી , તમે જ કહો આ કેટલુ વાજબી છે. તમે મહામંત્રીથી વડાપ્રધાન થયા ત્યાં સુધી તમે અનેક રાજકિય તડકી છાયડીઓ જોઈ છે જે નારાજ હોય અથવા જે વિરોધપક્ષમાં હોય તેમને પોતાની વાત મુકવાનો પણ એટલો જ અધિકાર  છે તે વાત સાથે તમે પણ સંમત્ત હશો જ.

ઈન્દીરા ગાંધીના કાળમાં કટોકટી લાદવામાં આવી ત્યારે મારી ઉંમર ખુબ નાની હતી, પણ તમારા સહિત અનેક નેતાઓ, પત્રકારો અને યુનિયન લીડરની કેવી હાલત થઈ હતી તેનાથી તમે વાકેફ જ છો તેથી તે અંગે કઈ વધુ  લખતો નથી. પત્રકારત્વને કારણે મને ખબર છે કે દેશના કોઈ એક રાજયના ગૃહ સચિવ અથવા ડીજીપી દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય માટે તમે જવાબદાર નથી, છતાં તે બાબત તમારા ધ્યાન બહાર રહે  નહીં તે માટે આપને લખી રહ્યો છુ. કોઈ પણ શાસનકર્તાનો પ્રયાસ રાજયના તમામ વર્ગના લોકો ખુશ અને સમૃધ્ધ રહે તેવો જ હોય છે.

તમારો અને તમારા પક્ષનો પણ તેવો જ પ્રયાસ હશે, છતાં કેટલાંક મુદ્દે અમુક વર્ગ નારાજ છે તે વાસ્વીકતા પણ નકારી શકાય તેવી નથી, ત્યારે જેમને કઈક કહેવુ છે તે કઈ રીતે તમારા સુધી વાત પહોંચે તેનો પ્રયાસ કરશે, પણ તેના બદલે કટોકટીમાં થતુ હતુ તેમ વિરોધીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે તો તે  મને વાજબી લાગતુ નથી, મને ખબર છે આ પ્રકારનો આદેશ અત્યંત સ્થાનિક કક્ષાએ જ લેવાયો હશે, જે તમારી જાણ બહાર જ હશે, તેમ છતાં વિરોધીઓના મનમાં તમારી છબી ખરડાય છે કારણ તેઓ પોતાની સાથે થતા તમામ ખરાબ વ્યવહાર માટે તમને જ દોષીત માને છે. દેશ એક વખત કટોકટી ભોગવી ચુકયો છે. હવે દેશને તેવા ખરાબ દિવસોમંથી પસાર થવુ નથી.

જે લોકો નારાજ છે, તેમની સાથે સંવાદ થાય, જો  કાયદાની જોગવાઈ અનુસાર જે માગણીઓ  સ્વીકારી શકાય  તેમ હોય તો તેમાં  આગળ વધવામાં વાંધો પણ હોવો જોઈએ નહીં, પછી ભલેને કોંગ્રેસના નેતા વિરોધપક્ષ તરીકે પ્રજાની વેદના લઈ રાજય સામે આવતા હોય, પ્રજાના પ્રશ્નને પક્ષના રાજકારણથી દુર રાખવુ જોઈએ, વિરોધ કરનાર આપણા વિરોધી જ છે તેવુ માની પોલીસના બળે આપણે તેમને થોડોક સમય આપણી નજરથી દુર રાખી શકીશુ, પણ તે પ્રશ્નનો ઉકેલ કયારેય થઈ શકે નહીં. રણમાં તોફાન વખતે માટીમાં પોતાનું માથુ છુપાવી દેતુ શાહમૃગ તોફાન નથી તેવુ માની લે છે, બરાબર અત્યારે ગુજરાતમાં આવી જ સ્થિતિ છે. પોલીસના બળે શાસન ચાલી શકે, પણ પોલીસના બળે શાસન લાંબુ  ટકી શકે નહીં.

તમારા જન્મ દિવસે ગુજરાત પોલીસ વિરોધીઓની અટકાયત કરે તે વાત તમને પણ પસંદ પડશે નહીં, છતાં તેવુ થયુ છે તેના કારણે જેઓ નારાજ છે તેમના મનમાં તમારી તરફ રહેલી કડવાશ વધી છે. અને મનની કડવાશનો તમને કે તેમને કોઈ ફાયદો થવાનો નથી. તો શા માટે જેમના વગર આપણને ચાલવાનું નથી તેમની   તરફથી શુ કામ  મોંઢુ ફેરવી લઈએ ?

તમને ખુશ કરવા માગતા અધિકારીઓ તમને  અને તમારા ઈરાદાઓને નુકશાન તો નથી  કરતાને તે જોઈ લેવાની જરૂર છે.કારણ રાજાની આગળ પાછળ સારૂ બોલનારની ફોજ હોય છે, પણ સાચુ કહેનાર હોતા નથી.
એક વખત વિચાર કરજો. ફરી એક વખત જન્મ દિવસની શુભેચ્છા સાથે વિરમુ છુ.

                                                                                         આપની કુશળતાનો અભિલાષી
                                                                                         
                                                                                               પ્રશાંત દયાળ

Thursday, September 15, 2016

દારૂના મામલે ગુજરાત સરકાર અને ગુજરાતીઓ બન્ને દંભીઓ છે

સુરતમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે દર વખતની જેમ પહેલા તો સરકારે લઠ્ઠાકાંડ છે જ નહીં તેમ કહી હાથ ખંખેરી નાખ્યા, પણ પછી કીડી મકોડાની જેમ માણસ મરવા લાગ્યા ત્યારે સરકારે બે  સિનિયર પોલીસ અધિકારીની બદલી કરી , કેટલાંક નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા અને પોતાની ફરજ પુરી કરી હોવાનો ઓડકાર લીધો, આવુ દરેક લઠ્ઠાકાંડ વખતે થાય છે. પછી બહુ હોબાળો થાય તો મૃત્યુ પામનારન પરિવારને થોડીક આર્થિક રાહત આપી રાજય સરકાર ઉપકારની ભાવના તળે પ્રજાને ચુપ કરે છે. આવુ દરેક વખતે ગુજરાતમાં કેમ થાય છે.

1960માં ગુજરાત રાજય મુંબઈથી અલગ થયુ ત્યારે આપણે સ્વૈચ્છીક રીતે દારૂબંધી સ્વીકારી હતી, છતાં 1960થી હમણાં સુધી ગુજરાતના કોઈ દારૂડીયાએ બુમ પાડી નથી કે દારૂ મળતો નથી, કદાચ ગુજરાતના કોઈ ગામડામાં કોઈ મહિલાને પાણી લેવા માટે માઈલો સુધી ચાલવુ પડે, પણ દારૂ પીનારને તો પાણી કરતા પણ નજીકમાં દારૂ મળી જાય છે. આવુ કેમ થાય છે તેની માટે મને લાગે છે કે 1960થી આપણે ગાંધીના ગુજરાતના નામે દંભ કરતા આવ્યા છીએ, ગુજરાતમાં દર દસમાંથી છ માણસ દારૂ પીવે છે, છતાં જયારે દારૂની વાત નિકળે ત્યારે દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ, તેવો અમિતાભ બચ્ચન જેવો ડાયલોગ બોલે છે. કેટલાંક નાકના ટેરવા ચડાવે તો, કેટલાંક દારૂની કારણે થઈ રહેલા નુકશાન ઉપર લેકચર આપે, જયારે કોઈ દારૂ પીનારને તમે કહો કે ભાઈ તુ પોતે તો રોજ દારૂ પીવે છે, પછી મગજનું દહી શુ કામ કરે છે ત્યારે તે કહે હું માત્ર બે પેગ જ લઉ છુ બે પેગ તો શરીર માટે સારા. આપણે ગુજરાતમાં હેલ્થ કોન્સીયશ લોકોની સંખ્યા વધારે છે.

ગુજરાત સરકારનું નશાબંધી ખાતુ દારૂ પીવા માટે જે પરમીટ આપે છે, તેનું નામ પણ બદલી હેલ્થ પરમીટ કરી નાખ્યુ છે.આમ પ્રજા સરકારને મુર્ખ બનાવે અને સરકાર પ્રજાને મુર્ખ બનાવે. પ્રજાને દારૂ પીવો છે અને સરકારને દારૂ વેચવા દેવો પડે તેના પોતાના અલગ કારણો છે.ગુજરાતમાં બે નંબરમાં વેચાતા દારૂની પોતાનું એક અલગ આર્થિક વ્યવસ્થા તંત્ર છે, જે તંત્રમાં પોલીસ, સ્થાનિક નેતા બુટલેગર , દારૂ  અને  સચિવાલયના તેમજ  દારૂ  પીનારના તાર એવી રીતે જોડાયેલા છે કે તેને કઈ રીતે અલગ કરવા તે કહેવુ મુશ્કેલ છે. દારૂના ધંધાનું ટન ઓવર બીજા કોઈ પણ ધંધા કરતા મોટુ અને ખુબ જ ફાસ્ટ છે, એક વાત નક્કી છે કે જો કોઈ રાજય સરકાર ના ઈચ્છે તો દારૂ વેચવો લગભગ મુશ્કેલ થઈ જાય , પણ સરકાર પણ લાચાર હોય છે કારણ કે આપણા મતથી ચુટાઈ આવે છે,અને આપણે કોને મત આપવો તે હજી રાજયના ઘણા વિસ્તાર બુટલેગર નક્કી કરતા હોય છે, કારણ ગરીબીમાં જીવતા લોકો માટે તે સ્થાનિક બુટલેગર જ તેમની સરકાર અને માઈ-બાપ હોય છે.

બુટલેગરની સ્થાનિક લોકો ઉપર પક્કડ હોવાને કારણે સ્થાનિક નેતાઓને બુટલેગર સાથે હાથ મીલાવવો પડે છે, કારણ ચુંટણી વખતે માત્ર એક બુટલેગરને હાથમાં લેવામાં આવે તો પાંચ-દસ હજાર મતનું ગોઠવાઈ જાય છે. જો નેતાઓ  જે સરકારનો ભાગ છે તેમની ઈચ્છા જ દારૂ વેચવા દેવાની હોય તો પોલીસને તો વહેતી ગંગામાં હાથ ધોવા જેવુ પવિત્ર કામ કરવાનું છે.બીજી તરફ જયા વધુ દારૂ વેચાય ત્યાં પોસ્ટીંગ લેવા માટે પોલીસ ઈન્સપેકટરને વધુ પૈસા આપવા પડે, હમણાં ગુજરાતના કેટલાંય પોલીસ સ્ટેશનનો ભાવ દસથી વીસ લાખ રૂપિયા ચાલે છે.  આ એક પાછુ અલગ અર્થતંત્ર છે, જેમાં નેતાથી લઈ ડીજીપી ઓફિસ સુધી બધાની ગોઠવણ હોય છે. હવે જે પોલીસ ઈન્સપેકટર પૈસા ખર્ચી પોસ્ટીંગ લેતો હોય તો દારૂ તો વેચવા દેવો જ પડે નહીંતર રીકવરી કેવી રીતે કરવી. હવે ઈન્સપેકટરથી લઈ ડીએસપી સુધી  ટેન્ડર સીસ્ટમ પણ શરૂ થઈ છે જે વધુ ભાવ બોલે તેને પોસ્ટીંગ આપવામાં આવે છે. કેટલાંક પોલીસ અધિકારીઓ દારૂ પીનાર વ્યકિતઓ સામે પોતાની નારાજગી વ્યકત કરે છે, પણ તેમને બુટલેગર પાસેથી દારૂના પૈસા લેવામાં સંકોચ થતો નથી.

થોડા મહિના પહેલા એક ડીએસપી એક  સરહદી   જિલ્લામાં 75 લાખ રૂપિયા જેવી માતબર રકમ ચુકવી પોસ્ટીંગ લીધા હોવાની પણ ચર્ચા છે. હવે આવી સ્થિતિમાં તમે કઈ રીતે દારૂબંધીનો અમલ કરી શકો, જયારે લઠ્ઠકાંડ થાય અથવા દારૂ અંગે હોબાળો થાય ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓ અને રાજય સરકાર તરત કહે બતાવો દારૂ કયાં વેચાય છે., અરે કેડમાં છોકરા જેવો ઘાટ છે દારૂ કયાં મળતો નથી તે પ્રશ્ન છે.છતાં દરેક વખતે હોબાળા પછી પોલીસ એકાદ બે સ્થળે દરોડા પાડે , થોડા દિવસ અડ્ડાઓ બંધ થાય પછી બીજા નવા સ્થળે અડ્ડો શરૂ થઈ જાય, પ્રજા-પોલીસ અને સરકાર ત્રણેને આ નાટક કરવામી મઝા આવે છે અને નાટક ફાવી પણ ગયુ છે.

ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય પણ તેના ફાયદાઓ પણ છે, અહિયા તમામ દારૂડીયાઓને દારૂ તો સંતાઈને જ પીવો પડે છે. તેમને કાયદાનો નહીં, પણ પોલીસના તોડ અને તેની કહેવાતી સામાજીક પ્રતિષ્ઠાની ચીંતા હોય છે. દારૂબંધી હોવાને કારણે દારૂ પીનાર સતત પડોશીને પણ પોતે દારૂ પીવે છે તેની ખબર પડે નહીં તેની કાળજી રાખે છે. તેના કારણે હજી ગુજરાતમાં મોડે સુધી એકલી નિકળતી મહિલાઓને છેડતીનું પ્રમાણ ખુબ જ ઓછુ છે.હજી ગુજરાતમાં દારૂને સામાજીક સ્વીકાર્યતા મળી નથી, કેટલીક કોમમાં દારૂ પીવો સહજ બાબત હોવા છતાં તે કોમની સ્ત્રીઓ દારૂને તો ધીક્કારે જ છે., પણ દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારની કેટલીક સમસ્યા પણ છે,. ઘી કરતા મોઘો દારૂ વધે તો તેને રાખવો કયાં તે એક સમસ્યા હોય છે,. નશો થઈ ગયા પછી પણ તે ઢોળી દેવાય નહીં તો રાખવો કયા તેના કરતા પેટમાં રેડી દેવો સારો પછી ભલે  લીવર જવાબ આપી દે. જયા દારૂબંધી નથી તેવા રાજય કરતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લીવર ફેઈલીયોરને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ખુબ જ મોટી છે, ગુજરાતમાં દર વર્ષે દારૂને કારણે લીવર ખરાબ કરી મૃત્યુ પામનારનો સરકારી આંકડો એક હજારનો છે.

વાત લઠ્ઠાકાંડની આપણી કહેવાતી દારૂબંધી જ લઠ્ઠાકાંડ માટે જવાબદાર છે, ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાશીત પ્રદેશ દિવ અને દમણમાં હજી એક પણ વખત લઠ્ઠાકાંડ થયો નથી, તેનો અર્થ એક તરફ આપણે દારૂબંધીનો કડક અમલ કરી શકતા નથી, બીજી તરફ કહેવાતી દારૂબંધીને કારણે સસ્તો અને હલકો દારૂ પી લોકો મરી રહ્યા છે તેમને બચાવી શકતા નથી. હાલમાં જે કાયદો છે તે પ્રમાણે દારૂ વેચવો-રાખવો અને પીવો તે ગુનો છે, પણ જો તમે લઠાકાંડમાં સસ્તો દારૂ પી મરી જાવ તો સરકાર તમને વળતર ચુકવે છે. આ જરા વિચિત્ર લાગતી વાત છે. આવતીકાલે સીસ્ટમથી નારાજ કોઈ યુવક નકસલ અથવા ત્રાસવાદી થઈ જાય અને પછી તે પોલીસ સાથે અથડામણમાં માર્યો જાય તો બીચ્ચારો દુખી અને ગરીબ હતો તેમ કહી રાજય તેને વળતર ચુકવશે તેના જેવી વાત છે. છતાં મતનું રાજકારણ ચાલે છે તેની મારે અને તમારે કિમંત ચુકવવી જ પડશે

Wednesday, September 14, 2016

સાહેબ ત્રીસ રૂપિયાની લાંચ લેનારને શુ કામ પકડો છો..?

એન્ટી કરપ્શન બ્યુરોના એડીશનલ ડારેકટર શમશેરસિંગની બદલી અંગે મે લખેલી પોસ્ટ પછી એકાદ બે મીત્રએ પોતાની કોમેન્ટમાં પ્રશ્ન પુછયો કે એસીબી નાના કર્મચારીને જ કેમ પકડે છે. આઈએએસ અથવા આઈપીએસ અધિકારી કેમ પકડતા નથી. આ પ્રશ્ન થવો બહુ સ્વભાવીક છે, શમશેરસિંગ જયારેથી એસીબીમાં આવ્યા ત્યાર બાદ તેમણે એસીબી ગુજરાત નામનું એક ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યુ, જેમાં એસીબીની ટ્રેપ પછી પણ ફેસબુક ફ્રેન્ડ શમશેરસિંગને પુછતાં હતા, સાહેબ ત્રીસ રૂપિયાની લાંચ લેનારને શુ કામ પકડો છો.

આ કોમેન્ટ અંગે મારી વ્યકિગત વાત તેમની સાથે બે મહિના પહેલા થઈ હતી, ઘટના કઈક આવી હતી કચ્છના ખાવડામાં એક મેડીકલ ઓફિસરે સારવાર લેવા આવેલા ગરીબ દર્દી પાસે ત્રીસ રૂપિયા માંગ્યા અને તેને એસીબી ત્રીસ રૂપિયા જેવા મામુલી રકમ લેતા ઝડપી પાડયો હતો.જેની ઉપર ફેસબુક ઉપર અનેક લોકોએ પ્રશ્ન પુછી નાખ્યા હતા. શમશેરસિંગ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમનો પક્ષ કઈક એવો હતો કે કચ્છનું ખાવડા અત્યંત ગરીબ વિસ્તાર છે, જયા દારૂણ ગરીબી છે, લોકોના માથે રહેવા માટે છાપરુ પણ નથી, આકાશ અને ધરતી વચ્ચે તેમનું જીવન જીવે છે, તેવા સંજોગોમાં તે બીમાર પડે, ત્યારે એક લાખ જેવો માતબર પગાર લેતો એક મેડીકલ ઓફિસર ગરીબની સારવાર કરવાના ત્રીસ રૂપિયા માંગે ત્યારે આપણને  મામુલી લાગતી  ત્રીસ રૂપિયા જેવી રકમ  ગરીબ માણસ માટે બહુ મોટી  છે.

કારણ તેની પાસે ખાવાના પણ પૈસા નથી, જયારે ડૉકટર ત્રીસ રૂપિયા માંગે ત્યારે તે પોતાની રોટલી માટે બચાવી રાખેલી પૈસામાંથી લાંચની રકમ આપે છે, પોતાની સારવાર કરાવે છે, તો પછી ડૉકટરે ત્રીસ જ રૂપિયા માંગ્યા તેમા તેને પકડવાની કયાં જરૂર છે તેમ કહી તેને માફ કરી શકાય નહીં.મને શમશેરસિંહની વાત બધી જ રીતે સાચી લાગે છે. આપણે રોજ બરોજ  અખબારમાં એસીબી દ્વારા પકડવામાં આવતા કર્મચારીઓની યાદી જોઈએ નાના કર્મચારીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે, તેની પાછળનું કારણ એવુ છે કે સામાન્ય માણસને સરકારી ઓફિસમાં નાના કર્મચારીઓ પાસે જ પનારો પડે છે. પછી તે તલાટી હોય, કોન્સટેબલ હોય અથવા કોઈ કલાર્ક હોય. બસોથી બે હજાર સુધીની લાંચ માગનાર કમર્ચારીને સાંજ પડે બે-બે હજાર કરી હજારો કમાય છે , પણ જે માણસ પોતાના કાયદેસરના કામ માટે બે હજાર રૂપિયા આપવા મજબુર થાય છે તેના માટે તે કાળી મજુરી કરે છે, તેને બે હજાર રૂપિયા આપવા પડે ત્યારે તેની આંતરડી કકળી ઉઠે છે.

સામાન્ય માણસનું કામ નાના કર્મચારીથી પતી જાય છે, તેણે કયારેય કોઈ આઈએએસ અને આઈપીએસ અધિકારીનું કામ પડતુ નથી એટલે તેમને પૈસા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેમને આવા મોટા અધિકારીઓ સાથે પનારો પડે છે, તેઓ બહુ મોટા માણસો છે, તેઓ તેમની સાથે જે આર્થિક વ્યવહાર કરે તે લાખોમાં હોય છે. જેના માટે  તેમને કોઈ કાળી મજુરી કરવી પડતી, મોટી કોર્પોરેટ કંપની તો લાંચ આપવા માટે ખાસ અલગ ફંડની વ્યવસ્થા પણ રાખે છે, જેને લાયઝનીગનું રૂપાળુ નામ આપી દેવામાં આવે છે. પૈસા આપનાર બીલ્ડર અથવા કોર્પોરેટ કંપની સામે પૈસા લેનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી બન્ને ખુશ છે, કોઈ નારાજ નથી, તેથી એસીબીને ફરિયાદ કોણ કરે, સામાન્ય રીતે તો કલાર્ક જેવી રીતે લાંચની રકમ સ્વીકારે  છે તેમ સનદી અધિકારીઓ જાતે પૈસા લેતા પણ નથી, તેમના પૈસા સીફતપુર્વક અન્ય કોઈ રાજયમાં અથવા કોઈ કંપનીમાં હવાલાથી પહોંચી જાય છે. તેવા સંજોગોમાં આ પ્રકારના મોટા અધિકારીને એસીબીના સાણસામાં લેવા વધુ અધરૂ થઈ જાય છે.

આશારામના આશ્રમમાં જે  ચાલી રહ્યુ હતું તે વર્ષોથી ચાલતુ હતું, બધાને જ તેની ખબર હતી, પણ કાયદાની ભાષામાં દરેક ગુનાની ફરિયાદ માટે એક ફરિયાદ કરનારની જરૂર પડે છે. વર્ષો પછી આશારામ અને તેમના દિકરા નારાયણ સાંઈ સામે ફરિયાદ કરવા કેટલીક સ્ત્રીઓએ હિમંત કરી અને તેઓ આજે જેલની પાછળ છે, તેવી જ રીતે જાહેર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ પૈસા લે છે તો કેમ કોઈ પકડતુ નથી, તેવો પ્રશ્ન સામાન્ય માણસને થાય છે, પણ કાયદા પ્રમાણે ફરિયાદ કરનાર તો કોઈ જોઈ જ છે. એસીબી કોઈને પકડતી નથી તેવુ ગુસ્સો ઠાલવનારને જયારે ટ્રાફિક પોલીસ પકડે છે, ત્યારે તે પોતે પણ દંડ ભરવાને બદલે પતાવટ કરે છે. અને પછી ભ્રષ્ટાચાર ખુબ વધી ગયો છે તેની ફરિયાદ કરે છે.

મારો અનુભવ કહે છે ભ્રષ્ટાચારની શરૂઆત દસ વીસ રૂપિયાની નાની રકમથી જ થાય છે પછી તે લાખોમાં ફેરવાઈ જાય છે. આખો દિવસ ટેમ્પો લઈ મજુરી કરતો ડ્રાઈવર કમ મજુરને રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સો રૂપિયા માગે ત્યારે તેનો નિસાસો નિકળી જાય છે, કદાચ તે પોતાના બાળકની ફિ, પોતાના બીમાર પિતાની દવા અથવા પત્નીએ માંગાવેલા કરિયાણમાં ઘટાડો કરી પોલીસને સો રૂપિયાની લાંચ આપે છે. ત્યારે તે ટેમ્પોવાળાની વેદના કેટલી મોટી હશે તેની કલ્પના કરો.

એસી ચેમ્બરમાં બેસનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી પણ પોતાના પગારમાં જ ખુશ રહે તે આદર્શ વાત છે, પણ તેવુ ના બને તો વાંધો નહીં, પણ કોઈને સારવાર માટે, કોઈને સ્કુલમાં પ્રવેશ લેવા માટે કોઈને સાતબારનો ઉતારો લેવા માટે અથવા  કોઈ વિધવા સ્ત્રીને વિધાવ પેન્શન લેવા માટે લાંચ આપવી પડે નહી તેવી વ્યવસ્થા તો એસીબીએ કરવી જ પડશે, પછી ભલે દસ રૂપિયાની મામુલી રકમની લાંચ પણ કેમ ના હોય...

ભ્રષ્ટાચાર હટાવવા માગતી ગુજરાત સરકારે શમશેરસિંગને જ હટાવી નાખ્યા

વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા ત્યારે તેમના દરેક ભાષણ હું ધ્યાનથી સાંભળી રહ્યો છુ, લગભગ તમામ ભાષણમાં ભ્રષ્ટાચાર અને પારદર્શીતાની તેઓ વાત કરે છે, તેમનો દાવો છે તે કે તમામ સ્તરે ભ્રષ્ટાચાર હટાવવા માગે છે, પણ તેઓ  મુખ્યમંત્રી થયા   ત્યારે હું ભય અથવા દબાણ હેઠળ કાર્ય કરીશ નહીં  તેવા સોગંદ લીધા હતા, પણ માને છે કે ભય અને દબાણ વગર રાજય ચલાવવુ કદાચ અધરૂ કામ હશે, એટલે તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના એડીશનલ ડાયરેકટર શમશેરસિંગને હટાવવાની ફરજ પડી છે.

એક સમય એવો હતો કે જયારે ગુજરાત પોલીસના અધિકારીઓ નોકરી કરી અને પ્રજાની સેવા કરી થાકી જાય ત્યારે આરામ કરવા માટે પોતાની બદલી એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાવી લેતા હતા, સવારના દસથી સાંજના છના ટકોરે નોકરી પુરી થતી હતી. તેની સાથે એસીબીમાં નોકરી હોવાને કારણે પોલીસને ઠાઠ અને માન બંન્ને જળવાઈ રહેતુ હતું, અને આખા ગુજરાતમાં તમે કયાં પણ જાવ તો પોલીસ અધિકારી વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ એસીબીના ડરને કારણે તમારી સેવામાં હાજ રહેતા હતા, પણ શમશેરસિંગ અને હસમુખ પટેલ જેવા બે આઈજીપીઓ એસીબીમાં આવ્યા ત્યાર બાદ માહોલ બદલાઈ ગયો, હવે તો ગુજરાત પોલીસના અધિકારીઓ એસીબી તરફ માથુ કરીને સુતા પણ નથી, ત્યારે એસીબીમાં વગ વાપરી બદલી કરાવવાની વાત દુર રહી.

હસમુખ પટેલ અને શમશેરસિંગ બંન્ને અધિકારીઓને કામનો નશો છે, તેઓ ખુબ કામ કરે અને કરાવે, તેમના માટે પોલીસ વિભાગમાં એક વાકયનો પ્રયોગ થાય તેઓ પ્રેકટીકલ નથી, હવે કરપ્ટ ઓફિસર હોય તેના માટે પ્રેકટીકલ છે તેવો નવો શબ્દ પ્રયોગ શરૂ થયો છે, થોડા મહિના પહેલા આનંદીબહેન પટેલની સરકારે મોટા પાયે આઈપીએસ અધિકારીઓની બદલી કરી ત્યારે શમશેરસિંગને એસીબીમાંથી અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી, સામાન્ય રીતે અમદાવાદમાં પોતાની બદલી થાય તે માટે પોલીસ અધિકારીઓ તમામ પ્રકારના પ્રયત્ન કરતા હોય છે, પણ જયારે શમશેરસિંગની અમદાવાદમાં બદલી થઈ ત્યારે તેમને ગૃહવિભાગને વિનંતી કરી કે તેમને એસીબીમાં કામ કરવા દો તો સારૂ અને ત્યારે સરકારે એસીબીમાં તેમની કામગીરી જોઈ તેમની વિનંતી માન્ય રાખી હતી.

પહેલા એસીબીમાં શમશેરસિંગ એકલા હાથે ભ્રષ્ટાચારની લડાઈ લડતા હતા ત્યારે તેમને હસમુખ પટેલના નામના નવા સાથી અધિકારી મળી ગયા, છેલ્લાં એક વર્ષમાં બન્નેએ સાથે મળી ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને વીણી વીણી શોધી કાઢયા, બીજી તરફ એસીબીની કામગીરી જોઈ પ્રજાને પણ એસીબીમાં વિશ્વાસ ઉભો થયો અને સામે ચાલી ફરિયાદ કરવા આવવા લાગ્યા, તાજેતરમાં એક સાથે અગીયાર મોટા અધિકારીઓ સામે કાયદેકરની આવક કરતા વધુની સંપત્તીના કેસ નોંધાયા, તેની પહેલા આરટીઓ અને સેલ્સ ટેકસ અધિકારીઓ ઉપર સંકોજો કસ્યો, વાત ગાંધીનગર સુધી પહોંચી હતી, એસીબીએ જેમની ઉપર હાથ નાખ્યો તેઓ કઈ નાના અધિકારીઓ ન્હોતા, તેમના પોસ્ટીંગ જયા હતા તે પોસ્ટીંગ પૈસા અને સચિવાયલની મંજુરી વગર થાય નહીં, તે બધા જ અધિકારીઓ ગાંધીનગર દોડી ગયા.

પણ સવાલ હતો કે શમશેરસિંગ અને હસમુખ પટેલને ભલામણ કરે કોણ.. જેમ જેમ સમય પસાર થયો ગયો તેમ તેમ એસીબીની કામ કરવાની ઝડપ વધી રહી હતી, સચિવાયલમાં કેટલાંક ચોક્કસ અધિકારીઓ અને નેતાઓ શમશેરસિંગની હટાવવા માટેની તકની રાહ જોતા હતા, કારણ તેમને કોઈ પણ હેતુ વગર હટાવવામાં આવે તે બદનામી પણ થાય, ત્યારે જ સુરતમાં લઠ્ઠાકાંડ થયો, બસ આફતને અવસરમાં પલટાવી નાખતા નેતાઓને આવડે છે. સુરતમાં લઠ્ઠાકાંડ થયો તેના માટે કોઈ પણ સામાન્ય માણસને સમજાય કે સ્થાનિક પોલીસથી લઈ વધુમાં વધુ ડીએસપી સુધીના અધિકારીની સીધી જવાબદારી થઈ શકે, પણ  સુરત રેન્જના આઈજીપી નરસિંહમ્મા કોમર કઈ રીતે જવાબદાર ઠેરવી શકાય તેની ગૃહ વિભાગને જ ખબર હશે.

તમે બહુ સારા અને પ્રમાણિક અધિકારી છો, તેવા કારણો આપી ગૃહ વિભાગે શમશેરસિંગની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી, અને એસીબીમાંથી બદલી કરી  સુરત રેન્જના આઈજીપી તરીકે મુકી દીધા , સરકારી બદલીમાં સતત અને કાયમ ચાલતી પ્રક્રિયાનો ભાગ હોય છે. સુરતના ડીએસપી મયુર ચાવડાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં કામ કરીને ચુકયા છે. તેઓ અમદાવાદમાં હતા ત્યારે લઠ્ઠાકાંડની ઘટના ઘટી હતી, તેના કારણે આવી ઘટનાની તપાસ કેવી રીતે કરી શકાય તેની જાણકારી અને અનુભવ તેમની પાસે હતો, પણ તેઓ તે દિશામાં કામ કરે તે પહેલા તેમની બદલી આઈબીમાં કરવામાં આવી. પણ સરકાર લઠાકાંડના નામે અનેક પક્ષીઓ મારવા માગતી હતી , એક બીજુ કારણ એવુ પણ  છે સુરતની ભાજપની સભામાં જે તોફાન થયુ તે માટે સરકાર મયુર ચાવડા અને આઈજીપી કોમરથી નારાજ હતી, પણ પોલીસ કરે પણ શુ પોલીસને સુચના હતી કે કોઈ તોફાન કરે તો પણ તમારે તેમને લાકડી પણ મારવાની નથી. આ સંજોગોમાં જે કઈ થયુ તેની માટે સરકાર ચાવડા અને કોમરથી નારાજ હતી.

તેમાં લઠ્ઠાકાંડનું કારણ મળી ગયુ, ચાવડા અને કોમર હટી ગયા, તેની સાથે શમશેરસિંગને પણ હટાવવામાં સફળતા મળી, શમશેરસિંગના જવાથી એસીબી સહિત રાજયના અનેક વિભાગોમાં આનંદનો માહોલ છે., જો કે કયારેય કોઈની વગર અટકતુ નથી, શમશેરસિંગની જગ્યાએ આવેલા આઈપીએસ અધિકારી કેશવકુમાર પણ પ્રમાણિક અને કાબેલ અધિકારી છે, તેઓ પણ હમણાં સીબીઆઈમાંથી પોતાનું ડેપ્યુટેશન પુરૂ કરી ગુજરાત પાછા ફર્યા છે. સીબીઆઈમાં કામ કર્યુ હોવાને કારણે કરપ્શનના કેસોની સારી જાણકારી છે, તેઓ શમશેરસિંગ કરતા પણ સારૂ કામ કરશે તેવી અપેક્ષા રાખીએ કારણ આજે જ તેમણે એસીબીમાં પોતાના ચાર્જ લીધો છે. બીજી તરફ હવે સુરતમાં એક શમશેરસિંગ અને ડીએસપી તરીકે એક સરખા  સ્વભાવના નીર્લીપ્ત રાય આવ્યા છે. બનને ખુબ કામ કરશે અને તેમની પ્રમાણિકતા લોકોને કનડશે.

પણ જયારે કોઈ રાજય સરકાર ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે સમજવાનું કે કોઈ સારા અધિકારી હટી જશે.

Tuesday, September 13, 2016

પત્રકાર થવા માટે અમદાવાદ આવવુ હતું, પણ બસ ભાડુ પણ ન્હોતુ

કેટલીક વખત અમદાવાદની વિવિધ પત્રકારત્વની કોલેજના સંચાલકો મને લેકચર લેવા માટે બોલાવવાની હિમંત કરે છે. થોડા દિવસ પહેલા મારા મીત્ર અને સિનિયર  પદ્મકાંત ત્રિવેદ્દીએ પણ શરૂ કરેલી પત્રકારત્વની કોલેજમાં એક લેકચર લેવા માટે બોલાવ્યો, હું મારા તમામ લેકચરની શરૂઆતમાં બધાને જ એક પ્રશ્ન પુછુ છુ, કે તમારે પત્રકાર કેમ થવુ છે, આ પ્રશ્નનો જવાબ તમારે કોઈને આપવાનો નથી, માત્ર પોતાની જાતને પુછી લેવાનો છે. જો તમને લાગે કે એક વખત પત્રકાર થયા પછી મઝા જ મઝા આવશે તેવુ નથી., તેવુ જરા પણ નથી., તમારે કોઈ ચોકકસ સમય મર્યાદાની  નોકરી કરવી છે, વિકીલ ઓફ તો જોઈશે જ, સમયસર નોકરીએ જઈશુ અને છુટી જઈશુ તો તેવુ જરા પણ નહીં થાય.

પત્રકારત્વની નોકરીનું પહેલુ પર્યાય અસલામતી છે, છતાં તમામ પ્રકારની અસલામતી વચ્ચે તમારે તમારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે, પત્રકાર થયા પછી સૌથી પહેલા તમારી અંદર જાત સાથેની લડાઈ શરૂ થયા છે, એટલે જે પહેલા તો પોતાની સાથે લડી શકે, તેણે જ આ લડાઈમાં ઝકાવવુ જોઈએ,મનમાં સતત સારા અને નરસાની વચ્ચેનો  દ્વંધ ચાલવો જોઈએ, આપણે બીજાને તો કઈ પણ સમજાવી શકીએ પણ આપણે જે કરીએ છીએ તે યોગ્ય છે તે સમજાવવુ બહુ અઘરુ હોય છે. એટલે હું વિધ્યાર્થીઓેને કહુ છુ કે ગ્રેજયુએશન થયા પછી કોઈ કામ ન્હોતુ અથવા ટીવીમાં રીપોર્ટરોને જોઈ મને પણ પત્રકાર થવાનો વિચાર આવ્યો જો તેવુ જ હોય પાછા જતા રહેજો, કારણ જો પત્રકાર કેમ થવુ છે તેની સ્પષ્ટતા નહીં હોય તો પત્રકારત્વ એક નોકરી થઈ થઈ જશે અને પછી તેનો કંટાળો આવશે અને કંટાળા સાથે કરેલુ કોઈ કામ કયારે શ્રેષ્ઠ હોઈ શકે નહીં.

1988માં જયારે હુ પત્રકારત્વ ભણવા માટે ગયો ત્યારે પત્રકાર કાંતી રામી અમને ભણાવતા હતા, તેમણે પહેલા જ લેકચરમાં એવુ કહ્યુ હતું કે બહારથી રંગીન દેખાતી દુનિયા બહુ બીહામણી છે, ગ્લેમર દેખાય છે પણ તેવુ નથી, આગળ વધતા પહેલા એક વખત  વિચાર કરી લેજો, પછી પાછા જવુ મુશ્કેલ છે. અમારી બેચમાં પચાસ વિધ્યાર્થી હતા, હાથમાં પત્રકારત્વની ડીગ્રી તો આવી ગઈ , પણ પછીની જદ્દોજહદ થકવી નાખનારી હતી, પચાસની બેચમાંથી ડીગ્રી લઈ બહાર નિકળેલા મારા સાથીઓ એક પછી એક ઓછા થતાં ગયા, આજે હું અને મારો એક મીત્ર બીરેન કોઠારી જે હવે કોમર્સ રીપોર્ટીંગ કરે છે તેને બાદ કરતા અડતાલીસ મીત્રો કયા જતા રહ્યા તેની મને ખબર નથી. થાક લાગશે રોજ લાગશે. પણ બીજા દિવસે ફરી પોતાને જ હિમંત આપવી પડશે, કારણ તમને હિમંત આપનાર પણ કોઈ નહીં હોય.

આજે પત્રકારત્વમાં ખુબ કામ છે, પણ વર્ષો પહેલા કામ પણ ન્હોતુ અને પત્રકારત્વને માન પણ મળતુ ન્હોતુ, તેના કારણે દામ પણ મળતા ન્હોતા. તે અરસામાં મારા કેટલાંક મીત્રો પત્રકાર થવાની ધુન સાથે અમદાવાદ આવ્યા હતા. રહેવા માટે ઘર ન્હોતુ અને સાંજે શુ જમીશુ તેની ખબર ન્હોતી, છતાં સીસ્ટમ સામેનો ગુસ્સો લઈ પોતાના વતનથી અમદાવાદ આવ્યા હતા. પદ્મકાંત ત્રીવેદ્દી મારા સિનિયર હોવા છતાં મીત્રતાને કારણે મને તુકારો વાત કરવાનો અધિકાર મળ્યો છે., તેથી તેની જ વાત કરૂ. જયારે પદ્મકાંતે પોતાન વતનમાં પિતાને કહ્યુ કે મારે પત્રકાર થવુ છે તેવુ પોતાના વતન કપડવંજમાં કહ્યુ ત્યારે તેઓ નારાજ થઈ ગયા હતા, પત્રકાર તો થવા તેમ કહી તેમણે સ્પષ્ટ શબ્દમાં અમદાવાદ જવાની ના પાડી દીધી.

 પણ પત્રકાર તો થવુ જ છે તેવી ધુન પદ્મકાંડને પીછો છોડતી ન્હોતી. એક દિવસ અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો, તે જ દિવસે પદ્મકાંતના પિતાએ પોતાનો પુત્ર અમદાવાદ જઈ પત્રકાર થાય નહીં તે માટે ઘરના ખુણે ખુણે રહેલા પૈસા શોધી તે લઈ જતા રહ્યા, સવારના પોણા બાર થઈ રહ્યા સાડા બારની એક બસ અમદાવાદની નિકળતી હતી, કઈ રીતે કપડવંજથી અમદાવાદ જઈશ તેની પદ્મકાંતને ચીંતા હતી, તે જમવા બેઠો હતો, મા પીરસી રહી હતી, ત્યાં ભંગારનો સામાન ખરીદનારની બુમ સંભળાઈ, એક ચમકારો થયો, રસોડોમાં તેલનો ખાલી ડબ્બો પડયો હતો, પદ્મકાંત અને તેની મમ્મીની નજર એક સાથે તેલના ખાલી ડબ્બા ઉપર પડી, માંએ આંખન ઈશારે ડબ્બો આપવાની મંજુરી આપી.

તેલના ખાલી ડબ્બાના ભંગારવાળાએ ત્રણ રૂપિયા પંચ્ચાયાસી પૈસા આપ્યા. અમદાવાદનું ભાડુ ત્રણ રૂપિયા પાસઠ પૈસા હતું, તેનો અર્થ એક વખત અમદાવાદ આવ્યા પછી પાછા કપડવંજ જવાનો પ્રશ્ન ન્હોતો, અને બસની ટીકીટ લીધા પછી માત્ર વીસ પૈસા બચતા હતા, પદ્મકાંત તેલનો ડબ્બો વેંચી પત્રકાર થવા અમદાવાદ આવ્યો, સંઘર્ષ કર્યો અને રોકાઈ ગયો, તેવી જ રીતે મારો સિનિયર દિલીપ પટેલ પણ પત્રકાર થવા પોતાના વતન જામનગરથી પોતાના બનેવી પાસેથી વીસ રૂપિયા ઉધાર લઈ પિતાની જાણ બહાર અમદાવાદ આવ્યો, દિવસો સુધી લારી ઉપર જમ્યો, છાપા પાથરી સુઈ ગયો, આજે તેઓ જયાં ઉભા છે તે સ્થળે ઉભા રહેવા માટે તેમણે ખુબ કિમંતો ચુકવી છે, કારણ તેઓ કિમંત ચુકવવા તૈયાર હતા.

પત્રકારત્વ કિમંત માગે છે, જો તે ચુકવવાની તૈયારી હોય તો જ આવવુ નહીંતર કોઈ બેન્કના કલાર્ક થઈ જવુ સારૂ છે.જે નોકરી ઘડીયાળના ટકોરે દસથી છ જ ચાલે છે.

Monday, September 12, 2016

પત્રકારત્વના મંદિરમાં માણસ ઈશ્વર થાય તો જ અર્થ સરે...

પત્રકાર તરીકેની મારી ત્રીસ વર્ષના અનુભવમાં જીંદગીની અનેક ઉથલપાથલ જોઈ, ભ્રષ્ટાચાર, કૌંભાંડો અને રાજકિય પ્રવાહને નજીકથી બદલતા જોયા, નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના વ્યકિતગત સંબંધોનો સ્પર્શ પણ કરી જોયો, બનાવટી એન્કાઉન્ટરનો સમય પણ આવ્યો, નેતાઓ અને પોલીસ અધિકારીઓ જેલમાં પણ ગયા જયારે  ત્યારે મીત્રોએ મારા વખાણ કર્યા અને કેટલાંકે પીઠ થાબડી, એક  તબબ્બકે બધુ જ ખુબ સારૂ લાગ્યુ, પણ સમય તેની ગતીએ આગળ વધતો ગયો, અને મનમાં એક કચવાટ શરૂ થયો, મેં જે કઈ પત્રકારત્વ કર્યુ તેનો શુ અર્થ સરર્યો.. હું 2003થી 2007 સુધી દિવ્ય ભાસ્કરમાં હતો, મારી ક્રાઈમ સ્ટોરી, પોલીટીકલ સ્ટોરી અને જીવતી વારતા નામની એક કોલમ પણ આવતી હતી, પણ રાત્રે ઘરે જઈ પથારીમાં પડુ અને આંખ મીચાઈ જતા પહેલા મને કોઈક સ્ટોરી મનના એક ખુણાને ટાઢક પહોંચાડે તો તે જીવતી વારતા હતી, કારણ તે કોઈકને જીવડાતી હતી, જીવતી વારતાએ મને અનેક વખત રડાવ્યો હતો પણ મને જીવાડયો પણ હતો.

બે મહિના પહેલા મેં મારો બ્લોગ અેન્કાઉન્ટરની શરૂઆત કરી, મારા માટે આ પહેલો અનુભવ હતો, આજે એકસો હપ્તા પુરા થયા, ત્યારે મને લાગ્યુ કે મારે પોતે જ તેના લેખાજોખા કરવા જોઈએ, સો હપ્તામાં ઘણુ બધુ થઈ ગયુ, આનંદી બહેન પટેલ સરકારનાપતનથી લઈ દલિત આંદોલન પણ મારી પોસ્ટનો ભાગ બની, અનેક પોસ્ટે મને ખુદને હચમચાવી નાખ્યો, કેટલીક પોસ્ટ એક જ દિવસમાં વીસ હજાર કરતા વધુ મીત્રઓ વાંચી શરૂઆતમાં  બ્લોગ મીટરના આંકડા જોઈ સારૂ લાગતુ હતું, તેને હું મારા બ્લોગની સફળતા પણ સમજતો હતો, કેટલાંક મીત્રએ વ્યકિતગત મેસેજ દ્વારા તેમના જીવનમાં થયેલા ફેરફાર પણ કહ્યા, તે વાત ખરેખર ગમી અને કદાચ તે આંખી જીંદગી યાદ રહેશે, અમીત  શાહ અંગે પણ લખ્યુ ત્યારે ખુબ વંચાયુ પણ હતું.

પણ આખરે ફરી ત્યાં જ આવી ઉભો રહેતો હતો અને મારૂ મન કહેતુ કે કોઈની જીવનમાં મારૂ પત્રકારત્વ કોઈ બદલાવ અથવા  એક નાનકડુ સ્મીત લાવી શકે નહી તો તેનો કોઈ અર્થ નથી. કેટલીંક વારતાઓ ખુબ સારી મળી, જેને મને પણ રડાવ્યો ખાસ કરી વૃધ્ધાશ્રમમાં કામ કરતા કરતા છેલ્લો શ્વાસ છોડનાર ફરસુભાઈ કક્કડ આપણી વચ્ચે નહીં હોવા છતાં તેમના અંગે લખ્યુ ત્યારે એવુ લાગે છે કે તે મારી વારતાનું એક અમર પાત્ર થઈ ગયા.કેટલાંક પ્રશ્ન એવા હતો જયારે મારે નિર્ણય કરવાનો હતો કે હું કોના માટે લખુ છુ મને જે સાચુ લાગે છે તેની માટે કે પછી કોઈને સારૂ લગાડવા માટે. ત્યારે મને મને ત્યારે જે સાચુ લાગ્યુ તે લખ્યુ તેના કારણે મારા કેટલાંક મીત્રો નારાજ પણ થયા, જયારે તેની સામે મને અનેક જીવન પર્યતના નવા મીત્રો પણ મળ્યા, કદાચ તેઓ પોતાની કોમન્ટ મારી પોસ્ટ ઉપર લખતા નથી અથવા ફેસબુક ઉપર લાઈક પણ કરતા નથી, પણ ફોન દ્વારા તેમના શબ્દોએ મને વધુ લખવાનું બળ આપ્યુ છે.

મારી ભાષામાં વૈવીધ્ય નથી, એક સરળ માણસને સમજાય તેવી સરળ ભાષા છે, મને વાંચી મારી કેટલાય મીત્રો જેમા પોલીસથી લઈ નેતાઓ સુધી મને કહ્યુ અમે પણ તમારી જેમ લખી શકીએ તેવુ અમને લાગે છે, અને તેમને લખવાનું શરૂ કર્યુ. તેનો મને આનંદ છે. મને વાંચનાર મારા થઈ ગયા અને હું તેમને થઈ ગયો, બ્લોગ લખવામાં મોડુ થાય ત્યારે તે મેસેજ કરી પુછી લેતા આર યુ ઓલરાઈટ.. કદાચ તેમના મેસેજે મને ઓલરાઈટ રાખ્યો છે. જયારે વાત વાડીયાની સોનલની આવી ત્યારે મને વાંચનારને સોનલની સમસ્યા પોતાની લાગવા માંડી, કદાચ મારા બ્લોગ મીટર કરતા તે વધુ મહત્વની વાત હતી, સોનલ પોતાની સમસ્યામાંથી બહાર આવવી જોઈએ તેવા તમામ સ્તરે પ્રયત્ન શરૂ થયા, તે પ્રયત્નમાં મારા સામાન્ય માણસથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સામેલ થયા. અનેક પોલીસ અધિકારીઓ, પ્રોફેસર , વિધ્યાર્થીઓ, પ્રોફેશનલ અને ગૃહેણીઓ પણ જોડાઈ, જેણે સોનલને બળ પુરૂ પાડયુ.

કદાચ કોઈ રાષ્ટ્રીય અખબાર અથવા ચેનલ જે કામ કરી શકે નહીં તે કોઈ પણ અખબારની મદદ વગર એક બ્લોગ દ્વારા થયુ, સોનલ વતી મેં નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને તેમને હકારાત્મક જવાબ આપ્યો, જેના માટે હું તેમનો સદૈવ આભારી રહીશ, આજે સોનલના ફરતે સરકારી અને સામાજીક સુરક્ષા કવચ છે, તેના માટે પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરનારનો હું આભારી છુ. મને મારી એકસો પોસ્ટમાંથી સૌથી વધુ સ્પર્શી ગયેલી પોસ્ટ હોય તો તે સોનલની છે, બ્લોગ મીટર પ્રમાણે તેના વાચકોની સંખ્યા બીજી પોસ્ટની સરખામણીમાં ઓછી હતી છતાં તેણે સોનલને એક સ્ત્રી તરીકે જીવવાડા  માટે તે મહત્વની સાબીત થઈ, મને લાગ્યુ કે મારા પત્રકારત્વના મંદિરમાં માણસ ઈશ્વર તરીકે સ્થાપિત થાય તો જ મારા પત્રકારત્વનો અર્થ સરે. અને તેવુ થયુ.

મને લાગે છે કે અનેક અખબારોમાં નોકરી કરવા છતાં હું વર્ષો સુધી જે કરી શકયો નહીં તે બ્લોગ દ્વારા બે મહિનામાં થઈ શકયુ છે, મને સોશીયીલ મીડીયાના તાકાત સમજાઈ છે., તે ઘણુ કરી શકે છે, પણ અહિયા હું માલિક તંત્રી અને પત્રકાર છુ, મને રાજય  અને દેશના સીમાડા નડતા નથી, પણ સાથે જ મને અહિયા રોકનાર પણ કોઈ નથી તેથી મારી જવાબદારી પણ વધી જાય છે, મારો એક એક શબ્દ મહત્વનો હોય છે. તે લખતા પહેલા મારે વિચારવુ પડશે અને મારે જ તેને તપાસવો પડશે.

Sunday, September 11, 2016

પ્રશાંત દયાળ મુસ્લીમોને બદનામ કરવાનો પ્રયાસ કરે છે

થોડા દિવસ પહેલા મેં પ્રમુખ સ્વામીના નિધન બાદ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસઉદ્દીન શેખએ પ્રમુખ સ્વામીને આપેલી શ્રધ્ધાંજલી અંગે એક પોસ્ટ લખી, જે હજી મારા બ્લોગ ઉપર  છે કોઈને વાંચવી હોય તો વાંચી શકે, પણ આ પોસ્ટને કારણે નારાજ થયેલા કલીમ સિદ્દીકી નામના મીત્રએ લખ્યુ કે પ્રશાંત દયાળે મુસ્લીમોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યાર બાદ તેમણે ઘણુ લખ્યુ છે સામાન્ય રીતે આવી કોઈ વાતે જવાબ નહીં આપવાનો મારો નિર્ણય યથાવત રાખ્યો કારણ વિવાદનો ઉકેલ નથી, પણ કલીમની ટીકા સાંભળી થોડુ વાર પછી સારૂ લાગ્યુ, કારણ મારી ઉપર હમણાં સુધી આરોપ હતો કે હું દલિત અને મુસ્લીમોની  તરફેણ કરૂ છુ અને ભાજપનો વિરોધી છું, પણ હવે કોઈ મુસ્લીમ પણ માને કે હું મુસ્લીમોને પણ બદનામ કરૂ છુ તો તેના મેરીટની ચર્ચા કરતો નથી પણ મને લાગ્યુ કલીમની ટીકાએ હું જે રસ્તે જઈ રહ્યો છુ તે બરાબર છે તેનું સમર્થન આપ્યુ છે. કારણ હિન્દુઓ મને મુસ્લીમ તરફી માને છે અને મુસ્લીમો મને તેમનો વિરોધી માને છે.

મને લાગે છે કે કલીમ સીદ્દીકીએ મારી પોસ્ટ કોઈ થોડુ ઘણુ સારૂ ગુજરાતી સમજી શકતા મુસ્લીમ પાસે વંચાવી લેવાની જરૂર હતી કારણ તેમની પક્કડ ઉર્દુ અને અંગ્રેજીમાં સારી છે, પણ ગુજરાતી કેટલુ સમજે છે તેની મને ખબર નથી, જો કે સિદ્દીકી મારી ચીંતાનો વિષય કયારેય હોઈ શકે નહીં કારણ અમદાવાદ અને ગુજરાતના એક હજાર કરતા વધુ  મુસ્લમાનો મને હું કોણ છુ, તે સારી રીતે જાણે છે, જો કે પછીથી મારા ધ્યાનમાં આવ્યુ કે સિદ્દીકીનો વાંધો મારી સામે નહીં પણ ગ્યાસુદ્દીન શેખ સાથે છે અને તેમના રાજકિય એજન્ડાની વચ્ચે હું આવી ગયો હતો.

પણ આખી વાતમાં મઝા સોશીયાલ મીડીયાની છે, જયારે માત્ર અખબારો જ  હતા ત્યારે પત્રકાર લખીને છુટી જતો, વાચક અથવા જેના અંગે લખાયુ છે, તેમને પોતાનો વાંધો રજુ કરવાનો અવકાશ ન્હોતો, પણ હવે સોશીયલ મીડીયા આવ્યુ તેના કારણે સિદ્દીકી જેવા મીત્રને મારી સામે નારાજગી વ્યકત કરવાની તક મળી, તેમણે મારા મત કરતા વિરોધી મત ફેસબુક અને વોટસઅપ ઉપર મુકી પોતાની નારાજગી વ્યકત કરી, આ સારી નિશાની છે, આપણા કરતા બીજાનો વિચાર અને મત જુદો હોઈ શકે, અને તેને પણ તેની વાત મુકવાનો એટલે જ અધિકાર છે, અને મારી પોસ્ટ પછી કેટલાય મીત્રો મારી ટીકા કરે છે, તેમા મારે નારાજ થવાની જરૂર નથી, કારણ ટીકા કરવાનો તેમને અધિકાર છે.

પણ એક વખત પત્રકારત્વનો ચોલો પહેરી લઈએ પછી તેવુ લાગવા માંડે છે, આપણે કહીએ તે જ પુર્વ દિશા છે, પણ તેવુ દરેક વખતે સાચુ હોતુ નથી, અખબારોની એક હથ્થુ સત્તા હતી તે બદલાઈ રહી છે, માધ્યમોની સત્તાઓ વહેચાઈ રહી છે, કુકડો બોલે તો જ સવાર થાય તે ભુમીકામાંથી અખબારો બહાર જઈ રહ્યા છે. હવે દરેકના ફોનમાં કુકડો આવી ગયો છે હવે કઈ લાંબો સમય સુધી છાનું રહેતુ નથી,છતાં જયારે કોઈ લેખ , પોસ્ટ અથવા અખબારો સામે કોઈ નિવેદન કરે ત્યારે પત્રકારોને માઠુ લાગી જાય છે. કારણ વર્ષોથી પત્રકારોને જ બોલવાની અર્થાત લખવાની ટેવ હતી, હવે બીજા પણ લખવા લાગ્યા છે, તેઓ પોતાની વાત પણ લોકો સુધી પહોંચાડવા લાગ્યા છે.

છેલ્લાં થોડા દિવસથી કોગ્રેસના નેતા ઉમાકાંત માંકડ જે મારા સિનિયર મીત્ર છે, તેમની એક પોસ્ટ ફરી રહી છે, જેમાં તેમણે મન ભરી મીડીયા  સામે નારાજગી વ્યકત કરી છે, કેટલાંક મારા પત્રકાર મીત્ર આ મુદ્દે સંવેદનશીલ થઈ ગયા છે., માંકડ એક કોંગ્રેસી થઈ કઈ રીત આ ભાષામાં માધ્યમો અંગે લખી શકે, પણ મારો આ વ્યકિતગત મત છે હું માંકડની તરફદારી કરતો નથી છતાં ઉમાકાંત માંકડને પણ પોતાની નારાજગી વ્યકત કરવાનો પુરો અધિકાર છે, તેવુ માનું છુ, માધ્યમો દલાલ અથવા ચોર છે, તેવો તેમને મત નિર્માણ થયો તેની પાછળ તેમનો ચાલીસ વર્ષ કરતા વધુ જાહેરજીવનનો અનુભવ છે. તેમણે અનેક મુખ્યમંત્રીઓ અને સરકારોને જોઈ છે. તે સાચા જ છે તેવુ પણ કહેતો નથી છતાં તે સંપુર્ણ ખોટા છે તેવુ પણ માનતો નથી.

માંકડની પોસ્ટને કારણે દુખ પત્રકારોને થયુ છે, પણ તેમની પોસ્ટ મેં ધ્યાનથી  વાંચી તો મને સમજાય છે તેમની નારાજગી પત્રકારો કરતા માધ્યમોના માલિક સામે છે, પણ આવુ તો થાય જ પત્રકારની ભુમીકા ઘરની વહુ જેવી છે વર અને સાસૂ બન્નેના નિશાના ઉપર કાયમ રહે છે, પત્રકાર લોકોની વચ્ચે ફરે છે તેના કારણે માલિક ધંધો કરી જાય તો પણ ચીઠ્ઠી તો પત્રકારના નામે જ ફાટે છે, જેની ઉમાકાંતને ખબર જ હશે. પણ વાત અહિયા કોણ સાચુ અને કોણ ખોટુ તેની કરતા મહત્વનું છે, હવે આપણા લેખ અને સ્ટોરીઓ અંગે લોકો નિવેદન કરશે ગાળો આપશે અને દલાલ જેવા શબ્દોનો પ્રયોગ કરશે, પણ તે એક વાચક અને નાગરિક તરીકે તે તેમનો  અધિકાર સમજી આપણે ઉદારતા દાખવી પડશે

વર્ષો પહેલા મુંબઈમાં ઈન્ડીયન એકસપ્રેસ જુથનું ગુજરાતી અખબાર સમકાલીન બહાર પડતુ હતું તેના તંત્રી હસમુખ ગાંધી વાચકોના પત્ર છાપતા હતા, ત્યારે વાચકો ચ અને ભ શબ્દનો પ્રયોગ કરી પત્ર પાઠવતા હતા, અને ગાંધીસાહેબ પોતાની સામે જ લખાયેલા પત્ર પણ પોતાના અખબારામાં છાપતા હતા, હવે હસમુખ ગાંધી જેવા તંત્રી આપણને મળવાના નથી ત્યારે સોશીયલ મીડીયાના માધ્યમોથી કોઈ આપણને ભાંડે તો મન ઉપર લેવાને બદલે આપણે તેને તેમનો અધિકાર સમજીએ , કયાંક આપણે ખોટા તો નથી તે તપાસી લેવાની જરૂર છે.

સુરતમાં ભાજપના કાર્યક્રમ બાદ મેં મારી પોસ્ટમાં રાવણ શબ્દનો પ્રયોગ કરી એક લેખ લખ્યો હતો, તે સંદર્ભમાં મારા મીત્ર અને ભાજપા પ્રવકતા ભરત પંડયાએ મને વ્યકિતગત વોટસઅપ મેસેજ મોકલી કેટલીક બાબતો તરફ ધ્યાન દોરી નારાજગી વ્યકત કરી હતી. આ મેસેજ ભાજપના પ્રવકતા તરીકેનો નહીં પણ એક નાગરિક તરીકેનો હતો, હું ભરતનો મેસેજ ત્રણ વખત વાંચી ગયો. અને મેં જવાબમાં લખ્યુ ભરત આભાર હું મારી જાતને ફરી તપાસી જઈશ.  બસ આપણે આપણી સામેનો મત વ્યકત કરનાર સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર કરવો પડશે કારણ કોઈ મત આખરી હોતો નથી, આજે આપણને જે સાચુ લાગી રહ્યુ છે તેની સાથે કદાચ આવતીકાલે આપણે જ સંમત્ત ના થઈએ.

Saturday, September 10, 2016

કેટલીક વારતાઓ કાયમ અધુરી જ રહેતી હોય છે.

હું જયારે ટીવી જોવા બેસતી ત્યારે ઓફિસેથી ઘરે આવેલા પપ્પા સામે  મારી જોતા ,
હું તેમની જોઈ હસતી, અને ફરી પાછી ટીવી જોવા બેસી જતી, તે હાથ-પગ ધોતા,
મમ્મી ચ્હા આપતી અને પપ્પા ધીરે રહી મારી પાસે આવી મારા હાથમાંથી રીમોટ
લઈ ટીવી બંધ કરતા, મને ખુબ ગુસ્સો આવતો અને કહેતી પપ્પા બસ એન્ડ બાકી છે,
તે મને વ્હાલથી નજીક લઈ કહેતા મારી ઢીંગલી..વારતાનો કયારે એન્ડ આવતો નથી,
વારતાઓ તો સતત ચાલ્યા જ કરે, તુ મારી વારતા છે, અને હું તેમને વળગી પડતી,
પપ્પા સરકારી નોકર પણ નાની હતી ત્યારે રોજ તેમને વળગી સુતા પહેલા વારતા
સાંભળતી, વારતાનો એન્ડ આવે તે પહેલા મારી આંખો મીચાઈ જતી, એટલે તે મને
ઉંચકી મારા રૂમમાં સુવાડી દેતા.

હું સવારે ઉઠુ ત્યારે પપ્પા ઓફિસે જવા નિકળી રહ્યા હોય અને મારી વારતાનો
એન્ડ બાકી છે તે યાદ અપાવુ , તે મને તેડીને કહે પાગલ રોજ વારતાના એન્ડ પહેલા
તુ સુઈ જાય છે.આજે રાતે ફરી નવી વારતા કહીશ, પણ પપ્પાએ કહેલી મારી તમામ
વારતાઓ કાયમ અધુરી જ રહી. પપ્પા હવે રીટાયર થઈ ગયા, ઓફિસે જતા નથી  અને હવે
હું વારતા સાંભળતી નથી , હું મારા લેપટોપ ઉપર કામ કરી હતી ત્યારે અચાનક
ધ્યાનમાં આવ્યુ કે પપ્પા ટીવી જોઈ રહ્યા હતા, મેં ટીવી સ્ર્કીન સામે જોયુ
તો તે ગદર ફિલ્મ ચાલી રહી હતી, તે સીડી લગાવી ફિલ્મ જોતા હતા, મને યાદ આવ્યુ કે પપ્પા ગઈકાલે પણ આ જ ફિલ્મ જોતા
હતા, કદાચ પરમદિવસે પણ.. પપ્પાને ટીવી જોવાનો શોખ ન્હોતો, પણ પપ્પા શા
માટે આ ફિલ્મ જોતા હશે..

મેં બુમ પાડી પપ્પા-પપ્પા તેમણે કોઈ જવાબ આપ્યો નહીં, હું ઉભી થઈ અને
તેમના ખભે હાથ મુકતા કહ્યુ પપ્પા કેમ એકની એક ફિલ્મ ત્રણ દિવસથી જોઈ
રહ્યા છો, તેમના ચહેરા ઉપર આછુ સ્મીત આવ્યુ, તેમણે હાથમાં રીમોટ લીધુ અને
ટીવી ઓફ કરતા કહ્યુ બસ અમસ્તુ .. બીજુ શુ કરૂ.. તે જ વખતે મમ્મી હાથમાં
આરતીની થાળી લઈ આવી, તેણે ધીમા અવાજે મારા અને પપ્પાના સંવાદોમાં પોતાનો
સુર પુરાવતા કહ્યુ શુ કરે છે જોવા દે ટીવી હવે ટાઈમ કેવી રીતે પાસ કરશે..
મેં મારી દલીલ કરતા કહ્યુ મમ્મી પણ તે ત્રણ દિવસથી એક જ ફિલ્મ જોઈ રહ્યા
છે. મમ્મી કઈ બોલી નહીં, તેણે મારી સામે આરતીની થાળી ધરી મેં આરતી લીધી,
તેણે પાછા ફરતા કહ્યુ તને નહીં સમજાય બેટા..

મને લાગ્યુ કે મને નહીં સમજાય તેવી કઈ વાત હતી, મમ્મી પણ હવે પહેલા જેવુ
મને વઢતી ન્હોતી, હું મોડી ઉંઠુ, મીત્રો સાથે બહાર જઉ,પુસ્તક મેળામાંથી
પુસ્તકો લાવી વાંચતી રહુ.. બધી જ વાતો મમ્મી સાક્ષી ભાવે જોયા કરતી હતી,
તે મારા માટે બહુ પઝેશીવ હતી, છોકરી માટે આ સારૂ અને છોકરીએ તો આવુ કરવુ
જોઈએ જ નહીં તેવુ તે માનતી ઘણી વખત તો હું બાજુ ઉપર રહી જતી, કારણ મારો
પક્ષ લેતા પપ્પા અને મમ્મી વચ્ચે યુધ્ધ જાહેર થઈ જતું. પણ હવે મમ્મી શાંત
હતી, મને કશુ જ કહેતી નહીં, હા હું આવુ નહીં ત્યાં સુધી મમ્મી-પપ્પા મારી
રાહ જોતા બેસી રહેતા, પપ્પા રીટાયર થયા પછી તબીયત પણ સારી રહેતી ન્હોતી,
એટલે તેમને ઉંઘની ગોળી લેવાની ડૉકટરે કહી હતી, તે રોજ લેતા પણ હું બહાર
જઉ ત્યારે પપ્પા હું આવુ નહીં ત્યાં સુધી ઉંઘની ગોળી લેતા નહીં, તેમને ડર
રહેતો કે ઉંઘ આવી જાય અને હું ઘરે ના પહોંચુ તો.

હું ત્યારે પણ કહેતી પપ્પા શુ કામ મારી રાહ જુવો છો .. હું કઈ નાની કીકલી
નથી..તે ઉઠતા અને ઉંઘની ગોળી ગળતી વખતે કહેતા બેટા તને નહીં સમજાય. મને
ત્યારે પણ થયુ કે શુ મને નહીં સમજાય તેવી કઈ વાત હતી. આજે ફરી મમ્મી પણ
તને નહીં સમજાય તેવુ બોલી હતી. મારે સમજવુ હતું.. મને શુ સમજાતુ નથી. આખો
દિવસ હું ઓફિસના કામમાં હતી, પણ મારૂ મન સતત મમ્મી-પપ્પાના વિચાર કરી
રહ્યુ હતું, સાંજે ઓફિસેથી ઘરે જતી વખતે મારી નજર એક સ્ટોરમાં પડી, શો
કેશમાં ગરમ કપડા જોઈ મારી શરીરને ડીસેમ્બરની ઠંડી સ્પર્શી ગઈ, મેં મારી
કાર સાઈડમાં પાર્ક કરી હું સ્ટોરમાં ગઈ, મે પસંદ હતા તે સ્વેટર અને શાલ
લઈ ઘરે પહોંચી, ઘરમાં દાખલ  થતાં જ  મે મમ્મી શાલ ઓઢાડતા કહ્યુ કેવી છે.
તેણે શાલને સ્પર્શ કર્યો અને કહ્યુ શુ કામ ખર્ચ કરે છ, મારે હવે કયાં
પહેલા જેવુ બહાર જવુ પડે છે, ઘુટણમાં ચાલતા નથી.

પપ્પા ટીવી જોઈ રહ્યા હતા, મેં સ્ક્રીન સામે જોયુ ગદર ફિલ્મ જ હતી, મારી
નજર સ્ર્કીન તરફ જતા, તેમણે તરત  ટીવી ઓફ કરતા મમ્મી સામે જોતા કહ્યુ અરે
પહેરી લે  કેવી સારી લાગે છે,  મારી નોકરીમાં તો આવી મોંધી શાલ લાવી શકયો
નહીં, હવે દિકરી કમાય છે તો લાવે તેમાં શુ .. તરત મે મારી પાસે લાવેલુ
સ્વેટર બહાર કાઢી પપ્પાના હાથ મુકયુ, તેમણે સ્વેટર ઉપર હાથ ફેરવી કહ્યુ
બહુ જ સરસ છે, તારા જેવુ હુફાળુ.. હું તેમને વળગી પડી. મારા મમ્મી પપ્પા
સાથે વાત કરવી હતી, અને ત્રણે સાથે જમ્યા, કઈ રીતે વાત કરવી તે મને
સમજાતુ ન્હોતુ, તે બન્ને પોતાના રૂમાં ગયા, મારે થોડુ કામ લેપટોપ ઉપર
બાકી હતું, તે પુરૂ કરી હું તેમના રૂમમાં પહોંચી , પપ્પા નવલકથા વાંચી
રહ્યા હતા અને મમ્મી કોઈ જુના અખબારની પુર્તી વાંચી રહી હતી, મને જોતા જ
પપ્પા બોલ્યા શુ થયુ બેટા, તે ઉભા થવા ગયા હું તેમની બાજુમાં બેસી ગઈ
પપ્પા કઈ નહીં આરામ કરો..

 મેં પપ્પાનો હાથ પકડતા પુછયુ શુ થયુ છે, શુ થયુ છે,. તેમણે પુસ્તક બાજુ ઉપર
મુકતા મમ્મી સામે જોયુ અને કહ્યુ શુ થયુ છે મને શુ થવાનું છે.. મમ્મીએ
ચશ્મા ઉતારી બાજુ ઉપર મુકયા, અખબારની ઘડી વાળી મુકી દીધી, મેં બન્ને સામે
જોતા કહ્યુ મમ્મી-પપ્પા તમને શુ થયુ છે.. મને ખબર નથી, પણ તમે મને દરેક
વાતે કહો છો મને સમજાતુ નથી.. તો મને સમજાવો. અમારા ત્રણે વચ્ચે શાંતિ
છવાઈ ગઈ, મને થઈ રહ્યુ હતું કે કોઈ કશુ બોલે તો સારૂ છે, મારા હ્રદયના
ધબકારા વધી રહ્યા હતા, પપ્પા કઈ જ બોલ્યા નહીં, પણ મે જોયુ તો મમ્મીની
આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા હતા, મેં મમ્મીનો હાથ પકડયો, તેના આંસુ
લુછયા તેને રડતી જોઈ મારી આંખો ભરાઈ આવી, પણ મમ્મીએ તરત આંસુ લુછતા કહ્યુ
અરે પાગલ રડે છે કેમ તેવુ કઈ ખાસ નથી, પણ  હવે એકલા કંટાળો આવે છે, કોની
સાથે વાત કરીએ કોઈ જ રહ્યુ નહીં, તુ નાની હતી તો કેટલી વાતો કરતી, મારે
તને કહેવુ પડતુ હતું હવે ચુપ બેસ. પણ તુ મોટી થઈ ગઈ છે.

પહેલા તો મારી પાસે ઘણા કામ હતા, તને વઢવુ અને ચીંતા કરવી તે પણ મારૂ જ
કામ હતું, પણ હવે તુ મોટી થઈ ગઈ છે, તને વઢી પણ શકાય નહીં, તુ તો  હમણાં લગ્ન
કરી જતી રહીશ પછી કોને વઢીશ, પપ્પા ઓફિસે જતા નથી, મારી સાથે વાત પણ
કેટલી કરે, છેલ્લાં ત્રીસ વર્ષથી અમે વાતો કરી છે હવે અમારી વાતો પણ ખુટી
પડી છે, મારી નજર ફરે અને તે મને સમજી જાય છે, કઈ પણ કીધા વગર મને સમજી
જતા તેમને આવડી ગયુ છે. પપ્પા પણ મારી જેમ કામ વગરના થઈ ગયા છે, કોઈ જ કામ
નથી, તને આ બધુ કેવી રીતે સમજાવુ..

મારા આંસુ વહી રહ્યા હતા. મમ્મીએ હવે મારો હાથ પકડયો અને કહ્યુ પપ્પા
ટીવી જોયા કરે અને હું ઠાકોરજીની પુજા કરૂ તે બન્ને કામ સરખા છે, પપ્પાને
ટીવી નીરસ લાગે છે અને મને ઈશ્વર, છતાં તેની વગર ચાલતુ નથી કારણ તે તો
અમારી સાથે વાત કરે છે. હું ખુબ રડી મને ખબર જ ના રહી કે મને મોટી કરવામાં
મમ્મી પપ્પા એકલા પડી ગયા, પછી તો મમ્મી-પપ્પા પણ રડયા, તે રાતે હું
પપ્પાની છાતી ઉપર માથુ મુકી સુતી, અને કહ્યુ મને  વારતા કહો.. મમ્મી પણ
અને હું પપ્પાની વારતા સાંભળતા હતા.. પપ્પા વારતા કહેતા કહેતા વારતાના
એન્ડ તે પહેલા સુઈ ગયા હતા, મેં મમ્મી સામે જોયુ તો તે પણ સુઈ ગઈ હતી,
હું ધીરે રહી ઉઠી, તેમના શરીર ઉપર ચાદર ઓઢાડી, તેઓ ઘસઘસાટ સુઈ રહ્યા હતા,
મારી નજર પપ્પાની ઉંઘની ગોળીઓની બોટલ તરફ ગઈ તેમણે ગોળી લેવા બહાર કાઢી
હતી, પણ લીધી ન્હોતી, મેં તેમની વારતા સાંભળી એટલે તેમને ઉંઘની ગોળી વગર જ
ઉંઘ આવી ગઈ હતી

( આ વારતાનું કથાબીજ અમેરીકા રહેતા મીત્ર શીવાની દેસાઈનું છે, આભાર)