Wednesday, August 31, 2016

હવે વાડીયા ઉપર લાગેલુ વેશ્યાઓના ગામનું પાટીયુ ઉતારવુ જ પડશે

લગ્ન કરવા વાડીયા છોડી અનીલ સાથે ભાગી નિકળેલી સોનલની કથામાં આવેલો ટર્નીંગ આપણી માટે ચર્ચાનો વિષય હોઈ શકે, પણ તે સોનલ માટે એટલી જ પીડા આપનારો હતો, અનીલ પરણેલો છે તે વાતથી ખુદ સોનલ પણ અજાણ હતા, અનીલને એક પત્ની અને બે બાળકો છે તેવી વાત બહાર આવતા, હવે સોનલની પીડા બાજુ ઉપર મુકાઈ ગઈ અને અનીલએ  કાયદાનો અને સામાજીક નિયમોનો ભંગ કર્યો છે તે મુદ્દે નૈતિકતાની ચર્ચા શરૂ થઈ છે. અનીલ પરણિત હોવા છતાં તેણે સોનલ સાથે બીજા લગ્ન કર્યા તે બાબતનો કોઈને વાંધો હોવો જોઈએ તો માત્ર સોનલ અથવા અનિલને પ્રથમ પત્નીને હોવો જોઈએ.

છતાં આ બન્ને સ્ત્રીઓ શુ ઈચ્છે છે તે જાણ્યા વગર આપણે ન્યાયાધીશની ખુરશીમાં બેસી નૈતિકતાના રખેવાળ બની જઈએ છી, હું માનું છુ કે નૈતિકતા સંપુર્ણપણે વ્યકિતગત બાબત છે, મારો શ્વાસ મારે જ લેવો પડે એટલુ જ  વ્યકિતગત છે.અનીલએ શુ કરવુ જોઈતુ હતું , તે કહેવામાં મોડુ થઈ ચુકયુ છે, કારણ જો તેણે આપણી પહેલા સલાહ લીધી હોત તો કદાચ કાયદો અને સમાજના નિયમોની યાદી તેને પકડાવી દેતા, પણ મને લાગે છે કે અનીલ હવે સોનલની જીંદગીમાં નથી તેવુ માની લઈએ અને , અનીલ દોષીત જ છે તેની ચર્ચાથી દુર જઈ સોનલ અને વાડીયામાં રહેતી અન્ય સોનલો જો ઈચ્છે તો કઈ રીતે તેને બહાર લાવી શકાય તે દિશામાં વિચારવુ પડે.

સોનલના મામલે કાયદો અને તંત્ર શુ મદદ કરી શકે તે માટે કેટલાંક પ્રયાસો થયા, કયાંક  સારો પ્રતિસાદ મળ્યો તો કયાંક કઈ થઈ શકે નહીં, તેવુ કહેવામાં આવ્યુ, આ સ્થિતિમાં સોનલ કયાં સુધી નારી સંરક્ષણગૃહમાં રહે તે પણ એક પ્રશ્ન હતો,. સોનલને બહાર લાવવા માટે પોલીસ રક્ષણ માટેની કાર્યવાહી પણ થઈ, પણ પોલીસ હજી કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોતી હોય તેવુ લાગે છે. આખરે મેં અને મારા મીત્રએ નક્કી કર્યુ, વાડીયાના દલાલોના ડરથી  સોનલને ત્યાં જ રાખવાની હવે કઈ જરૂર નથી, સોનલ અમદાવાદમાં છે આપણી જવાબદારી છે, લડવુ પડે તો લડીશુ, અને  સોનલ થોડા કલાકોમાં બહાર આવી જશે , કારણ તેણે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે જ વાડીયા છોડયુ હતું,

સોનલને કોઈની દયા અથવા સહાનુભુતીની જરૂર નથી, તેને હિમંતની જરૂર છે, તે લડવા તૈયાર છે, તંત્ર જાગે તો ઠીક નહીંતર હવે વાડીયાના દલાલોને તેમની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરવી પડશે. તેણે કહ્યુ હવે હું તો વાડીયા જઈશ નહીં, પણ ત્યાં રહેલી સોનલને બહાર લાવીશ સોનલ પાસે સારો ફોન નથી, વોટસઅપ નથી અને  ફેસબુક એકાઉન્ટ નથી, પણ તેની પાસે હિમંત છે કારણ તેની અંદર પુરૂષોનો ડર રહ્યો નથી, તેને ખબર છે પુરૂષ કેટલો ડરપોક હોય છે. વાડીયામાં છેલ્લાં એક દસકાથી મીત્તલ પટેલ કામ કરે છે, તેમની એક સ્વૈચ્છીક સંસ્થા છે, આજે વાડીયાની સ્થિતિ બદલાશે , આવતીકાલે કઈક સારૂ થશે તેવી આશાએ જીંદગીના દસ વર્ષ વાડીયા માટે ખર્ચી નાખ્યા છે, પણ આખા મામલે તે ખુબ દુખી છે.

મારી મીત્તલ સાથે વાત થઈ મેં કહ્યુ તમે હમણાં સુધી ગામના પુરૂષોને બહુ ભાઈ-બાપા કર્યા, હવે હાથ જોડવાનું બંધ કરો, કારણ આ ગામના પુરૂષોને પોતાની સ્ત્રીઓની દલાલી કરતા શરમ આવતી નથી, સુધારણાની વાત ત્યારે આવે,  જયારે ગામની સ્ત્રી સ્વેચ્છાએ આ ધંધામાં આવી હોય અને તેમને બહાર લાવવાની વાત હોય ત્યારે સુધારણનો અર્થ સરે છે, પણ અહિયા તો સ્ત્રીને પરાણે આ ધંધો કરી રહી છે ત્યારે કાયદો  હાથ ઉપર હાથ રાખી બેસી રહે તો કાયદાને પણ ફરજ પાડી શકાય છે અને તેના પણ રસ્તાઓ છે, મીત્તલ પટેલ હવે તે માટે તૈયાર છે.

બનાસકાંઠામાં અનેક વર્ષોથી કામ કરનાર મારા મુરબ્બી મીત્ર હસમુખ પટેલ સાથે પણ વાત થઈ તેમણે કહ્યુ વાડીયામાં અનેક પ્રયત્ન પછી પણ કઈ સારૂ થતુ નથી તેના કારણે એક તબ્બકે નિરાશા આવે છે, પણ હવે બહુ થઈ સુધારણાની વાત બનાસકાંઠાના લોકો પણ તમને આ પ્રકરણનો કાયમી અંત આવે તે દિશા થતાં પ્રયત્નોમાં મદદ કરશે.બનાસકાંઠાના અનેક મીત્રએ  ફોન કરી કહ્યુ, હવે અમારા જિલ્લામાં આવેલા વાડીયા ગામ ઉપર લાગેલુ વેશ્યાનું ગામ તે પાટીયા ઉતારી લેવુ છે. કારણ હવે ફરી આ ગામમાં કોઈ સોનલને જન્મ થાય નહીં તે પણ એટલુ જ જરૂરી છે.

Monday, August 29, 2016

નરેન્દ્રભાઈ તમે મારા મનની વાત કયારે સાંભળશો..


આદરણીય નરેન્દ્રભાઈ

હું તમને સાહેબના નામથી સંબોધતી નથી કારણ તમે વડાપ્રધાન થયા પછી પણ અમને પોતાના લાગો છો, આજે તમે ગુજરાત આવ્યા છો, અને હું અમદાવાદના નારી સંરક્ષણગૃહમાં છુ,હું વાડીયાની વતની છુ, પણ મારૂ હાલનું ઠેકાણુ ઓઢવ નારી સંરક્ષણ ગૃહ છે, વાડીયાનું નામ તો તમે સાંભળ્યુ જ હશે,  પાલનપુરથી થરાદ જવાના રસ્તા ઉપર પાલનપુરથી સીત્તેર કિલોમીટર દુર આવેલુ છે, મારા ગામનું નામ ભલે બદનામ હોય છે, પણ રાત પડતા મારા ગામમાં બહુ નામી લોકો આવે છે, કયારેક લાલ લાઈટવાળી કાર પણ આવે છે, મારૂ કામ ગ્રાહકોને સંતોષ આપવાનું છે, મારી દાદી અને મારી માં પણ આ જ કામ કરતા હતા, કદાચ આવતીકાલે મારી દિકરી થાય તો પણ તેને પણ આ કામ જ કરવુ  પડે.

મારી દિકરીની વાત નિકળી એટલે કહુ છુ, મારી માતાએ જે ધંધાને  નસીબ માની સ્વીકારી લીધો, તે મને કયારેય પસંદ ન્હોતુ, અને એટલે જ ઘરેથી ભાગી નિકળુ છુ , હું હવે ધંધો કરીશ નહીં અને  મારી થનારી દિકરીને પણ આ નર્કમાં જવુ પડે  નહીં તે માટે વાડીયા છોડયુ છે.. મારે તો સ્કુલમાં જવુ હતું, ભણવુ અને રમવુ હતું, પણ તે મારૂ નસીબ બની શકયુ નહીં, હજી હું ઘરના આંગણામાં ઘર ઘર રમતી હતી, અને મને માસીક આવવા લાગ્યુ, મને ખબર ના પડી, મને તેની પીડા થતી હતી, પણ મારી રાજી થઈ, થોડા જ દિવસ પછી મારે ઘરે આવતા પુરૂષો પૈકી મારી માંએ મને કહ્યુ આજથી તુ ધંધા ઉપર બેસીશ , હું રડી પડી મે ના પાડી તો માર પડયો. રોજ માર સહન કરવાની મારી તાકાત ન્હોતી.

તમે કલ્પના કરી જુઓ જે પુરૂષને ઓળખતી નથી, જેની સાથે મને પ્રેમ નથી, અને માત્ર પૈસા વસુલ કરવા આવતા પુરૂષો મારી કેવી હાલત કરતા હશે, હજી તો મેં જીંદગીને સમજી ન્હોતી, પણ જીંદગી આટલી ભયાનક હશે તેની મને કલ્પના ન્હોતી. આવુ રોજ અને દર કલાકે થાય છે. ગામની હું એક માત્ર છોકરી નથી, મારી સહેલીઓ અને બહેનો પણ છે, તેઓ પણ આ જ ધંધો કરે છે, તેમને પણ ધંધો કરવો નથી, તેમને ભણવુ છે અને પોતાના રાજકુમાર સાથે સંસાર માંડવો છે. સંસારની વાત નિકળી તો કહી દઉ અમને અમારી માં કોણ તેની ખબર હોય છે પણ અમારો બાપ કોણ હોય છે તેની કયારેય ખબર હોતી નથી કદાચ અમારી માંને પણ નહીં.

મારે ભાઈઓ પણ છે, અમારા ગામના પુરૂષો વર્ષોથી કોઈ કામ કરતા નથી તે વાડીયાના હાઈવે ઉપર ઉભા રહી, ગ્રાહકોને બોલાવે છે તેઓ અમારા દલાલ છે. આ ગામના કેટલાંક શાહુકારો પણ દલાલ છે, જે મારી મા અને સગાઓને પૈસા ધીરે છે, અને આખી જીંદગી વ્યાજ પેટે અમારે અનેક પુરૂષોના પડખા સેવવા પડે છે. બસ હવે બહુ થયુ મારી સહન શકિતની હદ આવી ગઈ છે. પહેલા તો થરાદ પોલીસ સ્ટેશન જવાનો વિચાર આવ્યો પણ તેઓ પણ આખરે તો પુરૂષ જ છે, મે જોયુ છે કે થરાદ પોલીસ સ્ટેશન અમારાના દલાલોને અડ્ડો છે, તેમની ઉઠક-બેઠક પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથે છે. મેં પહેલા તો એવુ પણ સાંભળ્યુ હતું પોલીસ કસાઈ, હત્યા અને વેશ્યાના પૈસા લેતી નથી, પણ અમારા ગામની પોલીસને વેશ્યાનો પૈસા લેતા પણ સંકોચ થતો નથી, તેમને કયારેય પોતાની દિકરી યાદ આવી નહીં હોય..

ખેર પોલીસને દોષ દેવાનો અર્થ નથી, કારણ વર્ષોથી અમે લડવાની તાકાત ગુમાવી દીધી હતી, પણ હવે મેં લડવાનો નિર્ણય કર્યો છે., તકલીફ એવી છે કે જયાં સુધી કોઈની હત્યા ના થાય અને હોબાળો ના થાય ત્યાં સુધી તંત્ર કોઈનું સાંભળતુ નથી, મારા જીવને જોખમ છે, મને પાછી વાડીયા લઈ જઈ ધંધો કરવા માટે મારા જ ઘરના લોકો અને દલાલો ફરી રહ્યા છે. હું કયાં સુધી સંતાતી ફરીશ, પણ મેં નક્કી કર્યુ છે, હું મરી જઈશ પણ હવે મારો ધંધો કરવો નથી, કદાચ મારા મૃત્યુ પછી તંત્ર થોડુ પણ હલે તો મારા જેવી બીજી સ્ત્રીઓને વાડીયામાં સ્ત્રી તરીકે જીવવાનો અધિકાર મળે.

નરેન્દ્રભાઈ હું ભીખ માગતી નથી, હું મારો અધિકાર માંગુ છુ, મારે એક માણસ તરીકે અને એક સ્ત્રી તરીકે જીવવુ છે. મને તે અધિકાર આપો. તમે બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરો છો, તમારા ઈરાદા નેક છે, પણ હું અને મારૂ વાડીયા સાવ છેવાડાના છીએ, દલિત માટે દલિતો લડે અને પટેલો માટે પટેલો નિકળે પણ મારી કમનસીબી એવી છે કે હું તો ધંધો કરતી હતી, પણ મારી તો કોઈ કોમ જ નથી, કારણ કે હું સમાજનું ગંદુ પાત્ર છુ, જેને દિવસે લોકો ધીક્કારે અને રાત્રે પસંદ કરે છે. મને લાગે છે તમારે મારા મનની વાત સાંભળીને કઈક કરવુ જોઈએ.

ચાલો વધુ લખાઈ ગયુ છે, તમને વધુ કહેવાની જરૂર પણ લાગતી નથી, કારણ તમને ભારતનું મન વાંચતા આવડે છે, અને હું પણ  એક ભારત છુ, હા  એક મિનીટ તમે તો હમણાં વિમાનમાં બેસી દિલ્હી જતા રહેશો, પણ કઈ વાંધો નહીં, ત્યાં અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા જ છે. તે પણ સારા માણસ છે, તેવુ મેં સાંભળ્યુ છે.. તમે તેમને મારી દરકાર રાખવાનું કહેતા જાવ તો સારૂ છે, અને વાડીયાની બીજી છોકરીઓને પણ મદદ થઈ શકે તો સારૂ..

બસ આટલી જ વિનંતી છે, કારણ હું વિનંતી કરવા  સિવાય કઈ કરી પણ શકતી નથી. કારણ હું  ધંધો કરનારી સ્ત્રી છુ.

લીઃ સોનલ ચૌહાણ (ઉમંર-20)
મુળ વતન વાડીયા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા
હાલનું ઠેકાણુ અમદાવાદ ઓઢવ નારી સંરક્ષણ ગૃહ
તા 30 ઓગષ્ટ 2016

(સોનલની સાથે થયેલી વાતચીતના આધારે લખાયેલો પત્ર છે)

સોનલ તુ અમારી દિકરી છે , હવે તુ કયારેય વાડીયા જઈશ નહી તેની ખાતરી આપુ છુ.

સોનલ વાડીયા ગામની છોકરી દેહવિક્રયનો ધંધો કરે તેની જીંદગીમાં અનીલનું આગમન થયુ તે તેની સાથે ગામ છોડી ભાગી નિકળી, તે અમદાવાદ આવી છે અને તેણે અનિલ સાથે લગ્ન કર્યા છે તેવા સમાચાર મળ્યા ત્યારે કોઈ પણ કારણસર મનને એક પ્રકારની ટાઢક થઈ , હું સોનલને મળ્યો ન્હોતો અને ઓળખતો પણ ન્હોતો, છતાં વાડીયા જેવા ગામની છોકરી ગામની બહાર નિકળી લગ્ન કરે અને અનિલ જેવો છોકરો તેની સાથે લગ્ન કરે તે બન્ને બાબત મનને શાંતિ આપનારી હતી. મારા  એક મીત્ર દ્વારા તેમને મળવાનું થયુ   અને તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેની રૂપરેખા તૈયાર થઈ.

બીજા દિવસે રવિવારે મારે ત્યાંજ પત્રકારોને બોલાવી, તેમની વાત તેમના મોંઢે  કહેવાનું નક્કી  થયુ, અને  તેવુ જ થયુ પત્રકારો મારા કહેવાને કારણે આવ્યા અને તેમની વાત આખો દિવસ ટીવીમાં ચાલી, સાંજના છ વાગ્યા હતા, ત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના મારા સાથી રીપોર્ટર પાર્થ શાસ્ત્રીનો ફોન આવ્યો, તેણે મને કહ્યુ તમને ખબર છે અનીલ પરણિત છે, અને તે બે બાળકો છે. આ વાકય સાંભળતા મારા હ્રદયના ધબકાર ચુકી ગયું, હું અંદરથી હલી ગયો. આવુ કેવી રીતે બને, મને તો આ બાબતની ખબર જ ન્હોતી, અનીલ પરણિત હોય તો આખી બદલાઈ જતી હતી, મેં તરત પાર્થનો ફોન મુકી જે મીત્ર દ્વારા મને તેમનો પરિચય થયો હતો તેમને ફોન જોડયો, તેઓ પણ આ બાબતથી અજાણ હતા, મેં કહ્યુ મારી અનીલ સાથે વાત કરાવો.

થોડીવારે તેમણે મને અનીલ સાથે વાત કરાવી , તે રડી રહ્યો હતો, હું મારી વાત કહુ તે પહેલા જ તેણે મને કહ્યુ હું સોનલને પ્રેમ કરૂ છુ, પણ હું પરણિત છુ તે વાત મે તમારાથી અને  સોનલથી છુપાવી હતી, કારણ હું પરણિત છુ તેવુ કહી સોનલને ગુમાવવા માગતો ન્હોતો, મેં લગ્ન કરતા પહેલા મારી પત્ની સાથે વાત કરી હતી, અને તેની મંજુરી બાદ જ મે લગ્ન કર્યા હતા. હું ભાંગી પડયો. એક તરફ હવે સોનલનું શુ થશે તેની ચીંતા મને ઘેરી વળી તેની જીંદગીમાં માંડ થોડા કલાક માટે સુખ આવ્યુ હતું, બીજી તરફ મારી ઉપર ભરોસો કરી જે પત્રકારો મીત્રોએ તેમની વાત રજુ કરી હતી તેમની નજરમાં હું ખોટો સાબીત થઈશ તેવી પીડા પણ થઈ, હું સોફા ઉપર બેસી ગયો, મારૂ મગજ વિચારતુ બંધ થઈ ગયુ

એક પત્રકાર તરીકે મારે આ બધી બાબતો વિચારવાની જરૂર ન્હોતી, પણ મને લાગી રહ્યુ હતું આ મારી સાથે અથવા મારા પરિવારના કોઈ સભ્ય સાથે બની રહ્યુ હતું, હું વિચારતો રહ્યો, અનીલ પરણિત હોય તો તેના સોનલ સાથેના લગ્નના ગેરકાયદે ઠરે, એક તરફ સોનલ હતી , બીજી તરફ અનીલની પત્ની અને બે બાળકો પણ હતા, આ તબ્બકે કોણ સાચુ તે કહેવુ મુશ્કેલ હતું છતાં અનીલે વાડીયા જેવા દેહવિક્રય કરતા ગામમાંથી સોનલ જેવી છોકરીને બહાર કાઢવાની હિમંત કરી હતી, સાથે તેના ઈરાદા પણ નેક હતા કારણ તેણે લગ્ન કરી તેને પત્નીને દરજ્જો પણ આપ્યો હતો. મેં મારી જાતને સમજાવી હું ખોટો સાબીત થયો તેના કરતા મહત્વની બાબત સોનલને કઈ રીતે હવે મદદરૂપ થઈ શકાય તેનું મહત્વ વધારે હતું, હું જાણતો હતો કે હું ખોટો ન્હોતો, કદાચ કોઈની નજરમાં મેં કોઈ વાત છુપાવી તેવો પ્રશ્ન ઉદ્દભવી શકે પણ, તેમની સાથે પછી વાત થઈ શકે તેમ હતી આજે મારે માટે સોનલની જીંદગી મહત્વની હતી. કારણ જો તેને મદદ નહી મળે તો તે પાછી વાડીયાના ધંધામાં પાછી ફરશે.

પણ મામલો ગુચવાઈ રહ્યો હતો, હું કાયદા, સામાજીક બંધનો અને લાગણીઓ વચ્ચે હવે કયો રસ્તો નિકળે તે અંગે વિચારી રહ્યો હતો, આખરે નક્કી થયુ કે અનીલ પોતાના પરિવાર પાસે પાછા જવુ જોઈએ, કારણ તે સોનલને પ્રેમ કરે છે અને તેનો પતિ હોવા છતાં તેને એક પત્ની અને બે બાળકો છે, કારણ વાડીયામાં અનીલ અને સોનલનો પરિવાર ઉપરાંત દલાલો હાથ ધોઈ તેમની પાછળ પડયા હતા, પોલીસ તંત્ર કાયદાની ઓથમાં પોતાનો ધંધો કરી રહ્યુ હતું, તેમને મન સોનલની જીંદગીનું કોઈ મહત્વ ન્હોતુ, અનીલને અનેક વિનંતી બાદ બનાસકાંઠા રવાના કરવામાં આવ્યો, હવે સોનલની સલામતીનો સવાલ હતો, કારણ ગમે ત્યારે વાડીયાના દલાલો અાવી પહોંચે તો તેને પાછી વાડીયા લઈ જાય અને તે ફરી દેહવિક્રયના ધંધામાં ધકેલાઈ જાય.

સોનલને પોલીસની મદદથી નારીસંરક્ષણ ગૃહમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો તે ખુબ રડી રહી હતી પણ તેની જીંદગી બચાવવા માટે કોઈ વિકલ્પ ન્હોતો, કુદરત પણ તેની સાથે આવી ક્રુર મઝાક કરશે તેની ખુદ સોનલને પણ કલ્પના ન્હોતી. સોનલ મારી ઘરેથી પત્રકારોને મળી જઈ રહી હતી ત્યારે મારી પત્નીએ મરાઠી પરંપરા પ્રમાણે તેના કપાળમાં હલદર કંકુ લગાવ્યુ, કારણ તે મારે ત્યાં એક સૌભાગ્યવતી સ્ત્રી તરીકે આવી હતી, તેણે જતી વખતે તે મને અને મારી પત્નીને પગે લાગી હતી, ત્યારે મનમાંથી એક જ પ્રાર્થના થઈ હતી સદા સુખી રહેજો. પણ તેનું સુખ આટલુ જલદી છીનવાઈ જશે તેની ખબર ન્હોતી.

સોનલ નારીસંરક્ષણ ગૃહમાં પહોંચી ગઈ, તે શુ કરતી હશે , તેના વિચાર મનને પરેશાન કરી રહ્યા હતા, મેં મારા પત્રકાર મીત્ર લક્ષ્મી પટેલને ફોન કર્યો, ત્યારે તે પોતાના વતન આક્રુંદ હતી, જે અમદાવાદથી એકસો કીલોમીટર દુર છે. જે મીત્ર દ્વારા સોનલ મને મળી તેને મળવા લક્ષ્મી પોતાના ગામથી આવી અને તેઓ બન્ને સોનલને મળ્યા. તેણે અનીલ સાથે પણ વાત કરી અનીલે તેને ખાતરી આપી છે કે તે પાછો આવશે અને તેને લઈ જશે. અનીલ પાછો આવશો કે નહીં તેની મને ખબર નથી, પણ મે મારી જાતને વચન આપ્યુ છે સોનલ તુ અમારી દિકરી છે હવે તુ વાડીયા પાછી જઈશ નહીં તેની ખાતરી આપુ છુ.તે માટે મારે વ્યકિતગત જે કિમંત ચુકવવી પડે તે માટે હું અને મારો પરિવાર તૈયાર છીએ.

લક્ષ્મી મારી કરતા ખુબ નાની છે્ પણ લડાયક છે, મારા અનેક મીત્રો છે, પણ મારી આ લડાઈમાં મારી પડખે કોણ ઉભુ રહેશે તેવો વિચાર આવ્યો ત્યારે લક્ષ્મીનું નામ પહેલુ યાદ આવ્યુ અને તે મારા એક ફોન ઉપર સો કિલોમીટર દુરથી દોડતી આવી, તેણે મને કહ્યુ દાદા તમે એકલા નથી આપણી સોનલ હવે વાડીયા કયારે પાછી જશે નહીં તેની હું તમને ખાતરી આપુ છુ.

મારી દિકરીએ પુછયુ મમ્મી પ્રોસટીટ્યુટ એટલે શુ...

બનાસકાંઠાના વાડીયામાં રહેતી સોનલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને આખા ગામમાં ધમાલ મચી ગઈ. સોનલ લગ્ન કરી રહી છે. આ તો હરગીજ ચલાવી લેવાય નહીં. આખુ વાડીયા ગામ દેહવિક્રયનો ધંધો કરે છે, અહિયા દિકરી જન્મે એટલે આનંદ થાય છે કારણ ઘરમાં કમાનારી વ્યકિતમાં ઉમેરો થાય છે, જયારે દિકરો જન્મે તો ભવીષ્યનો તે દલાલ થાય છે. આ તેમના માટે પારંપરીક કામ છે. અહિયા આ કામને કોઈ ખરાબ ગણતુ નથી, પણ સોનલ ગામની બીજી છોકરીઓ કરતા જુદુ વિચારતી હતી, તેને આ નર્કમય જીંદગીમાંથી બહાર નિકળવુ હતું. ત્યારે જ તેને અનીલ મળી ગયો. બન્ને ભાગી છુટયા અને લગ્ન પણ કર્યા.

દેશમાં દેહવિક્રયના ધંધામા રહેલી સ્ત્રી પહેલી વખત લગ્ન કરી રહી તેવુ ન્હોતુ, છતાં સોનલને આ ધંધામાં ફરી લાવવા માટે દલાલો સહિત ખુદ તેના સગાઓ પાછળ પડયા હતા, સતત ભાગી રહેલા સોનલ અને અનીલ એક મીત્ર દ્વારા મને મળ્યા, તેમને મદદ જોઈતી હતી,તેમની વાત અખબાર અને ટીવીમાં આવે તો કદાચ તંત્ર તેમની મદદે આવે તેવી અપેક્ષા હતી. મેં મારા સાથી પત્રકારોને વિનંતી કરી અને તેઓ તેમની વાત કહેવા માટે રાજી થયા, જયારે પત્રકારો આવ્યા ત્યારે મારી સાથે પંદર વર્ષની દિકરી પ્રાર્થના પણ ત્યાં હતી, તેણે મને આંખના ઈશારે પુછયુ હું બેસી શકુ.. મેં તેને હા પાડી. પછી સોનલ અને અનીલના ઈન્ટરવ્યુ ચાલતા રહ્યા, કેટલાંક પ્રશ્નમાં સંવેદનશીલતાનો અભાવ  પણ હતો.,છતાં પણ પત્રકારોનો પણ ધંધો હતો. એક તબ્બકે એક પ્રશ્નના ઉત્તરમાં અનીલે કહી દીધુ હું સમાજ સુધારક નથી, મેં સોનલને પ્રેમ કર્યો છે માટે તેને લઈ ભાગ્યો છુ.

મારી દિકરી પત્રકારોના પ્રશ્ન અને સોનલના ઉત્તર ધ્યાનથી સાંભળતી  હતી, તેના ચહેરા ઉપર કૌતુકભાવ હતો, તેને સોનલની તકલીફ સમજાતી ન્હોતી. તે થોડીવાર માટે ઉભી થઈ રસોડામાં ગઈ તેણે મારી પત્નીને કઈક પુછયુ, મારી પત્નીએ તેના પ્રશ્નનો ઉત્તર પણ આપ્યો છતાં તે ફરી પાછી ઈન્ટરવ્યુમાં આવી બેઠી ત્યારે પણ તેના ચહેરા ઉપર પ્રશ્નાર્થ ભાવ જ હતો. થોડી થોડી વારે પત્રકારો બદલાઈ રહ્યા હતા, પણ સોનલ અને અનીલને તો બધાને એક સરખા જ જવાબ આપવાના હતા. પત્રકારો નિકળ્યા પછી મેં મારી પત્નીને પુછયુ કે દિકરી તને શુ પુછવા માટે અંદર આવી હતી. તેણે જવાબ આપ્યો તેણે તેણે મને પુછયુ પ્રોસટીટ્યુટ એટલે શુ..

દિકરીના પ્રશ્નનો ઉત્તર શુ આપવા પહેલા તો મને ખબર જ ના પડી, છતાં મેં તેને સમજાય અને સમજાવી શકાય તે ભાષામાં તેનો અર્થ સમજાવ્યો, પણ તેણે કહ્યુ મને તો કઈ ખબર જ પડી નહીં. એટલે કહ્યુ હવે તને તારા પપ્પા સમજાવશે, જો કે મારી દિકરીએ હજી મને તે શબ્દનો અર્થ પુછયો નથી, પણ સોનલ લગભગ  હમણાં મારી દીકરીની જ ઉમંરની હતી ત્યારે આ ધંધામાં તેની માતાએ ધકેલી દિધી હતીઆ , એક કડવી વાસ્વીકતા હતી કે જયારે મારી દિકરીને આ શબ્દનો અર્થ પણ ખબર નથી ત્યારે સોનલ તે જ ઉમંરે આ ધંધાનો ભાગ બની ગઈ હતી. અને આજે તે પાણી વગર તરફડતી માછલીને જેમ ત્યાંથી નિકળવા માટે ધમપછાડા કરી રહી હતી. મને હતું કે સોનલ અને અનીલને મદદ મળશે અને તેમનો કઈક રસ્તો નિકળશે.

પણ તેમની વારતામાં એક નવો વળાંક આવ્યો, જે અંગે આપણને તો ઠીક પણ ખુદ સોનલને પણ ખબર ન્હોતી, જયારે સોનલ અને અનીલના ઈન્ટરવ્યુ પછી તેની જાણ થઈ ત્યારે હું પણ હચમચી ગયો, મોડી રાત સુધી તેમના વિચારોએ મને ઘેરી લીધો હતો. આગળ શુ થશે અને હેપી એન્ડ કેવી રીતે આવશે તેની કોઈને જ ખબર નથી, છતાં સોનલની ટ્રેજીક વારતા પાછળની વારતા શુ છે તે હું તમને કહીશ પણ તે માટે થોડીક રાહ જોવી પડશે, કારણ દરેક દર કલાકે વારતાનો સીન ઝડપભેર બદલાઈ રહ્યો છે. સોનલ અને અનીલની સ્ટોરીમાં નવા કેરેકટરો ઉમેરાતા જાય છે.

Sunday, August 28, 2016

તે કયારેય મળી નહીં છતાં મને પ્રેમ કરતી હતી

પ્રતિકાત્મક તસવીર     





 મહેશ દવે પોતાની ઓફિસના પગથીયા ઉતરી રહ્યા હતા, ત્યારે તેમના કાને અવાજ પડયો દવે સર પ્લીઝ એક મિનીટ, તેમણે પાછળ ફરીને જોયુ. ત્યાં કોઈ ન્હોતુ, તે પગથીયા પુરા થાય તે પછીની ખાલી ગેલેરીમાં કોઈ ન્હોતુ.. તે થોડીક વાર ખાલી ગેલેરી જોઈ રહ્યા પછી હસી પડયા. અને પગથીયા ઉતરી ઓફિસની બહાર આવી ગયા, નીચે આવી તેમણે ઓફિસની દસ મંજીલી ઈમારતને ઉપર સુધી જોઈ, જોતા જ રહ્યા જીંદગીના ચાર દસકા અહિયા જ પુરા થઈ ગયા, હવે કદાચ કયારેય આફિસમાં આવવાનું થશે નહીં. પણ આજે આટલા વર્ષે મંજરીનો ભાસ કેમ થયો હશે.. મંજરી હતી જ તેવી  મહેશ દવેના જીવનનું એવુ પાત્ર જયારે તેમની જીંદગીમાં આવ્યુ જ નહીં છતાં તેની હાજરી સતત ભાસતી રહી.

તે પાર્કિગમાં ગયા કારને સેલ માર્યો અને ફરી એક વખત ઓફિસ તરફ નજર કરી કાર હંકારી મુકી હતી, કાર ઘર તરફ જઈ રહી હતી, પણ મંજરી તરફ વળી ગયુ હતું. મહેશ દવે ભારત સરકારની ઓફિસમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, જયારે મંજરી તેમની કલાર્ક હતી, છ વાગ્યાના ટકોરે ઓફિસ ખાલી થઈ જતી, પણ મંજરી કયારેય પોતાનું કામ બાકી રાખી જતી નહીં, મહેશ દવે પોતાની ઓફિસ છોડી પગથીયા ઉતરતા હોય ત્યાં અવાજ કાને પડે દવે સર પ્લીઝ એક મિનીટ.. દવે તરત રોકાઈ હાથ ઉપરની કાંડા ઘડીયાળ જોતા અને કહેતા મંજરી કઈ ભાન પડે છે, સાડા છ થયા, ઘરે કયારે જઈશ.. તે ચહેરા ઉપર દોષી હોવાનો ભાવ લાવી કહેતી સર કાલે પાછુ બીજુ કામ આવી જશે બસ કામ પુરૂ જ થયુ છે, તેમ કહી ફાઈલ આગળ ધરી કહેતી એક સીગ્નેચર પ્લીઝ, અને દવે પેન કાઢી હસતા હસતા ફાઈલ ઉપર સહી કરી દેતા.. એક પગથીયુ ઉતરી તરત પાછી ફરી રહેલી મંજરી કહેતા સાંભળ તરત નિકળજે અને પહોંચી મને ફોન કરી દેજે.

મંજરી ત્યારે લગભગ બાવીસ-ત્રેવીસ વર્ષની હશે જયારે તેણે નોકરી જોઈન્ટ કરી હશે, દેખાવમાં અત્યંત સુંદર હતી, પણ કદાચ તેની સુંદરતા તેના ચહેરાની નહીં, પણ તેની પાસે એક સારૂ હ્રદય હતું, અત્યંત સરળ અને  કાયમ હસતી, હસાવતી મંજરી ઓફિસનું પ્રિય પાત્ર હતું, મંજુરી મોડી નિકળે ત્યારે ઘરે પહોંચી અચુક મહેશ દવેના ઘરે ફોન કરી કહી દેતી.. સર ઘરે પહોંચી ગઈ છુ,ત્યારે તો લેન્ડ લાઈન ફોન જ હતા, ઘણી વખત તો મંજુરીનો ફોન મહેશ દવેના પત્ની સ્વાતી ઉપાડતા અને પછી પહોંચી ગઈ છુ તેવુ કહેવા મંજરીનો ફોન સ્વાતી સાથે અડધો કલાક ચાલતો હતો, સ્વાતી પોતાની દિકરી કેતાને લઈ ઘણી વખત ઓફિસ આવતા ત્યારે કેતા દસ વર્ષની હતી, પણ કેતાને જોતા મંજરી તેને તેડી લેતી અને સ્વાતીને કહેતી મેમ તમે બહાર જ ઉભા રહો સરને સરપ્રાઈઝ આપીએ.

કેતાને તેડી મંજરી મહેશ દવેની ચેમ્બરમાં દાખલ થતી અને કહેતી સર જુઓ એક નવો સ્ટાફ મેમ્બર આવ્યો છે, દવેને મંજરીના હાથમાં કેતાને જોતા આશ્ચર્ય થતુ પણ દવે સાહેબનો ચહેરો જોતા જ મંજુરી  ખડખડાટ હતી પડતી અને કહેતી સર મેમ બહાર ઉભા છે. એકદમ અલ્લડ અને મસ્તીખોર છોકરી હતી, કયારેક તે બપોરે ચેમ્બર નોક કર્યા વગર અંદર આવી જતી, અને ટેબલ ઉપર પોતાનું લંચ બોકસ મુકતા કહેતી સર ચાખો તમારો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. દવે મંજરી સામે જોઈ રહેતા, તે કહેતી સર બહુ વિચાર કરવાની જરૂર નથી, અને દવે સાહેબ હાંડવો ખાઈ લેતા, મંજરીને દવેની બારીક બારીક વાતોની ખબર હતી, તેમની પસંદ-નાપસંદ અને રંગોની પણ , તેમણે તેને પુછયુ પણ હતું મંજરી તને મારી વાતો કોણ  કહે છે, પણ હસી પડતી, તે હસે ત્યારે એકદમ નિર્દોષ લાગતી, તે જવાબ આપતી નહીં. મહેશ દવેનો જન્મ દિવસ હોય, લગ્ન દિવસ હોય કે પછી કેતાનો જન્મ દિવસ તે સવારે અચુક મીઠાઈ અને ગીફટ લઈ ત્યાં પહોંચી જતી.

એક દિવસ ચેમ્બરમાં તે કોઈ કામ માટે આવી તે ફાઈલ ઉપર નોટીંગ ખાસ્સુ હતું, એટલે તે નોટીંગ વાંચી રહ્યા હતા, મહેશ દવેને ખબર ન્હોતી, કે મંજરી તેમને જોઈ રહી છે, તે ધ્યાનથી તેમને જોઈ રહી હતી, દવે જયારે ફાઈલ ઉપર સહી કરી રહ્યા હતા ત્યારે તેણે ફાઈલ પરત લેતા કહ્યુ સર તમે કેમ વહેલા જનમ્યા .. દવે મંજરી સામે જોવા લાગ્યા, તે હસી પડી અને ફાઈલ લઈ ઓફિસની બહાર જતી રહી, મંજરીનો પ્રશ્ન બહુ વિચિત્ર લાગ્યો, પછી તેણે તે દિવસ પછી તે અંગે કોઈ વાત કરી નહીં, તે તેના મુડમાં જ કામ કરતી હતી.

એક સાંજે તે ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો, તેણે ઓફિસમાં આવતા પહેલા  દરવાજો નોક કર્યો, તે અંદર આવી ચુપચાપ ઉભી રહી, મહેશ દવેું હતું તે તે રોજ પ્રમાણે ચપળ-ચપળ  બોલશે ફાઈલ ટેબલ ઉપર મુકશે પણ તેવુ કઈ થયુ નહીં, મહેશ દવેએ ઉપર જોયુ, તો મંજુરી ઉભી હતી, પણ તેની આંખમાં આંસુ હતા, દડદડ આંસુ પડી રહ્યા હતા.મહેશ દવે ઉભા થયા તેમણે તેને બન્ને ખભેથી પકડી ખુરશીમાં બેસાડી, ટેબલ ઉપર ઢાંકીને રાખેલો પાણીનો ગ્લાસ તેના હાથમાં મુકયા તેની બાજુની જ ખુરશીમાં બેસતા કહ્યુ મંજુરી શુ થયુ, કારણ મંજુરી રડી શકે તેવુ તેમણે કયારેય વિચાર્યુ જ ન્હોતુ. તે શાંત થઈ તેણે મહેશ દવેના હાથમાં એક કાગળ મુકયો, દવેએ તેને ઘડી ખોલી વાંચ્યો, તે સ્તબ્ધ થઈ ગયા તેમણે મંજુરી સામે જોયુ, તેણે કહ્યુ સર મારી ગઈકાલે સગાઈ થઈ છે. વિશાલ લંડનમાં રહે છે.

 હવે હું પણ લંડન સેટલ્ડ થઈ જઈશ, આ મારૂ રાજીનામુ છે.. મંજરી આમ જતી રહેશે તેવુ કયારેય વિચાર્યુ ન્હોતુ, તે હજી શાંત હતી મહેશ દવે અને મંજરી વચ્ચે કોઈ સંવાદ ન્હોતો. તેની નજર નીચી હતી, તે પોતાની હાથની આંગળીઓને દુપટ્ટો વીટાળી રહી હતી, તે એકદમ અટકી ગઈ તેણે મહેશ દવે સામે જોતા કહ્યુ સર એક વાત કહુ.. દવે પોતાની આંખો વડે તેણે હા પાડી. મંજરીએ ઉંડો શ્વાસ લીધો પહેલા નીચી નજર અને ફરી મહેશ દવેની આંખોમાં જોતા કહ્યુ હવે ભારત પાછી કયારે આવીશ તેની ખબર નથી, પણ હું મારો ભાર સાથે લઈ જવા માગતી નથી, પછી તેણે અત્યંત ધીરેથી મહેશ દવેનો હાથ પકડતા કહ્યુ સર હું  તમને પ્રેમ કરૂ છુ અને કરતી રહીશ.. આટલુ બોલી તે ચેમ્બરની બહાર નિકળી ગઈ.

પછી તે થોડા દિવસ ઓફિસ આવી તેની ફેરવેલ પાર્ટી પણ થઈ ત્યારે , પાર્ટીમાં તે  મહેશ દવેને ત્રાસી આંખે જોઈ રહી હતી, કદાચ તેને રડવુ હતું પણ તે રડી શકી નહીં, દવે પોતાની પત્ની સ્વાતી અને કેતા સાથે તેના લગ્નમાં પણ ગયા હતા મંજરી  ગઈ તે વાતને પંદર વર્ષ થઈ ગયા, પછી મંજરી કયારે પાછી આવી નહીં, છતાં તે મહેશ દવેની જીંદગીમાંથી ગઈ નહીં, તેના ફોન  અચુક આવતા, તે બહુ સહજ રીતે વાત કરતી હતી, મોબાઈલ ફોન આવ્યા બાદ તે મોટા ભાગે મોબાઈલ ફોન ઉપર જ વાત કરતી અને વોટસઅપ આવ્યા બાદ, સર જમ્યા.. સર ઓફિસથી નિકળ્યા.. સર અહિયા વરસાદ પડયો છે મને આપણી ઓફિસ સામે મળતા ભજીયા યાદ આવી ગયા વગેરે વગેરે સંવાદ કરતી હતી, તે સ્વાતીને પણ ફોન કરતી હતી, કેતા  પણ બે વર્ષ પહેલા લગ્ન કરી સાસરે જતી રહી હતી. મહેશ દવેને સમજાતુ ન્હોતુ  કે  આજે મંજરીની આટલી બધી વાતો કેમ યાદ આવી રહી હતી..

સોસાયટીમાં દાખલ થતાં મહેશ દવે મંજુરીના તમામ વિચારો ખંખેરી નાખ્યા, કાર પોર્ચમાં પાર્ક કરી તે ઘરમાં  દાખલ થયા પણ  તે દરવાજામાં જ ઉભા રહી ગયા સ્વાતીની સાથે મંજરી બેઠી હતી, હજી પણ તેવી જ લાગતી હતી, ત્યાં જ મંજરીનું ધ્યાન મહેશ દવે ઉપર પડયુ તે ઉભી થઈ તેના હાથમાં ફુલો હતા, તે ઉભી થઈ મહેશ દવે પાસે આવી, તેણે મહેશ દવેની આંખોમાં જોતા ફુલો આપતા કહ્યુ સર જીદગીની નવી ઈનીંગમાં આપનુ સ્વાગત છે, મહેશ દવેએ ફુલો લેવા માટે હાથ લંબાયો ત્યારે મંજરીની આંગળીઓનો સ્પર્શ થયો, આ પેલો જ સ્પર્શ હતો જયારે મંજરીએ રાજીનામુ આપતી વખતે હાથ પકડી કહ્યુ સર તમને પ્રેમ કરૂ છુ અને કરતી રહીશ. સ્વાતીએ ઉભા થતા કહ્યુ ત્યાં જ વાતો કરશો અંદર તો આવો.

મહેશ દવે કઈ સમજી શકતા ન્હોતા કે મંજુરી કેવી રીતે આવી, સ્વાતીએ વાતનો ફોડ પાડતા કહ્યુ જુઓ મીત્ર આને  કહેવાય, તમે રીટાયર્ડ થઈ રહ્યા હતા, તે વાત મંજરીએ બરાબર  યાદ રાખી હતી અને તમને સરપ્રાઈઝ આપવા લંડનથી આવી છે. મહેશ દવે મંજરી સામે જોઈ રહ્યા તે મનોમન બબડયા જો તુ સર પ્રાઈઝ આપે તેવી ખબર હોત તો કયારનો રીટાયર્ડ થઈ ગયો હોત, તે રાત્રે મંજરી સ્વાતીની આગ્રહને કારણે રોકાઈ ગઈ, રાતે ત્રણે ખુબ વાતો કરી પણ મહેશ દવે જોઈ શકતા હતા કે મંજરી તેમની આંખોમાં જોઈ કઈ પણ કહ્યા વગર ઘણી બધી વાત કરતી હતી, રાતે મહેશ દવે પથારીમાં આડા પડયા પણ તે હજી મંજરીને સમજી શકયા જ ન્હોતા, કોઈ સ્ત્રી કોઈને મળ્યા વગર પણ પ્રેમ કરી શકે તે તેમને સમજાતુ જ ન્હોતુ. મંજરી બીજા દિવસે ત્યાંથી નિકળી અને અઠવાડીયા પાછી લંડન જવા નિકળી ત્યારે એરપોર્ટ ઉપર મહેશ દવે અને સ્વાતીને ચરણસ્પર્શ કર્યો હતો, જયારે મહેશ દવેના પગની આંગળીઓને મંજરીનો સ્પર્શ થયો ત્યારે તેમનાથી બોલાઈ જવાયુ કાયમ ખુશ રહેજે.. અને થોડીવારમાં  તે આકાશની ઉંચાઈ તરફ જઈ રહેલા પોતાના  પ્રેમને જોતા રહ્યા.

Saturday, August 27, 2016

મે કહ્યુ ગણપતિને ન્યુમોનીયા થઈ જશે..

હું ખુબ નાનો હતો, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો હતો, કોમી તોફાનો ચાલતા, ઓફિસ ગયેલા પપ્પા ઘરે ના આવે ત્યાં સુધી ચીંતા રહેતી હતી, સમયનો તો અંદાજ આવતો ન્હોતો, પણ અંધારૂ થવા લાગે એટલે મોડુ થઈ ગયુ છે તેવો અંદાજ લગાવી લેતો, હું ચીંતામાં મમ્મીને થોડી થોડી વારે પુછતો પપ્પા કયારે આવશે.. તે મને કહેતી ચીંતા કરતો નહી આવી જશે, પણ પપ્પા આવે નહીં ત્યાં સુધી મને રાહત થતી નહી.

એક દિવસ એવુ થયુ કે પપ્પાની રાહ જોવા છતાં તે આવ્યા નહીં, એટલે મમ્મી કહ્યુ પ્રશાંત  ડોલમાં જઈ વેલણ મુકી આવ.. પપ્પા આવી જશે. મને કઈ સમજાયુ નહીં, પણ મારે મન પપ્પા જલદી આવે એટલે મેં  વેલણ પાણીની ડોલમાં મુકી દીધુ, હું તેની પાસે વેલણ મુકી પ્રશ્નાર્થ નજરે ગયો, તેણે મારા માથા ઉપર  હાથ ફેરવતા કહ્યુ આપણે કોઈની રાહ જોતા હોઈએ અને તે ના આવે તો પાણીની ડોલમાં વેલણ મુકી દેવુ તે જલદી આવી જાય છે. અને થોડીવારમાં મારા પપ્પા ઘરે આવી ગયા, હું ખુશ થયો, આજે રવિવાર છે કઈક ભાર વિનાની વાત કરવાની વેલણ પાણીના ડોલમાં મુકવાથી  જેની  રાહ જોતા હોઈએ તે વહેલુ આવી જાય તેવુ બને નહીં તેની મને બહુ મોડી  ખબર પડી, આ એક ટુચકો હતો, છતાં ત્યારે તેની મઝા આવતી હતી, કદાચ મારી પપ્પાની રાહ જોવામાં ઘરનું વેલણ પણ  ભાગીદાર હોય તેવુ લાગતુ હતું.

2014માં જીંદગી લાંબા સમયથી બહુ સરળ ચાલી રહી હતી, મારા મીત્રો મને મઝાકમાં કહે છે કે જયારે જીંદગીની ગાડી બરાબર સારી રીતે દોડતી હોય ત્યારે તુ અચાનક બ્રેક મારી કહે ચાલો ઓફ રોડ ગાડી ચલાવી જોઈ, એક મીત્ર કહે છે પ્રશાંતને દુશ્મનની જરૂર જ નથી, તે પહેલા પોતાની જીંદગીને સરળ બનાવે પછી રગદોળી નાખે છે, મઝાક પુરતી વાત છે ત્યાં સુધી હું મારી ઉપરના આરોપ સ્વીકારી લઉ, પણ તે સાચુ નથી, સામે દરવાજે આવેલીપરિસ્થિતિમાં માણસ પાસે બે રસ્તા હોય છે, એક તે ત્યાંથી ખસીને નિકળી જાય અને બીજો સ્થિતિને પડકારી લડે. બસ ત્યારે તેવુ જ બન્યુ હતું.

મજેઠીયા પગારપંચના મુદ્દે વાત આવી ત્યારે મારો પગાર, નક્કી કરેલા ધોરણો કરતા વધારે હતો, પણ મારા સાથીઓનો ઓછો હતો, હું ચીફ રીપોર્ટર હતો.. મેં કહ્યુ લીડર તરીકે જવાબદારી ઉપાડી અને તેવુ જ કર્યુ, પણ મારી બદલી ઘનબાદ કરી દેવામાં આવી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો, હું લગભગ રોજ ગુજરાત હાઈકોર્ટ જતો, મારા બીજા મીત્રો સાથે ગુજરાત હાઈકોર્ટ સામે આવેલી લાલાની ચ્હાની લારી ઉપર ભેગા થતાં, હાઈકોર્ટ મારા માટે નવી ન્હોતી પણ એક પક્ષકાર તરીકે જજ ડાયસ ઉપરથી માત્ર તારીખ જ આપે ત્યારે બહુ નિરાશા થતી હતી.

હું ઘરે પહોચુ ત્યારે મારો દિકરો આકાશ પુછે શુ થયુ.. તેને રોજ શુ જવાબ આપુ તે પ્રશ્ન હતો.. તે કહે  બીજે કયાંક નોકરી શોધી લોને.. પણ તેને કયાં કહુ તારા બાપાનું પરાક્રમ એટલુ ભારે છે કે તેને  કોઈ નોકરી આપતુ જ નથી, આ ઉમંરે બાળક પિતાને નોકરી અંગે પુછે ત્યારે બહુ માઠુ લાગે, ખરેખર તો મારે તુ નોકરી કેમ કરતો નથી તેવુ પુછવુ જોઈએ, પણ અહિયા ઉલ્ટી સ્થિતિ હતી વાત હવે એક નવા ટુચકાની, મારી પત્ની શીવાનીને મારી સાથે નીસ્બત ખરી, પણ મારા પ્રશ્ન સાથે નહીં, તેને ખબર હું કઈ રસ્તો કરી લઈશે,. પણ આ વખતે પ્રશ્નગાળો લાંબો ચાલ્યો, પગાર બંધ થઈ ગયો હોવાને કારણે તેના ઘરના બજેટ ઉપર સીધી અસર થઈ હતી, તેનો અને તેના ભગવાનનો સંબંધ કઈક જુદો છે, તે મારી સાથે ઝઘડે ત્યારે પુજા ના કરે, જાણે મારી અને તેની વચ્ચે ભગવાને જ ઝઘડો કરાવ્યો.. હું તેને પુછુ કે આજે પુજા ના કરી તો તે કહે મુડ ખરાબ હોય ત્યારે પુજા કરતી નથી.

પણ મારો હાઈકોર્ટમાં  કેસ ચાલી રહ્યો હતો ત્યારે તે રોજ પુજા કરતી હતી, એક દિવસ મારૂ ધ્યાન પડયુ કે સ્ટીલના વાસણમાં પાણી ભરેલુ હતું, તેમાં ગણપતિની એક નાની મુર્તિ આખી ડુબાડેલી હતી.. મેં સહજ રીતે પુછયુ આ કેમ કર્યુ. તેણે વેલણ જેવો જ ટુચકો મને સંભળાવ્યો, તેણે કહ્યુ મે ગણપતિને કહ્યુ છે મારા પતિના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હું તને પાણીની બહાર કાઢીશ નહીં.. મેં કહ્યુ શીવાની તેવુ ના હોય તુ બીચારા ગણપતિને હેરાન ના કરીશ , તેની પાસે રેપો રેટ, બીફના પ્રશ્ને થતાં તોફાન, જીએસટી બીલ સહિત કેટલાય મહત્વના કામ છે, તેને આપણા વ્યકિતગત પ્રશ્નમાં  શુ કામ હેરાન કરે છે.

જે પરણેલા હશે તેમને ખબર હશે, કે જયારે પત્નીને કોઈ વાતનો જવાબ આપવો ના હોય ત્યારે તે એક વિચિત્ર નજરે તમારી સામે જુવે.. ત્યારે  પતિને પોતે કેટલો તુચ્છ અને પામર છે તેવો અહેસાસ થાય, તેની નજર એટલુ જ કહેતી હોય તમને ખબર ના પડે તો ચુપ રહો.. જો કે બોલ્યા વગર પણ કોઈનું અપમાન કરી શકાય તે તો સ્ત્રીઓ પાસેથી શીખવા મળે તેવુ જ શીવાનીએ પણ કર્યુ ગણપતિ પાણીમાં જ રહ્યા. જો ખરેખર ગણપતિને પાણીમાં રાખવાથી કોર્ટ કેસનો નિકાલ આવી જાય તો હું ભારતની તમામ કોર્ટમાં જઈ એક એક ગણપતિ પાણીમાં મુકી આવુ.. આપો આપ બધા કેસનો નિકાલ થઈ જાય અને જજ કામ પુરૂ થઈ જાય એટલે આપણી જેમ પાનના ગલ્લા ગપાટા મારવા આવે.

પણ વાત શીવાનીની શ્રધ્ધા અને મારી તરફના પ્રેમની હતી હું કઈ બોલ્યો નહીં, પણ રોજ હાઈકોર્ટ જવા નિકળુ ત્યારે એક વખત ગણપતિને હાય કહીને નિકળુ, મને ગણપતિ દયામણા લાગતા હતા, પણ મદદ કરી શકુ તેમ ન્હોતો, નહીતર મને શીવાની ગણપતિની જગ્યાએ પાણીમાં બેસાડી દે. બે દિવસ-ચાર દિવસ- દસ દિવસ પંદર દિવસ હું શીવાની સામે જોઈ હસતો.. તેને સમજ પડી જતી , તે કહેતી હશો નહીં ,મહિનો પસાર થઈ ગયો, મને ખબર હતી ગુજરાત હાઈકોર્ટ મારા પિતાશ્રીની નથી, સમય તો લાગશે હાઈકોર્ટમાં કેસ પિતા કરે  અને ન્યાય મળે ત્યારે તેની નકલ લેવા તેનો પુત્ર આવે તેવા પણ દાખલા છે , અને પુત્રએ કેસ  જીતી ગયા તેની સર્ટીફાઈડ નકલ સ્કેન કરી સ્વર્ગમાં મોકલવી પડે.. ખબર કદાચ નર્કમાં પણ મોકલી પડે.

જવા દો આપણે કોઈના સરનામામાં પડવુ નથી,, વાત મારા ગણપતિની  મહિના પછી મેં શીવાનીને કહ્યુ જો આ ગુજરાત હાઈકોર્ટ છે કઈ જલદી થશે નહીં તુ ગણપતિને પાણીની બહાર કાઢ નહીંતર તેને ન્યુમોનીયા થઈ જશે અને આ મુશ્કેલીમાં પાછી તેની સારવારનો ખર્ચ પણ આવશે, અને સારવાર શબ્દ કાને પડતા તે ડરી ગઈ, તેણે તરત ગણપતિને બહાર કાઢી લીધા હતા, મને ખબર છે શીવાની માટે કેવી પીડા હશે, તેણે ગણપતિને નહીં, તેણે ઈશ્વરમાં મુકેલો વિશ્વાસ પાછો લીધો હતો. મને આ વાત એટલા માટે યાદ આવી ગણેશ ચુતર્થી આવે છે, ફરી શીવાનીની શ્રધ્ધા જાગ્રત થશે, મારી ઘરે  ગણપતિ આવશે. શીવાની ખુશ થશે, તે ખુશ રહેતી હોય તો મને  તેના ગણપતિને નમવામાં પણ  કોઈ વાંધો નથી.

 ગણપતિ બાપ્પા મોરીયા

વેશ્યાઓ લગ્ન કરશે તો ધંધો કોણ કરશે..

બે દિવસ પહેલા એક મીત્રનો ફોન આવ્યો, જરા જલદી આવી જાવ એક અગત્યનું કામ છે, મેં પુછયુ શુ થયુ તેમણે જવાબ આપ્યો વાડીયાથી સોનલ ભાગીને આવી છે. વાડીયા શબ્દ કાને પડતા મારુ  મગજ તેજ દોડવા લાગ્યુ.. હું 2012માં વાડીયો ગયો હતો, પાલનપુરથી થરાદ જતા આ હાઈવે ઉપરનું ગામ છે, વર્ષોથી આ ગામની બધી જ સ્ત્રીઓ પોતાનું શરિર વેંચે છે અને ઘરના તમામ પુરૂષો પોતાના જ ઘરની સ્ત્રીઓની દલાલી કરે છે, જો તમે આ વાત પહેલી વખત સાંભળતા હોવ તો આશ્ચર્ય થશે, પણ આઝાદી પછી ગુજરાતમાં કોઈ એક ગામ માત્ર વેશ્યાનો જ  વ્યવસાય કરતુ હોય તે કરુણ વાસ્વીકતા છે, ગુજરાત સરકારે પણ આ ગામની સ્ત્રીઓ આ કામ છોડી બીજુ કામ કરે તેવા અનેક પ્રયત્નો કર્યા, પણ ધારી સફળતા મળી નહીં, છેલ્લાં લગભગ એક દસકાથી વિચરતી જાતી સમુદાય મંચના નેજા હેઠળ મીત્તલ પટેલ પણ આ ગામમાં સ્ત્રીઓને ધંધો છોડી નવા રસ્તે  લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ જો સ્ત્રીઓ વેશ્યાનું કામ છોડી દેતો પુરૂષોને કામ કરવુ પડે અને તે તેમને મંજુર નથી, હું મીત્તલ સાથે જ આ ગામમાં બે દિવસ રોકાયો હતો.

સોનલના દાદી પણ વેશ્યા હતી, અને તેની મા પણ અને પંદર વર્ષની ઉમંરે તે પણ વેશ્યા બની ગઈ, તેને સ્કુલમાં જવુ હતું, ભણવુ હતું, અને રમવુ પણ હતું, પણ જો સોનલ આ બધુ કરે તો ધંધો કોણ કરે, તે માંડ ચાર-પાંચ  ચોપડી ભણી હશે, ત્યાં તેને સ્કુલમાંથી ઉઠાડી ધંધે બેસાડી દીધી, હજી તો તે જીંદગીને સમજવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં તેની રોજ, દર કલાકે જીંદગી પીખાઈ રહી હતી, સોનલે મને કહ્યુ હું રડતી હતી, મારે આ કામ ન્હોતુ, કરવુ પણ મારી માં કહેતી કે વાડીયાની તુ કઈ પહેલી છોકરી છે કે તારે આ કામ કરવુ નથી, આમ કરતા કરતા પાંચ વર્ષ વહી ગયા, હવે તો આંસુ પણ સાથ આપના ન્હોતા, ત્યાં એક દિવસ અનીલ આવ્યો, તે તેનો નવો ગ્રાહક હતો.

પછી અનીલ રોજ આવવા લાગ્યો, એક દિવસ અનીલે પુછયુ મારી સાથે લગ્ન કરીશ, સોનલ તેની સામે જોઈ રહી, તેણે લગ્ન વિશે સાંભળ્યુ હતું, પણ વાડીયામાં કોઈના લગ્ન થતા નથી, તેની તેને ખબર હતી, ગ્રાહકોને ખુશ કરતી ગામની મહિલાઓ જયાં સુધી રૂપાળી હોય ત્યાં સુધી ધંધો કરે ત્યાર બાદ કોઈ ગ્રાહકની રખાત થઈ જાય, જો કે તેણે રહેવાનું તો ગામમાં જ પછી તે જેની રખાત હોય તે રોજ આવે તે સિવાય કોઈની સાથે સંબંધ રાખવાનો નહીં, તે ગ્રાહક તે મહિલાના પરિવારનું ભરણ-પોષણ પણ કરે તેના દ્વારા બાળકો પણ થાય, પણ તે બાળકોને પિતાનું નામ મળે નહીં. અને જો તે સ્ત્રીના પેટે દિકરી જન્મે તો તે પણ વેશ્યા બને અને તેનો ભાઈ તેની દલાલી કરે. અત્યંત કરૂણ અને રૂવાડા ઉભા કરી દેનારી વાત છે. ગામના કેટલાંક શેઠીયાઓ પણ હવે દલાલ થઈ ગયા છે, તેઓ આ ગરીબ માણસોને પૈસા ધીરે છે, તેના કારણે આ સ્ત્રીઓ આ ધંધો છોડે તે તેમને પણ પસંદ નથી.

અનીલને તેને ખાતરી આપી કે, તે લગ્ન કરશે, જયારે સોનલે લગ્નની વાત પોતાની ઘરે કરી ત્યારે પહાડ તુટી પડયો, જો  તે જતી રહેતો તો ધંધો કોણ કરે, ઘરની આવકનું શુ, તેને તેના મા-બાપે ખુબ ફટકારી, અનીલનું પણ ગ્રાહક તરીકે આવવાનું બંધ કરાવી દીધુ, દિવસો વિતવા લાગ્યા, બે દિવસ પહેલા વહેલી પરોઢના અનીલ ગામમાં પોતાની કાર લઈ પહોંચી ગયો, હજી ગામ સુઈ રહ્યુ હતું, તેણે સોનલને બહાર બોલાવી, તે ઘરની બહાર નિકળતા તેઓ ભાગી છુટયા હતા, તે બન્ને અમદાવાદ હતા, સોનલની આંખમાં એક વિનંતી હતી, મારે લગ્ન કરવા છે, તમે મારા લગ્ન કરાવી આપશો, તેઓ બન્ને પહેરેલે કપડે ભાગ્યા હતા, સોનલ વીસ વર્ષની હતી અને અનીલ અઠયાવીસ વર્ષનો , કાયદેસર તેમના લગ્ન થાય તેમાં કોઈ વાંધો ન્હોતો, પણ સમસ્યા એવી હતી, સોનલ પુખ્ત ઉમંરની છે તેવા કોઈ પુરાવા તેની પાસે ન્હોતા.

હવે ગામમાં જવાય તેવુ ન્હોતુ, બીજી તરફ સોનલ નહીં મળતા તે ભાગી છુટી છે તેવી પાક્કી ખબર ગામને અને ગામના દલાલોને પડી ગઈ હતી, કલાકમાં વીસથી પચ્ચીસ જીપો સોનલને શોધવા દોડવા લાગી હતી, પાલનપુરમાં દલાલોને એક મિટીંગ મળી , કારણ તેમના માટે ખુબ આધાતજનક સમાચાર હતા, વાડીયા ગામના ઈતિહાસમાં લગ્ન કરવા માટે કોઈ વેશ્યા ભાગી હોય તેવી પહેલી ઘટના હતી, એક દલાલે મીટીંગમાં કહ્ય સાલી રંડીઓ જો લગ્ન કરશે તો ધંધો કોણ કરશે, સોનલને ગમે ત્યાંથી પાછી લાવો ખર્ચ કઈ પણ થાય તો કરીશુ, પણ સોનલ પાછી નહીં આવે તો વાડીયામાંથી બીજી છોકરીઓ પણ ભાગવા લાગશે, હવે આવા માહોલમાં સોનલનું પ્રમાણપત્ર લેવા પાછા જવુ શકય ન્હોતુ.

પણ કયાંકથી મદદ મળી રહે, ગુજરાતના એડીશનલ ડીજીપી  કરવામાં આવ્યો, વિનંતી એટલી જ હતી કે સોનલ લગ્ન કરવા માગે, તેને પ્રમાણપત્રની જરૂર છે, જો કોઈ મદદ થઈ શકે તો સારૂ , તેમણે ત્રણ જ કલાકમાં સોનલની સ્કુલમાંથી તેનો જન્મનો પુરાવો મંગાવી મોકલી આપ્યો. અને સોનલની માંગમાં અનીલે સીંદુર ભર્યુ, કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રાર સામે તેમના લગ્નની નોંધણી પણ કરાવવામાં આવી, વાત અહિયા અટકતી નથી, હવે એક નવી જીંદગી સાથે અનીલ અને સોનલ સામે અનેક પ્રશ્ન છે, હું લગ્ન બાદ સોનલને મળ્યો, તે હિન્દી ફિલ્મની અભીનેત્રી જેવુ ગ્લેમરસ કેરેકટર નથી, પણ તેના વિચારોમાં સ્પષ્ટતા છે. તેણે કહ્યુ મારો પરિવાર મને મુબારકખાન નામના માણસની રખાત બનાવવા માંગતો હતો, જે મારા પિતાની ઉમંરનો પાંસઠ વર્ષનો હતો, મારે રખાત નહીં મારે પત્ની થવુ હતું.

અનીલ મને બહુ સ્વસ્થ અને પ્રમાણિક લાગ્યો, તેણે મને કહ્યુ મારી પત્ની વેશ્યા હતી, તે કહેતા મને આજે પણ સંકોચ નથી અને કયારેય પણ નહીં થાય પણ હવે તે મારી પત્ની છે. મેં અનીલ અને  સોનલને કહ્યુ કોઈ તને સોનલને વેશ્યા કહે તો તારે શરમાવવાની જરૂર નથી, કારણ શરમ તો અમારી જેવી વ્યકિતઓને આવી જોઈએ, તુ અને તારી જેવી વાડીયામાં રહેતી વેશ્યાઓ અમારા કારણે જન્મી છે. હવે અનીલ અને સોનલ ગામમાં જઈ શકે તેમ નથી, એક તરફ તેમની હત્યા સુધી મામલો પહોંચે તો નવાઈ નથી, બીજી તરફ પોલીસ અને સરકારી તંત્રમાં સંવેદનશીલતો અભાવ છે. મને લાગ્યુ કે આપણા શહેરમાં આવેલા અનીલ અને સોનલની જવાબદારી હવે આપણી છે, કારણ જો આપણે એક સોનલની મદદ કરીશુ , વાડીયામાં રહેલી બીજી સોનલો બહાર આવવાની હિમંત કરશે

હું પત્રકાર છુ, તો તમે  પોલીસ,સરકારી અમલદાર,ડોકટર ,બીલ્ડર  વેપારી, વિધ્યાર્થી, નેતા કે પછી સાવ સામાન્ય માણસ પણ હોઈ શકો છો  છતાં આ દિશામાં તમે કઈ રીતે મદદ કરી શકો તે વિચારજો, કરી રીતે તેને મદદ થઈ શકે તેની મને પણ  ખબર નથી, અનીલ ભણેલો છે, તેને કામની પણ જરૂર પડશે  કારણ સોનલની આંખમાં એક મેં  સ્વપ્ન જોયુ  છે, એક સ્ત્રી તરીકેનું જીવવાનું, તેને જીવાડવી પડશે, તમે અંબાજી ,ચોટીલા અને પાવાગઢ નહીં જાવ તો ચાલશે એક દેવી તમારા શહેરમાં આવી છે . હું બન્નેને મળી નિકળી રહ્યો હતો ત્યારે સોનલ અને અનીલ સાથે હાથ મીલાવી નવી જીંદગીની શુભેચ્છા પાઠવી ત્યારે મારી નજર સોનલના ગળામાં લટકી રહેલા મંગળસુત્ર તરફ ગઈ મને ખુબ સારૂ લાગ્યુ

Friday, August 26, 2016

ઘરની સ્ત્રી અને બાળક ઈચ્છે નહીં તો પુરૂષો ભ્રષ્ટાચાર કરી શકે નહીં

માણસ પ્રમાણિક  હોઈ શકે તેવો... પ્રશ્ન થવો વર્તમાન સમયમાં  વાજબી છે, પણ મારી સામે પ્રમાણિક માણસોની યાદી છે જેઓ તક અને ડરના અભાવે નહીં પણ પોતાની જાતને આપેલા વચનને કારણે પ્રમાણિક છે, સામાન્ય રીતે આપણે જે પ્રમાણિક છે, તેમનો  ઉત્સાહથી વખાણ કરીએ છીએ, પણ મને લાગે છે કે આપણે જયારે કોઈ પ્રમાણિક માણસના વખાણ કરીએ છીએ ત્યારે કેટલાંકને અન્યાય કરી બેસીએ છીએ. કારણ પ્રમાણિકતાની કિમંત માત્ર પ્રમાણિક રહેનાર જ નહીં પણ  અનેક લોકો ચુકવતા હોય છે,  આપણને કયારેય ખબર સુધ્ધા પડતી નથી. એક માણસ પ્રમાણિક રહે તેની કિમંત આખુ કુટુંબ ચુકવે છે.

પુરૂષ દુનિયા ,સામે લડી શકે છે, પણ પોતાના પરિવાર સામે લડતો નથી કારણ તે પોતાના પરિવારના સુપર હિરો તરીકે જીવવા માગે છે, સાંજે ઘરે નોકરી ધંધો પતાવી જતો પુરૂષ જયારે ઘરે પહોંચે ત્યારે પત્ની કહે ખબર છે બાજુવાળા મોટુ ટીવી લાવ્યા, કયાં સુધી આપણે આ જુનુ ટીવી જોયા કરીશુ, ત્યારે તે ચુપ રહે છે.. તેને પોતાના હિસાબની  ખબર હોય છે, તેને ખબર હોય છે કે તેના પગારમાં પડોશમાં આવેલુ મોટુ ટીવી કયારે આવી શકે તેમ નથી, પણ તે પત્નીને કહેતો નથી, કારણ તે પોતાની પત્ની પાસે પોતે ઓછુ કમાય છે તેવુ કહી તેને દુખી કરવા માગતો નથી, એક તરફ તેની લાચારી અને બીજી તરફ પત્નીની સુખ આપવાની તેની અંદરની ઈચ્છા તેની અંદર ધમાસાણ ઉભુ કરે છે. તે ઘરનો વડો છે, સુખ આપવુ તેનું કર્તવ્ય સમજે છે.

જયારે બીજી તરફ તેના બાળકો હોય છે, તે બાળકના મનમાં રહેલી તેની છબી સુપરમેનની જાળવી રાખવા માગે છે, તેના બાળકને સારો મોબાઈલ ફોન જોઈએ, સારૂ બાઈક જોઈએ તે તેના પગારમાં કયારે શકય બનવાનું નથી તેને ખબર છે, છતાં તે પોતાના બાળકને નારાજ કરવા માગતો નથી, તે બાળકની સામે સુપર જીરો સાબીત થવા માગતો નથી, ફરી એક વખત તેના મનમાં દ્વંધ થાય છે, કે કયાંથી તે પોતાના પરિવારને સુખ આપી શકે, અને તેની દિશા બદલાય છે અને ઘરે નવુ ટીવી આવે, ફોન અને બાઈક આવે છે, બધા જ ખુશ છે પણ બધી ખુશી ઘર સુધી લઈ આવનારને ખબર છે આ ખુશીની ખબર કયા રસ્તે ઘર સુધી આવી છે.

આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જેઓ પ્રમાણિક રહી શકયા છે તેવા પુરૂષ પાછળ તેની પત્ની અને બાળકોએ કિમંત ચુકવી હોય છે, તેમને ખબર હોય છે તેના પતિ અને અથવા  પિતાએ જે માર્ગ પસંદ કર્યો છે, તે મુશ્કેલ છે, તે રસ્તે ચાલવાની હિમંત તો અમારી પાસે નથી પણ તેમનો  રસ્તાને સરળ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં કઈક થઈ શકે, તેઓ કોઈ માગણી કરતા નથી , તેઓ વર્તમાન સ્થિતિમાં રાજી છે તેવુ પણ નથી, પણ છતાં તે પોતાના વર્તમાનને બીજા સાથે સરખાવી પોતાને દુખી માનતા નથી, મોટા ભાગે પોતાનું  દુખ બીજાના સુખને જોઈ ઉદ્દભવતુ હોય છે.તેઓ પોતાના મનના રંજને ઘરના વડા સુધી પહોંચવા દેતા નથી.

કોઈ વ્યકિતની આવક માની લો કે દસ હજાર છે અને તે ઘરમાં વીસ હજાર રૂપિયાની વસ્તુ લઈ આવે તો તેની પત્ની પુછતી નથી કે તમારો પગાર દસ હજાર છે તો વીસ હજારની વસ્તુ આવી કેવી રીતે, પચાસ હજારના પગારદાર તેના બાળકને એક લાખનું બાઈક લાવી આપે ત્યારે તેનો દિકરો પુછે નહીં તે પપ્પા તમારા પગારની ડબલ કિમંતનું બાઈક તમે મને કેવી રીતે લાવી આપો છે, વાલીયા લુટારાના જેમ તેના પાપમાં તેનો પરિવાર પણ એટલો જ ભાગીદાર છે, જયારે ઘરની સ્ત્રી અને બાળક ઘરમાં આવી રહેલી આવક અને વસ્તુઓનો હિસાબ રાખતો થશે ત્યારે માણસ પ્રમાણિક રહેવાની શકયતા વધી જશે. પુરૂષ બધે જ હારવુ પસંદ કરે છે, પણ પોતાની પત્ની અને બાળક સામે હારવાનું તેને પસંદ હોતુ તેના કારણે તે જીંદગીની લડાઈ હારી જાય છે.. આ સ્થિતિમાં કોઈ પ્રમાણિક માણસ તમે મળી જાય તો તેમની પત્નીને વંદન કરજો અને તેમના બાળકોને આશીષ આપજો કારણ સાચા લડવાયો તો તેઓ હતા ,તેમણે પણ કિમંત ચુકવી છે.,

Thursday, August 25, 2016

ભ્રષ્ટ પ્રજા કયારેય પ્રમાણિક નેતા પસંદ કરતી નથી.

મેં ગઈકાલે પત્રકારા ઉપર થઈ રહેલા પત્રકારોના હુમલાની વાત કરી , મારા એક મીત્રએ પોતાની કોમેન્ટમાં મારા પ્રયાસની પ્રસંશા કરી પણ લખ્યુ કે પીળુ પત્રકારત્વ વધ્યુ છે. હું આ મીત્રનો આભાર માનવા માગુ છુ કારણ તેમણે મને આ વિષય ઉપર લખવાની તક આપી છે. મને પત્રકાત્વનના લાલ-પીળા રંગની ખબર નથી કારણ મારે મન તો પત્રકારત્વ બ્લેક એન્ડ વાઈટ કરતા વિશેષ કઈ નથી, છતાં પોલીસ ચોર-નેતા ચોર છે અધિકારી ચોર છે અને બધુ જ ખાડે ગયુ છે તેવી એક સામાન્ય ફરિયાદ અને સુર છે તે અંગે હું આજે વાત કરવા માંગુ છુ.

જે આરોપ સરકાર અને વ્યવસ્થા ઉપર મુકાઈ રહ્યો છે તે નકારી શકાય તેમ નથી, પણ પત્રકાર-પોલીસ આપણા નેતા અને અધિકારી કયાંથી આવે છે તેવો એક સામાન્ય પ્રશ્ન છે, તેઓ કોઈ પરગ્રહથી આવતા નથી, તેઓ આપણી વચ્ચેથી જ આવે છે, કોઈ આપણો પિતા છે, કોઈ ભાઈ છે કોઈ પતિ છે તો કોઈ આપણો મીત્ર છે, સરકાર અને વ્યવસ્થામાં જે છે તે આપણા પોતાના જ છે,ત્યારે જેઓ જે વ્યવહાર કરી રહ્યા છે તેનો સીધો અર્થ એવો છે કે આપણે જેવા છીએ તેવા જ તેઓ પણ છે, જેઓ તેઓ કઈ ખોટુ કરે અથવા ભ્રષ્ટાચાર કરે છે તેનો સીધો અર્થ એવો જ થાય છે કે આપણે પણ તેવા જ છીએ માટે તેઓ પણ તેવા જ છે.

એક પત્રકાર તરીકે સરકાર અને વ્યવસ્થાને ગાળો દેવી તે મારૂ કામ છે, નરેન્દ્ર મોદી વિરોધપક્ષમાં હતા ત્યારે સરકારના આકરા ટીકાકાર હતા, કારણ તે તેમનું કામ હતું, પણ આજે તેઓ સરકારમાં છે ત્યારે ખબર પડે કે કેટલા વિશે સો થાય. ટીકા કરવી સહેલી છે, પણ ટીકા કરતી વખતે સામેની વ્યકિતની ખુરશીમાં એક ક્ષણ માનસીક રીતે બેસી જોવાની જરૂર છે, તો કદાચ ટીકા કરતા તેના ઉકેલની દીશામાં કઈક થઈ શકશે. વાત પીળા પત્રકારત્વથી શરૂ કરીએ, પત્રકારો ખોટુ જ લખે છે તેવી માન્યતા હોવા છતાં રોજ સવારે અખબાર હાથમાં પકડયા વગર ચાલતુ પણ નથી, ઘણાની રોજીદો ક્રમ પણ અખબાર આધારીત હોય છે.અખબારની કચેરીમાં રજા હોય તો જુના અખબારનો પણ આશરો લેવો પડે.

મને યાદ છે 2014માં મજેઠીયા પગાર પંચનો અમલ કરવો જોઈએ તેવો સુપ્રીમ કોર્ટને આદેશ હતો, ગુજરાતમાં નાના-મોટા અખબારના એક હજાર કરતા વધુ પત્રકારો હશે, પણ માત્ર દસ પત્રકારોએ પોતાના અખબાર સામે વાંધો ઉઠાવ્યો, જેમાં હું પણ એક હતો, હું દિવ્ય ભાસ્કરમાં હતો, અને મારી સાથે રહેલા દસ પત્રકારોએ પોતાની વાત કહેતા કોઈની રાજસ્થાન તો કોઈની મધ્ય પ્રદેશ અને મારી ઝારખંડ બદલી કરી દેવામાં આવી હતી, અમારી પાસે હાઈકોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. જીંદગીમાં પહેલી વખત એક પક્ષકાર તરીકે કોર્ટના પગથીયા ચઢવાના હતા. જયારે અમે આ પગલુ લીધુ ત્યારે અમારી ઉપર અભિનંદનનો વરસાદ વરસી પડયો હતો, તમે બહુ બહાદુર છો,તમારી હિમંતને દાદ દેવી પડે વગેરે વગેરે, પણ ત્યારે અમારો પગાર બંધ થઈ ગયો હતો, કોર્ટની ફિ કેવી રીતે ભરીશુ તેની ખબર ન્હોતી, મારા ક્ચ્છના પત્રકાર મીત્રોએ વકિલની ફિ આપવા માટે પોતાન દાગીના વેચીં ફિ ભરી હોવાની  મને જાણ છે.

અમને અભિનંદન આપનાર મીત્રોમાંથી બહુ ઓછા લોકોએ અમને મદદ કરવાની તૈયારી બતાડી હતી, હું તેમનો આભાર માનુ છે, પણ અમારી પાસે પૈસા નથી તેવુ કહેવાની હિમંત પણ અમારી પાસે  ન્હોતી. આ વાત હું એટલા માટે લખુ છે કે હું અને મારા સાથીઓ તમારામાંથી આવતા હતા, પણ અમારી સંખ્યા નાની હતી, તેનો અર્થ બહું સ્પષ્ટ હતો કે આપણા સમાજમાં લડનારની સંખ્યા નાની છે,, અને જે લડે તેની દરકાર પણ થતી નથી, કારણ મને બહાદુર કહ્યા પછી પણ મારે બાળકોની ફિ તો મારે ભરવાની જ હતી, મારે કરિયાણુ તો લાવવાનું જ હતું, ત્યારે મારી નૈતિકતા અથવા મારી બહાદુરીની કોઈ કિમંત ન્હોતી કારણ ત્યારે તો પૈસા જ આપવા પડે.

આ સ્થિતિમાં તમે એક સ્વચ્છ પત્રકારની અપેક્ષા રાખો તો તમારી અપેક્ષા વધારે પડતી લાગતી નથી, કારણ પ્રમાણિકતાની જવાબદારી કોઈની માથે ઢોળી દેવી બહુ સહેલી છે, વાત માત્ર પત્રકાર પુરતી સિમીત નથી તે આપણો પોલીસ અધિકારી-સચિવાલયનો કર્મચારી કે પછી એક સામાન્ય કલાર્ક હોય તેઓ તેવા જ છે જેવા આપણે છીએ, જો અાપણને કોઈને ખબર પડયા વગર પૈસા કમાવવા મળતા હોય તો તેમને પણ તેવી જ ઈચ્છા થાય છે કારણ તેઓ આપણી જેવા જ છે.આપણો નેતા ખોટુ બોલે છે કારણ આપણે ખોટા છીએ, આપણા પોલીસ અધિકારી ભ્રષ્ટ છે કારણ આપણને પણ પરવડે ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરવો ગમે છે, મુંબઈ જતી ટ્રેનમાં જગ્યા ના હોય ત્યારે ટીકીટ કલેટકરને પૈસા આપી જગ્યા મળી જાય તો આપણે ભ્રષ્ટાચારની વાત કરતા નથી.

આપણી પ્રમાણિકતા સગવડી છે, જયાં સુધી આપણા ખીસ્સામાં પૈસા છે અને આપણુ કામ નિકળે ત્યાં સુધી આપણે સીસ્ટમ સારી લાગે છે,પણ જયારે તેવુ થતુ નથી, ત્યારે ફરિયાદનો સુર નિકળે છે, મારો અનુભવ કહે છે, પ્રમાણિકતાની કોઈ કિમંત હોતી નથી, કારણ સમાજ તમને મુર્ખ માને છે, અપ્રમાણિકતાની શરૂઆત પહેલા જરૂરીયાતથી થાય છે, પછી તે આદત બની જતી હોય છે એક આઈપીએસ અધિકારી મીત્રના કહેવા પ્રમાણે તેમની પોલીસમાં તેમની  છાપ પ્રેકટીલ અધિકારીની છે. જે અધિકારી પૈસા લેતા હોય તેની માટે પ્રેકટીકલ શબ્દ નવો આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સીસ્ટમમાં પ્રેકટીકલ થયા વગર ચાલે તેમ નથી, પરંતુ જયારે તેઓ પરિવાર સાથે હોટલમાં જાય ત્યારે અચુક બીલ આપે છે, હોટલ માલિક ના પાડે તો પણ કારણ તેમના કહેવા પ્રમાણે તેમનો પુત્ર પ્રેકટીકલ થઈ જાય નહીં તેની તેમને ચીંતા છે.

આમ માણસનું એક મન તેને સતત પ્રમાણિક રહેવાની વાત કરે છે, પણ બીજી તરફ સમાજ તે માણસની પ્રમાણિકતાની કદર કરતુ નથી, બીજા એક આઈપીએસ અધિકારીએ મને કહ્યુ જયારે થોડા વર્ષો પહેલા  કોઈ પ્રમાણિક માણસ સાથે  વાત કરે ત્યારે એવુ કહેતા તમે ખુબ જ સારા છો પણ , અમે તમને અમારી ઓફિસમાં સહન કરી શકીશુ નહી, પણ આજે પ્રમાણિક માણસને તેવુ કહેવામાં આવે છે કે તમને દુનિયાદારીનું ભાન નથી, તમે મુર્ખ છો. જો આ સ્થિતિ જ સમાજની  હોય તો  નેતા-અધિકારી અને પત્રકાર પ્રમાણિક જ હોવો જોઈએ તેવી અપેક્ષા શુ કામ રાખી છીએ.

ટ્રેઈનની ટીકીટ લેવા માટે પૈસા આપી છીએ, આરટીઓમાં લાઈસન્સ લેવા માટે એજન્ટનો સહારો લઈએ છીએ. ઈન્કમ ટેકસ કેવી રીતે બચાવી શકાય તેની વેતરણ કરીએ છીએ, હેલ્મેટ વગર પોલીસ પકડે તો દંડ આપવાને બદલે પતાવટ કરીએ છીએ, ત્યારે આપણા સિવાય બધા જ પ્રમાણિક રહે તેવુ કેવી રીતે બને કારણ સરકાર અને વ્યવસ્થામાં બધા જ આપણા જ છે, કેટલાંક મીત્રો રહે છે હવે ગાંધીયુગ પુરો થયો, હું કહુ છુ આપણા દેશને ગાંધી અને સરદાર જેવા નેતા એટલા માટે મળ્યા કારણ તે યુગની પ્રજા તેવી હતી. આજે આપણે સ્વાર્થી, લાલચુ અને અપ્રમાણિક છીએ માટે સરકાર અને વ્યવસ્થા પણ તેવી જ છે. ત્યારે આપણો નેતા ગાંધી માર્ગે ચાલે તે કેવી રીતે શકય છે. મહુવાના ડૉ કનુ કલસરીયા તેનું ઉત્તમ ઉદાહરણ છે, તેમણે ડૉકટર થયા પછી મોટી હોસ્પિટલમાં કામ કરવાને બદલે ગામડામાં આવી સેવા કરી પણ ચુંટણીમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયો, જો પ્રજા પ્રમાણિક હોત તો કલસરીયા હાર્યા જ ના હોત તેનો અર્થ ભ્રષ્ટ પ્રજા પ્રમાણિક નેતાને પસંદ કરતી નથી

પ્રમાણિક શબ્દ બહુ સાપેક્ષ છે, મારા મતે  ખરા અર્થમાં પ્રમાણિકની સંખ્યા નાની છે, છતાં સમાજનો મોટો વર્ગ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે, કારણ તેઓ ભ્રષ્ટાચાર કરી શકે તેની તક મળી નથી અથવા તક મળી ત્યારે ડરના કારણે તેઓ ભ્રષ્ટાચાર કરી શકયા નથી .આમ કન્યાના અભાવે  પરાણે બ્રહ્મચારી રહેવાની વાત છે.

Wednesday, August 24, 2016

તમને કઈ થશે નહીં, પણ તમારા મૃત્યુ પછી મને શરમ આવવી જોઈએ નહીં.

2010ની વાત છે, શૌહરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસનો ધમધમાટ ચાલી રહ્યો હતો, અમીત શાહ સહિત મોટા પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ ચુકી હતી, મારી ઉપર તેમનો આરોપ હતો કે એક પત્રકારે આ કેસમાં લેવો જોઈએ તેના કરતા વધુ રસ લીધો હતો અને અને હું સીબીઆઈની રોજ-બરોજની તપાસમાં તેમને મદદ કરી રહ્યો હતો, ગુજરાત સરકાર સહિત અનેક લોકો મારી સામે નારાજ હતા, ત્યારે જ એક અત્યંત નજીકના મીત્ર પાસેથી માહિતી મળી કે પોરબંદરના એક ગેંગસ્ટરને મારી સોપારી આપવામાં આવી છે, જે જેલમાં હતો છતાં એક રાત માટે તેને બહાર લાવી મારુ કામ તમામ કરી તે પાછો જેલમાં જતો રહેશે, સામાન્ય રીતે મને ડર લાગતો નથી,છતાં જેમના દ્વારા મને માહિતી મળી હતી, તે વિશ્વાસુ વ્યકિત હતા,, માહિતીમાં દમ  હતો , તે રાત્રે પહેલી વખત મને ડર લાગ્યો, મોડી રાત સુધી કેમય કરી ઉંઘ આવતી ન્હોતી. અનેક વિચારોએ મને ઘેરી લીધો હતો.

રાતના ત્રણ વાગ્યા હશે.. મારી પત્ની શીવાનીએ લાઈટ ચાલુ કરી મને પુછયુ શુ સમસ્યા છે, આમ તો હું મારી સમસ્યા તેનાથી ખાનગી રહે તેવા પ્રયત્ન કરૂ છુ, પણ મને આ તબ્બકે લાગ્યુ કે મારે તેને આ જાણકારી આપવી જઈએ, તેણે મને ધ્યાનથી સાંભળ્યો, મને હતું તે ડરી જશે, ચીંતા કરશે. પણ તેણે થોડીક ક્ષણો વિચાર કરીને મને પુછયુ ખરેખર તમે એન્કાઉન્ટર કેસમાં જે લખો છો તેના કારણે તેઓ તમારાથી નારાજ છે, મેં કહ્યુ હા તો બીજુ શુ કારણ હોઈ શકે.. તેણે દ્રઢતાપુર્વક કહ્યુ મને ખાતરી છે, તમને કઈ થશે નહીં પણ તેમ છતાં તમારા લખાણને કારણે કોઈ નારાજ થાય અને તમારી હત્યા કરે તો મને દુખ જરૂર થશે, પણ તેના કરતા મહત્વની બાબત તેવી છે, તમારી હત્યા પછી મને અથવા તમારા બાળકને શરમ આવે તેવુ કોઈ કારણ સામે આવવુ જોઈ નહીં. મેં ખાતરી આપી કે તેવુ કયારેય થશે નહીં.

જો કે ત્યાર બાદ હું જયા નોકરી કરતો હતો તે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના તંત્રી ભરત દેસાઈએ બીજા જ દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી, સમગ્ર બાબતની ગંભીરતા તરફ ધ્યાન દોર્યુ અને તે દિશામાં કઈ થયુ નહીં તે માટે હું કોનો આભાર માનું તે સમજ આજે પણ પડતી નથી, કારણ આજે હું જીવીત છુ, તે રાજય સરકારની સક્રીયતાને કારણે કે પછી મને મારવાના હતા તેમની મહેરબાની હતી. પણ આજે તે વાત મને ગાંધી આશ્રમમાં યાદ આવી હતી, અમે પત્રકારો જુનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યાની ઘટનાની નિંદા કરવા અને એક પત્રકારની હત્યાના વિરોધમાં અમારી નારાજગી બતાડવા માટે એકત્ર થયા હતા. અગાઉ મેં અનેક વખત રીપોર્ટીંગ દરમિયાન પોલીસ અને નારાજ લોકોનો માર ખાધો છે. ત્યારે મને બહુ ગુસ્સો પણ આવતો અને તે મુદ્દે મેં અને મારા સાથીઓએ તેનો વિરોધ પણ કર્યો હતો.

પણ આ દિશામાં મે મારી સમજ બદલી, આ મારો સંપુર્ણપણે વ્યકિતગત મત છે, તે બધાને સ્વભાવીક રીતે લાગુ પડતો નથી, જયારે શિક્ષકને શિક્ષણ માટે અને ડૉકટરને સેવા માટે માન મળતુ હતું ત્યારે પત્રકારત્વ માટે પત્રકારને   મીશનરી તરીકે માન મળતુ હતું, પણ સમય બદલાયો અને વ્યવસાયના હેતુઓ અને ધોરણો બદલાયા તેમા પત્રકારત્વ પણ બાકાત નથી,દરિયામાં પડતા પહેલા તેના જોખમોની ખબર હોવી જોઈએ તેવી જ સીધી વાત છે, સમય બદલાયો છે, જયારે પત્રકારત્વ પહેલા જેવુ રહ્યુ નથી, ત્યારે તેને મળતુ માન આજે મળે તેવી અપેક્ષા રાખવી પણ વધુ પડતી છે, તે સંજોગોમાં પત્રકારત્વના જોખમો પણ વધ્યા જ છે તેમાં કઈ બેમત નથી.

છતાં આપણા દેશમાં કોઈ પણ નાગરિક ઉપર હુમલો થાય અથવા તેની હત્યા થાય તો તમામ બાબત ઈન્ડીયન પીનલકોડના આધારે જ નક્કી થાય છે. તમે આપણા દેશના સામાન્ય માણસની હત્યા કરો તો અથવા આપણા દેશના વડાપ્રધાનની હત્યા થાય તો પણ ઈન્ડીયન પીનલ કોડની 302 કલમ હેઠળ જ ગુનો નોંધાય છે, કાયદો બધાને સમાના રીતે જુવે છે, કેટલાંક પત્રકાર મીત્રો આ બાબતે ચીંતીત છે,. તેમની લાગણી છે કે  પત્રકારોની સુરક્ષા માટે વિશેષ કાયદા હોવા જોઈએ, પણ હું માનું છે સરહદે તૈનાત જવાન શહેરમાં ફરજ બજાવતો કોન્સટેબલ અને એક પત્રકાર વચ્ચે ખાસ કોઈ ફેર નથી, બધા દેશના પ્રહરી છે, જયારે પત્રકાર તરીકે આપણે આ વ્યવસાયમાં આવ્યા ત્યારે તેના જોખમો અને આવનારી પરિસ્થિતિનો અંદાજ હોવો જોઈતો હતો..પોલીસની હત્યા થાય અથવા પત્રકારની હત્યા તો પણ એક જ કાયદા હેઠળ કાર્યવાહી થાય છે તો અલગ કાયદો કેવી રીતે હોઈ શકે.

પત્રકારત્વની પોતાની પણ કેટલીક સમસ્યા છે, ખાનગી માલિકો, ઓછા પગાર, નોકરીની અસલામતી અને સાથે નારાજ લોકો તરફથી મળતી ધમકીઓ સહિતના તમામ પરિણામો માટે ભોગવવાની માનસીક તૈયારીઓ તો રાખવી જ પડશે , કારણ કાયદો એક એક માણસને રક્ષણ આપી શકે તેવી સ્થિતિમાં નથી, ધમકી મળવી , માર પડવો અને હત્યા થવા સુધીની ઘટના આ વ્યવસાયનો એક ભાગ છે તે માની અને સ્વીકારી આગળ વધવુ પડશે, કારણ ડરતા ડરતા રોજ જીવી શકાશે નહીં રોજ મરવુ તેના કરતા એક દિવસ મરી જવુ સારૂ છે.શરૂઆતના કાર્યકાળમાં જયારે પણ મારા સહિત પત્રકારો ઉપર જયારે હુમલા થતાં ત્યારે હું તેનો ખુબ વિરોધ કરતો, પણ આજે મને લાગે છે ત્યારે શારિરીક માર કરતા મારા અહંમને પહોચેલી ઠેસ મને વધુ પીડા આપતી હતી, આજે મેં એક પત્રકાર મીત્રને કહ્યુ શરીરને વાગશે તો ચાલશે પણ તે બાબત મનને વાગી જાય નહીં તેનું ઘ્યાન રાખવુ પડશે.

તેનો અર્થ તેવો પણ નથી. કે અમે મારા ખાવા તૈયાર છીએ અને હાલતો ચાલતો કોઈ મવાલી ગુંડો અથવા નારાજ રાજકારણી પત્રકારને મારી જાય અથવા હત્યા કરી નાખે તે પણ હરગીજ ચલાવી લેવાય તેમ નથી, તેવુ જયારે જયારે   પણ બનશે ત્યારે તેનો વિરોધ કરનારમાં મારૂ નામ મોંખરે હશે,પણ હવે પત્રકારત્વના વ્યવસાયની ફરિયાદ અને પીડા કહેવાનો કોઈ અર્થ નથી કારણ આપણને કોઈ ગરદન પકડી આ વ્યવસાયમાં લાવ્યુ ન્હોતુ ,આપણે સ્વૈચ્છાએ પીડા અને તકલીફ સહન કરવાનો માર્ગ પસંદ કરેલો છે, ફિલ્મોમાં દેખાતી ગ્લેમરસ જોબ પણ નથી તેવુ તમે અને હું બન્ને જાણીએ છીએ, ત્યારે જે નથી તેના ભ્રમમાં રહી દુખી થવા કરતા જે સામે દેખાય છે તેનો સામનો કરવો જોઈએ.

કદાચ આપણા ખીસ્સામાં બીજા કરતા નાના હોઈ શકે છે,પણ  આપણી અંદરની તાકાત બીજા કરતા અનેક ગણી વધારે છે, કારણ આપણી પાસે હથિયાર નથી, આપણા શરીર ઉપર ખાખી અથવા મેલેટરી રંગની સુરક્ષા નથી, નોકરી અને જીવની સલામતી નથી, છતાં અાપણે આપણને ડરાવનારને કહેવાની જરૂર છે, અમે લાચાર નથી ડરપોક નથી,અમે તૈયાર છીએ, તમામ સ્થિતિઓ માટે, કારણ અમારી પાસે વિચાર છે, જે તમારી પાસે નથી, કારણ આખરે તો આખા વિશ્વમાં જીત તો વિચારોની જ થાય છે..

Tuesday, August 23, 2016

ત્યાં એક નગર વસે છે અને ત્યાં પણ માણસ રહે છે

હું અને નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સાબરમતી સેન્ટ્રલ જેલના તોતીંગ લોંખડી દરવાજા પાસે પહોંચ્યા, હું નવજીવનમાં જોડાયો ત્યાર બાદ મારા મનની કલ્પના હતી તે પ્રમાણે હું જયાં ગાંધીને ફરી ત્યાં લઈ જવા માગતો હતો જયા ગાંધી રહ્યા હતા, અને તે સાબરમતી સેન્ટ્રલ જેલ હતી, મનમાં અનેક વિચારો હતા, કઈ રીતે ગાંધીની વાત સાબરમતી જેલ સુધી પહોચે, કોઈ સ્પષ્ટ ચિત્ર મારી સામે ન્હોતુ, માત્ર એક વિચાર હતો, પણ એક સરખા વિચારો એક સાથે અનેક વ્યકિતઓના મનમાં ચાલી રહ્યા હતા, થોડા દિવસ પહેલા હું અને વિવેક કર્મ કાફેની બહાર સાંજના સમયે  બેઠા હતા, ત્યારે વિવેકે મને કહ્યુ સારૂ થયુ તુ આવ્યો, કોઈ પોલીસ અધિકારી મળવા આવે છે, વિવેક નવજીવનનો મેનેજીંગ ટ્રસ્ટી થયો પણ મુળ જીવ તો ફોટોગ્રાફરનો.કોણ આવે છે તેની સુધ્ધા ખબર ન્હોતી.

થોડીક જ વારમાં એક પોલીસની કાર ત્યાં આવી પહોંચી, મીત્ર સમીર શુકલ સાથે આઈપીએસ અધિકારી સુનીલ જોષી હતા  , હું તેમને ઓળખતો હતો, હાલમાં તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ તરીકે કામ કરે છે. કર્મ કાફેમાં ચ્હા પીતા પીતા તેમણે એક ફાઈલ ખોલી અમારી સામે મુકી અને કહ્યુ હું જેલના કેદીઓ પાસે એક મેગેજીન કાઢવા માગુ, જેમાં કેદીઓ જ લખે, તેેમની પોતાની વાત કરે, તેઓ જ એડીટ કરે અને તેનું દરમહિને પ્રકાશન થાય, ત્યારે અનેક વાતો થઈ જેલમાં અન્ય કઈ પ્રવૃત્તી થઈ શકે તેની પણ ચર્ચાઓ થઈ, પણ એક સરકારી અમલદાર બીજા કરતા જુદુ વિચારી શકે તો ઘણુ બધુ સારૂ થઈ શકે મને તેવુ  તેમના છેલ્લાં વાકયમાં સમજાઈ ગયુ.

સુનીલ જોષીએ કહ્યુ જેલમાં જે કેદીઓ છે, તેમણે સમાજના કાયદાઓનો ભંગ કર્યો છે, માટે તેમને અદાલતે જેલમાં મોકલ્યા છે, હવે તેઓ અમારા છે, સલામતી સહિતના અનેક મુદ્દાઓ છે, છતાં તેમના જીવનમાં સારૂ પણ થાય અને તેઓ પણ માણસ છે તે વાત મારે ભુલવી નથી, ફરી મળીશુ કહી અમે છુટા પડયા હતા. અને બીજી મુલાકાત માટે હું અને વિવેક  સાબરમતી જેલ પર પહોંચ્યા હતા. સલામતીના નિયમો પુરા કરી અમારા મોબાઈલ ફોન ગેટ ઉપર જમા કરાવી અમે જેલમાં દાખલ થયા, સુનીલ જોષી અમારી રાહ જોઈ રહ્યા હતા, થોડી વાત કરી તેમણે કહ્યુ ચાલો આપણે જેલમાં જઈએ તમે નક્કી કરો કે કઈ બાબતો થઈ શકે છે, બીજો લોંખડી દરવાજો પસાર કરી અમે ડાબી તરફ ચાલવા લાગ્યા, અમારી ડાબી તરફ વીસ ફુટ ઉંચી દિવાલ હતી અને તેની ઉપર ઈલેકટ્રીક વાયરો પસાર થતાં, જમણી તરફ નાની દિવાલની પાછળ નાની કોટડીઓ હતી, થોડુ ચાલ્યા ત્યાં એક સ્થળે લખ્યુ હતું ગાંધી ખોલી.

જોષીએ અમને ઈશારો કર્યો , આ તરફ અમે ત્યાં દાખલ થયા એક બંધ કોટડી ખોલતા કહ્યા અહિયા ગાંધીજી રહેતા હતા, જયારે તેમને રાજદ્રોહના કેસમાં જેલમાં પુરવામાં આવ્યા, ત્યાં કોટડીને ફરતે દિવાલ હતી, વચ્ચે નાનુ ચોગાન હતું, બે લીમડાના ઝાડ હતા, એકદમ નિરવ શાંતિ હતી, કોટડીમાં નજર કરી સાવ નાની જગ્યા માંડ દસ બાય દસની ખોલી.. એક સમય આપણા રાષ્ટ્રપિતા અહિયા રહ્યા હતા, મારી નજર પડી તો ત્યાં એક દિવો પણ હતો, મેં જેલના સાથે રહેલા અધિકારી સામે જોયુ તો તેમણે કહ્યુ હા રોજ કેદીઓ અહિયા દિવો કરે છે. મને લાગ્યુ કે ગાંધી તો હજી અહિયા જ જીવે છે.. એક ગજબની શાંતિ હતી, હજી ગાંધીનો પ્રભાવ આ જગ્યા છોડી ગયો ન્હોતો, મન શાંત થઈ જાય અને માણસ પોતાની સાથે પણ વાત કરી શકે એટલી શાંતિ.

ત્યાં અમારી નજર એક માણસ ઉપર પડી તે એકલો બેસી કઈક કામ કરી રહ્યો હતો, તેણે અમારી નોંધ સુધ્ધા લીધી નહીં, તે તેના કામમાં મશગુલ હતો, મેં પહેલા તે માણસ સામે અને પછી સુનીલ જોષી સામે જોતા તેમણે કહ્યુ તે અમારો કેદી છે, સારો કલાકાર છે, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે માટે માટીના ગણપતિ બનાવી રહ્યો છે, તેના હાથમાં જાદુ છે. અમે વાત કરતા હતા છતાં તેણે અમારી સામે જોયુ નહીં, તે બારીક લાકડી વડે માટીના પીંડને ભગવાનનો આકાર આપી રહ્યો હતો, ત્યાંથી બહાર નિકળી અમે આગળ વધ્યા, જોષીએ કહ્યુ જેલમાં મોટી ઈન્ડસ્ટ્રીપણ ચાલે છે. અમે સુથારી વોર્ડ પહોંચ્યા ત્યારે પચાસ-સાઈઠ કેદીઓ ફર્નીચર બનાવી રહ્યા, ત્યાં પણ અદભુત નકશી કામ થઈ રહ્યુ હતું, તેની પડોશમાં પાવર લુમ્સ ચાલી રહી હતી, સુતરમાંથી કાપડ તૈયાર થઈ રહ્યુ હતું. તેને રંગવાની પ્રક્રિયા પણ અહિયા જ થતી હતી,

કેદીઓ પોતાના કામમાં મસ્ત હતા, પણ જેવા સુપ્રીટેન્ડન્ટ જોષીને જોતા તેની સાથે માથે ટોપી પહેરી સલામ કરતા અને ફરી પાછા કામે લાગી જતા, પ્રીન્ટીંગ વોર્ડમાં ફાઈલ, ચોપડા અને ગ્રીટીંગ તૈયાર થઈ રહ્યા હતા, એક કેદી ત્યાં નમાઝ પણ પઢી રહ્યો હતો, ત્યારે એક ખુલ્લાં મેદાનમાં કેદીઓ ટોળામાં બેસી કઈક કરી રહ્યા હતા, જોષીને પણ તે જોતા તેમણે તરત સાથે રહેલા જેલ અધિકારીઓ સામે જોયુ જેલ અધિકારીઓએ કહ્યુ તેઓ કેળા ગણી રહ્યા છે, જોષી વાત સમજી ગયા, તેમણે મને વાત સમજાવતા કહ્યુ જે કેદીઓ શ્રાવણ મહિનો કરે છે, અને ઉપવાસ છે તેમને અલગ અલગ ફળ મળે છે. આ કેદીઓ પાસે કોણે ઉપવાસ કર્યા છે તેમની નામ અને બેરેકની માહિતી હોય છે, તેઓ ગણતરી કરી તેમની બેરેકમાં ફળ આપી આવશે. પછી અમે બીલ્ડીંગ પાસે પહોંચ્યા ત્યાંથી એક  મહેક આવી રહી હતી, કદાચ સરસ શાક બની રહ્યુ હોય તેવી.

તે કેદીઓનું રસોડુ હતું, રસોઈ કરનારના પણ કેદીઓ જ હતા, મોટા તપેલાઓમાં રસોઈ થઈ રહી હતી, પંદર કેદીઓ તો માત્ર રોટલી વણી રહ્યા હતા, શેકી રહ્યા હતા. જોષીએ કહ્યુ મારી પાસે આ જેલમાં ત્રણ હજાર કેદીઓ છે, સવાર સાંજ તેમનું જમવાનું અહિયા જ બને અને કેદીઓ જ બનાવે છે, જેલના મેન્યુઅલ પ્રમાણે એક કેદીને શાક-રોટલી અને દાળ-ભાત મળે છે, એક કેદીને ત્રણ રોટલી મળે એટલે એક જ સમયમાં નવ હજાર રોટલીઓ બનાવી પડે છે, એટલે સવારે નવ હજાર અને સાંજે નવ હજાર, જો કે  જેલના જમવાનો  સમય જુદો છે સવારે દસ વાગે અને સાંજે પાંચ વાગે કારણ પછી તેમને પાછા બેરેકમાં મુકી દેવામાં આવે છે., ત્યાં એક બેકરી પણ હતી, એક દાઢીવાળા મુસ્લીમ ચાચા તેના હેડ હતા, તેમની પીળી ટોપી જોઈ મને ખ્યાલ આવ્યો કે તેમને જન્મટીપની સજા થઈ હશે, ચાચાએ જોષી સાહેબને સલામ કરી, ચાચા બેકરી આઈટમના એકસપર્ટ છે, વિવિધ પ્રકારના બીસ્કીટ અને ફરસાણ બનાવે છે, બ્રેડ પણ બને છે જે રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓને પહોંચાડવામાં આવે છે. ચાચાની અમદાવાદમાં બે બેકરી છે, પણ તેમને સંજોગો અહિયા લઈ આવ્યા હતા.

જેલમાં એક થીયેટર પણ છે જયાં કેદીઓ જ નાટક લખે છે, નાટક ભજવે છે, વિડીયોગ્રાફી અને એડીટીંગ પણ કરે છે, એક કેદીઓની  ઓરકેસ્ટ્રા પણ છે, આમ જુવો તો આ એક એવુ નગર છે જાય માણસો રહેવા છતાં તે નગર આપણાથી અજાણ છે. તેમની પોતાની એક જીંદગી છે અને તેમના પોતાના અનેક  અલગ પ્રશ્નો છે છતાં તેઓ ત્યાં જીવે છે કારણ તેમને આ નગર છોડી એક દિવસ આપણા નગરમાં પાછા ફરવાનું છે તેની તેઓ તૈયારી કરી રહ્યા હોય તેવુ લાગ્યુ

ત્યાંથી પાછા સુનીલ જોષીની ચેમ્બર સુધી આવતા મનમાં  વધુ ગોટાળો થયો, લાગ્યુ કે જેલમાં  કોઈ કામ કરીશુ પણ પ્રશ્ન તેવો ઉભો થયો કે અહિયા તો ખુબ જ કામ છે શુ કરવુ તે પ્રશ્ન વધારે ગુચવાયો, ફરી અમે અંદરનો લોંખડી દરવાજામાંથી અંદર આવ્યા, જોશી મારી અને વિવેક સામે જોઈ રહ્યા હતા, તે અમારો ચહેરો વાંચી રહ્યા હતા, અમે શિક્ષણ-નાટક  સહિતની કેટલીક પ્રવૃત્તીઓ ચર્ચા કરી પણ તરત શુ થઈ શકે તેવો પ્રશ્ન મને ઉદ્દભવ્યો ત્યારે મેં કહ્યુ તમે અમને માટીના ગણપતિઓ આપી શકે, કારણ તે ઈકો ફ્રેન્ડલી છે, અને નવજીવનમાં તેનું વેચાણ કરીશુ , વિવેકને પણ વાત ગમી તે પણ તૈયાર થઈ ગયો, જો કે ગણેશ ઉત્સવ નજીક હોવાને કારણે વધુ માત્રામાં ગણપતિ આપી શકાય તેમ ન્હોતુ, છતાં વિવેકે કહ્યુ ચાલો નવજીવન સાથે જેલના નવા પ્રવાસની શરૂઆત ગણપતિથી જ કરીએ, સુનીલ જોષી તૈયાર થઈ ગયા.

થોડા જ દિવસમાં કેદીઓએ જેલમાં બનાવેલા માટીના ગણપતિ નવજીવન ઉપર આવશે, વાત માત્ર ઈશ્વર ઉપરના આસ્થા પુરતી સિમિત નથી, પણ જેલમાં બનેલા ગણપતિમાં માણસ ઉપરની આસ્થા પણ સામેલ છે, કોઈકે ખરીદેલી એક ગણેશની મુર્તી ગણેશજી કેટલાં આશીર્વાદ આપશે તેની મને ખબર નથી, પણ કેદીએ કરેલા કામની કોઈ સરાહના કરે છે, તે બાબત તેની નવી જીંદગી માટે બહુ મહત્વની સાબીત થશે, આ ઉપરાંત સાબરમતી જેલ અને નવજીવનની સફર અનેક મુદ્દાઓ ઉપર સાથે ચાલવાની છે, જેનું આયોજન પણ થયુ જેની વાત પછી કયારેક કરીશ કારણ જેલની બહાર નિકળતા નોકરીમાંથી મળતા પૈસાના  આનંદ કરતા  કઈક વિશેષ લાગણી  હતી, તે શુ હતું તે સમજાઈ શકીશ નહીં કારણ તે માત્ર અહેસાસ હતો.

પ્રમુખ સ્વામી રહ્યા હતા, તે મિલ્કત મુસ્લીમોએ પાછી આપી દીધી...

ગુજરાત વિધાનસભા ચલાવવાના નિયમો હોવા છતાં, ધારાસભ્યો પોતાના વ્યકિગત સ્વાર્થ માટે નિયમો બદલતા રહે છે, વિધાનસભાના નિયમો પ્રમાણે વિધાનસભ્ય અથવા પુર્વ વિધાનસભ્યનું મૃત્યુ થાય ત્યારે વિધાનસભા ગૃહમાં શોક વ્યકત કરતો પ્રસ્તાવ આવી શકે, પણ પ્રમુખ સ્વામીના અવસાન બાદ જયારે બે દિવસ માટે મળેલી વિધાનસભામાં પ્રમુખ સ્વામી અંગે શોક પ્રસ્તાવ આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયુ, પણ આ મામલે તમામ પક્ષ એક હતા, કારણ કે પ્રમુખ સ્વામીની પાછળ એક મોટો અનુયાયી વર્ગ છે, જેની હાજરીને નકારી શકાય તો નહીં પણ તેમને રાજી રાખવાની પણ તમામ રાજકિયપક્ષો માટે અનિર્વાય છે. એટલે જયારે શોક પ્રસ્તાવ રજુ થયો ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પ્રમુખ સ્વામીને શ્રંધ્ધાજલી આપવાની હોડ લાગી હતી, ખરેખર કોણ બાપાના જવાને કારણે દુખી હતું, તે કહેવુ મુશ્કેલ હતું પણ બધાની વચ્ચે મારૂ ધ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તરફ ગયુ જયારે તે બાપાની વાત કહેવા ઉભા થયા હતા.

ગ્યાસુઉદ્દીન શેખ મારા જુના મીત્ર છે, તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ચુંટાય છે જયા બહુમતી મતદારો મુસ્લીમ છે, મને આશ્ચર્ય થયુ કારણ ગ્યાસુદ્દીન જેને અમે ગ્યાસુભાઈના નામે સંબોધીએ છીએ તેમને પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલી આપવાન રાજકિય કોઈ લાભ ન્હોતો, તેઓ મુસ્લીમ છે અને કોંગ્રેસના છે તેના કારણે તેમને કોઈ હિન્દુ મત આપે તે વાતમાં માલ ન્હોતો, કોઈ પણ રાજકિય લાભ વગર ગ્યાસુઉદ્દીન શુ કહે છે તે સાંભળવામાં મને રસ હતો,. તેમણે વિધાનસભામાં જે કહ્યુ તે સાંભળી મને લાગ્યુ કે ગ્યાસુની વાતમાં કોઈ દંભ અને રાજકિય વાત ન્હોતી, પણ મને આધાત લાગ્યો જયારે બીજા દિવસે અખબારોમાં વિધાનસભાની રીપોર્ટીંગમાં બધા જ અંગે ખુબ લખાયુ હતું, પણ ગ્યાસુઉદ્દીને પ્રમુખ સ્વામી સાથેના પોતાના અનુભવ કહ્યા હતા, તેને મોટા ભાગના અખબારે સ્થાન આપ્યુ ન્હોતુ અને જેમણે આપ્યુ હતું તેમણે માત્ર નોંધ લીધી હતી આવુ કેમ થયુ હશે તે અંગે મારા અંદર દિવસ દરમિયાન વિચાર ચાલતો રહ્યો હતો.

મને લાગ્યુ કે મોટા ભાગના પત્રકાર પણ હિન્દુ છે, તેના કારણે એક સામાન્ય હિન્દુ માણસ જ વિચારે તેવુ જ તે પણ વિચારવાનો કારણ તે પણ સમાજનો એક ભાગ છે, સતત ઈસ્લામીક ત્રાસવાદની પ્રવૃત્તીઓને કારણે મુસ્લીમો તરફ શંકાની દ્રષ્ટીથી જોવાય છે, એટલે જયારે કોઈ મુસ્લીમ કઈક સારૂ કરે અથવા બોલો ત્યારે પણ તેમની વાતને મહત્વનું મળતુ નથી કારણ મુસ્લીમ સારો પણ હોય તે એક કલ્પનાનો વિષય હિન્દુઓ માટે બની ગયો છે, મારી સામે કેટલાંક લોકો કહે છે કે ફલાણો મુસ્લમાન છે છતાં સારો માણસ છે,. એટલે મુસલામ સારો પણ હોય તે સમાચાર બની જાય છે. મોટી દાઢી અને ઉંચા લેંધાની પાછળ એક સારો માણસ પણ હોઈ શકે તે માની શકાવાનું અઘરૂ હોય છે, પણ હવે આપણે મુળ વાત ગ્યાસઉદ્દીન અને પ્રમુખ સ્વામીના સંબંધોની કરી, બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રમુખ સ્વામી 21 વર્ષની ઉમંરે શાહપુરની આંબલીવાળી પોળમાં રહેતા હતા, જયા દિક્ષા બાદ તેમની કેટલીક ધાર્મિકવિધી પણ થઈ હતી.

ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં જણાવ્યુ હતું , સમય બદલાતો ગયો અને પ્રમુખ સ્વામી જયા રહ્યા હતા, તે મિલ્કત થોડા વર્ષ પહેલા એક મુસ્લીમ વ્યકિતએ ખરીદી હતી, પ્રમુખ સ્વામીના અનુયાયીઓને સ્વભાવીક રીતે આ સ્થળ સાથે ધાર્મિક લગાવ હતો, કોઈક દ્વારા આ બાબત ગ્યાસુદ્દીનના ધ્યાન ઉપર મુકવામાં આવી, જેમણે મિલ્કત ખરીદી હતી તે તેમની વ્યકિતગત બાબત, બીજી તરફ કોઈકની ધાર્મિક લાગણીનો સવાલ હતો, ગ્યાસુદ્દીન મીલ્કત ખદીરનાર મુસ્લીમ પરિવારના મળ્યા, તેમને આ સ્થળનું પ્રમુખ સ્વામી માટે મહત્વ સમજાવ્યુ અને પેલા મુસ્લીમ પરિવારે પોતાના દસ્તાવેજ રદ કરાવી દીધો હતો, મારા હ્રદયને આ વાત સ્પર્શી ગઈ કારણ, જેમણે મિલ્કત ખરીદી હતી તેમને પ્રમુખ સ્વામી સાથે કોઈ લેવાદેવા ન્હોતી, કદાચ સ્વામી માટે આદર પણ નહીં હોય છતાં તેમણે હિન્દુઓ જેમને આદર આપી રહ્યા છે, તેમનો અનાદાર થાય નહીં તે માટે મીલ્કતનો અધિકાર જતો કર્યો હતો, મને આ વાત રાજકિય લાગી નહી, કારણ તેવુ જ હોત જયારે આ ઘટના બની ત્યારે તેનો લાભ લેવાનો પ્રયત્ન થયો હોત, પણ તેવુ કોઈ પક્ષે કર્યુ નહીં

ગ્યાસુદ્દીન શેખે અક્ષરધામ ઉપર થયેલા હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ, જયારે અક્ષરધામ ઉર ત્રાસવાદી હુમલો થયો ત્યારે બીજાની સાથે અમદાવાદના મુસ્લીમો પણ સ્તબ્ધ હતા, કારણ ત્રાસવાદીનો ધર્મ ઈસ્લામ હતો, કેટલાંક મુર્ખોને કારણે ઈસ્લામનો ઈમાન દાવ પર  લાગ્યો હતો, એક તરફ અક્ષરઘામ રકતરંજીત થયુ હતું, હવે શુ થઈ શકે તેની અમદાવાદના મુસ્લીમો ચીંતા કરતા હતા, ત્યારે પ્રમુખ સ્વામી સાળંગપુર હતા, ગ્યાસુદ્દીન શેખ સહિત મુસ્લીમોએ તેમને મળવાનો નિર્ણય કર્યો અને તેઓ પ્રમુખ સ્વામી પાસે પહોંચ્યા હતા, એક તરફ અક્ષરધામ ઈસ્લામીક ત્રાસવાદનો ભોગ બન્યુ હતું જયારે બીજી તરફ સ્વામીને મળવા મુસ્લીમો આવ્યા હતા, પણ ગ્યાસુદ્દીના શબ્દોમાં કહીએ તો સ્વામીના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની શાંતી હતી, મુસ્લીમોના ચહેરા ઉપર અફસોસ હતો, પણ પ્રમખ સ્વામીએ તેમને કહ્યુ બધા જ સરખા હોતા નથી, તરત સ્વામીજીએ એક સંતને બોલાવી સુચના આપી આપણા મહેમાન છે, જમ્યા વગર જવા જોઈએ નહીં, અને અમદાવાદના મુસ્લીમ આગેવાનો પ્રમુખ સ્વામીને ત્યાં જમીને આવ્યા હતા.

આ ઘટના વખતે પણ મને યાદ નથી, કે મુસ્લીમો પ્રમુખ સ્વામીને મળવા ગયા હતા તેનો કયાં ઉલ્લેખ થયો હોય, અને ના થયો તે પણ સારૂ હતું કારણ સારા માણસ થવુ અને સારા માણસ તરીકે જીવવુ તે એક સહજ અને પ્રયત્ન વગરની પ્રક્રિયા હોવી જોઈએ, આપણને એક ગ્યાસુઉદ્દીન શેખ અને તેના થોડાક સાથીઓ નહી ચાલે આપણે દેશમાં અનેક ગ્યાસુઓની જરૂર છે, છતાં આપણે એકાદ ગ્યાસુના પ્રયત્નની પ્રસંશા કરીશુ તો , બીજા ગ્યાસુઉદ્દીન ઉભા થશે ,સમયને બદલાતા વાર નહીં લાગે કારણ ખરાબ સમય કાયમ રહેતો નથી.


Monday, August 22, 2016

તેના આંસુ કહી રહ્યા હતા હવે નારાજ કોની સાથે થઈશ

પ્રમુખ સ્વામીના સ્વર્ગવાસના સમાચાર બાદ ટેલીવીઝન અને અખબારોમાં ખુબ સમાચારો આવ્યા, મને નિયમિત વાંચતા મારા કેટલાંક મીત્રો તરફથી ફોન આવ્યો, તમારા બ્લોગ ઉપર કેમ હજી સુધી તે અંગે કઈ લખાયુ નથી, કદાચ મારામાં મનમાં ચાલતો  દ્વંધ હતો, મારે પ્રમુખ સ્વામી અંગે કઈ લખવુ  જોઈએ કે નહીં તે અંગે હું સ્પષ્ટ ન્હોતો, સાચુ પુછો તો હું તેમના અંગે ખાસ કઈ જાણતો પણ ન્હોતો, હું જેના અંગે જાણતો નથી તેના અંગે કઈ લખુ તો જાણે-અજાણે તેમને અન્યાય થઈ જવાનો પણ ભય હતો, બીજી તરફ બધા સારૂ લખી રહ્યા હતા, ત્યારે હું કઈક અલગ લખવા માટે બીજા કરતા જુદુ લખુ તેવા મતનો પણ ન્હોતો.

સાચુ પુછુ તો મને ધર્મ-મંદિર અને શાસ્ત્રોએ કયારેય પ્રભાવીત કર્યા નથી, ઈશ્વરની શોધમાં મે કરેલા પ્રયાસો અંગે ફરી કયારેક લખીશુ, મને નજીકથી ઓળખનારોઓને તેં અંગે ખબર છે, છતાં મને મંદિર-મસ્જીદ-ચર્ચ અને  દેરાસરો કરતા સ્કુલો અને હોસ્પિટલો વધારે મહત્વની લાગી છે, તે મારો વ્યકિતગત મત છે ,  પણ આપણે પ્રમુખ સ્વામીની વાત કરીએ.એક તરફ પ્રમુખ સ્વામીના સમાચાર જોઈ રહ્યો હતો, બીજી તરફ મારૂ મન ઉના ભટકતુ હતું, જયા માણસ-માણસ  હોવાની લડાઈ લડી રહ્યો હતો, તેઓ પોતાને માણસ સમજવામાં આવે તેવી સાદી અને સરળ વાત કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે મારી માન્યતા, મારા ગમા-અણગમાઓ વચ્ચે પ્રમુખ સ્વામીનો દેહ પંચમહાભુતમાં વિલીન થઈ ગયો.

હું આખી ઘટના વચ્ચે એક માણસને શોધી રહ્યો હતો, અને મને તે મળી ગયો. વાત પાંચ-છ દસક જુની છે,યોગીજી મહારાજ દિક્ષા આપી રહ્યા હતા, તેમના અનેક શીષ્યો હતા, તેમાં એક જ દિવસે દિક્ષા ધારણ કરનારમાં હરિપ્રસાદ સ્વામી અને અને પ્રમુખ સ્વામી બન્ને હતા, તેમણે તેમના ગુરૂ યોગીજી મહારાજ પાસેથી   ધર્મનું  શિક્ષણ સરખુ જ લીધુ  હતું, પણ સમયનું ચક્ર પોતાનું કામ કરી રહ્યુ હતું, સમય જતા બન્ને અલગ થયા અને તેમની પાછળ તેમનો મોટો અનુયાયી વર્ગ હતો,  બન્નેનો પંથ અલગ હોવા છતાં તેઓ એક જ ગુરૂના સંતાન હતા, તેમનો ઈશ્વર પણ એક હતો, આ બહુ સ્વભાવીક હતું એક જ માતાની કુખે  જન્મેલા બે સંતાનો અલગ હોઈ શકે છે..

પ્રમુખ સ્વામીનો પથ બાપ્સના નામે ઓળખાવવા લાગ્યો જયારે હરિપ્રસાદ સોખડા મંદિરના નામે ઓળખવા લાગ્યા, બન્ને સંત હોવા છતાં માણસ હતા કયારેકને કયારેક એક બીજા વચ્ચે જાણે અજાણે એકબીજા કરતા આગળ જવાની હરિફાઈ પણ થઈ હશે. બન્ને વચ્ચે નારાજગી પણ હશે. પણ જયારે પ્રમુખ સ્વામી નથી રહ્યા તેવા સમાચાર મળ્યા ત્યારે હરિપ્રસાદ સ્વામી કેનેડાના ટોરેન્ટોમાં હતા, હજી તેમને ત્યાં પહોંચી અડતાલીસ કલાક પણ થયા ન્હોતા, તેમનું  મન વિહવળ થઈ ગયુ, તે તેમનો સખા હતો, સાથે રહ્યા હતા, સાથે ભણ્યા હતા, પથ અલગ હોવા છતાં તે તેમનો પોતાનો હતો, કદાચ હરિપ્રસાદસ્વામીનું મન એક આમ આદમીના મનની જેમ વિચારી રહ્યુ હતું, તેમની લાગણીઓ અને યાદો તેમની ઉપર હાવી થઈ રહી હતી,તેઓ  હજી હમણાં જ ભારતથી આવ્યા હતા, તેમણે નક્કી કર્યુ તે ભારત પાછા ફરશે અને સત્તર કલાકની હવાઈ મુસાફરી કરી તે પોતાના સખાને છેલ્લી વખત મળવા પાછા આવ્યા.

મને આશ્ચર્ય તે વાતનું છે કે નરેન્દ્ર મોદીએ  ભાવવિભોર ભાષણ કર્યુ તેની નોંધ બધાએ જ લીધી પણ પ્રમુખ સ્વામીને  તેમનો એક જુનો સખા  મળવા આવ્યો, તેની નોંધ એક  સંપ્રદાયના  વડા તરીકે લેવાઈ પણ પ્રમુખ સ્વામીના મીત્ર તરીકે ના લેવાઈ, સાધુત્વ ધારણ કર્યા પછી તમામ સંબંધોનો અંત આવે છે, તેવુ કહેવુ બહુ સહેલુ છે, પણ માણસનું હ્રદય કયારે નિયમો અને શાસ્ત્રો પ્રમાણે વ્યવહાર કરતુ નથી, પ્રમુખ સ્વામીના અંતિમ દર્શને આવેલા તેમના સખા હરિપ્રસાદ સ્વામીએ જયારે પોતાના સાથીનો નશ્વર દેહ જોયો ત્યારે તેમણે  અગીવાર વખત દંડવત પ્રણામ કર્યા હતા, કદાચ તેમના પ્રણામ  કહી રહ્યા હતા, દોસ્ત આપણે અલગ હોવા છતાં તારી મહાનતાને લાખ લાખ પ્રણામ કરૂ તો પણ ઓછુ છે. જીંદગીભર આપણે અલગ ચાલ્યા છતાં આજે તુ અચાનક નિકળી મારી કરતા આગળ જતો રહ્યો અને ફરી હું પાછળ રહી ગયો.

અગીયારમાં દંડવત પ્રણામ કરી ઉભી થઈ રહેલા હરિપ્રસાદ સ્વામીએ પોતાની ઉપરનો કાબુ ગુમાવી દીધો, અને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા, તેમના આંસુ કદાચ કહી રહ્યા હતા, આજે મારી પાસે પોતાની નારાજગી બતાડી શકુ તેવુ પણ કોઈ રહ્યુ નથી, એક તુ હતો જેની સામે મને ગુસ્સો પણ હતો છતાં તુ મારો હતો, આજે તુ પણ મને મુકી ચાલી નિકળ્યો ત્યારે મારી પાસે નારાજ થવાનું કારણ પણ રહ્યુ નથી પણ આ વખતે ત્યાં હાજર અનેક મોટા લોકો અને હજારોની ભીડને બે સખાઓના આખરી મીલન અને વેદનાનો અંદાજ જ ન્હોતો. મારે મન આ મીત્રતા એક નવા અક્ષરધામના નિર્માણ કરતા મોટી છે. કારણ તેમા માણસ જીવી ગયો હતો.

Sunday, August 21, 2016

તમને મળવાનું થાય નહીં તો હવે અફસોસ નથી, થોડામાં જીવી છુ અનેક ભવોનું.....

વેદાંત પોતાની ડાંગમાં હમણાં  શરૂ થયેલી નવી સાઈટની ઓફિસમાં બેઠો હતો, ઓફિસની બારીના  પારદર્શક કાચમાંથી તે બહાર જોઈ રહ્યો હતો, ધીમો  વરસાદ વરસી રહ્યો હતો, છતાં સાઈટ ઉપર મજુરો કામ કરી રહ્યા હતા, તે શુ વિચારમાં હતો તેની  પોતાને  પણ ખબર ન્હોતી, છતાં તેનું મન એકદમ શાંત હતુ, તે વિચારશુન્ય હતો, ત્યારે જ તેના ધ્યાનમાં આવ્યુ કે બહાર કામ રહેલી એક યુવતીએ વેદાંતને જોતા જ પોતાના માથે ઓઢી લીધુ હતું, આ એક સંજોગ હતો, પણ કદાચ પેલી મજુર યુવતીને લાગ્યુ કે વેદાંત તેને જ નીરખી રહ્યો છે, પણ વેદાંતની પહેલી નજરમાં તેના મગજના તારમાં ઝબકારો થયો, તેને લાગ્યુ આને તો હું મળ્યો છુ.. તેણે ખુબ યાદ કરી જોયુ પણ કઈ જ યાદ આવ્યુ નહીં, તે જ વખતે વેદાંતની ઓફિસમાં કામ કરતા મુનીમ કાકા આવ્યા, તેમણે સાહેબ કહેતા વેદાંત એકદમ  ઝબકી ગયો, તેમણે કેટલીક સહી લેવા માટે વેદાંત સામે કાગળો ધર્યા, હજી વેદાંતની નજર પેલી યુવતી તરફ જ હતી, મુનીમકાકાએ પણ વેદાંતની નજર કયા છે તે જોઈ લીધુ હતું.વેદાંતે પેન હાથમાં લેતા પુછયા મુનીમકાકા.. પેલી છોકરી કોણ છે. તેમ કહી તેણે બારીની બહાર કામ કરતા મજુરો તરફ ઈશારો કર્યો, કાકાને આશ્ચર્ય થયુ કારણ તે વેદાંતને નાનો હતો ત્યારથી ઓળખતા હતા, કાકા પહેલા વેદાંતના પપ્પા સાથે કામ કરતા હતા અને તેમના ગુજરી ગયા પછી વેદાંત સાથે કામ શરૂ કર્યુ હતું, પણ આજ સુધી વેદાંતે કોઈ સ્ત્રી સામે ઉચી નજરે જોયુ ન્હોતુ તો આજે શુ થયુ..

મુનીમકાકાએ પોતાના ચશ્મા સરખા કરી બારી બહાર જોઈ કહ્યુ... કોણ પેલી માથે ઓઢયુ છે.. વેદાંતે હા પાડી. કાકાએ કહ્યુ તે તો  શ્યામલી છે.. વાંસદા પાસેના  ગામની  છે, વેદાંત કઈક વિચારતો રહ્યો.. મુનીમકાકાએ પુછયુ શુ થયુ સાહેબ..વેદાંતે તરત સીધા ફરી કાગળો ઉપર સહીઓ કરતા કહ્યુ કઈ નહીં મુનીમકાકા અમસ્તુ જ પુછતો હતો.પછી દિવસો પસાર થવા લાગ્યો, વેદાંતને કોણ જાણે શ્યામલીનો ચહેરો પોતાની આંખ સામેથી હટતો જ ન્હોતો તે  સતત તેના વિચારોમાં રહેવા લાગ્યો,શ્યામલી ગોરી પણ ન્હોતી અને કાળી પણ ન્હોતી, તેનો રંગ આછો તપકીરી રંગ હતો, જાણે હમણાં માટીનું તાજુ લીપળ કર્યુ હોય તેવુ લાગતુ હતું, એકવડી બાંધો હતો, રોજ મજુરીએ આવતી હતી, હવે તો શ્યામલીને પણ ખબર પડી કે વેદાંત તેને જોયા કરે છે, જો કે તેને આ પ્રકારે ધારીને અનેક પુરૂષો જોતા હતા, પણ કોણ જાણે શ્યામલીને વેદાંતની નજરની બીક લાગતી ન્હોતી આમ કરતા કરતા છ મહિના થયા,એક દિવસ વેદાંતે સુચના આપી શ્યામલીને પોતાની ઓફિસમાં બોલાવી, સાઈટ ઓફિસ હતી અને લગભગ ચારે તરફથી ખુલ્લી જ હતી એટલે બહાર ઉભી રહેલી વ્યકિતઓ પણ અંદર જોઈ શકે તેમ હતું, એટલે વેદાંત કઈ છુપાવી શકે તેમ ન્હોતો, શ્યામલી આવી.....

શ્યામલી આવતા જ વેદાંત તરત ઉભો થયો તેણે શ્યામલીને સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો , પહેલા તેણે ના પાડી પણ ફરી વખત ઈશારો કરતા તે ખુરશીમાં બેઠી, વેદાંત ઉભા  થઈ ટેબલની બહાર આવ્યો, ઓફિસના ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી, ગ્લાસમાં પાણી ભરી શ્યામલી સામે મુકયો, તે વખતે શ્યામલીએ નજર ઉપર કરી વેંદાત સામે જોયુ, શ્યામલી કામ કરતા કરતા આવી હતી તેના કારણે તેના કપાળ ઉપર પરસેવાની બુંદો હતી, એક ક્ષણ તો વેદાંતને લાગ્યુ કે હાથ રૂમાલ કાઢી તેનો પરસેવો લુછે, પણ તે તેવુ કરી શકયો નહીં, વેદાંત એકદમ બારી પાસે ગયો અને બહારની તરફ નજર કરી અદબવાળી ઉભો રહી ગયો, તેના શ્વાસ ઉંડા ચાલતા હતા, શ્યામલીએ પાણીનો ગ્લાસ મોંઢે માડયો અને એકી શ્વાસે પાણી પી ગઈ, તેણે ગ્લાસ મુકતા વેદાંત સામે જોયુ.. તેની શ્યામલી તરફ પીઠ હતી, શ્યામલીને હજી ખબર ન્હોતી કે તેને કેમ બોલાવી છે, એટલે તેણે કહ્યુ સાહેબ મને કેમ બોલવી છે.. તે શબ્દ સાંભળતા જ વેદાંતે પીઠ ફેરવી શ્યામલી સામે જોયુ.. તે જોતો જ રહ્યો અને બે ડગલાં આગળ આવી ઉભો રહ્યો તેની અને શ્યામલીની નજર એક થઈ હતી, તે એકીટશે શ્યામલીની આંખો વાંચી રહ્યો હોય તેવુ લાગતુ હતું., બન્ને વચ્ચે કોઈ સંવાદ ન્હોતો

તેણે ધીમા અવાજે વિનંતીના સુરમાં પુછયુ.. શ્યામલી.. પછી થોડુ રોકાયો અને પુછયુ મારી સાથે લગ્ન કરીશ, શ્યામલીના ચહેરા ઉપર કોઈ ડર અથવા સંકોચ કે પછી ગુસ્સો ન્હોતો, તેણે પણ એટલા જ ધીમા અવાજે પુછયુ સાહેબ તમારા લગન નથી થયા ..વેદાંતે પોતાના ફેફસામાં શ્વાસ ભરતા કહ્યુ થયા છે, અને એક દિકરો પણ છે.. તો પણ હું તારી સાથે લગ્ન કરવા માગુ છુ.શ્યામલી જોઈ રહી કઈ જવાબ આપ્યો નહીં..શ્યામલીને ચુપ જોઈ વેદાંતે કહ્યુ તારી સાથે જોઈ જબરજસ્તી નથી, તુ મારે ત્યા કામ કરે છે તેનો ફાયદો લેવા પણ માગતો નથી, મને તુ ગમે અને તને હું મારી પત્ની બનાવવા માગુ છે એટલુ મારે તને કહેવાનું હતું, નિર્ણય તારો જ રહેશે.. બન્ને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. સંવાદ વગર પણ વાત તો થઈ રહી હતી, શ્યામલી કઈ પણ બોલ્યા વગર ઉભી થઈ ચાલવા લાગી, શ્યામલીનો નિર્ણય કઈ પણ હોઈ શકે, પણ વેદાંતે પોતાની વાત કહી દીધી હોવાને કારણે તેના મનનો ભાર હળવો થયો હતો.. તે હવે ફરી બારીની બહાર વરસતા વરસાદને જોઈ રહ્યો હતો, વરસાદની બુંદો વૃક્ષના પાદડા ઉપર બાજેલી હોવાને કારણે પાદડા જાણે વેદાંત સાથે વાત કરી રહ્યા હોય તેવો તેને ભાસ થતો હતો.. બીજા છ મહિના પસાર થઈ ગયા પછી વેદાંતે કયારેય શ્યામલીને પોતાની ઓફિસમાં બોલાવી ન્હોતી, તે રોજ કામ ઉપર નિયમિત આવતી હતી...

સાઈટનું કામ પુરૂ થવા આવ્યુ હતું, હવે વેદાંત અમદાવાદ પાછો ફરવાનો હતો, કેટલાંક હિસાબો કરવાના બાકી હતા તે કરી રહ્યો હતો ત્યારે જ તેના કાને અવાજ સંભળાયો.. સાહેબ તેણે નજર ઉચી કરીને જોયુ તો સામે શ્યામલી હતી, તે તરત ફાઈલ બંધ કરતા અંદર આવવાનો ઈશારો કર્યો, તે અંદર આવી અને કીધા વગર ખુરશીમાં બેસી ગઈ.. પહેલા ખાસ્સો સમય નજર નીચી રાખી બેસી રહી, પછી તેણે નજર ઉચી કરતા પુછયુ સાહેબ સાચ્ચે જ લગન કરવા માગો છો. વેદાંત પોતાની કોણીઓ ટેબલ ઉપર ટેકવી આગળ આવતા કહ્યુ હા શ્યામલી તુ મને ગમે છે  અને હું તારી સાથે લગન કરવા માગુ છુ. તે જ દિવસે સાંજે વેદાંત ડાંગના જ એક મંદિરમાં શ્યામલીને લઈ ગયો અને ભગવાનની સાક્ષીએ તેના માથામાં સિંદુર ભરી તેને પત્નીનો દરજ્જો આપ્યો. આ વાતની જયારે બધાને ખબર પડી ત્યારે આધાત લાગ્યો હતો, આટલો મોટો શેઠ મજુર સાથે લગ્ન કરે, પણ સૌથી વધુ આધાત તો મુનીમકાકાને લાગ્યો, કારણ સૌથી પહેલા તેમની નજર સામે વૈદેહી આવી હતી, હવે વૈદેહી અને વિરાજનું શુ થશે તેની કલ્પનાએ તેમને ડરાવી મુકયા હતા......

બીજા દિવસે વેદાંત શ્યામલીને લઈ અમદાવાદ જવા નિકળ્યા, શ્યામલી પાસે પોતાનું એક નાકડુ પોટલુ હતું જેમાં તેના કપડા સિવાય કઈ ન્હોતો, હવે વેદાંતના મનમાં પણ ગડમથલ ચાલી રહી હતી, રસ્તામાં વેદાંતે પોતાના ઘરમાં કોણ કોણ છે તેની જાણકારી આપી હતી, અમદાવાદના નવરંગપુુરાા  વિસ્તારમાં વેદાંતનો આલીશાન બંગલો હતો, કાર બંગલાના કંપાઉન્ડમાં દાખલ થતાં શ્યામલી આટલુ મોટુ ઘર જોઈ દંગ રહી ગઈ હતી, ડોરબેલ વાગડતા જ નોકરે દરવાજો ખોલ્યો, ત્યાં જ અંદરથી એક અવાજ સંભળાયો શંકર કોણ આવ્યુ છે.. સ્ત્રીનો અવાજ સાંભળી શ્યામલીના પગ એક ક્ષણ માટે થંભી ગયા, વેદાંતે તેના ખભા ઉપર હાથ મુકી અંદર આવવા કહ્યુ. ત્યાં વૈહેદી બહાર આવી, પણ વેદાંત સાથે કોઈ સ્ત્રી જોતા તે પણ અટકી ગઈ, વેદાંતે શ્યામલી તરફ ઈશારો કરતા કહ્યુ આ શ્યામલી છે હવે આપણી સાથે રહેશે, વૈદેહી સ્તબ્ધ થઈ ગઈ, વેદાંત કહ્યુ હું તારી સાથે વાત કરીશ, પછી બધા સાથે જમ્યા પણ ત્રણે વચ્ચે કોઈ સંવાદ થયો નહીં..જમીને ઉભા થયા ત્યારે વિરાજના રડવાનો અવાજ આવ્યો. એટલે તરત વૈદેહી ઉભી થઈ બેડરૂમમાં ગઈ અને વિરાજને તેડીને બહાર આવી, શ્યામલી નાનકડા વિરાજને જોઈ રહી હતી, વિરાજ બે વર્ષનો હતો, પણ જેવી વિરાજની નજર એક નવા ચહેરા ઉપર પડી તેની સાથે તેણે રડવાનું બંધ કરી દીધુ અને તેના ચહેરા ઉપર એક હાસ્ય આવ્યુ જાણે તે પણ શ્યામલીને ઓળખતો હતો, વિરાજ મોંગલ ચાઈલ્ડ હતું, પણ વેદાંત અને વૈદેહી તેને ખુબ પ્રેમ કરતા હતા, સામાન્ય રીતે મોંગલ ચાઈલ્ડ સામાન્ય માણસો જેમ લાંબુ જીવતા નથી.

તે રાત્રે વેદાંતે બેડરૂમમાં વૈદેહી સામે બધી જ વાત કરી તે ખુબ રડી હતી, વેદાંત પણ રડયો તેણે કહ્યુ જો વૈદેહી હું તને પ્રેમ કરતો નથી તેવી વાત નથી, હું તને પહેલા દિવસે પ્રેમ કરતો હતો એટલો જ આજે કરૂ છુ, પણ ખબર નહીં કેમ મારી જીંદગીમાં શ્યામલી કયાંથી આવી તેની મને ખબર જ પડતી નથી, આવુ કેમ થયુ તેનો કોઈ તર્ક મારી પાસે નથી, હું તને પણ છોડવા માગતો નથી, આપણે સાથે રહેવુ છે. વૈદેહી કઈ બોલી નહીં, પછી વેદાંત અને વૈદેહી વચ્ચે ઘણા દિવસ સુધી કોઈ વાત થઈ નહીં, વેદાંત પણ અંદરથી ડીર્સ્ટબ હતો તેને એ પણ સમજાતુ હતું કે કદાચ આવતીકાલે વૈહેદી આવો નિર્ણય કરે તો તેના માટે કેટલો અસહ્ય બની જાય, પણ તે દરમિયાન બન્યુ એવુ કે વિરાજ બીમાર પડયો તેની તબીયત એકદમ બગડી , તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો, તેને ઘરે લાવ્યા પછી શ્યામલી તેની દરકાર લેતી હતી, પહેલા તો વૈદેહીને તે બાબત ગમતી ન્હોતી, પણ તેણે જોયુ તો વિરાજ પોતાની પાસે ખુશ રહેતો તેના કરતા વધુ શ્યામલીના હાથમાં હોય ત્યારે વધારે ખુશ લાગતો, આવુ કેવી રીતે થાય તે વૈદેહીને પણ સમજાતુ ન્હોતુ.

ધીરે ધીરે વૈદેહી શ્યામલી સાથે વાત કરવા લાગી હતી, જો કે તેની વાતમાં પોતાનાપણુ ન્હોતુ, છતાં અસ્વીકાર પણ ન્હોતો, કયારે ખરીદી કરવાની હોય તો તે શ્યામલીને સુચના આપતી કે વેદાંત સાથે શોપીંગ મોલમાં જઈ આવ.અને બન્ને સાથે બહાર જતા હતા, વેદાંત અસમંજસમાં હતો વૈદેહીના વ્યવહારથી, બીજી તરફ  વિરાજ મોટો થવા લાગ્યો હતો, વિરાજ અને શ્યામલીને સાથે જુવો તો લાગે કે શ્યામલી જ તેની સગી મા છે, તે વિરાજનું ખુબ ધ્યાન રાખતી હતી, તે પણ તેને ખુબ પ્રેમ કરતો હતો. પછી ફેમેલી ફંકશનમાં વેદાંત-વૈદેહી અને શ્યામલી સાથે જતા હતા, ફંકશનમાં જતા પહેલા વૈદેહી કેવુ ડ્રેસીગ કરવુ તેની સુચના શ્યામલીને આપતી હતી,  વિરાજ સ્પેશીયલ સ્કુલમાં જતો હતો, પેરેન્ટ મિટીંગમાં વૈદેહી અને શ્યામલી સાથે જ જતા હતા, એક વખત એક શિક્ષકે શ્યામલીનો પરિચય પુછતાં વૈદેહી કહ્યુ હતું વિરાજને બે મમ્મી છે, તે વખતે શ્યામલીએ વૈદેહીએ સામે આદરભાવથી જોયુ અને તેની પાપળો બહાર આવી રહેલા પાણીને રોકી શકી ન્હોતી.

વિરાજ પંદર વર્ષનો થયો હશે ત્યારે તેને એકદમ ઉઘરસ આવવા લાગી, ઘરમાં વૈદેહી અને શ્યામલી એકલા જ હતા, તેમણે બધા જ પ્રયત્ન કર્યા પણ કોઈ ફેર પડયો નહીં, શ્યામલીએ તરત વેદાંતને ફોન કર્યો તેણે વિરાજને લઈ હોસ્પિટલ પહોંચવાની સુચના આપી અને તે પણ ત્યાં સીધો પહોંચ્યો, વિરાજ આઈસીસીયુ વોર્ડમાં હતો, તેને સિવિયર એટેક આવ્યો હતો, ડૉકટરે કોઈ એક જ સગાને વિરાજ પાસે રહેવાની પરવાનગી આપી હતી, વૈદેહીએ જ શ્યામલીને વિરાજ પાસે રહેવાનું કહ્યુ હતું, વિરાજની આંખો બંધ હતી પણ તેણે શ્યામલીનો હાથ પકડી રાખ્યો હતો, ડોકટર મોનીટર પર હાર્ટ બીટ અને પલ્સ રેટ મોનીટર કરી રહ્યા હતા, ત્યારે વિરાજે પકડેલો શ્યામલીનો હાથ ઢીલો પડયો, શ્યામલીએ તરત ડોકટર અને મોનીટર સામે નજર કરી તેની પલ્સ તુટી રહી હતી, ડોકટરે તરત ઈજેકશન આપવાની શરૂઆત કરી શ્યામલી વિરાજનો હાથ પકડી રાખવા માગતી હતી, પણ તે પંજો ઢીલો પડી રહ્યો હતો ત્યારે પલ્સ અને હાર્ટ બીટ શુન્ય તરફ ગતી કરવા લાગ્યા હતા , વિરાજ બધાને મુકી ચાલી નિકળ્યા ત્યારે વૈદેહી અને શ્યામલી એકબીજાને વળગી ખુબ રડયા.

વિરાજ ગયો તેને એક મહિનો થયો હશે, શ્યામલી સવારે તૈયાર થઈ વૈદેહીએ પુછયુ કયાં જાય છે.. તેનો જવાબ સાંભળી તેણે બુમ પાડી વેદાંતને બોલાવ્યો. તે પણ શ્યામલીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો, શ્યામલીએ કહ્યુ હું જેને પ્રેમ કરતી હતી તે હવે અહિયા રહ્યો નથી, મને સતત એક એક રૂમમાં તેના હોવાનો ભાસ થાય છે તેણે વૈદેહીનો હાથ પકડતા કહ્યુ મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે આવતા જન્મે વિરાજ મારી કુખે આવે, હું મારા ગામ જઈ રહી છુ, કદાચ વિરાજ વગરની જીંદગી હું અહિયો કલ્પી જ શકતી નથી, તેની નાનકડી જીંદગીમાં તે મને ઘણુ જીવાડી ગયો, વેદાંત અને વૈદેહીને અનેક વિનંતી છતાં શ્યામલી પોતાને ગામ પાછી ફરી ગઈ, કયારેક વેદાંત અને વૈદેહી તેને મળવા ગામ જાય છે પણ તે અમદાવાદ પાછી કયારેય આવી નથી.

Saturday, August 20, 2016

ભીખા તુ ભણ્યો નથી, પૈસા-મંદિર અને સ્વામી નથી તો પછી તને કોણ સાંભળશે.

હુ રોજ સરદાર પટેલ સ્ટેડીયમાં દોડવા જઉ છુ, બહાર નિકળી ચ્હાની કીટલી ઉપર બેસુ ત્યારે ભીખો રસ્તો વાળવા માટે આવે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સફાઈ કર્મચારી છે, ગાંધીનગર અને ઉનામાં માહોલ ગરમ હતો ત્યારે પણ તે રોજ પ્રમાણે આવી પોતાનું કામ કરતો હતો, તેને તેના રાજયમાં શુ ચાલી રહ્યુ છે તેની કોઈ નીસ્બત ન્હોતી, કારણ જો તે તેનું કામ નહી કરે તો તેના ઘરનો ચુલો સળગશે નહીં, માન-અપમાનની વાત તો ત્યારે જ આવે જયારે પેટ ભરેલુ હોય છે, હું ભીખાને ઓળખતો નથી, પણ તેનો ફોટો લેતા પહેલા તેનું નામ પુછયુ માટે મને તેના નામની ખબર છે, કદાચ તેના પિતા પણ સફાઈ કામદાર હશે અને તેનો દિકરો પણ  ભવીષ્યમાં શહેરનો કોઈ રસ્તો જ સાફ કરતો હશે.

દલિત આંદોલનની તો હજી શરૂઆત થઈ છે, પણ મેં તેને બહુ નજીકથી જોયુ છે, મને ઘણી બાબતો ખરાબ લાગી છે, તેમાં દલિત નેતાઓ, , રાજનેતાઓ તો ઠીક પણ એક પત્રકાર તરીકે પણ મારા સમાજની વાતો મને કઠી છે, મને લાગ્યુ કે મારે તે અંગે પણ કઈક લખવુ જોઈએ તેમા મારા પત્રનું પાત્ર ભીખો હોવા છતાં કયાકને કાયક આપણે બધા જ ભીખા જ સાબીત થઈ છીએ તેવુ મને લાગી રહ્યુ છે.


દોસ્ત
 ભીખા કેમ છે

 તેવુ પુછીને હું તને દુખી કરવા માગતો નથી, કારણ તુ  કયારેય  સુખી ન્હોતો, 15મી ઓગષ્ટે ઉનામાં દલિતો ઉપરના અત્યાચારની રેલી નિકળી ત્યારે પણ તુ રોજ પ્રમાણે રસ્તો જ સાફ કરતો હતો, કદાચ તારે પણ ઉના તારી વાત કહેવા જવુ હશે, પણ તારી પાસે ઉના જવા માટેના પૈસા નહી હોય, પાટીદાર આંદોલન વખતે ઘણી બધી કારોમાં લોકો આવતા હતા ઓડી કાર લઈ અનામતની માગણી કરી હતી,તેઓ પછાત છે તે વાત તેઓ દમપુર્વક કહી શકતા હતા., પણ તારી પાસે અથવા તારા મીત્રો પાસે એક સાદી કાર પણ નથી , તને સફાઈ સિવાય બીજુ કોઈ કામ આવડતુ નથી, કારણ તુ ભણ્યો જ નથી.

તમે છેલ્લાં એક મહિનાથી બુમા પાડી કહી રહ્યા હતા કે અમને ઉનામાં માર્યા કેમ.. તે વાત પત્રકારો સરકાર  સુધી પહોંચાડવા માગતા હતાઅમે પ્રયત્ન પણ કર્યો રાહુલ, કેજરીવાલ અને રૂપાલાએ તમારા દલિત બંધુના ઘરે ચ્હા પીધી તેના ફોટા પણ પાડયા પણ 15મી ઉનામાં તમારૂ સંમેલન હતું ત્યારે આધાતજનક સમાચાર આવ્યા , પણ થાય શુ પ્રમુખ સ્વામી ગુજરી તેના કારણે અમારે પણ ત્યાં દોડી જવુ  પડયુ હતું, કમનસીબી એવી છે કે તમારી પાસે કોઈ મોટા મંદિર અને સ્વામી નથી, અને તમારા સગાસંબંધીઓ અમેરીકા રહેતા નથી, એક જ દિવસે બન્ને ઘટનાઓ હોવાને કારણે વિદેશમાં રહેતા અમારા દર્શકોનું પણ અમારે ધ્યાન રાખવુ પડેને.

 ઉના જેવી ઘટના તો ફરી થશે ત્યારે તમારી વાત પણ કરીશુ, અમારા ધંધા માટે પ્રમુખ સ્વામીની ઈવન્ટ મોટી હતી.. અને બીજી વાત તમારે ત્યાં ઉનામાં ગુજરાતમાંથી માંડ 15-20 હજાર માણસો આવ્યા હતા, જયારે બાપાને ત્યાં તો ખુદ નરેન્દ્ર મોદી સહિત બધા જ નેતાઓ અને વિદેશી ભકતો આવ્યા હતા, બધા જ બહુ રડતા હતા સારા વિઝયુઅલ પણ મળ્યા હતા.મને તો પહેલી વખત ખબર પડી કે કેજરીવાલ પણ બાપાને ઓળખતા હતા.વાત ટીઆરપીની હતી હોય ત્યારે અમારે તોં ધંધો કરવાનો છે, રડતા જ ચહેરા બતાડવા હોય તો દલિતોના શુ કામ બાપાના ભકતો જે  અમને જાહેર ખબર આપે છે તેમના જ બતાડવા પડેને..

ભીખા તને તો ખબર જ હશે, આ જીજ્ઞેશ મેવાણી નેતા થઈ ગયો તેની સામે અમારા જેવા બ્રાહ્મણ-પટેલ વાણીયાને તો વાંધો હોય પણ તમારા સમાજને પણ વાંધો છે, ઉનાની સભા પછી તોફાન થયા ત્યાર બાદ  જીજ્ઞેશ ભાગી ગયો તેવા મેસેજ તારા જ સમાજે ફરતા કર્યા હતા, કેટલાંકે તો પત્રકારોને ફોન કરી કહ્યુ હતું કે જીજ્ઞેશને ખોટો માથે ચઢાવો છો તુ સફાઈ કામદાર છે એટલે તારા ઘરે વણકરો પણ પાણી પીતા નથી, એટલે જીજ્ઞેશ સામે પણ વણકરોને વાંધો હોય તે સમજી શકાય છે, પણ આ બધા વાંધા પછી ઉભા કર્યા હોત તો શુ ખાટુ-મોળુ થઈ જવાનું હતું, તે ઉનામાં સભા કરે તો કોઈ ગાંધીનગરમાં,  વાત તો એક જ છે, તો તમે બધા સાથે કેમ નથી.. હજી પણ તમારે કેટલા વર્ષ અપમાન અને માર ખાવો છે..

ગુજરાતમાં તમારી વસ્તી પણ સાત ટકા છે, તમે ચુંટણી પણ કઈ ખાસ નડી શકતા નથી, તમે ભણ્યા નથી તમારી પાસે મંદિર નથી, તમારી પાસે પૈસા નથી, તમારી કોઈ સંત નથી, તમારા સગા એનઆરઆઈ નથી, તમારી પાસે કોઈ ઉધ્યોગપતિ નથી, તમારી પાસે કોઈ નેતા નથી તો પછી ભીખા અમારે અથવા અમારી સરકારે  તમારૂ શુ કામ સાંભળવુ પડે મને સમજાવીશ, અને તમારા  સમાજના જે લોકો અધિકારી થઈ ગયા છે અને  મંત્રી બની ગયા છે, તેમને તમારી જરૂર નથી, તેમને દલિત હોવાને કારણે ગાડી-બંગલો મળવાના હતા તે લઈ લીધા છે.

અરે ભીખા હું પણ કયા તારી સાથે માથાકુટ કરૂ છુ, તને પણ ખબર છે આવુ તો બધુ ચાલ્યા જ કરે છે, પાછી 2017ની ચુંટણી પણ માથા ઉપર છે, ફરી નેતાઓ તારા ઘરે આવશે, તને વ્હાલ કરશે, તારી ઘરે ચ્હા પીશે તો કોઈક જમી જશે, તેના ફોટા પણ છાપામાં છપાશે, વધારામાં  તારા મહોલ્લામાં જમવાનું અને દારૂ પીરશાશે  પણ વાંધો નહીં, પણ જો દારૂ અને જમવાનું મળતુ હોય તો દર મહિને ચુંટણી આવે તો પણ વાંધો નથી, આપણા બાપાને કેટલા ટકા.

.ચાલ કાલ ફરી આ જ રસ્તા ઉપર મળીશુ તુ રસ્તો વાળજે અને હું લોહી બાળીશ.

લીખીતંગ  તારા જેવો

 પત્રકાર ભીખો


તેનું નામ સ્વપ્ના, તે મારી પડોશમાં રહેતી.

તે સાવ નાની હતી, કદાચ ચાર-પાંચ વર્ષ નાની, તે અમારી પડોશમાં રહેવા આવી, પડોશમાં આવેલા પરિવારનું નામ માધવન કુટ્ટી હતું , તેઓ મલીયાલી( કેરાલીયન)  હતા. મીસ્ટર અને મીસીસી કુટ્ટી ભારત સરકારની કચેરીમાં નોકરી કરતા, તેમને બે દિકરીઓ મોટી સ્વપ્ના  અને નાની સજની, પહેલા સ્વપ્ના  કૌતુકભાવે અમારી ઘરે આવી હતી, તેની સાથે તેની સાવ નાનકડી બહેન સજની પણ હોય જ. મારા માતા-પિતા અને ભાઈ સાથે બન્ને બહેનોને ગોઠી ગયુ હતું, જો કે સજની નાની હોવાને કારણે કઈ બોલે નહીં પણ સ્વપ્ના વાતો કરે.

તેના ઘરમાં તેની ભાષા મલીયાલી, અમારી ભાષા મરાઠી બન્નેની ભાષા અલગ હોવા છતાં અમારી વાત-ચીતનો દૌર શરૂ થયો, જો કે સ્વપ્ના બહુ જલદી હિન્દી શીખી ગઈ, તેના કારણે વાંધો આવ્યો નહીં, તે મરાઠી બોલતી ન્હોતી, પણ બધી જ વાતો સમજી જતી, તેણે મને તેની ભાષા શીખવાડવાનો પ્રયત્ન પણ કરતી હતી. તે  નાની હોવા છતાં તેના ઉચ્ચારણો સ્પષ્ટ રહે તેનું ખુબ ધ્યાન રાખતી હતી, હું તેને પુછતો તેના નામ સપના હે, તે કહેતી નહીં મેં સ્વપ્ના હું. તે ઘરે આવે એટલે મારા મમ્મી-પપ્પા પુછે ખાના ખાયેગી.. તે હા પાડે તે પુછીએ કયાં ખાયેગી તે કહે વરણ-ભાત તુપ( મરાઠીમાં મોળી દાળને વરણ કહે અને ઘી ને તુપ કહે) પછી તે જમવા બેસે, જાણે બ્રાહ્મણ જમવા બેઠો હોય તેમ તબીયતથી જમે. આપણે તેને પુછીએ કૈસા થા ખાના તો મોંઢુ લુંછતાં કહે મેને ઐસા ખાના કભી નહીં ખાયા.. ત્યારે તે બહુ વ્હાલી લાગે.

તે જમાના ઘરમી ટીવી બહુ ઓછા , અમારા ઘરે, બન્ને બહેનો ટીવી જોવા આવે, ત્યારે જી ટીવી ઉપર જી હોરર શો નામની સિરિયલ આવતી હતી, મારો ભાઈ તે સિરિયલ જોતો હોય એટલે સ્વપ્ના અને સજની ઘરે આવી ટીવી સામે પલાઠી  મારી ટીવી જોવા લાગે, અમને ત્યાર બાદ ટીવી શો જોવા કરતા સ્વપ્નાના ચહેરાના હાવભાવમાં થઈ રહેલા ફેરફાર જોવા મઝા આવતી, તેના ચહેરા ઉપર દર્શ્યોની સાથે ફેરફાર શરૂ થાય તેને ડર લાગે , સજની નાની હોવાને કારણે તેને ભુત કોણ તેની ખબર જ પડતી ન્હોતી, તેમ છતાં સ્વપ્ના મોટી બહેન હોવાના દાવે જાણે સજનીને હિમંત આપતી હોય તેમ તેનો હાથ પકડી રાખે, અમે નક્કી જ કરી શકીએ નહીં કોણ કોને હિમંત આપે છે. પછી ઉભી થઈ ધીરે ધીરે ખસતી પોતાના ઘર તરફ જાય. હું તેને પુછુ કયા હુવા ડર લગા.. તે કહે ડર કિસ બાત કા અને પછી દોડતી પોતાના ઘરે જતી રહે.

તે અત્યંત નિદોર્ષ હતી, હું અને મારો ભાઈ સ્કુલથી આવી એટલે અમને ખુબ ઉંઘ આવે, અમારા માતા-પિતા પણ નોકરીએ ગયા હોય, પણ રોજ બપોરે અમે સુઈ જઈએ પછી કોઈને કોઈ અમારો દરવાજો ખખડાવે એટલે અમારી ઉંઘ બગડે, એક દિવસ મારા ભાઈને વિચાર આવ્યો તેને પડોશમાં સ્વપ્નાને કહ્યુ એક કામ કર તુ બહારથી અમારા દરવાજાને તાળુ મારી દે, પછી અમારે જયારે બહાર આવુ હશે ત્યારે અમે બુમ પાડીએ એટલે તુ દરવાજો ખોલજે. તાળુ મારવાનો ઈરાદો એટલો જ હતો કે કસમયે આવનાર તાળુ જોઈ જતા રહે તો ઉંઘ બગડે નહીં. સ્વપ્નાઓ તાળુ  મારી દીધુ, તેને આખા વાત બરાબર સમજાવી પણ દીધી હતી.

આવુ થોડા દિવસ ચાલ્યુ એક દિવસ અેક વ્યકિત બપોરના સમયે અમારી ઘરે આવી, તેની નજર તાળા ઉપર ગઈ, સ્વપ્ના પોતાના ઘરની જાળીમાં ઉભી હતી, એટલે પેલી વ્યકિતીએ સહજ ભાવે પુછયુ ઘરે કોઈ નથી, બહાર ગયા છે.. સ્વપ્નાએ જવાબ આપ્યો , વો લોગ અંદર હી હૈ, મુજે બતાયા કી કોઈ આયે તો બતાના કી બહાર ગયે હૈ. અમારી આખી મહેનત ઉપર પાણી ફરી વળ્યુ અને ડોરબેલ વાગી. તેના મમ્મી-પપ્પા નોકરી કરતા હોવાને કારણે તે હોશીયાર પણ થઈ ગઈ હતી, તેના મમ્મી તેને સુચના આપી જતા, અમારા સિવાય કોઈ પણ આવે તો તારે દરવાજો ખોલવાનો નહીં, ઘરના દરવાજાની આગળ લોંખડની જાળી હતી, તે જાળી બંધ કરી ઉભી રહેતી.

એક ઉનાળામાં કોઈ વ્યકિત અમારી ઘરે આવી અને ખરેખર ઘર બંધ હતું, ગરમીમાં આવેલી વ્યકિતને સ્વપ્નાએ જાણ કરી કે અમે બહાર ગયા છીએ, પેલી વ્યકિતએ નીસાસો નાખ્યો અને સ્વપ્નાને પુછયુ.. પાણી પીવડાવીશ. તે વિચારમાં પડી ગઈ, તેને સમજ તો પડતી હતી કે ગરમીમાં આવેલી વ્યકિતને પાણી આપવુ જોઈએ, પણ તરત મમ્મીની સલાહ યાદ આવી ગઈ તે કોઈ પણ આવે દરવાજો ખોલતી નહીં. તે કઈક વિચારી રસોડોમાં ગઈ, પાણાની ગ્લાસ ભરી લઈ આવી, પણ ગ્લાસ લોંખડીની જાળીમાં રહેલી જગ્યા કરતો મોટો હતો, એટલે તે ઘરની બહાર ઉભી રહેલી વ્યકિતીને પાણી આપી શકી નહીં. ફરી તેણે કઈક વિચાર કર્યો તે એક ક્ષણમાં પાછી આવી તેના હાથમાં ગ્લાસ અને સ્ટ્રો હતી, તેણે ઘરની અંદરથી પાણીનો ગ્લાસ પકડી રાખ્યો અને બહાર  ઉભી રહેલી વ્યકિતને સ્ટ્રો પાણી પીવાની સુચના આપી, પેલા મહેમાને પાણી પીધુ પણ ખરુ કારણ બીજો કોઈ વિકલ્પ ન્હોતો.

સ્વપ્ના અને સજની મોટા થયા, બન્નેના લગ્ન થયા અને વિદેશમાં સ્થાઈ પણ થઈ ગયા હું મારામાં વ્યસ્ત થઈ ગયા , આજે તેમના ઘરે પણ સંતાનો છે. રક્ષાબંઘનના દિવસે હું વોટસઅપ મેસેજ જોઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વિદેશી નંબર ઉપરથી હેપ્પી રક્ષાબંધન ભૈયા લખેલો મેસેજ આવ્યો.. મને લાગ્યુ કોણ હશે.. નંબર પણ સેવ ન્હોતો, મેં કોણ હશે તેવા પ્રશ્ન સાથે આવેલા નંબરનો ડીપી ફોટો જોયો અરે તે તો નાનકડી સ્વપ્ના હતી, મારી આંખ ભરાઈ આવી.. તે ભારત હતી ત્યારે લગ્ન બાદ પણ મારી ઘરે રાખી બાંધવા આવતી હતી.. જે નાનકડી સ્વપ્ના મને અને મારા પરિવારને તેની કાલીઘેલી ભાષા અને તેના ગતકડાઓથી હસાવતી હતી,આજે તેણે મને  રડાવ્યો હતો,  તે હવે મોટી થઈ ગઈ હતી. મને અચાનક તેની વર્ષો જુની વાતો યાદ આવી ગઈ.

સ્વપ્ના અને મારી વાત બહુત અંગત અને સાવ સામાન્ય વાત છે, પણ અહિયા લખવાનું કારણ જીવનમાં આવી નાની નાની બાબતો જ આપણને સુખ આપતી હોય છે.વિદેશમાં હજારો કિલોમીટર દુર રહેલી વ્યકિત જેને મળી વર્ષો થઈ ગયા, ફરી કયારે મળશે તેની ખબર સુધ્ધા નથી, છતાં તે તમને યાદ કરે છે અને કોઈક તમને પ્રેમ કરે છે તે અહેસાસ જ મને જીવવા માટે પુરતો લાગે  છે. જીવનની સફરમાં આપણને અનેક પાત્રો મળે છે, જુના પાત્રો ભુસતા જાય છે અને નવા ઉમેરાતા જાય છે, પણ કેટલાંક પાત્રો તેમની ગેરહાજરીમાં  પણ રંગમંચ ઉપર હાજર હોય છે, મારા  માટે મારી જીંદગીનું સ્વપ્ના એક એવુ જ પાત્ર છે. તે મને વધુ રડાવે તે પહેલા હું અહિયા જ અટકી જઉ.

Friday, August 19, 2016

મને દાંત કઢાવવાની પણ બીક લાગે છે તો પણ તુ મારી આંખોનું દાન કરજે.

પ્રિય
આકાશ અને પ્રાર્થના.

બે દિવસ પહેલા ફરસુભાઈ ગુજરી ગયા, મેં તેમના અંગે પોસ્ટ લખી હતી, તમે વાંચી જ હશે, મારી સાથે પ્રાર્થના તો એકાદ-બે વખત જીવન સંધ્યાવૃધ્ધાશ્રમમાં આવી પણ હતી. હું તમને ફરસુભાઈ અંગે કઈ કહેતો નથી, કારણ તમે તેમના નામ કરતા તેમના કામથી વધારે પરિચીત છો. તેઓ તેમના મૃત્યુ પહેલા પરિવાર માટે એક ચીઠ્ઠી પણ લખતા ગયા હતા, જે પણ મેં બ્લોગ ઉપર મુકી છે, તે પોસ્ટ વાંચી મારા મીત્ર અશ્વીન જાનીએ લખ્યુ કે મારા મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાન કરીશ.

પોસ્ટ ઉપર તેમની કોમેન્ટ વાંચ્યા બાદ જ મને તમને પત્ર લખવાની ઈચ્છા થઈ, આ વાત હું તમને એકલામાં પણ કહી શકતો હતો, પણ મારો આ નિર્ણય જાહેર અને લેખીત હોય તો, મારી ગેરહાજરીમાં તમને નિર્ણય લેતા સામાજીક પ્રશ્નો આવે નહીં તે માટે પત્ર લખી રહ્યો છુ. છેલ્લાં લાંબા સમયથી મને દાંતની તકલીફ છે, ડોકટરના કહેવા પ્રમાણે દાંત કઢાવી નાખુ તો મને રાહત થાય, પણ મને ઈંજેકશનની  અને દાંત ખેચી કાઢે તેની બીક લાગે છે. છતાં મારા મૃત્યુ પછી તમારે પહેલામાં પહેલુ દાન મારી આંખોનું કરવાનું છે. મેં મારા મનને સમજાવી દીધુ છે, મૃત્યુ પછી કોઈ પીડા થતી નથી.

આમ તો સ્વજનના મૃત્યુ પછી આપણે ત્યાં દાન કરવાનો રિવાજ તો છે જ અને જેમના પરિવારજનો દાન કરે છે તેમના સ્વજનનો આત્મને મોક્ષ મળે છે. મને આમ તો આ થીયરી   કયારેય  આકર્ષક લાગી નથી, છતાં એક તબ્બકે આપણે આ થીયરી સ્વીકારીને આગળ વધીએ તો મારી આંખો અને શરીરનું દાન જ મને શ્રેષ્ઠ લાગે છે, તેથી તમારે આ દાન માટે કોઈને પુછવાની જરૂર નથી. ફરસુભાઈની છેલ્લી ચીઠ્ઠી વાંચ્યા પછી મને સમજાયુ કે મૃત્યુ પહેલા  જો ઈશ્વર આપણી પસંદગી પુછતો હોય તો બ્રેઈનડેડ  મૃત્યુ સારુ  ગણાય, જો તેવુ કઈ થાય તો તમને વધુ અંગો દાન કરવાની તક મળશે.

બ્રેઈનડેડમાં મગજનું મૃત્યુ થાય છે, આપણા બાકીના સ્પેરપાર્ટ તો ચાલતા જ હોય છે. તો પછી આપણા ચાલુ પુર્જા કાઢી કોઈ માણસમાં બેસાડી દેવામાં આવે તો કઈ વાંધો હોવો જોઈએ નહીં. તો એક સાથે બે કીડની,અને એક લીવરનો પણ લાભ મળે આમ હ્રદય ધબકારા ચુકે તે પહેલા ચારથી પાંચ માણસો દોડતા થઈ જાય છે. તો આ વિકલ્પ પણ ખુલ્લો જ છે. મારી મા અને તમારી દાદીને  કેન્સર હતું તેની તમને જાણ છે, લગભગ પાંચ વર્ષ હું તેને નિયમિત દવાખાને લઈ જતો હતો, અમે દવાખાનાની બહાર નિકળીએ ત્યારે તેનો પહેલો  પ્રશ્ન રહેતો કેટલા પૈસા થયા, હું હસતો તેને કઈ જવાબ આપતો નહી, પણ તે જ કહેતી બહુ ખર્ચ થાય છે કેમ, ગરીબ માણસો શુ કરતા હશે દવા વગર જ મરી જાયને.

એક દિવસ તમારી દાદી અને હું એક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે ગયા હતા, ત્યાં એક બોર્ડ ઉપર તમામ ટેસ્ટના પૈસા લખ્યા હતા, તેનું ધ્યાન બોર્ડ તરફ હતું, તેણે બોર્ડ વાંચી લીધા પછી મને કહ્યુ આટલી બધી સારવાર મોંઘી છે, હું મરી જઉ તો તુ કોઈ વિધી કરાવતો નહીં કારણ બ્રાહ્મણો  શુ બોલે છે તેની આપણને કઈ ખબર પડી નથી અને હજારો રૂપિયા વિધીમાં જતા રહે છે, હું જઉ ત્યારે તુ બેસણુ પણ રાખતો નહીં અને વિધી પણ કરાવતો નહી,. પણ તે પૈસામાંથી કોઈની દવા કરાવજે. અને તમને ખબર છે આપણે તેમના ગયા બાદ કઈ જ કર્યુ નથી. એટલે હવે બાકીની વાત કહેવાનો તો કોઈ અર્થ જ નથી હવે  પરંપરા હવે આપણા પરિવારમાં આવી ગઈ છે.

મને જવાની કોઈ ઉતાવળ નથી, છતાં મેં જેમ તમને મારા બેન્ક એકાઉન્ટ  અને એલઆઈસી પોલીસી
 અંગેની માહિતી આપેલી જ છે, એટલી જ આ બાબત પણ સહજ છે, તમને મારી બધી જ વાતની ખબર હોવી જોઈએ, ઘરના વડિલો તને ત્યારે સમજાવશે અને ઘર્મની દુહાઈ આપી કહેશે, તે શરીર પંચમહાભુતમાં વિલીન થવુ જોઈએ નહીંતર મારો મોક્ષ નહીં થાય, તને એવુ પણ કહેશો કે જો તુ આ નિયમોને નહીં પાળે તો પિતૃદોષ લાગશે. પણ બેટા મને સમજાવો કોઈ જે માતા-પિતા જીવતા હોય ત્યારે બાળકોને નડતા નથી તો મૃત્યુ પછી તેઓ શુ કામ બાળકોને નડે. એટલે સમય પ્રમાણે જે કઈ દાન થઈ શકે તે કરજો અને અંતે મેડીકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે દેહદાન કરી દેજો.

હું જીંદગી મારી શરતો પ્રમાણે જીવ્યો છુ, તો જતી વખતે પણ મારી શરતો પ્રમાણે એકઝીટ થાય તે તમારે જ જોવુ પડશે. હુ જાઉ ત્યારે વધારે લોકોને જાણ પણ ના કરતા કારણ તમે કહેશો તો તેમને આવવુ પડશે,પણ  મારા મીત્રોને જરૂર કહેજો, કારણ જતાં તેમને તો મળવુ જ પડશે.કારણ મીત્રો વગર રહેવુ મારે માટે અઘરુ રહ્યુ છે. મહેફીલ છોડી જતો હોઉ ત્યારે તેમનો સાથ તો જોઈશે.અને બીજા દિવસથી તમે પણ કામે લાગી જજો કારણ મને મહેનત કરનારા લોકો ગમે છે રડનારા નહીં.

તમારા લાડકા પપ્પા..

પ્રશાંત દયાળ

 19-8-2016